હેમુ ગઢવી : ગુજરાતી લોકગાયક જેમનાં ગીતોથી ચાહકોની સવાર પડતી પણ તેમને ડાયરા નહોતા કરવા

હેમુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, હેમુ ગઢવી
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતી લોકસંગીતમાં હાલ જેમ આદિત્ય ગઢવી, કિંજલ દવે, કિર્તિદાન ગઢવી, જિગરદાન ગઢવી, ગીતા રબારી જેવા કલાકારો ગુજરાતની યુવાપેઢીને તેમનાં ગીત-સંગીતથી હિલ્લોળે ચઢાવે છે. પરંતુ આ યુવાપેઢીનાં માતા-પિતા અને દાદાના સમયમાં અત્યારના જેવી ટેકનૉલૉજી અને સાધનો વિના પણ ગુજરાતી લોકગીતોને ઘર-ઘરમાં ગૂંજતા અને ગવાતાં કરનારા ગાયક હેમુ ગઢવીના નામ અને કામથી ખૂબ ઓછા ગુજરાતી યુવાનો વાકેફ હશે.

હાલનાં ગુજરાતી ગીત-સંગીતના કલાકારો દ્વારા ગવાતાં ગીતો જેવા કે, અમે મૈયારા રે ગોકુળ ગામનાં..., ખમ્મા મારા નંદજીના લાલ.... વગેરેને પહેલવહેલા રેકર્ડ કરીને રેડિયો પર પ્રસારિત કરનારા કલાકારોમાં હેમુ ગઢવી અગ્રેસર હતા.

જેમ ઝવેરચંદ મેઘાણીને ગુજરાતની લોકકથાઓ અને ગીતોનાં લેખિત સંકલન અને સંપાદન માટે પાયારૂપ ગણવામાં આવે છે.

તેવી જ રીતે સૌરાષ્ટ્રનાં દૂરનાં ગામડાંઓમાં બહેન-દીકરીઓનાં કંઠેથી નીતરતાં ગીતોને પોતાના સ્વરમાં રેકર્ડ કરીને સમગ્ર ગુજરાતના ઘર-ઘરમાં પહોંચાડવામાં હેમુ ગઢવીનું પ્રદાન ખૂબ જ મોટું હતું.

જોકે આશ્ચર્ય થાય એવી વાત છે કે ઘરમાં જ દાદા પાસેથી જ ડાયરા અને લોકસંગીતની સમજ કેળવનારા હેમુભાઈને ગાયક પણ નહોતું બનવું અને ડાયરા પણ નહોતા કરવા.

હેમુ ગઢવીને લોકસંગીત તરફ જવાની ઇચ્છા કેમ નહોતી?

હેમુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, હેમુ ગઢવી

રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ દૈનિકના તંત્રી જ્વલંત છાયાએ ‘હેમુ ગઢવી’ શિર્ષકથી એક પરિચય પુસ્તિકા લખી છે. તેમાં હેમુભાઈના જીવનની રસપ્રદ વિગતો તે પુસ્તિકામાં છે.

જ્વલંતભાઈએ એ પુસ્તિકામાં નોંધ્યું છે કે તેમના દાદાને ડાયરામાં જવાનું થતું. તેથી દાદા હેમુભાઈને કહેતા પણ ખરા કે “મારી સાથે ડાયરામાં આવીને ક્યારેક ગાવાનું રાખ.”

હેમુભાઈ એક વખત દાદાની સાથે ડાયરામાં ગયા. મોટા કલાકારોને પડકારા સાથે ડાયરો જમાવતા જોઈને નાની ઉંમરના હેમુભાઈ કંઈ બોલી જ શક્યા નહોતા. તેમના દાદાને થયું કે હેમુભાઈમાં કળા તો છે પણ તેમને થોડા કેળવવા પડશે.

