ભારતમાં નવી ઍન્ટિબાયૉટિક દવાથી પણ ન મટે એવા રોગોનો ઇલાજ શક્ય બનશે?

નવા સુપરબગ્સ ઍન્ટિબાયૉટિક્સ માટે મોટો પડકાર બની રહ્યા છે, આ કારણે ઍન્ટિબાયૉટિક્સ બેઅસર થઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા સુપરબગ્સ ઍન્ટિબાયૉટિક્સ માટે મોટો પડકાર બની રહ્યા છે, આ કારણે ઍન્ટિબાયૉટિક્સ બેઅસર થઈ રહી છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી ન્યૂઝ

ગંભીર ચેપને અટકાવવા માટે ઍન્ટિબાયૉટિક્સને અસરકારક દવા ગણવામાં આવે છે. પરંતુ હવે તે ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવી રહી છે.

હકીકતમાં જે બૅક્ટેરિયાને મારવા માટે આ ઍન્ટિબાયૉટિક વિકસાવાઈ છે, તે બૅક્ટેરિયા જ ઍન્ટિબાયૉટિકને પછાડી રહ્યા છે.

આ બૅક્ટેરિયા માનવશરીરમાં ઍન્ટિબાયૉટિક વિરુદ્ધ પ્રતિકાર વિકસાવી રહ્યા છે, જે નવા સુપરબગ્સનું સર્જન કરે છે અને તે ઍન્ટિબાયૉટિકને બિનઅસરકારક બનાવી રહ્યા છે.

મેડિકલ જર્નલ લેન્સેટ અનુસાર ઍન્ટિબાયૉટિક પ્રતિરોધક 'સુપરબગ્સ'ને કારણે વર્ષ 2021માં વિશ્વભરમાં 11.40 લાખ લોકોના મોત નિપજ્યાં છે. ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ સૌપ્રથમ ગંભીર ચેપને રોકવા માટે થાય છે. પરંતુ તેમાંથી મોટા ભાગના કિસ્સામાં ઍન્ટિબાયૉટિક્સ બિનઅસરકારક સાબિત થઈ હતી.

ભારત અત્યારે એવા દેશોમાં સામેલ છે જેને "ઍન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ"ની બહુ ખરાબ અસર થઈ છે. તેમાં બૅક્ટેરિયા પોતાની જાતને ઢાળી લે છે કે ઍન્ટિબાયૉટિક્સની તેમના પર કોઈ અસર થતી નથી.

વર્ષ 2019માં જ ભારતમાં આવી ઍન્ટિબાયૉટિક પ્રતિરોધક ચેપને કારણે ત્રણ લાખ લોકોનાં મોત થયાં હતાં. દર વર્ષે લગભગ 60 હજાર નવજાત શિશુઓનાં મૃત્યુ પાછળ પણ આ જ કારણ જવાબદાર છે.

પરંતુ, હજુ પણ કેટલીક આશા ટકેલી છે. ભારતમાં સ્થાનિક રીતે વિકસિત કેટલીક નવી દવાઓના કારણે ભરોસો પેદા થયો છે કે તેઓ ઍન્ટિબાયૉટિક-પ્રતિરોધક ચેપનો સામનો કરવામાં અસરકારક સાબિત થશે.

આ દવાઓ આ પ્રક્રિયામાં ગેમચેન્જર સાબિત થશે.

ચેન્નાઈની કંપનીએ દવા વિકસાવી

સામાન્યપણે બૅક્ટેરિયા બીટા-લેક્ટામેજ જેવા એન્ઝાઇમ્સ પેદા કરે છે, જે ઍન્ટિબાયૉટિક્સને બિનઅસરકારક બનાવી દે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામાન્યપણે બૅક્ટેરિયા બીટા-લેક્ટામેજ જેવા એન્ઝાઇમ્સ પેદા કરે છે, જે ઍન્ટિબાયૉટિક્સને બિનઅસરકારક બનાવી દે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચેન્નાઈની ઓર્કિડ ફાર્માએ એન્મેટાઝોબેક્ટમ નામે દવા વિકસાવી છે. આ પ્રથમ ઍન્ટિમાઇક્રોબાયલ દવા છે જેની શોધ ભારતમાં થઈ છે.

આ દવાને યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી મંજૂરી મળી છે.

તે એક ઇન્જેક્ટેબલ દવા છે જે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુટીઆઇ), ન્યુમોનિયા અને રક્તપ્રવાહના ચેપ જેવા રોગોની સારવાર કરશે.

આ દવા બૅક્ટેરિયાને બદલે બૅક્ટેરિયાના સંરક્ષણતંત્રને ટાર્ગેટ કરીને બીમારીની સારવાર કરશે.

