ભિક્ષુ અખંડાનંદ: ગુજરાતમાં ઘેરઘેર 'સસ્તું સાહિત્ય' પહોંચાડનાર પુસ્તકપ્રસારના ભેખધારી સંન્યાસી

ભિક્ષુ અખંડાનંદ

ઇમેજ સ્રોત, Sastun Sahitya Vardhak Karyalaya

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ગુજરાતીમાં ચરિત્ર ઘડતર અને ધાર્મિક કેળવણી આપતાં સંખ્યાબંધ પુસ્તકો સાવ સસ્તા ભાવે લોકો સુધી પહોંચાડવાનું કામ ભિક્ષુ અખંડાનંદે કર્યું અને તેમાં પોતાના સંન્યાસની સાર્થકતા જોઈ.

તેમને સંસ્કૃત આવડતું ન હતું. છતાં, અનુવાદ થયેલાં પુસ્તકો વાંચીને, તેના આધારે અર્થ બેસાડીને તેમણે ભાગવતનો અને તેમાં પણ એકાદશસ્કંધનો અભ્યાસ કર્યો. તેમાંથી જ્ઞાનભક્તિના બહુ ગમેલા શ્લોકો અલગ તારવ્યા. તેના પરથી તેમને વિચાર આવ્યો કે આ શ્લોકો અને તેના અર્થનું પુસ્તક સસ્તા ભાવે નીકળે તો કેટલા બધા લોકોને ફાયદો થાય. ત્યાર પછી મુંબઈમાં એક પ્રકાશકની દુકાને નવા પુસ્તકનો ભાવ સાંભળીને તેમને થયું, ‘આટલું મોંઘું પુસ્તક ગરીબ માણસ શી રીતે ખરીદી શકે?’ આ પ્રકારના વિચાર તેમને ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ની સ્થાપના ભણી દોરી ગયા.

સંસારીમાંથી પુસ્તકપ્રસારના ભેખધારી સંન્યાસી

ભિક્ષુ અખંડાનંદ

ઇમેજ સ્રોત, Sastun Sahitya Vardhak Karyalaya

ભિક્ષુ અખંડાનંદનો જન્મ બોરસદમાં લલ્લુભાઈ જગજીવન ઠક્કર તરીકે થયો હતો. સદાબાઈ સાથે લગ્ન થયાં અને પુત્ર મોતીલાલનો જન્મ થયો, ત્યાર પછી ગૃહસ્થાશ્રમથી વિરક્ત થઈને, વેપાર માટે દેશ છોડવાના અથવા સંન્યાસ લેવાના વિકલ્પ વિચાર્યા. તેમાંથી બીજા વિકલ્પ પર પસંદગી ઉતારી અને અમદાવાદ આવીને સ્વામી શિવાનંદ પાસે શાંકર સંપ્રદાયની દીક્ષા લીધી. નવું નામ પડ્યું સ્વામી અખંડાનંદગિરિ. સંન્યાસી પરંપરા પ્રમાણે હિમાલય અને આસપાસના વિસ્તારોમાં ફર્યા પછી તે નડિયાદ પાછા આવ્યા.

સાધુ બન્યા પછી સંસારથી છેડો ફાડવાને બદલે, સંસારી લોકોમાં મૂલ્યો પ્રચારવાનું કામ ઉપાડી લીધું. તે માટે મિત્ર અમૃતલાલ સુંદરજી પઢિયાર સહિતના કેટલાક મિત્રો-શુભેચ્છકોના સહકારથી તેમણે મુંબઈમાં વર્ષ 1908માં ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ની સ્થાપના કરી. તેની માલિકી વ્યક્તિગત રાખવાને બદલે તેના માટે ‘સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળ’ ટ્રસ્ટ સ્થાપ્યું. શરૂઆતમાં પ્રકાશક તરીકે મિત્રમંડળનું નામ આવતું હતું. પછી કાયદાની જોગવાઈ પ્રમાણે એક વ્યક્તિનું નામ મૂકવાની ફરજ પડતાં, પ્રકાશક તરીકે સ્વામીજીએ તેમનું નામ મૂક્યું.

