100 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ જેમાં 8,000 લોકોને છેતરીને પાંચ જણની ટોળકી ફરાર થઈ ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રપુરાવ આનંદન
- પદ, બીબીસી તામિલ માટે
તામિલનાડુના કુંભકોણમમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો દાવો કરીને 8,000 લોકો સાથે આશરે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ હાલમાં જ થઈ છે. લોકો પાસેથી પૈસા ઉઘરાવનાર પાંચ જણની ટોળકી ફરાર થઈ ગઈ છે.
ભ્રમિત લોકો આઘાતમાં છે, કારણ કે છેતરપિંડી કરી છે તે ટોળકી જે ઑફિસનો ઉપયોગ કરતી હતી તે પાંચ મહિનાથી બંધ છે.
સામાન્ય ક્રિપ્ટોકરન્સી કૌભાંડથી વિપરીત આ કૌભાંડનો ભોગ બનેલા મોટાભાગના મધ્યમવર્ગીય, ગરીબ અને સામાન્ય લોકો છે. આ લોકોએ તબીબી સારવાર, ઉચ્ચ શિક્ષણ વગેરે માટે કરેલી બચતનો મોટો હિસ્સો ટોળકીએ છેતરપિંડી વડે પડાવી લીધો છે અને પીડિતો હવે રડી રહ્યા છે.
સવાલ એ છે કે લોકો આ ટોળકીનો શિકાર કેવી રીતે બન્યા હતા? ટોળકીએ તેમને કેવી રીતે છેતર્યા હતા?

એક એજન્ટ દ્વારા 6.30 કરોડની છેતરપિંડી

તિરુવરુર જિલ્લાના અથિકડાઈ ગામના 60 વર્ષીય રહેવાસી અમાનુલ્લાને માર્ચ, 2021માં જણાવવામાં આવ્યું હતું કે તેઓ કુંભકોણમ ઓવરપાસ નજીકની શ્રી સાંઈ ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા એક લાખનું રોકાણ કરશે તો તેમને 18 મહિના સુધી દર મહિને રૂપિયા 15,000 આપવામાં આવશે. તેથી અમાનુલ્લાએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું.
કંપનીએ વચન મુજબ અમાનુલ્લાને થોડા મહિના સુધી નિયમિત રીતે નિર્ધારિત રકમ ચૂકવી હતી. એ ઉપરાંત અમાનુલ્લાને જણાવવામાં આવ્યું હતું કે તેઓ કંપનીના એજન્ટ તરીકે કામ કરશે તો તેમને પ્રત્યેક એક લાખના રોકાણ બદલ રૂપિયા 1,000 કમિશન પેટે દર મહિને ચૂકવવામાં આવશે. અમાનુલ્લાએ 791 લોકો પાસે કમસેકમ એકથી 15 લાખ સુધીનું રોકાણ કરાવ્યું હતું.
અમાનુલ્લાએ કહ્યું હતું કે, “કંપનીની ઓફિસ છેલ્લા પાંચ મહિનાથી બંધ છે. તેથી મને કે મારી મારફત રોકાણ કરનારાઓને એકેય પૈસો મળ્યો નથી. મેં આ બાબતે કંપનીના માલિક અર્જુન કાર્તિનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ચૂકવણી કરી આપશે, પણ તેમણે લાંબા સમય સુધી ચૂકવણી કરી ન હતી.”
અમાનુલ્લાએ ઉમેર્યું હતું કે, “મારી મારફત જેમણે રોકાણ કર્યું હતું એ લોકો મને ફરિયાદ કરી રહ્યા છે. તેથી હું ખૂબ જ પરેશાન છું. મારા જેવા અસંખ્ય એજન્ટો મારફત કુંભકોણમ, લક્ષ્મણગુડી અને પુદુચેરીની ત્રણ ઑફિસે આશરે 8,000 લોકો સાથે છેતરપિંડી કરી છે. અંદાજે 100 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ છેતરપિંડી માટે જવાબદાર અર્જુન કાર્તિક, ઇવેન્જેલીન, કાર્તિક રાજા અને રાધાક્રિષ્ણન સહિતની પાંચ વ્યક્તિઓ સામે જરૂરી પગલાં લેવા તથા રોકાણકારોને તેમના પૈસા પરત કરવા તાંજોરના પોલીસ અધિક્ષકને વ્યક્તિગત ફરિયાદ કરવામાં આવી છે.

