એ કેસ જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં બંધ છે

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ દોઢ વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈની સંડોવણી મુંબઈના એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યામાં હોવાની ચર્ચા થઈ રહી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ લૉરેન્સ બિશ્નોઈની સંડોવણી હોવાની વાત ચર્ચાઈ રહી છે. લોકલ મીડિયા રિપોર્ટમાં એક સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટનો હવાલો આપીને તેમાં આ ગૅંગની સંડોવણી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને પુષ્ટિ કરવાની બાકી છે.
પંજાબની જેલમાં બેસીને ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગનું કથિત નેટવર્ક ચલાવવાના આરોપમાં પોલીસે લૉરેન્સ બિશ્નોઈની કસ્ટડી લીધી હતી.
લૉરેન્સ બિશ્નોઈ એપ્રિલ 2023થી અમદાવાદની સાબરમતી જેલમાં એક હાઈપ્રોફાઇલ કેદી તરીકે બંધ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઑર્ડર પ્રમાણે સીઆરપીસી 268 પ્રમાણે ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની અમદાવાદની સાબરમતી જેલમાંથી હેરફેર ઉપર એક વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે.
સીઆરપીસીની કલમ 268 હેઠળ લગાવવામાં આવેલી રોકને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ), 2023ની કલમ 303 હેઠળ એક વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે.
રિપોર્ટ્સ પ્રમાણે જૂન 2024માં સલમાન ખાનના ઘર પર ગોળીબારની ઘટનાના કેસમાં મુંબઈ પોલીસે લૉરેન્સ બિશ્નોઈની કસ્ટડી લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અનેક વખત અરજીઓ કરવા છતાંય તેમની કસ્ટડી પોલીસને મળી ન હતી.
હવે લૉરેન્સ બિશ્નોઈનું નામ બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં ચર્ચાયા બાદ મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દત્તા નલવાડેએ પત્રકારોને કહ્યું હતું કે બધા ઍંગલની તપાસ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "ડ્રગ સ્મગ્લિંગના એક કેસમાં તેની કસ્ટડી મેળવવામાં આવી હતી, અને ત્યારથી તે સાબરમતી જેલમાં છે. હજી સુધી ગુજરાત પોલીસને બિશ્નોઈની તપાસ કે પૂછપરછ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે સંપર્ક કર્યો નથી."
"ગુજરાત પોલીસની કોઈ તપાસ ન હોવાથી, ગુજરાત પોલીસે પણ હજી સુધી તેની કોઈ પૂછપરછ કરી નથી. પરંતુ જો મુંબઈ પોલીસ આવશે, તો બિશ્નોઈની પૂછપરછ સાબરમતી જેલમાં જ કરી શકાશે."
એ કેસ જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં બંધ છે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સપ્ટેમ્બર-2022માં મધદરિયેથી પાકિસ્તાની બોટમાંથી 40 કિલોગ્રામ હેરોઇન પકડી પાડ્યું હતું, ત્યારથી લૉરન્સ બિશ્નોઈનું નામ ગુજરાતના મીડિયામાં અવારનવાર સાંભળવા મળતું હતું.
જ્યારે ગુજરાત ઍન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) આ ઑપરેશન પાર પાડી રહી હતી, ત્યારે તે પંજાબની કપૂરથલા જેલમાં બંધ હતો.
2023માં જ્યારે બિશ્નોઈની કસ્ટડી ગુજરાત પોલીસે મેળવી હતી, તે સમયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એટીએસના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુનીલ જોશીએ કહ્યું હતું કે:
"અમારી માહિતી પ્રમાણે તેણે આ ડ્રગના કન્સાઇન્મૅન્ટનું આયોજન જેલમાં બેસીને કર્યું હતું. ગુજરાતના દરિયામાંથી જે ડ્રગ પકડાયું હતું, તે તેના માણસો માટે આવ્યું હતું."
પોલીસે પોતાની તપાસ દરમિયાન પોલીસે બિશ્નોઈ પાસેથી શું જાણવા માગે છે, તો તેમણે કહ્યું કે, "પ્રથમ તો તે જાણવું છે કે તેણે જેલમાં બેસીને આ કન્સાઇન્મૅન્ટ કેવી રીતે મંગાવ્યું."
