કચ્છના નાના રણમાં ઘુડખરની સાથે અગરિયાઓ અને ખેડૂતો કેવી રીતે રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, સુરેન્દ્રનગરથી
"ઘુડખર છે તો રણ છે, રણ છે તો અગરિયો છે, અગરિયો છે તો રણ છે, રણ છે તો ઘુડખર છે."
"ચોર ખાય, મોર ખાય, ઘુડખર ખાય, પછી વધે તો ખેડૂત ખાય."
ઉપરની આ બે કહેવતો ગુજરાતના વન્યજીવન અને લોકો વચ્ચેના તાલમેલનું પ્રતિબિંબ ઝીલે છે.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા દેવાભાઈ સાંવરીયા અને આ જ વિસ્તારના ખેડૂત આગેવાન ભરતભાઈ સુમેરાએ ઘુડખર અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓની વાત કરતી વખતે આ વિધાનો કહ્યાં હતાં.
ગુજરાતના વન્યજીવનની વાત આવે તો તેમાં જંગલી ગધેડા અથવા તો ઘુડખર તરીકે ઓળખાતાં પ્રાણીની અવશ્ય વાત થાય.
2024ની છેલ્લી ગણતરી પ્રમાણે તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જંગલખાતાના પ્રયાસોની સાથે સાથે અહીંના લોકોના ઘુડખર સાથેના સહજીવનને કારણે પણ આ પરિણામો મળી શક્યાં છે.
એક તરફ જ્યારે દુનિયાભરમાં જંગલી પ્રાણીઓ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં ઘુડખરની વધી રહેલી વસ્તી એ જંગલી પ્રાણીઓ અને લોકો સાથેના સહજીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
રણમાં કામ કરતાં અગરિયાઓ અને ઘુડખર વચ્ચે કેવો સંબંધ છે?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
હજારો અગરિયાઓ વર્ષના આઠ મહિના રણમાં વસવાટ કરે છે, અને મીઠું પકવવાનું કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દાયકાઓથી આ અગરિયાઓ ઘુડખરની સાથે જ પોતાનું જીવન વીતાવી રહ્યા છે.
60 વર્ષનાં ગૌરીબહેન તેમના દીકરા સાથે હાલ રણમાં મીઠું પકવી રહ્યાં છે.
બીબીસીની ટીમ જ્યારે તેમને મળવા ગઈ તો તેમણે જોયું કે ઘુડખરનું એક ટોળું તેમની ઝૂંપડી પાસેથી પસાર થઈ રહ્યું હતું.
આ ટોળા તરફ જોઈને તેઓ કહે છે કે, "તમે જુઓ કે તેઓ કેટલી સહેલાઈથી, આરામથી જઈ રહ્યા છે. તેમને અમારાથી ક્યારેય બીક લાગતી નથી. તેઓ અમને સારી રીતે ઓળખે છે, અને અમે તેમની દરેક આદતથી વાકેફ છીએ. અમે નાના હતાં, ત્યારથી અમે તેમને અહીં જોઈએ છીએ. પહેલાં તેમની સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ હવે વધી ગઈ છે અને હવે તેઓ સરળતાથી દેખાય છે."
રણની વચ્ચે એક નાનકડી ઝૂંપડી, તેની બાજુમાં સોલાર પેનલ્સ, તેના છાંયડામાં ખાટલા પર બેસીને થોડી નિરાંતની પળો માણતા અગરિયાઓ, બાજુમાં મીઠાંનું અગર અને ખૂબ નજીકથી સતત પસાર થતા ઘુડખર, કચ્છના નાના રણમાં આવાં દૃશ્યો લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે.
ગૌરીબહેન કહે છે, "ઝૂંપડાની બહાર અમે હંમેશાં પાણી ભરીને મૂકી રાખીએ છીએ. એવું ઘણી વખત બને છે કે ઘુડખરનું કોઈ તરસ્યું ટોળું અમારી ઝૂંપડીની બહાર આવીને પાણી પી જાય."
ગૌરીબહેન પોતાના અનુભવને આધારે કહે છે કે, "એવું અનેક વખત બન્યું છે કે કોઈ જાનવર જો ઘુડખરના કોઈ નાના બચ્ચાંની પાછળ પડ્યું હોય, તો તે અમારી ઝૂંપડી તરફ ભાગીને આવે છે. તેને લાગે છે કે આ લોકો જ તેને કોઈ ખતરાથી બચાવશે."
કચ્છના નાના રણમાં એક ઝૂંપડાથી બીજા ઝૂંપડાનું અંતર જોઈએ તો તે સામાન્ય રીતે એકાદ કિલોમીટર જેટલું હોય છે.
