કંબોડિયા : અંગકોરવાટનાં પ્રાચીન હિંદુ મંદિરો તરફ 100 કિમીની દિલધડક બાઇક સફર

કંબોડિયા, અંગકોરવાટના મંદિરો, બાઇક ટ્રિપ, ઍડવેન્ચર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, રૉબિન ચેરી
    • પદ, બીબીસી ટ્રાવેલ

અનેક પ્રાચીન પુલો, ખૂબ ઓછાં જાણીતાં મંદિરો અને એવા રસ્તાઓ કે જ્યાં તમે બાઇક ચલાવતા હોવ તો તમને ઍડવેન્ચર કરી રહ્યા હોવાની અનુભૂતિ થાય.

કંબોડિયાનો આ ઈસ્ટ રૉયલ રોડ એ પ્રખ્યાત ખમેર સામ્રાજ્યની એક અનોખી બાજુ દર્શાવે છે.

મારા જન્મદિવસના દિવસે સવારે હું એક મિનીવાનમાં બેસીને આ સફરે જવા માટે નીકળ્યો હતો, પણ પછી કંઇક એવું બન્યું કે હું એક કંબોડિયન વ્યક્તિની ડર્ટ બાઇક પર તેને પકડીને તેની પાછળ બેઠો.

સવારે સાત વાગ્યે હું રૅફલ્સ ગ્રાન્ડ હોટેલ ડી'અંગકોર સિયામ રીપની કટાયેલા લોખંડની લિફ્ટમાંથી નીચે ઊતર્યો, ત્યારે હું જેકી કૅનેડીએ 1967માં અહીંની લીધેલી મુલાકાતની કલ્પના કરી રહ્યો હતો.

પછી હું મારા ટૂર ઑપરેટર ‘અબાઉટ એશિયા’ના ગાઇડ ફેકડે ‘દે’ સિએંગને મળ્યો.

હું સિયામ રીપ એટલા માટે આવ્યો હતો કારણકે મારે કંબોડિયાના 100 કિમી લાંબા ઈસ્ટ રોયલ રોડને ખૂંદવો હતો.

આ માર્ગમાં અંગકોર વાટ, બેંગ મિલીઆ અને પ્રિઆહ ખાન કૉમ્પોંગ સ્વેનાં પ્રાચીન મંદિરો આવેલાં છે.

ખમેર સામ્રાજ્ય તેના રસ્તાઓ માટે જાણીતું હતું

કંબોડિયા, અંગકોરવાટના મંદિરો, બાઇક ટ્રિપ, ઍડવેન્ચર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, કૅમ્પોંગ દેઈ બ્રિજ

ખમેર વંશે ઈસવીસન 802 થી 1431 સુધી દક્ષિણપૂર્વ એશિયાના મોટા ભાગ પર શાસન કર્યું હતું. આ સામ્રાજ્ય તેનાં મંદિરો માટે જાણીતું હતું, પરંતુ આ સામ્રાજ્યની મોટાભાગની તાકાત તેની માર્ગ વ્યવસ્થામાં હતી. જે ઐતિહાસિક રાજધાની અંગકોરથી આજના થાઈલૅન્ડ, વિયેતનામ, લાઓસ અને મ્યાનમાર સુધી લગભગ 3,000 કિલોમીટર લાંબી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સમયમાં રાજધાનીને તેના પ્રાંતીય શહેરો સાથે જોડતા પાંચ શાહી રસ્તા હતા. ઈસ્ટ રૉયલ રોડમાં માત્ર અખંડ રહેલું ખમેર સામ્રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પુલ, તળાવ, દીવાલો અને પાળા સહિત)નો સૌથી મોટો સંગ્રહ જ નથી, પણ રેસ્ટહાઉસ ટૅમ્પલ્સ પણ છે. જે બાકીના રસ્તા પર જોવા મળતાં નથી. ‘રેસ્ટહાઉસ ટૅમ્પલ્સ’ એ એવાં મંદિરો છે, જ્યાં યાત્રાળુઓ ભોજન કરી શકે, પ્રાર્થના કરી શકે અને ઊંઘી પણ શકે.

ખમેર મંદિરો બનાવવા માટે વપરાતા પથ્થરો અને તેમનાં રક્ષણ માટે શસ્ત્રો બનાવવા માટેનું લોખંડ પણ આ રસ્તે જ આવતું.

ખમેર સામ્રાજ્ય તેમની અત્યાધુનિક સિંચાઈપ્રણાલી માટે જાણીતું હતું. આ સામ્રાજ્યના રસ્તા પ્રાચીન લેટેરાઈટ પુલ સાથે જોડાયેલા છે. તેમાંથી મોટાભાગના પુલો હજુ પણ ઉપયોગમાં છે અને નદી-નાળાં પાર કરવા માટે વપરાય છે.