બૅક્ટેરિયા સામાન્ય રીતે બીટા-લેક્ટેમેઝ જેવા એન્ઝાઇમ પેદા કરે છે, જે ઍન્ટિબાયૉટિકને બેઅસર કરી નાખે છે.

એન્મેટાઝોબેક્ટેમ આવા એન્ઝાઇમને અટકાવે છે અને તેમને બેઅસર કરી નાખે છે, જેથી ઍન્ટિબાયૉટિક્સ અસરકારક રીતે બૅક્ટેરિયાને મારી શકે છે.

સાદી ભાષામાં કહીએ, તો આ દવા પ્રતિરોધ પેદા કર્યા વગર બૅક્ટેરિયાના 'હથિયાર'ને સ્થિર કરી નાખે છે.

આ ઉપરાંત તે કાર્બોપેનેમ્સ સહિત અન્ય ઍન્ટિબાયૉટિક્સની અસરકારકતા પણ જાળવી રાખે છે, જે ભરોસાપાત્ર દવાઓ છે.

નવી ઍન્ટિબાયૉટિકનું 19 દેશોમાં 1,000થી વધુ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે અસરકારક રહ્યું હતું. આ દવાને વૈશ્વિક નિયમનકારો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

દવાના મુખ્ય સહ-સંશોધક ડૉ. મનીષ પૉલે બીબીસીને જણાવ્યું, "આ દવાએ કેટલાંક વર્ષોમાં વિકસિત બૅક્ટેરિયા સામે નોંધપાત્ર શક્તિ દર્શાવી છે."

"તેને હૉસ્પિટલોમાં ખાસ કરીને ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે આઇવી (ઇન્ટ્રાવિનસ લાઇન) દ્વારા અસરકારક બનાવવામાં આવે છે."

નવી ઍન્ટિબાયૉટિક્સનું પરીક્ષણ

મુંબઈની કંપની વોકહાર્ટ નવી ઍન્ટિબાયૉટિકનું પરીક્ષણ કરી રહી છે, દવાનું નામ જૈનિચ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈની કંપની વોકહાર્ટ નવી ઍન્ટિબાયૉટિકનું પરીક્ષણ કરી રહી છે, દવાનું નામ જૈનિચ છે

મુંબઈની કંપની વોકહાર્ટ એક નવી ઍન્ટિબાયૉટિકનું પરીક્ષણ કરી રહી છે. આ દવાનું નામ ઝૈનિચ છે. આ દવા ગંભીર ડ્રગપ્રતિરોધક ચેપનો સામનો કરવામાં સક્ષમ હશે. તેને વિકસાવવામાં લગભગ 25 વર્ષથી વધુ સમય લાગ્યો છે.

હાલમાં આ દવાના પરીક્ષણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ દવા આવતા વર્ષે લોન્ચ થવાની શક્યતા છે. ડૉ. હબીબ ખોરાકીવાલા વોકહાર્ટના સ્થાપક ચૅરમૅન છે.

ઝૈનિચ દવા અંગે તેઓ કહે છે, "આ દવા એક નવા પ્રકારની ઍન્ટિબાયૉટિક છે, જેને તમામ મુખ્ય સુપરબગ્સ સામે લડવા માટે બનાવવામાં આવી છે."

ડૉક્ટર ખોરાકીવાલા કહે છે, "ભારતમાં ગંભીર રીતે બીમાર એવા 30 દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના પર કોઈ પણ ઍન્ટિબાયૉટિક્સની અસર થતી ન હતી. નોંધપાત્ર વાત એ છે કે આ તમામ બચી ગયા."

આ ઉપરાંત વોકહાર્ટની નેફિથ્રોમાઇસિન પણ પરીક્ષણના ત્રીજા તબક્કામાં સામેલ છે. તેને એમઆઇક્યૂએનએએફ તરીકે ટ્રેડમાર્ક કરવામાં આવી છે.

આ દવા ન્યુમોનિયાના બૅક્ટેરિયા માટે ત્રણ દિવસ મોઢા વાટે લેવાની હોય છે, જેનો સફળતાનો દર 97 ટકા છે. જ્યારે આ રોગ માટે હાલની સારવારની પ્રતિકારક્ષમતા 60 ટકા છે.

આવતા વર્ષ સુધીમાં આ દવાનું પરીક્ષણ પૂર્ણ થઈ જશે. કંપનીનું કહેવું છે કે એક વાર તેને મંજૂરી મળ્યા બાદ આ દવાને આવતા વર્ષના અંત સુધીમાં બજારમાં લાવવામાં આવશે.

