લૉરેન્સ બિશ્નોઈ : સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કાવતરાનો આરોપી જે પોતાની ગૅંગને 'એક સમાન પીડા ધરાવતા લોકોનું જૂથ' કહે છે

લૉરેન્સ બિશ્નોઈ

ઇમેજ સ્રોત, SAMEER SEHGAL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

    • લેેખક, અવતાર સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

“હું વિદ્યાર્થી હતો, ત્યારે પહેલીવાર જેલમાં ગયો હતો, પછી હું જેલની અંદર ‘ગૅંગ્સ્ટર’ બની ગયો હતો. અમારા ભાઈઓને મારી નાખવામાં આવ્યા હતા, અમે માત્ર તેનો જવાબ આપ્યો હતો. વ્યક્તિ શું બને છે, તે તેની આસપાસના વાતાવરણ પર નિર્ભર કરે છે.”

આ વાત કથિત ગૅંગ્સ્ટર લૉરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી હતી.

લૉરેન્સ પર લગભગ 50 ગુનાહિત કેસ નોંધાયેલા છે.

પોલીસનું કહેવું છે કે, લૉરેન્સે મોટાભાગની ઘટનાઓને જેલમાંથી જ અંજામ આપ્યો છે.

તેમની પર જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે અને હાલમાં તે પંજાબની ભટિંડાની જેલમાં કેદ છે.

ટેલિવિઝન ચેનલે દાવો કર્યો છે કે, આ ઇન્ટરવ્યૂ લૉરેન્સ બિશ્નોઈએ જેલમાંથી આપ્યો છે, પરંતુ પંજાબ પોલીસનો દાવો છે કે, ન તો આ ઇન્ટરવ્યૂ ભટિંડા જેલનો છે અને ન તો તેને પંજાબની અન્ય કોઈ જેલમાં શૂટ કરવામાં આવ્યો છે.

રાજસ્થાન પોલીસે પણ કહ્યું છે કે, બિશ્નોઈનો આ ઇન્ટરવ્યૂ રાજ્યની કોઈપણ જેલમાંથી આપવામાં આવ્યો નથી.

32 વર્ષના લૉરેન્સ બિશ્નોઈ પર હત્યા, ચોરી-લૂંટ અને ઇરાદાપૂર્વક વ્યક્તિ પર હુમલો કરવાના અનેક આરોપો છે. આ કેસ પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં નોંધાયેલા છે.

લૉરેન્સ બિશ્નોઈના વકીલ વિશાલ ચોપડાએ બીબીસી સંવાદદાતા સુચિત્ર મોહંતીને જણાવ્યું હતું કે, “મારા અસીલ નિર્દોષ છે, તેમણે કોઈ ગુનો કર્યો નથી.”

બીબીસી ગુજરાતી
  • લૉરેન્સનો સંબંધ બિશ્નોઈ સમુદાય સાથે જોડાયેલો છે
  • લૉરેન્સ બિશ્નોઈએ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે
  • પોલીસના કહેવા મુજબ, લૉરેન્સ ‘એ કૅટેગરી’ના ગૅંગ્સ્ટર છે
  • સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી અપાઈ હતી
બીબીસી ગુજરાતી

વિદ્યાર્થી જીવનમાં રાજકારણમાં ઝંપલાવ્યું

લૉરેન્સ બિશ્નોઈ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૉરેન્સ બિશ્નોઈ ફાઝિલ્કા જિલ્લાના અબોહર વિસ્તારના રહેવાસી છે.

આ સ્થળ ભારતના સરહદી વિસ્તારમાં આવે છે. તે પંજાબની પશ્ચિમ બાજુએ આવેલો છે. પંજાબના આ વિસ્તારની પશ્ચિમમાં પાકિસ્તાનને અડીને ભારતની સરહદ છે અને તેની દક્ષિણમાં રાજસ્થાન અને હરિયાણા છે.

આ વિસ્તારમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સામાન્ય સંસ્કૃતિ છે.

કહેવાય છે કે, લૉરેન્સ બિશ્નોઈનો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે અને તેમની પાસે ઘણી જમીન છે. લૉરેન્સના બીજા એક ભાઈ અનમોલ બિશ્નોઈ છે.

તેમના માતા સુનિતા બિશ્નોઈએ એકવાર સરપંચની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેમણે આ માટે ફૉર્મ પણ ભર્યું હતું, પરંતુ પછી ચૂંટણી લડી ન હતી.

લૉરેન્સ બિશ્નોઈ સમુદાયના છે, આ સમુદાય પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણાં ભાગોમાં સ્થાયી છે.

લૉરેન્સે અબોહરની એક ખાનગી કૉન્વેન્ટ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું.

વર્ષ 2011માં તેમણે ચંદીગઢની ડીએવી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને અહીંથી જ તેમણે વિદ્યાર્થી રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો.

