લક્ષદ્વીપના ટાપુઓ '2050 સુધીમાં ડૂબી જશે' એવી ચિંતા કેમ છે?

લક્ષદ્વીપ માલદીવ વિવાદ ભારત

ઇમેજ સ્રોત, Mohijaz/Getty Images

ઇમેજ કૅપ્શન, અગાટી આઇલેન્ડ પરનો ઍરપૉર્ટ
    • લેેખક, રિદ્ધિ દોશી
    • પદ, બીબીસી ટ્રાવેલ

થોડા દિવસ પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલી લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સાથે મોટો વિવાદ થયો હતો તેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.

ત્યાર બાદ સતત માલદીવ અને લક્ષદ્વીપ ચર્ચામાં રહ્યા છે અને બંનેમાંથી સારું પ્રવાસનસ્થળ કયું એ અંગે લોકો સોશિયલ મીડિયા પર સતત વાત કરી રહ્યા હતા.

કેરળના કોચીથી 490 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં આવેલા લક્ષદ્વીપ દ્વીપસમૂહ પર જ્યારે તમે ઉતરાણ કરો છો ત્યારે દૂરદૂર સુધી માત્ર સ્વચ્છ ભૂરું પાણી દેખાય છે.

સફેદ સ્વચ્છ સમુદ્રકિનારા નજીક સેંકડો નાળિયેરીનાં વૃક્ષો પથરાયેલાં છે. આછી ભૂરી ઝાંયવાળું પાણી જેમ ઊંડાઈ વધતી જાય તેમ વધુ ઘટ્ટ અને ભૂરું થતું જાય છે.

છેલ્લાં બે વર્ષમાં કાર્બન કાંપનું સંશોધન કરવાના હેતુથી ત્રણ વખત લક્ષદ્વીપની મુલાકાત લઈ ચૂકેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજીના ભૂસ્તરશાસ્ત્રી શ્રદ્ધા મેનન કહે છે, “આ જગ્યા ખરેખર અવર્ણનીય, અદ્ભુત છે.”

તેઓ દર વખતે દ્વીપસમૂહના રહેવાસીઓ અને સરકારી અધિકારીઓને લઈ જનારા 36 સીટર વિમાનમાં બેસીને કોચીથી લક્ષદ્વીપ જાય છે.

લક્ષદ્વીપમાં લોકોનો રસ વધ્યો

લક્ષદ્વીપ માલદીવ વિવાદ ભારત

ઇમેજ સ્રોત, Getty Images

જાન્યુઆરી 2024માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલી મુલાકાત બાદ પ્રવાસીઓમાં આ સ્થળને લઈને વધુ ઉત્સુકતા જાગી હતી.

તેમણે તેમના ઍક્સ અને યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરેલી તસવીરો અને વીડિયોમાં સફેદ સ્વચ્છ બીચ દેખાય છે. તેમણે સ્નોર્કેલિંગની તસવીરો પણ મૂકી હતી. કરોડો લોકોએ આ તસવીરોને જોઈ હતી.

તેમણે લખ્યું હતું કે, “લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. વિશ્વભરના લોકો કે જેમને દરિયાકિનારા અને ટાપુઓની મુલાકાત લેવી ગમે છે તેમને હું વિનંતી કરું છું કે તેઓ લક્ષદ્વીપની મુલાકાત લે.”

ત્યાર બાદ જ લક્ષદ્વીપ દ્વીપસમૂહ સ્પોટલાઇટમાં આવી ગયો હતો. ઇકૉનૉમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધુ વખત લોકોએ લક્ષદ્વીપ વિશે ગૂગલ સર્ચ કર્યું હતું. મુખ્ય ધારાના મીડિયામાં તેના વિશેનાં લખાણોનું જાણે કે પૂર આવી ગયું હતું. યૂટ્યૂબ વીડિયોઝ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ જાણે કે આ જ વિષય છવાયેલો હતો.

