ભિખારી ઠાકુરઃ શાળાએ ન ગયા છતાં 29 પુસ્તકો લખ્યાં, લોકગીતોનો વારસો આપી જનાર ભોજપુરીના 'શેક્સપિયર'

ઇમેજ સ્રોત, X/@DEEPAKYADAV_BJP
- લેેખક, નલિન વર્મા
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને નેપાળના તરાઈ પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં બોલાતી ભાષા છે ભોજપુરી.
ભોજપુરી ફિલ્મો અને ગીત-સંગીત ઉપરાંત લોકસંગીતનો વ્યાપ પણ ઘણો મોટો છે તથા તેની એક ઓળખ તરીકે ભિખારી ઠાકુરને કાયમ યાદ કરવામાં આવશે.
આધુનિક ટેક્નૉલૉજીના આ સમયમાં લોકસંસ્કૃતિને બચાવવાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ભોજપુરી સમાજ માટે ભિખારી ઠાકુરનો વારસો બચાવવો મોટો પડકાર છે.
ભિખારી ઠાકુરનો જન્મ બિહારના એક ગરીબ અને ઉપેક્ષિત વાળંદ પરિવારમાં 1887ની 18 ડિસેમ્બરે થયો હતો.
ગરીબી અને વર્ણવ્યવસ્થા હેઠળ નીચલી જ્ઞાતિના ગણાતા હોવાને કારણે ભિખારી ઠાકુરને ભણવા-ગણવાની તક મળી ન હતી.
ઢોર ચરાવવાનાં અને ગીતો ગણગણવાનાં

ઇમેજ સ્રોત, @SANJAYJHABIHAR
તેઓ બાળપણમાં ગાય-ભેંસ ચરાવતા હતા.
એ સમયે જ ભિખારી ઠાકુર તેમના મધુર અવાજમાં ગીતો ગાતા હતા. તેઓ વાંચી શકતા ન હતા, પરંતુ સાંભળીને બધું યાદ રાખતા હતા. આ રીતે તેમણે રામચરિતમાનસની ચોપાઈઓ, કબીરનાં નિર્ગુણ ભજન અને રહીમના દોહા કંઠસ્થ કર્યાં હતાં.
આ રીતે શરૂઆત કર્યા પછી તેઓ ભોજપુરી ગીત-સંગીતની દુનિયાના સૌથી મોટા આઈકન બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું ગામ કુતુબપુર જૂના શાહાબાદ (જે હવે ભોજપુર જિલ્લામાં છે)નો હિસ્સો છે, પરંતુ ગંગા નદીનું વહેણ બદલાવાને કારણે 1926માં કુતુબપુર સારણ જિલ્લાનો હિસ્સો થઈ ગયું હતું.
તેમનાં લગ્ન બાળપણમાં જ મતુઆ દેવી સાથે થઈ ગયાં હતાં અને તેઓ ટૂંક સમયમાં જ શીલાનાથના પિતા પણ બની ગયા હતા.
ઢોર ચરાવવા સિવાય પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભિખારી ઠાકુર તેમનું વારસાગત કેશકર્તનનું કામ પણ કરવા લાગ્યા હતા. 1927માં દુકાળ બાદ આજીવિકા કમાવા માટે તેઓ પહેલાં ખડગપુર અને પછી જગન્નાથપુરી ગયા હતા.
બીજા રાજ્યમાં ગયા પણ જિંદગી ન બદલાઈ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિન્દુ ધર્મના રીતરિવાજ તથા સંસ્કારો માટે બ્રાહ્મણોની માફક કેશકર્તનકારોને પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
દાખલા તરીકે મુંડન, જનોઈ, લગ્ન અને શ્રાદ્ધ એમ બધા કિસ્સામાં વાળંદની જરૂર પડતી હોય છે, પરંતુ તેમનો સામાજિક દરજ્જો પૂજારીઓ જેવો હોતો નથી. તેમને ‘નીચલી જ્ઞાતિ’ના માનવામાં આવે છે. આ જ કારણસર ભિખારી ઠાકુરે ખરાબ વ્યવહાર અને અપમાનનો ડંખ આજીવન સહેવો પડ્યો હતો.
જોકે, તેમની ગાયકીએ તેમને સામાજિક જટિલતાઓ અને વિસંગતિઓ તરફ જોવાની તક પણ પૂરી પાડી હતી.
