એવો ટાપુ જ્યાં 20 લાખ સાપે પક્ષીઓને ખતમ કરી નાખ્યાં, હવે જંગલ પણ ખતરામાં

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, ઝારિયા ગોર્વેટ
- પદ, બીબીસી
ગુઆમ એક એવો ટાપુ છે જ્યાં પડોશના બીજા ટાપુઓની સરખામણીમાં 40 ગણા વધારે કરોળિયા છે. અહીં ખતરનાક સાપની એટલી મોટી સંખ્યા છે કે તેણે આ જંગલમાં કોઈ પણ પક્ષીને રહેવા દીધા નથી.
પાંચ વર્ષ અગાઉ હલ્ડ્રે રોજર્સે ફિલિપાઈન્સથી લગભગ 2492 કિલોમીટર (1548 માઈલ) દૂર પશ્ચિમી પૅસિફિક સમુદ્રમાં એક હરિયાળા ટપકા જેવા ગુઆમ ટાપુ પર એક સ્નેહમિલન સમારોહમાં ભાગ લીધો હતો. પરંતુ અચાનક બિનઆમંત્રિત મહેમાનોએ પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો.
મોડી સાંજ થઈ ગઈ હતી અને બહાર ડુક્કરનું માંસ શેકાતું હતું. આગ ધીમે ધીમે બુઝાઈ રહી હતી, છતાં હજુ પણ ગરમી હતી. બધા લોકો થોડો સમય વાતચીત કરવા માટે જતા રહ્યા.
તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે ડુક્કરની ચારે બાજુ એક ભૂરા રંગની આકૃતિ લપેટાયેલી હતી. કંઈક ચમકદાર અને પોપડીદાર, ઊભા કાપાવાળી આંખો અને એક પહોળું, સ્મિત રેલાવતું મોઢું. આ એક એવો જીવ હતો જે ડુક્કરના માંસના ટુકડા કાપતું જતું હતું અને આખેઆખે ટુકડા ગળી રહ્યું હતું. પોતાના ફિક્કા, ફેલાયેલા શરીરમાં તે માંસ ઓહિયા કરી રહ્યું હતું.
અમેરિકાના વર્જિનિયા ટેક ખાતે મત્સ્ય અને વન્યજીવ સંરક્ષણ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર રોજર્સ કહે છે, "તે 400 પાઉન્ડ (181 કિલોગ્રામ) વજનનું ડુક્કર ન હતું, પરંતુ એક મોટી પાર્ટી માટેનું ડુક્કર હતું." પ્રોફેસર રોજર્સ છેલ્લાં 22 વર્ષથી ગુઆમની પરિસ્થિતિનો અભ્યાસ કરે છે.

ત્યાં અચાનક આવી પહોંચેલો જીવ એક ભૂખરા રંગનો સાપ હતો. આ એક વિદેશથી આવેલો આક્રમણકારી જીવ છે જેના વિશે એવું માનવામાં આવે છે કે 1940ના દાયકામાં તે અજાણતા ગુઆમ પહોંચી ગયો હતો.
કદાચ કોઈ માલવાહક જહાજ દ્વારા આ વિદેશી સાપ અહીં આવ્યા હશે. આ ટાપુ પર ચુના પથ્થરોનાં જંગલ આવેલાં છે જ્યાં એક સમયે મોટી સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરતાં હતાં. પરંતુ આ ટાપુ પર સાપ આવ્યા પછી માત્ર ચાર દાયકાની અંદર આ ભયંકર શિકારીઓએ જંગલમાંથી પક્ષીઓ ખતમ કરવાનું શરૂ કર્યું.
પક્ષીઓની 12 પ્રજાતિમાંથી 10 પ્રજાતિ હવે વિલુપ્ત થઈ ચૂકી છે અને બાકીની બે પ્રજાતિ પણ દુર્ગમ ગુફાઓ અને શહેરી વિસ્તારોમાં જ ટકી શકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુઆમ ટાપુ પર પક્ષીઓ તો લગભગ ખતમ જ થઈ ગયાં છે. તેથી અહીં વસતા લગભગ 20 લાખ સાપની નજર બીજું જે કંઈ ખાવા મળે તેના પર છે. હવે તેમનો શિકાર ઉંદર અને ગરોળી જેવાં પ્રાણીઓ છે અને આ કિસ્સામાં બન્યું તે રીતે કેટલીક વખત માણસે છોડી દીધેલા ભોજનને પણ આરોગી જાય છે.
