ચીનનાં બાળકોમાં ફેલાયેલી બીમારી શું છે અને તેનાથી ભારતમાં કેટલું જોખમ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES/NATEE127
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
4 વર્ષ પહેલાં ચીનથી શરૂ થયેલા કોવિડ સંક્રમણની બીમારી ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી અને લાખો લોકો સંક્રમિત થઈ ગયા હતા.
હવે ચીનના ઉત્તરી વિસ્તારોમાંથી બાળકોમાં ન્યૂમોનિયા જેવી બીમારીની સમસ્યા ચિંતાનો વિષય બની ગઈ છે.
કેટલાય રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના ઉત્તરી વિસ્તારના હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં બીમાર બાળકો ઇલાજ માટે આવ્યાં છે.
ચીનમાં કોવિડના નિયંત્રણો હઠાવી લેવાયાં છે તે અને શિયાળીની મોસમને આ શ્વાસ સંબંધિત બીમારી સાથે સાંકળીને જોવામાં આવી રહી છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું કે ચીનમાં શ્વાસની બીમારીના જે કેસો આવી રહ્યા છે, તે કોવિડ જેટલા નથી અને એમ પણ કહ્યું કે જે કેસ આવી રહ્યા છે તેમાં કોઈ નવા અથવા અસાધારણ પૅથોજન નથી મળી રહ્યાં.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યવાહક ડિરેક્ટર મારિયા વેને કહ્યું કે ચીનનાં બાળકોમાં આ કેસો વધવાનું કારણ કોવિડને કારણે સતત 2 વર્ષ માટેના પ્રતિબંધો હોઈ શકે છે. જેણે આ પૅથોજનને બાળકોથી દૂર રાખ્યાં હતાં.
તેમનું કહેવું હતું, “અમે મહામારી પહેલાંના સમયની સરખામણી કરવાનું કહ્યું અને જે લહેર હાલ દેખાઈ રહી છે તેની તીવ્રતા એટલી નથી, જે વર્ષ 2018-19માં દેખાઈ હતી.”
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના પ્રવક્તા મી ફેંગે રવિવારે કહ્યું કે શ્વાસની બીમારીના કેસ વધવાનું કારણ કેટલાંક પ્રકારનાં પૅથોજન છે. જેમાં મુખ્યત્ત્વે ઇન્ફ્લૂએન્ઝા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન ભારતનો પાડોશી દેશ છે. આથી આ બીમારીથી બચવા માટે ભારત સરકારે પણ સ્થિતિની સમીક્ષા કરી છે.
ભારત આ પ્રકારની સ્થિતિ માટે કેટલી તૈયાર?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટેની તૈયારીઓ અને પગલાં અંગે વિગતવાર સમીક્ષા બેઠક યોજી હતી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોને આ અંગે તૈયારી અને સમીક્ષા કરવાની સલાહ આપી છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હૉસ્પિટલમાં ફ્લૂની રસી, મેડિકલ ઓક્સિજન, ઍન્ટિબાયોટિક્સ, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, ટેસ્ટિંગ કિટ, ઓક્સિજન પ્લાન્ટ અને વૅન્ટિલેટર ઉપરાંત અન્ય જરૂરી પગલાં માટે દવાઓ અને રસીઓની પૂરતી ઉપલબ્ધતા હોવી જોઈએ.
તે જ સમયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ 'COVID-19ની સુધારેલી સર્વેલન્સ રણનીતિ' સંબંધિત માર્ગદર્શિકા લાગુ કરવાની સલાહ આપવામાં આવી છે.
તે આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાઈ હતી.
ઇન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને તીવ્ર શ્વસન બીમારી (SRI) પર દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)- દિલ્હીના પલ્મોનરી અને ક્રિટિકલ કૅર એન્ડ સ્લીપ મેડિસિનના વડા ડૉ. અનંત મોહન કહે છે કે, વિશ્વ આરોગ્ય સંગઠનને ચીનથી મળેલી માહિતી પરથી એ સમજી શકાય છે કે, સામાન્ય કીટાણુઓ જે ઉધરસ અને શરદી કરતા આવ્યાં છે તે એ જ છે.
