પુરુષ પર થઈ ઘરેલુ હિંસા : 'લગ્નના 15 દિવસ પછી છૂટાછેડા થઈ ગયા, ઘરે ગયો તો માર મારીને કાઢી મુકાયો'

પુરુષો, ઘરેલૂ હિંસા, મારામારી, સમાજ, ભેદભાવ, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પદ્મા મીનાક્ષી
    • પદ, બીબીસી માટે

"લગ્ન નામના એક બંધને...સખત મહેનતથી બનાવેલી મારી કારકિર્દી અને જીવન બંને બરબાદ કરી નાખ્યાં. આ બંધનને સાવ તોડી પાડવામાં આવે તેનાથી કોઈ ફરક નથી પડતો, અમે તેને ફરીથી બનાવવાનો પ્રયાસ કરીશું. મારું જીવન એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું, ક્ષણે-ક્ષણે નરકનો અનુભવ થયો. એક કદમ આગળ વધ્યો, તો 10 પગલાં પાછળ જવું પડ્યું."

આ શબ્દો આંધ્રપ્રદેશની એક વ્યક્તિના છે.

તેમના જ શબ્દોમાં કહીએ તો એક યુવતીના આગમનથી તેમનું જીવન સાવ બદલાઈ ગયું.

"મારા જેવા મધ્યમવર્ગના છોકરાની ઇચ્છા લગ્ન કરવાની હોય છે. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મારા પિતા એક શાળાના હેડ માસ્તર હતા."

"શિક્ષકના પુત્ર હોવાના નાતે શાળામાં બધા લોકો અમને સન્માનથી જુએ છે. શિક્ષણ અને વ્યવહાર બંનેમાં. કોઈની સાથે વાત ન કરાય, અભ્યાસમાં પાછળ ન રહી જવાય, આવા વિચારો આવે છે. હું પણ આવા વિચારોમાં મોટો થયો."

"તારે સારા છોકરા બનવું પડશે, ભૂલ કરશો તો પિતાની આબરુનું શું થશે? લોકોની વચ્ચે આબરુ જતી ન રહે તેનો વિચાર. રામ જેવા સારા યુવાન બનવાની ઇચ્છા. આ બધાએ મને જીવનના દરેક પગલે રોકી રાખ્યો."

"પરંતુ જો આપણે વિચારીએ તેમ જ બધું ચાલતું હોય તો પછી તેને જીવન કેમ કહેવાય?"

"મેં વિચાર્યું પણ નહોતું કે લગ્ન કર્યાં પછી મારા જીવનમાં આવી ઉથલપાથલ આવશે."

"અમે આંધ્રપ્રદેશના છીએ. એમ.ટૅકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હું હૈદરાબાદમાં એક સૉફ્ટવૅર કંપનીમાં જોડાયો."

"નોકરી મળ્યા પછી પરિવાર મારા માટે કન્યા શોધવા લાગ્યો. મારી પ્રોફાઇલ લગ્નવિષયક વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી."

'મને સમજાતું નથી કે તેણે મને શા માટે પસંદ કર્યો'

પુરુષો, ઘરેલુ હિંસા, મારામારી, સમાજ, ભેદભાવ, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"મેટ્રિમોની સાઇટ દ્વારા એક યુવતીનો સંપર્ક થયો (માગુ આવ્યું). છોકરીના પિતા દિલ્હીમાં સરકારી કર્મચારી છે. છોકરી પણ સારું એવી ભણેલી છે. તેમણે અમારો સંપર્ક કર્યો. મારાં માતાપિતા બહુ ઉત્સાહિત હતાં, કારણ કે સમાજમાં દરજ્જો ધરાવતા શિક્ષિત પરિવારમાંથી માગુ આવ્યું હતું. તેઓ પોતાને ભાગ્યશાળી માનવાં લાગ્યાં."

"મને સમજાતું નથી કે આવા ઉચ્ચ દરજ્જાના લોકોએ મને પસંદ કેમ કર્યો."

"છોકરીના પિતા અમારા ઘરે આવ્યા. તેઓ વહેલા આવ્યા હતા અને સાંજ સુધીમાં લગ્ન નક્કી થઈ ગયાં. મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. આ બધું જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બન્યું હતું. 24 ફેબ્રુઆરીએ લગ્ન કરવાનું નક્કી થયું."

"મેં હજી છોકરીને જોઈ ન હતી. હું છોકરીને જોયા વગર કે તેની સાથે વાત કર્યા વગર તેને મળવા તેમના ઘરે ગયો હતો."