કલા કોઈ વ્યક્તિના જીવનને વળાંક આપે એવું તો જોવા મળે જ છે, પણ માધ્યમ (મીડિયમ) પણ જીવનને અનોખો વળાંક આપી શકે છે એ હેમુ ગઢવીના જીવનમાં જોવા મળે છે.

હેમુભાઈના જીવનમાં રેડિયોના માધ્યમે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હેમુભાઈ નાનપણથી જ સારું ગાતા હતા. પણ તેઓ લોકગાયક કે લોકસંગીતકાર તરીકે ઓળખાયા તે પહેલાં તેમનો પાયો નંખાયો રંગભૂમિ પર એટલે કે નાટકોથી.

હેમુ ગઢવીએ 14 વર્ષની વયે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને કિશોરવયે નાટ્યમંડળી સાથે મોકલવામાં આવ્યા હતા. એ સમયે પરિવારે મન કઠણ કરીને તેમને એ ક્ષેત્રમાં મોકલ્યા હતા.

તેમને તો નાટકોમાં જ સોરવતું હતું. જો તેમણે રેડિયોમાં કામ કરવાનો નિર્ણય ન કર્યો હોત તો તેઓ કદાચ નાટકો જ કરતા હોત.

17 – 18 વર્ષના થયા ત્યાં સુધી તેમને અંદાજ નહોતો કે તેઓ ગુજરાતી લોકસંગીતના એવા ગાયક બનશે કે ગુજરાત અને ગુજરાતીઓની પેઢીઓ તેમને યાદ રાખશે.

જ્યારે હેમુભાઈનાં ગીતોથી ગુજરાતી સંગીતચાહકોની સવાર થતી

હેમુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, હેમુ ગઢવી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોબાઇલ ફોન, યૂટ્યુબ અને એફએમ રેડિયોના સમયકાળમાં ગુજરાતી લોકસંગીતના ચાહકોને મનગમતાં કલાકારો અને મનપસંદ ગીતો સાંભળવા હવે રાહ નથી જોવી પડતી, મોબાઇલ ઉઠાવ્યો અને ગીત શરૂ. પણ એક સમય એવોય હતો કે ગુજરાતી લોકસંગીત સાંભળવા માટે ચોક્કસ સમયે રેડિયો ચાલુ કરી દેવો પડતો.

સવાર થઈ રહી હોય અને આછું આછું અજવાળું પથરાતું હોય, ત્યારે કોઈક ઘરમાં હળવેકથી રેડિયો શરૂ થાય. થોડી ઘરઘરાટી સાથે સ્ટેશન મેળવાય. ઘરઘરાટી વચ્ચે અચાનક ગીત સ્પષ્ટ સંભળાવા માંડે એ ગીતમાં ખપ પૂરતાં વાજિંત્રોની સૂરાવલીઓ સાથે પુરુષ ગાયકનો ગામઠી ખરજનો મધુર અવાજ સંભળાય. એ અવાજ રહેતો હેમુ ગઢવીનો.

અમે મૈયારા રે ગોકુળ ગામનાં...,ખમ્મા મારા નંદજીનાં લાલ..., મોરબીની વાણિયણ... જેવાં ગીતોમાં તેમની સાથે સૂર પુરાવતાં હોય દીનાબહેન ગાંધર્વ, પુષ્પાબહેન છાયા અને અન્ય કલાકારો.

હેમુભાઈએ પોતાના સૂરિલા અવાજમાં રાસ, રાસડો, હાલરડાં, ભજન, લોકવાર્તા હોય કે દેવતાઓની સ્તુતિ, દુહા, છંદ કે પછી નાટકો રજૂ કરીને રેડિયો અને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર માટેનો એક મોટો ચાહકવર્ગ ઊભો કરી દીધો હતો.

60થી શરૂ કરીને 90ના દાયકા સુધી ગુજરાતમાં કેટલાંય ઘરોની સવાર રેડિયોમાં સાંભળવા મળતા હેમુ ગઢવી અને તેમના સાથી કલાકારોનાં ગીતોથી પડતી હતી.

