એ 'માસ્ટરમાઇન્ડ' જેને કારણે જેલમાંથી 389 કેદીઓ નાસી છૂટ્યા

ઇમેજ સ્રોત, SWASTIK PAL
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
નવેમ્બર 2005ના એક શાંત રવિવારની સાંજે બિહારમાં એક પત્રકારના ઘરે એક ગભરાયેલી વ્યક્તિનો ફોન આવ્યો હતો.
એક કેદીએ મોબાઇલમાં હાંફતા કહ્યું હતું, "માઓવાદીઓએ જેલ પર હુમલો કર્યો છે. લોકો મરી રહ્યા છે. હું શૌચાલયમાં સંતાઈ ગયો છું." તેનો અવાજ ધ્રુજતો હતો. બૅકગ્રાઉન્ડમાં ગોળીબારનો અવાજ સંભળાતો હતો.
એ કેદી બિહારના ગરીબીગ્રસ્ત અને એ સમયે ડાબેરી ઉગ્રવાદના ગઢ જેહાનાબાદની એક જેલમાંથી ફોન કરી રહ્યો હતો.
ક્ષીણ થઈ ગયેલી લાલ ઈંટની વસાહતી યુગની જેલ કેદીઓથી છલકાતી હતી. એક એકરમાં ફેલાયેલી એ જેલમાં 13 બૅરેક્સ અને કોટડીઓ હતી.
સત્તાવાર અહેવાલોમાં તેને "અંધારી, ભેજવાળી અને ગંદી જગ્યા" તરીકે વર્ણવવામાં આવી હતી. તે 230 કેદીઓને રાખવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેમાં 800 કેદીઓ હતા.
પશ્ચિમ બંગાળના નક્સલબારીમાંથી 1960ના દાયકાના અંતમાં શરૂ થયેલો માઓવાદી બળવો બિહાર સહિતના દેશના મોટા ભાગોમાં ફેલાયો હતો.
એક સામ્યવાદી સમાજની સ્થાપના માટે નક્સલવાદીઓ 60 વર્ષોથી લડતા રહ્યા છે. આ ચળવળમાં ઓછામાં ઓછા 40,000 લોકોના જીવ ગયા છે.
જેહાનાબાદ જેલ નાનકડી હતી. તેમાં માઓવાદીઓની સાથે તેમના દુશ્મન – ઉચ્ચ હિન્દુ જ્ઞાતિઓના ખાનગી સૈન્યના લોકો પણ રહેતા હતા. બધા એકમેક પરના અત્યાચારના મુકદ્દમાની રાહ જોઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક ભારતીયો જેલોની માફક આ જેલમાં પણ કેટલાક કેદીઓ પાસે મોબાઇલ ફોન સુધીની પહોંચ હતી. એ મોબાઇલ ફોન ગાર્ડ્સને લાંચ આપીને મેળવવામાં આવ્યા હતા.
પોલીસના ગણવેશમાં સેંકડો બળવાખોરો જેલની પાછળનું ઝરણું વટાવીને આવ્યા હતા

ઇમેજ સ્રોત, PRASHANT RAVI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ વખતે જેલમાં રહેતા 659 કેદીઓ પૈકીના તે એક કેદીએ રાજકુમાર સિંહને ધીમેથી કહ્યું હતું, "જેલ બળવાખોરોથી ખીચોખીચ ભરેલી છે. કેટલાક લોકો તો ચાલીને બહાર જઈ રહ્યા છે."
2005ની 13 નવેમ્બરની રાતે અનેક બળવાખોરો સહિતના 389 કેદીઓ જેહાનાબાદ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને એ ઘટના ભારતની અને કદાચ એશિયાની કેદીઓ દ્વારા જેલ તોડીને નાસી છૂટવાની સૌથી મોટી ઘટના બની ગઈ હતી.
જેલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે જણ માર્યા ગયા હતા અને અરાજકતા વચ્ચે પોલીસની રાઇફલો લૂંટી લેવામાં આવી હતી. આતંકવાદ વિશેના અમેરિકાના વિદેશ વિભાગના 2005ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બળવાખોરોએ "30 કેદીઓનું અપહરણ" પણ કર્યું હતું. એ 30 લોકો માઓવાદ વિરોધી જૂથના સભ્યો હતા.
આ ઘટનાના એક રસપ્રદ વળાંકમાં પોલીસે જણાવ્યું હતું કે જેલ બ્રેકના "માસ્ટરમાઇન્ડ" અજય કનુ હતા, જે જેલના કેદીઓમાંના એક બળવાખોર નેતા હતા.
જર્જરિત જેલમાં સુરક્ષા એટલી ઢીલી હતી કે કનુ તેમના પ્રતિબંધિત જૂથ સાથે ફોન પર અને સંદેશાઓ દ્વારા સંપર્કમાં રહેતા હતા અને તેમને જેલની અંદર આવવામાં મદદ કરી હતી, એવો આક્ષેપ પોલીસે કર્યો હતો. કનુના કહેવા મુજબ, આ વાત સાચી નથી.
પોલીસના ગણવેશમાં સેંકડો બળવાખોરો જેલની પાછળનું સૂકું ઝરણું વટાવીને આવ્યા હતા. વાંસની સીડીનો ઉપયોગ કરીને તેઓ જેલની દિવાલ પર ચડ્યા-ઊતર્યા હતા અને પોતાની રાઇફલ્સમાંથી ગોળીબાર કરીને જેલમાં પ્રવેશ્યા હતા.
"અમે લોકોના વિરોધી નથી, માત્ર સરકારના વિરોધી છીએ"

ઇમેજ સ્રોત, AFP
રસોડામાં ભોજન રાંધવામાં આવી રહ્યું હોવાથી કેદીઓની કોટડીઓ ખુલ્લી હતી. બળવાખોરો મુખ્ય દરવાજા સુધી ગયા હતા અને દરવાજા ખોલી નાખ્યા હતા. ફરજ પરના ગાર્ડ્સ તે લાચાર નજરે જોતા રહ્યા હતા.
ભાગી ગયેલા કેદીઓમાંથી માત્ર 30 જ દોષિત હતા, જ્યારે બાકીના તેમનો કેસ ચાલવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ દરવાજામાંથી ચાલી નીકળ્યા હતા અને અંધકારમાં ગાયબ થઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એક કલાક કરતાં પણ ઓછા સમયમાં બધું પુરું થઈ ગયું હતું.
કેદીઓ દ્વારા સામૂહિક રીતે જેલમાંથી ભાગી જવાની આ ઘટનાએ બિહારમાં કથળતી કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિનો તેમજ દેશના સૌથી ગરીબ પ્રદેશો પૈકીના એકમાં માઓવાદી બળવાખોરીનો પર્દાફાશ કર્યો હતો.
બળવાખોરોએ ઝીણવટપૂર્વક યોજના બનાવી હતી. રાજ્યમાં ચૂંટણી ચાલી રહી હોવાને કારણે સલામતી રક્ષકો તેમાં વ્યસ્ત હતા.
સ્થાનિક પત્રકાર રાજકુમાર સિંહને એ રાત આબેહૂબ યાદ છે.
ફોન કૉલ આવ્યા પછી તેમણે નિર્જન શહેરમાંથી પોતાની મોટરબાઇક પર સવાર થઈને ઑફિસે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
તેમને યાદ છે કે હવા ધુમ્મસભરી હતી અને દૂરથી ગોળીબારના અવાજ સંભળાતા હતા. આક્રમણકારી બળવાખોરો નજીકના પોલીસ સ્ટેશન પણ હુમલાનો પ્રયાસ કરતા હતા.