"તેમની બાજુએથી કોઈ પ્રશ્નો ન હતા. મેં મારી વાત સમજાવી અને છોકરીને પૂછ્યું કે તે મારી સાથે શા માટે લગ્ન કરવાં માંગે છે. તેણે કહ્યું કે તમે મને ગમો છો. તમારી સાથે જીવન સારું રહેશે તેમ લાગે છે. મેં તેના શબ્દો માની લીધા."

"તેમણે કહ્યું કે તેમને મારો અભ્યાસ અને નોકરી પસંદ છે. પ્રેમ, લાગણી કે આકર્ષણ જેવી કોઈ ભાવના કેમ ન અનુભવાઈ? એકદમ અલગ જેવું લાગતું હતું."

"બધો વિચાર કરું ત્યાં લગ્નનો દિવસ આવી ગયો. 24 ફેબ્રુઆરી, 2019ના રોજ મધરાતે 25 ફેબ્રુઆરીએ મારાં લગ્ન થયાં. તે જ દિવસે અમે વિજયવાડા કનકદુર્ગમ્માના દર્શન કરવા ગયા."

26મીએ અમે તિરુપતિ ગયા હતા. 27 અને 28 ફેબ્રુઆરીએ હું હૈદરાબાદમાં હતો. બીજી માર્ચે હું મારા ઘરે પાછો આવ્યો.

આ દરમિયાન મારી માતાની હાલત ગંભીર થઈ ગઈ અને ત્રીજી માર્ચે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તે જ સાંજે છોકરી હૈદરાબાદ જવા રવાના થઈ ગઈ, જ્યારે તેની માતા હૉસ્પિટલમાં હતી.

'નજીક આવવા ન દીધો'

પુરુષો, ઘરેલુ હિંસા, મારામારી, સમાજ, ભેદભાવ, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

"છોકરીનાં દાદીનું 5 માર્ચે અવસાન થયું. તેઓ બીમાર હોવાના કારણે ઉતાવળે આ લગ્ન કર્યા હોવાનું જાણવા મળે છે."

"અમે શારીરિક રીતે એકબીજાની નજીક ન હતા. પહેલા દિવસે તે મારી નજીક ન આવી અને તેણે થોડો સમય માંગ્યો. મેં વિચાર્યું કે મને ઓળખવામાં તેને હજુ સમય લાગશે તેથી આ સ્વભાવિક છે. છોકરી વિશે મારા મનમાં કોઈ શંકા નહોતી."

"તે છોકરી જેટલા દિવસ મારી સાથે હતી તેટલા દિવસ મોડે સુધી સૂતી રહેતી હતી. મેં વિચાર્યું કે લગ્નના કારણે થાક લાગ્યો હશે. મને લાગ્યું કે દાદીનાં મૃત્યુના કારણે કદાચ શોકમાં હશે."

"13 માર્ચે યુવતીના પરિવારજનોએ તેને પોતાના ઘરે બોલાવી હતી. હું નવા જમાઈની જેમ ગયો અને બહુ ગંદા અનુભવ સાથે પાછો આવ્યો."

જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે તેમણે મને સૌથી પહેલા પૂછ્યું કે "મારી દીકરીને તરત જ છૂટાછેડા જોઈએ છે, તમે અમારી સાથે છેતરપિંડી કરી છે, તમે જે કામ કહ્યું હતું તે કામ નથી કરતા. તમે જે શિક્ષણની વાત કરી હતી તે પણ ખોટી છે."

તેમના આ આરોપોથી હું સ્તબ્ધ થઈ ગયો.

હું પલટ્યો અને ઘરના બધા લોકોએ મારા પર હુમલો કર્યો. મારી મારીને લોહીલુહાણ કરી નાખ્યો.

‘આરોપો, આરોપો, મારામારી’! મને ચક્કર આવી ગયાં. સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. હું મિયાપુર પોલીસ સ્ટેશન ગયો અને ફરિયાદ નોંધાવી. પરંતુ, તેમણે એફઆઈઆર નોંધી ન હતી. હું ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હૉસ્પિટલ ગયો અને મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યું.

'અસલી કહાણી તો હજુ શરૂ થઈ છે'

પુરુષો, ઘરેલુ હિંસા, મારામારી, સમાજ, ભેદભાવ, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હું પોલીસ સ્ટેશન ગયો તેનાથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી. મારી મધ્યમ વર્ગની સ્થિતિ તેમના માટે હથિયાર બની ગઈ.

