'તમે કૂતરાની જેમ મરશો', જેના પર પત્નીને ડ્રગ્સ આપીને અન્ય પુરુષો દ્વારા બળાત્કાર કરાવ્યાનો આરોપ છે, તેની પુત્રીએ પિતા માટે આ શબ્દો કહ્યા

ફ્રાંસ, બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કૅરોલિને તેના જ પિતા પર ગંભીર આરોપો લગાવ્યા

(ચેતવણીઃ આ કહાણીમાં શરૂઆતથી જ વિચલિત કરી શકે તેવી વિગતો છે)

ફ્રાન્સનાં એક મહિલા 10 વર્ષ કરતાં વધુ સમયથી અજાણ્યા પુરુષો દ્વારા બળાત્કારનો ભોગ બનતાં રહ્યાં અને તેમના પતિએ જ તેમને બેહોશીની દવાઓ આપીને તેમના પર બળાત્કાર કરાવ્યો હતો. તેમણે કોર્ટમાં આ ભયાનક ઘટનાની હારમાળા વિશે જણાવ્યું હતું.

72 વર્ષનાં મહિલા જિઝેલ પેલિકોટે દક્ષિણ-પૂર્વ ફ્રાન્સના એવિન્યન શહેરની કોર્ટમાં ટ્રાયલના ત્રીજા દિવસે 51 પુરુષો સામે પુરાવા આપ્યા હતા.

આરોપીઓમાં તેમના પતિ પણ સામેલ છે જેમની સાથે તેમણે લગ્નનાં 50 વર્ષ પસાર કર્યાં હતાં. આ તમામ લોકો પર બળાત્કારનો આરોપ છે.

પેલિકોટ તેમજ અન્ય 50 આરોપી પર જે કેસ સપ્ટેમ્બરથી ચાલી રહ્યો છે તેના પર 20 ડિસેમ્બરે ચુકાદો આવે તેવી શક્યતા છે.

જિઝેલના 71 વર્ષના પતિ ડૉમિનિક પેલિકોટે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે અન્ય પુરુષો જ્યારે તેમનાં પત્ની સાથે સેક્સ કરતા જોઈને તેમને આનંદ થતો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં આ વાત છે.

આ કેસના ઘણા આરોપીઓએ પોતે કોઈ બળાત્કાર કર્યો હોવાનો ઇન્કાર કર્યો છે. તેમનો દાવો છે કે તેઓ એવું માનતા હતા કે તેઓ મહિલાની સહમતિથી સેક્સ ગેઇમમાં ભાગ લઈ રહ્યા છે.

પરંતુ જિઝેલ પેલિકોટે કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ જાતીય સંબંધમાં "ક્યારેય મરજીથી સામેલ ન હતાં". બેહોશ કરીને તેમના પર અત્યાચાર કરાયો હતો. તેમણે ક્યારેય ઊંઘવાનો ડોળ કર્યો ન હતો.

બળાત્કારના આ મામલાએ સમગ્ર ફ્રાન્સને હચમચાવી નાખ્યું છે કારણ કે આ એક પબ્લિક ટ્રાયલ છે અને તેની વિગતો જાહેરમાં આવી રહી છે.

ડૉમિનિક પેલિકોટ સામે તેની દીકરી કૅરોલિને આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'તમે કૂતરાની જેમ મરશો.'

કૅરોલિન માને છે કે પિતાએ તેનું પણ યૌનશોષણ કર્યું છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'મારી દિકરીની ચીસ હજુ પણ મારા મનમાં પડઘાય છે'

ફ્રાંસ બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જિઝેલ પેલિકોટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બળાત્કારને લગતા કેસો હોય તેમાં સામાન્ય રીતે મહિલાની ઓળખ જાહેર કરવામાં આવતી નથી.

જોકે, લીગલ ટીમે અગાઉ કહ્યું હતું કે જિઝેલે પોતાની ઓળખ છુપાવવાના અધિકારને જતો કર્યો હતો જેથી કરીને આરોપીઓ 'શરમ'માં મુકાય.

તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે 'તેઓ એવી દરેક મહિલા વતી બોલી રહ્યાં છે જેમને તેમની જાણ વગર ડ્રગ્સ અપાયું છે... જેથી અન્ય કોઈ મહિલાને આવી પીડા ભોગવવી ન પડે.'

જિઝેલે નવેમ્બર 2020ની એ ઘટના યાદ કરી હતી જ્યારે પોલીસે તેમને તેમના પતિ સાથે એક પૂછપરછમાં હાજરી આપવા કહ્યું હતું.