બીબીસીની ટીમ જ્યારે દેવાભાઈના ઝૂંપડા પાસે પહોંચી તો જાણ્યું કે થોડીવાર પહેલાં જ એક મોટું ટોળું તેમના ઝૂંપડા પાસેથી પસાર થઈને આગળ વધ્યું છે.
તેઓ કહે છે કે, "ઘુડખર અને અગરિયા એકબીજાના પૂરક છે. રણ એ ઘુડખરથી બચ્યું છે, નહીંતર તો ક્યારનું ખતમ થઈ ગયું હોત. રણ છે તો મીઠાનો વ્યવસાય છે, અને એટલા માટે જ અગરિયા અહીં છે. અગરિયા અહીં છે તેથી જ આટલા મોટા વિસ્તારમાં જો ઘુડખરને કંઈ તકલીફ પડે તો તેની સૌથી પહેલી જાણ અગરિયાને થાય છે, જેથી તેના પરનો ખતરો ટળે છે."
ખેડૂતો અને ઘુડખર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
જોકે, એવું નથી કે ઘુડખરને વસ્તી વધવાને કારણે આ વિસ્તારમાં માણસ અને જંગલી પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ નથી.
ભરતભાઈ સુમેરા આ વિસ્તારના ખેડૂત આગેવાન છે. તેમની પાસે 60 વીઘા જેટલી મોટી ખેતીની જમીન છે, જેમાં તેઓ કપાસ, જીરું વગેરેનું વાવેતર કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ રાત્રે ઘરે ઊંઘ્યા નથી, કારણ કે તેમને દરરોજ રાત્રે પોતાના ખેતરમાં પાકની સલામતી માટે પહેરેદારી કરવી પડે છે.
ઘુડખરનું ટોળું ખેતરમાં આવી જાય તો ખેતરમાં મોટું નુકસાન થઈ જાય, એટલા માટે રાત્રે પહેરેદારી કરવા માટે અનેક ખેડૂતો મજબૂર છે.
જોકે, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ ભરતભાઈને ઘુડખરથી કોઈ નારાજગી જોવા મળતી નથી.
તેઓ કહે છે કે, "અમારા ખેતરમાં 15થી 20 ટકાનો ભાગ ઘુડખર માટે રાખવો પડે છે, દર વર્ષે દરેક ખેડૂતને આટલું નુકસાન તો થાય જ છે, પરંતુ ખેડૂતોને તેની આદત પડી ગઈ છે."
અન્ય એક ખેડૂત ભરતભાઈ ઝાલા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "સામાન્ય રીતે દરેક માણસ મંદિરમાં ભગવાનના નામનું દાન કરતો હોય છે, અમે એ દાન ઘુડખરને કરીએ છીએ. અમને ખબર છે કે રણની વિષમ પરિસ્થિતિમાં જ્યારે તેને કંઈ ખાવાનું ન મળે તો તે અમારા ખેતરો તરફ આવે છે. જ્યાં સુધી વરસાદી ઘાસ હોય ત્યાં સુધી તે અહીં નથી આવતા. પરંતુ ડિસેમ્બર મહિના બાદ તેઓ ખેતરોમાં જોવા મળે છે."
અમે આ વિસ્તારમાં એ પણ જોયું કે, આ ખેડૂતો પોતાના ખેતરમાં ઇલેક્ટ્રિક ઝટકા આપે એવું ફેન્સિંગ પણ કરતા નથી. તેઓ ઘુડખરને નુકસાન ન થાય એટલા માટે આમ કરે છે.
ભરતભાઈ કહે છે, "એટલા માટે તો અમારે ચોકીદારી કરવી પડે છે. જો તે રાત્રે અમારા ખેતરમાં આવી જાય તો અમે થાળીનો અવાજ કરીને તેને યોગ્ય રસ્તાથી ખેતરથી બહાર કાઢીએ છીએ. જેથી તેને કોઈ નુકસાન ન થાય. જો તે ભાગે તો આખું ખેતર વેરવિખેર કરી નાંખે, માટે તેને ચાલીને જ શાંતિથી ખેતરથી બહાર કાઢવા પડે છે."
કેમ જરૂરી છે ઘુડખર ગુજરાત માટે?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
ગુજરાતમાં જંગલી ગધેડા કે ઘુડખરની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.
સેન્ટર ફૉર ઇકોનૉમિક્સ ઍન્ડ સોશિયલ સ્ટડીઝના એક રિપોર્ટ પ્રમાણે ઘુડખર અને સ્થાનિક લોકોએ એકબીજા સાથે તાલમેલ બેસાડી દીધો છે, જેના કારણે તેઓ એક બીજાને નુકસાનકારક નથી, પરંતુ પૂરક છે.
