અમરેલી : માતાની નજર સામે જ સાત વર્ષની દીકરીને સિંહણ ઉપાડી ગઈ, સિંહ આદમખોર બની રહ્યા છે?

ઇમેજ સ્રોત, getty/dhapa family
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
અમરેલી જિલ્લાના કંથારિયા ખાલસા ગામે 4 નવેમ્બર, સોમવારની સાંજે એક સિંહણે હુમલો કરીને માતા સાથે વાડીએથી પરત ફરી રહેલી એક સાત વર્ષની બાળકીને ફાડી ખાતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સિંહોના હુમલામાં શેત્રુંજી વન્યપ્રાણી વિભાગના અમરેલી જિલ્લાના વિસ્તારમાં માનવમૃત્યુની છેલ્લા 15 દિવસમાં બનેલી આ બીજી ઘટના છે.
વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આખી રાત શોધખોળ કરી 5 નવેમ્બર, મંગળવારની વહેલી સવારે સિંહણને પાંજરે પૂરતા સૌના જીવ હેઠા બેઠા હતા.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસસ્ટેશન ખાતે નોંધાયેલા એક કેસ મુજબ આ ઘટના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બની હતી.
પોલીસમથકે નોંધાયેલા કેસ મુજબ, ખેતમજૂરી કરતાં નીતા ધાપા વાડીમાં કામ કરી સાંજે પોતાનાં બે બાળકો સાથે ઘરે પરત ફરી રહ્યાં હતાં, ત્યારે ગામ નજીક આવેલા એક ખેતર નજીક સિંહણે હુમલો કરતા નીતાબહેનની સાત વર્ષની દીકરી કીર્તિનું મૃત્યુ થયું હતું.
ગીરના જંગલમાં વસતા સિંહો એમની એ ખાસિયત માટે જાણીતા છે કે તેઓ સામેથી છંછેડવામાં ન આવે ત્યાં સુધી કોઈ મનુષ્ય પર હુમલો નથી કરતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ બની છે તેમાં સિંહ અને સિંહણોએ મનુષ્યો પર હુમલો કરી રહ્યા છે તેવું ધ્યાનમાં આવી રહ્યું છે.
ગીરના સિંહોના વર્તનમાં બદલાવ આવી રહ્યો છે? તેમના વર્તનમાં ફેરફાર લાવે તેવા કયાં પરિબળો છે? આ સવાલો સાથે રાખીને બીબીસીએ આ ઘટના સંદર્ભે મૃતક બાળકી અને સિંહના વર્તનના અભ્યાસુઓ તથા જંગલ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી.

ઘરે આવતી બાળકીને સિંહણ ઉપાડી ગઈ

ઇમેજ સ્રોત, dhapa family
કીર્તિના પિતા મનોજ ધાપા એક જમીનવિહોણા ખેડૂત છે. તેઓ કંથારિયા ગામના કાળુભાઈ વેકરિયાની જમીન ભાગમાં રાખી ખેતી કરે છે.
તેમનાં પત્ની નીતાબહેન આ વાડીમાં કામ કરી પોતાની સાત વર્ષની દીકરી કીર્તિ અને ચાર વર્ષના દીકરા શિવમ સાથે ગામમાં આવેલા પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મનોજભાઈએ કહ્યું, "હું ટ્રૅક્ટર લઈને ગામના અન્ય એક ખેડૂતનાં ખેતરમાં વાવેતર કરી રહ્યો હતો, ત્યારે સાંજે લગભગ સાડા છ વાગ્યે મારી પત્નીએ મને ફોન કરી જાણ કરી કે સિંહણે કીર્તિ પર હુમલો કરીને તેને બાજુની ઝાડીમાં ખેંચી ગઈ છે. તેણે કહ્યું કે શિવમને તેણે પોતાના હાથમાં તેડ્યો હતો, જ્યારે કીર્તિ તેની પાછળ ચાલી રહી હતી ત્યારે રસ્તાના ત્રિભેટે સિંહણ અચાનક આવી ચડી. સિંહણ જે દિશામાં જતી હતી તે તરફના રસ્તે સામેથી બે પુરુષ આવતા હતા. તેથી, સિંહણ મારી પત્ની આવતી હતી તે રસ્તે વળી ગઈ અને મારી પુત્રીને ઉપાડી ગઈ."
મનોજભાઈએ ઉમેર્યું કે નજીકમાંથી પસાર થતા બે પુરુષો વધારે કંઈ કરી ન શક્યા.
"મારી પત્નીએ રાડારાડ કરી અને બે જણ જે બીજા રસ્તે જતા હતા તેમણે હોંકારા-પડકારા કર્યા, પણ સિંહણ તો આંખના પલકારામાં બાજુની ઝાડીમાં જતી રહી અને અંધારાને કારણે પછી દેખાવાનું બંધ થઈ ગયું."