થોડા દિવસો જિઝેલનો પતિ એક સુપરમાર્કેટમાં મહિલાઓના અંડર-સ્કર્ટના ફોટો પાડતો પકડાયો હતો.

જિઝેલે કોર્ટને જણાવ્યું હતું કે, “મને લાગ્યું કે પોલીસ સાથેની મુલાકાત તે ઘટના સંબંધિત ઔપચારિકતા હતી. પરંતુ પોલીસ અધિકારીએ મને મારી સેક્સ લાઇફ વિશે પૂછ્યું. મેં પોલીસને કહ્યું કે મેં ક્યારેય પાર્ટનર બદલવાનું કૃત્ય અથવા પરપુરુષ સાથે શયન નથી કર્યું. હું માત્ર મારા પતિ સાથે સંબંધ ધરાવું છું. મારા પતિ સિવાય કોઈ બીજો પુરુષ મારા પર હાથ મુકે તે હું સહન નથી કરતી."

"પરંતુ એક કલાક પછી પોલીસ અધિકારીએ કહ્યું, 'હું તમને એવી કેટલીક ચીજો બતાવવા જઈ રહ્યો છું જે તમને નહીં ગમે'. એમ કહીને તેમણે એક ફોલ્ડર ખોલ્યું અને મને એક ફોટોગ્રાફ બતાવ્યો."

"તેમાં પથારી પર સૂતેલાં પુરુષ કે સ્ત્રીને હું ઓળખી શકી નહીં. અધિકારીએ પૂછ્યું: મેડમ, શું આ તમારો પલંગ અને બેડસાઇડ ટેબલ છે?"

"હું મારી જાતને તે અજાણ્યા પોશાકમાં ઓળખી શકું તેમ ન હતી. ત્યાર પછી તેણે મને બીજો અને ત્રીજો ફોટો બતાવ્યો."

"મેં તેમને થોભી જવા કહ્યું, મારા માટે તે અસહ્ય હતું. એ તસવીરોમાં હું મારી પથારીમાં બેહોશ પડી હતી અને એક માણસ મારા પર બળાત્કાર કરી રહ્યો હતો. મારી દુનિયા વેરવિખેર થઈ ગઈ હતી."

જિઝેલે કહ્યું કે, અપસ્કર્ટિંગની ઘટના બીજી વખત નહીં બને તેવું વચન આપ્યા પછી મેં પતિને માફ કરી દીધો હતો. ત્યાં સુધી લગ્નજીવન સામાન્ય રીતે સુખી હતું.”

જિઝેલ અને તેમના પતિ અનેક નાણાકીય અને આરોગ્ય સંબંધિત તકલીફોમાંથી બહાર આવ્યા હતા.

જિઝેલે કહ્યું કે, "અમે સાથે મળીને જે બનાવ્યું હતું તે બધું જતું રહ્યું. અમારાં ત્રણ સંતાનો, સાત પૌત્ર-પૌત્રીઓ. અમે એક આદર્શ યુગલ હતા."

"હું ખોવાઈ જવા માગતી હતી. પરંતુ મારે મારાં બાળકોને કહેવું હતું કે તેમના પિતાની ધરપકડ કરવામાં આવી છે. મેં મારા જમાઈને મારી દીકરીની બાજુમાં બેસવા કહ્યું અને દીકરીને કહ્યું કે તારા પિતાએ મારા પર બળાત્કાર કર્યો છે અને અન્ય લોકો પાસે મારા પર બળાત્કાર કરાવ્યો છે."

"મારી દિકરીએ જે ચીસ પાડી જેનો અવાજ હજુ પણ મારા મનમાં પડઘાય છે."

સેક્સ-ચૅટ વેબસાઇટ્સ દ્વારા પુરુષોનો સંપર્ક કરવામાં આવ્યો

ફ્રાન્સની કોર્ટ આવનારા દિવસોમાં વધુ પુરાવાઓ તપાસશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સની કોર્ટ આવનારા દિવસોમાં વધુ પુરાવાઓ તપાસશે

આવનારા દિવસોમાં કોર્ટ આ કેસની તપાસમાં વધુ પુરાવા તપાસશે. જિઝેલના પતિ ડૉમિનિકે કેવી રીતે કથિત રીતે સેક્સ-ચૅટ વેબસાઇટ્સ દ્વારા પુરુષોનો સંપર્ક કર્યો અને તેમને એવિન્યનના ઉત્તર-પૂર્વમાં આવેલા શહેર માઝાનમાં તેમના ઘરે બોલાવ્યા હતા, તેની વિગત તપાસશે.

