સીરિયા : વિદ્રોહી જૂથના કબજા બાદ રાજધાની દમિશ્કમાં કર્ફ્યૂ, રાષ્ટ્રપતિ અસદે દેશ છોડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયા સરકારનો વિરોધ કરી રહેલા વિદ્રોહી જૂથ હયાત તહરીર અલ-શામ (એચટીએએસ)એ દાવો કર્યો "તાનાશાહ" રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને સીરિયા હવે 'સ્વતંત્ર' થઈ ચૂક્યું છે.
સીરિયાના વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામે રાજધાની દમિશ્ક પર પણ કબજો કરી લીધો છે અને ત્યાં કર્ફ્યૂ લાદી દીધો છે. આ પહેલા કેટલાક લોકો અસદની સત્તા હઠી જતા રસ્તા પર ઉજવણી શરૂ કરી દીધી હતી તો કેટલાકે રાષ્ટ્રપતિભવનમાં ધૂસી જઈને લૂંટફાટ મચાવી હતી. ત્યારબાદ એચટીએસે રાજધાનીમાં કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે.
જોકે, રાજધાનીમાં કેટલાંક ઠેકાણે ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે.
આ પહેલાં સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજા બાદ વિદ્રોહી જૂથોએ સરકારી ટેલિવિઝન ચૅનલ અને રેડિયો પર સંદેશ આપ્યો છે.
વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે "અમે રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સત્તાનો અંત લાવી લીધો છે."
વિદ્રોહી જૂથે રાજકીય બંધકોને જેલમાંથી મુક્ત કરવાની વાત પણ કરી છે.
હયાત તહરીર અલ-શામ (એચટીએએસ)ના નેતૃત્વવાળા વિદ્રોહી જૂથોએ દાવો કર્યો છે કે બશર અલ-અસદ દેશ છોડી ચૂક્યા છે.
આ દરમિયાન સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલીએ સોશિયલ મીડિયામાં જાહેર કરેલા સંદેશમાં કહ્યું કે "સીરિયા એક એવો સામાન્ય દેશ બની શકે છે, જેના પડોશીઓ અને દુનિયાના અન્ય દેશો સાથે સારા સંબંધો હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્રોહી જૂથ એચટીએએસે પોતાની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો છે કે એક કાળા અધ્યાયનો અંત થઈ રહ્યો છે અને નવી શરૂઆત થઈ રહી છે.
વિદ્રોહીઓનું કહેવું છે કે ગત પાંચ દાયકાથી અસદની સત્તાના કારણે વિસ્થાપિત થયેલા લોકો અથવા એ લોકો જેઓ કેદ હતા, તેઓ હવે પાછા ફરી શકે છે.
વિદ્રોહીઓનું કહેવું છે કે "આ નવું સીરિયા હશે, જ્યાં દરેક વ્યક્તિ શાંતિથી રહી શકશે અને ન્યાયનું શાસન હશે."
આ પહેલાં સમાચાર એજન્સી રૉયટર્સે બે વરિષ્ઠ સીરિયન અધિકારીઓના હવાલાથી જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દમિશ્કમાંથી જતા રહ્યા છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ ક્યાં ગયા છે.
મધ્યપૂર્વના જાણકારે કહ્યું, "લાગે છે કે 54 વર્ષના અત્યાચારનો અંત આવી ગયો"

ઇમેજ સ્રોત, LOUAI BESHARA/AFP via Getty Images
સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ ખાતે મિડલ ઇસ્ટ પ્રોગ્રામનાં ફેલો નતાશા હૉલે બીબીસી રેડિયો 5 લાઇવમાં જણાવ્યું કે, "હવે લાગે છે કે આપણે સીરિયામાં અત્યારનાં 54ના અંતિમ કલાકોમાં છીએ." તેમનો ઇશારો અસદના પરિવાર તરફ હતો, જેની શરૂઆત 1970માં થઈ હતી.
તેમણે કહ્યું કે લાગે છે કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદે દમાસ્કસ છોડી દીધું છે.
તેમણે કહ્યું હતું કે હાલ જે થઈ રહ્યું છે એ કેટલાક પ્રસંગોનું મિશ્ર પરિણામ છે. જેમાં અસદના સાથી દેશો જેમ કે, રશિયા અને ઈરાન વિશ્વના અન્ય બનાવોને કારણે "નબળા પડ્યા છે તેમજ તેમનું ધ્યાન ફંટાયેલું છે."
આ સિવાય હાલના પ્રસંગો એટલા માટે પણ ઘટી રહ્યા છે, કારણ કે દેશની 90 ટકા વસતી ગરીબી રેખાની નીચે રહે છે અને ઘણા લોકો વિસ્થાપિતો માટેના કૅમ્પોમાં અટવાયેલા છે.
મને લાગે છે કે, "લોકો થાકી ગયા હતા."
સીરિયામાં વિદ્રોહીઓએ ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ પર કબજા કર્યાનો દાવો

