કચ્છ: લોકસંગીતનાં લુપ્ત થતાં વાદ્યો માટે નવા કલાકારો કેવી રીતે તૈયાર કરાઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, tejas vaidya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા, કચ્છથી
જોડિયા પાવા, સુરંદો, મોરચંગ, સંતાર કે સતાર આ એવાં વાદ્યો છે જે લોકસંગીતની ધરોહર ગણાય છે. કચ્છનું લોકસંગીત આ વાદ્યોના કસબ પર જ રચાયેલું છે. કાળક્રમે આ વાદ્યોનો વપરાશ ઓછો થવા માંડ્યો અને એ લુપ્ત થવાને કાંઠે આવીને ઊભાં રહી ગયાં.
આ વાદ્યો હજી પણ એ જ કાંઠે ઊભાં છે, પરંતુ હવે ધીમે ધીમે એના પર સંજીવની છંટાઈ રહી છે અને નવજીવન મળી રહ્યું છે.
આ અહેવાલમાં આપણે એક પછી એક એ વાદ્યો વિશે વાત કરીએ.
ઘડો ગમેલો – ખેડૂતો અને મજૂરોએ સોધેલું સંગીત વાદ્ય
કચ્છના બન્ની વિસ્તારમાં ભિરંડિયારા ગામ આવેલું છે. જો તમે ભુજથી ધોરડો ગામે સફેદ રણોત્સવ જોવા જાવ તો ભિરંડિયારા વચ્ચે આવે છે. ત્યાં ભારમલ દાના રહે છે.
તેમના કુટુંબકબીલા સાથે ત્યાં રહે છે. કચ્છી ભરતકામવાળાં કપડાં વેચે છે. તે ઘડો ગમેલો વગાડે છે. ગમેલો એટલે તગારું. ઘડો ગમેલો કચ્છનું પારંપરિક લોકસંગીત વાદ્ય છે.
દાના ભારમલ બ્રાઝીલ, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ઘડો ગમેલો વગાડી આવ્યા છે. દાના ભારમલ ગાયક પણ છે. તે ભજનો અને કચ્છી કાફીઓ ગાય છે, સાથે ઘડો ગમેલો વગાડે છે.
ભિરંડિયારાના પોતાના ભૂંગામાં એટલે કે કચ્છમાં જે વર્તુળાકાર ઘર હોય છે ત્યાં બેસીને તે બીબીસીને કહે છે કે, “જેમ સંસારમાં પતિપત્નીની જોડી હોય છે એવી રીતે ઘડા ગમેલાની જોડી છે. ઘડા પર નર અને ગમેલા પર માદાનો સૂર લાગે છે. ગમેલામાં તીણો અવાજ નીકળે છે. બેઝનો અવાજ ઘડા પર આવે છે. મને નાનપણથી ઘડો ગમેલો વગાડવાનો શોખ હતો. ભજનમાં ભક્તો વગાડતા હતા તેમને સાંભળી સાંભળીને હું શીખ્યો છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, tejas vaidya
દાના ભારમલ આસપાસની શાળામાં જઈને વર્કશૉપ લઈને બાળકોને ઘડો ગમેલો વાદ્ય શીખવે છે. કચ્છમાં પ્રવાસન વિકસ્યું છે ત્યારથી સંગીતના કાર્યક્રમો વધ્યા છે, જેને પરિણામે વીસરાઈ રહેલા ઘડા ગમેલાના નવા કલાકારો પણ તૈયાર થયા છે જે હરખની વાત છે.
દાના ભારમલ કહે છે કે, “અત્યારે કચ્છમાં દશેક કલાકાર છે, અગાઉ એટલા નહોતા, હવે વધ્યા છે.”
ઘડો ગમેલો કચ્છના બન્ની પચ્છમ વિસ્તારમાં ભજનમંડળીઓમાં તાલવાદ્ય તરીકે સંગતમાં વગાડાય છે. આ વાદ્યસંગીતનાં અન્ય વાદ્યો કરતાં ઘણી રીતે અલગ પડે છે. રોજબરોજના વપરાશમાં આવતા કોઈ વાસણ જોડી તરીકે સંગીતમાં ઉપયોગમાં લેવાય એવું વિરલ આ વાદ્ય છે.
