રાજકોટ : ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ જોઈને ચોરી કરનાર કેવી રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
દિવાળીના વૅકેશનમાં તમે કોઈ પ્રવાસન સ્થળે ફરવા ગયા હોવ અને તમારા એ યાદગાર પ્રવાસની તસવીરો કે રીલ્સને તરત જ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર સ્ટેટસમાં મૂકતાં પહેલા વિચારજો. તમે પોસ્ટ કરેલી એ માહિતી તમને ભયંકર આર્થિક નુકસાન પણ કરાવી શકે છે.
રાજકોટના બે પરિવારોએ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરો પરથી જ માહિતી મેળવીને તસ્કરોએ તેમના બંધ ઘરમાં ચોરી કરી લીધી.
જોકે, ચોરીનો ભોગ બનેલા પરિવારને તેમણે સોશિયલ મીડિયા પર કરેલા પોસ્ટિંગની આડઅસરની જાણ ત્યારે જ થઈ જ્યારે પોલીસે ચોરને પકડ્યો અને આ ચોરે ચોરી કેવી રીતે કરી તેની કબૂલાત કરી.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
દિવાળી વૅકેશનમાં રાજસ્થાન ફરવા ગયેલા રાજકોટના રાહુલ દાફડાને 7 નવેમ્બરે તેમના પાડોશીએ તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી ત્યારે તેમણે પોતાનો પ્રવાસ ટૂંકાવીને માત્ર ત્રણ જ દિવસમાં રાજકોટ પાછા ફરવું પડ્યું.
રાજકોટના નાના મવા રોડ પર દેવનગર શેરીમાં રહેતા રાહુલ રમેશભાઈ દાફડા પોતાના પરિવાર સાથે 4 નવેમ્બરે બપોરે રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. પોલીસ ફરિયાદમાં રાહુલ દાફડાએ આપેલી વિગતો અનુસાર, તેમને જ્યારે તેમના પાડોશી અનિલભાઈ તેમના ઘરનાં તાળાં તૂટેલાં હોવાનું ફોન કરીને જણાવ્યું ત્યારે તેમણે તેમના રાજકોટમાં રહેતા ભાઈ અને મામાને એ ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું કહ્યું હતું.
8મી નવેમ્બરે મોડી રાત્રે રાજકોટ પરત ફરેલાં દાફડા પરિવારે ઘરમાં જઈને જોયું ત્યારે તેમને જાણ થઈ કે તેમનાં માતાની તિજોરી અને પત્નીની તિજોરીનાં તાળાં તૂટેલાં હતાં અને તેમાંથી લગભગ 40 હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ 1.13 લાખ રૂપિયાની ચોરી થઈ છે.
આ ચોરી અંગે રાહુલ દાફડાએ રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત પોલીસે આપેલી વિગતો અનુસાર રાજકોટ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં બ્લૉક નંબર 4માં રહેતા મનસુખભાઈ ચુડાસમા માંગરોળ પાસે આવેલા તેમના વતન મણજ ગામે દિવાળીની ઉજવણી માટે ગયા હતા. ઘર પાંચ દિવસ માટે બંધ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વતનથી ઘરે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું. ઘરમાં જઈને તપાસ કરતા ખબર પડી કે તિજોરીનું તાળું પણ તૂટેલું હતું. મનસુખભાઈને ઘરમાં ચોરી થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો. તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને રૂપિયા 1.20 લાખની ચોરી થઈ હતી.
પોલીસે કેવી રીતે ચોરને ઝડપ્યો?

ઇમેજ સ્રોત, Bipin tankaria
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસે ટૅક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી ઇરફાન કાદરીની ધરપકડ કરી છે. પોલીસે તેની સાથે કરેલી પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેને રાહુલ દાફડાનો પરિવાર બહાર ફરવા ગયો હોવાની જાણ તેમણે (રાહુલ દાફડાએ) ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ જોઈને થઈ હતી.
રાજકોટ ડીવાયએસપી બી. જે. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ, “દિવાળીના વૅકેશન દરમિયાન લોકો બહાર ફરવા કે વતનમાં જતા હોય છે. એ સમયે બંધ ઘરનો લાભ લઈને ચોર ચોરી કરતા હોય છે. રાજકોટમાં બંધ ઘરમાં ઘરફોડ કરનાર આરોપીને એલસીબી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માલવીયાનગર વિસ્તારમાં રહેતા રાહુલ દાફડા તેમના પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. તેમજ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલા સયાજી હોટલ સામેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા મનસુખભાઇ ચુડાસમા તેમના પરિવાર સાથે વતન ગયા હતા.”
