મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત અને ફરવાલાયક પાંચ દેશ કયા છે?

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લિન્ડ્સે ગેલોવે
    • પદ, બીબીસી ટ્રાવેલ

‘એકલા ચલો’ એ પદ્ધતિના કારણે રખડપટ્ટી કરવા નીકળી પડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, આમ છતાં મહિલા વિદેશ પ્રવાસે એકલી નીકળી પડે ત્યારે કેટલાક પડકારો ઊભા હોય જ છે.

જોકે કેટલાક પર્યટનસ્થળો સલામતી અને સમાનતાની બાબતમાં સારું રેન્કિંગ મેળવી ટોચનું સ્થાન મેળવી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે પ્રવાસન અટકી પડ્યું હતું, પરંતુ હવે લોકો કોઈ સાથી મળે તેની રાહ જોયા વિના જ ફરવા નીકળી જવા માટે પૅકિંગ કરવા લાગ્યા છે.

એકલા ફરવા નીકળી પડવાનો ટ્રેન્ડ વિશ્વભરમાં વ્યાપક બની રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ વ્યક્તિગત રીતે પર્યટને નીકળવા લાગી છે.

નોર્વેની ક્રૂઝ લાઇનના એક સંશોધન અનુસાર ત્રણમાંથી એક પ્રવાસી એકલા ફરવા જવાનું પસંદ કરે છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ આ નવા ટ્રેન્ડને આગળ વધારી રહી છે.

ટ્રાવેલ નેટવર્ક વર્ચ્યુઓસોના આંતરિક સંશોધન અનુસાર 2022માં સોલો ટ્રાવેલમાં સૌથી વધુ પ્રમાણ 65 કે તેનાથી વધુ વર્ષની મહિલાઓનું રહ્યું છે.

2019માં વૃદ્ધાઓ આ રીતે એકલી પ્રવાસે નીકળી પડે તેનું પ્રમાણ માત્ર 4% હતું, પરંતુ 2022માં વ્યક્તિગત ધોરણે પ્રવાસ કરનારામાં તેમનું પ્રમાણ 18% થઈ ગયું હતું.

એકલપંડે સ્ત્રીઓ પ્રવાસ કરવા લાગી છે, છતાં નારીઓ માટે હજીય વિદેશમાં પ્રવાસ કરતી વખતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ સલામત રીતે પ્રવાસ કરી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે દુનિયાના લગભગ દરેક ખૂણે મહિલાએ આજે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે અને સુરક્ષા બાબતમાં કાળજી રાખવી પડે છે.

આ સ્થિતિ છતાંય કેટલાક દેશો એવા પણ છે કે તેના દ્વારા મહિલાઓની સુરક્ષા સુધારવા માટે ધ્યાન અપાયું છે અને મહિલા સુરક્ષાની બાબતમાં મહિલા રહેવાસીઓના વલણની બાબતમાં પણ સુધારા માટે પ્રયાસો કર્યા છે.

મહિલા પ્રવાસીઓની સુરક્ષા અને સમાનતાની બાબતમાં કયા સ્થળો વધારે સારી સ્થિતિમાં છે તે જાણવા માટે અમે જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વીમેન્સ પીસ ઍન્ડ સિક્યૉરિટી ઇન્ડેક્સ, વર્લ્ડ ઇકનૉમિક ફૉરના ગ્લોબલ જેન્ડર ગેપ અહેવાલ તથા ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇકૉનૉમિક ઍન્ડ પીસ ગ્લોબલ ઇન્ડેક્સ (WPS)નો આધાર લીધો હતો.

ટોપ રેન્કિંગ દેશોમાં એકલપંડે પ્રવાસ કરનારી મહિલાઓના અનુભવો જાણવા માટે અમે તેમની સાથે પણ વાતચીત કરી હતી. તેમને કેટલી સુરક્ષા લાગી, ટ્રાવેલ માટે તેમની ટીપ્સ કેવી છે અને એકલા સાહસિક પ્રવાસે નીકળ્યા હોય ત્યારે ક્યાંય ક્યાંજ જવું જોઈએ તે પણ જાણ્યું હતું.