તેમણે સમાજને ઝીણવટભરી નજરે નિહાળ્યો હતો અને તેની લોકગીતના માધ્યમથી સામાન્ય લોકો સમક્ષ રજૂઆત કરી હતી.
ગુજરાન ચલાવવા માટે તેમણે પ્રવાસી મજૂર તરીકે બીજાં રાજ્યોમાં જવું પડ્યું હતું. ત્યાં તેમણે પ્રવાસી મજૂરોની પીડા અને તકલીફોને પણ નજીકથી જોઈ હતી. ભિખારી ઠાકુર દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ ગયા હતા, છતાં તેને વિદેશ કહેતા હતા.
વિદેશ જઈને પૈસા કમાવાથી તેમના પરિવારની હેસિયતમાં કોઈ ફરક પડ્યો ન હતો.
એ દરમિયાન તેમને તેમના ગામના લોકો અને પરિવારજનોની ખોટ સાલતી હતી. થોડાં વર્ષ બહાર રહ્યા બાદ તેઓ કુતુબપુર પાછા ફર્યા હતા, જેથી પોતાના સુખ-દુઃખની ઉજાણી પરિવારજનો અને ગામના લોકો સાથે જ કરી શકાય.
અત્યંત પ્રતિભાસંપન્ન

ઇમેજ સ્રોત, BIHAR RASHTRA BHASHA
ભિખારી ઠાકુર તેમના સમયના કોઈ જીનિયસ, પ્રતિભાસંપન્ન વ્યક્તિથી જરાય ઊતરતા ન હતા. તેઓ ભણ્યા ન હતા, તેમની સામાજિક હેસિયત પણ ન હતી, પરંતુ લોકોના ચહેરા પર સ્મિત કેવી રીતે લાવવું, તેમનું મનોરંજન કેવી રીતે કરવું એ તેઓ બરાબર જાણતા હતા.
ગાયકી ઉપરાંત તેમણે અભિનય અને નૃત્યમાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી. તેઓ અનેક પ્રકારનાં વાદ્યો વગાડી શકતા હતા. એટલું જ નહીં, તેમણે ગામના લોકોને તાલીમ આપીને એક મંડળી બનાવી હતી. પોતાની નાટ્યમંડળીના સંગીતકાર અને દિગ્દર્શક તેઓ જ હતા.
ભિખારી ઠાકુર પાસે નાટક રજૂ કરવા માટે કોઈ મંચ ન હતો. તેઓ લાકડાની ખુરશી કોઈ વૃક્ષ નીચે રાખીને સ્ટેજ બનાવી લેતા હતા અને ઢોલક, ઝાંઝ અને મંજીરાં સાથે લોકોનું મનોરંજન કરતા હતા.
વાસ્તવમાં ભિખારી ઠાકુરને ભારતમાં ઓપન એર થિયેટરના જનક માની શકાય.
ભિખારી ઠાકુરની નાટ્યમંડળી કજરી, હોલી, ચૈતા, બિરહા, ચૌબોલા, બારામાસા, સોહાર, વિવાહ ગીત, જંતસાર, સોરઠી, અલ્હા, પચરા, ભજન અને કીર્તન એમ દરેક રીતે લોકોનું મનોરંજન કરતી હતી, પરંતુ ભિખારી ઠાકુર તેમની કાવ્યાત્મક શૈલીમાં જે રીતે સામાજિક વાસ્તવિકતાઓને પ્રસ્તુત કરતા હતા, તેમાં મનોરંજનની સાથે કટાક્ષ પણ હતો.
તેમણે તેમની ટીમ સાથે તમામ પ્રકારના સામાજિક કુરિવાજો, સમાજમાં ઉપેક્ષિત લોકો પર થતા અત્યાચાર, ધાર્મિક રૂઢિઓ, સંયુક્ત પરિવારનું ઘટતું ચલણ, બાળવિવાહ, કજોડાં લગ્ન, વિધવાઓની પીડા, વૃદ્ધોની ઉપેક્ષા, નશાખોરી, દહેજપ્રથા અને સાધુસંતોના વેશમાં ઠગાઈ જેવા તમામ મુદ્દાઓ વિશે લોકગીત બનાવ્યાં હતાં.
ક્યારેય શાળાએ ન ગયા, પણ લખ્યાં 29 પુસ્તકો

ઇમેજ સ્રોત, NALIN VERMA
ભિખારી ઠાકુર કેટલા પ્રતિભાશાળી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેઓ ક્યારેય સ્કૂલે ગયા ન હતા, પરંતુ તેમણે લોકગીતોનાં 29 પુસ્તકો લખ્યાં હતાં, જે કૈથી લિપિમાં હતાં.