કોલોરાડોમાં કામ કરતી એક બિનનફાલક્ષી સંસ્થા સધર્ન પ્લેન્સ લૅન્ડ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેન્રી પોલોક કહે છે, "તેઓ બધું જ ખાઈ જાય છે. તેઓ એકબીજાને પણ ખાય છે." પોલોકે ગુઆમની ઇકૉલૉજીનો અભ્યાસ કર્યો છે.
અહીંના જંગલમાં આક્રમક સાપોનો એવો રાફડો ફાટ્યો છે કે અહીં હવે કોઈ પક્ષીઓનો કલરવ સંભાળાતો નથી. એક સમયે આ જગ્યા જુદી જુદી પ્રજાતિના પક્ષીઓના અવાજથી ગુંજી ઊઠતી હતી. હવે હાલત એવી છે કે ગુઆમ પૃથ્વી પર ઇકૉલૉજીને લગતા એક ભયંકર સંકટ તરીકે કુખ્યાત બની ગયું છું. પરંતુ આ ટાપુના સાપોની અસર અહીંના શાંત, પક્ષીરહિત જંગલોથી ક્યાંય આગળ સુધી પહોંચી ગઈ છે. અહીં ઉત્ક્રાંતિનો એક અદભુત પ્રયોગ જોવા મળી રહ્યો છે.
હાલમાં જે સ્થિતિ છે તેનાથી આઠ પગ અને ઘણી બધી આંખો ધરાવતા એક જીવને ફાયદો થયો છે, કારણ કે પક્ષીઓથી તેને હવે કોઈ ખતરો નથી.
કરોળિયાનાં જાળાંની દુનિયા

ઇમેજ સ્રોત, Alamy
રોજર્સને કરોળિયાઓની બીક નથી લાગતી.
મોટા ભાગના મારિયાના ટાપુ પર ચોમાસાની ઋતુમાં અપેક્ષાકૃત ઓછા કરોળિયા હોય છે. જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ કરોળિયાની સંખ્યા વધતી જાય છે. પરંતુ ગુઆમ ટાપુ પર સ્થિતિ અલગ છે.
આ ટાપુ પર ચુનાના પથ્થરોનાં જંગલોમાં આખો વર્ષ કરોળિયા જોવા મળે છે. ચાંદીના તાર જેવાં દેખાતાં જાળાં કેટલાય માઈલ સુધી પથરાયેલાં હોય છે. અહીં તમે ગમે ત્યાં પગ મૂકશો, ત્યાંથી કોઈને કોઈ કરોળિયો પ્રગટ થશે.
અહીં વિશાળ, પીળા રંગના પેટ ધરાવતા બનાના સ્પાઈડર જોવા મળે છે જે પોતાની ક્લાસિક સ્ટાઈલથી સોનેરી રંગનાં જાળાં બનાવે છે. આ ઉપરાંત માનવીના હાથના આકારના શિકારી કરોળિયા, તંબુ જેવા જાળ બનાવતા કરોળિયા, જેઓ વૃક્ષની ખાલી જગ્યાઓમાં પોતાની જાળ પાથરે છે, તે બધાનો સમાવેશ છે.
આ કરોળિયાનાં જાળાંને રોજર્સ 'કોન્ડો વેબ' કહીને બોલાવે છે, કારણ કે દરેક કરોળિયા માટે તે એક એપાર્ટમેન્ટ બ્લૉક સમાન છે જેમાં સેંકડો ચમકદારો આંખો હોય છે અને કેટલાય પ્રકારના અલગઅલગ કરોળિયા તેમાં વસવાટ કરે છે.
રોજર્સ કહે છે, "આ વિશાળ જાળમાં વિવિધ સ્તર પર ઘણા માદા કરોળિયા હશે અને પછી આસપાસ અને કિનારા પર ઘણા નર લટકતા હશે." આ પ્રકારનાં સામુદાયિક જાળાં નાનકડા આર્ગીરોડ્સ કરોળિયાઓને પસંદ છે જે મોટા કરોળિયાઓનો શિકાર ચોરી જવા માટે આવે છે અને ક્યારેક તેને ખાઈ પણ જાય છે.
તેઓ કહે છે, "ગુઆમમાં આ (કોન્ડો વેબ) જમીનના સ્તરથી લઈને કેનોપી (છત્ર) સુધી બધી જગ્યાએ જોવા મળી શકે છે."