કેવી રીતે થયું કૌભાંડ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રિપ્ટોકરન્સી કન્સલ્ટન્સી દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી હતી તેની વિગત આપતાં અમાનુલ્લાએ બીબીસીને કહ્યું હતું કે, “બે વર્ષ પહેલાં મારા એક દોસ્ત મારફત મારો અર્જુન કાર્તિક સાથે પરિચય થયો હતો.”
“એક દિવસ અર્જુન કાર્તિક મારા ઘરે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તેની પાસે એક પ્રોજેક્ટ છે. તેમાં તમે એક લાખનું રોકાણ કરશો તો તમને દર મહિને રૂપિયા 15,000 ચૂકવવામાં આવશે. તમે જે નાણાં આપશો તેનું રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવશે અને તેમાંથી મળેલા વળતરમાંથી તમને માસિક ચૂકવણી કરવામાં આવશે.”
અમાનુલ્લાએ ઉમેર્યું હતું કે, “અર્જુન કાર્તિકે બહુ જ ખાતરીપૂર્વક વાત કરી હતી. તેના આધારે મેં પહેલાં બે લાખનું રોકાણ કર્યું હતું અને તેમણે થોડા મહિના સુધી દર મહિને 30,000 વળતર પેટે ચૂકવ્યા હતા. મેં આ પ્રોજેક્ટમાં 791 લોકોને રોકાણ કરાવ્યું હતું. તેમાં ચેન્નઈ, દુબઈ, સિંગાપુર, સાઉદી અરેબિયા વગેરેમાં રહેતા મારા પરિચિત લોકો, દોસ્તોનો સમાવેશ થાય છે.”
અમાનુલ્લાના કહેવા મુજબ, “પ્રથમ દસ મહિના સુધી તેમણે અમને વચન મુજબનું વળતર આપ્યું હતું. પહેલાં તે આત્મવિશ્વાસ સાથે વાત કરતો હતો, પરંતુ હજારો ગ્રાહકો મળ્યા પછી તેના અવાજનો ટોન થોડો બદલાઈ ગયો હતો.”
અર્જુન કાર્તિકે મને જણાવ્યું હતું કે અમને શંકા હોવાથી તેમણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પેટે બિટકોઈન આપવા સંબંધિતોને કહ્યું છે, પરંતુ હાલ સિસ્ટમમાં સમસ્યા છે. તેથી અમે બિટકોઈન તત્કાળ ઉપાડી શકતા નથી. ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણ સામે બિટકોઈન જોઈતા હોય તો અમારે રૂપિયા 12 લાખથી વધુનું રોકાણ કરવું પડશે.”