ગ્રે લાઇન

સ્લોવેનિયા

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્ય અને પૂર્વ યુરોપના WPS ઇન્ડેક્સમાં ટોચનું રેન્કિંગ ધરાવતા દેશ સ્લોવેનિયાએ હાલના વર્ષોમાં મહિલા સુરક્ષાની બાબતમાં ઘણી પ્રગતિ કરી છે.

આ ઇન્ડેક્સ અનુસાર સ્લોવેનિયામાં પ્રવાસ કરનારી 85% મહિલાઓને સલામત સ્થિતિ લાગી હતી.

ક્લેર રેમ્સડેલ સ્લોવેનિયાના સૌથી મોટા શહેર અને રાજધાની લૂબ્યાનામાં પહોંચ્યાં હતાં અને તેની શેરીમાં રાત્રે ફરીને તેની તસવીરો લીધી હતી.

રેમ્સડેલ કહે છે, "બીજી કોઈ જગ્યાએ આ રીતે રાત્રે ફરવાનું જોખમી થયું હોત, પરંતુ આ પ્રવાસમાં મને મજા પડી હતી." રેમ્સડેલ વાઇલ્ડલેન્ડ ટ્રેકિંગ નામની કંપની સાથે એડવેન્ચર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.

તેઓ ડિટૂર ઇફેક્ટ નામે ટ્રાવેલ બ્લૉગ પણ ચલાવે છે. તેઓ કહે છે, "દેશમાં હું ફરતી રહી તે દરમિયાન ભાગ્યે જ કોઈએ મને પરેશાન કરી હતી કે ભાગ્યે જ કોઈ જગ્યા શોધવામાં મુશ્કેલી પડી હતી. ભાષાની બાબતમાં પણ મુશ્કેલી પડી નહોતી અને એવું કંઈ જોવા ના મળ્યું કે એકલ પ્રવાસી તરીકે જોખમ લાગે."

શહેરમાં ચાલીને ફરવામાં પણ અનુકૂળતા છે એમ તેમને લાગ્યું હતું. દેશમાં પબ્લિક ટ્રાન્સપૉર્ટ દ્વારા ફરવું હોય તો પણ ઘણી સુવિધા હતી અને તેના પર આધાર રાખી શકાય તેમ હતો.

પોતાની જેવા લોકો સાથે જોડાઈ શકાય તે માટે તેઓ લૂબ્યાના ફૂડ ટૂર્સ અને ફૂડ ટૂર લૂબ્યાના માટેની ભલામણ કરે છે.

ગ્રુપમાં હો કે એકલા ફરવા નીકળ્યા હો એક વાર બકવ્હિટ વૉલનટ સ્ટ્રૂકલજીનો સ્વાદ માણવો જોઈએ. મોજી સ્ટ્રૂકલજીનો આ બેસ્ટ ડેઝર્ટ છે એમ તેઓ જણાવે છે અને ભલામણ કરે છે કે કેસાઓનું જગપ્રસિદ્ધ જેલાટો ખાવું જોઈએ.

પગપાળા ફરવાનાં શોખીન એવા રેમ્સડેલ સ્લોવેનિયા ફરવા ગયાં તેનું ખાસ કારણ એ હતું કે તેઓ બહાર ખુલ્લામાં ફરવા માગતાં હતાં અને દેશભરમાં ફેલાયેલી આલ્પાઇન ટેકરીઓ પર ચડવા માગતાં હતાં.

તેમના મતે આ સ્થળે એકાંત પણ મળે છે અને સાથે જ સલામતી પણ ખરી.