એક મહિનામાં મારી સામે બે કેસ દાખલ કરાયા. એપ્રિલ 2019માં એક કેસ મિયાપુરમાં અને બીજો કેસ મેડચલ, મલકાજગીરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો. વાત ત્યાંથી અટકી ન હતી. જિલ્લા કક્ષાએ કુલ 6 કેસ દાખલ કરવામાં આવ્યા. દિલ્હીમાં 3 કેસ દાખલ કરવામાં આવ્યા છે. હું સમજી ગયો કે મને હેરાન કરવાના ઇરાદાથી અને કોર્ટમાં ઢસડી જવાના ઈરાદાથી આ બધું કરવામાં આવ્યું હતું.

તેઓ નાણાકીય રીતે સક્ષમ છે અને શક્તિશાળી છે. મારી પાસે માત્ર સત્ય છે.

મારી સામે દહેજ ઉત્પીડન અધિનિયમ અને ઘરેલુ હિંસાની કલમ 498-એ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. બીજી એક ફરિયાદમાં તેમણે બંનેને ભેગા કરવા વિનંતી કરી હતી.

પંજગુટ્ટામાં નોંધાયેલા કેસમાં ક્રાઇમ સિન પણ બનાવવામાં આવ્યો. પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી.

જે છોકરી મારી સાથે એક દિવસ પણ નથી રહી તેને મારી સામે આટલો વાંધો કેમ હોઈ શકે તે સમજાતું નથી.

"દર અઠવાડિયે ચાર ધક્કા. એક કોર્ટમાંથી બીજી કોર્ટ. કોર્ટના પગથિયાં ચઢવા અને ઉતરવા... ભાવનાત્મક પીડા, આર્થિક નુકસાન."

ઑફિસમાં ફરિયાદ કરી અને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. પીએચ.ડીનો અભ્યાસ ચાલુ રાખવાની પણ મંજૂરી પણ ન મળી. હું જ્યાં પણ જતો, ત્યાં મને વિફળ કરી દેવાતો.

વચ્ચે ક્યારેક પોલીસ, કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓની ધમકીઓ મળતી. સમાધાન કરી લો, છૂટાછેડા આપી દો. છૂટાછેડાની સાથે સાથે ભરણપોષણ પણ જોઈએ છે. તેમને સમજાતું નથી કે છૂટાછેડા તો તેમણે માગ્યા છે. મારે તેને ભરણપોષણ શા માટે આપવું જોઈએ?

પુરુષો, ઘરેલુ હિંસા, મારામારી, સમાજ, ભેદભાવ, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તે છોકરીએ મારી સાથે કે મારા પરિવાર સાથે એટલો સમય પણ ગાળ્યો ન હતો કે તેને કોઈએ ત્રાસ આપ્યો હોય.

મારી ધરપકડ કરવામાં આવી. કસ્ટડીમાં રાખવામાં આવ્યો. એક કેસ અને બીજા કેસ વચ્ચે કોઈ સંબંધ ન હતો. આ મામલામાં કેટલાય ખોટા આરોપો મુકવામાં આવ્યા હતા.

દર વખતે કોર્ટની નોટિસ આવે ત્યારે માથું ચકરાઈ જતું. મારી નિર્દોષતા સાબિત કરવા માટે દરેક વખતે સંઘર્ષ કરવો પડ્યો.

માત્ર મારી સામે જ નહીં, પરંતુ અમારા પરિવારની દરેક વ્યક્તિ અને દૂરના સંબંધીઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેથી તેમને ડરાવી શકાય.

તેમને પૂછવામાં આવ્યું કે પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકાય છે, તો પછી તેઓ જંગી ભરણપોષણની માગ કેમ કરે છે.

જેણે મારી સાથે લગ્નજીવનનો એક દિવસ પણ વિતાવ્યો નથી તેને મારે શા માટે ભરણપોષણ આપવું જોઈએ? શું મારે છૂટાછેડાની અરજી કરવાની છે? શું તેમણે પૂછ્યું?

મેં આરટીઆઈ હેઠળ માહિતી માટે વિનંતી કરી કે પત્ની પાસે આવક અને મિલકત હોય અને પતિએ જો છૂટાછેડાની માગણી કરી ન હોય, તો કોર્ટને પત્નીની આવક જાણવાનો અધિકાર છે.

રૂપિયા ક્યાંથી કાઢવા? તે કેટલું વાજબી છે? જાળમાં ફસાઈ ગયો.

જીવ ટૂંકાવી દેવાના વિચાર આવતા હતા. હું પુરુષ હોવાથી અધિકારીઓએ પણ મારી વાત ન માની. ઘરમાં બધા લોકો સંપૂર્ણપણે હતાશ હતા.