લૉરેન્સ બિશ્નોઈના વિદ્યાર્થીકાળ દરમિયાન સ્કૂલ અને કૉલેજમાં તેમની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેઓ પંજાબી, બાગરી અને હરિયાણી ભાષા જાણે છે.

વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય રહેલા લૉરેન્સ બિશ્નોઈ વિદ્યાર્થી સંગઠન SOPU (પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશન)ના સક્રિય સદસ્ય હતા, પરંતુ તેમણે ક્યારેય પંજાબ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો ન હતો.

તેઓ વિદ્યાર્થી રાજકારણ સાથે સંકળાયેલા હતા.

જે સમયે લૉરેન્સ બિશ્નોઈ વિદ્યાર્થીઓમાં સક્રિય હતા, તે સમયે ચંદીગઢની કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થી સંગઠનો, પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશન અને પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનું વર્ચસ્વ હતું.

જોકે, ત્યારબાદના સમયમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા અને સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાએ અહીં રાજકારણ શરૂ કર્યું હતું. આ સંસ્થાઓ સંગઠન પક્ષના અનુશાસનમાં રહીને કામ કરતી હતી.

બીબીસી ગુજરાતી

લૉરેન્સ બિશ્નોઈ સામે કેસ

લૉરેન્સ બિશ્નોઈ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2014માં લૉરેન્સ બિશ્નોઈને પહેલીવાર જેલની સજા થઈ હતી. એક એન્કાઉન્ટર બાદ રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી હતી.

2021માં તેમને દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જૂન 2022માં પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે તેમની ધરપકડ કરી હતી.

ગયા વર્ષે 29 મે એ પંજાબના માનસામાં જવાહરના ગામ નજીક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ તેઓને ભટિંડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ કેદ છે.

પોલીસનું કહેવું છે કે, લૉરેન્સ ‘એ કૅટેગરી’ના ગૅંગ્સ્ટર છે. પંજાબ પોલીસે ગૅંગ્સ્ટરની સરળ ઓળખાણ માટે તેમની માટે ઘણી કૅટેગરી એટલે કે સ્તર બનાવ્યા છે, જેમાં એક ‘એ કૅટેગરી’ છે.

આ કૅટેગરીનો અર્થ છે કે તેમાં આવતા આવા ગુનેગાર ખૂબ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે.

સિદ્ધુ મૂસેવાલા

ઇમેજ સ્રોત, ANI

સિદ્ધુ મૂસેવાલાની હત્યાના થોડા દિવસો પછી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

કોઈ અજાણી વ્યક્તિએ સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનના નામે એક ચિઠ્ઠી મોકલી હતી, જેમાં લખ્યું હતું કે તેમની હાલત સિદ્ધુ મૂસેવાલા જેવી કરવામાં આવશે.

આ મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના લોકો સલમાન ખાનના ઘરની આસપાસનો તાગ મેળવવા ગયા હતા અને તેઓ પનવેલમાં ભાડાની જગ્યા પર રોકાયા હતા.

લૉરેન્સ બિશ્નોઈ પર હત્યા, લૂંટ અને મારપીટ સહિતના ઘણા આરોપો છે.

તેમની સામે પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં ડઝનબંધ કેસ નોંધાયેલા છે, પરંતુ પોલીસ મુજબ લૉરેન્સને ચાર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.

લૉરેન્સ બિશ્નોઈ સામે હજુ 22 કેસ ચાલી રહ્યા છે અને તેમની વિરુદ્ધ 7 કેસમાં તપાસ ચાલી રહી છે.

બીબીસી ગુજરાતી

લૉરેન્સ બિશ્નોઈની ગૅંગ

લૉરેન્સ બિશ્નોઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઉલ્લેખનીય છે કે, બિશ્નોઈની ગૅંગમાં લગભગ 700 સભ્યો છે. કથિત રીતે આજે આ ગૅંગ કૅનેડામાંથી ચલાવવામાં આવે છે અને તેને ચલાવનાર વ્યક્તિનું નામ ગોલ્ડી બરાર છે.

સિદ્ધુ મૂસેવાલા હત્યાના મુખ્ય કાવતરાખોર સાથે અન્ય ઘણા કેસમાં પોલીસ ગોલ્ડી બરારને શોધી રહી છે.

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે જવાબદાર છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે, લૉરેન્સ બિશ્નોઈની આ ગૅંગમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી લોકો સામેલ છે. આ ગૅંગ ત્રણ રાજ્યોમાં સક્રિય છે.

ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં લૉરેન્સ બિશ્નોઈ તેમની ગૅંગ વિશે કહે છે કે, “આ કોઈ ગૅંગ નથી, આ એક સમાન પીડા ધરાવતા લોકોનું જૂથ છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી