લૂંટની એ ઘટના જેમાં લૂંટારાઓએ આખી ટ્રેન ગાયબ કરી દીધી અને પૈસા ક્યારેય ના મળ્યા

ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ ટ્રેન જેને લૂંટવામાં આવી

આઠમી ઑગસ્ટ, 1963. ગ્લાસગોથી એક ટ્રેન દોડી હતી. સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક ટોળકીએ ટ્રેનને રોકી હતી અને તેમાંથી 26 લાખ પાઉન્ડની ચલણી નોટો લઈને નાસી છૂટી હતી. આશરે 60 વર્ષ પહેલાંના 26 લાખ પાઉન્ડનું મૂલ્ય આજે લગભગ પાંચ કરોડ પાઉન્ડ થાય.

આ ઘટનાને 60 વર્ષ વીતી ગયાં છે, પરંતુ બ્રિટિશ લોકોનાં મનમાં આ લૂંટની યાદ આજે પણ તાજી છે. આ લૂંટને 'ધ ગ્રેટ ટ્રેન રૉબરી' તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના પરથી ઘણી ફિલ્મો અને સીરિયલો બની છે. આ કુખ્યાત લૂંટ આજે પણ અનેક લોકો માટે એક દંતકથા બની રહી છે.

લૂંટારાઓએ કેવી યોજના ઘડી હતી? એ દિવસે શું થયું હતું અને લૂંટારાઓનું આગળ જતાં શું થયું હતું?

એ 15 લોકોની ગૅંગ હતી અને બ્રુસ રેનોલ્ડ્ઝ તેનો વડો હતો. તેને એક રેલવેકર્મચારી પાસેથી માહિતી મળતી હતી, પણ એ કર્મચારી કોણ હતો તે છેક સુધી જાણી શકાયું ન હતું.

કર્મચારીએ આપેલી માહિતીને આધારે તેણે લૂંટનો પ્લાન ઘડાયો હતો. તેણે રેલવેની સિગ્નલ સિસ્ટમમાં છેડછાડ કરીને ટ્રેનને બકિંગહામશાયર પાસે રોકી દીધી હતી. લૂંટારુ ટોળકીએ લૂંટમાં બંદૂક અથવા તેનાં જેવાં હથિયારોનો ઉપયોગ કર્યો નહોતો, પરંતુ લોખંડના સળિયા વડે ટ્રેનના ડ્રાઇવરના માથામાં ફટકો માર્યો હતો. ડ્રાઈવર બચી ગયો, પરંતુ ક્યારેય સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યો ન હતો.

ગ્રે લાઇન

કેવી રીતે ઘડ્યો હતો પ્લાન?

ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૂંટારા ટ્રેનને પુલ પાસે લઈ ગયા

બ્રુસ રેનોલ્ડ્સ લૂંટનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે. ગ્લાસગોથી ઊપડેલી ટ્રેનને રોકીને લૂંટવાનો એનો પ્લાન હતો.

આ ટ્રેનમાં કેટલા પૈસા લઈ જવામાં આવી રહ્યા હતા અને તેની સલામતી માટે શું વ્યવસ્થા હતી તેની રજેરજની માહિતી ધરાવતો એક સુરક્ષા-અધિકારી ગૅંગને બધું જણાવતો હતો.

એક વકીલની ઓફિસમાં કામ કરતા બ્રાયન ફિલ્ડે એ સુરક્ષા-અધિકારીની ઓળખાણ ગૉર્ડન ગુડી અને રોનાલ્ડ ‘બસ્ટર’ એડવર્ડ્ઝ સાથે કરાવી હતી. ગોર્ડન અને રોનાલ્ડ બંને ગુંડા હતા.

લૂંટનો પ્લાન બનાવવામાં મહિનાઓ લાગ્યા હતા. બ્રુસ રેનોલ્ડ્સ, ગોર્ડન ગુડી, બસ્ટર ઍડવર્ડ્સ અને ચાર્લી વિલ્સન આ ગૅંગના મુખ્ય સભ્યો હતા.

ગુનાખોરીની દુનિયામાં તેઓ નવાસવા ન હતા, પરંતુ ચાલતી ટ્રેનને રોકીને તેમાં લૂંટ કરવાનો તેમને કોઈ અનુભવ ન હતો. તેથી અન્ય ગૅંગની મદદ લેવાનું પણ નક્કી કર્યું હતું. એ ગૅંગમાં ટોમી વિસ્બે, બૉબ વેલ્શ અને જિમ હસીનો સમાવેશ થતો હતો. તેઓ 'સાઉથ કૉસ્ટ રેઈડર્સ ગૅંગ' તરીકે ઓળખાતા હતા અને તેમને ટ્રેન લૂંટવાનો “અનુભવ” હતો.

