એ ટાપુ જ્યાં માત્ર 20 લોકો સામે 10 લાખ પક્ષીઓ છે

આઈસલેન્ડ, યુરોપ, પ્રવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મિશેલ ગ્રોસ
    • પદ, બીબીસી ટ્રાવેલ

આઇસલૅન્ડના ઉત્તરી કિનારાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલો હવાથી વહેતો આ પ્રદેશ યુરોપની સૌથી દૂરસ્થ વસાહતો પૈકીનો એક અને દરિયાઈ પક્ષીઓની પ્રચૂર વસ્તીનું ઘર છે.

ઑગસ્ટના અંતમાં સૂર્યપ્રકાશિત એક દિવસે પણ ગ્રિમ્સી ટાપુ પરના પવને અમારા વૉટરપ્રૂફ લેયર્સને એટલા જોરથી ભેદ્યાં હતાં કે તે અમારા અસ્તિત્વને પૃથ્વી પરથી ખતમ કરી નાખશે.

હું અને મારા પતિ ગ્રિમ્સીના સુંદર, સમુદ્રની લહેરોથી ધમધમતા કિનારે વૂડન વૉકિંગ સ્ટિક્સ લઈને પહોંચ્યાં હતાં. તે આ તત્ત્વો સામે સંતુલન જાળવવામાં ખાસ મદદરૂપ ન હતાં, પરંતુ બરછટ દરિયાકિનારે પોતાના માળા નજીક ભટકતા અને ડાઇવ-બૉમ્બિંગ માટે કુખ્યાત આર્કટિક ટર્ન્સ (લાંબી અણિયાળી પાંખો અને બે પાંખી પૂંછડીવાળા દરિયાઈ પક્ષીઓ)ને દૂર હટાવવા માટે ઉપયોગી હતી.

ટાપુના બેસાલ્ટ ખડકોની આસપાસ ધીમેધીમે ચાલતાં અમે કેટલાક પફિન સ્ટ્રગલર પક્ષીઓ જોયાં હતાં. એ પક્ષીઓ એપ્રિલમાં ગ્રિમ્સ પાછાં ફરતાં પહેલાં સમુદ્રમાંથી બહાર નીકળવાનાં હતાં.

આઇસલૅન્ડના સૌથી ઉત્તરી કિનારાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલો 6.5 ચોરસ કિલોમીટરનો આ ગ્રિમ્સી ટાપુ દેશના ઉત્તર છેડે આવેલું, લોકો વસવાટ કરતા હોય તેવું એક સ્થળ છે અને આર્કટિક સર્કલની અંદર આવેલા આઇસલૅન્ડનો એકમાત્ર ટુકડો છે.

દૂર-દૂર આવેલો આ ઠંડોગાર ટાપુ અનેક રીતે રહસ્યમય તથા આત્યંતિક છે અને તેમાં જ તેનું આકર્ષણ રહેલું છે.

1931 સુધી ગ્રિમ્સી ટાપુ પર પહોંચવાનો એકમાત્ર રસ્તો એક નાની હોડી હતી, જે વર્ષમાં બે વખત ટાપુ પર પત્રો પહોંચાડતી હતી. આજકાલ અકુરેરી શહેરથી 20 મિનિટની ફ્લાઇટ અને ડાલવિક ગામથી ત્રણ કલાકની ફેરી બોટ્સ અમારા જેવા, યુરોપની સૌથી દૂરસ્થ વસાહતો પૈકીની એક વસાહત અને તેના દરિયાઈ પક્ષીઓ તથા વૈવિધ્યસભર વન્યજીવનને નિહાળવા ઉત્સુક મોટા ભાગના સાહસિક લોકોને આ ખડકાળ ટાપુ પર પહોંચાડે છે.

આ સુંદર ટાપુ કામિકેઝ, આર્કટિક ટર્ન્સ, સંખ્યાબંધ પફિન્સ, કાળા પગવાળા કિટ્ટીવેક્સ, રેઝરબિલ્સ તથા ગિલેમોટ્સ ઉપરાંત આઇસલૅન્ડિક અશ્વો અને ઘેટાંનું પણ ઘર છે. અહીં પ્રત્યેક નાગરિકની તુલનાએ 50,000થી વધુ દરિયાઈ પક્ષીઓની વસ્તી હોવાનો અંદાજ છે.