કીર્તિને સિંહણ ઉપાડી ગયાના સમાચાર ફેલાતા ગામલોકો નાની બાળાને બચાવવા નીકળી પડ્યા અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ શોધખોળમાં જોડાયા. સાથે જ લોકોએ શેત્રુંજી વન્યપ્રાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ ઘટનાની જાણ કરી. પરંતુ શોધખોળના અંતે કીર્તિના મૃતદેહના અવશેષો જ હાથ લાગ્યા.
લગભગ પંદેરક દિવસ પહેલાં કંથારિયા ખાલસા નજીકના જીકાદ્રી ગામે સિંહણના હુમલામાં એક પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું અને વનવિભાગે આ 'હુમલો કરનાર' સિંહણને પકડી લીધી હતી.
કીર્તિને સિંહણ ઉપાડી ગઈ પછી કેટલાક ગામલોકો અને વનવિભાગના અધિકારીઓ વચ્ચે સિંહો દ્વારા માણસો પર થતા હુમલા બાબતે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી તેવું નજરે જોનારા સાક્ષીઓએ બીબીસીને કહ્યું હતું.
નાઇટવિઝન કૅમેરાનો ઉપયોગ કરીને સિંહણને પકડી
મનોજભાઈને બે સંતાનોમાં દીકરી કીર્તિ મોટી હતી.
તેઓ વલોપાત કરતાં કહે છે, "આ વર્ષે મેં તેને રાજુલાની એક શાળામાં પહેલા ધોરણમાં ભણવા માટે દાખલ કરી હતી. કીર્તિ રાજુલામાં જ હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. પરંતુ વૅકેશન હોવાથી નવા વર્ષના દિવસે હું તેને અમારા ઘરે કંથારિયા તેડી આવ્યો હતો. તેની મમ્મી સાથે તે વાડીએ ગઈ અને કાળ ભેટી ગયો."
કીર્તિ નામની બાળાને ઉઠાવી જઈને સિંહણ કંથારિયા ગામની સીમમાં આવેલી ઝાડીમાં અદૃશ્ય થઈ ગઈ હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા શેત્રુંજી વન્યપ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક જયન પટેલે જણાવ્યું કે રાતનો સમય હોઈ સિંહણ ઝાડીઝાંખરાંમાં ભરાઈ હોવાથી રેસ્ક્યૂ ઑપેરશન બહુ સાવધાનીપૂર્વક કરવું જરૂરી હતું. "ઝાડીઝાંખરાં ઉપરાંત એ વિસ્તારમાં છથી સાત ફૂટ ઊંચું ઘાસ પણ હતું. રાતનો સમય હોવાથી અમારો સ્ટાફ જો ઝાડીઝાંખરાંમાં પ્રવેશે તો તેના પર સિંહણ દ્વારા હુમલો થઈ શકવાની ભીતિ હતી. પરંતુ સિંહણ પર નજર રાખી તેને પકડવી પણ એટલું જ જરૂરી હતું."
"તેથી અમે સિંહો પર સંશોધન કરી રહેલા ડૉ. જલ્પન રૂપાપરા અને ડૉ. પૂર્વેશ કાચાનો સંપર્ક કરીને તેમના નાઈટવિઝન કૅમેરાવાળા ડ્રોનનો ઉપયોગ કરી રાત્રીના અંધારામાં પણ સિંહણ પર સતત નજર રાખી, તેને બાજુના કપાસના ખેતર તરફ ખસેડી અને છેવટે મંગળવારની વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે બેભાન કરી પાંજરે પૂરવામાં સફળતા મેળવી."
માનવી પર થતા હુમલા ચિંતાનો વિષય

ઇમેજ સ્રોત, Farouk kadri
શેત્રુંજી વન્યપ્રાણી વિભાગ જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળનો એક ભાગ છે અને કંથારિયાથી પકડી લેવાયેલી સિંહણની ઉંમર આઠથી નવ વર્ષ હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
સિંહણને પાંજરે પૂર્યાં બાદ જાફરાબાદ નજીક આવેલા બાબરકોટ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ સેન્ટર પર લઈ જવામાં આવી હોવાનું વનવિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું.
જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળનાં મુખ્ય વનસરંક્ષક આરાધના સાહુએ બીબીસીને જણાવ્યું, "લગભગ પંદર દિવસ પહેલાં જીકાદ્રી ગામે પણ સિંહના હુમલામાં એક બાળકનું મોત થયું હતું. બે અઠવાડિયાંમાં આવા બે બનાવ બન્યા તે ચિંતાનો વિષય છે."
