ગુજરાતમાં દેખાતું બાજ કુળનું પક્ષી, જે 5500 કિમીનો પ્રવાસ ખેડી મણિપુરથી આફ્રિકા પહોંચ્યું

ઇમેજ સ્રોત, Devvratsinh Mori
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
બાજ કુળનું કોઈ પક્ષી કેટલું ઊડી શકે અને કેટલા સમય સુધી દરિયાપારની મુસાફરી કરી શકે? આ એક એવા પક્ષીની વાત છે જે દરિયા પર ત્રણ દિવસથી વધુ સમય સુધી ઊડતું રહ્યું અને ભારતના મણિપુરથી છેક આફ્રિકા પહોંચી ગયું.
બાજ કુળના આ પક્ષીનું નામ છે આમુર ફાલ્કન. આમુર ફાલ્કન ગુજરાતમાં પણ જોવા મળે છે. આ પક્ષીનો મુખ્ય ખોરાક છે ઊધઈ.
ભારતના ઈશાન (ઉત્તર-પૂર્વ) છેડે આવેલા મણિપુર રાજ્યના તમેન્ગલોન્ગ જિલ્લામાં ટેગ કરાયેલા બાજ કુળના એક આમુર ફાલ્કન એટલે કે આમુર શાહીન પક્ષીએ મણિપુરથી ઉડાન ભરી હતી.
બાદમાં ભારતના પશ્ચિમમાં મહારાષ્ટ્ર રાજ્ય પહોંચ્યા બાદ સતત ત્રણ દિવસ કરતાં પણ વધારે સમય સુધી દરિયા પર ઊડતું રહ્યું અને અરબ સાગર ઓળંગી આફ્રિકા ખંડના પૂર્વ કાંઠે આવેલા સોમાલિયા દેશમાં ઉતરાણ કર્યું.
તમેન્ગલોન્ગમાં 21 નવેમ્બરે શરૂ થનાર આમુર ફાલ્કન ફેસ્ટિવલ, 2024ની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આમુર ફાલ્કનના પૃથ્વીના બે ખંડને જોડતા આ લાંબા ઉડાણના સમાચાર આવ્યા હતા.
પાંચ દિવસમાં દરિયાપાર 5500 કિલોમીટરની ઉડાન

ઇમેજ સ્રોત, tamenglong forest department
તમેન્ગલોન્ગ વનવિભાગના વન અધિકારી ડીએફઓ (ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર) ખારીબામ હિટલરસિંહ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂનમાં આવેલા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા એટલે કે ભારતીય વન્યપ્રાણી સંસ્થા અને મણિપુર રાજ્ય વનવિભાગે આઠ નવેમ્બર, 2024ના રોજ મણિપુરના પશ્ચિમ ભાગમાં આવેલા તામેન્ગલોન્ગ જિલ્લાના ચિઉલુઆં ગામે એક નર આમુર શાહીનને પકડ્યું અને તેના પર ઉપગ્રહને સંકેતો (સિગ્નલ્સ) મોકલી શકે તેવું સેટેલાઇટ ટ્રાન્સમીટર ટેગ લગાવી પાછું મુક્ત કર્યું હતું.
મણિપુર વનવિભાગે આ ટેગ કરાયેલા બાજને ચિઉલુઆં ગામના નામ પરથી 'ચિઉલુઆં-2' નામ આપ્યું છે.
