અમદાવાદ : 'ડિજિટલ અરેસ્ટ'થી ડરાવી રોજના દોઢ-બે કરોડની 'છેતરપિંડી' કરતી ગૅંગ કઈ રીતે પકડાઈ?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
તાજેતરમાં ગુજરાત પોલીસે ગત સોમવારે દિલ્હીમાંથી તાઇવાનની વ્યક્તિઓ દ્વારા ચલાવાતું કથિત છેતરપિંડીનું કૌભાંડ પકડી પાડ્યું હતું. અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે ગુજરાતના રહેવાસીઓ સાથે થયેલી કથિત છેતરપિંડીના આરોપમાં ભારતમાંથી કમ્પ્યુટર ઇજનેરી ભણેલા એવા એક તાઇવાનના નાગરિક સહિતના 17 આરોપીની ધરપકડ કરી છે.
આરોપ છે કે આરોપી મુ ચાંગ ભારતમાં દેશવ્યાપી નેટવર્ક થકી વરિષ્ઠ નાગરિકોને 'ડિજિટલ અરેસ્ટ' મારફતે ધમકાવી છેતરપિંડી કરતા હતા.
આ વર્ષે ઑગસ્ટ માસના અંતમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતાં દંપતી સાથે કથિતપણે સરકારી અધિકારીઓના સ્વાંગમાં દસ દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ'નો શિકાર બનાવી પોણા કરોડ રૂપિયા કરતાં વધુ રકમની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદ નોંધાતાં સાઇબર ક્રાઇમ પોલીસ હરકતમાં આવી હતી અને મુંબઈ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાન સહિતનાં લૉકેશનો પર દરોડા પાડી કથિતપણે દેશવ્યાપી કૌભાંડ ચલાવતી ગૅંગ પકડી પાડી હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપીઓ કથિતપણે વરિષ્ઠ નાગરિકોને તેમના ફોનથી 'ગેરકાયદેસર વ્યવહાર' થયા હોવાની વાત જણાવીને 'ડિજિટલ અરેસ્ટ' કરી પૈસા પડાવતા હતા.
પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સમગ્ર મામલાની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે આ ગૅંગ આ કથિત ગુના આચરીને દરરોજ દોઢ-બે કરોડ રૂપિયા આવા સિનિયર સિટીઝનો પાસેથી પડાવતી હતી.
પોલીસે કઈ રીતે કથિતપણે ઘણાં રાજ્યોમાં નેટવર્ક સંચાલિત કરી છેતરપિંડી કરતી ગૅંગને પકડી પાડી એ અંગેની વિગતો જાણીએ એ પહેલાં જાણીએ કે અમદાવાદના વૃદ્ધો સાથે ખરેખર કેવી રીતે છેતરપિંડી કરાઈ હતી.
શું હતો દસ દિવસ સુધી કથિત 'ડિજિટલ અરેસ્ટ'નો મામલો?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝને એમના મિત્ર મારફતે કરેલી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની સાથે થયેલી કથિત છેતરપિંડી અંગે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના જણાવ્યાનુસાર તેમને ઑગસ્ટ માસના અંતમાં અજાણ્યા નંબરથી વીડિયો કૉલ આવ્યો હતો. જેમાં પોલીસ યુનિફૉર્મમાં રહેલી એક વ્યક્તિએ પોતે મુંબઈ સાઇબર ક્રાઇમના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી હતી.
વૃદ્ધ આગળ જણાવે છે કે વીડિયો કૉલમાં આ વ્યક્તિના બૅકગ્રાઉન્ડમાં સરકારી ચિહ્ન દેખાતું હતું.
"આ વ્યક્તિએ મારા ફોન વડે દુબઈના માફિયાને પૈસા મોકલાયા હોવાની ફરિયાદ મુંબઈના ભાયખલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનું કહ્યું અને મારી પત્ની અને મારી ધરપકડ થશે એવી વાત કરી ભરોસો ન હોય તો વકીલને વાત કરી આવા કિસ્સામાં કેટલી સજા થાય છે એ પૂછવા જણાવ્યું."
તેમણે પોતાની સાથે બનેલી બીના વિશે વાત કરતાં આગળ કહ્યું કે આવી જ રીતે તેમને એ જ દિવસે અનુક્રમે સીબીઆઇ ઑફિસર અને ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધિકારી ગણાવતા લોકોના વીડિયો કૉલ આવ્યા. જેમણે પણ આ વૃદ્ધ દંપતીને કથિતપણે ધરપકડની બીક બતાવી હતી.