એ પુસ્તકોને બાદમાં દેવનાગરી લિપિમાં પરિવર્તિત કરવામાં આવ્યાં હતાં. તેનું સમગ્ર સંકલન બિહાર રાષ્ટ્રભાષા પરિષદે ભિખારી ઠાકુર રચનાવલી નામે પ્રકાશિત કર્યું છે. તેમાં પુત્રીવિયોગ, વિદેશિયા, નણંદ-ભાભી, ગબર ઘિચૌર અને કલિયુગના પ્રેમ જેવાં લોકનાટ્ય અત્યંત ચર્ચિત રહ્યાં હતાં.
‘બેટી વિયોગ’ લગ્ન પછી દીકરીની ઘરમાંથી થતી વિદાયની પીડા પર આધારિત લોકનાટક છે, જ્યારે વિદેશિયા એ સ્ત્રીના દર્દની દાસ્તાન છે, જેનો પતિ રોજગાર મેળવવા માટે બીજા રાજ્યમાં ગયો છે. નણંદ-ભોજાઈ એક બહેન અને તેની તેના ભાઈની પત્ની વચ્ચેના ખટમધૂરા સંબંધની કહાણી છે.
ગબરઘિચૌર નાટક એક મહિલાના જાતીય અધિકારો વિશે ટિપ્પણી કરે છે.
હિન્દી સાહિત્યમાં ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં નાટકોના જાગૃતિના વાહક માનવામાં આવે છે, પરંતુ તેમના બહુ સમય પહેલાં ભિખારી ઠાકુરે પોતાનાં નાટકોમાં મહિલાઓની પીડા તથા તકલીફોનું બખૂબી ચિત્રણ કર્યું હતું. વિદેશિયા નાટકનું મહિલા પાત્ર તેના પતિને યાદ કરતાં કહે છેઃ પિયા મોરા ગૈલન પરદેશ, એ બટોહી ભૈયા. રાત નહીં નીન, દિન તની ના ચૈનવા.
ભિખારી ઠાકુરનાં લોકનાટકો વિશે મહાન હિન્દી સાહિત્યકાર રાહુલ સાંસ્કૃતાયને લખ્યું છે, “આપણી બોલીમાં કેટલી ક્ષમતા, કેટલું તેજ છે, એ બધું આપણા ભિખારી ઠાકુરનાં નાટકોમાં જોવા મળે છે. ભિખારી ઠાકુર આપણું અનમોલ રતન છે.”
જાતીય અધિકારોની વકીલાત

ઇમેજ સ્રોત, NALIN VERMA
ભિખારી ઠાકુરના ગબરઘિચૌર નાટકમાં એક મહિલાનો પતિ બીજા રાજ્યમાં કમાવા ગયો છે અને એ મહિલા કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધે છે તથા પોતાના જાતીય અધિકારોની હિમાયત કરતાં કહે છે, “ઘર મેં રહે દૂધ પાંચ સેર, કેહૂ જોરન દેહલ એક ધાર, કા પંચાયત હોકાત બા, ઘીઉ સાફે ભેલ હમાર.”
ભિખારી ઠાકુરની લગભગ 75 ટકા રચના પદ્યમાં છે. તે મેલોડ્રામા, ભક્તિ તથા સાંસારિક પ્રેમ, ઉદાસી તથા ઐક્યનો આનંદ, પ્રેમ, ઘૃણા તથા ક્રોધ, હાસ્ય તથા આકરો વ્યંગ, છંદોમાં અભિવ્યક્ત કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે તેમનાં લોકનાટકોનાં પાત્રો દલિત તથા નીચલી જ્ઞાતિઓનાં હોય છે. એ પાત્રોના નામ પરથી જાણવા મળે છે. તેમનાં પાત્રોનાં નામ ઉપદાર, ઉદવાસ, જંટુલ, ચટક, ચેથરુ, અખાજો અને લોભા વગેરે છે.
ભિખારી ઠાકુરના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં તેમને મહિલા કળાકારો આસાનીથી મળતાં હોય. આ કારણસર તેઓ પુરુષોને મહિલાઓનાં વસ્ત્રો પહેરાવીને તેમની પાસે નારી પાત્રો કરાવતા હતા.