સ્વામીજીના ચરિત્રલેખકો જ્યોતીન્દ્ર દવે અને મોહનલાલ મહેતાએ નોંધ્યા પ્રમાણે, તેમની પર રંગભેદના જમાનામાં, કાળા હોવા છતાં શિક્ષણશાસ્ત્રી અને જાહેર જીવનના અગ્રણી તરીકે જાણીતા બનેલા અમેરિકાના બુકર ટી. વૉશિંગ્ટનની ઊંડી છાપ હતી. તેમણે અમેરિકામાં ઊભી કરી એવી સંસ્થા સ્વામીજી ગુજરાતમાં ઊભી કરવા ઇચ્છતા હતા. જાણીતા સુધારક અને પત્રકાર બહેરામજી મલબારીને તેમણે લખ્યું હતું, ‘હું એક પરમહંસ દીક્ષાનો સંન્યાસી (શરીરભાવે) છું. આ દેશ ગરીબ છે. ઉત્તમ વાંચનના બહોળા ફેલાવાની ઘણી અગત્ય આ દેશને માટે હું ધારું છું અને તેથી ગરીબોને પોષાય તેવાં, સસ્તી કિંમતે પુસ્તકો કાઢવાનું ખાતું અહીં મુંબઈમાં સ્થાપી તેના ઓનરરી સેક્રેટરી તરીકે કામ કરું છું...આ એક તદ્દન પરોપકારી ખાતું છે. તેના મંત્રી તરીકે કાંઈ પણ પગાર કે બદલો ન લેતાં હું ભિક્ષાનું અન્ન ખાઈને નિર્વાહ કરું છું.’

આર્થિક સ્વાવલંબન આપનારી ગ્રંથમાળાની યોજના

'સસ્તું સાહિત્ય'ના પુસ્તકો

ઇમેજ સ્રોત, Sastun Sahitya Vardhak Karyalaya

ભિક્ષુ અખંડાનંદને સમાજમાંથી આર્થિક મદદની અપેક્ષા હતી, જે ઝાઝી ફળી નહીં. દાન આપનારાની ખુશામત કરવાનું તેમની પ્રકૃતિને અનુકૂળ ન હતું. એટલે, ધનિકોની સામે જોઈને નિરાશ થવાને બદલે, ધનિકોની ગરજ ન રહે એવું વિચારીને તેમણે વાર્ષિક લવાજમવાળી ગ્રંથમાળાની યોજના કાઢી અને

વર્ષ 1910માં તેમણે મુંબઈનાં અખબારોમાં તેની જાહેરાત કરી. તેમાં દર મહિને એક પુસ્તક નીકળી શકે એ રીતે વિવિધ વિષયોની ગ્રંથમાળા કાઢવાનો ખ્યાલ હતો. ઉપરાંત, સમાચારોના-લેખોના સંકલન (ડાયજેસ્ટ) સ્વરૂપે દસ હજાર નકલો ધરાવતા એક સાપ્તાહિકનો પણ વિચાર તેમણે કર્યો હતો.

દર મહિને એક પુસ્તકની યોજનામાં વર્ષે આશરે 1,500 પાનાંનું વાચન અને તેનું ઓછામાં ઓછું વાર્ષિક લવાજમ દોઢ રૂપિયો રાખવાનું હતું. એ જ પુસ્તકોનું વધુ મોંઘા કાગળ-મોંઘી છપાઈ સાથે, ધનવાન ગ્રાહકો માટે વર્ષે છ રૂપિયા અને બાર રૂપિયાના લવાજમ પણ હતું. પરંતુ પહેલા અનુભવે તેમને સમજાયું કે ધનવાનો પણ વર્ષે દોઢ રૂપિયો જ ભરે છે. એટલે, તેમણે બધા માટેનું લવાજમ એકસરખું-વર્ષે બે રૂપિયા—કરી નાખ્યું.

ગુજરાતીમાં કદાચ એ પ્રકારની તે પહેલી યોજના હતી, જેમાં વાચકો આગોતરા રૂપિયા આપે, તેમાંથી પુસ્તકો છપાય અને વાચકોને તે સસ્તા ભાવે મળે. ત્યાર પછી તો સારાનરસા અનેક પ્રકારના આશયોથી ગ્રંથમાળાઓ કાઢવી એ બજારનું ચલણ થઈ ગયું. સ્વામીજીએ કાઢેલી કેટલીક ગ્રંથમાળાઓનાં નામઃ વેદાંત ગ્રંથમાળા, સંસ્કૃત ઐતિહાસિક ગ્રંથમાળા, પુરાણ ગ્રંથમાળા, સ્ત્રી ઉપયોગી ગ્રંથમાળા, બાળોપયોગી ગ્રંથમાળા, સંક્ષિપ્ત જીવનચરિત્રમાળા, વૈદક ગ્રંથમાળા, વ્યાખ્યાન ગ્રંથમાળા, વિવિધ ગ્રંથમાળા વગેરે.

