ખેડા : "ગામમાં દારૂએ કેટલીય મહિલાઓને વિધવા બનાવી છે", 'આયુર્વેદિક' સિરપથી મૃત્યુ પામનારાઓના પરિવારોની વ્યથા

ખેડામાં આયુર્વેદિક સિરપ પીવાથી મૃત્યુ

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, ખેડાથી

"અમારા ગામમાં દારૂનું એટલું દૂષણ છે કે ગામમાં ત્રણથી ચાર ટ્રેક્ટર ભરાય એટલી વિધવાઓ છે. દારૂના કારણે નાની ઉંમરના જુવાન દીકરાઓ મરી જાય છે. તેઓ બાળકો અને પત્નીને મૂકતા જાય છે. ગામની મહિલાઓ દારૂનો વિરોધ કરે તો કોણ સાંભળે? સરકારે આ દારૂ બંધ કરાવવો જોઈએ. સરકાર ધારે તો બધું જ કરી શકે છે."

આ શબ્દો ખેડામાં કથિત આયુર્વેદિક સિરપ પીધા બાદ મૃત્યુ પામેલા અર્જુન સોઢાનાં માતા અરખાબહેન સોઢાના છે. તેમણે પોતાનો એકના એક દીકરા અર્જુનને ગુમાવી દીધો છે.

કથિત આયુર્વેદિક સિરપ પીધા બાદ ગુજરાતમાં પાંચ વ્યક્તિઓનાં મોત થયાં હતાં. જેનાં કારણે ખેડા જિલ્લાના બિલોદરા અને બગડું ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ગામમાં પોલીસનો ધસારો પણ વધ્યો છે.

કેસ દાખલ કર્યા બાદ હાલ પોલીસ આ કથિત આયુર્વેદિક સિરપમાં મિથેનૉલની ભેળસેળની તપાસ કરી રહી છે. આ મામલાની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે.

પોલીસ અનુસાર આ સિવાય મૃતકોમાંથી એક વ્યક્તિના પોસ્ટમૉર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મિથેનૉલના કારણે કાર્ડિયેક અરેસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ખેડા જિલ્લાના નડિયાદથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બિલોદરા ગામમાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધા બાદ ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે.

ગામમાં શોકનો માહોલ

આયુર્વેદિક સિરપ ખેડા

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, શોકમગ્ન મહિલાઓ

પહેલી ડિસેમ્બરના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે બીબીસીની ટીમ જૂના બિલોદરા ગામમાં પહોંચી હતી ત્યારે બિલોદરા ગામમાં શોકનો માહોલ હતો.

મૃતકના પરિવારજનોના ઘરે બેસણાંમાં આવેલા સગા સંબંધીઓનો જમાવડો હતો. મૃતક અર્જુન સોઢાના પિતા 70 વર્ષીય મંગળ સોઢા અને અન્ય સ્વજનો પોલીસ કર્મચારીઓને જવાબ લખાવી રહ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૃતકના પિતા મંગળભાઈ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, "મારો એકનો એક દીકરો જતો રહ્યો. મારા ઘડપણનો સહારો જતો રહ્યો. મારે 70 વર્ષે આ દુઃખ જોવાનું આવ્યું."

અર્જુન સોઢાના ઘર પાસે અન્ય મહિલાઓ મૃતકનાં પત્ની સુધાબહેન સાથે બેઠાં હતાં.

રૂંધાયેલા અવાજે સુધાબહેન સોઢા કહ્યું કે, "મારા પતિની ભજિયાંની દુકાન હતી. તેઓ ભજિયાં બનાવીને વેચવાનું કામ કરતા હતા. બે દિવસ ગામમાં પ્રસંગ હોવાથી દુકાને ઘરાકી પણ હતી જેથી મારા પતિએ સતત ભજિયાં બનાવ્યા હતા પછી થાકીને ઘરે આવીને આરામ કરતા હતા."

"અમને એમ થયું કે તેમને થાક લાગ્યો હશે એટલે આરામ કરે છે. પરંતુ સવારે દાતણ કર્યા બાદ તેમને છાતીમાં ખૂબ જ દુ:ખાવો થવા લાગ્યો હતો. તેમને પીઠમાં અને માથામાં સખત દુ:ખવા લાગ્યું હતું."

"જેથી હું તેમને મહાગુજરાત હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમણે અંતે કહ્યું હતું કે, મેં સિરપ પીધી હતી ત્યારબાદ અમે તેમને બીજા દવાખાને લઇ જતા હતા ત્યાં રસ્તામાં તેમનું મોત થયું હતું."