કોસ્ટ ગાર્ડ અને એટીએસે કેવી રીતે પકડ્યું હતું કન્સાઇન્ટમૅન્ટ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ સપ્ટેમ્બર 2022માં પોતાની એક પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું કે આ આખું ઑપરેશન એટીએસની બાતમીને આધારે કરવામાં આવ્યું હતું.
અડધી રાત્રે પાકિસ્તાનની એક શંકાસ્પદ બોટ જખૌથી 40 નોટિકલ માઇલના અંતરે આંતરરાષ્ટ્રીય જળસીમાથી ભારત તરફ આશરે પાંચ નૉટિકલ માઇલ્સ જોવા મળી હતી.
તે બોટને જ્યારે રાઉન્ડ-અપ કરીને તેમાં સવાર લોકોથી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તો તેમણે પોતાની પાસેનો સમાન દરિયામાં ફેંકી દીધો હતો.
કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ તે સામાન પછી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. કચ્છમાં આ કેસની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસ ગુજરાત એટીએસ હાથ ધરી હતી.
એટીએસની તપાસમાં વધુમાં ખૂલ્યું હતું કે જો આ ડ્રગ કન્સાઇન્મૅન્ટ ગુજરાતમાં પહોંચી ગયું હોત, તો તેની ડિલિવરી બિશ્નોઈના બે માણસો સરતાજ મલિક અને જગ્ગી સિંઘ લેવાના હતા અને તેને પંજાબ લઈ જવાના હતા.
વધુ તપાસ દરમિયાન એટીએસે તેમાં નાઇજિરિયાના ઓબીન્ના તેમજ દિલ્હીના મેહરાજ રેહમાન સત્તાર હોવાનું જાહેર કર્યું હતું.
એ ઉચ્ચ પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી સાથે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે:
“આ તપાસ દરમિયાન બિશ્નોઈ અને તેના માણસોના નેટવર્ક અને તેની ડ્રગ ડિલર્સ સાથેની સાઠગાંઠ વિશે માહિતી મળતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.”
અલગ-અલગ જેલોમાંથી નેટવર્કની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ હેરોઇન ગુજરાતના જખૌ બંદરથી દેશમાં પ્રવેશ કરીને તેની ડિલિવરી પંજાબમાં કરવાની હતી.
સુનીલ જોશીએ તે સમયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "તે સમયે પોલીસને મળેલી બાતમીને આધારે તે બોટ પર નજર રાખવામાં આવી હતી અને ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી હતી."
પોલીસે તે સમયે ‘અલ-તયાસા’ નામની તે બોટ પર સવાર છ પાકિસ્તાની નાગરિકોને પણ પકડ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા તે સમયના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, "પકડાયેલા ડ્રગનું નેટવર્ક અલગ-અલગ જેલોમાંથી ચાલી રહ્યું છે."
ભાટિયાએ તે સમયે અમૃતસર, ફરિદકોટ અને કપૂરથલા જેલોમાં બંધ કેદી આ નેટવર્ક ચલાવતા હોવાનું જણાવ્યું હતું.
ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે, "જેલમાં બંધ કેદીઓ ફોન અને વૉટ્સઍપ કૉલ મારફતે આ ડિલિવરી નક્કી કરે છે અને તેને પંજાબ સુધી પહોંચાડવા માટે તેમના માણસો કામ કરતા હોય છે."
જોકે તે કેસની વધુ તપાસ દરમિયાન તે સમયે કપૂરથલા જેલમાં કેદ બિશ્નોઈનું નામ બહાર આવ્યું હતું.

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત પોલીસને બિશ્નોઇની કસ્ટડી મળ્યા બાદ, પોલીસે તેના ડ્રગ નેટવર્ક સંદર્ભે ડ્રગ્સની હેરાફેરીમાં નાઈજીરિયન મહિલા સાથે કોઈ કનેક્શન છે કે નહીં, તેની તપાસ કરી હતી.
તેની સાથે સાથે પાકિસ્તાનની જેલમાં રહેલા હૅન્ડલર સાથે શું સંબંધ છે, કઈ રીતે જેલમાં બેસીને સંપર્કમાં છે તેની પણ પોલીસ તપાસ કરી હતી. જોકે પોલીસે આ વિશે મળેલી માહિતી સાર્વજનિક નથી કરી.