ભારતીય વન્યપ્રાણી સંસ્થાના ભયગ્રસ્ત પ્રજાતિઓના વ્યસ્થાપન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી રહેલા વૈજ્ઞાનિક આર. સુરેશકુમાર અને મણિપુર વનવિભાગના કર્મચારીઓ ચિઉલુઆં-2 પર લગાવેલા ટેગે ઉપગ્રહના માધ્યમથી મોકેલ સંકેતો દ્વારા આ આમુર ફાલ્કનના ઉડ્ડયન પર નજર રાખી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આર. સુરેશકુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ચિઉલુઆં-2 મણિપુરથી ઊડી પાંચ દિવસમાં આશરે 5500 કિલોમીટરનું અંતર કાપી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલા એશિયા ખંડના મણિપુરથી છેક દક્ષિણ ગોળાર્ધમાં આવેલા આફ્રિકા ખંડના સોમાલિયા દેશ પહોંચી ગયું. દરમિયાન તે મણિપુરથી બાંગ્લાદેશ વાટે મહારાષ્ટ્ર પહોંચ્યું અને મહારાષ્ટ્રથી ત્રણ દિવસ કરતાં પણ વધારે સમય સુધી અરબ સાગર પર નિરંતર ઊડતું રહ્યું.
તેઓ કહે છે, "ચિઉલુઆં-2એ મણિપુરથી તેની ટ્રાન્સ-કોન્ટિનેન્ટલ ફ્લાઇટ (પૃથ્વીના બે ભૂખંડો વચ્ચેની ઉડાન) ઉડાનની શરૂઆત 14મી નવેમ્બરે કરી હતી. બાંગ્લાદેશ પરથી પસાર થઈ પક્ષી 15 નવેમ્બરે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ઊતર્યું. ત્યાં રાતવાસો કરીને 16મી નવેમ્બરની સવારે તેણે તેની ટ્રાન્સ-ઓશનિક (સમુદ્રપારની) ફ્લાઇટની શરૂઆત કરી."
"તે સતત ત્રણ દિવસ કરતાં પણ વધારે સમય સુધી અરબ સાગર પર ઊડતું રહ્યું અને 19મી નવેમ્બરની સાંજે આફ્રિકાના સોમાલિયા દેશમાં ઉતરાણ કર્યું. ટ્રાન્સમીટરે મોકલેલા સંકેતો પરથી અમને જાણવા મળ્યું કે આ નર આમુર ફાલ્કને પાંચ દિવસ અને 17 કલાકમાં આશરે 5500 કિલોમીટરનું અંતર કાપ્યું."
આમુર ફાલ્કનનો 22000 કિલોમીટર સુધીનો વાર્ષિક ઋતુપ્રવાસ

ઇમેજ સ્રોત, tamenglong forest department
આર. સુરેશકુમાર વર્ષ 2013થી આમુર શાહીનના વાર્ષિક ઋતુપ્રવાસ પર સંશોધન કરી રહ્યા છે.
તેઓ કહે છે કે આમુર ફાલ્કન એક ઇન્ટરનેશનલ માઇગ્રેટરી સ્પીસીઝ એટલે કે એક દેશથી બીજા દેશમાં નિયમિત પ્રવાસ કરતાં યાયાવર પક્ષીની પ્રજાતિ છે અને તે ઝુંડમાં રહે છે.
તેઓ કહે છે કે શિકારી પક્ષીઓની પ્રજાતિઓમાં આમુર ફાલ્કન સૌથી લાંબો ઋતુપ્રવાસ ખેડનાર પક્ષી છે.
તેઓ કહે છે કે "ચીનના ઈશાન ભાગ અને સુદૂર-પૂર્વ રશિયામાં ફેલાયેલા અને જ્યાં આમુર નદી વહે છે તે આમુર નામનો પ્રદેશ આમુર ફાલ્કનનું બ્રીડિંગ ગ્રાઉન્ડ એટલે કે પ્રજનનઋતુ દરમિયાનનું રહેઠાણ છે. આ પક્ષીઓ દર વર્ષે એશિયાના પૂર્વ ભાગમાં ઠંડી પડવાની ચાલુ થાય એટલે ત્યાંથી દક્ષિણ તરફ જ્યાં ઠંડી ઓછી હોય તે તરફનો ઋતુપ્રવાસ આરંભે છે."