આ વિષયમાં સંશોધન કરી ચૂકેલાં સામાજિક કાર્યકર્તા પંક્તિ જોગ કહે છે કે, "અમારા સંશોધન દરમિયાન અમે જાણ્યું કે લોકોને ઘુડખરની વસ્તીથી કોઈ ફરિયાદ નથી. અગરિયાઓથી ઘુડખરને કોઈ નુકસાન હોઈ જ ન શકે. જ્યારે ખેડૂતો પણ તેમને કોઈ નુકસાન થાય તેવું કોઈ કામ કરતા નથી."
જોકે, આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત જંગલ ખાતાના અગ્ર મુખ્ય વનસંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે,"જંગલખાતાનું એક મોટું મહેકમ ઘુડખરની વસ્તી વધારવા માટે લાગ્યું છે. ઘાસ પૂરું પાડવાની વાત હોય કે પછી ઉનાળામાં પાણી, દરેક સ્તરે જંગલખાતાના લોકો ઘુડખરના સંવર્ધનમાં કાર્યરત છે."
તેઓ આગળ કહે છે કે, "તેની સાથે સાથે સ્થાનિક લોકોનું પણ સરકારી યોજનાઓમાં ખૂબ સારું યોગદાન છે. અત્યાર સુધી જોવા મળ્યું છે કે સ્થાનિક લોકોને કારણે ઘુડખરને કોઈ નુકસાન નથી. જોકે, અમે નવા અગરિયાઓને હવે રણમાં આવવા નથી દેતા."
ગુજરાતમાં ઘુડખર

ઇમેજ સ્રોત, Getty Images
1969માં ઘુડખરની વસ્તી માત્ર 362 પર પહોંચી ગઈ હતી. એ પહેલાં સીરિયન ઘુડખર તો સંપૂર્ણ વિલુપ્ત પણ થઈ ચૂક્યાં હતાં. તેમનો વિસ્તાર પણ ઘટવા પામ્યો હતો.
હાલમાં ઘુડખરની સૌથી વધારે વસ્તી મોંગોલિયાના દક્ષિણ ભાગમાં તથા ઉત્તર ચીનના આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આઇસોલેટેડ વસ્તી તરીકે તેમની હાજરી કચ્છના નાના રણમાં, તુર્કમેનિસ્તાન, તેમજ ઈરાનમાં તેમની હાજરી હાલમાં જોવા મળે છે.
ગુજરાત સરકારે કરેલી 10મી વાઇલ્ડ એસ પૉપ્યુલેશન ઍસ્ટિમેશન પ્રમાણે ગુજરાતમાં તેની અંદાજિત સંખ્યા 7672 આંકવામાં આવી છે તથા 1976 પછી તે સતત વધી રહી છે.
ભારતમાં ઘુડખર માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે. અહીં તેને શિડ્યુલ –1 પ્રાણી તરીકે અનામતત કરવામાં આવ્યું છે.
દર પાંચ વર્ષે ઘુડખરૉની ગણતરી કરવામાં આવે છે. ઘુડખરને દોડવા માટે ખુલ્લા મેદાનની જરૂરિયાત હોવાથી ખુલ્લું, વિશાળ રણ જ તેને તેના અસ્તિત્વ માટે યોગ્ય પરિસ્થિતિ આપી શકે છે.
જોકે, ગુજરાત સરકાર તેનો ટુરિઝમના વિકાસ માટે પણ ઉપયોગ કરે છે. ઘુડખર સફારી થકી અનેક લોકો તેને જોવા માટે નાના રણની મુલાકાત લે છે.
રાજ્ય સરકાર આ પ્રાણીને ‘ગાર્ડિયન ઑફ રણ’ પણ કહે છે. કારણ કે, તેના થકી રણની બીજી પ્રજાતિઓ ચિંકારા, વરુ, નીલગાય વગેરેની વસ્તીમાં પણ વધારો થાય છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું હતું કે, વનવિસ્તારના નિરીક્ષણથી જાણવા મળ્યું કે ધ્રાંગધ્રામાં સૌથી વધુ ઘુડખર જોવા મળ્યા છે.
ધ્રાંગધ્રામાં સૌથી વધારે ઘૂડખરની વસતી 3,234 જોવા મળી છે. ત્યાર બાદ રાધનપુરમાં 2,325, ભચાઉમાં 2,113 ઘુડખર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