કચ્છના સંગીત માટે કાર્યરત સંસ્થા કલાવારસોના મૅનેજર-ટ્રસ્ટી ભારમલભાઈ સંચોટ બીબીસીને જણાવે છે કે, “ખેડૂતો અને મજૂરોએ આ વાદ્ય પ્રચલિત કર્યું છે. આજે પણ કચ્છમાં એ એવા વિસ્તારોમાં વધારે સંભળાય છે જ્યાં ખેડૂતો અને મજૂરો હોય. ઘડો અને ગમેલો એ બંને વાસણોને ભેગાં કરીને કોઈએ તાલ વગાડ્યો હશે જેમાંથી આ વાજિંત્ર શોધાયું હશે. ખેડૂતો અને મજૂરોએ અમલમાં લીધું હશે અને ધીમે ધીમે પ્રચલિત થયું હશે.”

ઇમેજ સ્રોત, tejas vaidya
ખેડૂતો ઘડામાં પાણી ભરે અને ગમેલામાં ભાથું લઈને જતા હોય છે. તેવી જ રીતે મજૂરો માટે પણ આ બંને હાથવગા વાસણ હોય છે. મજૂરો તગારું લઈને મજૂરી કરે છે અને બાજુમાં પીવા માટે ભરેલું માટલું હોય છે. તેથી આ મહેનતકશ લોકોનું વાજિંત્ર છે.
આ બંનેમાં ગમેલામાં તીણો અવાજ નીકળે છે. બેઝનો અવાજ ઘડા પર આવે છે. રાજસ્થાનમાં પણ જોવા મળે છે. સિંધ પ્રાન્તમાં નગરપારકર તરફ સાંભળવા મળે છે. શાસ્ત્રીય અને સુગમ સંગીતમાં પણ તાલવાદ્ય તરીકે આ વાદ્યને વિકસાવી શકાય એમ છે.
ઘડામાં તેના મોઢા પર ચામડું બાંધવામાં આવે છે અને એક હાથથી એ ચામડા પર થાપ આપતો જાય છે અને બીજા હાથથી તગારા પર તાપ આપે છે. આ બંનેના સંયોજનથી સૂર ઉત્પન્ન થાય છે. વગાડતી વખતે ચામડા પર સતત પાણી છાંટતા રહેવું પડે છે.
જોડિયા પાવા – માલધારીઓનું ચરીયાણ વખતનું વગડે વગાડાતું વાદ્ય

ઇમેજ સ્રોત, tejas vaidya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"હું નાનો હતો ત્યારે બકરા ચરાવવા જતો ત્યારથી હું જોડિયા પાવા વગાડું છું. જોડિયા પાવા માલધારીઓનું વાદ્ય છે. કચ્છમાં આજે પણ ગાયભેંસ ચરાવતાં ચરાવતાં જોડિયા પાવા વગાડતા હોય તેવા માલધારી ક્યાંકને ક્યાંક મળી જ જશે. હું ધીમે ધીમે સંગીતના કાર્યક્રમોમાં જોડિયા પાવા વગાડતો થયો. શિયાળામાં કચ્છમાં પ્રવાસીઓ આવે ત્યારે અમે કાર્યક્રમ કરીએ છીએ. કચ્છની બહાર પણ પણ કાર્યક્રમ આપવા જઈએ. ઉનાળાના દિવસોમાં હું મજૂરીએ જાઉં છું, કારણ કે ત્યારે સંગીતના કાર્યક્રમો મળતા નથી." આ શબ્દો કમલેશ જોગણિયાના છે જે જોડિયા પાવાના કચ્છી કલાકાર છે.
જોડિયા પાવા બે પ્રકારના હોય છે. એક સરખા કદના બે જોડિયા પાવા અને દોઢી જોડી જેમાં એક પાવાનું કદ થોડું નાનું હોય. જોડિયા પાવામાં એક નર હોય છે અને બીજો પાવો નારી કહેવાય છે.