"એશિયાના દક્ષિણ ભાગમાં આવેલા ભારતમાં ટૂંકું રોકાણ કરી દરિયાપાર દક્ષિણ ગોળાર્ધમાં જ્યાં ચોમાસુ હોય છે ત્યાં વસવાટ કરવા જતા રહે છે. દક્ષિણ ગોળાર્ધમાં ચોમાસું પૂરું થાય એટલે તે ત્યાંથી ભારત વાટે તેમના પ્રજનનકાળનાં રહેઠાણો તરફ પાછાં ફરે છે."
આર. સુરેશકુમાર અને અન્ય સંશોધકોએ કેટલાંક આમુર ફાલ્કન્સના ઋતુપ્રવાસ પર સેટેલાઇટ દ્વારા નજર રાખી તેના આધારે તૈયાર કરેલા એક રિપોર્ટના પાના નંબર બે પર જણાવ્યું છે કે આમુર ફાલ્કન એક વર્ષમાં 22000 કિલોમીટર સુધીનો પ્રવાસ ખેડતા હોય છે.
આ જ રિપોર્ટના પાના નંબર 31 પર જણાવ્યા છે કે સેટેલાઇટ ટેગ પરથી જાણવા મળ્યું કે આમુર ફાલ્કન્સ તેના ઋતુપ્રવાસ દરમિયાન દરમિયાન બે ભૂખંડના વીસ કરતાં વધારે દેશમાંથી પસાર થઈ શકે છે.
આમુર શાહીન પક્ષીઓ દક્ષિણ આફ્રિકામાં ત્રણેક મહિના રોકાય છે

ઇમેજ સ્રોત, Devvratsinh Mori
બીબીસી સાથે વાત કરતા આર. સુરેશકુમારે જણાવ્યું, "આમુર ફાલ્કન ઈશાન ચીનના પોતાના બ્રીડિંગ ગ્રાઉન્ડમાંથી સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન ઊડી તેના ઓટમ માઇગ્રેશન (પાનખરઋતુનો પ્રવાસ)ની શરૂઆત કરે છે. ત્યાંથી ઊડી તે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતના નાગાલૅન્ડ અને મણિપુર રાજ્યમાં આવી જાય છે. આ રાજ્યો આ પક્ષીઓ માટે બહુ જ મહત્ત્વના સ્ટૉપ-ઓવર (પ્રવાસ-વિશ્રામસ્થળ) છે."
"અહીં તે થોડાં અઢવાડિયાં સુધી રોકાઈને થાક ઉતારે છે અને ભોજન આરોગી આગળના ઓશનિક ક્રૉસિંગ (દરિયાપાર પ્રવાસ) સહિતના ઉડાન માટે તાકાત એકઠી કરે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્ર રાજ્યના કાંઠેથી તેની દરિયાપારના આકાશની સફર ચાલુ થાય છે અને દરિયો ઓળંગી સોમાલિયામાં ઊતરે છે. સોમાલિયામાં ઊતર્યા બાદ આ પક્ષીઓ તેનો પૃથ્વીના દક્ષિણ ભાગ તરફનો પ્રવાસ આગળ વધારે છે અને લગભગ 6000 કિલોમીટરનું વધારે અંતર કાપી સામાન્ય રીતે નાતાલ સુધીમાં તેના વિન્ટરિંગ ગ્રાઉન્ડ (શિયાળાનું રહેઠાણ) દક્ષિણ આફ્રિકામાં પહોંચી જાય છે."
તેઓ વધુમાં ઉમેરે છે "પાનખર અને વસંતના પ્રવાસ દરમિયાન આ પક્ષી સમુદ્ર પર વાતા પવનના સહારે ઊડી આટલી લાંબી મુસાફરી કરે છે."
જ્યારે આ પક્ષીઓ દક્ષિણ આફ્રિકા પહોંચે છે ત્યારે ત્યાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ હોય છે અને માર્ચ મહિના સુધી ત્યાં વરસાદ પડે છે.
આર. સુરેશકુમાર જણાવે છે કે આમુર શાહીન પક્ષીઓ દક્ષિણ આફ્રિકામાં સામાન્ય રીતે ત્રણેક મહિના રોકાય છે અને માર્ચ-એપ્રિલમાં તેનો વળતો પ્રવાસ એટલે કે સ્પ્રિંગ માઇગ્રેશન (વસંતપ્રવાસ) ચાલુ કરે છે.