વૃદ્ધ આગળ જણાવે છે કે, "બીજા દિવસે સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ ફરી એક વાર વીડિયો કૉલ કરીને તપાસમાં સહયોગ આપવા કહેવામાં આવ્યું. જે માટે એક બૅન્ક ખાતામાં પૈસા જમા કરવાનું કહેવામાં આવ્યું અને કહેવાયું કે આ ટ્રાન્ઝેક્શનની તપાસ રિઝર્વ બૅન્ક કરશે અને જો નિર્દોષ હશો જણાશો તો તમામ પૈસા પાછા આપી દેવાશે."
વૃદ્ધે દાવો કર્યો હતો કે સતત દસ દિવસ સુધી આવા ફોન આવતા રહ્યા, ઉપરાંત તેમને ઘરથી બહાર નીકળવાની તેમજ તેમનો ફોન ઑબ્ઝર્વેશનમાં હોવાની વાત કરાઈ હતી. વૃદ્ધને કથિતપણે એવું કહી ગભરાવાનો પ્રયાસ કરાયો હતો કે જો તેઓ કોઈનેય ફોન કરશે કે વાત કરશે તો તેમની ધરપકડ કરાશે.
વૃદ્ધનો આરોપ છે કે, "આખરે અમે એ લોકોએ કહ્યું એ મુજબ બૅન્કમાંથી એક ટ્રાન્ઝેક્શન કર્યું અને ગણતરીની મિનિટોમાં અમારા ખાતામાંથી 79 લાખ રૂ. ઊપડી ગયા."
અંતે વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેમણે આ બનાવની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં કરી હતી.
'આરોપીઓની એક ભૂલથી કેસ ઉકેલાયો'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ કેસની વિગતો અંગે વાત કરતાં કહ્યું, "અમે એ દંપતીને ધ્યાનથી સાંભળ્યાં, એક એક મુદ્દાની બારીકાઈથી છણાવટ કરીઅને ટેકનિકલ ઍનાલિસીસ શરૂ કર્યું. અમે આ કેસમાં તપાસ કરીને જોયું કે ગણતરીની મિનિટોમાં જે રકમ આવે છે એને જુદા જુદા ભાગમાં 120 ફોનથી તરત જુદી જુદી બૅન્કમાં ટ્રાન્સફર કરાય છે, જેથી પોલીસ ફરિયાદ થાય તો અમે બૅન્ક ખાતાં સીઝ કરીને રકમ પછી ના લાવી શકીએ."
પોલીસના જણાવ્યાનુસાર તેમણે આરોપીઓ જે ઇન્ટરનેટ એકાઉન્ટથી ઑપરેટ કરતા હતા તેનું આઇપી ઍડ્રેસ શોધ્યું તો માલૂમ પડી કે એ તાઇવાનનું રજિસ્ટર્ડ એકાઉન્ટ હતું.
તેઓ કહે છે કે આ કેસમાં તેમણે કોઈ બૅન્ક એકાઉન્ટ ફ્રીઝ ન કર્યાં, જેથી શંકાને કારણે આરોપીઓ ફોન બંધ કરી દે.
પોલીસ અધિકારી માંકડિયા કહે છે કે, "અમે આરોપીઓને 24 કલાક ટ્રૅક કરતા રહ્યા. આ જ દરમિયાન માલૂમ પડી કે વડોદરાના તરસાલીથી આ સમગ્ર મામલા સાથે સંકળાયેલ એક કૉલ સેન્ટર ઑપરેટ થતું હતું. જ્યાં દરોડો પાડી જયેશ સુથાર અને લીલેશ પ્રજાપતિ નામના બે આરોપીને પકડી પાડ્યા."
પોલીસના જણાવ્યાનુસાર બંને આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલ નંબરોને આધારે તેમણે મુંબઈ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાન ખાતે દરોડા પાડી આ સમગ્ર મામલામાં આઠ અન્ય વ્યક્તિઓની ધરપકડ કરી.

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
પોલીસ જણાવે છે કે વધુ તપાસ કરતા તેમને માલૂમ પડ્યું કે આ લોકો તાઇવાનના સાઇબર ઠગો માટે કૉલ સેન્ટર ચલાવતા હતા. જુદા જુદા લોકો પાસેથી બૅન્ક એકાઉન્ટ ભાડે રાખી તેમાંથી પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.
પોલીસ કહે છે કે, "અમને આ દરોડા દરમિયાન કૉલ સેન્ટરમાં એક સાથે કામ કરી શકે તેવા રૂટેડ મોબાઇલ ફોન મળ્યા. જેને કમ્પ્યુટર વડે જોડીને તેઓ 20 ફોન ઑપરેટ કરતા હતા. જેમાં તાઇવાનના સાઇબર ઠગોએ બનાવેલી ઍપ્લિકેશન મારફતે છેતરપિંડીના પૈસા આવતાં જ જુદાં જુદાં ખાતાંમાં નાની રકમમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા. જે અંતે તાઇવાનમાં બેઠેલા લોકોનાં બૅન્ક ખાતાંમાં પહોંચતા હતા."