બંનેમાં કલાકાર એકસાથે જ ફૂંક મારે છે, પણ નરમાં એકસરખો જ સૂર હોય છે જ્યારે કે નારીમાં અલગઅલગ સૂરાવલિ વહે છે.
એકલી વાંસળી અને જોડિયા પાવા વગાડવામાં પાયાનો ફરક એ છે કે સાદી વાંસળી વગાડતી વખતે તેમાં વચ્ચે વચ્ચે પોરો ખાઈ શકાય છે, જ્યારે કે જોડિયા પાવામાં નિરંતર ફૂંક મારતા રહેવું પડે છે.
ભારમલ સંચોટ કહે છે કે, “80-90ના દાયકામાં કચ્છમાં જોડિયા પાવાના બેથી ત્રણ કલાકાર હતા, હવે દશથી બાર કલાકાર છે. કચ્છના લોકગીત અને કાફીમાં સૂર માટે સૌથી વધુ જોડિયા પાવાનો સહારો લેવામાં આવે છે.”
જોડિયા પાવા સાથે ઢોલક, ઘડો ગમેલો, તબલા, સંતાર વગેરે વાદ્યો સાથે સંગતમાં વાગે છે. કચ્છ ઉપરાંત પંજાબી, રાજસ્થાની, પાકિસ્તાનમાં સિંધ તેમજ બલૂચિસ્તાન વગેરેમાં લોકકલાકારો જોડિયા પાવા વગાડે છે.
પ્રીત ના કરશો કોઈ એવી એક ગુજરાતી ફિલ્મ 1985માં રજૂ થઈ હતી. જેમાં મહેશ-નરેશના સંગીતમાં અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેએ "જોડિયા પાવાવાળા...." ગીત ગાયું છે.
1977માં મનનો માણિગર ફિલ્મમાં અવિનાશ વ્યાસના સંગીતમાં ફિલ્મ રજૂ થઈ હતી, જેમાં એક ગીત હતું, જોડિયા પાવા વાગે જુવાન તારા, જોડિયા પાવા વાગે.
ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવેએ ગાયેલા આ ગીતમાં ઉપેન્દ્ર ત્રિવેદી બળદગાડા પર જોડિયા પાવા વગાડતા આવે છે અને સ્નેહલતા દોડતી આવે છે.
ટૂંકમાં જોડિયા પાવા જેવું વાદ્ય એકસમયે કદાચ ગુજરાતી લોકસંગીતમાં સ્થાન ધરાવતું હતું અને પછી અલોપ થઈ ગયું. કાળાંતર વર્ષોથી જોડિયા પાવા કચ્છના લોકસંગીતનું અંગ છે.
મોરચંગ– જેની સૂરાવલિથી ઊંટ તાલબદ્ધ ચાલવા માંડે

ઇમેજ સ્રોત, tejas vaidya
કચ્છથી માંડીને રાજસ્થાન અને પાકિસ્તાનના સિંધના રેતાળ પ્રદેશમાં મોરચંગના સૂર રેલાય છે. તેને ચંગ પણ કહે છે.
રાજસ્થાન, પંજાબ, બંગાળ, કેરળ, આસામ તેમજ દક્ષિણ ભારતના સંગીતમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઑસ્ટ્રિયા, નેપાળ, કમ્બોડિયા, તુર્કી વગેરે દેશોના સંગીતમાં પણ ચંગ સાંભળવા મળે છે.
ચંગ લોખંડ અથવા પિત્તળનું બનેલું હોય છે. વિવિધ દેશમાં તેનાં નામ અને આકાર અલગઅલગ હોય છે. ગુજરાતમાં સૌથી વધુ કચ્છના લોકસંગીતમાં તેનો ઉપયોગ થાય છે.
મોરના આકાર જેવું છે તેથી તેનું નામ મોરચંગ પડ્યું છે. કચ્છી લોકગીતો અને સૂફીકાફી સાથે વગાડવામાં આવે છે. હવે તો ફ્યુઝોં મ્યુઝિકમાં અવનવાં મૉડર્ન વાદ્યો સાથે પણ તે વગાડાય છે. મૂળે માલધારી લોકોનું વાદ્ય છે. કચ્છમાં માલધારી લોકો પોતાનાં ઢોર જંગલમાં લઈને જતાં ત્યારે મોરચંગ વગાડતા હતા.