"સ્પ્રિંગ માઇગ્રેશન દરમિયાન આ પક્ષીઓ માટે સોમાલિયા એક સ્ટૉપ-ઓવર બને છે. ત્યાંથી અરબ સાગર ઓળંગી આ પક્ષીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર વાટે ઈશાન ભારત થઈને મે મહિના સુધીમાં તેના બ્રીડિંગ ગ્રાઉન્ડસમાં પહોંચી જાય છે."
આમુર ફાલ્કન નાગાલૅન્ડ-મણિપુરમાં કેમ રોકાય છે?

ઇમેજ સ્રોત, tamenglong forest department
તમેન્ગલોન્ગના ડીએફઓ ખારીબામ હિટલરસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આમુર ફાલ્કન્સ કીટકભક્ષી શિકારી પક્ષી છે અને લાખો આમુર ફાલ્કન્સનાં ટોળાં મણિપુરમાં એવા સમયે ઊતરી પડે છે જ્યારે રાજ્યમાં ઊધઈનો બહુ ઉપદ્રવ હોય.
તેઓ કહે છે, "ઑક્ટોબર-નવેમ્બરમાં જ્યારે આમુર ફાલ્કનનું મણિપુરમાં આવવાનું ચાલુ થાય છે ત્યારે ચોમાસું મહદંશે પૂરું થયું હોય છે અને આ દરમિયાન મણિપુરમાં ઊધઈ રાફડામાંથી બહાર નીકળવાનું ચાલુ કરે છે અને હવામાં ઊડે છે. ઊધઈ આમુર ફાલ્કનનો ખોરાક હોવાથી આ પક્ષીઓને આ સમય દરમિયાન સારી માત્રામાં ખોરાક મળી રહે છે અને તેથી તે અહીં રોકાય છે."
સંયુક્ત રાષ્ટ્ર સંઘના નેજા હેઠળ થયેલા કન્વેનશન ઑન ધ કૉન્ઝર્વેશન ઑફ માઇગ્રેટરી સ્પીસીઝ ઑફ વાઇલ્ડ ઍનિમલ્સ (સીએમએસ) એટલે કે યાયાવર વન્યપ્રાણીઓના સંવર્ધન માટેની સંધિમાં કેટલાંય રાષ્ટ્રો અને સંસ્થાઓ જોડાયેલાં છે.
સીએમએસના નેજા હેઠળ કેટલાંક રાષ્ટ્રો અને સંસ્થાઓએ એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ ઑન ધ કોન્ઝર્વેશન ઑફ માઇગ્રેટરી બર્ડઝ ઑફ પ્રે ઇન આફ્રિકા ઍન્ડ યુરેશિયા એટલે કે આફ્રિકા અને યુરેશિયાનાં યાયાવર શિકારી પક્ષીઓના સંવર્ધન માટેના સમજૂતી કરાર કરેલા છે, જેને ટૂંકમાં રેપ્ટર્સ એમઓયુ કહેવાય છે.
આ સમજૂતી કરારના ભાગીદાર રાષ્ટ્રો/સંસ્થાઓની ત્રીજી મિટિંગ 2023ના જુલાઈમાં દુબઈ ખાતે યોજાઈ હતી.
મિટિંગમાં ભારતે ઈશાન ભારતમાં આમુર ફાલ્કનના સંરક્ષણ માટે લેવાયેલાં પગલાંનો ચિતાર આપતો એક અહેવાલ રજૂ કર્યો અને તેની સાથેના બિડાણ-1ના ત્રીજા ફકરામાં જણાવ્યું કે સંશોધનથી જણાયું છે કે નાગા હિલ્સ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઊધઈના રાફડા ફાટવાની ઘટના આમુર ફાલ્કનના સ્ટૉપ-ઓવર સ્થળ નક્કી કરવાની પ્રક્રિયા પર અસર કરે છે.