તેઓ વધુમાં જણાવે છે કે, "મારે ત્રણ દીકરા છે. સૌથી મોટો દીકરો 17 વર્ષનો છે, બીજો દીકરો 14 વર્ષ અને ત્રીજો 12 વર્ષનો છે. મારા પતિ પ્રસંગો કે તહેવારમાં દારૂ પીતા હતા. આ સિરપ ક્યારે પીતા હતા, તે અંગે મને કંઈ જ ખબર નથી. પુરુષો ગામમાં જઈને શું પીવે તે મહિલાઓને શું ખબર હોય?"

આયુર્વેદિક સિરપ ખેડા

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, મૃતક અશોક લોઢા

આ જ ગામના અશોક લોઢા સાથે પણ આવું જ કંઈક થયું. તેમના પરિવારજનો અનુસાર અશોક સોઢા પણ શંકાસ્પદ સિરપ પીધા બાદ ગુજરી ગયા હતા.

તેમના ઘરે શોક વ્યક્ત કરવા આવેલા લોકો સહિત તેમનાં પત્ની પણ હાજર હતાં.

મૃતક અશોકભાઈનાં પત્ની લીલાબહેને જણાવ્યું હતું કે, "ગત 28 તારીખે માંડવી વળાવીને બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવ્યા હતા ત્યારે તેમની તબિયત થોડી ખરાબ લાગતી હતી."

"તેમણે મને કહ્યું હતુ કે, રાતના ઉજાગરાના કારણે મને થોડું સારું લાગતું નથી. હું ઊંઘી જાઉં છું. બપોરે અઢી વાગ્યાની આસપાસ તેમને પેટમાં દુ:ખાવો અને માથું અતિશય દુખવા લાગ્યું હતું.વધુ ખતરનાક બનશે"

"ત્યારબાદ અમે તેમને હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ડૉક્ટરે તેમને ઇન્જેક્શન આપ્યું અને દવા આપી હતી. ઘરે આવ્યા બાદ ફરીથી તેમને દુખાવો થવા લાગ્યો હતો. તેમની આંખો ફાટી ગઈ હતી."

"તેમનાથી જરા પણ બોલાતું ન હતું. જેથી અમે તેમને અમારા મહારાજને ત્યાં લઈ ગયા. મહારાજની સલાહ પછી અમે એમને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં ડૉક્ટરે કહ્યું હતું કે, તેમનો જીવ જતો રહ્યો છે. "

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, "ગામમાં સૌપ્રથમ મારા પતિની જ તબિયત બગડી હતી અને મોત થયું હતું. મારા પતિને ઘરે લાવ્યા ત્યાં ખબર પડી હતી કે, નટુભાઈને પણ આમ થયું છે અને અર્જુનભાઈની પણ તબિયત બગડી છે."

મૃતક અશોક સોઢાનાં માસીએ પણ વાત કરતા જણાવ્યું હતુ કે, " વર્ષો પહેલાં મારા પતિની લાશ મળી હતી. તેના થોડા સમય બાદ મારા દિયર અને મારાં બહેનના પતિ પણ મૃત્યુ પામ્યા હતા. અમે બંને બહેનોએ મજૂરી કરી બાળકોને ઉછેર્યા."

"છોકરાઓના વ્યસનની ભૂલને કારણે મહિલાઓએ આખી જિંદગી દુઃખમાં કાઢવી પડે. અશોક લાકડાના પીઠા પર કામ કરતો હતો અને છેલ્લા છ મહિનાથી તેમણે દારૂ બંધ કર્યો હતો પરંતુ આ તહેવારના કારણે મિત્રો સાથે મળ્યો હશે અને એમણે પીધું હશે. જે એના જીવ લઈને ગયો."

બીબીસીની ટીમે ગામની અન્ય મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં મહિલાઓએ ગામમાં થયેલા યુવાનોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે અન્ય કોઈ વાતના જવાબ આપવાનું ટાળ્યું હતું.

ગામના ઉપસરપંચે શું કહ્યું?