કચ્છના બન્નીમાં વસતા ખેરાજ મારવાડા મોરચંગ વગાડે છે અને કાર્યક્રમો પણ આપે છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “હું આઠેક વર્ષથી મોરચંગ વગાડું છું. પહેલાં શોખથી વગાડતો હતો. મારી પડખેના ગામમાં સામત સાજન પઠાણ હતા તેમને મોરચંગ વગાડતા સાંભળ્યા એ પછી સોશિયલ મીડિયા યૂટ્યૂબમાં પણ સાંભળ્યું એ પછી શોખ પ્રત્યે ગંભીર થયો. હવે તો મોરચંગના કાર્યક્રમ પણ આપું છું. ગુજરાતનાં વિવિધ શહેરોમાં તેમજ મુંબઈ, દિલ્હી વગેરે શહેરોમાં ગયો છું.”
મોરચંગ દાંતની બે હાર વચ્ચે ગોઠવીને હોઠ પાસે તેના તાર ઝંકૃત કરીને વગાડવામાં આવે છે. તાર હલે છે ત્યારે શ્વાસ અંદર-બહાર લઈને તેમાંથી સૂરાવલિ પેદા થાય છે.
ખેરાજ કહે છે કે, “મોરચંગ એટલું નાનું વાદ્ય છે કે ગજવામાં આવી જાય. ક્યારેક તો એવું થાય કે હું કાર્યક્રમ આપીને સ્ટેજ પરથી નીચે ઊતરું તો દર્શકો કહે કે અમને અવાજ તો સંભળાયો પણ તમે વગાડતા હતા તે ક્યાંય દેખાયું નહીં?”
ભારમલ સંચોટ કહે છે કે, મોરચંગની વિશેષતા એ છે કે તે સૂર પણ આપે છે અને તાલ પણ આપે છે. સિત્તેરના દાયકામાં કચ્છમાં માત્ર બે કલાકાર આવે હતા કે જેઓ મોરચંગના સંગીત કાર્યક્રમોમાં કલાકાર તરીકે જતા હતા. એ સિવાય ગામની ભાગોળે ઢોર ચરાવતાં ચરાવતાં મોરચંગ વગાડતા હોય એવા ગોવાળિયા તો ઘણા હતા.
છેલ્લાં પંદરેક વર્ષમાં આ વાદ્ય બાબતે સભાનતા વધી છે, જે લોકો નિજાનંદ માટે જ વગાડતા હતા તેઓ કાર્યક્રમ તરફ વળ્યા છે. તેઓ અન્ય વાદ્યો સાથે સંગત કરીને કાર્યક્રમ આપતા થયા છે. તેથી મોરચંગ વગાડનારા ધીમે ધીમે વધી રહ્યા છે જે કચ્છી લોકસંગીત માટે આનંદની ઘટના છે.
ખેરાજ એક રસપ્રદ વાત કહે છે કે, “ઊંટને ચરાવનારા વગડા જંગલમાં જતા એમાં જે ચાલ પર ઊંટ ચાલે એવી રીતે મોરચંગ વગાડવામાં આવતું હતું. એ મોરચંગ પર જે ધૂન વગાડતા તેને ઊંટની હુંકાર કહેવાતી. જે ધણાર હોય તે મોરચંગમાં જે રીતે ધૂન વગાડે તે રીતે જ ઊંટ પગલાં ભરે એવી તાલબદ્ધતા ઊંટ અને મોરચંગ વચ્ચે ગોઠવાતી હતી.”
સુરંદો – કચ્છમાં હવે માત્ર એક જ કલાકાર બચ્યા છે

ઇમેજ સ્રોત, tejas vaidya
કચ્છમાં અબડાસાથી આગળ જાવ તો વાગડ વિસ્તાર આવે છે. ત્યાં ઊંચા ટેકરા પર ઝૂંપડાની હારમાંથી ક્યારેક સાંજે સુરંદાના સૂરો લહેરાય છે.