બી. જે. ચૌધરીએ વધુમાં જણાવ્યુ કે “ફરિયાદીએ બહાર ફરવા ગયા હોવાનું ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ મૂક્યું હતું. આરોપી ઇરફાન કાદરી જે ફરિયાદી રાહુલનો ઇન્સ્ટાગ્રામ પર મિત્ર હતો. તેને એ સ્ટેટસ જોઈને જાણ થઈ કે ફરિયાદી બહાર ફરવા ગયેલા છે. એટલે આરોપીએ ખાલી ઘરમાંથી રૂપિયા 1.13 લાખની ચોરી કરી હતી. જ્યારે મનસુખભાઈ ગુજરાત હાઉસિંગના બોર્ડના ઘરમાં રહે છે. આરોપી ઇરફાન કાદરી પણ ગુજરાત હાઉસિંગમાં જ રહે છે અને તે મનસુખભાઈનો પાડોશી હતો. મનસુખભાઈનું ઘર ચાર પાંચ દિવસથી બંધ જોઈ તેણે તેમના ઘરેથી પણ રૂપિયા 1.20 લાખ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. એલસીબી ટીમે આરોપી પાસેથી રૂપિયા 3.44 લાખનો ચોરી થયેલો મુદ્દામાલ પાછો મેળવ્યો છે.”
ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ અને ચોરી?

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ દાફડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આરોપી ઇરફાન અને હું પહેલા સાથે વ્યવસાય કરતા હતા. પરંતુ અમારી વચ્ચે અણબનાવ થતા અમારી ભાગીદારી તૂટી ગઈ હતી. ત્યારબાદ છેલ્લાં દોઢ વર્ષથી અમારી વચ્ચે સુમેળભર્યા સંબંધ નહોતા રસ્તામાં ક્યારેક મળે તો ખબર-અંતર પુછવા જેટલા જ સંબંધ હતા."
"તે મારા ઘરે આવતો જતો હોવાથી તેની પાસે મારા ઘરનું સરનામું પણ હતું. ઇન્સ્ટાગ્રામમાં અમે બન્ને એકબીજાને ફૉલો કરતા હતા. મેં અમારા ફરવાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. મને નહોતી ખબર કે તે મારા ઇન્સ્ટાગ્રામનું સ્ટેટસ જોઈને મારા ઘરે ચોરી કરશે."
બી. જે. ચૌધરીએ વધુમાં જણાવ્યુ,"સ્થાનિક બાતમીદારોને આધારે તેમજ ટૅક્નિકલ સર્વેલન્સનો સહારો લઈને આરોપી ઇરફાન કાદરીની એલસીબી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યુ કે તે સોશિયલ મિડીયા પર લોકોનાં સ્ટેટસ જોતો અને ઘરેથી બહાર ફરવા ગયા હોય તેમના ઘરે રેકી કરીને તેને નિશાન બનાવી ચોરી કરતો હતો.
ઘર બંધ કરી બહાર ફરવા જાવ તો શુ ધ્યાન રાખવું?
ઘરને બંધ કરીને બહાર ફરવા જતાં લોકો માટે સાવચેતીનાં કેવાં પગલાં લેવાં જોઈએ તે વિશે વાત કરતા એસીપી ચૌધરીએ જણાવ્યુ, “બહાર ફરવા જાવ તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જાણ કરવી જોઈએ, જેથી પોલીસ પેટ્રોલિંગ સમયે ધ્યાન રાખી શકે અને કંઈ શંકાસ્પદ લાગે તો તરત જ તપાસ કરી શકે.
આ માટે પોલીસ સ્ટેશનમાં સાદી જ અરજી કરવાની હોય છે. જેમાં તમારી જવાની અને પરત આવવાની તારીખ લખવાની હોય છે.
બહાર ફરવા જાવ ત્યારે સોના, ચાંદી, ઝવેરાત કે રોકડ રકમ ઘરમાં ન રાખવી જોઈએ.
બૅન્કના લૉકરમાં કે સગા-સંબંધીનાં ઘરે સુરક્ષિત મૂકીને જવું જોઈએ.
આ ઉપરાંત પ્રવાસના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા તરત જ મૂકવાને બદલે પ્રવાસેથી પરત ફર્યા બાદ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા જોઈએ જેથી તેનો લાભ લેતાં તત્ત્વોનો ભોગ બનતા અટકી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












