અમદાવાદ : 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો અને નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો?

નકલી નોટનું કૌભાંડ

ઇમેજ સ્રોત, GETTY & BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, પોલીસની પકડમાં આવેલ દિનેશ લાલા, મોહન ગાવંડર અને રઘુનાથ પિલ્લાઈ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા ભાઈનો સાળો પહેલાં અમારી સાથે દરજીકામ કરતો હતો. બે વર્ષ પહેલાં અચાનક તે ક્યાંકથી પૈસા લઈ આવ્યો હતો."

"પછી તેણે દરજીકામ છોડી દીધું અને મોજમજાની જિંદગી જીવતો હતો."

"પછી તે અચાનક ગુમ થઈ ગયો હતો. પણ હાલમાં પરત ફર્યો હતો અને અમને જણાવ્યું હતું કે સરકારે બે હજારની નોટ બંધ કરી છે અને કોઈ કાપડના વેપારીઓને આ નોટ બદલાવી હોય તો 15 ટકા કમિશન આપણે આપીશું."

"અમે એ નોટો લઈને એક વેપારી સાથે સોદો કરવા ગયા હતા અને પોલીસે અમને પકડ્યા ત્યારે ખબર પડી કે અમારી પાસે આવેલી નોટો નકલી છે."

ક્રાઇમ-બ્રાન્ચમાં ઊભેલા દિનેશ લાલા નામની આ વ્યક્તિએ આ નિવેદન આપ્યું છે. પરંતુ આ દિનેશ લાલા સાથે જે કહાણી સંકળાયેલી છે એનાં પાનાં ફેરવતાં હાલમાં જ શાહીદ કપૂરની ઑટીટી પ્લૅટફૉર્મ પર આવેલી ‘ફર્ઝી’ નામની વેબ સિરીઝનાં અમુક દૃશ્યો નજરે ચઢે એવાં છે.

દિનેશ લાલાની આ કહાણીની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. એ સમયે દિનેશ લાલા પુડુચેરીમાં બેરોજગાર ફરી રહ્યા હતા. તે સમયે દિનેશના ભાઈના સાળા વિકેશ વાનિયાર તેમને કામ અપાવવાના બહાને અમદાવાદ સાથે લઈ આવ્યા હતા.

અમદાવાદમાં સારંગપુર કોટના રંગ વિસ્તારમાં રેડિમેડ કપડાંની સિલાઈનું મોટા પાયે કામ ચાલે છે. અહીં જ રઘુનાથ પિલ્લાઈ નામની વ્યક્તિ કપડાંના વેપારીઓની ડિઝાઇનની માગ મુજબ સિલાઈકામ કરે છે.

વિકેશે અમદાવાદ આવી દિનેશને પણ અહીં જ કામે લગાડ્યા હતા.

રઘુનાથ પિલ્લાઈને ત્યાં વિકેશની સાથે હવે પુડુચેરીથી આવેલા દિનેશ લાલા અને અન્ય એક વ્યક્તિ મોહન ગાવંડર એમ ત્રણ જણા કામ કરી રહ્યા હતા.

GREY LINE

કાળા કારોબારની થઈ શરૂઆત

નકલી નોટનો કારોબાર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારે બીબીસીને જણાવ્યું કે, "2021માં રઘુનાથના હાથ નીચે કામ કરતા વિકેશ વાનિયર અમદાવાદમાં તામિલનાડુથી નકલી નોટ લાવ્યા હતા."

"રામોલ પોલીસે તેને નકલી નોટોની હેરાફેરીમાં પકડ્યા હતા, જે કેસ કોર્ટમાં ચાલુ છે, એ સમયે તેઓ બીજા ગુનેગારોના સંપર્કમાં પણ આવ્યા હતા. જામીન પર છૂટ્યા પછી તેઓ નાસતાં ફરતા હતા."

"તો બીજી તરફ વિકેશને આ રીતે પૈસા કમાતા જોઈને દિનેશ લાલા એ પણ દરજીકામની સાથે સાથે ધાર્મિક યંત્રોના ફોટાના આંકડાથી જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું, જેના માટે વેશ બદલીને લોકોને તેઓ જુગાર રમાડતા હતા. ત્યાર બાદ ખોખરા પોલીસે તેમને 2023માં જ પકડ્યા હતા, સાથે જ એમનો ત્રીજો સાથી મોહન ગાવંડરને પણ ધાર્મિક યંત્રોના ફોટાના આધારે જુગાર રમાડવા બાદલ પકડવામાં આવ્યો હતો, અને મોહન ગાવંડરને આની એક વર્ષ પહેલાં અમદાવાદમાં એક વેપારી પાસે ખંડણી માગવા બાદલ પણ ક્રાઇમ-બ્રાન્ચે પકડ્યા હતા."