જો તમે ઉપર પહોંચો તો ઓસમાણ જત સુરંદો વગાડતા જોવા મળે. જોકે, આ દૃશ્ય રોજેરોજ જોવા નથી મળતું, કેમ કે ઓસમાણ જત ટ્રક ડ્રાઇવર છે.
તેઓ સુરંદો વગાડે ત્યારે નહીં પણ ટ્રક ચલાવે છે ત્યારે તેમનું અને પરિવારનું પેટ ભરાય છે.
કચ્છમાં સુરંદો વગાડનારા માત્ર એક જ કલાકાર ઓસમાણ જત બચ્યા છે. તેમની પાસે જે સુરંદો છે તે દોઢસો વર્ષ જૂનો છે, જે તેમના દાદાનો છે.
પરંપરાગત રીતે તેમના પરિવારમાં સુરંદો વગાડાય છે. ઓસમાણ જત ઇચ્છે છે કે તેઓ સુરંદો વગાડનારા અન્ય કલાકારો કચ્છમાં તૈયાર કરે, પણ ટ્રક ચલાવનારા આજે એક ગામ હોય તો કાલે બીજા શહેર હોય છે. એમાં સુરંદો શીખવી ન શકાય.
ખાટલો ઢાળીને બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “મને જો સરકાર કે સંસ્થા મહિને પગાર બાંધી દેતી હોય તો હું ટ્રક છોડીને સુરંદો બાળકોને શીખવવા માંડુ.”
સુરંદો બલૂચિસ્તાન-સિંધમાં દાયકાઓથી વગાડાય છે. કચ્છમાં પણ બલૂચિસ્તાનથી જ આવ્યો હોવાની ભાળ મળે છે. કચ્છમાં ખાસ તો ફકીરાણી જત સમુદાયના લોકો આ વાદ્ય વગાડે છે.
ભારમલ સંચોટ કહે છે કે, “ફકીરાણી જત સમુદાયના લોકો બલૂચિસ્તાનથી આ વાદ્ય કચ્છમાં લાવ્યા હતા. કચ્છી કાફી સુરંદાની સંગતમાં ગવાય છે.”

ઇમેજ સ્રોત, tejas vaidya
કચ્છમાં સુરંદો વગાડનારા બે ખ્યાત કલાકારો હતા. સિદ્દીક મીઠા જત અને સોનુ સાણ જત. આ બંને હવે હયાત નથી. ઓસમાણ જત સોનુ સાણ જતના પુત્ર છે.
તેઓ જણાવે છે કે, “અત્યારે મારી ઉંમર 48 વર્ષ છે. મારા બાપુજીએ મને કહ્યું કે સુરંદો આપણું ખાનદાની પરંપરાનું વાદ્ય છે. તું પણ શીખ. હું અઢાર વર્ષનો હતો ત્યારથી સુરંદો વગાડું છું. સુરંદો માલધારીઓનું વાદ્ય છે. દિવસમાં માલઢોર ચરાવે અને આથમતી સાંજે કે રાતે સુરંદો વગાડે. અગાઉ મારા વડવાઓ પરિવારના અન્ય લોકોને એટલા માટે શીખવાડી શક્યા કે અમારું ઘર પશુપાલન પર નભતું હતું. હવે અમે તો ટ્રક ચલાવીએ છીએ, ઘરે હોઈએ તો બેસીને કોઈને શીખવી શકીએ ને? ટ્રક ન ચલાવીએ તો ઘર ન ચાલે.”
રાજસ્થાનમાં પણ સુરંદોના છૂટાછવાયા કલાકાર છે. લાકડા અને ચામડાનું વાદ્ય સુરંદો દેખાવે થોડું સારંગીને મળતું આવે, પણ બંનેના સૂર અલગ હોય છે.