હેમુભાઈને રેડિયોમાં લાવનારા આકાશવાણીના અધિકારી ચંદ્રકાંત ભટ્ટે તેમનાં સંભારણાં વહેંચતા કહ્યું હતું, “હેમુભાઈને આકાશવાણી ફળ્યું, અને આકાશવાણીને હેમુભાઈ ફળ્યા હતા.”

કિશોરવયે હેમુભાઈએ નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવ્યાં હતાં

હેમુ ગઢવી તેમના પત્ની સાથે

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, હેમુ ગઢવી તેમનાં પત્ની સાથે

૧૪ વર્ષની વયે હેમુભાઈએ પ્રથમ વખત મોરલીધર નામના નાટકમાં કામ કર્યું હતું. કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. રંગભૂમિમાં જે કિશોર વયના છોકરાઓ પદાર્પણ કરતાં તેમને ઘણેખરે સ્ત્રીપાત્રો ભજવવાના આવતા હતા. કારણકે, એ વખતે મહિલાઓ નાટકમાં અભિનય કરતી નહોતી.

ગુજરાતના દિગ્ગજ નાટ્યકાર ચં.ચી.મહેતા તો સ્ત્રીપાત્રો ભજવીને અમર થઈ ગયા.

મરાઠી નાટ્યકર્મી બાલગંધર્વ પણ આવા જ એક કલાકાર થઈ ગયા. નાનપણમાં સ્ત્રીપાત્રો કરતા ત્યારે હેમુભાઈનું તખ્તાનું નામ માસ્ટર હિમ્મત હતું.

જાહલની ચિટ્ઠી, રાણકદેવી, ભાવના બી.એ. વગેરે નાટકોમાં અભિનય કર્યો હતો. ઝાંસીની રાણી નાટકમાં તેઓ સાચો ઘોડો લઇને મંચ પર એન્ટ્રી લેતા હતા. હેમુ ગઢવી અને મિત્રોએ મળીને રજની કળામંડળ નામની એક નાટક કંપની પણ તૈયાર કરી હતી.

જાહલની ચીટ્ઠીનો એક સરસ પ્રસંગ હેમુભાઈના દીકરા અને લોકગાયક બિહારી હેમુ ગઢવી બીબીસી ગુજરાતી સાથે વાગોળે છે.

બિહારીભાઈ કહે છે કે, “જાહલની ચીટ્ઠી નાટક લઇને મંડળી જામજોધપુર પાસેના ગામમાં ગઈ હતી. જેમાં હેમુભાઈ જાહલનું પાત્ર ભજવતા હતા. તેમનું જાહલનું જે કોશ્ચ્યુમ હતો તે ખૂબ વપરાવાથી જૂનો થઈ ગયો હતો. એ ગામમાં આહિરોની વસ્તી મોટી હતી. ગામલોકોએ કહ્યું કે જાહલનું પાત્ર ભજવતા હો તો અમારી દીકરીના આહીરના પરંપરાગત પોશાક છે જ. તેથી એક આહિર પરિવારમાંથી ખાસ કોશ્ચુમ મોકલવામાં આવ્યો હતો."

"એ પહેરીને તેમણે જાહલનું પાત્ર ભજવ્યા પછી જ્યારે પરિવારને કોશ્ચ્યુમ પરત કરવામાં આવ્યો એ પછી ઘરના મંદિરમાં પૂજા તરીકે મૂકી રાખ્યો હતો. પરિવારનું કહેવું હતું કે આ તો જાહલનો પોશાક છે, એ હવે બીજા કોઈ ન પહેરી શકે.”

કલાકારની મૂડી તેની સંવેદનશીલતા હોય છે. હેમુભાઈ જો લોકસંગીત તરફ ન ઢળ્યા હોત તો પણ નાટકના ગુણીયલ કલાકાર તરીકે તેમની નામના હોત.