તેઓ કહે છે, "મને ઘણી વાર એવું લાગતું કે જંગલમાં છું, પણ મને ખ્યાલ હોય જ કે નજીકમાં એક નગર છે, જ્યાં ઇમરજન્સીમાં પહોંચી શકાય છે. સાવ એકલા પડી ગયા હોય તેવું પણ ના લાગે અને તેના કારણે માનસિક શાંતિ લાગે."

ઈટાલીની સરહદ નજીક પશ્ચિમ સીમાડે આવેલી સોસા રિવરની મુલાકાત લેવાનું પણ તેઓ કહે છે. અહીં ક્રોનિકલ્સ ઑફ નાર્નિયાનું શૂટિંગ થયું હતું.

ચાલતાં ચાલતાં ફરવા માગનારા લોકોને નદીના પાણીમાં મજા પડે, જ્યારે કારમાં નીકળ્યા હોય તે લોકો પણ કારને છોડીને નદી પર બનેલા સસ્પેન્શન બ્રીજ પર ચડવાનો લહાવો લઈ શકે છે.

ગ્રે લાઇન

રવાન્ડા

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

આ દેશની સંસદમાં 55% મહિલાઓ સાંસદ છે અને તે રીતે WPS રેન્કમાં વિશ્વમાં પ્રતિનિધિત્વની બાબતમાં એક નંબરનું સ્થાન ધરાવે છે.

સામુદાયિક સલામતીની બાબતમાં પણ દેશને ઊંચું રેન્કિંગ મળેલું છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં પણ રવાન્ડાનું સ્થાન છઠ્ઠું છે. આર્થિક, શૈક્ષણિક, આરોગ્ય અને રાજકીય ભાગીદારી કેટલા પ્રમાણમાં છે તેના આધારે આ રેન્કિંગ નક્કી થતું હોય છે.

રેબેકા હેન્સન 2019માં ડેનમાર્કથી રવાન્ડાના પ્રવાસે ગયાં હતાં અને ત્યાં તેમને આ સ્થિતિનો જાતઅનુભવ થયો હતો. તેમણે લાગ્યું કે એકલ પ્રવાસી માટે આ દેશ ખૂબ સલામત છે. તેઓ કહે છે, "લગભગ દરેક જગ્યાએ દિવસરાત પોલીસની, સેનાની અને સુરક્ષાકર્મીઓની હાજરી હોય છે. પહેલાં આટલા ચોકી પહેરામાં ધાક જેવું લાગે, પણ પછી સમજાય કે આ યુનિફૉર્મધારી લોકો મૈત્રીપૂર્ણ છે અને હંમેશા તમારી મદદ માટે તૈયાર હોય છે."

તેઓ કહે છે કે "આમ લોકો તમને બહુ પરેશાન ના કરે, પણ ક્યારેક પોતાના ઇંગ્લિશની પ્રૅક્ટિસ માટે તમને "હાઉ આર યૂ?" અથવા "ગૂડ મોર્નિંગ" વગેરે કહીને વાતચીત માટે પ્રયત્ન કરતા હોય છે. ખાસ કરીને બાળકો આવું કરે."

"અંગ્રેજી અને ફ્રેન્ચ બંને રવાન્ડાની સત્તાવાર ભાષાઓ છે, સાથે જ કિન્યારવાન્ડા અને કિશ્વાહિલી ભાષા પણ બોલાય છે. અંગ્રેજી ના બોલી શકનારા લોકો પણ મદદ કરવા માટે તૈયાર હોય છે અને તમે ખોટે રસ્તે ચડી ગયા હો તો ઈશારો કરીને રસ્તો બતાવતા હોય છે."

1994માં તુત્સી લોકોના સામૂહિક નરસંહારની ઘટના બની તે પછી શાંતિ અને સમાધાન માટેના જે પ્રયત્નો થયા છે તેના કારણે રવાન્ડા આ બાબતમાં અગ્રગણ્ય દેશ ગણાતો રહ્યો છે.