આ તરકીબ વડે તેમણે મહિલાઓના મુદ્દાને કુશળતાપૂર્વક દર્શાવ્યા હતા અને તેનું મંચન કર્યું હતું. ભિખારી ઠાકુરના કાર્યમાંથી પ્રેરણા લઈને બીજા લોક કળાકારોએ પણ નાચ પાર્ટીઓ બનાવી હતી, જે ટીવી અને ઇન્ટરનેટના યુગ પહેલાં ગ્રામ્ય સમાજના લોકોનું મનોરંજન કરતી હતી.
આજે ટેક્નૉલૉજી વ્યાપક બની છે અને મનોરંજન માટે ઘણા નવા વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ ભિખારી ઠાકુરે તેમનાં લોકનાટકો દ્વારા જે સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબ મળ્યા છે?
આ સવાલનો જવાબ છેઃ નહીં.
આજે પણ સમાજમાં નશાખોરી અને દહેજપ્રથા ચાલુ છે. સમાજમાં આજે પણ અસમાનતા, ભેદભાવ અને અન્યાયનું રાજ છે. જ્ઞાતિ અને ધર્મના નામે સામાજિક ઉત્પીડન થઈ રહ્યું છે. ઉપેક્ષિત લોકો અને મહિલાઓ પર અત્યાચારની ઢગલાબંધ કથાઓ અખબારો અને સમાચાર ચેનલોમાં પ્રકાશિત-પ્રસારિત થતી રહી છે અને સરકાર આ સમસ્યાના નિવારણ માટે નવા કાયદા બનાવવામાં તથા તેના અમલમાં વ્યસ્ત છે.
ભિખારી ઠાકુરનો વારસો બચાવવો જરૂરી

ઇમેજ સ્રોત, BHIKHARI THAKUR REPERTORY TRAINING & RESEARCH CENTRE
આ પરિસ્થિતિમાં ભિખારી ઠાકુરનો વારસો બચાવી રાખવો બહુ જરૂરી છે. રાહુલ સાંકૃત્યાયને યોગ્ય રીતે ભારપૂર્વક કહ્યું છે, “ભિખારી ઠાકુરની કળા તથા સાહિત્યમાં તમામ ગુણ વિદ્યમાન છે. તેમની કૃતિઓની સોનાની ખાણમાંથી ચમકદાર આભૂષણ તૈયાર કરવાની જરૂર છે.”
રાહુલ સાંકૃત્યાયને દેખીતી રીતે ભિખારી ઠાકુર વિશે વધારે સંશોધન અને અભ્યાસની જરૂરિયાત દર્શાવી છે.
કેટલાક વિશ્લેષકો ભિખારી ઠાકુરની સરખામણી શિષ્ટતાપૂર્વક સોળમી સદીના વિખ્યાત નાટ્યકાર શેક્સપિયર સાથે કરે છે અને તેમને ભોજપુરીના શેક્સપિયર તરીકે યાદ કરે છે, પરંતુ ભિખારી ઠાકુરને ભિખારી ઠાકુર જ રહેવા દેવામાં આવે અને ભારતીય સંદર્ભમાં તેમનો વધુ અભ્યાસ કરવામાં આવે એ શૈક્ષણિક દૃષ્ટિએ વધારે વિવેકપૂર્ણ છે.
ભિખારી ઠાકુરના જીવનનો મોટો હિસ્સો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોને પરેશાન કરતા મુદ્દાઓ વિશેની જીવંત પ્રસ્તુતિમાં પસાર થયો હતો.
તેમણે અને તેમની મંડળીએ બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને નેપાળના કેટલાક હિસ્સાનો પ્રવાસ પણ કર્યો હતો. તેમની કળા, ભારતથી ગિરમીટિયા મજૂરો જ્યાં ગયા હતા તે મોરેશિયસ, ગયાના, સૂરીનામ, ટોબેગો અને આફ્રિકાના અન્ય દેશો સુધી પણ પહોંચી હતી.
ભિખારી ઠાકુર પોતાના પરિવેશમાં રામલીલા તથા રાસલીલાને નિહાળતા મોટા થયા હતા.
જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે તેમનો મોટા ભાગનો સમય ભગવાન રામ, સીતા, કૃષ્ણ અને ગણેશજીની ભક્તિમાં પસાર કર્યો હતો. લોકનાટક અને લોકકથાઓનો વિશાળ ભંડાર વારસામાં છોડી ગયેલા ભિખારી ઠાકુરનું 1971ની 10 જુલાઈએ તેમના પૈતૃક ગામમાં નિધન થયું હતું.