રાજકુમાર મુખ્ય માર્ગ પર વળ્યા ત્યારે ઝાંખી સ્ટ્રીટલાઇટમાં ગભરાઈ જવાય તેવું દૃશ્ય તેમણે જોયું હતું. પોલીસ ગણવેશમાં સજ્જ ડઝનબંધ પુરુષો અને સ્ત્રીઓ મેગાફોન પર બૂમો પાડીને માર્ગને અવરોધતા હતા.
તેઓ કહેતા હતા, "અમે માઓવાદીઓ છીએ. અમે લોકોના વિરોધી નથી, માત્ર સરકારના વિરોધી છીએ. જેલબ્રેક અમારા વિરોધનો એક ભાગ છે."

ઇમેજ સ્રોત, PRASHANT RAVI
બળવાખોરોએ રસ્તા પર બૉમ્બ મૂક્યા હતા. એ પૈકીના કેટલાકનો વિસ્ફોટ થયો હતો. તેમાં નજીકની દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી અને સમગ્ર શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
રાજકુમાર સિંહે જણાવ્યું હતું કે તેઓ ઝડપભેર તેમની ચોથા માળે આવેલી ઑફિસે પહોંચ્યા ત્યાં એ જ કેદીનો બીજી વખત ફોન આવ્યો હતો.
કેદીએ કહ્યું હતું, "બધા ભાગી રહ્યા છે. મારે શું કરવું જોઈએ?"
સિંહે તેમને કહ્યું હતું, "બધા ભાગી રહ્યા હોય તો તમારે પણ એવું કરવું જોઈએ."
પછી તેઓ સૂમસામ શેરીઓમાંથી થઈને જેલ સુધી પહોંચ્યા હતા. તેઓ પહોંચ્યા ત્યારે જેલનો દરવાજો ખુલ્લો હતો. આખા રસોડામાં ચોખાની ખીર ફેલાયેલી હતી. કેદીઓની કોટડીઓના દરવાજા ખુલ્લા હતા. જેલર કે કોઈ કર્મચારીઓ દેખાતા ન હતા.
બે ઘાયલ પોલીસકર્મીઓ એક રૂમમાં જમીન પર પડ્યા હતા. સિંહે જણાવ્યું હતું કે તેમણે રણવીર સેના તરીકે ઓળખાતા જમીનદારોના ઉચ્ચ જ્ઞાતિના સંગઠનના નેતા બડે શર્માનો લોહીલુહાણ મૃતદેહ પણ જોયો હતો.
એક કેદી જમીન પર પડ્યો હતો. પોલીસે બાદમાં જણાવ્યું હતું કે બળવાખોરોએ નાસી જતા પહેલાં તેના પર ગોળીબાર કર્યો હતો.
બળવાખોરોએ જતી વખતે હાથેથી લખેલા લોહીના ડાઘાવાળાં પૅમ્ફ્લેટ્સ ભોંય પર વેરાયેલા અને દિવાલો પર ચોંટાડેલાં હતાં.
એક પૅમ્ફ્લેટમાં જણાવવામાં આવ્યું હતું, "અમે આ સાંકેતિક કાર્યવાહી દ્વારા રાજ્ય તથા કેન્દ્ર સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે તેઓ ક્રાંતિકારીઓ અને સંઘર્ષ કરી રહેલા લોકોની ધરપકડ કરશે અને જેલમાં ગોંધશે તો તેમને માર્ક્સવાદી ક્રાંતિકારી રીતે જેલમાંથી કેવી રીતે મુક્ત કરાવવા તે અમે જાણીએ છીએ."
થોડા મહિનાઓ પહેલાં હું બિહારની અરાજક રાજધાની પટનામાં 57 વર્ષના બળવાખોર નેતા કનુને મળ્યો હતો.
તેમના પર જેલ તોડવાના ષડયંત્રના સૂત્રધાર હોવાનો આરોપ છે.
