ત્રણ વખત ફાંસીની સજા સંભળાવાયા પછી 11 વર્ષે નિર્દોષ છૂટેલા અનોખીલાલની અનોખી કહાણી

અનોખીલાલ
ઇમેજ કૅપ્શન, અનોખીલાલ
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્ય પ્રદેશની એક ટ્રાયલ કોર્ટે 2013માં 21 વર્ષના એક યુવાનને નવ વર્ષની બાળકી પર બળાત્કાર તથા તેની હત્યા કરવા બદલ મૃત્યુદંડની સજા ફરમાવી હતી. એ ઘટનાના માત્ર એક જ મહિના પછી વધુ બે અદાલતે પણ તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

પ્રસ્તુત કેસમાં પુરાવાનું ખોટી રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હોવાનું કહીને આ વર્ષના માર્ચમાં એક ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો. બીબીસીના સંવાદદાતા એ યુવાન અને પીડિતાના પરિવાર સાથે આ કેસ બાબતે વાત કરવા મધ્યપ્રદેશના ગામમાં પહોંચ્યા હતા.

અનોખીલાલ 11 વર્ષ પછી ઘરે પાછા આવ્યા ત્યારે તેમને આવકારવા તેમના સગાંવહાલાં તેમને આવકારવા એકઠા થયા હતા. તેમના માટે આશ્ચર્યની વાત એ હતી કે અનોખીલાલ તેમની માતૃભાષા ભૂલી ગયા હતા અને ઘણા સગાંસંબંધીઓને ઓળખી શક્યા ન હતા.

અનોખીલાલે કહ્યું હતું, "આ 11 વર્ષમાં હું ઘણુંબધું ભૂલી ગયો હતો." એ પછી ધીમે ધીમે તેમાંથી કેટલુંક યાદ આવવા લાગ્યું હતું.

નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજામાં અનોખીલાલે લગભગ 11 વર્ષ અથવા 4.033 દિવસ જેલમાં ગાળ્યા હતા. આ મામલો પાંચ રાઉન્ડના મુકદ્દમામાંથી પસાર થયો હતો અને છઠ્ઠી વખતે ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

એક દાયકા પછી આવા ઊલટફેરનું કારણ શું હતું અને આડેધડ કાયદાકીય પ્રક્રિયાની આરોપી તથા પીડિતાના પરિવાર પર શું અસર થઈ હતી?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

શું હતો મામલો?

મધ્ય પ્રદેશ, કાયદો, બળાત્કાર, હત્યા, ગુનો, મૃત્યુદંડ, અનોખીલાલ, યાતના, બીબીસી ગુજરાતી

મધ્યપ્રદેશમાં નવ વર્ષની એક બાળકી જાન્યુઆરી 2013માં તેના ઘરેથી ગૂમ થઈ હતી. માતા-પિતાએ દીકરી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેમણે તેમની દીકરીને છેલ્લે 21 વર્ષના અનોખીલાલ સાથે જોઈ હતી. અનોખીલાલ ગામમાં દૂધવાળાની દુકાનમાં નોકરી કરતા હતા. ગામના અન્ય એક રહેવાસીએ છોકરીનાં માતા-પિતાની વાતને કોર્ટમાં સમર્થન આપ્યું હતું.

જોકે, અનોખીલાલે દાવો કર્યો હતો કે ઘટના બની ત્યારે તેઓ ગામમાં ન હતા.

બે દિવસ પછી છોકરીની લાશ તેના પિતાને મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, હત્યા પહેલાં છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. અનોખીલાલને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના સમાચારોમાં ચમકી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી ચૂકેલા પત્રકાર જય નાગદા કહે છે, "લોકોમાં ઘણો ગુસ્સો હતો અને પોલીસ તથા ન્યાયતંત્ર પર દબાણ હતું."

આ ઘટના 2012માં નવી દિલ્હીમાં 23 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ પર ક્રૂર બળાત્કાર અને તેની હત્યા પછીની હતી. એ ઘટનાએ સમગ્ર દેશમાં વ્યાપક રોષનું વાતાવરણ સર્જ્યું હતું. મીણબત્તીઓ પ્રગટાવીને એ ઘટનાનો જબરો વિરોધ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઝડપથી ન્યાય થવો જોઈએ અને બળાત્કારને આકરી સજા થવી જોઈએ તેવી લોકલાગણી હતી.

અનોખીલાલ
ઇમેજ કૅપ્શન, અનોખીલાલ

આ વિસ્તારના કેટલાક પત્રકારોએ મને જણાવ્યું હતું કે અનોખીલાલનો કેસ ઝડપભેર આગળ વધ્યો તેનું એક કારણ આ હોઈ શકે છે.