છેતરપિંડીનો ભોગ બનેલાઓમાં 98 ટકા મુસ્લિમ મહિલાઓ

અમાનુલ્લાએ એમ પણ કહ્યું હતું કે, “અમને અમારા રોકાણમાંથી જ વળતર આપવામાં આવ્યું હતું અને એ વ્યવહાર રોકડમાં કરવામાં આવ્યો હતો. બૅંન્ક મારફત તેવો એકેય વ્યવહાર થયો ન હતો.”
“મોટી રકમ માટે અમારા વૉટ્સએપમાં ઓટીપી મોકલવામાં આવતો હતો. તે નંબરના આધારે અમને દર મહિને એક વખત ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવતું હતું. અમે આપેલા નાણાં સામે બૉન્ડ આપવામાં આવ્યા હતાં. બૉન્ડમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા નાણાનું રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવશે.”
અર્જુન કાર્તિકે મન્નારગુડી, અથિકડાઈ, પોથકુડી અથવા બૂથમંગલમની મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવીને આ કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડના પીડિતોમાં 98 ટકા મુસ્લિમ મહિલાઓ છે.
કુંભકોણમની આસપાસના વિસ્તારોમાંના મોટાભાગના મુસ્લિમ પુરુષો વિદેશમાં નોકરી કરે છે. તમને વધારે વળતર મળશે એવું કહીને અર્જુન કાર્તિકે તેમની પાસે રોકાણ કરાવ્યું હતું.
નાગાઈ, તિરુવરુર, તંજાવુર, પુદુકોટ્ટાઈ અને રામનાથપુરમ જિલ્લાના લગભગ 8,000 લોકો સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી છે.
લોકોએ તબીબી ખર્ચ કે બાળકોના શિક્ષણ ખર્ચ માટે કરેલી બચતનું રોકાણ, વધુ વળતરની આશાએ ક્રિપ્ટોકરન્સીમાં કર્યું હતું, પરંતુ પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણીને હવે તેઓ ખૂબ જ હતાશ છે.
કેટલાક લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેથી તેમણે જે નાણાંનું રોકાણ કર્યું હતું એ તેમને તત્કાળ પરત મળવું જોઈએ અને પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભાળ મેળવીને તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ, એમ અમાનુલ્લા તાયા મલ્કાએ જણાવ્યું હતું.

હેલિકોપ્ટર બ્રધર્સથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ સુધી

પીડિતો વતી તાંજોર પોલીસમાં ફરિયાદ નોંધાવી ચૂકેલા વકીલ વિવેકાનંદે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “છેતરપિંડી કરતી કંપનીઓ છેલ્લા ત્રણ વર્ષથી કુંભકોણમના લોકોને નિશાન બનાવી રહી છે.”
હેલિકોપ્ટર બ્રધર્સ બે વર્ષ પહેલાં પણ કરોડોના કૌભાંડમાં સંડોવાયા હતા. તેમણે સમૃદ્ધ લોકોને પણ નિશાન બનાવ્યા હતા અને છેતરપિંડી કરી હતી, પરંતુ હવે ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં સામાન્ય લોકો પૈસા ગુમાવી રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં મોટાભાગે મુસ્લિમોને જ નિશાન બનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે વિદેશી ચલણમાં કમાણી કરતા આ લોકો એ નથી જાણતા કે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરવું.
છેતરપિંડી કરતા જૂથો આ મૂંઝવણનો લાભ ઉઠાવે છે. આવા જૂથોમાં અનેક મુસ્લિમોએ રોકાણ કર્યું હતું, કારણ કે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના પૈસાનું રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવશે, તેમને વધારે નફો મળશે. તેઓ વધારે લોકો પાસે આ રીતે રોકાણ કરાવશે તો તેમને કમિશન પણ આપવામાં આવશે.
માત્ર કુંભકોણમની આસપાસના લોકોએ જ છ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કંપની સામે રોજેરોજ વધુને વધુ ફરિયાદો આવી રહી છે. લોકો પાસેથી એકઠા કરવામાં આવેલા નાણાનું રોકાણ ખરેખર ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવ્યું હતું કે કેમ તે જાણી શકાયું નથી.
કૌભાંડમાં સંડોવાયેલા પાંચેય શખસ ફરાર છે. એ પાંચેયને તથા તેમની સાથે સંકળાયેલા લોકોને તત્કાળ શોધી કાઢવાની અને તેમને સજા કરવાની વિનંતી વકીલ વિવેકાનંદે કરી છે.