આ આખા રૂટને ડર્ટ બાઈકર્સ અને પ્રાચીન મંદિરો જોવાના શોખીનો માટે એક યાદગાર રોડ ટ્રિપ ગણવામાં આવે છે.

હું પહોંચ્યો તે પહેલાં જ વડા પ્રધાન હુન માનેટે બેંગ મિલીઆ અને પ્રિઆહ ખાન જેવાં ઐતિહાસિકસ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવા માટે નામાંકિત કર્યાં હતાં.

આવનારાં વર્ષોમાં આ સ્થળોમાં રસ વધવાની શક્યતા હોવાથી હું એ તમામ સ્થળો જોવા માગતો હતો.

ધૂળિયા રસ્તાની સફર

કંબોડિયા, અંગકોરવાટના મંદિરો, બાઇક ટ્રિપ, ઍડવેન્ચર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, બેંગ મિલીઆ નામનું જંગલમાં આવેલું મંદિર કે જે ઈસ્ટ રૉયલ રોડથી જોડાયેલું છે

તેમાં સમસ્યા માત્ર એક જ હતી કે ગરમી અતિશય હતી. પ્રવાસીઓએ એપ્રિલ મહિનામાં સિયામ રીપ આવવાનું ટાળવું કારણ કે એ સમયે ત્યાં અતિશય ગરમી પડે છે.

આ અઠવાડિયે તો અહીં હીટવેવની સ્થિતિ હતી અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જ્યારે 1-11+ ના સ્કેલ પર યુવી ઇન્ડેક્સ આંક 12 હતો.

ડેની યોજના એવી હતી કે પહેલાં પ્રિઆહ ખાનની મુલાકાત લેવી અને પછી સિયામ રીપમાં પાછા ફરતા પહેલાં બેંગ મિલીઆ જવું. અંગકોર બીજા દિવસે જવાનું હતું.

માટીના પ્રાચીન રસ્તા પર સિયામ રીપથી પ્રસ્થાન કર્યું (હવે મોટાભાગનો માર્ગ હાઈવે 6 નો ભાગ છે, જે પાક્કો રસ્તો છે), ત્યાર પછી અમારો પ્રથમ મુકામ કૅમ્પૉંગ કેડેઈનો 86 મીટર લાંબો પુલ હતો. જે 12મી સદીના સૌથી મહાન અને મહત્ત્વાકાંક્ષી ખમેરના જયવર્મન સાતમાના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો, તે 21 કમાનો પર ટકેલો હતો.

કાટ જેવા રંગનો આ પુલ કંબોડિયાની 5,000 રિઆલની નોટ પર પણ જોવા મળે છે. તેમાં નવ માથાવાળા નાગના સ્વરૂપમાં આકર્ષક ગ્રીલ છે. આ નવ માથાનો નાગ એ પૌરાણિક અર્ધ-માનવ, અર્ધ-સર્પ છે જે પાણી અને ફળદ્રુપતાનું પ્રતીક ગણવામાં આવે છે અને ખમેર કળાકૃતિઓમાં બહુ લોકપ્રિય છે.

અમે એક ઊબડખાબડ, ધૂળિયા રસ્તા પર ચઢ્યા ત્યારે ડેએ કહ્યું, "ફ્રી મસાજ રોડ પર આપનું સ્વાગત છે."

મને નવાઈ લાગી કે તેને કેવા પ્રકારની માલિશ મળતી હશે કારણ કે મને તો એવું લાગતું હતું જાણે મને બીજા માળની બારીમાંથી વારંવાર નીચે પછાડવામાં આવતો હોય.

પ્રિઆહ ખાનથી હજુ એક કલાકના અંતરે અને હવે હાઈવેથી દૂર કંબોડિયાનું એક વધુ ગૂઢ દૃશ્ય જોવા મળતું હતું. સિમેન્ટથી બનેલાં મકાનોની જગ્યાએ હવે લાકડાનાં ઘરો દેખાવાં લાગ્યાં જે થાંભલા ઉપર બનેલાં હતાં.

એક વાછરડું અને તેની માતા ધૂળિયા રસ્તેથી પસાર થતાં હતાં અને નિર્વસ્ત્ર બાળકો મજાથી રમતાં હતાં અને હસતાં હતાં. ડેના કહેવા અનુસાર અહીંના ગ્રામીણો મુખ્યત્વે ખેડૂત છે અને કાજી, કસાવા અને ચોખાની ખેતી કરે છે.