આખરે આ કથિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ કેવી રીતે પહોંચી શકે એ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "અમને જાણવા મળ્યું કે સમગ્ર કૌભાંડ ચલાવનાર માસ્ટરમાઇન્ડ મુ ચાંગ તાઇવાનથી ભારત આવવાનો હતો. એ જે હોટલમાં રોકાયો એ જ હોટલમાં અમારી પોલીસ ટુકડી પણ રોકાઈ. અમે ધરપકડ કરેલા લોકોને રોજની માફક જ કામ કરવા દીધા. જેથી આ સૂત્રધારને શંકા ન જાય. પરંતુ જેવો મુ ચાંગે આ છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવા પાસવર્ડ નાખ્યો અમે એને રંગે હાથ દબોચી લીધો."
ભારતમાં ભણેલો તાઇવાની કેવી રીતે આ કથિત કૌભાંડ ચલાવતો?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે ગુજરાત પોલીસના આ સમગ્ર ઑપરેશન અંગે અને એમાં જાણવા મળેલી વિગતો અંગે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, "આ ઠગો મોટા ભાગે સિનિયર સિટીઝનોને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ વાંગ ચુ ઉર્ફે માર્કો તાઇવાનથી ભારત આવી હિમાચલ પ્રદેશમાં આઇટીમાં ગ્રૅજ્યુએટ થયો છે."
પોલીસના જણાવ્યાનુસાર, વાંગ ચુ ઉર્ફે માર્કોએ એવી ઍપ બનાવી હતી કે જેની મદદથી ગણતરીની મિનિટોમાં છેતરપિડીં આચરીને મેળવાયેલા પૈસા નાની નાની રકમમાં વિભાજિત થઈને જુદાં જુદાં બૅન્ક એકાઉન્ટમાં જતા રહેતા. જેથી પોલીસ કાર્યવાહી બાદ કોઈ ખાતાં ફ્રીઝ થાય તો પણ તેમાંથી પૈસા મળી ન શકે.
શરદ સિંઘલ આગળ કહે છે કે, "આ પૈસા આ લોકો દુબઈ ક્રિપ્ટોકરન્સીમાં મોકલી આપતા હતા. કૉર્પોરેટની માફક આ સમગ્ર કૌભાંડ ચલાવાતું હતું.આરોપીઓ ભારતના બેકાર યુવાનોને નોકરીએ રાખતા હતા. છેતરપિંડી આચરવા માટે આ લોકોએ ત્રણ ટીમ બનાવી હતી. એક ટીમ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના લોકોને મહિને દસ હજાર રૂ. આપી બૅન્ક એકાઉન્ટ ભાડે લેતી. બીજી ટીમ સિમકાર્ડ લાવતી અને સિનિયર સિટીઝનના ડેટા એકત્રિત કરતી. જ્યારે ત્રીજી ટીમ ડાર્કરૂમમાં પોલીસ, ટ્રાઇ અને સીબીઆઇના ઑફિસર બની લોકોને ડરાવી ડિજિટલ અરેસ્ટ કરતી."
પોલીસ આગળ જણાવે છે કે આવી રીતે કથિતપણે છેતરપિંડી આચરીને આરોપીઓ ભાડે લીધેલાં બૅન્ક એકાઉન્ટમાં સિનિયર સિટીઝન પાસેથી પડાવેલા દોઢથી બે કરોડ રૂપિયા દરરોજ જમા કરાવતા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર દિલ્હીમાં સૈફ હૈદર નામની વ્યક્તિ ભારતમાં એમનાં ઑપરેશન હૅન્ડલ કરતી હતી.
સિંઘલ કહે છે કે, "અત્યાર સુધીમાં અમને દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટના 450 જેટલા કેસ મળ્યા છે."
પોલીસની કાર્યવાહી અંગે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "ડિજિટલ અરેસ્ટ સાઇબર ક્રાઇમનો ગંભીર ગુનો છે, મોટા ભાગે ટેકનૉસેવી ન હોય એવા સિનિયર સિટીઝનને તેઓ ટાર્ગેટ બનાવે છે. ગુજરાત પોલીસે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડ્યું છે, આવનારા દિવસોમાં સાઇબર વિભાગને વધુ મજબૂત કરી જેમ તાઇવાનના સાયબર ઠગોને પકડ્યા છે એ પ્રકારે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના અન્ય ભાગોમાં પણ સાઇબર ક્રાઇમ અટકાવીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