અમદાવાદ શાખા, જે વૃક્ષ બની

'સસ્તું સાહિત્ય'

ઇમેજ સ્રોત, Sastun Sahitya Vardhak Karyalaya

ઇમેજ કૅપ્શન, 'સસ્તું સાહિત્ય'ના એક પુસ્તકમાં છેલ્લે મુકાયેલી સૂચિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુંબઈમાં ત્રણ વર્ષ કામ કર્યા પછી સ્વામીજીએ 1913માં અમદાવાદમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની શાખા શરૂ કરી. ધીમે ધીમે પ્રેસ પણ ખરીદ્યું. સાતેક વર્ષ પછી સંસ્થા પાસે વીસેક હજાર રૂપિયાની મૂડી થઈ અને પુસ્તકોનો સસ્તો ભાવ હોવા છતાં, સવા લાખ રૂપિયાનાં પુસ્તકોનું વેચાણ થયું. વ્યાવસાયિક પ્રકાશકો જે પુસ્તક પાંચ રૂપિયે વેચતા હોય અને એક હજાર નકલ આઠ-દસ વર્ષમાં વેચતા હોય, એવાં કદના પુસ્તક ભિક્ષુ અખંડાનંદ દોઢ રૂપિયામાં આપતા અને ત્રણ-ચાર વર્ષમાં એ પુસ્તકની પાંચ-સાત હજાર નકલ વેચી નાખતા હતા. ભગવદગીતા છાપ્યા પછી પહેલાં આઠ વર્ષમાં તેમણે તેની 72 હજાર નકલ વેચી હતી. સાથોસાથ, તે પુસ્તકોને કૉપીરાઇટથી મુક્ત રાખતા હતા, જેથી કોઈ પણ તેને છાપી-છપાવી શકે. સામાન્ય રીતે સાહિત્ય અને પુસ્તકપ્રેમની બાબતમાં ગુજરાતીઓ કરતાં મરાઠી લોકો આગળ હોય છે, પણ મરાઠીમાં સસ્તું સાહિત્ય પૂરું પાડવાની કોઈ યોજના ન હતી. એ માટે સ્વામીજીએ બ્રહ્મચારી જગન્નાથજીને લખ્યું હતું.

સસ્તું સાહિત્યની સફળતાના પગલે તેની નકલ કરનારી ઘણી સંસ્થાઓ બજારમાં આવી ગઈ. સાહિત્ય સંવર્ધક કાર્યાલય, ગુજરાત સાહિત્ય વર્ધક કાર્યાલય, સસ્તું કાર્યાલય, સસ્તું વાંચન પ્રચારક સભા વગેરે. કેટલાક વ્યાવસાયિક પ્રકાશકો પણ સસ્તું સાહિત્યની સફળતાથી દુઃખી હતા. છતાં, આર્થિક લાભની કોઈ ગણતરી વિના ચાલતા સસ્તું સાહિત્ય કાર્યાલયની હરીફાઈ તે કરી શકે એમ ન હતાં. ઐતિહાસિક સંદર્ભ ખાતર યાદ રાખવું જોઈએ કે સસ્તા ભાવે જથ્થાબંધના હિસાબે ધાર્મિક પુસ્તકો છાપનાર અને વેચનાર ગોરખપુરના ‘ગીતા પ્રેસ’ની શરૂઆત સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના આરંભનાં 15 વર્ષ પછી, 1923માં થઈ.

‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’માં હિંદુ ધર્મગ્રંથો ને તેમના વિશેનાં લખાણનો હિસ્સો મોટો હતો. સાથોસાથ, ભિક્ષુ અખંડાનંદને રુચે એવાં બીજાં પ્રકારનાં લખાણ પણ છપાતાં હતાં. ગીતા પ્રેસની જેમ ભિક્ષુ અખંડાનંદનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મનો પ્રચાર નહીં, ધાર્મિકતા અને તેની સાથે સંકળાયેલાં મૂલ્યોનો પ્રચારપ્રસાર હતો. પંઢરપુરમાં દલિતો માટેની ધર્મશાળાની અવદશા જોઈને ગાડગે મહારાજને તેમણે રૂ. 25 હજારનું દાન, કોઈ તકતી કે છબી નહીં મૂકવાની શરતે, આપ્યું હતું. તેમણે મુસ્લિમ મહાત્માઓ વિશે પણ એક પુસ્તક પ્રગટ કર્યું હતું. હિંદી પ્રચારની પ્રવૃત્તિમાં સંકળાયા પછી અને દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ફારસી-ઉર્દૂ વિદ્વાનો સાથે સંપર્ક થયા પછી, તેમણે ઉર્દૂ ગઝલોનું પુસ્તક ગુજરાતી લિપિમાં કરવાની અને સાથે ઉર્દૂ-ગુજરાતી લઘુ શબ્દકોશ પ્રગટ કરવાનું વિચાર્યું હતું. પણ તેમની ઘણી યોજનાઓની જેમ તે સાકાર થઈ શકી નહીં.