કરોળિયા ન હોત તો પણ જોખમી જંગલો

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગના સમયે આ આખું જંગલ એવું દેખાય છે જાણે હેલોવિન માટે કૃત્રિમ કરોળિયાના જાળમાં વીંટાઈ ગયું હોય.
રોજર્સ કહે છે કે, "તમે જંગલમાં પગપાળા ચાલતા હોવ ત્યારે તમારી આગળની વ્યક્તિ લાડકી ઉઠાવીને કરોળિયાનાં જાળાંને પાડી દે તે સામાન્ય વાત છે. નહીંતર તમે કરોળિયાની જાળમાં ફસાઈ જશો. મને તે પસંદ છે પરંતુ તેમાં આગળ વધવું બહુ મુશ્કેલ છે."
જે જગ્યાએ વૃક્ષોની વચ્ચે અવકાશ છે ત્યાં આખી જગ્યા અલગઅલગ પ્રકારના કરોળિયાનાં જાળાંથી ભરાઈ જશે. તે બધા પર અલગઅલગ ખૂણેથી પ્રકાશ આવી રહ્યો છે. આ સામૂહિક પ્રયાસથી તેઓ સરળતાથી એક ઓરડા જેટલી જગ્યાને ભરી શકે છે.
રોજર્સ કહે છે, "એક વખત મારો એક મિત્ર હતો જે તેની વચ્ચે દોડવા લાગ્યા અને બસ એક ઘેરામાં ઘૂમતા રહ્યા. આ વિશાળ જાળના કારણે તેઓ એક મમીની જેમ લપેટાઈ ગયા. તેમણે પોતાની સાથેના લોકોને ડરાવવા માટે આમ કર્યું હતું."
એક વખત રોજર્સની એક સહાયકે સ્વેચ્છાએ ફીલ્ડમાં મદદે આવવાની દરખાસ્ત કરી હતી. પરંતુ જંગલમાં અમુક મીટર ગયા પછી તેમનો વિચાર બદલાઈ ગયો. તેમણે કહ્યું, ''નહીં, હું બહાર જ રહીશ.''
અહીંની સ્થાનિક ભાષામાં કરોળિયાને ચમોરો કહેવામાં આવે છે. આ કરોળિયા ન હોત તો પણ ગુઆમના આ ચુનાના પથ્થરનાં જંગલો બહુ વિચિત્ર અને જોખમી જગ્યા સાબિત થયા હોત.
ઉપરની બાજુએ ઊંચા બ્રેડફ્રૂટના ઝાડ જુરાસિક આકારના એરંડિયા અને અણીદાર પેંડનસના ઝાડની સાથે જંગલની એક કેનોપી (નીચલી છત્રી) બનાવે છે જેને ઘણી વખત ચક્રવાતી તોફાન ઉડાવી દે છે. જમીન પર બહુ ઓછી માટી છે. તેના બદલે છોડ સીધા ચુનાના પથ્થરમાં ઊગે છે જેથી તેના મૂળ ખડકની સાંકડી તિરાડોમાં નીચે સુધી ઊતરી જાય છે.
આ જંગલ એક પ્રાચીન કોરલ રિફ પર ઊગેલું છે અને કરોડો વર્ષોથી દબાણના કારણે તે ઉપર આવી ગયું છે અને ઉચ્ચ પ્રદેશ બની ગયો છે. જંગલની સપાટી પર કોરલ હેડ હજુ પથરાયેલા છે અને જ્યાં ખડક ધોવાઈ ગયા છે ત્યાં સિંકહોલ અને ગુફાઓ બની ગઈ છે.
આ ટાપુ પર આટલા કરોળિયા કેવી રીતે આવી ગયા?

ઇમેજ સ્રોત, Alamy
રોજર્સ કહે છે, "મને લાગે છે કે અહીં ચાલવું બહુ જ મુશ્કેલ છે, કારણ કે અહીં ચાલવું એ અણીદાર ખડક પર ચાલવા સમાન છે."
તેઓ જ્યારે સર્વેક્ષણ માટે નવા ફિલ્ડ ટેકનિશિયનોને પોતાની સાથે લઈ જાય છે ત્યારે તેમને ખડકાળ જમીનમાં પોતાની જાતને ઢાળવા માટે સમય લાગે છે. તેઓ કહે છે કે આ દરેક ડગલે ધ્યાન કેન્દ્રિત કર્યા વગર ચાલવા સમાન છે.
તેથી રોજર્સે જ્યારે 2012માં કરોળિયાઓની સંખ્યા વિશે સરવે કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેમને ખબર હતી કે આ બહુ મુશ્કેલ કામ બનવાનું છે.