લૉરેન્સની ધરપકડ બાદ તેમના વકીલ મારફતે તેમના માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માગણી કરવામાં આવી હતી.
એટીએસના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "સીધી રીતે તેનો સંપર્ક પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અનેક ડ્રગ માફિયાઓ સાથે છે. પોલીસ હાલમાં તેના ઇન્ટરનેશનલ નેટવર્ક વિશે જાણવા માગે છે."
કોણ છે લૉરેન્સ બિશ્નોઈ?

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ બાદ લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશભરમાં જાણીતું થઈ ગયું હતું.
જુલાઈ 2024માં વરિષ્ઠ પત્રકાર સંજીવ ચૌહાણે બીબીસી માટે લખેલા લેખમાં લખ્યું હતું કે મીડિયા અહેવાલો અનુસાર અહેવાલ પ્રમાણે, લૉરેન્સ બિશ્નોઈનો જન્મ 22 ફેબ્રુઆરી, પંજાબના ફિરોઝપુર જિલ્લાના ફજિલ્લકામાં થયો હતો. જોકે કેટલીક જગ્યાઓ પર તેની જનમતારીખ 12 ફેબ્રુઆરી, 1993 છે.
બિશ્નોઈ પરિવારના પુત્ર લૉરેન્સનું અસલ નામ સતવિંદન સિંહ છે.
જોકે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો એટલે જન્મસમયે લૉરેન્સ દૂધ જેવો ઊજળો હતો, એટલે તેમનાં માતાએ જ તેમનું નામ 'લૉરેન્સ' રાખ્યું હતું, જે વધુ જાણીતું બન્યું.
તેના પિતા લવિંદરસિંહ હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ હતા, જ્યારે માતા ભણેલાં-ગણેલાં ગૃહિણી હતાં. લૉરેન્સના નાનપણમાં જ પિતાએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ગામડે પરત આવી ખેતીનો વારસાગત વ્યવસાય કરવા લાગ્યા હતા.
લૉરેન્સે પંજાબના અબોહરથી 12માનો અભ્યાસ પૂર્ય કર્યો અને આગળ ભણવા માટે 2010માં ચંડીગઢ જતા રહ્યા.
પંજાબ યુનિવર્સિટીથી તેણે એલએલબીનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશન ઑફ પંજાબ યુનિવર્સિટીનો નેતા રહી ચૂક્યો છે.
લૉરેન્સે ડીએવી કૉલેજમાં પ્રવેશ લીધો હતો અને વિદ્યાર્થી રાજનીતિમાં ઍન્ટ્રી લીધી હતી અને અહીં જ તેની મુલાકાત ગોલ્ડી બરાર સાથે થઈ. કહેવાય છે કે ગોલ્ડી બરાર વિદેશમાં બેસીને લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ માટે કામ કરે છે અને એક રીતે ગૅંગ સંભાળે છે.
લૉરેન્સનો સંબંધ બિશ્નોઈ સમુદાય સાથે છે જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગમાં વસે છે.
લૉરેન્સ બિશ્નોઈના વિદ્યાર્થી જીવનમાં તેમની સાથે અભ્યાસ કરી ચૂકેલા તેમના સાથીઓનું કહેવું છે કે તેને પંજાબી, બાગરી અને હરિયાણવી ભાષાઓ આવડે છે.
તેના વિદ્યાર્થી જીવનના અંતમાં જેના પર પ્રથમ કેસ મર્ડરના પ્રયાસમાં સામેલ હોવાનો દાખલ થયો હતો.
લૉરેન્સ બિશ્નોઈ સામે અત્યારે 22 કેસ ચાલુ છે અને તેમની સામે સાત મામલામાં તપાસ ચાલી રહી છે..
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે તેની ગૅંગમાં 700 માણસો છે, જે અલગઅલગ રાજ્યોમાં ફેલાયેલા છે.
અગાઉ મીડિયા સાથે વાત કરતા લૉરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે બિશ્નોઈ સમાજ માટે કાળિયાર પૂજનીય છે અને સલમાન ખાન તેને મારી નાખવાના એક કેસમાં દોષિત ઠર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