દેશમાં ઘણાં બધાં સ્મારકો બનાવાયાં છે, પણ હેન્સેનની ભલામણ છે કે રાજધાનીમાં આવેલા કિગાલી જેનોસાઇડ મેમોરિયલને જોવા માટે ખાસ જવું જોઈએ.

અહીં માત્ર સ્થાનિક નરસંહારનો ઇતિહાસ નથી, પરંતુ દુનિયાભરના આવા બનાવોની નોંધ છે અને તેના કારણે જગત સામે કેવું જોખમ રહેલું છે તેનો પણ સંદેશ આપે છે.

દેશના જાણીતા માઉન્ટેન ગોરીલાને જોવા જવા માટેનો પ્રવાસ મોંઘો પડે છે, પણ પ્રવાસીઓ માટે આ ચૂકવા જેવું હોતું નથી.

આ ઉપરાંત ન્ચૂન્ગ્વે નેશનલ પાર્ક અને ઉત્તર દિશામાં વાનરોને જોવા માટે વોલ્કેનોઝ નેશનલ પાર્ક તથા ગેમ ડ્રાઇવ માટે એકાગેરા નેશનલ પાર્ક પણ જવા માટેની ભલામણ હેન્સેન કરે છે.

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત પાંચ દેશો

સંયુક્ત આરબ અમિરાત

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશોમાં મહિલાઓનું શિક્ષણ અને આર્થિક સમાનતાની બાબતમાં WPSમાં સૌથી ઊંચું રેન્કિંગ સંયુક્ત આરબ અમિરાતના દેશોને મળે છે.

આ પ્રદેશમાં મહિલા સમાનતાની બાબતમાં તે અગ્રગણ્ય છે અને હાલમાં જ સંસદમાં પણ સ્ત્રીઓના પ્રતિનિધિત્વની સમાનતાની બાબતમાં સારું સ્થાન મેળવ્યું છે.

એ જ રીતે આ બધા દેશોમાં સામાજિક સલામતીની બાબતમાં પણ સૌથી ઊંચું રેન્કિંગ મળ્યું છે. 15 વર્ષથી વધારેની ઉંમરની સ્ત્રીઓમાંથી 98.5% એ જણાવ્યું હતું કે "શહેરમાં રાત્રે પણ એકલાં ચાલતાં નીકળવામાં સલામતી લાગે છે અથવા અમારા વિસ્તારમાં પણ અમને સલામતી લાગે છે."

ખાસ કરીને દુબઈને એકલી મહિલા પ્રવાસી માટે સૌથી સલામત ગણાયું છે. ઇન્સ્યોર માય ટ્રીપ નામની ટ્રાવેલ વીમા કંપનીના ઇન્ડેક્સમાં સૌથી સલામત શહેર દુબઈ ગણાયું છે.

ઇન્ફ્લૂએન્સર સેન્ડી આઉદ પેરિસ અને દુબઈ વચ્ચે નિયમિત પ્રવાસ કરે છે અને તેમના મતે દુબઈ તેમને કાયમ સલામત લાગ્યું છે. શહેરના સીમાડે ફરવામાં પણ સલામતી લાગે.

તેઓ કહે છે, "એક વાર મારે ટાયરમાં પંક્ચર થઈ ગયું તો હું રણની વચ્ચે કાર છોડીને આવતી રહી હતી. મને ખ્યાલ હતો કે મને ટેક્સી મને અહીં આવીને લઈ જશે અને મારી કાર અહીં પડી રહેશે તો તેને કંઈ થવાનું નથી."

એકલા પ્રવાસે નીકળ્યા હોય તેમણે ડેઝર્ટ સફારીએ જવું જોઈએ એમ તેઓ કહે છે, કેમ કે આ પ્રવાસમાં ઘણા બધા મજાના લોકોનો સંપર્ક થાય છે. જોકે વધારે સાહસિક બનવાનું ગમતું હોય તો પામ ડ્રોપઝોન પાસે સ્કાયડાઇવિંગ કરવા માટેનું તેઓ કહે છે.