તેઓ કહે છે, "આવા કેસોની સંખ્યા વધી રહી છે અને તેનું એક મુખ્ય કારણ વધુ ટેસ્ટિંગ હોઈ શકે છે. પરંતુ આ કોઈ નવો જીવાણુ નથી."

ચીનમાં બાળકોમાં ફેલાયેલી બીમારી ચેપી છે?

ઇમેજ સ્રોત, GETTYIMAGES/KATERYNA/SCIENCE
ડૉકટરોના મતે આ એક પ્રસરી શકે એવો અથવા ચેપી રોગ છે.
જો તમે સરળ ભાષામાં સમજીએ તો શ્વાસ સંબંધિત રોગો ચેપી છે.
આ રોગના વાઇરસ અથવા બૅક્ટેરિયા ખાંસી, હસવામાં, છીંકવાથી કે બોલવા અને ગાવા વગેરે દ્વારા ફેલાય છે.
ડૉ. વેદ પ્રકાશ લખનઉની કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટીમાં પલ્મોનરી અને ક્રિટિકલ કૅર મેડિસિનના વડા છે.
તેઓ કહે છે કે, કોવિડ દરમિયાન લાદવામાં આવેલાં નિયંત્રણો હટાવ્યા પછી ચીનમાં આ પ્રથમ શિયાળો છે. તેથી ત્યાંના લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે.
તેમનું એમ પણ કહેવું છે કે, ચીનમાં કોઈ નવા વાઇરસ કે બૅક્ટેરિયલ પૅથોજન મળ્યાં નથી.
માઇકૉપ્લાઝ્મા અને આરએસવી શું છે?

ઇમેજ સ્રોત, GETTYIMAGES/BLOOMBERG CREATIVE PHOTOS
ડૉક્ટરો કહે છે કે, વાઇરસ અને બૅક્ટેરિયા એ માઇક્રૉસ્કૉપિક પૅથોજન્સ છે જે આ પ્રકારના રોગનું કારણ બને છે.
ડૉ. વેદ પ્રકાશ સમજાવે છે કે, માયકૉપ્લાઝમા એક બૅક્ટેરિયલ જંતુ છે અને તે મોટે ભાગે બાળકો પર હુમલો કરે છે.
તે ગળા અને શ્વસનતંત્રને અસર કરે છે જે ન્યૂમોનિયા તરફ દોરી શકે છે.
આરએસવી એ એક પ્રકારનો વાઇરસ છે જેને અંગ્રેજીમાં રૅસ્પિરેટરી સિંસીટીયલ વાઇરસ કહે છે.
ડૉ. અનંત મોહનના જણાવ્યા અનુસાર આ વાઇરસ ઉપલા શ્વસન માર્ગ, નાક અને ગળાને અસર કરે છે અને શરદી, ઉધરસ અને તાવનું કારણ બને છે.
માયકૉપ્લાઝ્મા, એચઆઈવી અથવા ઇન્ફલ્યુએન્ઝા ખૂબ જ સામાન્ય છે અને જો ખૂબ ગંભીર ન હોય તો ઍન્ટિબાયોટિક્સથી સારવાર કરી શકાય છે.
બીમારીનાં લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર આ બીમારીનાં ઘણાં લક્ષણો જણાવે છે જે સામાન્ય દેખાય છે.
ગળુ ખરાબ થવું, ખાંસી આવવી, છીંક આવવી, શ્વાસ ફૂલવો, તાવ આવવો.
ડૉક્ટરો અનુસાર આ ઘણી વાર પોતાની જાતે જ ઠીક થઈ જાય છે. આ માટે ઘણી વાર ઍલર્જીની દવાઓ પણ લેવામાં આવે છે પરંતુ જ્યારે ન્યૂમોનિયા થવા લાગે છે તો ઍન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે છે.

શું આ બીમારીને કોવિડ પછી શરીર પર થનારી અસર ગણી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અનંત મોહન કહે છે કે, કોવિડને ચીનમાં ફેલાયેલા ઇન્ફલ્યુએન્ઝા સાથે જોડવું મુશ્કેલ છે.
