એ બીચ જ્યાં લોકો નગ્ન થઈને ફરે છે, સૂર્યસ્નાન કરે છે

- લેેખક, ડેમેટ્રિઓસ આયોનોઉ
- પદ, બીબીસી ટ્રાવેલ
મેં છેલ્લો દિવસ ગાવડોસના ગ્રીક ટાપુ પરના સારાકિનીકો ખાતે વિતાવ્યો હતો. સારાકિનીકો તેનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય બીચ છે, પરંતુ હું ત્યાં પહોંચ્યો ત્યારે સોનેરી રેતીમાં ખોડવામાં આવેલા લાકડા નવા બોર્ડ પર ચેતવણી વાંચવા મળી હતીઃ નગ્નતા (ન્યૂડિટી) હવે પ્રતિબંધિત છે.
ક્રેટથી 79 કિલોમીટર દક્ષિણે લિબિયન સમુદ્રની મધ્યમાં આવેલું ગેવડોસ યુરોપનું દક્ષિણ બિંદુ છે અને થોડા સમય પહેલાં સુધી ગ્રીસમાંના એકમાત્ર એવાં સ્થળો પૈકીનું એક હતું, જ્યાં વસ્ત્રવિહીન અવસ્થામાં તરવાની અને સૂર્યસ્નાનની છૂટ હતી.
1983ના ક્યારેય ન સુધારવામાં આવેલા ગ્રીક કાયદા અનુસાર, ગ્રીસમાં માત્ર ન્યૂડિસ્ટ રિસોર્ટ્સમાં જ ન્યૂડિટીની સત્તાવાર છૂટ છે, પરંતુ ગ્રીસમાં અન્યત્ર બિનસત્તાવાર ન્યૂડ બીચીઝ જોવા મળે છે. અહીંની સરખામણીએ દેશમાં ક્યાંય પણ વધારે મજબૂત વસ્ત્ર વૈકલ્પિક સંસ્કૃતિ જોવા મળતી નથી.
દ્વીપના એકમાત્ર રેડિયો સ્ટેશન ગાવડોસ એફએમના ભૂતપૂર્વ માલિક વાસિલિસ ત્જુનારસે કહ્યું હતું, “ગાવડોસ જેવી સ્વતંત્રતા તમને ક્યાંય મળતી નથી.”
વાસિલિસ લગભગ 20 વર્ષ પહેલાં ક્રેટથી આ દ્વીપ પર આવ્યા હતા. તાજેતરમાં ન્યૂડિટી પર લાદવામાં આવેલા પ્રતિબંધનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું, “હું કદાચ આખી જિંદગી અહીં રહીશ. આ દ્વીપ પર આવું જોવા મળશે તેવું મેં ક્યારેય વિચાર્યું ન હતું.”
મેયરની ઑફિસે જુલાઈ, 2023માં સારાકિનીકો ખાતે મૂકેલા પાટિયાને પગલા સ્થાનિકો અને પ્રવાસીઓમાં જોરદાર વિવાદ તથા વિરોધ થયો હતો. એ પૈકીના મોટા ભાગના લોકો અહીંની સ્વૈરવિહારી સંસ્કૃતિને લીધે ગાવડોસની મુલાકાત લે છે અથવા રહે છે.
જોકે, સ્થાનિક સમાચાર માધ્યમો સાથે વાત કરતાં ગાવડોસના મેયર લિલિયન સ્ટેફનાકીએ જણાવ્યું હતું કે માત્ર પ્રવાસીઓ જ પ્રતિબંધ સામે વાંધો ઉઠાવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “પરિવાર આસપાસ ન્યૂડિટીની સંભાવના વિના સ્વિમિંગ કરી શકે એવો કમસે કમ એક બીચ હોવો જોઈએ એવા હેતુસર સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી પ્રતિબંધ ઇચ્છતા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, DEMETRIOS LOANNOU
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટાપુના અન્ય દરિયાકિનારાઓ ન્યૂડ સ્વિમિંગ માટે ખુલ્લા રહે છે ત્યારે ઘણાને ચિંતા છે કે સારાકિનીકો ખાતેનો ન્યૂડિટી પરનો તાજેતરનો પ્રતિબંધ ટૂંક સમયમાં ગાવડોસમાં અન્યત્ર વિસ્તરશે અને ટાપુનું અસ્તિત્વ જોખમાશે.