ભારતની ટોચની ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ પૈકીની ‘મેક માય ટ્રિપ’એ એવો દાવો કર્યો હતો કે મોદીની મુલાકાત પછી લક્ષદ્વીપ અંગેની પૂછપરછમાં 3400 ટકાનો વધારો થયો હતો.

કેવી છે પ્રવાસન વિકસાવવાની તૈયારીઓ?

લક્ષદ્વીપ માલદીવ વિવાદ ભારત

ઇમેજ સ્રોત, Steven Wares/Getty Images

લક્ષદ્વીપની ‘સોસાયટી ફૉર પ્રમોશન ઑફ નેચર ટૂરિઝમ ઍન્ડ સ્પૉર્ટ્સ’ (SPORTS)ની ફોનલાઇન પહેલાં ક્યારેય આ રીતે વ્યસ્ત જોવા મળી ન હતી.

અબ્દુલ સમદ જણાવે છે કે પહેલાં તેમને દિવસના એક કે બે જ પ્રવાસીઓ દ્વારા પૂછપરછ માટેનો ફોન આવતો હતો. હવે તેમને દિવસના ઓછામાં ઓછા 10 ફોન આવે છે. અબ્દુલ સમદ નરેન્દ્ર મોદીને સ્નોર્કેલિંગ માટે મદદ કરનાર સ્પૉર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર્સમાંના એક હતા.

તે સિવાય મુંબઈ, ગોવા અને કોચીથી લક્ષદ્વીપનો ફેરો કરતી કૉર્ડેલિયા ક્રૂઝની મોદીની મુલાકાત પછી આવતી બુકિંગ ઇન્ક્વાયરીમાં 2500 ટકાનો વધારો થયો છે. આ ક્રૂઝ સપ્ટેમ્બર, 2021થી ચાલે છે.

સુહેલી અને કાદમત ટાપુઓમાં નવા બીચ અને વૉટર વિલા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ અહીં પ્રવાસન વિકસાવવા માટે તથા જોડાણ વધારવા માટે સરકારના પ્રયત્નોની વાત પણ કરી હતી.

લક્ષદ્વીપનું ભૌગોલિક સ્થાન

લક્ષદ્વીપ માલદીવ વિવાદ ભારત

ઇમેજ સ્રોત, Manish Gupta/Getty Images

અરબી સમુદ્રમાં આવેલા લક્ષદ્વીપના 36 ટાપુમાં 12 રિંગ આકારના ટાપુ, ત્રણ ખડકો અને પાંચ ડૂબી ગયેલા કાંઠાનો સમાવેશ થાય છે. તેના 10 વસવાટવાળા ટાપુઓની વસ્તી લગભગ 70 હજાર જેટલી છે. આ વસ્તી મોટે ભાગે માછીમારી અને નાળિયેરની ખેતી પર નિર્ભર છે.

પ્રિસ્ટાઇન તરીકે ઓળખાતા સફેદ માટીવાળા આ ટાપુઓ ભારતના અન્ય સાગરકિનારાથી બિલકુલ અલગ છે. સંસ્કૃત ભાષામાં લક્ષદ્વીપનો અર્થ એક લાખ ટાપુઓ એવો થાય છે.

લક્ષદ્વીપમાં 15 વર્ષ સુધી કામ કરી ચૂકેલા અને જીવીઆઈના કન્ઝર્વેશન ડાયરેક્ટર વર્ધાન પાટણકર કહે છે, “આ રિંગ આકારના ટાપુઓ બેજોડ છે અને તેની વિશેષતા એ છે કે તે સમુદ્રી સ્તરેથી થોડા જ ઉપર આવેલા છે. ”

તેઓ કહે છે, “આ વર્તુળાકાર ટાપુઓ એ પ્રાચીન જ્વાળામુખીના અવશેષો છે જે ફાટી નીકળ્યા હતા અને પછી ધીમે ધીમે દરિયાની સપાટીથી થોડા જ ઉપર રહીને પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે સમુદ્રની સપાટીથી બહાર રિંગ ઊપસી આવી હોય તેવું નિર્માણ થયું હતું. લક્ષદ્વીપ કે જે દરિયાની સપાટીથી થોડાક મીટર જ ઉપર છે, તે કોરલ રીફને કારણે સુરક્ષિત છે."