પોલીસનો દાવો છે કે ઘરે બોલાવાયેલા પુરુષોને કડક સૂચના આપવામાં આવી હતી કે કોઈનું ધ્યાન ન જાય તે માટે તેમણે ઘરથી થોડે દૂર વાહન પાર્ક કરવાનું હતું. જિઝેલને અપાયેલી ઊંઘની ગોળીઓની અસર થાય તે માટે તેમણે એક કલાક સુધી રાહ જોવાની રહેતી.

આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે એકવાર પુરુષો ઘરમાં આવી જાય પછી તેમણે રસોડામાં જઈને કપડાં કાઢી નાખવાં અને પછી ગરમ પાણીથી અથવા રેડિએટર પર હાથ ગરમ કરવા માટે જણાવાતું હતું. સિગારેટ પીવાની કે પરફ્યુમ લગાવવાની મનાઈ હતી કારણ કે તેની ગંધથી જિઝેલ ઊંઘમાંથી જાગી જાય તેમ હતાં. કૉન્ડોમ પહેરવાની જરૂર ન હતી.

આ કામમાં કોઈ નાણાંની આપ-લે પણ થઈ ન હતી.

'તેને સેક્સની લત હતી'

ફ્રાંસ બળાત્કાર કેસ

ઇમેજ સ્રોત, BENOIT PEIRUCQ / AFP

ઇમેજ કૅપ્શન, કોર્ટ કેસમાં મુખ્ય પ્રતિવાદીનું ચિત્ર

તપાસમાં જાણવા મળ્યા મુજબ ડૉમિનિકે પત્ની બેહોશીની હાલતમાં હોય અને અન્ય પુરુષ જાતીય સંબંધો બાંધતા હોય એના વીડિયો પણ ઉતાર્યા હતા. લગભગ 4000 જેટલા ફોટો અને વીડિયો તેણે એક હાર્ડ ડ્રાઇવમાં સંઘરી રાખ્યા હતા.

આ ઘટના સામે ત્યારે આવી જ્યારે એક સ્ટોરમાં કોઈ મહિલાના સ્કર્ટ નીચે ફોટા પાડવાના પ્રયાસમાં ડૉમિનિક પકડાઈ ગયો અને તેના કૉમ્પ્યુટરને ચેક કરવામાં આવ્યું ત્યારે બધું બહાર આવ્યું હતું.

પોલીસનું કહેવું છે કે, 2011 અને 2020ની વચ્ચે લગભગ 200 જેટલા રેપ થયાના પુરાવા તેમની પાસે છે.

શરૂઆતમાં પેરિસની બહાર તેમના ઘરે આ પ્રકારે કૃત્યો થયાં હતાં. મુખ્યત્વે માઝાનમાં થયાં જ્યાં તેઓ 2013 માં રહેવાં ગયાં હતાં.

તપાસકર્તાઓનો આરોપ છે કે અડધાથી વધુ બળાત્કાર તેમના પતિ દ્વારા કરવામાં આવ્યા હતા. રેપ કરનારા અન્ય પુરુષોમાંથી મોટા ભાગના ઘરથી માત્ર થોડા કિલોમીટર દૂર રહેતા હતા.

જજે પૂછ્યું હતું કે શું તેઓ કોઈ આરોપીને ઓળખે છે? તો જિઝેલે કહ્યું કે તેઓ માત્ર એકને ઓળખે છે.

"તે અમારો પાડોશી હતો. મેં તેને ઘણી વાર બેકરીમાં જોયો હતો. તે હંમેશાં નમ્ર હતો. મને ખ્યાલ ન હતો કે તે મારા પર રેપ કરવા આવતો હતો."

ત્યાર પછી જજે જિઝેલને યાદ અપાવ્યું કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષતાની ધારણાના કારણે આ ઘટના માટે રેપ નહીં પરંતુ "સેક્સ સીન" શબ્દનો ઉપયોગ કરવા કોર્ટમાં સંમતિ થઈ હતી.

મહિલાએ જવાબ આપ્યો, "મને લાગે છે કે તેમણે હકીકતો ઓળખવી જોઈએ. હું જ્યારે વિચારું છું કે તેમણે શું કર્યું છે ત્યારે મને તિરસ્કાર થાય છે. તેમણે જે કર્યું તેને ઓળખવાની જવાબદારી કમસે કમ તેમની પાસે હોવી જોઈએ."

આ હકીકત બહાર આવ્યા પછી જિઝેલને જાણવા મળ્યું કે તેમને ચાર પ્રકારના જાતીય ચેપી રોગ થયા છે.

તેમણે કહ્યું, "મને કોઈ પણ આરોપી તરફ કોઈ સહાનુભૂતિ નથી. તેમાંથી એક એચઆઈવી પૉઝિટિવ હતો તે છ વખત આવ્યો હતો. મારા પતિએ એક પણ વખત મારા સ્વાસ્થ્યની ચિંતા કરી નથી."

