દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પકડાવાના કેસના નિયમો કેમ બદલાયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂની વાત આવે એટલે હંમેશાં રાજ્યમાં એ ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ગુજરાતમાં દારૂ અંગે એક પરિપત્ર બહાર પડાયો છે, જેના પર કેટલાક સવાલો થઈ રહ્યા છે.
આ પરિપત્ર સામાન્ય રીતે પોલીસસ્ટેશનના અધિકારીઓ સામેની ખાતાકીય તપાસ સંબંધિત છે.
દારૂબંધીવાળા ગુજરાતમાં જે પોલીસસ્ટેશનની હદમાં બીજી એજન્સીઓ દ્વારા અમુક રકમથી વધુ ગેરકાયદે દારૂ પકડવામાં આવે તો પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
ગૃહ વિભાગે અચાનક પકડાયેલા દારૂની મર્યાદામાં વધારો કરી દીધો છે. વિપક્ષ કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ નિર્ણયથી પાછલા બારણેથી ગેરકાયદે દારૂનો વેપાર વધશે, તો પોલીસવડાનું માનવું છે કે આનાથી દારૂબંધી વધુ મજબૂત બનશે.
ગુજરાત પોલીસને આવું કેમ કરવું પડ્યું? અગાઉ નિયમ શું હતા અને નવા નિયમ શું છે? આ નિયમમાં ફેરફાર થવાથી શું અસર થશે, આ તમામ સવાલોનો જવાબ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો.
ગુજરાતમાં દારૂ અંગેના નવા પરિપત્રમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના ગૃહ વિભાગે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને દારૂનું ગેરકાયદે વેચાણ બંધ થાય એ માટે 2005માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. 15 સપ્ટેમ્બર, 2005માં ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે 'જે પોલીસસ્ટેશનની હદમાંથી 15 હજારનો દેશી દારૂ અને દેશી દારૂનો વૉશ પકડાય તો એને "ગણનાપાત્ર કેસ" ગણવો અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાય તો એને પણ ગણનાપાત્ર કેસ ગણવો. જે પોલીસસ્ટેશનની હદમાં અન્ય એજન્સી આ માત્રામાં દારૂ પકડે તો એ પોલીસસ્ટેશનના અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરાવવી.'
જોકે હવે 19 વર્ષ પછી ગુજરાત સરકારે આ ગણનાપાત્ર કેસમાં પકડાતા દારૂની કિંમતમાં 10 ગણો વધારો કરી દીધો છે.
આ નવા પરિપત્રમાં જણાવાયું છે કે 'એક લિટર દેશી દારૂની કિંમત 200 લેખે ગણીને એક લાખની કિંમત ગણવી અને દેશી દારૂની વૉશ (દારૂ બનાવવાની કાચી સામગ્રી)ની એક લિટરની કિંમત 25 રૂપિયા ગણવી અને ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત 2,50,000 હોય તો ગણનાપાત્ર કેસ ગણવામાં આવશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને પછી એ પ્રમાણે જે તે પોલીસસ્ટેશનના સંબંધિત અધિકારી સામે ખાતાકીય કાર્યવાહીની કરાશે.
આમ 19 વર્ષ પછી બહાર પડાયેલા પરિપત્રમાં પહેલાં કરતાં દસ ગણો ગેરકાયદે દારૂ કોઈ પોલીસ સ્ટેશનમાં અન્ય એજન્સી પકડે તો પોલીસસ્ટેશનના અધિકારી જવાબદાર ગણાશે.
નવા ફેરફારથી શું બદલાશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગણનાપાત્ર કેસના નિર્ણય અંગે નિવૃત્ત પોલીસ અધિકારીઓમાં અલગ-અલગ મત છે.
નિવૃત્ત એસીપી નલિન જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ બદલાવથી ફાયદો અને નુકસાન બંને છે. જો અઢી લાખનો વિદેશી દારૂ પકડવાને ગણનાપાત્ર કેસ ગણવામાં આવશે તો મોટા પાયે પાડોશી રાજ્યોમાંથી ટ્રક ભરીને દારૂ ઘૂસાડતાં બુટલેગર પર સકંજો કસી શકાશે."