ગાંધીજી સાથે નિકટતા-દૂરી

ભિક્ષુ અખંડાનંદ અને સસ્તું સાહિત્ય

ઇમેજ સ્રોત, Sastun Sahitya Vardhak Karyalaya

ઇમેજ કૅપ્શન, આયુર્વેદનું સૌથી લોકપ્રિય પુસ્તક 'શ્રીઆર્યભિષક્'

અમદાવાદમાં ગાંધીયુગના મધ્યાહ્ને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ગાંધીજીના આગમનથી પણ પહેલાંનું ચાલતું હતું. ભિક્ષુ અખંડાનંદને ગાંધીજી માટે ઘણો આદર હતો. તેમણે ખાદી પહેરવાનું પણ શરૂ કર્યું હતું. ‘સસ્તું સાહિત્ય’માં જેમનું પુસ્તક પ્રકાશિત થતું હોય એ લેખકો પુસ્તક કોઈને અર્પણ કરે, તે સ્વામીજીને ગમતું ન હતું, પણ પુસ્તક ‘ગાંધીસાહેબ’ને અર્પણ કરવું હોય તો કરવાની છૂટ એક લેખકને તેમણે આપી હતી.

સ્વામીજીના ચરિત્રકારોએ તેમની પ્રકૃતિની એવી ખાસિયત નોંધી છે કે તે અત્યંત નિરભિમાની અને નમ્ર હોવા છતાં, સામેની વ્યક્તિ અભિમાન બતાવી જશે એવી આશંકાએ તેને નીચી પાડ્યા વિના તે રહી શકતા નહીં. એટલે ગાંધીજી પ્રત્યે બધા ભાવ છતાં, 1915માં તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યો ત્યારે સંબોધન ‘પરમપ્રિય આત્મબંધુ’ લખ્યું, પણ ગાંધીજીને તેમણે એકવચનમાં સંબોધ્યા હતા. ગાંધીજી વિશેના એક અંગ્રેજી પુસ્તકનો મરાઠીમાં અનુવાદ થયો હતો. મરાઠી પરથી પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘સસ્તું સાહિત્ય’એ ‘જગતનો મહાન પુરુષ’ નામે પ્રસિદ્ધ કરાવ્યો. એ પુસ્તક અંગે લખતાં ગાંધીજીના અંગત સચિવ-સાથી મહાદેવભાઈ દેસાઈએ કેટલીક બાબતોની ટીકા કરી. ત્યાર પછી સ્વામી અખંડાનંદ મહાદેવભાઈના અને ગાંધીજીના પણ ટીકાકાર બની ગયા.

‘સસ્તું સાહિત્ય’નાં પુસ્તકોમાં ભાષા અને લખાણની ગુણવત્તાથી માંડીને લેખકો-કર્મચારીઓ સાથેનું તેમનું આકરાપણું, રૉયલ્ટી ન આપવાની અને કર્મચારીઓને પણ સાવ ઓછો પગાર આપવાની તેમની રીત વિશે ટીકા થતી હતી. સ્વામીજીનો ગુસ્સો, ટીકા પ્રત્યેની અસહિષ્ણુતા અને આત્યંતિક સ્વભાવ ઘણી વાર તેમને પણ પશ્ચાતાપ કરાવતો અને ‘હું તો કાગડાનો કાગડો જ રહ્યો’ એવો અહેસાસ કરાવતો હતો. છતાં, તેમણે તેમની સમજ પ્રમાણે અને મૂલ્યપ્રસારની ખેવનાથી કરેલું પુસ્તકપ્રકાશન અને વેચાણનું કામ ગુજરાતી પુસ્તકવિશ્વમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. 1942માં, બીમારી પછી નડિયાદમાં તેમનું અવસાન થયું. તેમની ઇચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કરવામાં આવ્યા. ગુજરાત વિદ્યાસભાએ તેમને અંજલિ આપતાં કહ્યું હતું, ‘એમણે લગભગ 300 પુસ્તકો, 17 લાખ નકલોમાં પ્રસિદ્ધ કરી, ગુજરાતમાં જ્ઞાનગંગા વહેવડાવી જનસમાજ ઉપર ઉપકાર કર્યો છે.‘