કુલ 45 ફોજદારી કેસો પૈકીના છ સિવાયના તમામમાં કનુ નિર્દોષ છૂટી ગયા છે

ઇમેજ સ્રોત, SWASTIK PAL
જેલબ્રેકની ઘટના બની ત્યારે મીડિયા અહેવાલોમાં કનુને "બિહારના મોસ્ટ વૉન્ટેડ" અપરાધી ગણાવવામાં આવ્યા હતા. તેમને પોલીસથી ડરતી અને આદર આપતી વ્યક્તિ ગણાવવામાં આવ્યા હતા.
તે અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે શર્માને કથિત રીતે નિશાન બનાવતા અને તેમના પર ગોળીબાર કરતા પહેલાં હથિયારનો "નિષ્ણાતની માફક" ઉપયોગ કરીને તેના મૅગેઝીન્સ બદલી નાખ્યાં હતાં. ઘટનાના 15 મહિના પછી કનુ બિહારના ધનબાદથી કોલકાતા આવી રહ્યા હતા ત્યારે રેલવે પ્લૅટફૉર્મ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
લગભગ બે દાયકા પછી કનુ, તેમની સામેના કુલ 45 ફોજદારી કેસો પૈકીના છ સિવાયના તમામમાં નિર્દોષ છૂટી ગયા છે. મોટા ભાગના કેસ જેલબ્રેકના છે.
તેમાં શર્માની હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે. એક કેસમાં તેઓ સાત વર્ષ જેલમાં રહી ચૂક્યા છે.
તેઓ ખતરનાક વ્યક્તિ હોવાની છાપ હોવા છતાં કનુ બહુ વાચાળ છે.
તેઓ ધારદાર શૈલીમાં, જોખીજોખીને બોલે છે અને જેલમાંથી ભાગી છૂટવાની ઘટનામાં પોતાની કોઈ ખાસ ભૂમિકા ન હોવાનું કહે છે. એક સમયે ભયાનક બળવાખોર ગણાતા કનુએ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ "ગરીબો અને પછાત જ્ઞાતિઓ માટેની લડાઈ લડી રહ્યા છે."
કનુએ નાનપણમાં તેમના નિમ્ન જ્ઞાતિના ખેડૂત પિતા પાસેથી રશિયા, ચીન અને ઇન્ડોનેશિયામાં સામ્યવાદી બળવાઓ વિશેની સંખ્યાબંધ વાતો સાંભળી હતી.
કનુ આઠમા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં તેમના પિતાના સાથીઓએ તેમને ક્રાંતિકારીઓના રાજકારણમાં આવવાની વિનંતી કરી હતી.
કનુના જણાવ્યા મુજબ, તેમનામાં બળવાખોરીના બીજ વહેલાં રોપાયાં હતાં. ફૂટબૉલની એક મૅચમાં સ્થાનિક મકાનમાલિકના પુત્ર સામે તેમણે ગોલ કર્યો એટલે ઉચ્ચ જ્ઞાતિના સશસ્ત્ર લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો.
એ ઘટનાને યાદ કરતાં કનુએ કહ્યું હતું, "હું અંદર પૂરાઈ ગયો હતો. તેઓ મારા માટે અને મારી બહેન માટે આવ્યા હતા. ઘરને ફેંદી નાખ્યું હતું. બધું તોડી નાખ્યું હતું. ઉચ્ચ જ્ઞાતિઓના લોકોએ અમને આ રીતે ડરાવીને દબાવી રાખ્યા હતા."
કનુ એક કટ્ટરવાદી સામ્યવાદી જૂથ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા

ઇમેજ સ્રોત, AFP
વિધિની વક્રતા જુઓ કે કૉલેજમાં પૉલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતી વખતે કનુએ માઓવાદ સામે યુદ્ધ છેડનાર હિન્દુ-રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખનું નેતૃત્વ કર્યું હતું.