એવી અફવાઓ હંમેશાંથી ફેલાઈ છે કે ગુઆમ ખાસ કરીને પહેલેથી કરોળિયાઓથી છલકાતું હતું અને તેના કારણે આ ટાપુ પર પક્ષીઓ જોવા નથી મળતા, કારણ કે પક્ષીઓને કરોળિયા ખાવા પસંદ હોય છે.
જોકે, રોજર્સ જણાવે છે કે આ ટાપુના 1.80 લાખ લોકો ભાગ્યે જ ઉત્તર મારિયાના ટાપુઓના પ્રવાસે જતા હોય છે. તેઓ સ્વશાસન ધરાવતા કૉમનવેલ્થના સભ્ય છે ત્યારે માત્ર ગુઆમ જ અમેરિકાનો પ્રદેશ છે. તેના કારણે સરખામણી કરવાની તક બહુ ઓછી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વાસ્તવમાં ક્યારેય તેની તપાસ નથી કરી.
ગુઆમ પર આટલા બધા કરોળિયા કેવી રીતે આવી ગયા તે જાણવા માટે રોજર્સ અને તેમના સાથીદારોએ આ ટાપુના જંગલમાં ટ્રાન્સેક્ટ સર્વેક્ષણ શરૂ કર્યું. તેના માટે સંશોધનકર્તાઓએ સાવધાનીપૂર્વક રીતે ટેપના એક રોલને એક સીધી રેખામાં ખોલીને પોતાના પગની નીચે દાંતાદાર ખડક પર પોતાનો રસ્તો શોધ્યો.
તેઓ જેમ જેમ આગળ વધતા ગયા, તેમ તેમ પોતાના રસ્તામાં કરોળિયાનાં જાળાંની કાળજીપૂર્વક ગણતરી કરતા ગયા. આ લાઇન પર એક મીટરની અંદર પણ કોઈ કરોળિયા રહેતા હોય તેની ગણતરી કરવામાં આવી.
વૈજ્ઞાનિકોએ કરોળિયાની વસતી વિશે જે જાણકીરી મેળવી તે આશ્ચર્યજનક હતી. વરસાદની ઋતુમાં ગુઆમનાં જંગલોમાં રોટા, ટિનિયન અને સાઈપન જેવા નજીકમાં આવેલા ટાપુઓની તુલનામાં 40 ગણા વધારે કરોળિયા હતા. જ્યારે સૂકી સિઝનમાં આ પ્રદેશમાં કરોળિયાની વસતી વધતી હોય છે, ત્યારે ગુઆમમાં 2.3 ગણા વધારે કરોળિયા હતા. ગુઆનમાં કેળાના કરોળિયાની જાળ પણ લગભગ 50 ટકા મોટી હતી.
કરોળિયાનો વસતી વિસ્ફોટ કેમ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
આખા વર્ષ દરમિયાન ગુઆમનાં જંગલો કરોળિયાનાં જાળાંથી ચમકતા રહે છે. ટીમને વરસાદની સિઝનમાં ટ્રાન્સેક્ટ લાઈન પર દર મીટર દીઠ 1.8 જાળાં અને સૂકી સિઝનમાં 2.6 જાળાં મળ્યાં.
ગુઆમના સમગ્ર વનક્ષેત્રનો અંદાજ લગાવવામાં આવે તો કુલ મળીને 50.8 કરોડથી 73.3 કરોડ કરોળિયા હશે, જે પોતાનાં જાળાંમાં આમ તેમ ઘૂમતા રહે છે અને પોતાના શિકારનો રસ ચૂસતા રહે છે. તેનો અર્થ એવો થયો કે દરેક જાળ દીઠ એક કરોળિયો હોય છે.
જોકે, ઘણી વખત તેના કરતાં વધુ પણ હોય છે અને જમીનથી બે મીટરની અંદર રહેનારાઓની જ ગણતરી કરવામાં આવે છે. કરોળિયા જેવા શરીરનાં અંગોના સંદર્ભમાં જોવામાં આવે તો જંગલમાં ઓછામાં ઓછી ચાર અબજ કરતા વધુ (4,064,000,000) આંખો અને એટલા જ સંખ્યામાં પગ છે.