હું જે વકીલો રાખતો, તેને તેઓ ખરીદી લેતા હતા.

હું કંટાળી ગયો અને વિશાખાપટ્ટનમની એક ખાનગી કૉલેજમાં એલએલબીમાં ઍડમિશન લીધું. ત્યાં સુધીમાં કોવિડ લૉકડાઉન આવી ગયું. ઑનલાઈન ક્લાસ શરૂ થઈ ગયા છે. મેં ત્રણ વર્ષમાં કોર્સ પૂરો કર્યો.

વકીલો પરથી ભરોસો ઉઠી ગયો હતો, તેથી મેં જાતે જ મારા કેસની દલીલો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન મારે ભાવનાત્મક, આર્થિક અને સામાજિક રીતે ઘણું સહન કરવું પડ્યું.

'છૂટાછેડા થઈ ગયા'

તમારું વીતી ગયેલું જીવન ક્યારેય પાછું આવી શકતું નથી. આ સંઘર્ષમાં મારા પાંચ વર્ષ વીતી ગયા. મારા વાળ પણ સફેદ થઈ ગયા. હવે હું 35 વર્ષનો છું.

હું 400 વખત કોર્ટમાં તારીખો પર ગયો, પણ તેઓ માત્ર 4-5 વખત હાજર થયા.

દરેક સુનાવણીમાં જ્યારે પુરાવા આપવાનો સમય થયો ત્યારે કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

મોટાભાગના કેસ હવે બંધ છે. બે કેસ હજુ ચાલુ છે.

મે 2024માં મેં પરસ્પર છૂટાછેડા માટે કરાર કર્યા. 15 ઑક્ટોબરે કોર્ટમાં છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા હતા.

એક છોકરા પર ઘણી જવાબદારીઓ હોય છે. પોતાનાં માતા-પિતાની સંભાળ રાખવી, પત્નીને ટેકો આપવો અને બાળકોની સંભાળ રાખવી. તમામ ભૂમિકામાં છોકરા પર નાણાકીય દબાણ ચોક્કસ છે.

શું તેઓ મને નુકસાનની ભરપાઈ કરી શકશે? નહીં આપવામાં આવે એવું કોર્ટ પણ નથી કહેતી. જેમણે અનુભવ્યું છે તેઓ જ જાણે છે કે કોર્ટમાં ભૂલ કર્યા વગર ઊભા રહેવું અને તમે નિર્દોષ છો તે સાબિત કરવું કેટલું મુશ્કેલ છે.

"છોકરાનો વાંક છે" એવા દૃષ્ટિકોણથી જ કોર્ટમાં તપાસ શરૂ થાય છે.

જે જીવનને બનાવવા માટે મેં આટલી મહેનત કરી હતી, તેને ખતમ કરવામાં તેમને એક સૅકંડ પણ ન લાગી.

હાલમાં હું એક ચૅરિટી ચલાવતા સૉફ્ટવૅર કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોનું કાઉન્સેલિંગ કરું છું.

અત્યાર સુધીમાં હું મારી સામેના તમામ કેસ જીતી ગયો છું.

હું પોલીસ સ્ટેશનની આસપાસ ભટકતો રહ્યો, જ્યાં ભૂલથી મેં કોર્ટના પગથિયાં પર પગ રાખી દીધા અને તે મારા જીવનનો મુખ્ય ભાગ બની ગયો.

દુઃખની વાત એ છે કે આપણા દેશમાં જ્યારે પુરૂષો સાથે અન્યાય થાય છે, ત્યારે કોઈ સંસ્થાકીય સમર્થન મળતું નથી.

જો હું હિંમત હારી જઈશ, તો મારા જેવા ઘણા લોકોને માર્ગદર્શન આપનાર કોઈ નહીં હોય. તેથી જિંદગીએ મને જે પાઠ શીખવ્યા છે, તેની મદદથી હું બહાદુરીથી ઉભો છું.

મારો ઇરાદો મારા જેવી જ પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને જીવનમાં હિંમત અને આશા આપવાનો છે. આવા કેસ કોર્ટનો કિંમતી સમય અને જનતાના નાણાંનો બગાડ કરે છે.

મોટા ભાગના કેસમાં હંમેશા જૂઠાણું હોય છે. હાર ન માનવી એ લડવાનો એકમાત્ર રસ્તો છે.

હું પરિવાર વ્યવસ્થા અને મહિલાઓની વિરુદ્ધ નથી. પરંતુ લગ્ન અને છોકરીઓથી નફરત થઈ ગઈ. આ માત્ર મારા જીવનની બાબત છે. મારી પાસે જે લોકો આવે છે તેમને હું સામાન પેક કરવાની અને સાથે રહેવાની સલાહ આપું છું.