ઓસમાણ જત કહે છે કે, “સારંગીમાં ત્રણ તાર હોય છે, સુરંદામાં પાંચ તાર હોય છે. સુરંદામાં એક તાર પિત્તળનો હોય છે અને બાકીના લોખંડના હોય છે. એના તાર પર લાકડી જેવું જે ગજ ફેરવીને સૂર પ્રકટાવવામાં આવે છે એ ગજ પર ઘોડાના વાળ હોય છે. ગજ સુરંદાના તાર પર ઘસાય ત્યારે સૂર નિષ્પન્ન થાય છે.”
ઓસમાણ જત, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા, ગોવા તેમજ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં સુરંદો વગાડી આવ્યા છે.
સુરંદો કચ્છમાં વીસરાઈ રહેલું વાદ્ય છે. આશા રાખીએ કે ઓસમાણ જત તેમના શાગીર્દો તૈયાર કરી શકે એટલાં ફદિયાં (પૈસા) અને ફુરસદ તેમને મળી રહે.
સંતાર– કચ્છ, રાજસ્થાન અને સિંધ (પાકિસ્તાન)માં સંભળાતું વાદ્ય

ઇમેજ સ્રોત, tejas vaidya
એક સમયે કાઠિયાવાડી લોકસંગીતમાં જોવા મળતું વાદ્ય સંતાર કે સતાર હવે ડાયરામાં ખાસ જોવા નથી મળતું. જોકે, કચ્છમાં સંતાર લોકસંગીતમાં ખાસ્સું સંભળાય છે.
કાઠિયાવાડી ડાયરાઓમાં કાનજી ભુટ્ટા બારોટ સંતાર સાથે પ્રસંગો અને લોકગીતોની રજૂઆત કરતા હતા. સંતાર ગાયન પરંપરા સાથે સંગતમાં જોવા મળતું વાદ્ય છે.
કચ્છ ઉપરાંત રાજસ્થાન વગેરેમાં પણ સંતાર લોકસંગીતમાં સાંભળવા મળે છે. પાકિસ્તાન સિંધમાં થરપારકર, બદીન ખાસ, મીરપુરમાં સંતાર સાંભળવા મળે છે.
કચ્છના બન્ની પચ્છમ, અબડાસા, વાગડ-ખદીર, લખપત જેવા વિસ્તારોમાં ભજન, આરાધીવાણી, સૂફી કલામમાં સંતારના સૂર રેલાય છે. ક્યાંક મરસિયામાં પણ સંતારના સૂર રેલાય છે.
કચ્છના ખદીરના રતનપર ગામે વસતા નામેરીભાઈ પરમાર સંતાર વગાડે છે અને સાથે ગાય છે.
ખદીર પાસેના સફેદ રણ પાસે ચાલતાં ચાલતાં તેઓ બીબીસીને જણાવે છે કે, “હું નાનપણથી જ સંતાર વગાડું છું. મારા બાપદાદા પણ વગાડતા હતા. પહેલાં માત્ર શોખથી વગાડતો હતો. છેલ્લાં દશેક વર્ષથી સંગીતના કાર્યક્રમોમાં પણ સંતાર વગાડું છું. મારો પૌત્ર પણ શીખે છે તેથી અમારો વારસો જળવાઈ રહેશે.”
નામેરીભાઈએ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા વગેરે શહેરોમાં જઈને સંતારના કચ્છી સૂર રેલાવ્યા છે.
તેઓ ઇચ્છે છે કે સંતાર બાળકો શીખે જેથી કચ્છની સંતાર પરંપરા જળવાઈ રહે. એ માટે તેઓ કલાવારસો સંસ્થાના સહકારથી વિવિધ સ્કૂલોમાં સંતાર વગાડવાના વર્કશૉપ પણ કરે છે.
નામેરીભાઈ કહે છે કે, “હું શાળામાં વર્કશૉપ માટે જાઉં ત્યારે જોઉં છું કે બાળકોને શીખવાનો ખૂબ ઉત્સાહ છે. તેથી નવી પેઢીને પણ સંતાર જેવા વાજિંત્રમાં રસ છે તે હું ખાતરીપૂર્વક કહું છું.”
કચ્છમાં સંતારના કલાકારોનું ચિત્ર અન્ય વાદ્યોના કલાકારો કરતાં થોડું ઊજળું છે. તેના વગાડનારા કચ્છનાં ઘણાં ગામમાં છે.