જળવાયુ પરિવર્તન અને લક્ષદ્વીપ

લક્ષદ્વીપ માલદીવ ભારત વિવાદ

ઇમેજ સ્રોત, Mohijaz/Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજા દ્વીપસમૂહોની જેમ જ લક્ષદ્વીપને પણ જળવાયુ પરિવર્તનને કારણે માઠી અસર પહોંચી છે.

લક્ષદ્વીપ રિસર્ચ કલેક્ટિવ અનુસાર, “દરિયાકિનારાના ધોવાણને કારણે આ ટાપુઓની જમીનમાં મોટા પાયે ઘટાડો થયો છે. પરાલી-1 નામનો આખો ટાપુ જ 2017માં અદૃશ્ય થઈ ગયો હતો.”

છેલ્લા બે દાયકામાં આ ટાપુઓએ ચાર મોટી ENSO-સંબંધિત તાપમાન વિસંગતતાઓ જોઈ છે. આ વિસંગતતાને કારણે પવન અને દરિયાના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. જે આપણને વાવાઝોડા સ્વરૂપે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવા મળ્યા છે. અંતે કોરલ બ્લીચિંગ પણ જોવા મળે છે.

વર્ધાન પાટણકર કહે છે, “વૈજ્ઞાનિકોના તાજેતરનાં અનુમાનો પ્રમાણે 2050 સુધીમાં લક્ષદ્વીપ ટાપુઓ દરિયામાં ડૂબી જશે.”

“જો પર્યટન અને અન્ય વિકાસના પ્રોજેક્ટ્સ અથવા ઔદ્યોગિક માછીમારીને કારણે ટાપુ પર વધારાનું દબાણ આવશે તો તે ટાપુઓ અને તેની ઇકૉલૉજી માટે વિનાશક બની શકે છે. તેના કારણે તેઓ જલદી ડૂબી શકે છે.”

સ્પૉર્ટ્સ અનુસાર, ટાપુઓ પર અપેક્ષિત પ્રવાસીઓની વધેલી સંખ્યાની અસરને ખાળવા માટે તેઓ પરમિટ સિસ્ટમનો ઉપયોગ કરીને સંખ્યાને નિયંત્રિત કરવાનું ચાલુ રાખશે. તેઓ ક્રૂઝ જહાજો અને યાટ્સને ટાપુ પર આવવા માટે આમંત્રિત પણ કરી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે તેનાથી રાત રોકાતા લોકોની સંખ્યામાં ઘટાડો થશે. જેથી પેદા થતા કચરાના જથ્થાને નિયંત્રિત કરી શકાશે અને પહેલેથી જ મર્યાદિત ભૂગર્ભજળને પણ સાચવી શકાશે.

જોકે, વૈજ્ઞાનિકો માને છે કે મોટાં જહાજો ટાપુની નાજુક કોરલ રીફની દીવાલને નુકસાન પહોંચાડે છે. આ દીવાલો વાવાઝોડાને અટકાવે છે જેથી તેમની અવગણના કરી શકાતી નથી.

તેમ જ ટાપુ પર બાંધવામાં આવી રહેલા હાઈ-ઍન્ડ વિલાને કારણે ઉચ્ચ કાર્બન ફૂટપ્રિન્ટનું નિર્માણ થાય છે. બાંધકામથી કોરલ રીફને મોટું નુકસાન પહોંચે છે. પાટણકરને એવો પણ ડર છે કે એક વાર જમીન પર રિસોર્ટ્સ બાંધવામાં આવશે તો ટાપુમાં પ્રવાસીઓની ખાદ્ય જરૂરિયાતોને પૂરી કરવા કૉમર્શિયલ માછીમારીનું પ્રમાણ પણ વધશે. હાલમાં તેનું પ્રમાણ ખૂબ ઓછું છે.