રોટા, ટિનિયન અને સાઈપન ટાપુઓ ભૂખરા રંગના ઝાડના સાપથી મુક્ત છે અને ત્યાં હજુ પણ પક્ષીઓની વસતી સારી છે. તેથી અભ્યાસ પરથી જાણવા મળે છે કે ગુઆમમાં પણ કરોળિયાઓની વસતી એક સમયે આટલી બધી નહીં હોય.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં પક્ષીઓ ખતમ થઈ જવાના કારણે જ કરોળિયાનો વસતી વિસ્ફોટ થયો છે. પક્ષીઓ આ આઠ પગવાળા જીવને ખાઈ જાય છે અને શિકાર કરવાની બાબતમાં પણ પક્ષીઓ અને કરોળિયા એક બીજાના હરીફ છે.
બહામાસમાં કરવામાં આવેલું સંશોધન અહીં ફિટ બેસે છે, જેમાં જાણવા મળ્યું છે કે ગરોળિઓ ન હોય તેવા ટાપુઓ પર કરોળિયાની સંખ્યા 10 ગણી વધારે હોય છે.
બ્રાઉન ટ્રી સ્નેક (ભૂખરા રંગના સાપ)ના આગમન પછી ગુઆમ પર બનાના સ્પાઈડર માટે અસ્તિત્વ એટલું આરામદાયક થઈ ગયું છે કે તેમણે પોતાનાં જાળાંમાં "સ્ટેબિલિમેંટા" પણ જોડવાનું બંધ કરી દીધું છે. કરોળિયા આ રહસ્યમય સજાવટ શા માટે કરે છે તેનું કારણ જાણી શકાયું નથી.
આ સજાવટમાં સામાન્ય રીતે અપારદર્શક સફેદ તાંતણાથી બનેલી ઝિગ-ઝેગ જેવી પૅટર્ન સામેલ હોય છે. એક વિચાર એ પણ છે કે તે પક્ષીઓને જાળની હાજરી વિશે ચેતવણી આપે છે. તે પક્ષીઓને ભૂલથી તેમાં ઊડતા રોકે છે. ગુઆમમાં જ્યાં પક્ષીઓ ઓછા છે ત્યાં કરોળિયા આવી પૅટર્ન પણ ઓછી બનાવે છે તેના આધારે આવું માનવામાં આવે છે.
જિદ્દી આક્રમણકાર

ઇમેજ સ્રોત, Alamy
ભૂખરા રંગના ઝાડના સાપ ગુઆમની ઇકૉલૉજીમાં સંતુલનને ખોરવી રહ્યા છે, કારણ કે આ સાપ બીજા વિશ્વયુદ્ધ પછી તરત અહીં આવ્યા હતા. પરંતુ કમસે કમ ચાર દાયકા સુધી તેઓ કેટલું નુકસાન પહોંચાડે છે તેની કોઈને જાણકારી ન હતી.
1980ના દાયકાના અંતમાં પરિસ્થિતિ વિજ્ઞાનીઓએ જોયું કે કેટલાક ટાપુઓ પર કોઈ પક્ષીઓને ખતમ કરી રહ્યું હતું. પણ તેની પાછળનું કારણ કોઈ જાણતું ન હતું.
જુલી સેવિજ તે વખતે પીએચ.ડી.ના વિદ્યાર્થી હતા. તેમણે પક્ષીઓને મારતા રહસ્યમય હત્યારાને શોધવાનું નક્કી કર્યું. શરૂઆતમાં કોઈ જંતુનાશક અથવા વાઇરસ આના માટે જવાબદાર હોય તેવી શંકા હતી.
1987માં તેમનું રિસર્ચ પ્રકાશિત થયું ત્યારે જાણવા મળ્યું કે સાપના કારણે પક્ષીઓ ખતમ થતાં હતાં. ગુઆમનાં પક્ષીઓ આ ટાપુ પર વિકસિત પ્રજાતિ હતી તેથી સરિસૃપની ભૂખની સામે તેમને બચાવી શકે તેવું કોઈ ઉત્ક્રાંતિનું પ્રોગ્રામિંગ થયું ન હતું. ટાપુ પર પહેલેથી કોઈ સાપ જ ન હતા તેથી પક્ષીઓના પૂર્વજોને પણ તેમની સામે ટકી રહેવાનો અનુભવ ન હતો. તેથી જ્યારે શિકાર સાપ અહીં આવી પહોંચ્યા ત્યારે પક્ષીઓ પોતાનું રક્ષણ કરી શકે તેમ ન હતાં અને સાપ ઇચ્છે તેટલા પક્ષીનો નિરંતર શિકાર કરી શકે તેમ હતા.