કંબોડિયા, અંગકોરવાટના મંદિરો, બાઇક ટ્રિપ, ઍડવેન્ચર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પ્રિઆહ ખાન

હાડકાં બરાબર ખખડી ગયાં હોય તેવી સ્થિતિમાં અમે પ્રિઆહ ખાન પહોંચ્યા. અંગકોર વાટમાં રોજના હજારો મુલાકાતીઓ આવે છે, જ્યારે પ્રિએહ ખાન સુધી બહુ ઓછા પ્રવાસીઓ પહોંચી શકે છે.

મેં અને એક સાથી પર્યટકે એકબીજા સાથે સ્મિતની આપ-લે કરી ત્યારે અમને લાગ્યું કે અમે કોઈ રહસ્યની શોધમાં છીએ.

ડેએ જણાવ્યું, "આ મંદિર એ સામ્રાજ્યમાં સૌથી વધારે લૂંટાયેલું મંદિર હતું. 19મી સદીમાં ફ્રાન્સના શોધકર્તાઓ અને 20મી સદીમાં સ્થાનિક લોકોએ તેને લૂંટ્યું હતું."

કેટલીક જગ્યાઓ પર મંદિર જેંગાની એક વિશાળ રમત જેવું દેખાતું હતું. પરંતુ આ નકશીકાર ત્રણ માથાવાળા પથ્થરના હંસ, ગરુડ (દિવ્ય પક્ષી), હાથીઓ અને નાગથી ભરેલું એક પ્રાણીઘર પણ હતું.

અમે 9.5 મીટર ઊંચી એક પુનઃનિર્મિત મૂર્તિ પ્રિઆહ ચહતોમુખ પાસે ઊભા રહ્યા. આ મૂર્તિમાં દરેક દિશા તરફ મુખ હોય તે રીતે સ્મિત કરતા ચાર બુદ્ધ જોવા મળતા હતા.

વિશાળ પથ્થરના મિનારામાંથી કોતરવામાં આવેલા શાંત, રહસ્યમય ચહેરાના ઉત્કૃષ્ટ દૃશ્યથી હું આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે મને સમજાયું કે સાથી પ્રવાસીઓ તેને "દક્ષિણપૂર્વ એશિયાની મોનાલિસા" કેમ કહે છે.

બપોરના ભોજનમાં એક સ્થાનિક રેસ્ટોરાંમાં ઘાસની ઝૂંપડીમાં ભાત અને સૂકી માછલીનું સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું. ડેએ કહ્યું કે "આ રસ્તો ડર્ટ બાઈક પર બહુ સારો રહેશે."

પ્રિઆહ ખાનથી ખ્વાવ ગામ સુધીના રસ્તે માત્ર ઑફ રોડ મોટરસાઈકલ અને બળદગાડા દ્વારા જ જઈ શકાય તેમ છે. સદ્નસીબે અમારી મુલાકાત એવા બે લોકો સાથે થઈ જેઓ અમને લઈ જવામાં રાજી હતા.

મેં "જન્મદિવસના પ્રભાવ" વિશે વિચાર્યું જે મુજબ આંકડાકીય રીતે જોવામાં આવે તો તમારા જન્મદિવસે અથવા તેની આસપાસ મરવાનું જોખમ વધારે હોય છે. ભયંકર ગરમીમાં ઊબડખાબડ અને ધૂળિયા રસ્તા પર ડર્ટ બાઈક પર પાછળ બેસીને જવામાં મારા પર જોખમ વધવાનું હતું.

દુર્લભ ખંડેરો અને વિશ્રામસ્થળો

હું જે ડર્ટ બાઈક પર સવાર થયો તેને ચિટ ચલાવતા હતા. હું તેમની બાઈક પર બેસી ગયો અને ગ્રેબ રેલને જકડીને પકડી લીધી ત્યારે તેઓ ચિંતિત લાગતા હતા. ત્યાં સુધી ગંભીર દેખાવ ધરાવતા ડેના ચહેરા પર એક સ્મિત આવી ગયું.

એંજિન ચાલુ થયું અને અમે રવાના થયા. જંગલમાંથી પસાર થતી વખતે અમે ખાડા અને નીચે લટકતી ઝાડની ડાળીઓથી પોતાની જાતને બચાવતા રહ્યા. ભરપૂર ઉત્સાહ સાથે અમે જંગલો, ખેતરો અને ક્યારેક માટીના રસ્તા પર જોવા મળતાં ટ્રૅક્ટરોને વટાવીને આગળ વધતા ગયા, અંતે ભાગ્યે જ જોવા મળતાં દુર્લભ ખંડેરોમાં ઘૂમવા માટે અમે રોડની એકબાજુ ઊભા રહ્યા.

