ડિંગુચા પરિવારના મોતનો મામલો : અમેરિકા-કૅનેડા સરહદે મૃત્યુ પામેલા ગુજરાતીઓના કેસમાં શું ચુકાદો આવ્યો?

- લેેખક, નાદીન યુસૂફ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકા-કૅનેડા સરહદે 2022માં સખત ઠંડીમાં મૃત હાલતમાં મળી આવેલા ગુજરાતના ડિંગુચાના પરિવારના કેસમાં ચુકાદો આવી ગયો છે.
અમેરિકાના મિનેસોટા રાજ્યની એક અદાલતે ભારતીય પરિવારના મૃત્યુના કેસમાં બે વ્યક્તિને 10 વર્ષની સજા સંભળાવી છે.
જાન્યુઆરી 2022માં અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી વખતે કૅનેડામાં ઠંડીથી ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામ્યાં હતાં.
આ મામલે અદાલતે હર્ષકુમાર પટેલ અને સ્ટીવ એન્થની શેન્ડને માનવતસ્કરીના આરોપમાં દોષિત ઠરાવ્યા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં હર્ષકુમાર રમણલાલ અને સ્ટીવ એન્થની પર ગેરકાયદે રીતે સરહદ પાર કરાવવામાં મદદ કરવાના આરોપ સાથે કેસ શરૂ થયો હતો.
ગુજરાતી પરિવારના મોતનો મામલો શું છે?
અમેરિકા-કૅનેડા સરહદે યુએસ બૉર્ડર પેટ્રોલના એજન્ટોને બાળકનાં કપડાં અને રમકડાં સાથેનું એક બેગપૅક મળી આવ્યું, જેના કારણે તેમને સૌથી પહેલા શંકા ગઈ હતી.
જાન્યુઆરી 2022માં શિયાળાની એક સવારે ભયંકર હિમવર્ષા વચ્ચે સત્તાવાળાઓએ અમેરિકા-કૅનેડા સરહદ નજીક વૅન ચલાવતી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ યુએસમાં ગેરકાયદે માઇગ્રન્ટને ઘૂસાડતી હોવાની શંકા હતી.
બૉર્ડર ગાર્ડે વાહનના ડ્રાઇવરની સાથે સાત ભારતીય નાગરિકોને ઝડપી લીધા હતા. તેમાંથી એક પાસે બેકપૅક હતું, પરંતુ ત્યાં કોઈ બાળકો ન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉર્ડર એજન્ટોને જણાવાયું કે બે બાળકો સાથેનો ડિંગુચાનો પરિવાર અન્ય માઇગ્રન્ટ સાથે હતો અને તેઓ રાત્રે સરહદ પાર કરવાના હતા, પરંતુ તેઓ રસ્તામાં નોખા પડી ગયા હતા.
ત્યાર પછી શોધખોળ આદરવામાં આવી. યુએસ બૉર્ડરથી માત્ર 12 મીટર (39 ફૂટ) દૂર મેનિટોબાના ખેતરમાં કૅનેડિયન પોલીસને વૈશાલીબહેન પટેલ, તેમના પતિ જગદીશ પટેલ અને તેમનાં બે નાનાં બાળકો - 11 વર્ષીય વિહાંગી અને ત્રણ વર્ષના ધાર્મિકના મૃતદેહ મળી આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે ભારતથી કૅનેડાના ટોરન્ટો સુધી વિઝિટર વિઝા પર પ્રવાસ કરનાર આ પરિવાર અમેરિકા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતો હતો, તે સમયે ભારે હિમવર્ષા થઈ જેના કારણે તાપમાન શૂન્યથી નીચે 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસમાં હર્ષકુમાર રમણલાલ પટેલ (જેઓ મૃતકના પરિવાર સાથે સંબંધિત નથી) અને સ્ટીવ ઍન્થોની શેન્ડ સામે આ પરિવારને જીવલેણ પ્રવાસમાં મદદ કરવાનો આરોપ હતો.
તેમની સામે માનવતસ્કરી, ગુનાહિત કાવતરું, અમેરિકાના મિનેસોટામાં રાજ્યમાં સદોષ માનવવધ સહિતના આરોપો હતા.
આ કેસમાં દાખલ કરાયેલા કોર્ટના દસ્તાવેજો પરથી માનવતસ્કરી પાછળના જટિલ અને વૈશ્વિક નેટવર્કની જાણકારી મળે છે, જેની મદદથી વિદેશી નાગરિકોને ઉત્તર અમેરિકામાં લાવવામાં આવે છે.
આ કથિત કેસમાં ગુજરાતમાં ગેરકાયદે ઇમિગ્રેશન એજન્ટોને લાખો રૂપિયાની ચુકવણીથી આખી વાત શરૂ થઈ હતી. ત્યાર પછી વિદેશ જવા માટે આતુર લોકોને યુએસ અને કૅનેડાસ્થિત માનવતસ્કરોના નેટવર્ક સાથે જોડવામાં આવ્યા હતા.