શેઠ શગાળશાના પત્ની ચંદ્રાવતીનું પાત્ર ભજવતી વખતે તેઓ એટલા ઓતપ્રોત થઈ જતા હતા કે નાટક પૂરું થયા પછી પણ ચંદ્રાવતીના કિરદારમાંથી માનસિક રીતે બહાર આવી શકતા નહોતા.

રાજકોટ આખાસવાણી કેન્દ્રના જાણીતા ઉદ્ઘોષક ભરત યાજ્ઞિકે તેમની કારકિર્દી હેમુભાઈના રેડિયોકાળમાં શરૂ કરી હતી.

હેમુભાઈના સંભારણા વાગોળતા તેમણે કહ્યું હતું કે, “લોકગીતોમાં જે ભાવ છે તે ભાવની અભિવ્યક્તિ - અનુભૂતિ હેમુભાઈ ગાયક તરીકે એમાં રેડી શક્યા છે, તે બીજા કોઈ ગાયક કલાકાર કરી શક્યા નથી. આ બાબત હેમુભાઈને અન્ય લોકગાયકોથી અલગ પાડે છે. કારણકે તેઓ નાટકના કલાકાર હતા.”

હેમુ ગઢવી આકાશવાણીમાં કેવી રીતે જોડાયા?

સંતુરવાદક શિવકુમાર શર્મા સાથે તાનપુરા સંગત કરી રહેલા હેમુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, સંતુરવાદક શિવકુમાર શર્મા સાથે તાનપુરા સંગત કરી રહેલા હેમુ ગઢવી

હેમુભાઈને રેડિયોમાં જોડાવાનો જે પ્રસ્તાવ થયો એ ઘટના પણ રસપ્રદ છે.

જો કદાચ રાજકોટને આકાશવાણી કેન્દ્ર ન મળ્યું હોત તો હેમુભાઈ નાટકો જ કરતા હોત, ગાયક બનવાની દિશામાં તેઓ સક્રિય ન થયા હોત. 1955માં રાજકોટમાં ઑલ ઇન્ડિયા રેડિયોનું કેન્દ્ર શરૂ થયું હતું.

લોકસંગીત અને લોકસાહિત્યનું એક ભાથું ભેગું થાય અને રેડિયોના માધ્યમથી એ વધુને વધુ લોકો સુધી પહોંચે અને ભવિષ્યમાં પણ લોકોપયોગી થાય એ માટે આકાશવાણીએ હેમુભાઈને જોડાવા આગ્રહ કર્યો હતો.

શરૂઆતમાં હેમુભાઈને રેડિયોમાં જોડાવાની ઇચ્છા નહોતી. તેમને મન નાટક વધારે અચરજ અને આનંદ પમાડે તેવું માધ્યમ હતું. નાટકમાં દર્શકોની તાળીઓનો રોકડો પ્રતિસાદ ભલભલા કલાકાર માટે પૂરવઠો હોય છે. રેડિયોમાં તો એક બંધ ઓરડામાં ગાવાનું સામે કોઈ શ્રોતા પણ ન હોય. તેથી તેમના મનમાં રેડિયોમાં જવા અંગે અવઢવ હતી.

બિહારી હેમુ ગઢવી જણાવે છે કે, “રાજકોટમાં રાજ થીયેટરમાં હેમુભાઈનું નાટક ‘શેતલને કાંઠે’ ચાલતું હતું. એ જોવા માટે રાજકોટ રેડિયો સ્ટેશનના ડિરેક્ટર ગીજુભાઈ વ્યાસ ગયા હતા. ત્યાં હેમુભાઈને સાંભળ્યા પછી તેમણે કહ્યું કે, “હેમુભાઈ તમે રેડિયોમાં ગાવા આવો.”