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

જાપાન

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી ઓછા હિંસક ગુનાઓ અને બહુ ઓછા પ્રમાણમાં ઘર્ષણની સ્થિતિ હોય તેના કારણે ગ્લૉબલ પીસ ઇન્ડેક્સમાં જાપાનને હંમેશા ટૉપ 10 સૌથી સલામત દેશોની યાદીમાં સ્થાન મળતું રહ્યું છે.

જાપાનમાં મહિલાઓ માટે સબવે કારની પદ્ધતિ છે જે માત્ર મહિલાઓ માટે હોય છે. (અમુક રૂટ અને અમુક સમયે આવી સેવાઓ મળતી હોય છે.)

એ જ રીતે માત્ર મહિલાઓ માટેની હોટલો પણ હોય છે એટલે આ દેશમાં એકલી પ્રવાસી મહિલા માટે ખૂબ સલામતીની સ્થિતિ જણાતી હોય છે.

અન્ય દેશોની તુલનામાં માણસ એકલા જ ખાણીપીણી માટે જાય કે એકલ રીતે શોખ પાળે તેનું કલ્ચર રહેલું છે.

જાપાનમાં જ જન્મેલા અને ચેપ્ટર વ્હાઇટ નામની ટૂરિઝમ કંપનીના સ્થાપક માઈકા વ્હાઈટ કહે છે, "વસતિ ઘટવા લાગી છે અને લોકો લગ્ન પણ કરવાનું ટાળી રહ્યા છે, જેને સોલો ટાઇમ એટલે કે વ્યક્તિગત સમયની સંસ્કૃતિ માણે છે અને તે રીતે સોલો ટ્રાવેલ સાથે ઘણી બાબતો જોડાઈ ગઈ છે."

"મૅગેઝિનમાં બેસ્ટ સોલો કારાઓકે, સોલો રામેન શૉપ અને સોલો ઓન્સેન વિશે લેખો લખાતા રહે છે."

20 વર્ષ પહેલાં ઇન્ડોનેશિયાથી અહીં આવીને વસેલા લુલુ એસાગેફને અહીં પ્રથમથી જ સલામતીનો અહેસાસ થઈ ગયો હતો.

તેઓ કહે છે, "સ્થાનિક લોકો તમને ઘર જેવો જ માહોલ આપે છે અને અજાણ્યાને પણ મદદ કરવા માટે રાજી હોય છે."

તેઓ હવે ઇન્ટરપીડ ટ્રાવેલ માટે ટૂર લીડર તરીકે કામ કરે છે. તેઓ સૂચન આપતા કહે છે કે જાપાનમાં ગ્રામીણ વિસ્તારમાં ફરવા જાવ તો સાથે ગાઈડ લઈ જવો જોઈએ, કેમ કે ત્યાં લોકો અંગ્રેજી સમજતા હોતા નથી.

જાપાનમાં લોકોને એકલા બેસીને જમવાની ટેવ છે અને તે રીતે ક્યોટો, ઓસાકા અને ટોક્યોમાં વિવિધ સ્વાદને માણી શકાય છે.

ટોક્યોમાં તેમની સૌથી મનપસંદ જગ્યા શિન્જુકુ સાન-ચોમ વિસ્તાર છે, જ્યાં ઘણી બધી રેસ્ટોરાં આવેલી છે. અહીં નાઇટલાઇફ પણ મળે છે અને (જાપાની પદ્ધતિના પબ) ઇઝાકાયા પણ ઘણા આવેલા છે.

જાપાનનાં ટિપિકલ ટૂરિસ્ટ સ્થળોને બદલે અન્ય જગ્યાએ જવાની ઇચ્છા હોય તો કાનાઝાવા શહેરમાં જવા માટેની ભલામણ તેઓ કરે છે. આ શહેર સામુરાઈના નગર તરીકે જાણીતું છે.