મેનન ઉમેરે છે કે, "ટાપુ પર પ્રવાસનવૃદ્ધિ ખૂબ જ નિયંત્રિત હોવી જોઈએ અને તે લક્ષદ્વીપની ઇકૉલૉજીને ટકાવી રાખવા માટે સક્ષમ હોવી જોઈએ."

પ્રવાસીઓ માટેનાં આકર્ષણો

લક્ષદ્વીપ માલદીવ ભારત વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

જે પ્રવાસીઓ લક્ષદ્વીપની મુલાકાત લે છે તેમણે એ ધ્યાન રાખવું જરૂરી છે કે અન્ય સ્થળોની જેમ જ લક્ષદ્વીપમાં ફરી શકાય નહીં. નસીબજોગે ત્યાં એટલી જોખમી ઍક્ટિવિટીઓ પણ કરવા ઉપલબ્ધ નથી.

પાટણકર જણાવે છે કે, “છીછરા પાણી અને કોરલ રીફને કારણે સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કેલિંગ માટે શ્રેષ્ઠ જગ્યા છે. પાણીની અંદરની વિઝિબિલિટી અસાધારણ છે અને પરિણામે સ્નોર્કેલિંગ અને ડાઇવિંગ સેશન દરમિયાન રીફ અદભુત દેખાય છે."

પાણીની અંદર તમને સ્નેપર્સ, ગ્રૂપર્સ, મોરે ઇલ, બટરફ્લાય ફિશ અને બ્લેક બોચ્ડ સ્ટિંગ-રે પણ દેખાય છે. લીલો દરિયાઈ કાચબો પણ સરળતાથી જોવા મળે છે, ક્યારેક દરિયાકિનારા પરથી પણ આ બધું દેખાય છે. ત્યાર બાદ આકર્ષક યલોમાસ્ક સર્જનફિશ જોવા મળે છે જે પુખ્તાવસ્થામાં પહોંચતા જ પીળાથી જાંબલી રંગ ધારણ કરે છે.

ઓછામાં ઓછા પ્રકાશ અને હવા પ્રદૂષણને કારણે રાત્રે અહીંના આકાશનો નજારો પણ અતિશય ભવ્ય જોવા મળે છે.

સપ્ટેમ્બર 2023માં તેમના પરિવાર સાથે લક્ષદ્વીપની મુલાકાત લેનાર શાલીના સીવી કહે છે, “મેં મારી જિંદગીમાં જેટલા તારા, ખરતા તારા જોયા નહીં હોય એટલા મેં અહીં ત્રણ દિવસમાં જ જોઈ લીધા.”

તેઓ કહે છે, “લક્ષદ્વીપ એ સુંદર, શાંત ટાપુ છે જ્યાં જીવન ધીમું પડી જતું હોય તેવું લાગે છે અને જ્યાં તમને શાંતિની અતિવાસ્તવિક ભાવનાનો અનુભવ થાય છે.”

રાત્રે માછલી પકડવાનો અનુભવ પણ અતિ અવિસ્મરણીય નીવડી શકે છે. પ્રવાસીઓ માછીમારો સાથે દરિયામાં જઈને તેનો આનંદ માણી શકે છે. સરકાર સંચાલિત કેટલાક ડાઇવ સેન્ટર્સ પણ કાયાકિંગ, વિન્ડ સર્ફિંગ, પેરાસેઇલિંગ અને અન્ય વૉટરસ્પૉર્ટ ઍક્ટિવિટીની સુવિધા પૂરી પાડી શકે છે.

પાટણકર કહે છે, "મને લાગે છે કે સ્થાનિક લોકોના હાથમાં જ ટાપુ સૌથી સુરક્ષિત રહેશે. ટાપુઓનું રક્ષણ કરવાની તેમની ક્ષમતાને સશક્ત બનાવવા અને મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવું એ ટાપુઓ અને તેની ઇકૉલૉજી માટે શ્રેષ્ઠ પગલું છે."