CEIR: ચોરાઈ ગયેલા ફોનને શોધી આપવામાં મદદ કરતી સરકારી ઍપ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગુલશનકુમાર વનકર
- પદ, બીબીસી મરાઠી
શું તમારો ફોન ક્યારેય ખોવાયો કે ચોરી થયો છે? ત્યારપછી ફોન પાછો મળ્યો ન હોય એવું બન્યું છે?
આવી સ્થિતિમાં આપણે પહેલાં રડીએ છીએ, ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરીએ છીએ, એ સિમકાર્ડને બ્લૉક કરાવીએ છીએ અને ત્યાર બાદ એક નવો ફોન અને એક ડુપ્લિકેટ સિમ લઈને કામમાં લાગી જઈએ છીએ.
જોકે હવે સરકારે તમારા ખોવાયેલા કે ચોરી થયેલા ફોનને રિકવર કરવા એક નવું પોર્ટલ લૉન્ચ કર્યું છે.
આ પૉર્ટલ કેવી રીતે કામ કરે છે? શું તેનાથી ફાયદો થશે?

ઇમેજ સ્રોત, WWW.CEIR.GOV.IN
મંગળવારે કેન્દ્રીય ટેલિકૉમ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નવું પોર્ટલ ceir.gov.in લૉન્ચ કર્યું છે. તેમાં ત્રણ નવી પ્રણાલીઓ રજૂ કરવામાં આવી છે.
સેન્ટ્રલાઇઝ્ડ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (સીઈઆઈઆર) આ તમામ ખોવાયેલા અથવા જૂના ફોન માટે એકીકૃત પોર્ટલ છે.
જો તમારો ફોન ખોવાય અથવા ચોરી થઈ જાય તો તમે અહીં જઈને તેની સંપૂર્ણ વિગતો ભરી શકો છો. જેમકે તમારી માહિતી, ફોનનો આઈએમઈઆઈ નંબર, તે ક્યાં અને કેવી રીતે ખોવાઈ ગયો વગેરે.
ત્યારબાદ આ તમામ માહિતી પોર્ટલ પરથી ટેલિકૉમ સેવા પ્રદાતાઓ અને પોલીસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે શૅર કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણી વાર એવું બને છે કે ચોર ચોરી કરેલા ફોનનો આઈએમઈઆઈ નંબર બદલવાનો પ્રયાસ કરે છે અથવા ફોનને બીજા દેશમાં વેચવાનો પ્રયાસ કરે છે, ત્યારે તમે આ પોર્ટલ પરથી તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
KYMનો અર્થ તમારા મોબાઇલને જાણો- જો તમે કોઈ જૂનો ફોન ખરીદવા જઈ રહ્યા છો, તમને એ વાતની માહિતી મળી જાય છે કે શું તે ફોનનો આઈએમઈઆઈ નંબર બદલાઈ ગયો છે, ફોન ક્યારેય ચોરી થયો છે કે તેનો ખોટો ઉપયોગ થયો છે.
જ્યારે તમે કોઈ સેકન્ડ હૅન્ડ ફોન ખરીદી રહ્યા હોવ, તો આ પોર્ટલથી તમને મહત્ત્વપૂર્ણ મદદ મળી શકે છે.
ASTR આ એક એઆઈ આધારિત સેવા છે, જ્યાં કોઈ એક વ્યક્તિના નામે કનેક્શનની સંખ્યા વિશેની માહિતી મેળવી શકાય છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ઓળખકાર્ડ સાથે છેડછાડ કરે અને અલગ-અલગ આધારકાર્ડ સાથે ઘણા સંબંધ બનાવે તો તેને શોધવાનું કામ આ ઍપ કરે છે.
તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તાજેતરમાં જ 35 હજાર કનેક્શનની શોધ કરવામાં આવી હતી, ત્યારે 35 નકલી કનેક્શન મળ્યા હતા. એટલું જ નહીં તમે આ પોર્ટલ પર એ પણ માહિતી મેળવી શકો છો કે તમારા નામ પર કોઈએ કનેક્શન કે ફોન લીધો છે કે નહીં.
પરંતુ શું ખરેખર આ પોર્ટલ કામ કરશે કે નહીં.