સ્થાનિક ટૂર ગાઇડ અને આર્ટિક ટ્રીપના માલિક હલ્લા ઈન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "તમે નહીં માનો, પરંતુ મારા જેવા વીસેક લોકો જ અહીંના કાયમી નિવાસી છે."

'હું ટાપુના પ્રેમ પડી ગઈ છું'

આઈસલેન્ડ, યુરોપ, પ્રવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રેક્જાવિકમાં જન્મેલા ઈન્ગોલ્ફ્સડોટીર દક્ષિણ-પૂર્વ આઇસલૅન્ડમાં ઊછર્યા હતા. તેમના બહેને વર્ષો પહેલાં એક સ્થાનિક માછીમાર સાથે લગ્ન કર્યાં હતાં અને આ ટાપુ પર રહેવા આવી ગયા હતા.

એક વખત ટાપુ પર બહેનની મુલાકાત લીધી પછી તેમણે ગ્રિમ્સીમાં લાંબો સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું. ઇન્ગોલ્ફ્સડોટિરના કહેવા મુજબ, ગ્રિમ્સીમાં 20થી વધુ વર્ષ સુધી પાર્ટટાઇમ રહ્યા પછી 2019માં અહીં કાયમી રહેવાનો નિર્ણય કર્યો હતો અને ત્યાર પછી તેમણે પાછું વાળીને જોયું નથી.

તેમણે કહ્યું હતું, "લોકો માને છે કે હું પ્રેમને કારણે અહીં આવી છું, પણ હકીકતમાં હું આ ટાપુના પ્રેમમાં પડી ગઈ છું. અહીં જાદુઈ વાતાવરણ છે અને મને અહીંના લોકો તથા પ્રકૃતિ સાથે પ્રેમ થઈ ગયો છે. અહીં પ્રકૃતિ બહુ શક્તિશાળી છે. શિયાળામાં તેનું સ્વરૂપ અલગ હોય છે અને અંધારું થતાંની સાથે નૉર્ધન લાઇટ્સ, તારાઓ અને તોફાનો આવે છે. વસંતઋતુમાં રોશની આવે છે અને પક્ષીઓ તો દરેક ઋતુમાં સ્પેશિયલ હોય છે."

એક ટૂર કંપનીના સંચાલન ઉપરાંત ઇન્ગોલ્ફ્સડોટિર તેમના ઘરની બહાર નવ ઓરડાના એક ગેસ્ટહાઉસના માલિક પણ છે અને તેનું સંચાલન કરે છે.

પર્યટનનું નેતૃત્વ ન કરતાં હોય અને પોતાના મહેમાનોની આગતા-સ્વાગતા ન કરતાં હોય ત્યારે ઇન્ગોલ્ફ્સડોટિર દિવસમાં એક વખત ગ્રિમ્સીના પાવર સ્ટેશનની મુલાકાત જરૂર લે છે, જેથી ટાપુ પરનું કામકાજ ચાલુ રહે એ માટે પર્યાપ્ત વીજળીનું ઉત્પાદન સુનિશ્ચિત કરી શકાય.

મેઇનલૅન્ડ આઇસલૅન્ડ મુખ્યત્વે જીઓથર્મલ અને અક્ષય ઊર્જા પર વધારે પડતું નિર્ભર છે, પરંતુ ગ્રિમ્સી નૅશનલ પાવર ગ્રીડથી ખાસ્સું દૂર આવેલું છે. તેથી સમગ્ર ટાપુ માટે વીજપુરવઠાની વ્યવસ્થા ડીઝલ સંચાલિત એક જનરેટર દ્વારા કરવામાં આવે છે.

ઇન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "અહીં આવતા પ્રવાસીઓ મને કાયમ પૂછે છે કે તમે કંટાળી નથી જતા? હકીકતમાં મારી પાસે અહીં કરવા જેવું ઘણુંબધું છે. મેઇનલૅન્ડ પર રહેતા લોકો જે કામ કરે છે તે બધાં કામ અમે અહીં કરીએ છીએ. અમે જિમમાં જઈએ છીએ. વ્યાયામ કરીએ છીએ, પરંતુ પ્રકૃતિએ મને અહીં ટકાવી રાખી છે."