હેમુભાઈએ હા પાડી એ પછી રાજકોટ રેડિયો સ્ટેશન તરફથી જે કાગળ-પત્ર જતા તે જ્યાં નાટક ચાલતું એ સરનામે જતા હતા. આવું જોકે, એક વર્ષ જ ચાલ્યું હતું. પછી તેઓ તરત રેડિયોમાં વિધિવત્ જોડાઈ ગયા હતા.

હેમુભાઈ પાસે શાળાકીય શિક્ષણ ખાસ નહોતું. એના વગર તેમને રેડિયોમાં કયા પદ પર નિમણૂક આપવી એની વિમાસણ હતી. એ વખતે તેમની તાનપૂરા આર્ટિસ્ટ તરીકે તેમની સૌ પ્રથમ નિમણૂક થઈ હતી.”

હેમુભાઈ મુંબઈ નાટક કરવા ગયા હતા. ત્યાં એ નાટક જોવા માટે મશહૂર અદાકાર અને રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર આવ્યા હતા. એ વખતે પૃથ્વીરાજ કપૂર પણ પૃથ્વી થીયેટર્સ નામની નાટક કંપની ચલાવતા હતા.

બિહારી હેમુભાઈ ગઢવી કહે છે કે, “નાટક નિહાળ્યા પછી પૃથ્વીરાજજી હેમુભાઈને મળવા આવ્યા હતા અને પૃથ્વી થીયેટર્સ સાથે જોડાઈ જવાનું કહ્યું હતું. એ વખતે હેમુભાઈએ કહ્યું હતું કે તેઓ રેડિયોમાં જોડાયેલો હોવાથી અને તેમનો પરિવાર ચોટીલામાં હોવાને કારણે તેઓ પૃથ્વી નાટ્ય મંડળી સાથે કાયમી ધોરણે જોડાઈ શકશે નહીં. પણ તેમણે એમ પણ કહ્યું હતું કે જો પૃથ્વીરાજજી તેમને બોલાવશે તો એ જશે ખરા.”

બિહારીભાઈ કહે છે કે, “બીજી વાત એ પણ છે કે મુંબઈ એ વખતે પરદેશ જેટલું દૂર ગણાતું હતું. બબ્બે ટ્રેનો બદલીને ચોવીસ કલાકે ત્યાં પહોંચાતું હતું. આ બધાં કારણસર બાપુજીએ ના પાડી હતી.”

દૂર લાઉડ સ્પીકરમાં અવાજ સંભળાયો અને મળ્યાં દિવાળીબહેન

હેનુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, કસુંબીનો રંગ ગુજરાતી ફિલ્મના ગીતોના રેકૉર્ડિંગ સમયે સંગીતકાર કલ્યાણજી સાથે ચર્ચા કરતા હેમુ ગઢવી

ઝવેરચંદ મેઘાણી વિશે એવું કહેવાય છે કે, તેઓ ઘોડા પર બેસીને જતા અને ગામડેગામ ફરીને લોકો પાસે જે લોકવાર્તાઓ હતી તે સાંભળીને ગ્રંથસ્થ કરી.

જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ ડાયરામાં કહ્યું હતું કે, “મેઘાણીએ જેટલાં ગીતો ગ્રંથમાં લીધા છે તેટલાં હેમુ ગઢવીએ કંઠમાં લીધા છે.”

હેમુભાઈ ગામે ગામ ટેપરેકર્ડર લઈને રેકર્ડિંગમાં જતા હતા. નોકરીની ફરજ રૂપે તેઓ ઓન ડ્યુટી રેકર્ડિંગ માટે ગામેગામ રખડતા હતા. તેમની સાથે બે માણસ પણ રહેતા હતા. જેમાં એક રીધમનો જાણકાર હોય અને એક ઓપરેટર હોય.

બિહારી હેમુ ગઢવી કહે છે, “તેમની શૈલી એવી હતી કે ટેપરેકર્ડર પર એ લોકોનાં દુહા, લોકગીતો વગેરે સાંભળે અને પછી એમાંથી એવું લાગે કે લોકસંગીતમાં આ કરવા જેવું છે એનું પોતાની રીતે સ્વરાંકન કરી અને રજૂ કરતા હતા.