જાપાનના આલ્પ્સ તરીકે ઓળખાતા ટાકાયામા પહાડો પણ ફરવાલાયક છે.

તેઓ કહે છે, "તાકાયામામાં પરંપરાગત સ્થાપત્ય જોવા મળે છે અને સેક બ્રૂઅરી છે."

તાકાયામામાં શોવા-કાન મ્યુઝિયમ આવેલું છે તે પણ જોવા જેવું છે. અહીં 1926થી 1989 દરમિયાન એમ્પરર હિરોહિટોનું શાસન હતું તે વખતના કલાના નમૂનાઓ રાખેલા છે.

મહિલાઓ માટે સુરક્ષિત પાંચ દેશો

નોર્વે

મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત પાંચ દેશો

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાઓની આર્થિક સમાનતા, કાયદેસર કોઈ પણ રીતે ભેદભાવ નહીં અને સામાજિક રીતે નારી સલામતીની બાબતમાં WPS રેન્કમાં સૌથી વધુ સ્કોર નોર્વેનો છે.

આ ઉપરાંત લિંગ સમાનતા અને સુખાકારીની બાબતમાં પણ દુનિયામાં ટૉપ 10 દેશોમાં નોર્વેનું સ્થાન સતત જળવાઈ રહેલું છે. બીજું કે LGBTQ+ તથા એકલ પ્રવાસીઓ સહિત દરેક પ્રકારના પ્રવાસીઓ માટે પણ નોર્વે આવકારદાયક દેશ રહ્યો છે.

ઓસ્લોમાં રહેતા અને અપ નોર્વેના સ્થાપક ટોરુન ટ્રોન્સવેન્ગ કહે છે કે અહીંની સંસ્કૃતિ સહનશીલતા ધરાવે છે અને ભરોસો કરનારી છે. તેના કારણે એકલપંડે પ્રવાસ કરતી મહિલાઓ માટે આદર્શ ફરવાલાયક સ્થળ છે.

તેઓ કહે છે, "તમારે રેસ્ટરૂમ જવું હોય તો તમે કાફેમાં તમારી બાજુના ટેબલ પર બેસેલા કોઈને પણ કહીને જઈ શકો કે મારા સામાનનું જરા ધ્યાન રાખજો."

અહીં ઘણા બધા બિઝનેસ મહિલાઓ દ્વારા ચાલે છે તે વાતનું પણ તેમને ગૌરવ છે. નોર્વેના ગ્રામીણ વિસ્તારોમાં ઘણી મહિલાઓએ રહેવાલાયક અને ખાણીપીણી માટેનાં સુંદર મજાનાં સ્થળો તૈયાર કર્યાં છે. તેનું સંચાલન પણ સંપૂર્ણપણે સ્ત્રીઓના હાથમાં હોય છે.

નોર્વેમાં બહાર ખુલ્લાં મેદાનોમાં રહેવા માટેની જીવનશૈલી આદર્શ ગણાય છે અને ફરવા જવા માટે પણ તેવાં સ્થળોની જ પસંદગી કરવાની સલાહ ટ્રોન્સવેન્ગ આપે છે.

નાસાની આગાહી છે કે 2025ના વર્ષમાં નોર્વેના આકાશમાં સોલર એક્ટિવિટી વધવાની છે. તેના કારણે આર્કટિક સમુદ્રના કિનારેથી નૉર્ધન લાઇટ્સ (આકાશી ચમકારા)ને માણવાની તક છે. અહીં દિવસે શ્વાનગાડીમાં સ્લેડિંગ અને સ્નોશૂઈંગ પણ કરી શકાય છે અને રાત્રે પરિવારો દ્વારા સંચાલિત ઇગ્લૂમાં અથવા તો બરફની હોટલમાં રહેવાની મજા પણ માણી શકાય છે.

રેડ લાઇન
રેડ લાઇન