આરાધના સાહુએ ઉમેર્યું કે "જીકાદ્રી ગામમાં બનેલા બનાવના થોડા સમય બાદ અમે હુમલો કર્યો હતો તે સિંહણને રેસ્ક્યૂ કરી હતી અને હજુ પણ તે ઑબ્ઝર્વેશન હેઠળ છે. કંથારિયાના બનાવમાં તો જે સિંહણે હુમલો કર્યો તેને કલાકોની અંદર જ પકડી લેવાઈ છે."
વનવિભાગના અધિકારીઓ જણાવે છે કે ગીરના સિંહો સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલો કરતા નથી, કારણ કે માણસ આ સિંહોનો શિકાર નથી. જોકે રતિક્રિયામાં રત કે નાનાં બચ્ચાંનો ઉછેર કરતા સિંહોનું માનવો પ્રત્યેનું વર્તન આક્રમક હોઈ શકે છે.
શેત્રુંજી વન્યપ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક જયન પટેલ કહે છે, "બાળકી પર સિંહણે કેવા સંજોગોમાં હુમલો કર્યો તે બાબતની તપાસ થઈ રહી છે પરંતુ આ તબક્કે સિંહણના આવા વર્તન બાબતે હજુ કંઈ કહી શકાય તેમ નથી. સિંહણને પકડીને દેખરેખ નીચે રાખવામાં આવી છે અને રેસ્ક્યૂ સેન્ટરમાં પણ તેનું વર્તન સામાન્ય લાગે છે. સિંહણને હડકવા થયો હોય તેવાં કોઈ લક્ષણ હાલ દેખાતાં નથી."
શું સિંહ હુમલાની નકલ કરીને માણસ પર હુમલો કરે?

ઇમેજ સ્રોત, Getty Images
જૂનાગઢના એનેસ્થેટિક ડૉ. પૂર્વેશ કાચાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ગીરના જંગલની બહાર રહેતા સિંહોનો માણસો સાથે સંપર્ક વધારે હોય છે, કારણ કે જંગલ બહાર તે એવા વિસ્તારમાં રહે છે જ્યાં માનવો વસે છે. સિંહો ઝાડી-ઝાખરાંમાંથી બહાર નીકળે એટલે તેને વાડી-ખેતરમાં માણસો દેખાય. સિંહોનો માણસોનો વધારે સંપર્ક થતો હોય છે. આવા સંજોગોમાં મેન-એનિમલ કૉન્ફ્લિક્ટ (માનવ અને રાનીપશુઓ વચ્ચે ઘર્ષણ)ની શક્યતા વધી જાય છે."
પરંતુ વનવિભાગના એક અધિકારીએ કહ્યું કે જીકાદ્રી અને કંથારિયા ખાલસાના બનાવના તાંતણા જોડાયેલા હોઈ શકે છે.
વનવિભાગના એક અધિકારીએ બીબીસીને નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે "જે જગ્યાએ બાળકી પર સિંહણે હુમલો કર્યો તેની આજુબાજુ ન તો કોઈ અન્ય સિંહ જોવા મળ્યા હતા કે ન તો કોઈ સિંહોનાં બચ્ચાં જોવાં મળ્યાં હતાં. તેથી આ સિંહણ મેટિંગ (સંવનનકાળ)માં હોય કે બચ્ચાંવાળી હોય તેવું લાગતું નથી. પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે સિંહણનો હુમલો ઈરાદાપૂર્વકનો હતો, કારણ કે તેણે બાળકી પર ન માત્ર હુમલો કર્યો, પણ તેને ખાઈ પણ ગઈ."
"બચાવમાં કરેલા હુમલામાં સામાન્ય રીતે સિંહ માણસને ઈજા કરીને જતા રહેતા હોય છે. હુમલા બાદ પણ સિંહણનું વર્તન માણસોથી તે બિલકુલ ડરતી ન હોય તે પ્રકારનું હતું. તેથી અમને શંકા છે કે આ સિંહણે માણસો પર હુમલા થતા જોયા હશે અને માણસોને પોતાનો ખોરાક માનવા લાગી હશે."
તેમના મતે, જીકાદ્રી અને કંથારિયા વચ્ચે માત્ર પાંચેક કિલોમીટરનું અંતર છે અને કંથારિયાની ઘટનાના 15 દિવસ પહેલાં જીકાદ્રીમાં આવી ઘટના બની હતી તે શંકા જન્માવે છે કે આ સિંહણે જીકાદ્રીની ઘટના જોઈ હોય અને તે પણ માણસો પર હુમલા કરવા લાગી હોય. ભૂતકાળમાં એવું બની ચૂક્યું છે.