હેમુભાઈ જૂનાગઢ રેકર્ડિંગ માટે ગયા હતા. રાત્રે ગેસ્ટહાઉસમાં જતા હતા ત્યારે દૂરના લાઉડ સ્પીકરમાંથી અવાજ આવતો હતો. હેમુભાઈને થયું કે કોઈ બહેન સરસ ગાય છે. તેથી ભૂંગળાના અવાજે અવાજે પહોંચ્યા તો વણઝારી ચોકમાં દિવાળીબહેન નોરતાંના ગરબા ગવરાવતાં હતાં.

હેમુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

ઇમેજ કૅપ્શન, હેમુ ગઢવી

હેમુભાઈ દિવાળીબહેનને મળ્યા અને કહ્યું “સરસ ગાવ છો. રેડિયોમાં ગાવા બોલાવીએ તો તમે આવો ખરાં?”

દિવાળીબહેને કહ્યું, “બાપા, મને કોણ લઈ જાય રેડિયોમાં? મને પાસ કોણ કરે?”

હેમુભાઈએ કહ્યું, “કે, અમે લઈ જઈએ. હું અત્યારે આકાશવાણીમાં લોકસંગીતનો આસિસ્ટન્ટ છું. હું હમણાં જ તમને પાસ કરું છું. તમને જાણ થાય ત્યારે તમે સીધા રેકર્ડિંગમાં જ આવજો.”

એ પછી દિવાળીબહેન રાજકોટનાં આકાશવાણી કેન્દ્ર પર આવ્યાં અને પહેલું ગીત ગાયું, “ફૂલ ઊતર્યાં ફૂલવાડીએ રે લોલ...”

ત્યારપછી દિવાળીબહેનનાં ગીતો અને ભજનો ગુજરાતનાં ગામેગામ – ઘેરઘેર પહોંચ્યા. ગુજરાતની બહાર દેશદેશાવર સુધી દિવાળીબહેન ભીલ આજે પણ ખૂબ સંભળાય છે તો એનું શ્રેય હેમુ ગઢવી અને રાજકોટના આકાશવાણી કેન્દ્રને જાય છે.

દિવાળીબહેન અને હેમુભાઈના પરિવારો વચ્ચેનો સંબંધ પણ ખૂબ મધુર હતો. દિવાળીબહેન જૂનાગઢથી નીકળીને રાજકોટ રેકર્ડિંગ માટે આવે ત્યારે સીધા હેમુભાઈને ઘરે જ રોકાતાં હતાં. હેમુભાઈનાં પત્ની અને પુત્રોએ પણ તેમને ખૂબ પ્રેમ આપ્યો હતો.

દિવાળીબહેને હેમુભાઈને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતુ, “હું તો એક અભણ આદિવાસી બાઈ છું, પણ હેમુભાઈના પ્રતાપે ક્યાંથી ક્યાં સુધી પહોંચી. તેમણે મને સગી બહેનથી વિશેષ પ્રેમ આપ્યો છે. મને તાલ, સૂરની સમજ નહોતી. તેઓ સામા બેસીને મને ઢંગ શીખવાડે, લોકગીતનો ઢાળ, તાલ, સૂર શીખવાડે. આ બધું મને હેમુભાઈએ શીખવાડ્યું છે.”

રાજકોટમાં સંગીત નાટ્ય એકેડેમી હતી. જેમાં સંગીતના ક્લાસ લેવા હેમુભાઈ જતા હતા. જેમાં પ્રાણલાલ વ્યાસ પણ વિદ્યાર્થી તરીકે આવતા હતા.