બાદમાં કેટલાક વધુ લોકો ટ્રેન લૂંટવાના પ્લાનમાં જોડાયા હતા. અંતે 16 જણની ટીમ બની હતી.

ગ્રે લાઇન

એ ટ્રેનમાં શું હતું?

ટ્રેન

ઇમેજ સ્રોત, PA WIRE

ઇમેજ કૅપ્શન, ફોનની લાઇનો પણ કાપી નાંખી હતી

આ ટ્રેનનું નામ 'રૉલિંગ પોસ્ટ ઓફિસ' હતું. એ ટ્રેન મારફત પત્રો, પાર્સલ, મની ઑર્ડર અને રોકડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતાં હતાં.

ટ્રેનમાં લગભગ 72 લોકોનો સ્ટાફ હતો અને 12 ડબ્બા હતા. તેઓ ટ્રેન આગળ વધી રહી હોય ત્યારે રસ્તામાં આવતાં સ્ટેશનો પરથી પાર્સલો અને પત્રોના થેલા ટ્રેનમાં મૂકતા હતા તથા ટ્રેનમાં એને ગોઠવતા હતા.

ટ્રેન રોકવી ન પડે એટલા માટે ટ્રેનના ડબ્બા બહાર મોટા હૂક લગાવવામાં આવતા અને તેના પર બોરીઓ લટકાવવામાં આવતી હતી.

આ ટ્રેનમાં એન્જિનની બાજુના ડબ્બામાં પૈસા રાખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ટ્રેનમાં ત્રણ લાખ પાઉન્ડ સુધીની રકમ લઈ જવામાં આવતી હતી, પરંતુ સાતમી ઑગસ્ટ, 1963ના રોજ બૅન્કમાં રજા હોવાને કારણે તેમાં 26 લાખ પાઉન્ડ હતા.

ગ્રે લાઇન

ટ્રેન કેવી રીતે રોકવામાં આવી?

ટ્રેન

ઇમેજ સ્રોત, BBC ONE

ઇમેજ કૅપ્શન, બીબીસીની સિરીઝના એક દૃશ્યની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૂંટારાઓએ મુખ્ય લાઇન પરના સિગ્નલને હાથમોજાંથી ઢાંકી દીધું હતું અને ટ્રેનને રોકવા માટે બૅટરીથી ચાલતી લાલ લાઇટ લઈ લાવ્યા હતા.

ટ્રેનચાલક જૅક મિલરે રેડ સિગ્નલ જોઈને આઠમી ઑગસ્ટની સવારે ત્રણ વાગ્યે ટ્રેન રોકી દીધી હતી. ટ્રેનને અધવચ્ચે રોકવી પડશે એવું તેમણે ધાર્યું નહોતું. જૅક મિલર તથા તેમના સહાયક ડેવિડ વ્હીટબી ટ્રેનમાંથી નીચે ઊતર્યા હતા અને ટ્રેકની નજીક આવેલા ટેલિફોન બૂથ પરથી સ્ટેશને ફોન કરવા ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો કોઈએ ટેલિફોનની લાઇન કાપી નાખી હતી.

ડેવિડ પાછા ફર્યા ત્યારે લૂંટારાઓ ઍન્જિનની કૅબિનમાં ઘૂસી ગયા હતા. જૅક મિલરે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે એક લૂંટારાએ તેમના માથામાં સળિયો માર્યો હતો.

લૂંટારાઓનો પ્લાન ઍન્જિન અને પૈસા ધરાવતા પહેલા કોચને ટ્રેનના બાકીના હિસ્સાથી અલગ કરીને 800 મીટર દૂર આવેલા બ્રીજગો પૂલ પર લઈ જવાનો હતો.

એ માટે તેઓ એક રિટાયર્ડ ટ્રેનચાલકને પણ લાવ્યા હતા, પરંતુ લૂંટના સમયે તેમને ખ્યાલ આવ્યો હતો કે એ નિવૃત્ત ડ્રાઇવર આ નવા પ્રકારની ટ્રેન ચલાવી શકે તેમ નથી. તેથી જૅક મિલર તેને ધમકાવીને ટ્રેનને ઇચ્છિત સ્થળે લઈ જવા કહ્યું હતું. ત્યાં સુધીમાં બાકીના લૂંટારાઓ પાછળના કોચમાં ઘૂસી ગયા હતા અને કર્મચારીઓને નિર્વસ્ત્ર કરીને એક ખૂણામાં બેસી જવા કહ્યું હતું. ટ્રેનના બે સલામતી રક્ષકોને હુમલો કરીને બાંધી દેવામાં આવ્યા હતા. એ પછી પૈસા ભરેલી બોરીઓ ઉતારવાની હતી.

