“તમારો ઈ-મૅમો ભરવાનો બાકી છે. જો નહીં ભરો તો પોલીસ પકડી જશે.” આવો ફોન કરીને ગુજરાતીઓને છેતરતી રાંચીની ગૅંગ કેવી પકડાઈ?

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

ઇમેજ સ્રોત, AHMEDABAD CRIME BRANCH

ઇમેજ કૅપ્શન, ઈ-મૅમો ભરવાનો બાકી છે એવું કહી લોકોને છેતરતી ગૅંગના સૂત્રધાર સુધાંશુ મિશ્રાને પકડી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“હું અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ડિપાર્ટમૅન્ટમાંથી વાત કરું છું. તમારો ઈ-મૅમો ભરવાનો બાકી છે. જો તે નહીં ભરો તો પોલીસ તમારા ઘરે આવશે અને તમને પકડી જશે. કોર્ટમાં વધારે દંડ ભરવો પડશે.”

જાણે કે પોલીસ વાત કરતી હોય તે પ્રકારે દમદાટી આપીને કડક ઉઘરાણીના સ્વરમાં આવા ફોન અમદાવાદ શહેરમાં કેટલાક નાગરિકોને આવી રહ્યા હતા.

આ પ્રકારનો ફોન કરીને સામેની વ્યક્તિ ઈ-ચલણની વૅબસાઇટના નામે નકલી વૅબસાઇટની લિંક કે ક્યૂઆરકોડ મોકલતી હતી અને તેના પર ઈ-મૅમોની રકમ ભરવા માટે દબાણ કરતી હતી.

કેટલાક કિસ્સામાં લોકો આ વૅબસાઇટની લિંક પર ક્લિક કરીને કે પછી ક્યૂઆર કોડ સ્કૅન કરીને ઈ-મૅમોની રકમ ઑનલાઇન ભરી દેતા હતા.

આખરે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. અમદાવાદ ટ્રાફિક પોલીસે અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરવામાં આવી.

અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ આખી છેતરપિંડી ઝારખંડના રાંચીથી ચાલી રહી છે. પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે અને તેના અન્ય સાગરિતોની શોધખોળ ચલાવી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગૅંગે અત્યારસુધીમાં સેંકડો લોકોને તેમની જાળમાં ફસાવીને લાખો રૂપિયા તફડાવ્યા છે.

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

કેવી રીતે થતી હતી છેતરપિંડી?

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

ઇમેજ સ્રોત, AHMEDABAD CRIME BRANCH

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 9 સપ્ટેમ્બર, 2023ના રોજ ઝારખંડના રાંચીથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા નાગરિકો સાથે ઑનલાઇન છેતરપિંડી કરતી ગૅંગના મુખ્ય સૂત્રધાર મનાતા સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ધરપકડ કરી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગૅંગે અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં અન્ય શહેરોના નાગરિકોને ધમકાવી તેમની પાસે નાણાં પડાવવાનો નવો રસ્તો અપનાવ્યો હતો.

આ ગૅંગે ગુજરાત સરકારની ઈ-મૅમો ભરવા માટેની સત્તાવાર વૅબસાઇટના નામ સાથે મળતી આવતી વૅબસાઇટ બનાવી હતી.

ત્યારબાદ તેમનું કામ હતું એવા લોકોને શોધવાનું જેમણે ઈ-મૅમો ન ભર્યો હોય. તો તેને માટે આ ગૅંગ વાહનનો રૅન્ડમ નંબર પસંદ કરીને સરકારી વૅબસાઇટ પરથી નાગરિકોના વાહનનો ચેસિસ નંબર, વીમાની માહિતી, વાહનમાલિકનું નામ અને તેના મોબાઇલ નંબરની માહિતી મેળવતી હતી.

આમ, મળેલા મોબાઇલ નંબર પર ગૅંગ દ્વારા ફોન કરવામાં આવતો હતો. તેમને પોલીસના નામે ધમકી આપવામાં આવતી હતી કે જો તેઓ ઈ-મૅમો નહીં ભરે તો તેમને પોલીસ પકડી જશે.

ગૅંગના સાગરિતો કડક શબ્દોમાં ઉઘરાણી કરતા હતા અને કેટલાક નાગરિકો તેમની વાતમાં આવી જતા હતા.

ક્રાઇમ બ્રાંચ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવાયું છે, “જે નાગરિકો તેમની વાતમાં આવી જતા હતા, તેવા કિસ્સાઓમાં આ ટોળકીના સાગરિતો તેમને ક્યૂઆરકૉડ મોકલતા હતા અથવા તો ઑનલાઇન પેમેન્ટની લિંક પણ મોકલતા હતા. આ સાથે તેઓ ઑનલાઇન છેતરપિંડી થાય છે તેનાથી સાવધાન રહેવું તેવી ચેતવણી પણ આપતા હતા, જેથી નાગરિકોને વિશ્વાસ બેસે.”

પોલીસ વધુમાં જણાવે છે કે આ ટોળકી તેમના દ્વારા મોકલાયેલા ક્યૂઆરકૉડ પર સ્કૅન કરીને કે પછી તેમની લિંક પર ક્લિક કરીને ઑનલાઇન પેમેન્ટ ભરનારાને આશ્વાસન આપતા હતા કે ઑનલાઇન પેમેન્ટ બાદ તેમનો ઈ-મૅમો 72 કલાકમાં ક્લિયર થઈ જશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ટોળકીએ અત્યારસુધી કેટલા લોકોને છેતર્યા છે, તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી પણ પોલીસ દાવો કરે છે કે તેમણે લોકો પાસે અત્યારસુધી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

પોલીસને ગૅંગના અન્ય સાગરિતોની તલાશ

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી જીતેન્દ્ર યાદવે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “ઈ-ચલણની રકમ ભરવા માટેની એક ફેક વૅબસાઇટ બનાવવામાં આવી છે. આ સાઇટ પોલીસની વૅબસાઇટ કરતા ભળતા નામની છે.