ઇમેજ સ્રોત, Izettin Kasim/Anadolu via Getty Images
સીરિયાની સરકાર વિરુદ્ધ વિદ્રોહી જૂથો ઝડપથી આગળ વધી રહ્યાં છે. હમા અને દેરાના મોટા ભાગના વિસ્તારો પર કબજો કર્યા બાદ વિદ્રોહી જૂથોએ દાવો કર્યો છે કે તેમણે દેશના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે.
ઇસ્લામી ચરમપંથી ગ્રૂપ હયાત તહરીર અલ-શામ (એચટીએએસ) સમૂહના પ્રમુખ અબુ મોહમ્મદ અલ-જુલાનીએ આને ઐતિહાસિક પળ ગણાવી છે.
આ પહેલાં એચટીએસના નેતૃત્વમાં અન્ય ચરમપંથીઓએ હમા શહેર પર કબજો કરી લીધો છે.
આ પહેલાં વિદ્રોહી જૉર્ડન સીમાની નજીક દેરા વિસ્તારના મોટા ભાગના વિસ્તાર પર કબજો કરી ચૂક્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં વર્ષ 2011માં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ વિદ્રોહની શરૂઆત થઈ હતી.
વર્ષ 2011માં શરૂ થયેલો વિદ્રોહ એ બાદ ગૃહયુદ્ધમાં તબદીલ થઈ ગયો હતો. જેમાં પાંચ લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અત્યાર સુધી શું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ બશર અલ-અસદે પાટનગર છોડી દીધાના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે વિદ્રોહી સમૂહ એચટીએએસે કહ્યું છે કે તેઓ દમિશ્ક તરફ આગળ વધી રહ્યા છે.
વિદ્રોહીઓએ કહ્યું છે કે તેમણે સૈદનાયા જેલના હજારો કેદીઓને છોડી મૂક્યા છે. આ જેલમાં અસદના વિરોધોને કથિતપણે યાતના અપાતી હતી.
ઈરાનના સમર્થનપ્રાપ્ત હિઝબુલ્લાહે કહ્યું કે તેમણે કેટલાંક ક્ષેત્રોમાંથી પોતાના લડવૈયાઓને પરત બોલાવી લીધા છે.
આ પહેલાં વિદ્રોહીઓએ સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ પર કબજો કરી લીધો હતો.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં કથળતી જતી સ્થિતિ અંગે કહ્યું છે કે અમેરિકાએ આ લડાઈથી દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે "આ અમારી લડાઈ નથી. તેનું આપમેળે નિરાકરણ આવવા દો."
ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી

ઇમેજ સ્રોત, EPA
સીરિયામાં વિદ્રોહી જૂથો દેશની રાજધાની દમિશ્ક તરફ વધ્યાના સમાચાર બાદ સ્થિતિને જોતાં ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે.
ઍડવાઇઝરીમાં વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને કહ્યું કે સીરિયા જવાથી બચે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયામાં રહેતા ભારતીય દમિશ્કમાં આવેલા ભારતીય દૂતાવાસમાં સંપર્કમાં રહે.
વિદેશ મંત્રાલયે ઇમરજન્સી હેલ્પાઇન નંબર (+963 993385973) જાહેર કર્યો છે અને કહ્યું કે નાગરિકો ફોન નંબર અને વૉટ્સઍૅપના માધ્યમથી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ સિવાય મંત્રાલયે ઈમેલ આઈડી [email protected] પણ જાહેર કર્યો છે.
જે લોકો સીરિયા છોડી શકે છે તેમના માટે વિદેશ મંત્રાલયે કહ્યું કે "જે ઉડાન ચાલી રહી છે તેનો ઉપયોગ કરે."
વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીયોને વિનંતી કરી કે તેઓ પોતાની સુરક્ષા અંગે બહુ સાવધ રહે.
બશર અલ-અસદે કયા દેશમાં શરણ લીધું હોવાની ચાલી રહી છે અટકળો

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયાના વિદ્રોહી જૂથે દેશની રાજધાની દમાસ્કસમાં પ્રવેશ કરી લીધો છે અને તેમણે દાવો કર્યો છે કે અલ-અસદે દેશ છોડી દીધો છે.
જોકે, એ ખબર નથી કે જો બશર અલ-અસદ દેશ છોડીને ગયા હોય તો તેઓ કયા દેશમાં ગયા હશે.
અટકળો લગાવાઈ રહી છે કે બશર અલ-અસદ ભાગીને સંયુક્ત આરબ અમિરાત એટલે કે યુએઈમાં છે કે ત્યાં જવા માટે શરણ માગી શકે છે.
યુએના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગશનું કહેવું છે કે તેમને ખબર નથી કે સીરિયાના રાષ્ટ્રપતિ યુએઈમાં છે કે નથી.
બહેરીનમાં મનામા ડાયલૉગમાં પત્રકારો સાથે વાતચીતમાં અનવરે અસદના શરણ માગવાની અટકળો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.
અનવરે એમ પણ કહ્યું કે સીરિયા જોખમી છે અને તેના પર ચરમપંથી જૂથોનો ખતરો યથાવત્ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