તેઓ વધુમાં કહે છે, "2016માં અમરેલીના ધારી તાલુકાના આંબરડી ગામે આ રીતે એકબીજાના વર્તનની નકલ કરી સિંહોનો એક આખો પરિવાર કે જેમાં 13 સભ્યો હતા તે માણસો પર હુમલા કરવા લાગેલો અને ત્રણ મહિનામાં ત્રણ માનવમૃત્યુ નીપજાવેલા. તે જ રીતે 2022માં અમરેલીના સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામપુર અને વાવડી ગામે પણ ત્રણ બાળકોના સિંહો દ્વારા કરાયેલા હુમલામાં મૃત્યુ થયાં હતાં અને છેવટે સિંહોના એક આખા પરિવારને પાંજરે પૂરવો પડેલો, કારણ કે તે પરિવારના સભ્યો પણ એકબીજાના વર્તનની કૉપી કરી માણસો પર હુમલા કરવા લાગેલા."
કંથારિયામાં 10-12 વર્ષથી સિંહો વસવાટ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
ગીરનું જંગલ અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ફેલાયેલું છે. પરંતુ 2020માં પૂનમ અવલોકન દરમિયાન ગણાયેલા 674 સિંહોમાંથી લગભગ અડધા સિંહો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય, પાનિયા વન્યપ્રાણી અભયારણ્ય, મીતિયાળા વન્યપ્રાણી અભયારણ્ય અને ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય જેવા વન્યપ્રાણી માટે રક્ષિત વિસ્તારોની બહાર રેવન્યુ એટલે કે મહેસૂલી વિસ્તારો કે જ્યાં માણસોની વસ્તી વસ્તી હોય છે તેમાં નોંધાયા હતા. કંથારિયામાં પણ સિંહો રેવન્યુ વિસ્તારમાં સ્થાયી થયા છે.
કંથારિયા ગામના આગેવાન ઘોહાભાઈ વરુ જણાવે છે કે ગામમાં ટેકરીઓ અને ઝાડીઝાંખરાં હોવાથી એશિયાઈ સિંહો વસી ગયા છે.
"અમારા ગામમાં દસ-બાર વર્ષથી સિંહો સ્થાયી થયા છે અને અત્યારે સિંહોનાં ત્રણ ગ્રૂપ કંથારિયામાં રહે છે. સિંહો ક્યારેક ગામમાં પણ આવી ચડે છે અને રેઢીયાળ ઢોરનું મારણ કરે છે. પરંતુ મોટા ભાગના સિંહો હોંકારા-પડકારા કરીએ એટલે જતા રહે છે."
"પણ તેમાં ખાંડા કાનવાળી એક સિંહણ બહુ વધારે કડક છે. રસ્તામાં જો કોઈ તેને મોટરસાઇકલ લઈને પણ સામે મળી જાય તો આ ખાંડા કાનવાળી સિંહણ હટતી નથી. માણસોએ પાછા વળી જવું પડે અથવા બાજુમાં જતા રહેવું પડે."
સામાન્ય રીતે સિંહણના કાન વળેલા નથી હોતા પણ આ હુમલો કરનારી સિંહનો એક કાન વળેલો હોવાથી તેને સ્થાનિક વિસ્તારમાં ખાંડા કાનવાળી સિંહણ તરીકે ઓળખવામાં આવે છે.
ઘોહાભાઈ કહે છે, "આ ખાંડા કાનવાળી સિંહણે જ મનોજભાઈની દીકરી પર સોમવારે હુમલો કર્યો. જે જગ્યાએ સિંહણે હુમલો કર્યો ત્યાં એક બાજુની વાડીના શેઢે જાળી બાંધેલી છે અને બીજી બાજુ વીજપ્રવાહવાળો ઝટકા તાર બાંધેલો છે, તેથી મનોજભાઈનાં પત્ની સિંહણ આવી ત્યારે કૂદી ન શક્યાં અને સિંહણ તેમની દીકરીને ઉપાડી ગઈ."
ઘોહાભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે, "સિંહો આવવાથી આમ તો ગામને ફાયદો જ થયો છે, કારણ કે સિંહો આવવાથી રોઝ (નીલગાય) અને જંગલી ભૂંડનો ત્રાસ ઘટ્યો છે. ખેડૂતોએ હવે રાત્રે વાહુપુ (રાત્રે ખેતીપાકોને રાનીપશુઓ ચારી ન જાય તેની રખેવાળી) જવાની જરૂર નથી પડતી. અમારા ગામમાં દીપડા પણ રહે છે. પણ સિંહ કે દીપડાના હુમલામાં કંથારિયા ગામની કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવો તાજેતરનાં વર્ષોમાં આ પ્રથમ બનાવ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