ભારમલ સંચોટ કહે છે કે, “સંતાર વગાડનારા મોટે ભાગે ગાતા પણ હોય છે. સંતાર પર ગાનારા ક્યારેય પુસ્તકો સામે રાખીને નથી ગાતા. એ સાંભળતા સાંભળતા ગાતા જવાની પરંપરા છે.
કચ્છ, રાજસ્થાન અને સિંધ (પાકિસ્તાન)ની સરહદ પર જે લોકો વસે છે તેમના સંગીતમાં અને વાદ્યોમાં ઘણી સમાનતા છે. સંતાર પણ એમાંનું જ એક વાદ્ય છે.”
કચ્છનું લોકસંગીત જાણે વગડાનું ફૂલ

ઇમેજ સ્રોત, tejas vaidya
વગડાનું ફૂલ એટલે એવા ફૂલ કે જે ગામથી દૂર ટેકરીએ કે પાદરે ઊગે અને કરમાઈ જાય. તેને ન તો ગુલદસ્તામાં સ્થાન મળે કે ન મંદિર–મસ્જિદમાં.
જોકે, એને એ સ્થાન ન મળે તો પણ એને લીધે એ ફૂલનું સૌદર્ય કે સુગંધ તો ઓછાં થઈ જતાં નથી. ઝવેરચંદ મેઘાણીએ આ વાત કહી હતી.
કચ્છમાં ભોરિંદો કે સુંદરી જેવાં વાદ્યો વગાડનારા હવે જોવા મળતા નથી. લોકસંગીતનાં કેટલાંય વાદ્યો મજૂરો, ખેડૂતો કે પશુ ચરાવનારા માલધારીઓમાંથી આવ્યાં છે.
લોકવાદ્યો વગાડનારા બે પ્રકારના લોકો છે. એક, જે નિજાનંદ માટે વગાડે છે, પછી તે પશુને ચરાવતા ચરાવતા મોરચંગ વગાડતો માલધારી હોય કે સાંજે પરવારીને ભજનમંડળીમાં ઘડો ગમેલો વગાડતો મજૂર હોય.
બીજો વર્ગ એવા લોકોનો છે કે જે વિવિધ કાર્યક્રમમાં આ વાદ્યો વગાડે છે. જે બીજો વર્ગ છે તેને તો કલાકાર તરીકે નામના અને દરજ્જો મળ્યાં છે પણ પ્રથમ વર્ગના લોકોને નિજાનંદી વગાડનારાને કલાકાર ગણવામાં નથી આવતા.
વિડંબના એ છે કે તેમને એ દરજ્જો ત્યારે મળે છે જ્યારે તેઓ જાહેર કાર્યક્રમ આપતા થાય છે.
ભારમલ સંચોટ કહે છે કે, "આ વાદ્યો એવાં છે કે એના વગાડનારા કોઈ વિધિવત્ સંગીતકારો કે વાદ્યકારો નહોતા. તે વગાડનારા કોઈ કાર્યક્રમ કરતા કલાકારો નહોતા. તેથી ગામમાં કોઈને જઈને પૂછો કે મોરચંગ વગાડનારો ભાઈ ક્યાં છે? તો કોઈને એ ખબર ન હોય, પણ તેમને પૂછો કે પાદરે ભેંસ ચરાવનાર ભીખો ક્યાં છે તો બધા તેમનું ઘર બતાવી દે."
"પછી તેમને પૂછો કે તે મોરચંગ વગાડે છે? તો ગામના બધા ‘હા’ કહેશે. તેથી આ વાદ્યો દ્વારા તેમની કોઈ કલાકારી ઓળખ ઊભી નહોતી થઈ અને એના માટે તેઓ વગાડતા પણ નહોતા. તેઓ નિજાનંદ માટે જ વગાડતા હતા. તેઓ વગડાનાં ફૂલ જેવા છે. આવાં ફૂલ ઘણાં છે."