ગુઆમમાં શું થઈ રહ્યું છે તેની સેવિજને ખબર પડી ત્યાં સુધીમાં મોટાં ભાગનાં પક્ષીઓ માટે પહેલેથી બહુ મોડું થઈ ગયું હતું. ગુઆમ ફ્લાયકેચર નામનું પક્ષી અહીં છેલ્લે 1984માં જોવા મળ્યું હતું. પહોળી આંખો ધરાવતું અને પીંછાના દડા જેવું આ નાનકડું પક્ષી હવે વિલુપ્ત થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. બીજાં પક્ષી સહેજમાં બચી ગયાં છે.
જિંજર અને ઈન્દ્રધનૂષી લીલા રંગનું ગુઆમ કિંગફિશર આ વર્ષની શરૂઆત સુધી વિલુપ્ત થઈ ગયું હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ પોતાના ઘરથી 5879 કિલોમીટર (3653 માઈલ) દૂર પાલમીરા ટાપુમાં આ પ્રજાતિનાં નવ પક્ષી મળી આવ્યાં હતાં.
સ્થાનિક લોકોમાં 'કો કો' તરીકે ઓળખાતું ગુઆમરેલ નામનું એક ઉડાનહીન પક્ષી પણ એક સમયે જંગલના વિલુપ્ત પક્ષીઓની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. આજે લાલ ભૂરા શરીરના આ પક્ષીને કોકોસ ટાપુઓ નજીક ઘૂમતા જોઈ શકાય છે જ્યાં તેમને લાવવામાં આવ્યા હતા.
પરંતુ તાજેતરનાં વર્ષોમાં શોધકર્તાઓએ ભૂખરા ઝાડના સાપના કારણે ઇકૉલૉજીને કેટલી હદે નુકસાન થયું તેનો અંદાજ કાઢવાનું શરૂ કર્યું છે. પાતળું શરીર ધરાવતા આ સાપ જલદી નજરે નથી ચઢતા. રાતના સમયે તેઓ ગુઆમનાં જંગલો અને પરાવિસ્તારોમાં ચૂપચાપ ઘૂમતા રહે છે અને પોતાની જીભ બહાર કાઢીને પોતાના આગામી શિકારનો પતો મેળવે છે. તેઓ ભલે દેખાવમાં મામૂલી હોય અને સરળતાથી નજરે ચઢતા ન હોય, આમ છતાં તેઓ બહુ ચાલાક શિકારી છે.
સંશોધનમાં જાણવા મળ્યું કે ભૂખરા રંગના ઝાડના સાપ સામાન્ય શિકારી નથી હોતા. તેઓ બહુ મહત્ત્વાકાંક્ષી ભક્ષક છે અને ગમે તેટલો મોટો ખોરાક ગળી જવા કોશિશ કરે છે. તેઓ પોતાના વજનના 70 ટકા જેટલા વજનના પ્રાણીને નિયમિત રીતે ખાઈ જાય છે. 60 કિલો વજનનો માણસ કોઈ નાના કાંગારુને એકી બેઠકમાં ખાઈ જાય તેના જેવું છે.
ચાલાક શિકારી સાપ

ઇમેજ સ્રોત, Ruth Hufbauer
તાજેતરમાં જ રોજર્સના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની એક ટીમ સાલી નામના એક પક્ષી પર નજર રાખી રહ્યા હતા, જે જંગલનું એક પક્ષી છે અને આ ટાપુ પર અમેરિકાના ઍરફોર્સ મથક પર અસ્તિત્વ ધરાવે છે.
રિસર્ચરોએ બાળપક્ષીઓ પર રેડિયો મૉનિટર લગાવ્યાં હતાં અને તેમનું શું થાય છે તેનું નિરીક્ષણ કર્યું. ઘણી વખત આ રેડિયો મૉનિટર સાપના પેટમાંથી મળી આવતા હતા. એટલે કે સાપે તેમનો શિકાર કરી નાખ્યો હતો. પરંતુ તેનાથી પણ વધુ ભયંકર જાણકારી મળી. એવા મૃત પક્ષી પણ મળી આવ્યાં જેને સાપે ખાધાં ન હતાં.
તેમના આશ્ચર્ય વચ્ચે તેમને જાણવા મળ્યું કે ઘણાં નવજાતને પણ સાપે મારી નાખ્યાં હતાં અને પછી ખાધાં વગર છોડી દીધાં હતાં. આ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા ત્યારે તે સાપની લાળના ચાંદી જેવા આવરણમાં વીંટળાયેલા હતા.