હેમુ ગઢવીના નિધનના સમાચાર પછી ગાય ભેંસ ન દોહ્યાં

હેમુ ગઢવી

ઇમેજ સ્રોત, Hemu Gadhvi Trust

હેમુભાઈએ ગાયેલાં ગીતોની લોકભોગ્યતા અને લોકમાનસમાં એવી મજબૂત છાપ છે કે તેમણે ગાયેલાં ગીતોમાં પછી ખાસ કોઈ ફેરફાર થઈ શકતા નથી. મેઘાણીનું ‘કસુંબીનો રંગ…’ ગીત હેમુભાઈએ જે રીતે ગાયું છે તે જ ઢાળમાં ડાયરાના કલાકારો આજે પણ ગાય છે. જો એ બીજા રાગમાં ગવાય તો શ્રોતા સ્વીકારી શકતા નથી.

આવું જ ‘મોર બની થનગાટ કરે…’, ‘શિવાજીનું હાલરડું’ હોય કે અન્ય ગીતો હોય. એમાં બહુ બહુ તો સંગીતમાં થોડા ફેરફાર થાય, પણ એ સિવાય રાગમાં ખાસ કોઈ ગુંજાશ નથી રહેતી.

રાજકોટમાં હેમુ ગઢવીના નામે કલાને મંચ પૂરું પાડતો હૉલ છે. આ સિવાય રાજકોટમાં જ્યાં રહેતા હતા તે માર્ગને હેમુ ગઢવીનું નામ આપવામાં આવ્યું છે. સૂરતમાં એક કન્યા શાળાને હેમુ ગઢવીનું નામ આપવામાં આવ્યું છે.

હેમુભાઈનો જન્મ સુરેન્દ્રનગરના ઢાંકણીયા ગામે 4 સપ્ટેમ્બર, 1929 ના દિવસે થયો હતો. તેમનું જન્મસ્થળ હવે હેમતીર્થ તરીકે ઓળખાય છે અને સંગ્રહાલયની જેમ તેમની ઝાંખી ત્યાં રાખવામાં આવી છે. 1954 સુધી તેમણે નાટકો કર્યાં હતા. એ પછી 1956માં રાજકોટના આકાશવાણી કેન્દ્રમાં જોડાયા. ત્યાં 1965 સુધી કામ કર્યું હતું. તેમની પ્રથમ રૅકર્ડ સ્મરણાંજલિ તેમના અવસાનના વર્ષે જ 1965માં બહાર પડી હતી.

1965માં 20 ઑગષ્ટે જન્માષ્ટમીને દિવસે હેમુભાઈએ દેહ છોડ્યો. એ દિવસે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં મેળામાં હેમુભાઈનો ડાયરો હતો.

બિહારી હેમુ ગઢવી જણાવે છે, “અવસાન થયું એ દિવસે હેમુભાઈ પડધરી મુકામે રાજપૂત સમાજના રાસડાનો જે કાર્યક્રમ હતો તેનું રેકર્ડિંગ કરવા ગયા હતા. એ જમાનામાં વિવિધ સમાજના લોકો રાસડા ગાઈને રમતા હતા. તેઓ પડધરી હતા ત્યારે જ બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. તરત રાજકોટ સિવિલહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સાંજે સાડા આઠે તેમણે છેલ્લા શ્વાસ લીધા.”

“એ પછી મેળામાં જાહેરાત થઈ કે જેમનો કાર્યક્રમ છે એ હેમુ ગઢવી હવે નથી રહ્યા એટલે મેળો સ્વયંભુ બંધ થઈ ગયો હતો. હેમુભાઈના નિધનનાં સમાચાર જાણ્યાં પછી ગીરના કેટલાય માલધારીઓએ ગાય, ભેંસ દોહ્યાં નહોતાં.”

હેમુ ગઢવીએ એ વખતમાં કોઈ ગીરના નેસડામાં કે વનવગડામાં ગવાતાં ગીતોને ગુજરાતભરમાં પહોંચાડ્યા જ્યારે રેડિયો અને ડાયરા જ કલાકારોના લોકો સુધી પહોંચવાના સરનામાં હતાં.

બીબીસી
બીબીસી