ઝેરી દારૂ તમને કેવી રીતે મારી શકે અને તમારું પીણું ઝેરી છે કે નહીં તે કેવી રીતે ખબર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુનેથ પરેરા
- પદ, બીબીસી ન્યૂઝ
લાઓસમાં શંકાસ્પદ રીતે સામૂહિક પૉઇઝનિંગના કિસ્સામાં ચાર પ્રવાસીનું મૃત્યુ થયું છે. સમાચાર અહેવાલો અને ઑનલાઇન જુબાની મુજબ તેમણે મિથેનોલયુક્ત પીણાંનું સેવન કર્યું હોવાની શક્યતા છે. ઘણી વખત ગેરકાયદે શરાબમાં આ ઝેરી પદાર્થ મળી આવે છે.
ઑસ્ટ્રેલિયાની 19 વર્ષીય બિઆન્કા જૉન્સ, એક અમેરિકન પુરુષ અને 19 તથા 20 વર્ષનાં બે ડેનિશ મહિલાઓ ગયા અઠવાડિયામાં મૃત્યુ પામ્યાં છે. તેમનાં મોતની તપાસ કરવામાં આવી રહી છે.
ફિલિપીન્ઝથી લઈને પેરુ સુધી, વિશ્વભરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામૂહિક પૉઈઝનિંગના એક સમાન કિસ્સા નોંધાયા છે.
આ વર્ષની શરૂઆતમાં ભારતમાં મિથેનોલયુક્ત દારૂ પીવાથી ઓછામાં ઓછાંં 57 લોકોનાં મોત થયાં હતાં.

ભારતમાં અજાણતા ઝેરી દારૂ પી લેનારાં સત્યા નામનાં યુવતીએ કહ્યું કે, "તે દિવસે મારી સાથે જે લોકોએ દારૂ પીધો હતો, તેમાંથી મોટાભાગના લોકો મૃત્યુ પામ્યાં છે... મને લાગ્યું કે હું પણ નહીં બચું."
મુરુગને પણ એ જ બૅચમાથી દારૂ પીધા પછી તેની સારવાર કરવામાં આવી હતી. તે કહે છે, "હું જીવિત રહ્યો તે બદલ ડૉકટરોનો આભારી છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું બચી જઈશ. હું બેભાન હતો અને મોતથી ડરી ગયો હતો."
તામિલનાડુમાં જૂનમાં મિથેનોલ મિશ્રિત દારૂ પીવાથી હૉસ્પિટલમાં દાખલ થયેલાં 219 લોકોમાં સત્યા અને મુરુગનનો સમાવેશ થાય છે.
મુરુગને બીબીસી તામિલને કહ્યું, "હું 20 વર્ષથી દારૂ પીઉં છું. હૉસ્પિટલમાં એક-એક દિવસ એક વર્ષ જેવો લાગતો હતો. હું હવે ક્યારેય શરાબ નહીં પીઉં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુનિયાભરના પીડિતોની જેમ તામિલનાડુની હૉસ્પિટલમાં લઈ જવામાં આવેલા લોકોને પણ ખબર નહીં હોય કે તેઓ ઝેર પી રહ્યા છે.

રશિયાના નૅશનલ કન્ઝ્યુમર રાઇટ્સ યુનિયનના જણાવ્યા મુજબ બનાવટી શરાબ પીવાથી રશિયામાં દર વર્ષે લગભગ 900 લોકો મૃત્યુ પામે છે.
ઈરાનમાં 2020માં ઝેરી દારૂથી 44 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે.
ઇન્ડોનેશિયામાં 2018માં ઓછામાં ઓછાં 45 લોકો ઘરે બનાવેલો દારૂ પીધા પછી મૃત્યુ પામ્યાં હતાં.
મિથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images
તેમાંથી મોટાભાગના કિસ્સા મિથેનોલ સાથે સંબંધિત છે. આ એક ઝેરી સંયોજન છે જે ગેરકાયદે શરાબ, જેમ કે મૂનશાઇન અને લઠ્ઠાના ઉત્પાદનમાં સામાન્ય રીતે હોય છે.
મિથેનોલ ઉકાળવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે અને નિસ્યંદનની પ્રક્રિયામાં તે એકત્ર થાય છે.
શરાબના કૉમર્શિયલ ઉત્પાદકો તેને માનવ વપરાશ માટે સુરક્ષિત સ્તરે ઘટાડે છે.