વસ્ત્રવિહીન અવસ્થામાં સ્વિમિંગ ઉપરાંત આ ટાપુ તેના દરિયાકિનારા પર ફ્રી કૅમ્પિંગ માટે પણ પ્રખ્યાત છે. ગ્રીસમાં અન્યત્ર આવું પ્રતિબંધિત છે. વસ્ત્રવિહીન અવસ્થામાં હરવાફરવાના આ અધિકારને લીધે હજારો સ્વૈરવિહારી પ્રવાસીઓ 1960ના દાયકાથી દરેક ઉનાળામાં આ ટાપુમાં પર ઊમટતા રહ્યા છે.
ગાવડોસના ભૂતપૂર્વ મેયર ગેલ્લી કાલિનીકોઉએ કહ્યું હતું, “મેં સાંભળ્યું છે કે આ ટાપુના વિશાળ વિસ્તારમાં મફત કૅમ્પિંગ પર પણ પ્રતિબંધ મુકાવાનો છે. જો આવું થશે તો ટાપુ અને તેનો આર્થિક વિકાસ રુંધાઈ જશે. હું મેયર હતો ત્યારે અમારે દર વર્ષે અધિકૃત રીતે નિર્ણય કરવો પડતો હતો કે ગાવડોસમાં ન્યૂડિટી તથા ફ્રી કૅમ્પિંગની છૂટ છે. તે 1992માં કૉમ્યુનિટી કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેથી ન્યૂડ સ્નાનકર્તાઓ સલામતી અનુભવે.”
તેમ છતાં 30 ચોરસ કિલોમીટરના આ ટાપુનો ઇતિહાસ તેની પ્રતિ-સંસ્કૃતિ પ્રતિષ્ઠા કરતાં ઘણો ઊંડો છે.
ગાવડોસ પૌરાણિક ઓગીગિયા હોવાનું માનવામાં આવે છે, જ્યાં મહાકવિ હોમરના જણાવ્યા મુજબ, અપ્સરા કેલિપ્સોએ તેના પ્રિય ઈથાકામાં પાછા ફરતા પહેલાં સાત વર્ષ સુધી ઓડીસિયસને પકડી રાખ્યો હતો.
ગાવડોસ દૂર આવેલું હોવાથી 1930ના દાયકામાં ગ્રીક સરકારે સામ્યવાદીઓના દેશનિકાલ માટે તેને એક આદર્શ સ્થળ બનાવ્યું હતું, પરંતુ 1960-70માં હિપ્પી સંસ્કૃતિના ઉદય સાથે ગાવડોસે સ્વૈરવિહારી હોલીડે ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
1971માં અહીં માત્ર 142 લોકો રહેતા હતા અને ગાવડોસ ટૂંક સમયમાં વૈકલ્પિક જીવનશૈલીનું સ્વર્ગ બની ગયું હતું. લોકો બીચ પર કૅમ્પ કરતા હતા, તાપણાં પેટાવતાં હતા, પોતાનું ભોજન જાતે રાંધતા હતા અને વસ્ત્રવિહીન અવસ્થામાં સ્વિમિંગ કરતા હતા.
સારાકિનીકોની મુલાકાતના બીજા દિવસે ટ્રિપિટીના દરિયાકિનારે પહોંચવા માટે મેં ગાવડોસની બીજી બાજુએ સૂરજના તાપ હેઠળ 10 કિલોમીટર દક્ષિણમાં પગપાળા પ્રવાસ કર્યો હતો. ત્યાં ખડક સિમેન્ટથી જડી દેવામાં આવેલી અઢી મીટરની લાકડાની ખુરશી યુરોપના સૌથી દક્ષિણ બિંદુને ચિહ્નિત કરે છે.
1986માં ચેર્નોબિલ અણુ દુર્ઘટના પછી ગાવડોસ દ્રીપ પર પહોંચેલા મુઠ્ઠીભર રશિયન વિજ્ઞાનીઓએ તે ચેર બનાવી હતી. એવી અફવા હતી કે વિજ્ઞાનીઓ કિરણોત્સર્ગના સંપર્કમાં આવ્યા હતા અને સોવિયેત ડૉક્ટરોએ તેમને શક્ય તેટલા શુદ્ધ વાતાવરણમાં રહેવાની સલાહ આપી હતી.