આયુર્વેદિક સિરપ ખેડા

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ગામના ઉપસરપંચ નિલેશભાઈ જાદવે પોતે જિલ્લા પંચાયતની મુલાકાતે હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં લોકોના ધ્યાનનું કેન્દ્ર બનેલી એ કરિયાણાની દુકાનની અમે મુલાકાત લીધી હતી જ્યાંથી કથિતપણે આ આર્યુવેદિક સિરપનું વેચાણ કરવામાં આવ્યું હતું. કથિત આયુર્વેદિક સિરપ વેચનાર કિશોર સોઢાની આ દુકાન છે. દુકાન કિશોર સોઢાનો મોટો પુત્ર મેહુલ ચલાવતો હતો.

સવાલો પૂછતાં મેહુલે કહ્યું હતું કે, "મારી પાસે તમારા કોઈ સવાલોનો કોઈ જવાબ નથી. એ બધી વાતોની મારા પિતાને ખબર હશે. મારા પિતાએ કોઈને મારી નાખવા માટે થોડું કંઈ આપ્યું હોય? અમારા ઘર પર તો દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. મારા પિતા અને કાકા પોલીસ સ્ટેશનમાં છે અને મારા દાદા હાલ સિવિલ હૉસ્પિટલમાં દાખલ છે."

ત્રીજા મૃતક નટુભાઈ સોઢાનો પરિવાર બિલોદરા ગામની સીમમાં એક કિલોમિટર દૂર ખેતરમાં બનાવેલા ઘરમાં રહે છે. ખેતરમાં એક સાથે 10 જેટલાં ઘરો હતાં.

નટુભાઈ સોઢાને એક 12 વર્ષની દીકરી છે. પરિવારમાં વિધવા માતા અને પત્ની પણ છે.

મૃતક નટુભાઈ સોઢાનાં માતા દરિયાબહેને રડતાં રડતાં કહ્યું હતું કે, "મારા પતિ વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. મારા એકના એક દીકરાને મેં લોકોના ખેતરમાં દહાડી કરીને મોટો કર્યો હતો અને દારૂના દૂષણે એક ઝાટકે તેનો ભોગ લઈ લીધો. મારી જુવાનજોધ વહુ અને મારે હવે આખું જીવન એકલા કાઢવાનો વારો આવશે."

મૃતક નટુ સોઢાનાં પત્ની રમીલાબહેને પણ રડતાં રડતાં કહ્યું હતું કે, "મારા પતિ છૂટક મજૂરીનું કામ કરતા હતા. હું પણ નજીક ફેકટરીમાં મજૂરી કામ કરું છું."

"મારી દીકરી મને પૂછે છે કે મારા પપ્પા ક્યારે પાછા આવશે. મારા પતિ 28 તારીખે બપોરે ઘરે આવીને સૂઈ ગયા હતા. અચાનક તેમને માથું દુખવા લાગ્યું તેમજ છાતીમાં દુખવા લાગ્યું હતું અને ઊલટી થઈ હતી."

"જેથી અમે તેમને મહાગુજરાત હૉસ્પિટલ લઈ ગયા હતા. રસ્તામાં જ તેમને ખેંચ આવી ગઈ હતી. હૉસ્પિટલમાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 29 તારીખે તેમનું મૃત્યુ થયું હતું. સવારે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું."

નજીક આવેલા બગડું ગામમાં પણ મૃત્યુ બાદ શોકનો માહોલ

ખેડામાં આયુર્વેદિક સિરપ પીવાથી મૃત્યુ

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

બિલોદરાથી ચાર કિલોમિટર દૂર આવેલા બગડું ગામમાં અલ્પેશભાઈના મૃત્યુથી શોકનો માહોલ છે.

એક ગ્રામજને કહ્યું હતું કે, "અમારા ગામમાં આવી કોઈ સિરપ અમે ક્યારેય જોઈ નથી." દારૂ અંગે વાત કરવાનું તેમણે ટાળ્યું હતું.

બગડું ગામમાં મૃતક અલ્પેશ સોઢાના ઘરે આવેલા મહેમાન મિતેશનું પણ શંકાસ્પદ મોત થયું હતું. અલ્પેશ ભાઈને સાત વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે.

મૃતક અલ્પેશ સોઢાનાં પત્ની હીનાએ વાત કરતાં જણાવ્યું કે,"અમારે નવા ઘરનું ખાતમુહૂર્ત હતું. જેના કારણે મારો ભાઈ પણ ઘરના ખાતમૂહુર્ત માટે આવ્યો હતો. ત્યારબાદ મારા પતિ અને મારો ભાઈ ફરવા માટે ગયા હતા."