પ્રિઆહ ખાનથી બેંગ મિલીઆ સુધીના રસ્તા પર અનેક વિશ્રામસ્થળો આવેલાં છે, જે ફાયરહાઉસ તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત થોડાં મોટાં વિશ્રામગૃહ મંદિરો છે. આ જગ્યાઓ પર થોભનારા લોકો ધાર્મિક હતા, ધર્મનિરપેક્ષ હતા કે પછી બંને હતા તેના વિશે ઇતિહાસકારોમાં મતમતાંતર છે. આ જગ્યાએ પહોંચવું એટલું મુશ્કેલ છે કે તેના વિશે બહુ ઓછું સંશોધન કરવામાં આવ્યું છે.

અમે સોફિપ ટબોંગમાં અટક્યા જે તમામ વિશ્રામગૃહોની ડિઝાઇનને પ્રતિબિંબિત કરે છે. એક બાહ્ય દિવાલ જેમાં એક મોટો દરવાજો છે જે બે ગૅલેરીથી ઘેરાયેલ એક સેન્ટ્રલ હૉલવે તરફ આગળ વધે છે.

ત્રાંસી બારીઓમાંથી એક સાંકડા ઓરડામાં જોતી વખતે મેં પ્રાચીન પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓની કલ્પના કરી, જેઓ વિશાળ ખમેર સામ્રાજ્યમાં પોતાની લાંબી સફરમાં રાહત ઇચ્છતા હતા.

સરેરાશ ખમેર મુસાફર દરરોજ સરેરાશ 30 કિમીનું અંતર કાપી શકતા હતા એવું માનવામાં આવે છે. તેથી આ વિશ્રામગૃહો 15-15 કિલોમીટરનાં અંતરે બાંધવામાં આવ્યાં હતાં, જેથી બપોરે અને સાંજે રોકાવાની સુવિધા મળી શકે.

અહીં પ્રસાત પ્રામ નામે અન્ય એક વિશ્રામગૃહ આવેલું છે જે મોટા ભાગે એકબીજા સાથે વેલથી ઘેરાયેલા ખડકોની એક શૃંખલા છે, પરંતુ એક અલગ બારીમાંથી નકશીદાર સ્થંભ જોવા મળ્યા જે ખમેર બારીમાં પડદા તરીકે કામ કરે છે.

ગરમીના કારણે હું ત્રાસી ગયો હતો, પરંતુ એટલું સારું હતું કે રસ્તા સૂકા હતા, કારણ કે રસ્તા ભીના હોત તો બળદગાડાના કારણે પડેલા ખાંચા પર બાઈક ચલાવવું જોખમી બની જાત.

અમે રવાના થયા તે અગાઉ મેં ડેને પૂછ્યું કે આપણને કોઈ બળદગાડું કેમ જોવા ન મળ્યું? તેમણે જવાબ આપ્યો, "આવી ગરમીમાં બળદ ચાલી ન શકે."

વૃક્ષોમાંથી જાણે કે સુગંધ આવતી હતી

કંબોડિયા, અંગકોરવાટના મંદિરો, બાઇક ટ્રિપ, ઍડવેન્ચર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પ્રસત પ્રામ નામનું વિશ્રામગૃહ

બાઈક પર પાછા આવીને મેં ચિટના ખભાને મજબૂતીથી પકડી લીધા. ડેએ કહ્યું કે "હજુ એક મંદિરે જવું છે."

વીસ મિનિટ પછી હું શ્વાસ લેવા રોકાયો તે પહેલાં ખંડેર બની ગયેલાં અગ્નિમંદિર 'પ્રસાત તા એન'ના બ્લૉક પર સાવધાનીથી ચાલતો હતો.

આ આરામ કરવા માટે અટકવાની જગ્યા હતી. પાંદડાંનો અવાજ આવતો હતો અને સૂર્યનાં કિરણો જંગલની આરપાર ઊતરતાં હતાં ત્યારે મેં વૃક્ષોની સુગંધ માણી. તેની જાળવણી કરવામાં નહીં આવે તો આ જગ્યા લુપ્ત થઈ જશે. પથ્થરના કેટલાક ઊભરેલા ભાગોને છોડી દેતાં બાકીની આખી જગ્યાને પ્રકૃતિએ પોતાના કબ્જામાં લઈ લીધી હતી.