પુરુષો, ઘરેલુ હિંસા, મારામારી, સમાજ, ભેદભાવ, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પરિવારની જે ભૂમિકા છે તેને ઓછી આંકી શકાય નહીં. મને લાગે છે કે પરિવાર વ્યવસ્થા સમાજમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

"મારા વિશે, મારા જીવન અને વ્યક્તિત્વ વિશે વિચારવાના બદલે... આપણે, આપણા પરિવાર અને આપણા સમાજ વિશે વિચારવું વધુ સારું છે."

દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા એક વર્ષ માટે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે દર 1000માંથી 515 પુરુષો ઘરેલુ હિંસાનો સામનો કરી રહ્યા છે. તેમાંથી 49.6 ટકા પુરુષો માનસિક સતામણીનો સામનો કરી રહ્યા છે.

મહિલાઓ જ્યારે ઘરેલુ હિંસાનો સામનો કરે ત્યારે તેઓ ઘરેલું હિંસા નિવારણ અધિનિયમ, 2005 હેઠળ કેસ દાખલ કરી શકે છે. પરંતુ, પુરુષો માટે કોઈ ચોક્કસ કાયદો નથી.

પતિ જો પત્ની પર અત્યાચાર કરે છે તો કલમ 498 -એ હેઠળ પત્ની કેસ દાખલ કરી શકે છે. પરંતુ, આ કાયદામાં પુરૂષ માટે મહિલા સામે કેસ કરવાની કોઈ કાયદાકીય વ્યવસ્થા નથી.

હૈદરાબાદ સ્થિત વકીલ શ્રીકાંત ચિંતલ કહે છે, "ભારતમાં ઘરેલુ હિંસાનો કાયદો માત્ર મહિલાઓને જ લાગુ પડે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, ઘરેલુ હિંસા કાયદો, 2005 હેઠળ કોર્ટના અમુક આદેશ પણ મહિલાઓને આપી શકાતા નથી."

"મહિલાઓની જેમ પુરુષો માટે કોઈ વિશેષ કાયદા નથી. પુરુષો માટે આવા કોઈ વિશેષ કાયદા ન હોય તેમાં કોઈ સેન્સ નથી. ઉદાહરણ તરીકે, તાજેતરમાં ઘડવામાં આવેલ ભારતીય કાયદા સંહિતા-2023 ની કલમ 69 માત્ર મહિલાઓ માટે છે".

તેમણે કહ્યું કે, "ઘરેલુ હિંસાનો ભોગ બનનારા પુરૂષોને માત્ર પીનલ કોડ (નવા ભારતીય કાયદા સંહિતા) મુજબ જ તેમની સાથે થતા અન્યાયનો સામનો કરવો પડે છે. આ કાયદામાં શારીરિક હિંસા માટે ઘણા ઉપાયો છે, પરંતુ અન્ય પ્રકારની હિંસા માટે કોઈ યોગ્ય કાયદાકીય ઉપાયો નથી"

"આમ છતાં પુરૂષો તેમને થયેલા અન્યાય સામે વળતર માટે સિવિલ કોર્ટમાં દાવો કરી શકે છે. આના દાખલા ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ સિવિલ કોર્ટમાં જવાના અધિકારને કોઈ નકારી શકે નહીં".

શ્રીકાંત કહે છે કે, "જો પત્નીને એવો પતિ પસંદ ન હોય જે માત્ર પત્નીની કમાણી પર ગુજરાન ચલાવતો હોય, તો પતિને ભરણપોષણ પણ મળી શકે છે. આ ઉપરાંત પુરૂષોને કોઈ વિશેષ અધિકાર નથી. આવા કાયદા લાગુ થવાથી મહિલાઓને વધુ અન્યાય થવાની કોઈ શક્યતા નથી. તેથી, વર્તમાન પરિસ્થિતિમાં સિવિલ કોર્ટમાં આવા કેસોનો ઉકેલ લાવવામાં આવે તે સૌથી સારું છે."

(હૈદરાબાદ સ્થિત એક સૉફ્ટવેર કર્મચારીએ પોતે જે કનડગતનો સામનો કરવો પડ્યો, તેના કારણે થયેલી ભાવનાત્મક પીડા અને નાણાકીય તકલીફો વિશે બીબીસીને વાત કરી હતી. ગોપનીયતાના કારણોસર વ્યક્તિનું સાચું નામ લખવામાં આવ્યું નથી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.