ઍન્ટિબાયૉટિક્સનો નવો વર્ગ

બગવર્ક્સના સીઇઓ આનંદકુમારે બીબીસીને જણાવ્યું છે કે ઍન્ટિબાયૉટિક્સની અસર હવે ઓછી થવા લાગે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બગવર્ક્સના સીઇઓ આનંદકુમારે બીબીસીને જણાવ્યું છે કે ઍન્ટિબાયૉટિક્સની અસર હવે ઓછી થવા લાગે છે

30 સભ્ય ધરાવતી બૅંગલુરૂસ્થિત બાયોફાર્મા કંપની બગવર્ક્સ રિસર્ચે જિનીવાસ્થિત એક બિનનફાલક્ષી સંગઠન જીએઆરડીપી અથવા ગ્લોબલ ઍન્ટિબાયૉટિક રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ સાથે ભાગીદારી કરી છે.

તેમનું લક્ષ્ય ઍન્ટિબાયૉટિક્સનો એક નવો વર્ગ વિકસાવવાનો છે, જેથી સુપરબગથી ગંભીર રીતે અસર પામેલા દર્દીઓની સારવાર કરી શકાય.

હાલમાં આ દવાના પ્રથમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ દવા આગામી પાંચથી આઠ વર્ષમાં બજારમાં આવી જશે.

બગવર્ક્સના સીઇઓ આનંદકુમારે બીબીસીને કહ્યું કે, "ઍન્ટિબાયૉટિક્સ ઓછી અસરકારક બની રહી છે. પરંતુ કૅન્સર, ડાયાબિટીસ અને અન્ય ગંભીર રોગોમાં ખૂબ રૂપિયા છે. ઍન્ટિબાયૉટિક્સમાં હવે રૂપિયા નથી."

તેમણે કહ્યું, "આ એક નાનકડો નવો ફેરફાર છે, કારણ કે ઍન્ટિબાયૉટિક્સને છેલ્લા ઉપાય તરીકે રાખવામાં આવે છે."

તેઓ કહે છે, "મોટી ફાર્મા કંપનીઓ ઍન્ટિબાયૉટિક રેઝિસ્ટન્સ પર ધ્યાન નથી આપી રહી. અમને ઘણી અલગ-અલગ સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ મળી છે. પરંતુ ભારતમાંથી દસ ટકાથી પણ ઓછી નાણાકીય મદદ મળી છે."

પરંતુ આને બદલવાની જરૂર છે.

રિપોર્ટમાં શું બહાર આવ્યું?

ભારતની ભીડભાડવાળી હૉસ્પિટલો ચેપના હૉટસ્પૉટ મનાય છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ભારતની ભીડભાડવાળી હૉસ્પિટલો ચેપના હૉટસ્પૉટ મનાય છે

વર્ષ 2023માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ડ્રગ રેઝિસ્ટન્સ સર્વેલન્સ રિપોર્ટ રજૂ કર્યો હતો.

તેમાં ભારતની 21 સ્પેશિયલ કેર હૉસ્પિટલોમાં મળી આવેલા લગભગ એક લાખ બૅક્ટેરિયાના ટ્રેન્ડનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સુપરબગ્સના વધતા ચલણ વિશે જાણવા મળ્યું હતું.

ઈ. કોલાઈ (એસ્ચેરિચિયા કોલાઈ) સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાનારા માણસો અને પ્રાણીઓનાં આંતરડાંમાં જોવા મળે છે. આ રોગ ફેલાવવાનું આ સૌથી મોટું કારણ હતું.

ત્યાર પછી દર્દીને ક્લેબસિએલા ન્યુમોનિયા થાય છે, જે ન્યુમોનિયાનું કારણ બની શકે છે અને લોહીને સંક્રમિત કરી શકે છે.

સર્વેક્ષણમાં જોવા મળ્યું કે ઈ.કોલાઈ સામે ઍન્ટિબાયૉટિકની અસરકારકતામાં તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે ક્લેબસિએલા ન્યુમોનિયા સામે ડ્રગ પ્રતિકારમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો.

બીજી તરફ ડૉકટરોએ જોયું કે કેટલીક જાણીતી ઍન્ટિબાયૉટિક્સ આવા જંતુથી થયેલા ચેપની સારવારમાં 15 ટકા કરતાં પણ ઓછી અસરકારક હતી.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કાર્બાપેનેમ્સ સામે વધતો પ્રતિકાર એ સૌથી વધુ ચિંતાજનક હતો, કારણ કે તેને એક જટિલ અને અંતિમ ઉપાય માનવામાં આવે છે.

નિષ્ણાતોની ચેતવણી

ડૉ. મનિકા બાલાસેગરમ જીએઆરડીપીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "આ બૅક્ટેરિયા સાથે એક વિચિત્ર રમત રમવા જેવું છે. તેઓ હંમેશાં ઝડપથી વિકસિત થતા રહે છે. તમે એકથી છૂટકારો મેળવો, ત્યાં બીજું આવી જાય છે."