પહેલા ડબ્બામાં 128 બોરીઓ હતી. તેમણે એક પછી એક 120 બોરી કાઢી અને માનવસાંકળ બનાવીને પુલની નીચે પાર્ક કરેલી તેમની ટ્રકમાં લૉડ કરી હતી. માત્ર 30 મિનિટમાં તેઓ લૂંટ કરીને ભાગી ગયા હતા, એટલું જ નહીં પ્રત્યક્ષદર્શીઓને મૂર્ખ બનાવવા માટે તેમણે નકલી નંબર પ્લેટવાળી વધુ બે ટ્રક બે વિરુદ્ધ દિશામાં મોકલી હતી.

પોતાની કારમાં પૈસા ભરેલા કોથળા લૉડ કર્યા પછી લૂંટારાઓ નાના રસ્તા પરથી આગળ વધ્યા હતા. એ સમય દરમિયાન પોલીસ રેડિયો પર કોઈ માહિતી મળી છે કે કેમ તે સાંભળતા રહ્યા હતા.

લૂંટારાઓ સવારે સાડા ચાર વાગ્યાની આસપસ લેધરસ્લેડ ફાર્મ ખાતે પહોંચ્યા હતા. તેઓ અહીં છુપાવાના હતા. ટ્રેનમાં લૂંટની ઘટનાની ખબર પોલીસને સવારે સાડા ચાર વાગ્યે થઈ હતી.

ગ્રે લાઇન

ટ્રેન લૂંટના સમાચાર કેવી રીતે મળ્યા?

નકશો
ઇમેજ કૅપ્શન, લૂંટનો નકશો

લૂંટારાઓએ ટ્રેન ટ્રેકની બાજુના ટેલિફોન વાયર કાપી નાખ્યા હતા. ટ્રેનના પાછળના ડબ્બા જ્યાં પૈસા રાખાયા હતા તે કોચને લૂંટારાઓ લગભગ 800 મીટર દૂર લઈ ગયા હતા.

થોડીવાર પછી ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીમાં ટ્રેનનો એક કર્મચારી ચડ્યો હતો અને આગલા સ્ટેશને ઊતર્યો હતો. ત્યાંથી તેણે પોલીસને જાણ કરી હતીઃ “ત્યાં લૂંટ થઈ છે. હું સોગંદ ખાઈને કહું છું કે તમે નહીં માનો, પરંતુ તેઓ આખી ટ્રેન ઉઠાવી ગયા છે.”

ગ્રે લાઇન

ગુપ્ત અડ્ડો

લૂંટરા
ઇમેજ કૅપ્શન, લૂંટારા

લેડરસ્લેડ ફાર્મ ઘટનાસ્થળથી લગભગ 43 કિલોમીટર દૂર હતું. લૂંટારાઓએ ત્યાં પહોંચીને પૈસાનો ભાગ પાડ્યો હતો. 16 ભાગ મુખ્ય લૂંટારાઓ માટે અને બાકીના નાનું-મોટું કામ કરનારાઓ માટે.

પોલીસ રેડિયો સાંભળીને તેમને ખબર પડી હતી કે પોલીસે 50 કિલોમીટર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની અલગ-અલગ ટીમ તપાસ કરતી હતી.

લૂંટારુ ટોળકીને સમજાઈ ગયું હતું કે છુપાયેલા રહેવું એટલું આસાન નથી. પોલીસ ટૂંક સમયમાં તેમના સુધી પહોંચી જશે. વાસ્તવમાં થોડા દિવસ ત્યાં જ રહેવાની યોજના લૂંટારાઓએ બનાવી હતી, પરંતુ તેમણે ત્યાંથી પલાયન કરવું જરૂરી હતું.

લૂંટની સાંજે સૌપ્રથમ બ્રાયન ફિલ્ડ તેમને મળ્યા હતા. ટોળકીના સુત્રધારોએ તેમને કહ્યું હતું, “છુપાવા માટે કોઈ બીજી જગ્યા શોધી કાઢો.”

લૂંટ માટે જે કારનો ઉપયોગ કરાયો હતો એ જ કારનો ઉપયોગ ત્યાંથી ભાગવા માટે કરવાનું શક્ય ન હતું. ઘટનાના સાક્ષીઓએ તેની વિગત પોલીસને પહેલાંથી જ આપી દીધી હતી.