શું ખરેખર ફોન ચોરી અટકાવી શકાય?
હંમેશાં આપણે આપણો ફોન ખોઈ દઈએ છીએ, ત્યારે સૌથી પહેલાં આપણે ફાઇન્ડ માય ડિવાઇસ કે ફાઇન્ડ માય આઈફોન સર્ચ કરીએ છીએ. તેથી ખોવાયેલો ફોન મળતો નથી, પરંતુ તેની માટે હંમેશાં ફોન ચાલુ હોવો જોઈએ અને ઇન્ટરનેટ અથવા GPS સેટિંગ્સ ચાલુ હોવા જોઈએ.
સરકારનું કહેવું છે કે આ પોર્ટલ દ્વારા તમારા ફોનને સૅન્ટ્રલ સિસ્ટમમાં ટ્રૅક કરવામાં આવશે. એટલે કે પુણેમાં ચોરાયેલો ફોન દિલ્હીના પાલિકાબજારમાં વેચાય તો પણ તેને ટ્રૅક કરી શકાય છે.
આ પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે બીજો મુદ્દો ઉઠાવ્યો હતો- ઘણીવાર ચોર સિમકાર્ડ ફેંકી દે છે અને તેઓ સિમને ડીઍક્ટિવેટ નથી કરતા.
તમારી માહિતી ખાનગી રાખવા માટે તે ફોનને બ્લૉક કરવો પણ જરૂરી છે. તે પણ આ પોર્ટલ પરથી કરી શકાશે. ઉપરાંત, જો ભવિષ્યમાં તમારો ફોન મળી જાય, તો તેને પોર્ટલ પરથી અનબ્લૉક પણ કરી શકાય છે.
સરકારને આશા છે કે આનાથી ફોનની ચોરી પર અંકુશ આવશે અને ચોરાયેલી વસ્તુઓનું કાળું બજાર પણ ઘટશે અને આ પોર્ટલની ASTR ટેકનૉલૉજીના કારણે જો કોઈના નામે નકલી કનેક્શન હોય તો તેની પણ ચકાસણી કરી શકાય છે

ઇમેજ સ્રોત, DEPARTMENT OF TELECOMMUNICATIONS
જોકે તેનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે - શું સરકાર કનેક્શન કરતી વખતે KYC માટે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરે છે? તો જો ઍસ્ટ્ર જેવી ટેકનૉલૉજી એઆઈની મદદથી દરેકના ફોટોને સ્કૅન કરી રહી છે, તો શું તે મારી પ્રાઇવસી માટેનું જોખમ નથી?
આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રી વૈષ્ણવે આશ્વાસન આપ્યું છે કે આ પોર્ટલમાં કાયદાના દાયરામાં રહીને એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ટેલિકૉમ બિલની તમામ જોગવાઈઓની તપાસ કર્યા બાદ આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, CEIR.GOV.IN
અન્ય એક મુદ્દો એ પણ છે કે જો સરકાર ફોન નંબર સાથે જોડાયેલા ડિવાઇસને ટ્રૅક કરવા જઈ રહી છે, તો શું તેનાથી સરકારને કોઈની જાસૂસી કરવાની ક્ષમતા મળી રહે છે?
આ વિશે વાત કરતા સાયબર ઍક્સ્પર્ટ પ્રશાંત માળી કહે છે કે, 'સરકાર માત્ર તમારો ફોન ક્યાં છે તે ટ્રૅક કરે છે. તેમની પાસે હજુ પણ તમારા ફોનને ટ્રૅક કરવાના ઍક્સેસ છે. જો તેઓ કોઈનો ફોન ટ્રૅક કરવા માગે છે, તો તેઓ કાયદાની પરવાનગી સાથે આવું કરી શકે છે.
"આ ટેકનૉલૉજી ખરેખર ફાયદાકારક સાબિત થશે. કારણ કે મુંબઈમાં રોજના એક હજાર ફોનની ચોરી થાય છે. આ ટેકનૉલૉજી ચોરેલા ફોનના સર્ક્યુલેશનને રોકવામાં મદદ કરશે. તેથી આ ટેકનૉલૉજી સારી છે, જેનાથી ચોરાયેલા ફોનની પુનઃપ્રાપ્તિની શક્યતા વધી જશે.
સરકારે જણાવ્યું છે કે, આ ટેકનૉલૉજી નવી છે, પરંતુ અત્યાર સુધીમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પૂર્વોત્તર ભારતમાં તેના પાયલટ દરમિયાન 4 લાખ 81 હજાર મોબાઈલ બ્લૉક, લગભગ 2.5 લાખ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે તેને આખા દેશમાં કેવી રીતે લાગુ કરી શકાય.