"આ ત્રણેય જેલમાં જઈને આવ્યા હોવાથી રેડીમેડ કાપડના વેપારીઓમાં એમની કોઈ આબરૂ નહોતી. જામીન પરથી છૂટ્યા બાદ એ લોકો પોતાની રીતે અલગ રહેતા હતા."

આ વાતની પુષ્ટિ કરતા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નૉન-બ્રાન્ડેડ રેડીમેડ કપડાંના વેપારી યુસૂફ સૈયદે બીબીસીને જણાવ્યું કે, "રઘુનાથ પિલ્લાઈ પાસે કારીગરો હતા, અને એ અમને અમારી ડિઝાઇન મુજબ બીજા દરજી કરતા સસ્તાંમાં કપડાં સીવી આપતા હતા એટલે અમે એની પાસે કપડાં સિવડાવતાં હતાં."

"કોરોના પહેલાં રઘુનાથના માણસો વિકેશ, મોહન અને દિનેશ કપડાં સિવાઈ ગયા પછી ડિલિવરી આપવા પણ આવતા હતા."

"ત્યાર બાદ અમને 2021માં ખબર પડી કે રઘુનાથને ત્યાં કામ કરતા એક કારીગરને પોલીસ પકડીને લઈ ગઈ છે ત્યારથી અમે એમની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો અને કામ બંધ કરી દીધું હતું."

GREY LINE

અમદાવાદ પોલીસને મળી બાતમી

અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર

અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર કહે છે કે , "મે મહિનામાં સરકારે 2૦૦૦ની પાછી ખેંચવાનું એલાન કર્યું હતું એના એક અઠવાડિયા પછી અમારી પાસે એવી બાતમી આવી હતી કે કેટલાક લોકો કમિશનથી બે હજારની નોટો બદલી રહ્યા છે. આ સમયગાળા દરમ્યાન અમને એક રેડીમેડ કાપડના વેપારી એ માહિતી આપી કે પહેલાં દરજીકામ કરતા એના એક કારીગર 2૦ ટકા કમિશનથી 2૦૦૦ની નોટ બદલી આપે છે, એના સાથે કામ કરનારા લોકો પહેલાં જેલમાં જઈ આવ્યા છે, એટલે મામલામાં ગડબડ હોવાની શંકા વ્યક્ત કરી હતી."

એ.ડી. પરમાર ઉમેરે છે કે, "અમારા માટે આ ટીપ પૂરતી હતી, કાપડના વેપારીઓને 2૦૦૦ રૂપિયાની નોટ બદલી આપવા માટે રઘુનાથ પિલ્લાઈનું નામ અમને મળી ગયું હતું. અમારી ટીમના કૉન્સ્ટેબલ વિષ્ણુપ્રસાદે રઘુનાથના જૂના સાથીઓની કરમકુંડળી કાઢી તો ખબર પડી કે બે જુગારીઓ મોહન અને દિનેશ લાલા રઘુનાથ પિલ્લાઈ સાથે હોય છે."

"આ લોકો દરજી બજારના કારીગરોને બે હજાર રૂપિયાની નોટના બદલામાં નાનાં ટીવી અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બજાર કરતાં ઓછા ભાવે વેચવાની ઑફર આપતા હતા."

"ઉપરાંત આ લોકો થોડા સમયથી છૂટથી પૈસા વાપરતા હતા. એટલું જ નહીં દિનેશ લાલા નકલી નોટોના કારોબારી વિકેશ વાનિયરનો સગો થતો હતો, જેના પરથી અમને દ્રઢ શંકા હતી કે ગુજરાતમાં ફરી નકલી નોટો ઘુસાડવાનો કારોબાર થઈ રહ્યો છે."

GREY LINE

અમદાવાદ પોલીસનું ઑપરેશન

બે હજારની નોટ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારે પોલીસના ઑપરેશન વિશે વાત કરતાં કહ્યું કે, "એક વેપારીએ રઘુનાથ પિલ્લાઈને 2૦ના બદલે 25 ટકા કમિશનથી 2000ની દસ લાખ રૂપિયાની નોટો બદલવાની ઑફર કરી હતી. રઘુનાથ પિલ્લાઈ એના બે ચેલા મોહન અને દિનેશ લાલા સાથે સાત લાખ પંચ્યાસી હજારની નકલી નોટો સાથે મણિનગરના હાટકેશ્વરથી નવ કિલોમિટર દૂર નરોડા આવ્યા હતા, અને અમે એને પકડીને તપાસ હાથ ધરી હતી."