ક્રાઇમ બ્રાંચની પ્રેસનોટમાં જણાવાયું છે, “આરોપી સુધાંશુની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેમનો મિત્ર સપ્તમકુમાર વાહનચાલકોને ફોન કરતો હતો. સુધાંશુ અને સપ્તમકુમારને સીમકાર્ડ, યુપીઆઈ આઈડી અને ખોટી વૅબસાઇટની માહિતી અને લિંક પલટન દાસ નામનો વ્યક્તિ આપતો હતો. વાહનચાલકોએ ભરેલા નાણાં પલટન દાસ પાસે જતા હતા.”

પોલીસના જણાવ્યા પ્રમાણે પલટન દાસ ઈ-મૅમોમાંથી મળેલી રકમના 20 ટકા કમિશન લઈને બાકીની રકમ સુધાંશુ અને સપ્તમકુમારને આપી દેતો હતો. તેઓ જે મોબાઇલ નંબરથી ફોન કરતા હતા તેના સીમકાર્ડ તેઓ થોડા દિવસો બાદ તોડી નાખતા હતા અને નવા નંબરનો ઉપયોગ કરતા હતા. નંબરમાં તેઓ ગુજરાત પોલીસનો લોગોનો ઉપયોગ પણ કરતા હતા.

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

પોલીસનું શું કહેવું છે?

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images

આ ગૅંગનો ભોગ બનેલી એક વ્યક્તિ અરવલ્લી જિલ્લાની વતની છે. તેમણે નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, “અમારા ગામમાંથી અવારનવાર અમદાવાદ જવાનું થાય છે. કોરોના મહામારી સમયે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઈ-મૅમોની પ્રથા શરૂ થઈ હતી. અમારા ગામમાંથી જેઓ જતા હતા તેઓ જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તેમના ઘરે ઈ-મૅમો આવતા હતા. જોકે, તેઓ ઈ-મૅમોમાં જણાવેલી દંડની રકમ ભરતા નહોતા.”

“થોડા દિવસો પહેલાં મારી કારના નંબરનો ઈ-મૅમો ભરવાનો બાકી છે તેવો મૅસેજ આવ્યો. અમને કોલ પણ આવ્યો જેમાં તેમના દ્વારા મોકલેલી લિંક પર ઈ-મૅમોની દંડની રકમ ભરવાની ધમકી પણ આપતા હતા. જોકે અમે તે ભરી નહોતી પણ અમારા સબંધીએ રકમ ભરી હતી અને તેઓ છેતરાયા હતા.”

અમદાવાદ સાઇબર ક્રાઇમ એસીપીના જિતેન્દ્ર યાદવે જણાવ્યું, “આ મામલે ટ્રાફિક પોલીસે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના આધારે અમે ભળતી વૅબસાઇટને ડાઉન કરવા જણાવાયું છે. આ વૅબસાઇટ ક્યાં અને કોણે બનાવી હતી તેની તપાસ ચાલુ છે.”

તેમણે કહ્યું કે, "ક્યારેય ટ્રાફિક પોલીસ ઈ-મૅમોના દંડને ભરવા માટે ફોન કરતી નથી કે કોઈ મૅસેજ પણ કરતી નથી."

તેઓ વધુમાં જણાવે છે, “જો તમને ઈ-મૅમો આવ્યો છે કે નહીં તે તમે તમારો વ્હિકલ નંબર નાખી ચેક કરી શકો છો. જો તમને તેનો દંડ ભરવા માટેનો મૅસેજ આવે તો તમે તાત્કાલિક પોલીસને જાણ કરો. ઈ-મૅમો ભરતા સમયે વૅબસાઇટ ચેક કરીને પૈસા ભરવા જોઈએ.”

વડોદરા ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “વડોદરામાં આ પ્રકારે નકલી ઈ-મૅમો મામલે કોઈએ ફરિયાદ કરી નથી. પરંતુ કેટલાક નાગરિકોને આ પ્રકારે પૈસા ભરવા માટે લિંક આવી હોવાની મહિતી છે.”

અમદાવાદ ટ્રાફિક પોલીસ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, “નવા કૌભાંડથી ચેતો. જો તમને ટ્રાફિક ચલણની લિંક મળે છે તો echallanparivahan.in આ લિંક પર ક્લિક કરશો નહીં. આ લિંક પર ક્લિક કરવા પર છેતરપિંડી કરનારાઓ તમારા બૅન્ક ઍકાઉન્ટને હૅક કરી શકે છે. ફેક ઈ-ચલણ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ઈ-મેમો માટેની સત્તાવાર વેબસાઈટ https://echallan.parivahan.gov.in અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2015થી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કુલ 71.39 લાખ ઈ-મૅમો ઇસ્યુ કરવામાં આવેલા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને રૂ. 245.40 કરોડની રકમ વસૂલાત કરવાની હતી. જે પૈકી ગત ફેબ્રુઆરી 2022ની સ્થિતિએ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને 20.78 લાખ ઈ-મૅમોની કુલ રૂ. 50.90 કરોડની આવક થઈ છે. જ્યારે 49.82 લાખ ઈ-મૅમોના રૂ. 192.41 કરોડની રકમ વસૂલાત કરવાની બાકી છે.

ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી
ઇ-મૅમો અને ઑનલાઇન છેતરપિંડી