પટેલ પરિવાર સાથે બનેલી આ ઘટના પછી પણ ઓછામાં ઓછા બે બીજા પરિવારો ગેરકાયદે રીતે યુએસ-કૅનેડા સરહદ પાર કરવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યા હતા.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવવાના છે જેઓ મોટા પાયે ડિપોર્ટેશન કરવાની યોજના ધરાવે છે, ત્યારે ઇમિગ્રેશન નિષ્ણાતોને ભય છે કે આગામી વર્ષોમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સને ઘૂસાડવા માટે માનવતસ્કરોના નેટવર્કનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
આ ઘટનામાં શેન્ડ વૅનના ડ્રાઇવર હતા. પટેલ પરિવારના મૃતદેહો મળી આવ્યા, તે જ દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે તેમને અમેરિકામાં મિનેસોટા અને કૅનેડાના વિનીપેગની સરહદ નજીક 15 લોકો સાથે વૅન મળી આવી હતી, જેમાં બે ભારતીય નાગરિકો સાથે હતા. આ લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા.
માનવતસ્કરીનું કથિત નેટવર્ક કેવી રીતે ચાલે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીજા જે પાંચ લોકો પકડાયા તેઓ પણ ગુજરાતના જ હતા. તેઓ શેન્ડને જ્યાંથી પકડવામાં આવ્યા તે દિશામાં ચાલીને જતા હતા.
તેમાંથી એકની ઓળખ દસ્તાવેજોમાં માત્ર વીડી તરીકે કરવામાં આવી હતી. તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોનું ગ્રૂપ રાત્રે સરહદ પાર કરી ગયું હતું. તેમાં તેમને 11 કલાકનો સમય લાગ્યો હતો અને તેમને અપેક્ષા હતી કે એક વખત અમેરિકા પહોંચી જાય ત્યાર પછી કોઈ તેમને લઈ જશે.
વીડીએ ઑથૉરિટીને જણાવ્યું કે તેમણે ભારતમાં એક સંગઠનને 87 હજાર ડૉલર (લગભગ 73 લાખ)ની રકમ ચૂકવી હતી જેણે તેના માટે કૅનેડામાં પ્રવેશવાની વ્યવસ્થા કરી હતી. બનાવટ કરીને મેળવાયેલા સ્ટુડન્ટ વિઝાની આડમાં આ બધું કરવામાં આવ્યું હતું, જેમાં તેમને છેલ્લે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં મદદ કરવાની હતી.
આ સમગ્ર માનવતસ્કરીના પ્રયાસમાં હર્ષકુમાર પટેલ મુખ્ય વ્યક્તિ હોવાનો આરોપ હતો.
શેન્ડે પોતાની ધરપકડ બાદ સત્તાવાળાઓને આપેલી જુબાની અનુસાર હર્ષકુમાર પટેલ ફ્લોરિડાના ઓરેન્જ સિટીમાં એક કૅસિનો ચલાવે છે. પોલીસના કહેવા મુજબ હર્ષ પટેલ "ડર્ટી હેરી"ના હુલામણા નામે પણ ઓળખાય છે. તે અમેરિકામાં કાયદેસર નથી રહેતા અને સરકારી રેકૉર્ડ મુજબ પાંચ વખત તેની યુએસ વિઝાની અરજી નકારવામાં આવી હતી.
પટેલે શેન્ડને ગેરકાયદે લોકોને ટ્રાન્સપૉર્ટ કરીને અમેરિકા-કૅનેડા સરહદે પાર કરાવવાનું કામ સોંપ્યું હતું તેમ માનવામાં આવે છે. તેમની વચ્ચે લૉજિસ્ટિક્સ, ભાડાની કારની વ્યવસ્થા, હોટલ બુકિંગ અને ભારતીયોને ક્યાંથી પિક કરવામાં આવશે તેની વાતચીત પણ સતત ચાલતી હતી.
કોર્ટના દસ્તાવેજો મુજબ જે દિવસે પટેલ પરિવારના મૃતદેહો મળ્યા, તે જ દિવસે બંનેએ ખરાબ હવામાન અંગે ચર્ચા કરી હતી. શેન્ડે હર્ષકુમાર પટેલને મૅસેજ કર્યો હતો: "દરેક જણે હિમવર્ષાની સ્થિતિ મુજબ ડ્રેસ પહેર્યો છે તેની ખાતરી કરો."
અમેરિકામાં ઘૂસ્યા બાદ લોકોને ક્યાં લઈ જવાની યોજના હતી?