તેઓ કહે છે, "આપણે જૂની ભૂલોમાંથી શીખવાની અને વધુ નવીનતાની જરૂર છે."

જોકે, જીએઆરડીપી ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. તે હૈદરાબાદની ઓરિજિન ફાર્માસ્યુટિકલ સર્વિસિસ સાથે મળીને ઝોલિફ્લોડાસિનનું ઉત્પાદન કરી રહ્યું છે.

તે ગોનોરિયા માટે એક નવી ઓરલ ઍન્ટિબાયૉટિક છે. ગોનોરિયા એ જાતીય સંબંધથી ફેલાતો ચેપી રોગ છે, જે ઍન્ટિબાયૉટિક્સ સામે વધતી જતી પ્રતિકાર ક્ષમતા દર્શાવે છે.

જીએઆરડીપીએ જાપાનની ફાર્મા કંપની શિયોનોગી સાથે ભાગીદારી કરી છે. તેનો હેતુ એફડીએ દ્વારા સ્વીકૃત ઍન્ટીબાયૉટિક સેફિડિરોકોલને 135 દેશોમાં વિતરીત કરવાનો છે.

આ દવા યુટીઆઇ અને ન્યુમોનિયા જેવા ગંભીર ચેપનો સામનો કરવા માટે છે. જીએઆરડીપી ભારતમાં તેનું ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે.

દવા સૂચવવાની પદ્ધતિ વિશે પ્રશ્ન

પરંતુ આ તો કહાણીનો માત્ર એક ભાગ છે. ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં દવા લખવાની પદ્ધતિઓમાં તાત્કાલિક અસરથી સુધારો કરવાની જરૂર છે.

ડૉક્ટરો ઘણી વખત બ્રોડ સ્પેક્ટ્રમ ઑન્ટિબાયૉટિક્સનો ઉપયોગ કરે છે, તેના કારણે ઍન્ટિબાયૉટિક્સ સારા બૅક્ટેરિયાને પણ મારી શકે છે.

ઍન્ટિબાયટિક્સ પ્રતિરોધને વધારી શકે છે. તેનાથી હાનિકારક અસર પણ વધી શકે છે.

તેના બદલે ડૉક્ટરોએ નેરો-સ્પેક્ટ્રમ ઍન્ટિબાયૉટિક્સને પ્રાથમિકતા આપવી જોઈએ. સામાન્ય રીતે હૉસ્પિટલોમાં ઍન્ટિબાયૉગ્રામની અછત હોય છે.

તે માઇક્રોબાયૉલૉજી પર આધારિત ઍન્ટિબાયૉટિક્સ સંબંધિત માર્ગદર્શિકા છે. આ કારણોસર ડૉકટરોને બ્રોડ સ્પેક્ટ્રમ ઍન્ટિબાયૉટિક્સને અનુસરવાની ફરજ પડે છે.

આઇસીએમઆરમાં એક વૈજ્ઞાનિક ડૉક્ટર કામિની વાલિયાએ ચેતવણી આપતાં કહ્યું, "હું એ વાતથી ઘણી ઉત્સાહિત છું કે આપણી પાસે આ નવી દવાઓ હશે."

"પરંતુ એ પણ મહત્ત્વપૂર્ણ છે કે આપણે એક એવું મિકેનિઝમ બનાવવું જોઈએ જ્યાં આ દવાઓનો દુરોપયોગ ન થાય. જે રીતે અગાઉ આવેલી બ્લોકબસ્ટર ડ્રગ્સ સાથે થઈ ચુક્યું છે."

તેમણે કહ્યું, "બેજવાબદારી અને ખોટી રીતે ઉપયોગ કરવો એ દવાના દીર્ઘ આયુષ્ય સાથે સમાધાન કરવા જેવું હશે."

ડૉક્ટર વાલિયા કહે છે, "ઍન્ટિબાયૉટિક રેઝિસસ્ટન્સનો સામનો કરવો એ એક જટિલ કાર્ય છે. તેમાં અનેક પ્રકારના પડકાર છે જે આરોગ્ય સારસંભાળમાં સમાનતા અને પ્રણાલીગત જવાબદારી સાથે સંકળાયેલ છે."

તેમાં સ્પષ્ટ સંદેશ મળે છે કે આ મામલે કોઈ પણ તાત્કાલિક કાર્યવાહી વગર આપણે ભવિષ્યને લઈને જોખમ ઉઠાવી રહ્યા છીએ, જેમાં નાના-મોટા ચેપ પણ સારવારને યોગ્ય નહીં રહી જાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.