"અમને ખબર નથી કે, એ લોકોએ શું પીધું હતું. પરંતુ સવારે જાગ્યા ત્યારે મારા ભાઈને ઊલટી થવા લાગી હતી અને છાતીમાં દુખતું હતું. જેથી અમે તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મારા ભાઈનું મૃત્યુ થયું હતું. મારા ભાઈની ઉંમર 22 વર્ષની હતી. જેને બે વર્ષનો દીકરો અને નાની દીકરી છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "મારા ભાઈની અંતિમવિધિ દરમિયાન જ મારા પતિને પણ મારા ભાઈનાં જેવાં લક્ષણો જણાયાં હતાં. તેમને પણ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને ઊલટી થવા લાગી હતી. તેમનું પણ મૃત્યુ થયું હતું."

મૃતક અલ્પેશભાઈના પિતા બોલતા-બોલતા રડી પડ્યા હતા અને કંઈ વાત કરી શક્યા ન હતા.

ત્યારબાદ મૃતકના કાકા પરબત સોઢાએ વાત કરતા જણાવ્યું હતું કે, "અલ્પેશને કૅન્સર હતું. ચાર વર્ષ પહેલાં જ ટ્રીટમેન્ટથી તેમને સારું થઈ ગયું હતું. હાલ તેને કૅન્સરની કોઈ તકલીફ ન હતી. બિલોદરાના મૃતક યુવાનોમાં જે લક્ષણો હતાં તે જ પ્રકારનાં લક્ષણો અલ્પેશ અને તેના સાળામાં પણ જોવા મળ્યાં હતાં."

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, "અમારા ઘરે બેસવા આવેલા લોકો દ્વારા અમને જાણ થઈ હતી કે, અલ્પેશની બેઠક બિલોદરાના મૃતક યુવાનો સાથે હતી તેમજ દેવદિવાળીના દિવસે ઘરનું ખાતમુર્હૂત કર્યા બાદ અલ્પેશ તેના સાળાની સાથે બહાર ગયો હતો. જેથી એવી શંકા ચોક્કસ જાય છે કે, તેણે પણ આ આયુર્વેદિક સિરપ પીધી હોઈ શકે છે."

પોલીસે આ અંગે શું કહ્યું?

આયુર્વેદિક સિરપ ખેડા

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ખેડા જિલ્લાના એસપી રાજેન્દ્ર ગઢિયાએ બીબીસી ગુજરાતી સાથે-સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આરોપી કિશોર સોઢાને આ સિરપ યોગેન્દ્ર સિંધી આપી રહ્યો હતો. યોગેન્દ્ર સિંધીએ નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી પાસેથી સિરપ લેતો હોવાનું જણાવ્યું છે."

"આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. આયુર્વેદિક સિરપમાં મિથેનૉલ કેવી રીતે ભેળવવામાં આવ્યો, તે સિરપ બને છે ત્યાં ભેળવવામાં આવ્યો કે પછી સિરપ બન્યા બાદ ભેળવવામાં આવ્યો જેવી બાબતોને લઈને તપાસ ચાલી રહી છે. "

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મૃતક નટુ સોઢાનું પેનલ ડૉક્ટરોથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં મિથેનૉલના કારણે કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે."

"આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં ત્રણ વ્યક્તિ બિલોદરા અને એક વ્યક્તિ બગડું ગામનો છે જ્યારે એક વ્યક્તિ વડદલા ગામની હતી."

"હાલ, આ કેસમાં બે લોકો સારવાર હેઠળ છે. 55 લોકોએ આ દવા પીધી હોવાની માહિતી હતી. જેમાંથી અન્ય લોકો હાલ સ્વસ્થ છે."

આ સમગ્ર કેસમાં નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ખેડા એસઓજી પીઆઈ ડી. એન. ચુડાસમા ફરિયાદી બન્યા છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આઈપીસીની કલમ 304, 308, 328, 465, 468, 471, 274, 275, 276, 34, 201 તથા ગુજરાત પ્રોહિબિશન ઍક્ટની કલમ 65 (એ) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસમાં એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં વી.આર.બાજપાઈ,(ડીવાયએસપી), ડી એન ચુડાસમા (એસઓજી પીઆઇ), કે એસ દવે (નડિયાદ, રૂરલ પીઆઇ) કેડી રાવલ (મહેમદાવાદ પીએસઆઈ)નો સમાવેશ કરાયો છે.

આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપીઓ યોગેશ પરુમલ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા, ઇશ્વર સોઢા, નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીનો સમાવેશ થાય છે.