તેમના મતે, "શક્ય છે કે, જેમને કોરોના થયો નથી તેઓએ ઍન્ટિબોડીઝ વિકસાવી ન હોય. આ એક થિયરી હોઈ શકે છે, પરંતુ એ જરૂરી નથી કે કોરોનાના ઍન્ટિબૉડીઝ ઇન્ફલ્યુએન્ઝા અને અન્ય વાઇરસથી રક્ષણ આપે.”
હવે ઇન્ફલ્યુએન્ઝા માટે રસીઓ ઉપલબ્ધ છે અને તેના સંબંધી માર્ગદર્શિકા છે જેથી તે પણ લઈ શકાય.
પરંતુ ડૉ. અનંત એ વાત પર પણ ભાર મૂકે છે કે, રસીને 100 ટકા ફૂલપ્રૂફ ન ગણવી જોઈએ અને રક્ષણ હંમેશાં કરવું જોઈએ.
જ્યારે બીજી બાજુ ડૉ. વેદ પ્રકાશ એક અલગ વાત પણ કહે છે. તેમના મતે, "બાળકો અથવા એવા લોકો કે જેમને રસી આપવામાં આવી નથી અને કોવિડ પણ નથી થયો. જે લોકો બદલાતા હવામાન, બૅક્ટેરિયા, વાઇરસ કે ઇન્ફલ્યુએન્ઝાના સંપર્કમાં આવ્યા નથી તેમનામાં વર્તમાન બીમારી સામેની પ્રતિકાર ક્ષમતા નથી હોતી. આવી સ્થિતિમાં ઓછા અસરકારક બૅક્ટેરિયા કે વાઇરસની આવા લોકો પર વધુ અસર થાય છે.”
તેઓ કહે છે કે, રસીનો ઉપયોગ નાના બાળકો માટે કરવામાં આવ્યો નથી. તેથી તેમને વધુ જોખમ છે. તેવી જ રીતે તે પુખ્ત વયના લોકો કે જેમને ન તો રસી આપવામાં આવી છે અને ન તો કોવિડ થયો છે તે પણ આ સૂચિમાં સામેલ છે.
તે જ સમયે, સગર્ભા સ્ત્રીઓ અને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવા રોગો ધરાવતા લોકોમાં આ પ્રકારના ચેપથી પ્રભાવિત થવાનું જોખમ વધી જાય છે.
પ્રદૂષણની અસર કેટલી હોઈ શકે છે?
ડૉક્ટરોના મતે જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે.
પર્યાવરણનું મહત્તમ સંપર્ક શરીર, ફેફસાં અને શ્વસનતંત્ર પર છે તેથી આને અનુરૂપ ચેપ વગેરે સામે લડવું પડે છે.
શરીર શિયાળાની ઋતુ જેવા હવામાનમાં પરિવર્તન માટે તૈયાર થાય ત્યાં સુધીમાં વાઇરસ, બૅક્ટેરિયા અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે ઇન્ફલ્યુએન્ઝાનો હુમલો આવે છે. તેનાથી ઍલર્જી અને ન્યૂમોનિયા પણ થાય છે.
જો ત્યાં ઘણું પ્રદૂષણ છે તો પીએમ 2.5 અથવા પીએમ 10 કણો શરીરમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
કઈ રીતે રક્ષણ કરી શકાય?
કોવિડ દરમિયાન એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી - બે યાર્ડનું સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક છે જરૂરી. તેવી જ રીતે ડૉકટરો તેનાથી બચવા માટે ઘણી સલાહ આપે છે.
તબીબોનું કહેવું છે કે છેલ્લા દાયકાઓમાં હૃદયરોગ, સ્ટ્રૉક કે કૅન્સર જેવા જીવલેણ રોગો સામે આવ્યા છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો શ્વાસ સંબંધી રોગોનું જોખમ વધી ગયું છે.
આવી સ્થિતિમાં ડૉક્ટરોને ડર છે કે આવનારા વર્ષોમાં શ્વસન સંબંધી બીમારીઓ મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.
નિષ્ણાતો માને છે કે સરકાર પગલાં લઈ રહી છે પરંતુ સર્વેલન્સ સિસ્ટમ, નિવારણ માટેની વ્યૂહરચના, મૅનપાવર અને વિશેષ સુવિધાઓને મજબૂત કરવાની સાથે સાથે લોકોને જાગૃત કરવા જોઈએ.