હવે તે જિઝેલ છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે.

ડૉમિનિક અને અન્ય આરોપીઓની હાજરીમાં બે કલાક બોલ્યા પછી તેમણે કહ્યું: "મારી અંદર બધું ખતમ થઈ ગયું છે. બહારથી કદાચ મજબૂત દેખાય પણ અંદરથી..."

પૂછપરછ દરમ્યાન ડૉમિનિકે કહ્યું હતું કે તેને સેક્સની લત હતી.

'પિતાના લૅપટૉપમાંથી તસવીરો બતાવી ત્યારે જીવન થંભી ગયું'

કૅરોલિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅરોલિન

જિઝેલ અને પેલિકૉટની પુત્રી કૅરોલિને પણ પિતા પર આક્ષેપ કર્યા છે. જિઝેલ પેલિકૉટ સામૂહિક બળાત્કારના મામલે સુનાવણીમાં ફ્રાન્સની એવિન્યનની અદાલતમાં તણાવભર્યો માહોલ હતો.

45 વર્ષીય કૅરોલિને કહ્યું કે, પ્રતિવાદીના લૅપટૉપ પર સૂતેલી અવસ્થામાં પોતાની નગ્ન તસવીરો જોઈને મને લાગે છે કે મારા પિતાએ મને પણ નશીલા પદાર્થ આપીને મારું યૌન શોષણ કર્યું છે.

ડૉમિનિક પેલિકોટે આ વાતનો ઇન્કાર કર્યો હતો અને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પત્ની જિઝેલને એક દાયકા સુધી નશીલા પદાર્થ આપ્યા હતા અને બેહોશ હતી ત્યારે બળાત્કાર માટે ઇન્ટરનેટના માધ્યમથી પુરુષોને ઘરે બોલાવ્યા હતા.

અદાલતમાં પોતાના નિવેદનમાં કૅરોલિને પિતાના જૂઠ્ઠાણા માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે અદાલતમાં કહ્યું કે, '2020માં પોલીસે જ્યારે પિતાના લૅપટૉપમાંથી તસવીરો બતાવી ત્યારે લાગ્યું કે જીવન થંભી ગયું છે.'

પેલિકોટને પોતાની પુત્રીને સંબોધિત કરવાનો મોકો મળ્યો હતો. આ કેસમાં છેલ્લી વખત તેને પોતાનો પક્ષ મૂકવાનો હતો. પુત્રીથી થોડા અંતરે કાચની એક કૅબીનમાં ડૉમિનિકને બેસાડવામાં આવ્યો હતો. તેનાથી થોડે દૂર તેની દીકરીને બેસાડવામાં આવી હતી.

તેણે કહ્યું કે મારી પુત્રીને હું ખૂબ ચાહું છું, હું તેનો ચહેરો જોવા ઇચ્છું છું. વાત કરવા માગુ છું.

ડૉમિનિકનો અવાજ થોડો ઢીલો પડ્યો ત્યારે બાજુના રૂમમાં બેસેલી કૅરોલિને કહ્યું કે, 'હું તમને ક્યારેય મળવા માગતી નથી, ક્યારેય નહીં. તમે કૂતરાની જેમ એકલા એકલા જ મરશો.'

પિતાએ જવાબ આપ્યો કે આપણે બધા એકલા એકલા જ મરણ પામીએ છીએ.

પુત્રીએ કહ્યું કે, તમે તો એમ જ મરશો.

પિતા પુત્રી વચ્ચે આ છેલ્લો જાહેર સંવાદ હતો.

કૅરોલિન જ્યારે નાની હતી ત્યારે સર્જરીમાંથી બહાર આવી રહી હતી એ વખતે પિતા ડૉમિનિક હૉસ્પિટલમાં તેને ભેટ્યા હતા અને હૂંફ આપી હતી તેમજ બાળપણનાં અન્ય પ્રસંગો પિતાએ યાદ કર્યા હતા.

તેમણે કહ્યું કે પોતે પુત્રીને હમેશા પ્રેમ કરતો રહેશે, ભલે તેણે પ્રેમ કરવાનું બંધ કરી દીધું હોય. દીકરી ચૂપ હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

પરંતુ કોર્ટનું સત્ર જેવું સમાપ્ત થયું કે દીકરી એ કૅબિનમાં ગઈ જ્યાં પિતા ડૉમિનિક હતા. ત્યાં જઈને તે જોરથી બોલી ઊઠી કે, તમારી પાસે બે મહિના હતા.(સત્ય કહેવા માટે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.