ગ્રિમ્સીમાં કોઈ હૉસ્પિટલ, ડૉક્ટર કે પોલીસ સ્ટેશન નથી. ઇન્ગોલ્ફ્સડોટિરના કહેવા મુજબ, કટોકટીની સ્થિતિમાં કેવાં પગલાં લેવાં તેની તાલીમ તટરક્ષક દળ અને ઇમરજન્સી સર્વિસિસે અહીંના રહેવાસીઓને આપી છે.

ઇન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "તમે અહીં રહેતા હો તો તમારે લવચીક રહેવાનું અને વિવિધ પરિસ્થિતિ સાથે કામ પાર પાડવાનું શીખવું પડે છે. અમે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર હોઈએ છીએ. ઇમરજન્સીના કિસ્સામાં અમને પહેલી પ્રતિક્રિયા માટે તાલીમ આપવામાં આવી છે. અહીં દર ત્રણ સપ્તાહે એક વખત ડૉક્ટર અમારી સારસંભાળ માટે આવે છે."

અનેક કથાઓનો ઇતિહાસ

આઈસલેન્ડ, યુરોપ, પ્રવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

અહીં કેટલાંક ઘર છે અને એ પૈકીના ઘણા પ્રવાસીઓ માટેના ગેસ્ટહાઉસ તરીકે પણ કામ કરે છે. એ બધાં ઘર ટાપુની દક્ષિણ-પશ્ચિમે આવેલા છે.

સેન્ડવિક તરીકે ઓળખાતી આ વસાહતમાં એક સ્કૂલહાઉસ પણ છે, જે હવે સામુદાયિક કેન્દ્ર ઉપરાંત હેન્ડીક્રાફ્ટ ગૅલરી અને કાફે તરીકે પણ કામ કરે છે. તેમાં હોમમેડ આઇસલૅન્ડિક ચીજો, ગૂંથેલાં વસ્ત્રો અને બીજી નાની-મોટી ચીજો મળે છે.

અહીં કરિયાણાની એક નાનકડી દુકાન છે, જે રોજ લગભગ એક કલાક માટે ખૂલે છે. એ ઉપરાંત અહીં બાર, સ્વિમિંગ-પૂલ, લાઇબ્રેરી, ચર્ચ અને ઍરસ્ટ્રીપ પણ છે. આ ઍરસ્ટ્રીપ પક્ષીઓ માટે ઉતરાણનો પૉપ્યુલર સ્પૉટ પણ છે.

આઇસલૅન્ડનાં અનેક નાનાં શહેરો અને ગામડાંની માફક ગ્રિમ્સીનો ઇતિહાસ પણ સ્થાનિક કથાઓમાં સમાયેલો છે. કિંવદંતીઓ અનુસાર, આ ટાપુના નામને ગ્રિમુર નામના એક નોર્સ નિવાસી સાથે સંબંધ છે, જે પશ્ચિમી નૉર્વેના સોગન જિલ્લામાંથી અહીં આવ્યો હતો. એક પ્રાચીન આઇસલૅન્ડિક ગાથા હેમસ્ક્રિંગલામાંની નોંધ મુજબ, ગ્રિમ્સીનો સૌથી પહેલો જ્ઞાત સંદર્ભ 1014નો છે.

નૉર્વેના રાજા ઓલાફુરે દોસ્તીના પ્રતીક રૂપે આ ટાપુ માગ્યો હતો, પરંતુ સ્થાનિક નેતાઓએ તેનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે અહીં પ્રચૂર પ્રમાણમાં માછલીઓ અને પક્ષીઓ હોવાને કારણે તેઓ આ મૂલ્યવાન ટાપુ છોડવા તૈયાર નથી.

આઈસલેન્ડ, યુરોપ, પ્રવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

18મી સદીના અંત સુધીમાં ન્યુમોનિયા અને માછલી પકડવા સંબંધી દુર્ઘટનાઓને કારણે ગ્રિમ્સીની વસ્તી લગભગ શૂન્યવત્ થઈ ગઈ હતી. નાનકડી નૌકાઓ, ખરાબ મોસમ અને પ્રાકૃતિક બંદર ન હોવાને કારણે અહીં ઊતરવાનું કામ જોખમી હતું. તેમ છતાં, મેઇનલૅન્ડમાંથી માછીમારોના સતત આગમન અને આઇસલૅન્ડના ઉત્તરી તટ પરના હુસાવિક નજીકની વસાહતમાં વેપાર કરવા આવેલા લોકોને કારણે અહીંનો સમુદાય ટકી રહ્યો હતો.