બ્રાયન, રોય જેમ્સ નામના એક સાથીને લઈ ગયો હતો અને ત્યાંથી તેમણે વધુ એક કાર શોધી કાઢી હતી. દરમિયાન બ્રૂસ રેનોલ્ડ્ઝ અને જોન ડેલી બે કાર સાથે ત્યાં પહોંચ્યા હતા. કેટલાક લોકો તે કારમાં ગયા હતા, જ્યારે બ્રાયન ફિલ્ડ અને તેની પત્ની એક વેન લઈને આવ્યાં હતાં. બાકીના લોકો ફિલ્ડના ઘરમાં છુપાઈ ગયા હતા. તેમણે બીજા દિવસે એ સ્થળ છોડવું પડ્યું હતું.

ટ્રેનમાં લૂંટ વખતે એક લૂંટારુએ પોસ્ટલ કર્મચારીને ધમકાવતા કહ્યું હતું, “અર્ધી કલાક સુધી હોઈએ અહીંથી હલવાનું નથી.” આ વાત પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવી હતી. તેના પરથી પોલીસે અનુમાન કર્યું હતું કે અર્ધી કલાકમાં કાર જેટલો પ્રવાસ કરી શકે એટલા જ દૂર લૂંટારાઓ ગયા હશે.

પોલીસે આસપાસના 50 કિલોમીટર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. તેનો અર્થ એવો હતો કે પોલીસ ગમે તે ક્ષણે લૂંટારુઓ સુધી પહોંચી શકે તેમ હતી. તેથી લૂંટારુઓએ શુક્રવારે જ ત્યાંથી રવાના થઈ જવું પડ્યું હતું.

બે દિવસ પછી ચાર્લી વિલ્સને બ્રાયન ફિલ્ડને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે એ લોકો છૂપાયા હતા એ ફાર્મહાઉસમાં પુરાવાનો નાશ કરીને આગ લગાવી હતી કે નહીં?

તેનો જવાબ આપવામાં બ્રાયન થોથવાઈ ગયો હતો. તેથી વિલ્સને એડવર્ડ્ઝ, રેનોલ્ડ્ઝ, ડેલી અને જેમ્સની સાથે બેઠક યોજીને જણાવ્યું હતું કે આનું કંઈક કરવું જોઈએ. એ પછી તે બ્રાયન ફિલ્ડને મળ્યો ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે તેના સહાયક માર્કે, યોજના અનુસાર તે સ્થળને આગ ચાંપી ન હતી.

વિલ્સન ફિલ્ડનું ગળું દાબી દેવાનો હતો ત્યાં બીજાએ તેને રોકી લીધો હતો. બીજા દિવસે એ સ્થળે જઈને તેને આગ ચાંપવાનો નિર્ણય બધાએ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પોલીસ એ સ્થળે પહોંચી ગઈ હતી.

જે બોરીઓમાં પૈસા ભરેલા હતા તેના પરથી લૂંટારુઓની આંગળીનાં નિશાન અને કેટલાક અન્ય પુરાવા પોલીસને મળ્યા હતા. પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે ટ્રેન લૂંટ્યા પછી લૂટારુઓ અહીં જ આવ્યા હતા.

પોલીસે ફાર્મહાઉસના દસ્તાવેજ અને રેકૉર્ડની તપાસ કરી હતી. તેમાં બ્રાયન ફિલ્ડનું નામ મળી આવ્યું હતું. પોલીસે પહેલાં તો તેની ધરપકડ કરી હતી. એ પછી બાકીના સોળ લોકો સુધી પહોંચવાનું અશક્ય ન હતું.

લૂંટારુઓનું પછી શું થયું?

બ્રુસ રેનોલ્ડ્ઝ ટોળકીનો સુત્રધાર અને લૂંટનો માસ્ટરમાઇન્ડ હતો. તેનું ઉપનામ 'નેપોલિયન' હતું. તે લૂંટ પછી પાંચ વર્ષ સુધી પોલીસથી છુપાતો રહ્યો હતો.

તેણે બનાવટી પાસપોર્ટના આધારે પહેલાં મૅક્સિકો અને પછી કેનેડાનો પ્રવાસ કર્યો હતો. તેની સાથે તેની પત્ની તથા પુત્ર પણ હતાં.