તેઓ સાજા થઈ ગયા હતા. તેમણે તેમના પ્રવાસ દરમિયાન આ ખુરશી બનાવી હતી અને પ્રાંતના કિનારે સિમેન્ટ વડે જડી દીધી હતી, જેથી તેઓ તાજી હવામાં શ્વાસ લઈ શકે અને સમુદ્રની વિશાળતાને નિહાળી શકે.

ઇમેજ સ્રોત, DEMETRIOS LOANNOU
ટ્રિપિટીનો અર્થ ગ્રીકમાં ‘હોલો’ થાય છે અને તેનું નામ ચૂનાના પથ્થરની રચના પરથી પડ્યું છે, જે માલ્ટાની પ્રખ્યાત એઝ્યુર વિન્ડો જેવું લાગે છે અને પેલી ખુરશી ત્યાં છે.
નજીક આવેલું ગામ વાટિસયાના છે. ત્યાં મારી મુલાકાત નિકોસ લુગીઆકિસ અને તેમના ચાર જણના પરિવાર સાથે થઈ હતી. તેઓ યુરોપના સૌથી દક્ષિણ હિસ્સાના નાગરિકો છે.
લુગીઆકિસે ગ્રીક આઈસ્ડ કૉફીના ગ્લાસમાંથી ચૂસકી લેતાં કહ્યું હતું, “હું આખી જિંદગી અહીં રહ્યો છું. પ્રથમ ઘર હોવાને કારણે ટ્રિપિટીથી આવતી દરેક વ્યક્તિની નજર તેના પર પડે છે. આ વિસ્તારમાં કોઈ મિની માર્કેટ નથી. તેથી અહીં આવતા લોકો સામાન્ય રીતે થોડી વાર રોકાતા હતા અને થોડું પાણી માગતા હતા એટલે મેં આ નાનકડું કાફે-રેસ્ટોરાં ખોલવાનું નક્કી કર્યું હતું.”
અસ્તિત્વના નવ વર્ષ પછી લુગીઆકિસનું આ કાફે તેની પરંપરાગત ક્રેટન વાનગી કટિસકાકી સિગારિયાસ્ટો માટે પ્રખ્યાત છે.
બકરાના માંસને ઓલિવ ઑઇલ અને ડુંગળી સાથે કેસરોલમાં રાંધીને આ વાનગી બનાવવામાં આવે છે તથા ફ્રેન્ચ ફ્રાઈસ સાથે પીરસવામાં આવે છે.
“હું અહીં રસોઈઓ છું અને માંસ મારું પોતાનું છે. હું બકરા ઉછેરું છું,” એમ કહેતાં લુગીઆકિસે તેમની લોખંડની વાડ પર સુશોભિત શિંગડાંવાળા બકરાની ખોપરીઓ ગર્વભેર દેખાડી હતી.
મેયરના તાજેતરના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે લુગીઆકિસે કહ્યું હતું, “આ નિર્ણયથી ટાપુનું સમગ્ર વાતાવરણ બદલાઈ જવાનો ડર છે. આ નિર્ણયને લીધે ઘણા લોકોએ આ વર્ષે તેમનો પ્રવાસ રદ્દ કર્યો છે. એ લોકોએ મારા પરિવારને ઉછેરવામાં મને મદદ કરી છે. તેઓ ટાપુ પર પૈસા ખર્ચે છે અને મારી રેસ્ટોરાંમાં તેઓ ક્યારેય વસ્ત્રવિહીન અવસ્થામાં આવ્યા નથી. તેમણે કાયમ મારો આદર કર્યો છે.”

ઇમેજ સ્રોત, IMAGO/ALAMY
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાછલાં વર્ષોની સરખામણીએ આ વર્ષે ઉનાળામાં ગાવડોસમાં નોંધપાત્ર રીતે બહુ ઓછા મુલાકાતીઓ આવ્યા હતા અને મેં મુલાકાત લીધી ત્યારે સારાકિનીકોનો બીચ ખાલીખમ હતો.
ઝુનારાસે મને કહ્યું હતું, “મોટા ભાગના જે લોકો સામાન્ય રીતે સારાકિનીકોમાં કૅમ્પિંગ કરતા હતા એ બધા અન્ય દરિયાકિનારા પર ચાલ્યા ગયા છે.”