સ્નાતક થયા પછી તેમણે એક સ્કૂલના સ્થાપના કરી હતી, પરંતુ બિલ્ડિંગના માલિકે તેમને હાંકી કાઢ્યા હતા. ગામ પાછા ફર્યા બાદ સ્થાનિક મકાનમાલિક સાથેનો તણાવ વધ્યો હતો.
ગામના એક માથાભારે માણસની હત્યા કરવામાં આવી ત્યારે કનુ માત્ર 23 વર્ષના હતા અને તેમનું નામ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું. તેઓ છુપાઈ ગયા હતા.
કનુએ કહ્યું હતું, "એ દિવસથી હું મારા જીવનના મોટા ભાગના હિસ્સામાં ભાગતો રહ્યો છું. કામદારો અને ખેડૂતોને એકત્ર કરવા મેં ઘર છોડ્યું હતું."
"માઓવાદીઓ સાથે જોડાયો હતો અને ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો." કનુ એક કટ્ટરવાદી સામ્યવાદી જૂથ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)માં જોડાયા હતા.
કનુએ કહ્યું હતું, "મારો વ્યવસાય મુક્તિનો હતો, ગરીબોની મુક્તિનો. તે કામ ઉચ્ચ જ્ઞાતિઓના અત્યાચારો સામે ઊભા રહેવાનું હતું. અન્યાય અને જુલમ સહન કરનારાઓ માટે હું લડ્યો છું."
ખતરનાક બળવાખોર નેતા તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા અને માથા સાટે 30 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા કનુ ઑગસ્ટ 2002માં ભૂગર્ભ નેતાઓને મળવા અને નવી વ્યૂહરચનાઓ બનાવવા માટે જઈ રહ્યા હતા.
તેઓ પટનામાં તેમના ગંતવ્યસ્થાને પહોંચવામાં હતા ત્યાં એક વ્યસ્ત ચોકમાં એક કારે તેમને ઓવરટેક કર્યો હતો.
કનુએ કહ્યું હતું, "સાદા વસ્ત્રોમાં સજ્જ માણસો થોડી ક્ષણોમાં જ તે કારમાંથી બહાર કૂદી પડ્યા હતા અને મને શરણે થવાનો આદેશ આપ્યો હતો. મેં પ્રતિકાર કર્યો ન હતો."
એ પછીનાં ત્રણ વર્ષ સુધી કનુને એક જેલમાંથી બીજી જેલમાં મોકલવામાં આવતા રહ્યા હતા, કારણ કે તેઓ ભાગી જશે એવી પોલીસને શંકા હતી.
એક વરિષ્ઠ અધિકારીએ મને કહ્યું હતું, "તેઓ નોંધપાત્ર પ્રતિષ્ઠા ધરાવતા હતા અને બધામાં સૌથી તીક્ષ્ણ હતા."
જેહાનાબાદ જેલમાં ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા બમણી હતી
કનુના જણાવ્યા મુજબ, ભ્રષ્ટાચાર, ચોરી જવાતા રાશન, નબળી આરોગ્યસંભાળ વ્યવસ્થા અને લાંચનો વિરોધ કરવા માટે તેમણે દરેક જેલમાં કેદીઓના યુનિયનની રચના કરી હતી. એક જેલમાં ત્રણ દિવસની ભૂખ હડતાળનું નેતૃત્વ કર્યું હતું. કનુએ કહ્યું હતું, "અથડામણ થઈ હતી, પરંતુ હું વધારે સારી સ્થિતની માંગ કરતો રહ્યો હતો."
કનુએ જેહાનાબાદનું વર્ણન કરતાં ભારતીય જેલોમાંની કેદીઓની ભીડનું એક નક્કર શબ્દચિત્ર દોર્યું હતું. જેહાનાબાદ જેલમાં ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા બમણી હતી.
કનુએ કહ્યું હતું, "સૂવા માટે જગ્યા ન હતી. મારી બૅરેકમાં 40 લોકોને સમાવવાની ક્ષમતા હતી. તેમાં 180 કેદીઓને ઠાંસવામાં આવ્યા હતા."