વૈજ્ઞાનિકોએ તેને અનૌપચારિક રીતે 'સ્લિમિંગ' ગણાવ્યું. લગભગ અડધા કેસ એવા હતા જેમાં સાપે એવાં પક્ષીને મારી નાખ્યાં હતાં જેને તે ગળી ન શકે એટલાં મોટાં હતાં.
ભૂખરા ઝાડના સાપ માત્ર લાલચી નથી હોતા, તેઓ અત્યંત અસરકારક શિકારી પણ હોય છે. તેઓ દુર્ગમ જગ્યામાં રહેલા શિકાર સુધી પણ પહોંચીને તેને ગળી જાય છે. બચી ગયેલા સાલી પક્ષીને સુરક્ષિત રાખવા માટે સંશોધકોએ ખાસ બૉક્સ બનાવ્યાં છે અને તેની આસપાસ લપસી જવાય તેવા ધાતુના નળાકાર અવરોધો રાખ્યા હતા જે ત્રણ ફૂટ લાંબા અને 15 સેમી (6 ઈંચ) પહોળા હતા. કોઈ સાપ આ અવરોધ પર ચઢી ન શકે એવું માનવામાં આવતું હતું, પરંતુ સાપની ચાલાકી સામે આ ઉપાય પણ ન ચાલ્યો.
2021માં સેવિજે કરેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે સાપે 'લાસો ક્લાઈમ્બિંગ' નામે અવરોધ પર ચઢીને તેને પાર કરવાની નવી પદ્ધતિ શોધી લીધી હતી. વિજ્ઞાન માટે પણ આ પદ્ધતિ નવી ચીજ છે. સેવિજ હાલમાં અમેરિકામાં કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીમાં મત્સ્ય, વન્યજીવ અને સંરક્ષણ જીવવિજ્ઞાનના પ્રોફેસર છે.
પોલોક કહે છે કે "ભૂખરા ઝાડના સાપ ખરેખર નળાકાર અવરોધની ચારે બાજુએ લપેટાઈ શકે છે, પોતાની પૂંછડી અને માથાને ચારે બાજુ હૂક કરી શકે છે અને પછી માણસ જે રીતે નાળિયેરના ઝાડ પર ચઢે, તે રીતે સાપ પણ નળાકાર અવરોધ પર ચઢી જાય છે. આ બહુ આશ્ચર્યજનક સંશોધન છે."
સાપને ખતમ કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ

ઇમેજ સ્રોત, Alamy
છેલ્લા કેટલાક દાયકામાં સંરક્ષણવાદીઓ અને વન્યજીવ અધિકારીઓએ ગુઆમના સાપને ખતમ કરવા માટે તમામ શક્ય ઉપાય અજમાવી જોયા છે. પરંતુ દરેક વખતે સાપનો વિજય થયો છે.
તેમણે સાપને નજરથી શોધવા ઉપરાંત, તેનાં વિરોધી તત્ત્વો, સાપને પરેશાન કરતા પદાર્થ, ફંદા, ઝેરથી લઈને ઝેરી રસાયણો સુધીના ઉપાય અજમાવી લીધા છે.
સંશોધનકર્તાઓએ એવો વાયરસ પણ વિકસાવ્યો છે જેનો ઉપયોગ ભૂખરા સાપની વિરુદ્ધ બાયૉલૉજિકલ હથિયાર તરીકે કરી શકાય છે જેથી કરીને બીજા વન્યજીવોને નુકસાન પહોંચાડ્યા વગર માત્ર સાપોને ખતમ કરી શકાય. સસલાની સંખ્યા ઘટાડવા માટે માયક્સોમેટોસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ આવી જ રીતે કામ કરતી હતી.
ફ્રાન્સમાં આ પદ્ધતિ ગેરકાયદે રીતે વપરાઈ હતી. ઑસ્ટ્રેલિયામાં પણ સસલાની સંખ્યા ઘટાડવા તેનો ઉપયોગ થયો છે. જોકે, તેનાથી વ્યાપક નુકસાન પણ થયું છે.