પરંતુ બુટલેગરો સસ્તા શરાબને આકરો બનાવવા માટે ઘણીવાર ઇન્ડસ્ટ્રીયલ મિથેનોલ વાપરે છે જે પેઇન્ટ અને વાર્નિશમાં જોવા મળે છે.
આ ઝેરી સંયોજનનું નાનું પ્રમાણ પણ અંધત્વ, લીવરને નુકસાન અને સંભવિત મૃત્યુનું કારણ બની શકે છે.
મિથેનોલ પૉઇઝનિંગ ઇનિશિએટિવ (એમપીઆઈ) અનુસાર 2023માં વૈશ્વિક સ્તરે મિથેનોલ સંબંધિત 60 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 309 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
ઑસ્લો યુનિવર્સિટી અને મેડિસિન્સ સાયન્સ ફ્રન્ટિયર્સ (એમએસએફ) દ્વારા સ્થપાયેલી પહેલ દર્શાવે છે કે મોટાભાગની પૉઇઝનિંગની ઘટનાઓ એશિયન દેશોમાં નોંધાય છે.
મિથેનોલ પૉઇઝનિંગનાં લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
થોડા પ્રમાણમાં પણ ઇન્ડસ્ટ્રીયલ મિથેનોલ પીવું અત્યંત જોખમી છે.
યુકેના પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ અનુસાર મિથેનોલ પેટમાં જાય અથવા તેની વરાળ શ્વાસમાં જાય તો ગંભીર અસરો પેદા કરી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- કોમા
- આંચકી
- ચેતાતંત્રને નુકસાન
- અંધત્વ
- મૃત્યુ
તામિલનાડુના પુડુક્કોટ્ટાઈની સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલના ડૉ. એ. મુથુએ બીબીસી તામિલને જણાવ્યું કે કેવી રીતે મિથેનોલ દ્વારા ઉત્પાદિત ઍસિડ લોકોને મારી નાખે છે:
"કિડનીમાં ઍસિડ જમા થાય છે, તે પેશાબના પ્રવાહને અવરોધે છે, મીઠાના પ્રમાણમાં વધારો કરે છે અને કિડની નિષ્ફળ થાય છે."
અંધાપો

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ જર્નલ ઑફ ઑપ્થેમોલૉજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે મિથેનોલનું થોડું પ્રમાણ પણ કેન્દ્રિય ચેતાતંત્રમાં ભયંકર નુકસાન કરી શકે છે. જેનાથી સાજા ન થઈ શકાય તેવો અંધાપો આવી શકે છે.
સારામાં સારી તબીબી સારવાર પણ ગેરકાયદે શરાબ પીનારા દર્દીઓની દૃષ્ટિ બચાવવામાં નિષ્ફળ જઈ શકે છે.
લિંકન કાઉન્ટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ વિકાસ સોડીવાલાએ 2012માં બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ચક્કર આવવા, ઉબકા, પેટમાં દુખાવો, ઊલટી અને દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ હોય તેવા દર્દીઓ કેઝ્યુઅલ્ટી વિભાગમાં આવતા હતા.
લોકોએ કહ્યું કે તેમણે દુકાનો અને કાર બૂટ સેલ્સમાંથી શરાબ ખરીદ્યો હતો.
તેમણે કહ્યું, "મિથેનોલ આંખની પાછળની નેત્ર ચેતાતંતૂઓ પર હુમલો કરી શકે છે. તે વ્યક્તિની દૃષ્ટિને અસર કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તેને અંધ બનાવી શકે છે."
વૈશ્વિક સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
મિથેનોલ પૉઇઝનિંગ ઇનિશિએટીવ (એમપીઆઈ) અનુસાર મિથેનોલના ઝેરે વૈશ્વિક સ્તરે નબળા વર્ગના લોકોને મોટા પાયે અસર કરી છે અને ઘણી વખત તેની વિગતો બહાર નથી આવતી.
બ્રાન્ડેડ શરાબની વધતી કિંમતો વચ્ચે ઓછી આવક ધરાવતા લોકો સસ્તો ઘરબનાવટનો લઠ્ઠો ખરીદવા પ્રેરાય છે.
પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011માં ગેરકાયદે શરાબથી લગભગ 170 લોકો મૃત્યુ પામ્યાંં હતા, જ્યારે ગુજરાતમાં 2009માં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. 2015માં મુંબઈમાં અન્ય 100 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
2022માં દક્ષિણ આફ્રિકાની એક નાઇટક્લબમાં મૃત્યુ પામેલાં 21 કિશોરોના શરીરમાં તપાસકર્તાઓએ મિથેનોલના અંશ શોધી કાઢ્યા હતા.
શરાબ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક ઇસ્લામિક દેશોમાં દારૂ પીવાની મનાઈ છે કારણ કે તેને હરામ (પ્રતિબંધિત) ગણવામાં આવે છે.
નિષ્ણાતો કહે છે કે ઈરાન અથવા ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ દેશોમાં તેમને ગેરકાયદે દારૂથી થતાં મોતને અટકાવવામાં સૌથી મોટી સમસ્યા એ નડે છે કે અહીં દારૂના સેવન સામે ધાર્મિક પ્રતિબંધ છે.
આનાથી લોકો માંદા પડે તો શરમના કારણે અથવા અપરાધ ગણાશે તેવા ડરથી મદદ લેવાનું ટાળે છે.
પાકિસ્તાનના સિંધમાં ઝેરી દારૂ પીવાના પરિણામે 2014માં ઓછામાં ઓછાં 40 લોકોનાં મોત થયાં હતાં.
પ્રવાસીઓ જ્યારે વિદેશમાં બાર અને વૅકેશન ગાળવાના સ્થળોની મુલાકાત લે, ત્યારે ત્યાં શરાબનો વપરાશ વધુ હોય તેવી જગ્યાએ પણ મિથેનોલ મિશ્રિત દારૂનું સેવન કરવાનું વધુ જોખમ રહે છે.
તમારું આલ્કોહૉલિક પીણું ઝેરી છે તેની કઈ રીતે ખબર પડે?

તમે કોઈપણ દેશમાં હોવ, પરંતુ તમે ગેરકાયદે દારૂ વિક્રેતાઓનો ભોગ બની શકો છો.
આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સી ઇન્ટરપોલ લોકોને પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ દારૂ ખરીદવાની સલાહ આપે છે. "જો કોઈ ઉત્પાદન તેની સામાન્ય કિંમત કરતાં ઘણા નીચા ભાવે વેચાય છે, અથવા તેના પર ટૅક્સ નથી લાગતો, તો તે કદાચ નકલી હશે."
બીજી નિશાનીઓથી પણ તેને ઓળખી શકાય છે. "નબળી ગુણવત્તાવાળા પૅકેજિંગ, સ્પેલિંગની ભૂલો અને અસામાન્ય આકારની બૉટલ હોય તો સાવધ રહો."
સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો: "ખરાબ ગંધ આવતી હોય તો સાવધ રહો. તેમાં પેઇન્ટ સ્ટ્રિપર અથવા નેલ પૉલિશ રીમુવરની ગંધ આવતી હોય તો ઝેરી હોઈ શકે."
પરંતુ ઘણા પૉશ આઉટલેટ્સ અજાણતાં જ ઝેરી પીણાં વેચતા હોય એવું બની શકે.
અનેક દેશોમાં બની ચૂકી છે આવી ઘટનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાઇજિરિયા
નાઇજિરિયાના ફૂડ ક્રિટિક ઓપેયેમીએ બીબીસીને જણાવ્યું હતું કે રાજધાની પોર્ટ હાર્કોર્ટની એક નાઇટક્લબમાંથી "નકલી" બ્રાન્ડેડ વ્હિસ્કી લીધા પછી તેઓ ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા.
તેમણે કહ્યું, "તેનો સ્વાદ વિચિત્ર હતો, પરંતુ તમે પાર્ટી કરી રહ્યા હોવ ત્યારે તમે ધ્યાન નથી આપતા. પરંતુ હું પાંચ દિવસ સુધી બહુ બીમાર હતો."
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ પોસ્ટ કર્યા પછી ઘણા લોકોએ નકલી શરાબ સંબંધિત સમાન અનુભવો વર્ણવ્યા છે જે નાઇજિરિયાના ઘણા શહેરોમાં "મોટા પાયે" વેચાય છે.પરંતુ શ્રીમંત દેશોમાં પણ ગુનેગારો આવી જ રીતે કામ કરે છે.
ગ્રીસ
હેન્ના પોવેલ ઑગસ્ટ 2016માં ગ્રીસના ઝેન્ટે ખાતે એક બાર પર નાઇટઆઉટ કર્યા પછી થાક અનુભવતાં હતાં. પરંતુ તે હૅંગઓવર ન હતો.