"અમે જીવતા રહેવા માટે એક સિસ્ટમ બનાવી હતી. અમારામાંંથી 50 લોકો ચાર કલાક સૂઈ જતા હતા, જ્યારે બાકીના લોકો અંધારામાં બેસીને રાહ જોતા હતા તથા ગપસપ કરતા હતા."
"ચાર કલાક થાય પછી બીજા જૂથનો વારો આવતો હતો. આ રીતે અમે જેલની દીવાલો વચ્ચે દિવસો પસાર કર્યા હતા."
2005ની જેલબ્રેકની કુખ્યાત ઘટનામાં કનુ ભાગી ગયા હતા.
એ ઘટનાને યાદ કરતાં કનુએ કહ્યું હતું, "ગોળીબાર શરૂ થયો ત્યારે અમે રાત્રિભોજનની રાહ જોઈ રહ્યા હતા."
"બૉમ્બ, ગોળીબાર, ચારે તરફ અંધાધૂંધી હતી. માઓવાદીઓ જેલમાં ઘૂસી આવ્યા હતા. તેઓ બૂમો પાડીને અમને ભાગી છૂટવાનું કહેતા હતા."
"બધા અંધકારમાં ભાગ્યા હતા. મારે જેલમાં રહીને મોતને શા માટે નોતરવું જોઈએ?"
"સાહેબ, કોઈ ચોર તમને ક્યારેય એવું કહે કે તે ચોરી કરવા જઈ રહ્યો છે?"
ઘણા લોકો કનુના સાદગીના દાવા બાબતે શંકા વ્યક્ત કરે છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, "ઘટનાની વાત સાંભળવામાં સરળ લાગે છે એટલી સરળ ન હતી. સાંજના સમયે કેદીઓની કોટડીઓ સામાન્ય રીતે બંધ કરી દેવામાં આવતી હોય છે ત્યારે જેલમાં રાતે ભોજન શા માટે રાંધવામાં આવતું હતું? આ કારણસર મિલિભગતની શંકા સર્જાઈ હતી."
રસપ્રદ વાત એ છે કે ભાગી છૂટેલા કેદીઓ પૈકીના ઘણા ડિસેમ્બરના મધ્ય સુધીમાં જેલમાં પાછા ફર્યા હતા. કેટલાક સ્વેચ્છાએ પાછા ફર્યા હતા, કેટલાકને પકડી પાડવામાં આવ્યા હતા. એકેય બળવાખોર પાછો ફર્યો ન હતો.
તમે જેલમાંથી ભાગી જવાના ષડયંત્રના સૂત્રધાર છો, એવો સવાલ મેં કનુને કર્યો ત્યારે તેમણે સ્મિત કર્યું હતું.
તેમણે કહ્યું હતું, "અમને માઓવાદીઓએ મુક્ત કર્યા હતા. તેમનું કામ મુક્ત કરાવવાનું છે."
થોડી વધારે પૂછપરછ કરી ત્યારે કનુ ચૂપ થઈ ગયા હતા.
તેમણે જેલની એક વાત કહી ત્યારે શંકા ઘેરી બની હતી.
એક પોલીસ અધિકારીએ તેમને એક વખત સવાલ કર્યો હતો કે તું ફરીવાર જેલમાંથી ભાગવાની તૈયારી કરી રહ્યો છે?
એ વખતે કનુએ રડતાં જવાબ આપ્યો હતો, "સાહેબ, કોઈ ચોર તમને ક્યારેય એવું કહે કે તે ચોરી કરવા જઈ રહ્યો છે?"
આ શબ્દો એ માણસ બોલ્યો હતો, જે ભારપૂર્વક કહે છે કે જેલ તોડીને નાસી છૂટવાની યોજનામાં તેણે કોઈ ભૂમિકા ભજવી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