સારાકિનીકો એ સ્થળ છે, જ્યાં ગાવડોસમાં મોટા ભાગના દારૂનાં પીઠાં અને મિની માર્કેટ્સ આવેલી છે તેમજ મોટા ભાગના પ્રવાસીઓ અને ટાપુવાસીઓ પરંપરાગત રીતે એકઠા થાય છે.
જોકે, પ્રતિબંધ પછી વિરોધનું દૃશ્ય જોવા મળ્યું હતું, કારણ કે લોકો ગાવડોસ વિઝિટર ઇનિશિયેટિવની પહેલને ટેકો આપવા માટે એકઠા થયા હતા. ગાવડોસ વિઝિટર ઇનિશિયેટિવે સોશિયલ મીડિયા પર #Save_Gavdos હૅશટેગ હેઠળ પોસ્ટ મૂકીને ટાપુની પ્રતિષ્ઠા બચાવવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
2021ની વસ્તીગણતરી મુજબ, હવે ગાવડોસ ટાપુ પર 208 લોકો રહે છે. જોકે, ઝોનારસના અંદાજ મુજબ, વાસ્તવમાં ત્યાં પૂર્ણ સમય રહેતા હોય તેવા લોકોની સંખ્યા માત્ર 70 છે.
અહીં શિયાળો આકરો હોય છે. જોરદાર પવન ફૂંકાતો હોય છે. તેથી ફેરી બોટ્સ દિવસો અથવા સપ્તાહો સુધી અહીં માલસામાન લાવી શકતી નથી, પરંતુ રહેવાસીઓ જેમતેમ કામ ચલાવી લે છે.
વાટિસયાનામાં લુગિયાકિસ પરિવારની બાજુમાં રહેતા ઍલેફ્થેરિયા વાઇલાકાકીએ કહ્યું હતું, “ઉનાળામાં ભલે અહીં લોકો આવતા હોય, પરંતુ શિયાળામાં અહીં લગભગ કોઈ હોતું નથી.”
સાર્વજનિક પરિવહન બે જૂની બસ દ્વારા કરવામાં આવે છે, જે ટાપુના થોડા ડામર અને કાંકરાવાળા રસ્તાઓ પર ચાલે છે તથા તેના ફ્લોર પર સામાન્ય રીતે રેતી પથરાયેલી હોય છે. આલ્મંડ મિલ્ક અને ગ્લુટન-મુક્ત પ્રોડક્ટ્સ હજુ સુધી ગાવડોસ સુધી પહોંચી નથી.

ઇમેજ સ્રોત, DEMETRIOS LOANNOU
ઍલેફ્થેરિયા વાઇલાકાકી અહીં તેમની 10 બકરીઓ, પાંચ ઘેંટાં અને ફ્રી રેન્જની મરઘીઓનું ધ્યાન રાખતાં હતાં.
તેમણે કહ્યું હતું, “અહીં વીજળી આશરે 25 વર્ષ પહેલાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં અમે બધું હાથેથી કરતા હતા. કોઈ કાર ન હતી. અમારી પાસે ફક્ત ગધેડા હતા અને અમે બધા કામ માટે તેનો જ ઉપયોગ કરતા હતા. હવે વીજળી માટે અમારી પાસે જનરેટર્સ છે. ટાપુ બદલાઈ રહ્યો છે. તેમ છતાં ગાવડોસ જેવું કશું નથી.” આટલું કહીને તેમણે મને આગામી ઉનાળામાં ફરી અહીં આવવા વિનંતી કરી હતી.
ન્યૂડિટી પરનો પ્રતિબંધ આગામી ઉનાળા સુધીમાં ગાવડોસના તમામ દરિયાકિનારા સુધી વિસ્તરશે કે કેમ અથવા તો ફ્રી કૅમ્પિંગને મંજૂરી આપવામાં આવશે કે કેમ તે કોઈ જાણતું નથી, પરંતુ કાલિનિકોઉએ કહ્યું તેમ, “ગાવડોસમાં વસ્ત્રવિહીન અને વસ્ત્રધારી લોકોનું સહઅસ્તિત્વ કાયમ હોય છે. અહીં તમને એવી અનુભૂતિ થાય છે કે તમે ઊડી શકો છો, તમારી પાંખો ફેલાવીને આસમાનમાં વિહરી શકો છો.”