"નુકસાન એ છે કે દરેક પોલીસસ્ટેશનમાં એક ધાક હતી કે જો એમના પોલીસસ્ટેશનની હદમાં 15 હજારનો દેશી દારૂ પકડાય કે 25 હજારનો વિદેશી દારૂ પકડાય તો એમની સામે ખાતાકીય કાર્યવાહી થતી, એટલે એ લોકો દારૂના નાના વેપારીઓને પણ પકડવામાં રસ દાખવતા હતા. એટલે હવે આવું ઓછું થશે, જે નુકસાનકારક છે."
તેમના મતે, "આ નિર્ણયથી નાના બુટલેગરો બેફામ બને તેવી સંભાવના છે. આ પરિપત્ર પરથી સરકારનું ગણિત એવું લાગે છે કે મોટા બુટલેગર દારૂ નહીં લાવે તો નીચે સપ્લાય ઘટશે, પણ આ રણનીતિ કેટલી સફળ થશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે."
તો નિવૃત્ત ડીવાયએસપી આર.સી. પટેલનું માનવું છે કે "સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં દારૂનું ગેરકાયદે વેચાણ વધશે."
તેઓ કારણ જણાવતા કહે છે, "અગાઉ દરેક પોલીસસ્ટેશનના અધિકારીને એક ડર હતો કે જો એમના પોલીસસ્ટેશનની હદમાંથી સ્ટેટ મૉનિટરિંગ સેલ, ડીજીપી વિજિલન્સ સ્કવૉડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ જેવી એજન્સી દરોડો પાડી 15 હજારનો દેશી દારૂ અને એનો વૉશ અથવા 25 હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડે તો એની સામે ખાતાકીય કાર્યવાહી થતી. તેમજ ઇન્ક્રિમેન્ટ અને પ્રમોશન રોકવા ઉપરાંત વધુ કડક પગલાંમાં સસ્પેન્ડ કરવાની જોગવાઈ પણ હતી."
"એના પરિણામે પોલીસ અધિકારી નાના નાના બુટલેગરને પકડતા હતા, પણ હવે આ નાના બુટલેગરોને ધંધો કરવા માટે જાણે પાછલા બારણેથી છૂટ અપાઈ હોય એમ લાગે છે."
દારૂ વેચતા બુટલેગરો બેફામ બની જશે?

ઇમેજ સ્રોત, Getty Images
આર.સી. પટેલ કહે છે, "દારૂબંધીના કડક અમલ માટે શિક્ષાત્મક પગલાં ભરવાં માટે અન્ય એજન્સીઓ વધુ માત્રામાં દારૂ પકડે તો જ એમની પર ખાતાકીય કાર્યવાહી કરવાની જોગવાઈને કારણે ડર ઓછો થશે અને બુટલેગર નાના બુટલેગરને છૂટક ગેરકાયદે દારૂ આપશે, જેથી દારૂબંધીના કડક અમલના બદલે દારૂનું વેચાણ વધશે."
તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ખાસ કેસમાં પ્રૉસિક્યુટર તરીકે સેવા આપતા જાણીતા વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ નિર્ણય પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં આસપાસનાં રાજ્યોમાં દારૂની કિંમતમાં વધારો થયો છે, જેના કારણે 25 હજારનો દારૂ નાના કેસમાં આવી જાય છે.
"અલબત્ત, દેશી દારૂની કિંમત નક્કી કરવામાં આવી છે એ વધુ કહી શકાય. પણ ગણનાપાત્ર કેસમાં કિંમત વધારવાને કારણે ડીજીપી વિજિલન્સ સેલ, સ્ટેટ મૉનિટરિંગ સેલ, સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય એ મોટા બુટલેગરને પકડશે, જેથી દારૂનો સપ્લાય ઓછો થશે."
તેઓ વધુમાં કહે છે કે આ નિર્ણયથી "મોટા બુટલેગર પર સકંજો કસાશે, દરેક પોલીસસ્ટેશન દારૂબંધીના નાના કેસ કરી સંતોષ માનવાને બદલે મોટા બુટલેગર પકડશે અને દારૂના સપ્લાયની ચેન તોડી શકાશે."