"આ તપાસ દરમિયાન રિઝર્વ બૅન્કના બદલાયેલા ગવર્નરની સહીવાળી અલગઅલગ સિરિયલ નંબરની અલગઅલગ સાલમાં છપાઈ હોય એવી અસલ જેવી દેખાતી 500ની નકલી નોટો સાથે રઘુનાથ અને તેમના માણસો આવી પહોંચ્યા હતા. પહેલી નજરે અસલી લાગે એવી નોટોની અમે એફ.એસ.એલના અધિકારી પાસે તપાસ કરાવી તો ખબર પડી કે તમામ નોટ નકલી હતી."

એ.ડી. પરમાર આગળ જણાવે છે કે, "અમારી પ્રાથમિક તપાસમાં આ ત્રણેય લોકો એ કબૂલત કરી છે કે સરકારે બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચવાને લઈને મે મહિનામાં એલાન કર્યું એટલે વિકેશ વાનિયર ફરી સક્રિય થયા હતા, એ તામિલનાડુથી 500ના દરની નકલી નોટો લઈને અમદાવાદ આવ્યા હતા. જોકે વેપારીઓમાં એની કે એના સાથીદાર દિનેશ લાલા, મોહન ગાવંડરની આબરૂ ન હોવાથી એમને રઘુનાથ પિલ્લાઈને ફરી પકડ્યા હતા. આર્થિક તંગીમાં રહેતા રઘુનાથ પિલ્લાઈને વિકેશે કહ્યું હતું કે એ કમિશનથી બે હજાર રૂપિયાની નોટ બદલી આપશે. તામિલનાડુમા એના પરિચિત દસ ટકા કમિશન લઈને બે હજારની નોટને બદલી આપે છે."

"અમદાવાદમાં જે વેપારીઓ પાસે કાળા બજારની બે બજારની નોટ હોય એને વીસ ટકામાં એ બદલી આપશે, એટલે સીધું દસ ટકા કમિશન મળશે જેમાંથી પાંચ ટકા કમિશન રઘુનાથ પિલ્લાઈને મળશે અને બાકીના પાંચ ટકા આ ત્રણ જણ વહેંચી લેશે."

એ.ડી. પરમાર કહે છે કે, "આ વાતના આધારે વિકેશ, રઘુનાથ પિલ્લાઈના ઘરે 500ની નકલી નોટો મૂકી ગયા હતા, પુડુચેરીમાં બાકીની વ્યવસ્થા કરવા જવાનું કહી વિકેશ અમદાવાદથી નીકળી ગયા હતા."

"ત્યારબાદ વોટ્ટસએપથી વિકેશ પોતાના સાથી મોહન ગાવંડર અને દિનેશ લાલાના સંપર્કમાં રહેતા હતા."

"પણ વારંવાર પોતાનાં સીમકાર્ડ બદલતા હતા. વિકેશે આપેલી નકલી નોટો સાથે આ ત્રણની ધરપકડ બાદ વિકેશ ગુમ છે. અમે તામિલનાડુ પોલીસના સંપર્કમાં છીએ, આ ઉપરાંત અમારા હ્યુમન ઇન્ટલિજન્સને કામે લગાડ્યું છે, જેના આધારે ભાગેડુ વિકેશ વાનિયરને ઝડપથી પકડી લેવામાં આવશે."

બીજી બાજુ ગુજરાતમાં નકલી નોટોના કારોબારીઓને પકડનાર અને ડી.જી. વિજિલન્સમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત એ.સી.પી. દીપક વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "નકલી નોટોનો કારોબાર કરનારા ચીનથી 'કૉટન પેપર' અને ટ્રૅડ મંગાવે છે, દક્ષિણ ભારતની ગૅંગ આ કાગળને પહેલાં છાપી એના ઉપર ટ્રૅડ મૅન્યુઅલી લગાવે છે. ‘કૉટન પેપર’ પર સારા પ્રિન્ટરની મદદથી ગ્રાફિક ડિઝાઇનર સારું કલર કોમ્બિનેશન કરી સારા પ્રકારની સહીથી અસલી જેવી નોટો છાપી શકે છે. આ નોટમાં જો સિરિયલ નંબર અલગ હોય અને સાલ અલગ હોય તો કોઈને છેતરવા સરળ થઈ જાય છે. આ વખતે બે હજારની નોટ બંધ કરવાની સરકારે જાહેરાત કરી એટલે નકલી નોટોના કારોબારી સક્રિય થયા છે."

RED LINE
RED LINE