2009માં ગ્રિમ્સી અકુરેરી નગરપાલિકાનો હિસ્સો બન્યો હતો. તેમ છતાં ટાપુના કેટલાક સાહસિક લોકોને પોતાની વિશિષ્ટ ઓળખનો ગર્વ છે.

ગ્રિમ્સી પ્રવાસનના પ્રોજેક્ટ મૅનેજર મારિયા એચ. ટ્રિગ્વડોતિરે કહ્યું હતું, "આજે ગ્રિમ્સીની ભૂમિની માલિકી સ્થાનિક નિવાસીઓ, અકુરેરી શહેર અને આઇસલૅન્ડ સરકાર છે. તેઓ પ્રાકૃતિક ખજાના અને લવચીક સમુદાય બન્ને સ્વરૂપે ટાપુના વારસાના સંરક્ષણ માટે કામ કરે છે."

આ આકર્ષક ટાપુની મુલાકાતે આવતા અનેક લોકોની માફક ટ્રિગ્વડોતિરે પણ ગ્રિમ્સી સાથે ખાસ સંબંધ વિકસાવ્યો છે.

તેમણે કહ્યું હતું, "ગ્રિમ્સી બાબતે જે ચીજ મને સૌથી વધુ આકર્ષિત કરે છે એ તેની દૂરતા, તેની અદ્વિતીય રોશની અને અવિશ્વસનીય પક્ષીજીવન છે. હજારો સમુદ્રી પક્ષીઓથી ઘેરાયેલા રહેતા આ ઘાસવાળા ટાપુના મોટા ખડકોમાં પ્રવાસ કરવાનું પરિદૃશ્ય ખરેખર ઊંડી શાંતિની અનુભૂતિ કરાવે છે. અહીંના લોકોની ઈમાનદારી અને ઉત્સાહ પણ આવકારદાયક ઘનિષ્ઠતા સર્જે છે. અહીંનો સૂગ્રથિત સમુદાય ગ્રિમ્સીને વાસ્તવમાં સ્પેશિયલ બનાવે છે."

ટાપુ માટે એક મોટું માર્કેટિંગ ટૂલ

આઈસલેન્ડ, યુરોપ, પ્રવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Michelle Gross

પફિન્સ સિવાય આ ટાપુનું એક અન્ય પર્યટન આકર્ષણ તેની ભૌગૌલિક સ્થિતિ છે. 66°N અક્ષાંશ પર સ્થિત ગ્રિમ્સી એક નહીં, પરંતુ બબ્બે સ્થળો સાથે આર્કટિક સર્કલમાં સ્થિત આઇસલૅન્ડના એકમાત્ર હિસ્સા તરીકેના પોતાના સ્થાનને લીધે ગૌરવાન્વિત છે.

2017માં ઓર્બિસ એટ ગ્લોબસ નામના 3,447 કિલોગ્રામના કૉંક્રિટ આર્ટ ઇન્સ્ટૉલેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને કાલ્પનિક રેખાને ચિહ્નિત કરવા માટે તેને ટાપુના સૌથી ઊંચા, ઉત્તરી ભાગમાં રાખવામાં આવ્યું છે, જ્યાં આર્કટિક સર્કલ અને ગ્રિમ્સી એકમેક મળે છે.

ઇન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "તે ટાપુ માટે એક મોટું માર્કેટિંગ ટૂલ છે, પરંતુ તેને સ્થાનાંતરિત કરવાનું અશક્ય છે અને તેને સ્થાનાંતરિત કરવા માટે અમારે મેઇનલૅન્ડમાંથી ખાસ સાધનો મંગાવવા પડે. આર્કટિક સર્કલ માટે અમારી પાસે બીજું સ્મારક પણ છે. તે 1970 બાદ અહીં લાંબા સમયથી છે. હું માનું છું અને મને આશા છે કે તમને તેની મુલાકાત લેવાની તક મળી હશે."