પાંચ વર્ષ છુપાતા રહ્યા બાદ તેઓ ઇંગ્લૅન્ડ પરત આવ્યાં હતાં, પરંતુ આવતાંની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ લૂંટ માટે તેને 1968માં 25 વર્ષના કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી, પરંતુ 10 વર્ષ પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

એ એક નાના ફ્લેટમાં એકલો રહેતો હતો. નશીલા પદાર્થોના ધંધા બદલ 1980માં તેને ફરીવાર ત્રણ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેણે લૂંટની એક ફિલ્મમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું અને આત્મકથા પણ લખી હતી.

લૂંટનાં 50 વર્ષ બાદ 2013માં તેનું મૃત્યુ થયું હતું. રોનાલ્ડ બ્રિગ્ઝની કહાણી એટલી દિલચસ્પ છે કે તેના આધારે ફિલ્મ બનાવી શકાય.

આ લૂંટ સંબંધે 1964માં તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીના વર્ષે તે જેલમાંથી ભાગી ગયો હતો. તેણે પ્લાસ્ટિક સર્જરી વડે પોતાનો ચહરો બદલી નાખ્યો હતો અને અલગ-અલગ દેશોમાં છુપાતો રહ્યો હતો. ઘણા દેશોની પોલીસને થાપ આપીને તે નાસી ગયો હતો અને એક વાર તો અપહરણકર્તાઓની જાળમાંથી પણ નાસી છૂટ્યો હતો.

તેણે 36 વર્ષ સુધી ધરપકડ ટાળી હતી. આખરે 2001માં તેની તબિયત વધુ બગડી ત્યારે તેણે આત્મસમર્પણ કર્યુ હતું. 2009માં દયા દાખવતાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે તે પથારીવશ હતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં તે મૃત્યુ પામ્યો હતો.

કારાવાસની સજા

ટ્રેન ડ્રાઇવરના માથામાં રોનાલ્ડ એડવર્ડ્ઝે સળિયો ફટકાર્યો હતો. 1988માં તેના વિશે ‘બસ્ટર’ નામની ફિલ્મ પણ બની હતી. લૂંટ બાદ તે મૅક્સિકો ભાગી ગયો હતો, પરંતુ 1966માં તેણે આત્મસમર્પણ કર્યું હતું. નવ વર્ષ જેલમાં વિતાવ્યાં બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે ફૂલની દુકાન શરૂ કરી હતી.

1994માં તેનો મૃતદેહ ગૅરેજમાં છત પરથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ વખતે તેની વય 62 વર્ષ હતી.

ચાર્લ્સ વિલ્સન લુંટારુ ટોળકીનો ખજાનચી હતો. પૈસાની વહેંચણી તેણે કરી હતી. સૌથી પહેલાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને ‘સાયલન્ટ મૅન’ એવું હુલામણું નામ આપવામાં આવ્યું હતું, કારણ તેણે પોલીસને ક્યારેય, કશું જ કહ્યું ન હતું.

તેને 30 વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તે ચાર જ મહિનામાં કૅનેડા ભાગી ગયો હતો. ચાર વર્ષ પછી તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તે વધુ 10 વર્ષ જેલમાં રહ્યો હતો.

1978માં જેલમાંથી બહાર આવ્યા પછી તે સ્પેન ગયો હતો. 1990માં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રોય જેમ્સ, જે ટ્રેકમાં પૈસાના કોથળા લઈ જવામાં આવ્યા હતા તેનો ડ્રાઈવર હતો. તેની ફિંગરપ્રિન્ટ્સ પોલીસને ગુપ્ત અડ્ડા પરથી મળી આવી હતી. તે ચાંદીનો કારીગર હતો અને તેને કાર રેસિંગનો પણ શોખ હતો.

તેને 30 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ 12 વર્ષ પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તે પણ સ્પેન ગયો હતો. પોતાના સાસરા પર ગોળીબાર કરવા બદલ અને પત્નીના માથા પર પિસ્તોલ તાકવા બદલ 1993માં તેને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

છેલ્લે બ્રાયન ફિલ્ડની વાત. લૂંટારુઓ જે ફાર્મહાઉસમાં છુપાયા હતા તે બ્રાયન ફિલ્ડે ખરીદ્યું હતું.

તેને પણ 25 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ પાંચ વર્ષ પછી મુક્ત કરવામાં આવ્યો હતો. 1979માં એક અકસ્માતમાં તે મૃત્યુ પામ્યો હતો.

અરે હા, બીજી એક વાત કહેવાની બાકી છેઃ લૂંટી જવાયેલા પૈસા ક્યારેય મળ્યા નથી.

રેડ લાઇન
રેડ લાઇન