પરંતુ સાપની સંખ્યા નિયંત્રિત કરવાના ઘણા બધા પ્રયાસ અને 38 લાખ ડૉલરનું બજેટ ફાળવવા છતાં મોટી સંખ્યામાં સાપની સંખ્યા ઘટાડવી અશક્ય સાબિત થયું છે. ગુઆમમાં જમીનના કેટલાક નાના ટુકડા પર જ આ સાપની વસતી નિયંત્રણમાં છે. જેમ કે, અહીં ઍન્ડરસન ઍરફોર્સ બેઝ પર હેબિટેટ મૅનેજમૅન્ટ યુનિટ આવેલું છે. આવું એટલા માટે થયું કે મેડિકલ સ્ટોરમાં મળતી પૅરાસિટામોલની ગોળી ભૂખરા સાપ માટે બહુ ઝેરી સાબિત થઈ છે.
માત્ર 80 મિલીગ્રામનો ડોઝ મોટામાં મોટા સાપને ખતમ કરી શકે છે. માણસ 600 એમજીની પૅરાસિટામોલની ટેબ્લેટ લેતા હોય તેના કરતાં આ છઠ્ઠા ભાગનો ડોઝ છે. સાપને નિયંત્રિત કરવા એક વ્યાપક પ્રોગ્રામ લાગુ કરાયો હતો જેમાં સાપને ઝેરી ભોજન આપવા ઉપરાંત આખા વિસ્તારની ફરતે ખાસ સાપ પ્રતિરોધક વાડ ઊભી કરવામાં આવી હતી. ત્યારપછી ઍરબેઝ પર સાપની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો.
ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ગુઆમનાં જંગલોમાં આ રીતે મોટી સંખ્યામાં સાપોની સંખ્યા ઘટાડવી અશક્ય છે. સાપને સદંતર દૂર કરવાની તો વાત જ જવા દો. જંગલને બચાવવું હોય તો હવે વધારે મોડું કરી શકાય તેમ નથી, આમ છતાં કામ અસંભવ છે.
એવું માનવામાં આવે છે કે ગુઆમનાં લગભગ 70 ટકા સ્થાનિક વૃક્ષો પોતાનાં બીજ ફેલાવવાં માટે પક્ષીઓ પર નિર્ભર હતાં. પરંતુ આજે જંગલમાં એવી નિરાશાજનક શાંતિ છે કે ઘણાં ઝાડ પોતાનાં ફળ નીચે જ પાડી દે છે. તેમનાં બીજ ત્યાં જ સડી જાય છે.
રોજર્સ કહે છે કે કેટલાંક બીજ ત્યાં સુધી અંકુરિત નથી થતાં જ્યાં સુધી તેનો ગર્ભનો ભાગ ખાવામાં ન આવે. કેટલાંક ઝાડ પોતાનાં મૂળ ઝાડની છાયામાં જ વૃદ્ધિ કરવા માટે સંઘર્ષ કરે છે. આ ટાપુ પર પક્ષીઓ ફળ અને બીજ ખાવાં નથી આવતાં અને દરેક વર્ષ પસાર થવાની સાથે વૃક્ષોની કેટલીક પ્રજાતિઓ પણ વિલુપ્ત થઈ રહી છે.
આ જંગલમાં હવે ખાડા પણ પડી રહ્યા છે. કોઈ પણ તંદુરસ્ત ઇકૉલૉજીમાં જ્યારે એક વૃક્ષ પડી જાય ત્યારે તે કામચલાઉ જગ્યા પેદા કરે છે. ત્યારપછી તે સ્થાન લેવા માટે બીજાં વૃક્ષો વચ્ચે હરીફાઈ થાય છે.
રોજર્સ કહે છે કે, "જે રીતે ન્યૂયૉર્ક શહેરમાં તમે કોઈ ઇમારત પાડી દો તો તે જગ્યાએ નવી ઇમારત બાંધવા હરીફાઈ થશે, કારણ કે રિયલ એસ્ટેટ માટે તે બહુ મહત્ત્વની જગ્યા છે. પરંતુ ગુઆમમાં આવું નથી થતું. બીજને વિખેરવા માટે પક્ષીઓ નથી હોતાં તેથી અંકુરણ માટે પણ કંઈ મળતું નથી. તેથી પુનર્જનન બહુ ધીમું પડી જાય છે. આ જંગલનું માળખું બદલાઈ રહ્યું છે. તેમાં ઝડપથી સુધારા કરવાનો કોઈ રસ્તો નથી."
હાલમાં તો ગુઆમમાં લાખોની સંખ્યામાં ભૂખરા રંગના સાપ અને કરોળિયા સુરક્ષિત છે. તેમનું રાજ હજુ કેટલાક સમય સુધી ચાલશે તેમ લાગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