23 વર્ષીય યુવતીએ વોડકા પીધું હતું જે તેમની જાણ બહાર ખતરનાક મિથેનોલથી મિશ્રિત હતું. તેનાથી તેમની કિડની કામ કરતી બંધ થઈ ગઈ અને તેઓ અંધ થઈ ગયાં.
2019માં તેમણે બીબીસી ન્યૂઝબીટને કહ્યું હતું, "માફિયા ગૅંગ તેને જંગલમાં બનાવે છે અને તેને સસ્તામાં બારને વેચે છે. બાર આવા માલનો સ્ટોક રાખે છે."
બાલી
2009માં બાલીમાં મિથેનોલથી યુક્ત પામ વાઇન પીવાથી 25 લોકોનાં મોત થયાં હતાં જેમાં ચાર વિદેશી હતા.
"હું લાઇટ ચાલુ કરવા ઊભો થયો. ત્યારે જ મને ધ્રાસ્કો પડ્યો કારણ કે મને ખબર પડી કે લાઈટ ચાલુ હતી અને હું કંઈ જોઈ શકતો ન હતો."
રશિયા
રશિયામાં કરિયાણાની દુકાનોમાં નકલી વોડકા પ્રવેશી ગયો છે. 2000ના દાયકાના મધ્યભાગ સુધી સુપરમાર્કેટમાં વેચાતો લગભગ અડધો દારૂ નકલી હતો.
2023માં "મિસ્ટર સાઇડર" નામના આલ્કોહૉલિક પીણાનું સેવન કર્યા પછી રશિયાના જુદા જુદા પ્રદેશમાં 30 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ શરાબ સુપરમાર્કેટ્સમાં કાયદેસર રીતે વેચવામાં આવતો હતો.
આ વર્ષની શરૂઆતમાં રશિયન સરકારે આલ્કોહૉલ ઉત્પાદકો માટે લાઇસન્સના નિયમોને વધુ કડક બનાવ્યા હતા જેથી કરીને માત્ર સ્થાપિત ઉત્પાદકો જ અરજી કરી શકે.
માત્ર માણસોને જ અસર થાય એવું નથી
શ્રીલંકા જેવા કેટલાક દેશોમાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન પર્યાવરણ અને વન્યજીવનને અસર કરી રહ્યું છે.
2022માં વન્યજીવન અધિકારીઓએ એક હાથીને બચાવ્યો હતો જેની સૂંઢ ગેરકાયદે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બેરલમાં ફસાઈ ગઈ હતી.
પર્યાવરણવાદીઓનો આરોપ છે કે દાણચોરો જંગલ વિસ્તારોમાં પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓને છુપાવવા માટે જંગલમાં ફરતા હાથીઓને મારી નાખે છે.
મિથેનોલ અને ઇથેનોલ વચ્ચે શું તફાવત છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇથેનોલ અને મિથેનોલ એ બળતણ અને દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાતા આલ્કોહૉલના પ્રકાર છે.
ઇથેનોલ એક મોંઘું રસાયણ છે. તે બીયર, વાઇન અને સ્પિરિટ્સ જેવા આલ્કોહૉલિક પીણાંમાં પણ જોવા મળે છે.
આલ્કોહૉલનું સેવન કરવાથી માથાનો દુખાવો અને ઉબકા આવી શકે છે, પરંતુ તેની અસર કામચલાઉ હોય છે.
જ્યારે મિથેનોલ થોડી આલ્કોહૉલિક ગંધ ધરાવે છે અને પ્રમાણમાં સસ્તું હોય છે. તે અત્યંત ઝેરી અને વપરાશ માટે અયોગ્ય છે.
ઐતિહાસિક રીતે આ ઍન્ટિ-ફ્રીઝિંગ કેમિકલને લાકડામાંથી કાઢવામાં આવ્યું હતું અને તેને લાકડાના આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા સંકલિત અહેવાલ. બીબીસી ન્યૂઝ તામિલ, બીબીસી ન્યૂઝ એશિયા, બીબીસી ન્યૂઝ પર્શિયન, બીબીસી ન્યૂઝ આફ્રિકા, બીબીસી ન્યૂઝ રશિયા, બીબીસી ન્યૂઝબીટ અને બીબીસી ન્યૂઝ ઑનલાઇનના યોગદાન સાથે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