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA
કચ્છની કલાવારસો સંસ્થાએ તેમને કલાકાર તરીકે રજૂ કરવાની પહેલ કરી છે. છેલ્લાં દશેક વર્ષથી છુપાં રતન જેવા કલાકારોને વીણીને તેમને મંચ આપવાનું કામ કરે છે.
સંસ્થાના મૅનેજર–ટ્રસ્ટી ભારમલ સંચોટ કહે છે કે, “2012માં અમે કલાવારસો સંસ્થાની રચના કરી હતી. જેમાં કચ્છના કલાકારો અને સંગીત પ્રેમીઓએ ભેગા કરીને આ કામ કર્યું. સાત કલાકારોથી શરૂ થયેલી આ સંસ્થાએ છેલ્લાં દશ વર્ષમાં 472 કલાકારો સાથે કામ કર્યું છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં યોજાતા લોકસંગીતના કાર્યક્રમો કે જેને રેયાણ કહે છે એમાં કલાકારોને તક આપી છે."
"અમે રિયાઝ શાળા શરૂ કરી છે, જેમાં કલાકારો રિયાઝ કરી શકે છે. જે લોકો શોખથી વગાડતા હતા તેમને પ્રોફેશનલ તાલીમની જરૂર હોય તો એ આપીએ છીએ. જે સ્થાનિક ગાયકો હોય કે જેઓ કોઈ જુનવાણી ગીત ગાતા હોય તો તેમનું ઑડિયો વીડિયો દસ્તાવેજીકરણ અમે કર્યું છે. જે લોકો ગામના પાદરે પશુઓની વચ્ચે જ ગાતા હતા તેઓ દેશવિદેશમાં કાર્યક્રમ આપતા થયા છે."
તેઓ કહે છે, "ખાસ કરીને અમે કચ્છની વિવિધ શાળાઓમાં સંતાર, ઘડો ગમેલો, મોરચંગ વગેરે વાદ્યો સાથે કલાકારોની વર્કશૉપ કરીએ છીએ. જેમાં કચ્છનાં રસ ધરાવતાં બાળકો આ ધરતીના લોકસંગીત પ્રત્યે કેળવાય છે. ભવિષ્યમાં એમાંથી પણ કલાકારો બહાર આવશે અને એ રીતે આ વાદ્યો વીસરાશે નહીં, વારસો આગળ વધશે."
રણોત્સવને લીધે લોકસંગીતને પ્લૅટફૉર્મ મળ્યું, પણ...

ઇમેજ સ્રોત, tejas vaidya
કચ્છમાં 2005થી ધોરડો ખાતે રણોત્સવ શરૂ થયો હતો ત્યારથી કચ્છમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊમટે છે.
સફેદ રણમાં કચ્છના કલાકારો પરંપરાગત વાદ્યો સાથે સંગીત પીરસે છે. એ રીતે કચ્છના લોકસંગીત અને વાદ્યોને મંચ મળ્યો છે. કલાકારો બે પાંદડે થયા છે. પ્રવાસન વિકસ્યું હોવાથી દેશવિદેશના લોકો કચ્છના સંગીત અને વાદ્યોને ઓળખતા થયા છે.
જોકે, ભારમલ સંચોટની રાય થોડી અલગ છે. તેઓ કહે છે કે, પ્રવાસનને લીધે કલાકારોને કાર્યક્રમ મળતા થયા એ ખરું, પણ આ કાર્યક્રમોમાં તેમને ‘શો કેસ’ તરીકે બેસાડી દેવામાં આવે છે. સ્થાનિક કલાકારને કલાકાર તરીકેનું આદર-સન્માન મળતાં નથી.
તેમણે ઉમેર્યું કે રણોત્સવ જેવા કાર્યક્રમમાં અમદાવાદથી આવતા કોઈ સરેરાશ ગાયકને જેટલું માનસન્માન અને સ્ટેજ મળે છે તેટલાં માનસન્માન-અકરામ કચ્છના કલાકારોને નથી મળતાં. તેમને ‘સાઈડ આર્ટિસ્ટ’ તરીકે જ સ્થાન મળે છે એ દુખની વાત છે.