ઇમેજ સ્રોત, RCMP MANITOBA
પટેલ પરિવાર ટોરન્ટોસ્થિત એક વ્યક્તિ દ્વારા આ બંનેના સંપર્કમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ટોરન્ટોસ્થિત કૉન્ટેક્ટના સંબંધ ભારતસ્થિત એક સંગઠન સાથે હતા જેઓ સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરીને લોકોને પહેલા કૅનેડા પહોંચાડતા અને ત્યાંથી અમેરિકામાં ઘૂસાડતા હતા.
જોકે, હર્ષકુમાર પટેલના વકીલે બીબીસીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે ટ્રાયલ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ, અમે એ બતાવવા માગીશું કે આ કરુણ ઘટનામાં પટેલની કોઈ ભૂમિકા ન હતી."
કેસ સાથે સંકળાયેલા અન્ય કોઈ વકીલોએ ટિપ્પણી નથી કરી.
પટેલ પરિવારના મોતની ઘટનામાં ગુજરાતમાં પણ પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. ભારતીય પોલીસે જણાવ્યું કે આ લોકો "ગેરકાયદે ઇમિગ્રેશન" એજન્ટ હતા.
ભારતમાં આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે, એક વાર અમેરિકામાં પ્રવેશ્યા પછી કેટલાક ભારતીયોને શિકાગોમાં એક રેસ્ટોરાં ચેઇનમાં લઈ જવાના હતા. જ્યાં તેમણે નીચા પગારે કામ કરવાનું હતું અને તસ્કરોને બાકીની રકમ ચૂકવવાની હતી. તપાસકર્તાઓએ રેસ્ટોરાં ચેઇનનું નામ જાહેર નથી કર્યું.

ઇમેજ સ્રોત, Roxy Gagdekar and Pavan Jaiswal
પટેલ પરિવાર છેલ્લે ક્યાં જવાનો હતો અને તેમણે આટલો જોખમી ગેરકાયદે પ્રવાસ શા માટે ખેડ્યો તે સ્પષ્ટ નથી.
પટેલ પરિવારના મૃત્યુના થોડા દિવસો પછી ડિંગુચાના રહેવાસીઓએ બીબીસીને જણાવ્યું હતું કે આ પરિવાર વિદેશ જવાનો છે તેની તેમને ખબર હતી અને આ લોકો વિઝિટર વિઝા પર કૅનેડા ગયા હતા. તેઓ રવાના થયા તેના લગભગ એક અઠવાડિયા પછી પરિવાર તરફથી સંદેશ આવતા બંધ થયા તેનાથી તેમનાં સગાંઓને ચિંતા થઈ હતી.
જગદીશ પટેલ અને વૈશાલીબહેન બંને એક સમયે શિક્ષક તરીકે કામ કરતાં હતાં. તેઓ વ્યવસ્થિત જીવન જીવતાં હતાં. પરંતુ ડિંગુચાના ઘણા લોકો વિદેશમાં સેટલ થવાનું સપનું જોતા હોય છે તેમ આ પરિવારે પણ વિદેશમાં તક મેળવવા માટે દેશ છોડ્યો હતો.
ડિંગુચાના એક આગેવાને તે સમયે બીબીસીને જણાવ્યું હતું કે, "અહીંનું દરેક બાળક વિદેશ જવાના સ્વપ્ન સાથે મોટું થાય છે."
પટેલ તેમની યોજનાને અંતિમ ઓપ આપતા હતા ત્યારે બૉર્ડર પેટ્રોલ એજન્ટોએ યુએસ-કૅનેડા સરહદની નજીક નૉર્થ મિનેસોટામાં "તાજાં પગલાં"ની પૅટર્ન જોવા મળી હતી જે દર બુધવારે દેખાતી હતી.
અહીંથી લોકો ગેરકાયદે સરહદ પાર કરતા હશે તેવી શંકા સાથે એજન્ટોએ ત્યાં નિયમિત સર્વેક્ષણ શરૂ કર્યું હતું. તેમાં 19 જાન્યુઆરી 2022ની સવારનો સમાવેશ થાય છે. તે વખતે હિમપાતના કારણે ગ્રામીણ રસ્તાઓ પાર કરવા લગભગ અશક્ય બની ગયા હતા.
પગના નિશાનના કારણે જ પોલીસે હિમાચ્છાદિત મેદાનમાં પટેલ પરિવારને શોધી કાઢ્યો હતો.
રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર જેન મેકલેચીએ બીજા દિવસે પત્રકારોને આ ઘટનાના સમાચાર આપ્યા, ત્યારે તેમણે કહ્યું કે, "હું તમને જે જણાવવાનો છું તે સાંભળવું ઘણા લોકો માટે મુશ્કેલ બનશે."
"આ એક સંપૂર્ણપણે હૃદયદ્રાવક કરુણાંતિકા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