લોકોએ સાવચેત રહેવું જોઈએઃ જિલ્લા પોલીસ
તાંજોર જિલ્લાના પોલીસ અધીક્ષક આશિષ રાવતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ દાખલ કરેલી ફરિયાદ બાબતે સંપૂર્ણ તપાસનો આદેશ નાયબ પોલીસ અધિક્ષકને આપ્યો છે.”
“ફરિયાદમાં ચોક્કસ વ્યક્તિઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. તેથી તેમને શોધી કાઢવાનું અને તપાસ કરવાનું કામ મુશ્કેલ બન્યું છે. આરોપીઓને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે અને તેઓ દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
લોકો આવા કૌભાંડનો ભોગ ન બને એટલા માટે સાયબર ક્રાઈમ પોલીસ સતત જાગૃતિ ફેલાવી રહી છે. જિલ્લા પોલીસ પણ જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. તેમ છતાં અનેક લોકોને ખોટી જાહેરાતો અને રોકાણ સામે ઊંચા વળતરના દાવા દ્વારા મૂર્ખ બનાવવામાં આવે છે.
સરકારે ક્રિપ્ટોકરન્સી બાબતે હજુ સુધી કોઈ ઔપચારિક ગાઈડલાઈન્સ જાહેર કરી નથી. અલબત, લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આટલો બધો રસ કેમ છે એ હું જાણતો નથી. લોકો ઊંચા વળતરની આશાએ રોકાણ કરે છે અને છેતરપિંડી કરનારાઓ તેનો ગેરલાભ લે છે.
બિટકોઈનની માલિકીથી પોતાને શું ફાયદો થશે તે જાણ્યા વિના લોકો આવા કૌભાંડકર્તાઓનો શિકાર બને છે.
આશિષ રાવતે વિનંતી કરી હતી કે સરકાર ક્રિપ્ટોકરન્સી વિશેની ઔપચારિક ગાઈડલાઈન્સ જાહેર કરે તે પછી લોકોને તેમાં રસ હોય તો તેમણે તેમાં રોકાણ કરવું જોઈએ.

બૅંન્ક એકાઉન્ટ ફ્રીઝ કરીને પૈસા પાછા મેળવી શકાય

સાયબર ક્રાઈમ નિષ્ણાત અને સાયબર ક્રાઈમ વકીલ કાર્તિકેયને બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી શેર બજારની માફક નિયંત્રિત નથી. શેરબજારની ગતિવિધિ પર સેબી નજર રાખે છે, પરંતુ ક્રિપ્ટોકરન્સી પર કોઈ દેખરેખ રાખતું નથી અને એ માટેનો કોઈ કાયદો પણ નથી.
ક્રિપ્ટોકરન્સી કોઈ પણ દેશમાં માન્ય અને કન્વર્ટિબલ છે. શરૂઆતમાં દસ પ્રકારના બિટકોઈન હતા. હવે 15,000 પ્રકારના છે.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું એ જુગાર રમવા સમાન છે. તેમાં ઘણું જોખમ છે. ક્રિપ્ટોકરન્સી વિશે કાયદો ન બને ત્યાં સુધી લોકોએ તેમાં રોકાણ કરવું જોઈએ નહીં.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે ભારતમાં સત્તાવાર મની એક્સચેન્જ કંપનીઓ છે. તેને સંપૂર્ણરીતે જાણ્યા પછી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોઈએ.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતી વખતે અને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતી વખતે તમારા નાણાં અજાણપણે આતંકવાદી સંગઠનોના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે.
કુંભકોણમ કેસ સાયબર ક્રાઈમ હેઠળ આવતો નથી, કારણ કે આ કેસમાં લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં સીધું રોકાણ કર્યું નથી. તેની ફરિયાદ છેતરપિંડી તરીકે નોંધવામાં આવે તો આરોપી વ્યક્તિઓની સંપત્તિ તથા બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી શકાય અને રોકાણ કરેલા નાણાં પાછા મેળવી શકાય.
રોકાણ કરતી વખતે બહુ જ કાળજી રાખવા કાર્તિકેયને લોકોને જણાવ્યું છે.