તેમાં વધારે જણાવ્યું કે મણિપુરમાં આમુર ફાલ્કન જે કીટકો આરોગે છે તેમાં 88 ટકા તો ઊધઈ જ હોય છે.
તમેન્ગલોન્ગ વનવિભાગના ફેસબુક પેજ પર અપલોડ કરેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં જણાવ્યા મુજબ, મણિપુરમાં રોકાણ દરમિયાન આમુર ફાલ્કન્સ ઊધઈ, તીડ અને ખડમાંકડી આરોગે છે.
ડીએફઓ હિટલરસિંહે બીબીસીને જણાવ્યું કે "આ રીતે, આમુર ફાલ્કન જૈવિક સમતોલન જાળવી રાખવામાં બહુ મહત્ત્વની કડી છે."
જ્યારે લાખો આમુર ફાલ્કન્સનો શિકાર થતો

ઇમેજ સ્રોત, Mordecai Panmei
રેપ્ટર્સ એમઓયુના પક્ષકારોની ત્રીજી મિટિંગમાં ભારતે રજૂ કરેલા અહેવાલના બિડાણના પ્રથમ ફકરામાં જણાવાયા મુજબ, 2012 સુધી નાગાલૅન્ડ અને મણિપુર રાજ્યોમાં આમુર ફાલ્કનનો દર વર્ષે મોટા પાયે શિકાર થતો હતો.
અહેવાલમાં જણાવાયું છે: 'નાગાલૅન્ડમાં 2012ના વર્ષમાં માણસોને ખાવા માટે અંદાજે એક લાખ વીસ હજારથી એક લાખ ચાલીસ હજાર જેટલાં આમુર ફાલ્કન્સને ફસાવીને મારી નાખવામાં આવ્યાં હતાં. આ બાબતે યાયાવર બાજોને તે વિસ્તારમાં રહેલા ગંભીર ભય તરફ ધ્યાન દોર્યું.'
તમેન્ગલોન્ગ વનવિભાગની ફિલ્મમાં પણ જણાવવામાં આવ્યું છે કે 2010 અને 2015ની વચ્ચે હજારો આમુર ફાલ્કન્સનો શિકાર કરવામાં આવ્યો હતો.
પરંતુ, ત્યાર બાદ આ પક્ષીના શિકાર રોકવા નાગાલૅન્ડ અને મણિપુર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું.
2013માં નાગાલૅન્ડ સરકારના વનવિભાગ અને ભારતીય વન્યપ્રાણી સંસ્થાએ આમુર ફાલ્કન કોન્ઝર્વેશન ઇનિશિએટિવ નામનો પ્રોજેક્ટ હાથ ધરી આ પક્ષીના સંરક્ષણનાં પગલાં લીધાં.
આર. સુરેશકુમાર જણાવે છે, "તે અંતર્ગત અમે 2013માં ત્રણ અને 2016માં પાંચ આમુર ફાલ્કન્સને સેટેલાઇટ ટેગ લગાવ્યા અને તેનાથી જાણી શકાયું કે આ પક્ષીઓ નાગાલૅન્ડથી ઊડી છેક દક્ષિણ આફ્રિકા જાય છે અને ત્યાંથી પરત છેક ઈશાન ચીનમાં પરત ફરે છે. આ જાણકારીથી સ્થાનિક લોકોમાં આ પક્ષી બાબતે જાગૃતિ આવી અને લોકો શિકારના બદલે તેનું સંરક્ષણ કરવા લાગ્યા. તેમાંથી પ્રેરણા લઈને મણિપુર રાજ્યના વનવિભાગે પણ આમુર ફાલ્કન્સના સંરક્ષણ માટે પ્રયાસો હાથ ધર્યા અને અમે 2018માં બે અને 2019માં પાંચ ફાલ્કન્સને સેટેલાઇટ ટ્રાન્સમીટર લગાડ્યા."