ચંદ્રશેખર ગુપ્તા કહે છે, "જોકે આ પરિપત્રથી દેશી દારૂનું વેચાણ વધવાની સંભાવના છે. બુટલેગર અલગ-અલગ જગ્યાએ ઓછી માત્રામાં દારૂ રાખીને નાના બુટલેગરને વેચશે. પણ કોરોના પછી અન્ય રાજ્યોમાં દારૂની વધેલી કિંમતને જોઈ ગણનાપાત્ર કેસમાં દારૂની કિંમત વધારી છે. આ પ્રયાસ મોટા બુટલેગરને રોકવામાં કેટલો સફળ જાય છે એ કહેવું હાલ અઘરું છે."
ગુજરાત પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Gujarat Police/fb
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જે પોલીસસ્ટેશનમાં ગણનાપાત્ર કેસ થાય છે એ પોલીસસ્ટેશનના અધિકારીનાં ઇન્ક્રિમેન્ટ, પ્રમોશન રોકવાથી માંડી બરતરફ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે."
"આ સંજોગોમાં દારૂની કિંમત વધારી ગણનાપાત્ર કેસ કરવાનું નક્કી થયું છે, એના કારણે અન્ય એજન્સી મોટા બુટલેગરને પકડશે. આ નિર્ણયથી દારૂના સપ્લાયની ચેન તૂડશે, કારણ કે ગણનાપાત્ર કેસ કરનાર અધિકારીની ટીમને ઈનામ આપવામાં આવે છે."
ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગે તેઓ કહે છે, "આ સંજોગોમાં દારૂબંધીના મોટા કેસ થવાથી દારૂબંધીનો કડક અમલ થશે. છેલ્લા કેટલાક સમયથી અમે જોયું છે કે પાડોશી રાજ્યોમાંથી મોટા જથ્થામાં દારૂ પકડાયો છે, એમને મળેલા ઈન્સેન્ટિવને કારણે અન્ય એજન્સી કડક હાથે કામ કરશે, એટલે નીચેના અધિકારીઓ પણ કડક હાથે દારૂબંધીનો અમલ કરશે."
કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવ કઠવાડિયાએ ગુજરાત સરકાર પર પાછલા બારણેથી દારૂબંધી હળવી કરવાનો આરોપ મૂક્યો છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ પરિપત્રથી પોલીસસ્ટેશનમાં દારૂબંધીના કડક અમલ અંગેની બીક દૂર થઈ જશે. પોલીસસ્ટેશનમાં ભ્રષ્ટાચાર વધશે, દેશી દારૂનો વેપલો વધશે."
"ગુજરાતમાં 2009 અને 2022ના લઠ્ઠાકાંડમાં લોકોએ જીવ ગુમાવ્યા છે એમાંથી ભાજપ સરકાર કોઈ સબક શીખવા માગતી નથી. નવા પરિપત્રમાં 200 રૂપિયે લિટર લેખે એક લાખનો દારૂ પકડાય એને ગણનાપાત્ર કેસ ગણવાનું નક્કી થયું છે, એટલે દેશી દારૂ બનાવનારો 500 લિટર દેશી દારૂ સાથે જે તે પોલીસસ્ટેશનની હદમાંથી પકડાય એ પોલીસ અધિકારી સામે પગલાં ભરાય, પણ એકસાથે આટલો દેશી દારૂ ન મળે, એટલે ગરીબોને ફરી એક વખત લઠ્ઠાકાંડ તરફ ધકેલવાનું કાવતરું છે."
ગુજરાતમાંથી કેટલો દારૂ પકડાયો?

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક વાર રાજ્યમાંથી દારૂ પકડાતો હોવાના અહેવાલો આવતા રહે છે. રાજ્યમાંથી ક્યારે અને કેટલો દારૂ પકડાયો છે એના આંકડા પણ વિધાનસભામાં સમયાંતરે અપાતા હોય છે.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના લેખિત સવાલના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે "ગુજરાતમાં બે વર્ષ (ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2023)માં 197.56 કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે.
તેમજ 3.99 કરોડનો બિયર અને 10.51 કરોડનો દેશી દારૂ પકડાયો છે. જેમાં અમદાવાદમાંથી 28.23 કરોડ, સુરતમાંથી 21.47 કરોડ , વડોદરામાંથી 14.61 કરોડ અને રાજકોટમાંથી 13.89 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે."