પૃથ્વી 23.5 ડિગ્રીએ ઝૂકેલી ધરી પર ફરતી હોવાથી આર્કટિક સર્કલને અક્ષાંશ રેખા સાથે સમાયોજિત કરવા માટે સ્ફીયરને પણ દર વર્ષે સામાન્ય રીતે આશરે 14 મીટર સ્થાનાંતરિત કરવો પડે.

વર્ષના આધારે આ સ્ફીયર દક્ષિણ તરફ 130 મીટર સરકી ગયો છે. 2047માં આ ટાપુ ટેકનિકલ રીતે આર્કટિક સર્કલ અંતર્ગત નહીં આવે ત્યારે આ સ્ફીયરને એક ખડક પરથી ધક્કો મારીને કાયમ માટે સમુદ્રમાં મોકલી આપવાની યોજના છે.

'મને અધારું પરેશાન કરતું નથી'

આઈસલેન્ડ, યુરોપ, પ્રવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Michelle Gross

ગ્રિમ્સી ઉત્તરમાં છેડે આવેલું હોવાનો અર્થ એવો પણ છે કે અહીંના રહેવાસીઓને પોલર લાઇટ્સનો અનુભવ પણ થાય છે. ડિસેમ્બરની શરૂઆતથી ફેબ્રુઆરીના મધ્ય સુધીના એ સમયમાં એક આખો મહિનો આ ટાપુ અંધારામાં ડૂબેલો રહે છે.

ઇન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "મારી વાત કરું તો મને અંધારું પરેશાન કરતું નથી. એક નિશ્ચિત અવધિ પછી લોકોને તેનાથી હેરાનગતિ થાય છે, પરંતુ પ્રકાશ ફરીથી ફેલાશે તે અમે જાણીએ છીએ."

ટાપુવાસીઓએ અંધારાનો સામનો કરવા માટે જે માર્ગ અપનાવ્યો છે તે છે પોતાના પ્રકાશનું નિર્માણ કરવાનો. ઇન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "અમે ક્રિસમસ માટેની સજાવટ વહેલી શરૂ કરી દઈએ છીએ, કારણ કે અમે અંધારાને રોશન કરવા ઇચ્છીએ છીએ. અમે ક્રિસમસ લાઇટ્સ સાથે બહુ સજાવટ કરીએ છીએ. અહીં એક નાનકડું ક્રિસમસ ટાઉન હોય છે અને અમે ફેબ્રુઆરી સુધી તે સજાવટ હટાવતા નથી."

ગ્રિમ્સીના ભવિષ્યના સંદર્ભમાં ઇન્ગોલ્ફ્સડોટિરનું કહેવું છે કે આગામી ઉનાળા સુધી વિકાસની કેટલીક નવી યોજનાઓ બનાવવામાં આવી છે. તેમાં લેખકો તથા અન્ય સર્જકો માટે એક રિટ્રીટનો સમાવેશ થાય છે. તેઓ હાલનાં ઘરોમાં થોડો સમય રહેવા આવશે. મહેમાનો લાંબા સમય માટે રહી શકે એટલા માટે એ ઘરોનું પુનર્નિર્માણ કરવામાં આવશે.

અમારી યાત્રા દરમિયાન ટર્ન્સ પક્ષીઓએ અમારા પર હુમલો કર્યો ન હતો, પરંતુ ગ્રિમ્સીમાં ટૂંકા રોકાણે ત્યાંના સમુદાય પ્રત્યે અત્યંત આદર અને લાંબો સમય રહેવાય તેવી રીતે અહીં પાછા આવવાની લાગણી જરૂર સર્જી હતી.

ઇન્ગોલ્ફ્સડોટિરે કહ્યું હતું, "આ ટાપુ પર લોકો મોટા પ્રમાણમાં આવે એવું અમે ઇચ્છતા નથી. આ ટાપુ બાબતે મને ગમતી વાત એ છે કે તે અત્યંત પર્સનલ છે. વળી, અહીં કેટલા લોકો આવી શકે તેની પણ મર્યાદા છે. આ એવી બાબત છે, જેમાં ટાપુ પહેલાંથી જ સારું કામ કરી રહ્યો છે અને બહુ મોડું થઈ જાય તે પહેલાં આઇસલૅન્ડના અન્ય પ્રદેશોએ પણ તેની નોંધ લેવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.