ઇમેજ સ્રોત, Devvratsinh Mori
તેઓ વધુમાં કહે છે, "અમારું આયોજન આ પ્રવૃત્તિને 2019 પછી પણ ચાલુ રાખવાનું હતું. પરંતુ કોરોના મહામારીને કારણે તેમ ન થઈ શક્યું. હવે 2014થી આ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો છે અને આ વર્ષે એક નર અને એક માદાને ટ્રાન્સમીટર ટેગ લગાડ્યા છે."
તેઓ ઉમેરે છે કે નર પક્ષી તો સોમાલિયા પહોંચી ગયું છે, પણ માદા તો 22 નવેમ્બર સુધી મણિપુરમાં જ હતી.
પક્ષીની આ પ્રજાતિ અને પર્યાવરણમાં તેના મહત્ત્વ વિશે લોકજાગૃતિ કેળવવા મણિપુર વનવિભાગ દર વર્ષે આમુર ફાલ્કન ઉત્સવનું આયોજન કરે છે.
ખારીબામ હિટલરસિંહ જણાવે છે, "અમે 2013-14થી લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધર્યા. અમે ગામડાં અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમો કરીએ છીએ અને આ પક્ષીઓના લાંબા ઋતુપ્રવાસનું વર્ણન કરીએ છીએ. અમે જિલ્લાઓમાં આમુર ફાલ્કન નૃત્ય ઉત્સવોનું આયોજન કરીએ છીએ. અમે લોકોને સમજાવીએ છીએ કે આ પક્ષીઓ કીટકોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખે છે. સાથે સાથે સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ધારાસભ્યોએ પણ આમુર ફાલ્કન્સના શિકાર સામે ખૂબ કડકાઈ દાખવી છે. તેથી, હવે આ પક્ષીના શિકાર પર બહુધા નિયંત્રણ આવી ગયું છે અને બજારમાં તેનું ખુલ્લેઆમ વેચાણ જોવા મળતું નથી."
ગુજરાતમાં આમુર ફાલ્કન્સ પક્ષી

ઇમેજ સ્રોત, tamenglong forest department
ગુજરાતના દરિયાકાંઠાના ભાવનગર અને અમરેલી જિલ્લામાં આ વર્ષે એપ્રિલ મહિનામાં બર્ડ કોન્ઝર્વેશન સોસાયટી ઑફ ગુજરાત (ગુજરાત પક્ષી સંરક્ષણ સમાજ) નામની સંસ્થાએ આમુર ફાલ્કન વોચ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આફ્રિકાથી આમુર તરફ પાછા ફરી રહેલાં પક્ષીઓને નિહાળવા અને તેને ગણવાની કોશિશ કરી હતી.
આ સંસ્થાના સંયુક્ત સચિવ દેવવ્રતસિંહ મોરી કહે છે, "આમ તો એકલ-દોકલ આમુર ફાલ્કન્સ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં દેખાય છે. મેં તેને નળસરોવર અને કચ્છના નાના રણમાં જોયેલું છે. પરંતુ આ પક્ષીનાં ટોળાં સામાન્ય રીતે દરિયાકાંઠાના જિલ્લાઓમાં દેખાય છે. આમુર ફાલ્કન વોચ દરમિયાન અમે નક્કી કરેલાં 10 સ્થળોમાંથી ભાવનગરના મહુવા નજીકનાં બે સ્થળે અમને સારી સંખ્યામાં ઊડી રહેલાં આમુર ફાલ્કન્સ જોવાં મળેલાં અને એક જ દિવસમાં અમને 100થી વધારે આમુર ફાલ્કન્સ નજરે પડેલાં."
તમેન્ગલોન્ગના ડીએફઓ ખારીબામ હિટલરસિંહ કહે છે કે અમે ટેગ કરાયેલા આમુર ફાલ્કન્સનું નામકરણ સ્થાનિક ગામડાં અને નદીઓ પરથી કરીએ છીએ કે જેથી લોકોમાં તેમના પ્રત્યે માલિકીભાવ જાગે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