ત્યાર પછી અમે અમારા છેલ્લાં પુલ સ્પિન તા ઓંગ તરફ આગળ વધ્યાં જેણે અમને ઊબડખાબડ રસ્તામાંથી એક રાહત આપી. 70 મીટર કરતાં વધારે લાંબો આ નકશીદાર પુલ જેટલો સુંદર છે, એટલો જ પ્રભાવશાળી પણ છે. ખાસ કરીને બપોર પછીના પ્રકાશમાં તેની નાગની કોતરણીવાળી ગ્રીલ અદ્ભુત રીતે ચમકે છે.

ખ્વાવમાં પહોંચીને મારી 30 કિમી લાંબી ડર્ટ બાઈકની સાહસયાત્રા સમાપ્ત થઈ. મેં ડર્ટ બાઈક ચલાવનાર ચિટને વિદાય આપી અને ડેની સાથે મારા ઍર કંડિશન્ડ વાહનમાં ફરી બેસી ગયો.

અમે બેંગ મિલીઆથી 20 કિમી દૂર હતા અને આ અંતર કાપતાં 15 મિનિટ લાગી. અમે મોડા પહોંચ્યા હતા, પરંતુ ડેએ બિયરની ચુસ્કી લઈ રહેલા એક ગાઇડને 5 ડૉલર આપ્યા તો અમને બેંગ મિલીઆમાં પ્રવેશ મળી ગયો. પછી તો બધું અમારું જ હતું.

બેંગ મિલીઆ એ અંગકોટ વાટના સમયમાં નિર્મિત છે અને ઘણા લોકો માને છે કે તે રાજધાની માટે એક નમૂનારૂપ હતું. આ મંદિર રહસ્યમય અને રૉમેન્ટિક છે અને લગભગ યથાવત્ સ્થિતિમાં છે.

સિલ્ક કૉટનનાં વૃક્ષો પથ્થરનાં ખંડેરોને પોતાનામાં સમાવી લે છે. તેનાં મૂળ જાણે કોઈ વિશાળ ગરોળીના પંજાની જેમ જમીન બહાર ફૂટી નીકળ્યાં છે. વિચિત્ર દેખાતી ડાળીઓ જાણે જમીનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી હોય તેવું લાગે છે.

મેદાનની ચારે બાજુએ રેતીના પથ્થરોના મોટા ઢગલાં પડ્યા છે જેમાંથી કેટલાકને જટિલ નકશીકામથી સજાવવામાં આવ્યા છે. અમે લાકડાના ઘુમાવદાર રસ્તે ખંડેરોમાં ગયા. (2004માં આવેલી ફિલ્મ ટુ બ્રધર્સના સેટ માટે લાકડાના વૉકવે બનાવવામાં આવ્યા હતા જેમાં ગાય પિયર્સે અભિનય કર્યો હતો.)

એક દિવાલના કાટમાળની વચ્ચે એક માસ્ટરપીસ મળી ગયો. તે હિંદુ દંતકથાના અમૃતમંથનનું દૃશ્ય હતું જેમાં દેવતાઓ અને દાનવો સમુદ્રમાંથી અમૃત મેળવવા માટે તેનું મંથન કરતાં જોવા મળે છે.

એક કલાક પછી અમે સિયામ રિપમાં પાછા ફર્યા અને અબાઉટ એશિયાની ઑફિસ નજીક અટક્યા. ત્યાં કીચડથી લથપથ સ્થિતિમાં મેં સિયામ રિપની કેટલીક મહિલા ગાઇડ પૈકી એક સિલેન ટ્રુ સાથે વાત કરી. મેં જ્યારે પૂછ્યું કે તમે મારાં ગાઇડ કેમ નથી? તો તેમણે હસીને જવાબ આપ્યો, "ડર્ટ બાઈક, એ તો પુરુષો વાપરે છે."

હું રેફલ્સ પાછો ફર્યો ત્યારે જેકી કેનેડીના બદલે બૅર ગ્રિલ્સ જેવો દેખાતો હતો. મારા વાળમાં કાંટા ભરાઈ ગયા હતા, મારાં ચશ્મા સિવાયના ચહેરા પર ધૂળ જમા થઈ ગઈ હતી. મેં જ્યારે મારાં મોજાં ઉતાર્યા ત્યારે તે ભયંકર ગંદાં હતાં. મારા માટે તે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ હતો.

ઑપન રોડ એ દુનિયાના સૌથી ઉલ્લેખનીય હાઈવે અને ઉપમાર્ગોનો ઉત્સવ છે. તે યાદ અપાવે છે કે કેટલાક સૌથી મહાન સફરનાં સાહસો ગતિમાન ચક્રો મારફત થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.