પોલીસે માત્ર નવ દિવસમાં તપાસ પૂર્ણ કરી હતી અને તરત જ ખટલો શરૂ થયો હતો. બે સપ્તાહમાં અનોખીલાલને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે જણાવ્યું હતું કે અનોખીલાલ "સમાજ માટે શ્રાપ અને જોખમ છે."

બધું બહુ ઝડપથી બન્યું હતું. અનોખીલાલ મને કહે છે, "બધું એટલું ઝડપથી થયું હતું કે શું ચાલી રહ્યું છે તે સમજવાનો મને અથવા મારા પરિવારને કે મારા વકીલને સમય જ આપવામાં આવ્યો ન હતો."

અનોખીલાલ અત્યંત ગરીબ પશ્ચાદ્ભૂ ધરાવતા આદિવાસી પરિવારના છે. રાજ્ય સરકારે તેમને પ્રો-બોનો વકીલ આપ્યો હતો, જેઓ અનોખીલાલને ખટલો શરૂ થયો ત્યારે પ્રથમ વખત મળ્યા હતા.

મેં તેમને ટ્રાયલ વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે શું ચાલી રહ્યું છે તેની તેમને બહુ ઓછી સમજ હતી. "હું ક્યારેય શાળાએ ગયો નથી. દસ વર્ષનો હતો ત્યારથી કામ કરું છું."

મધ્ય પ્રદેશ, કાયદો, બળાત્કાર, હત્યા, ગુનો, મૃત્યુદંડ, અનોખીલાલ, યાતના, બીબીસી ગુજરાતી

પછી કોઈએ અનોખીલાલને જણાવ્યું હતું કે તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. તેઓ કહે છે, "હું સ્તબ્ધ થઈ ગયો હતો. ધ્રુજવા લાગ્યો હતો. પછી જાતને સંભાળવા માટે થોડો સમય લાગ્યો હતો."

એ સમયે પોલીસે આ કેસને ઉકેલવા માટે "મુશ્કેલ" ગણાવ્યો હતો, કારણ કે કોઈ પ્રત્યક્ષ સાક્ષીઓ ન હતા. માત્ર ડીએનએ અને અન્ય સાંયોગિક પુરાવા જ હતા.

જોકે, ઘણા કાનૂની નિષ્ણાતોએ આ કેસ અત્યંત ઝડપભેર ચલાવવા અને એ કારણે આરોપીની ન્યાયી સુનાવણીમાં કોઈ ક્ષતિ છે કે કેમ એ બાબતે સવાલ ઉઠાવ્યા હતા. જય નાગદાએ એક વકીલને ટાંકતો તેમનો એક અહેવાલ મને દેખાડ્યો હતો. તે અહેવાલમાં વકીલે સવાલ કર્યો હતો કે આ ચુકાદો તો સમાચારોમાં ચમક્યો છે, પરંતુ આ કેસમાં ખરેખર ન્યાય થયો છે?

11 વર્ષ પછી એ ચેતવણી સાચી પડી હોય એવું લાગે છે.

ન્યાયનો લાંબો પંથ

મધ્ય પ્રદેશ, કાયદો, બળાત્કાર, હત્યા, ગુનો, મૃત્યુદંડ, અનોખીલાલ, યાતના, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ પછી આ કેસ દેશની વિવિધ અદાલતોના ચક્રવ્યૂહમાંથી પસાર થયો હતો. હાઈકોર્ટે 2013માં ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.

શરૂઆતના થોડા મહિના પોતે હતાશ હતા, એમ જણાવતાં અનોખીલાલ કહે છે, "હું બરાબર ખાતો ન હતો. મેં આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ મને તક મળી નહીં. તક મળી હોત તો મેં મારી જાતને ખતમ કરી નાખી હોત."

(મૃત્યુદંડની સજા પામેલા લોકોમાં માનસિક બીમારી ખૂબ જ સામાન્ય હોય છે. 2021ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આવા 62 ટકા લોકો માનસિક બીમારીથી પીડાતા હોય છે.)

છ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસની અત્યંત ઝડપભેર કરવામાં આવેલી તપાસ અને ખટલામાં "સ્પષ્ટ ગાબડાં" છે. એ જ દિવસે બચાવ પક્ષ માટે વકીલની નિમણૂંક કરવામાં આવી હતી અને તેમની પાસે દસ્તાવેજો તપાસવાનો સમય ન હતો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કેસ શરૂઆતથી ચલાવવાનો આદેશ આપ્યો હતો.

અનોખીલાલ કહે છે, "તેનાથી થોડી આશા બંધાઈ હતી." એ સમય સુધીમાં અનોખીલાલ જેલના જીવનના વાતાવરણમાં ગોઠવાઈ ગયા હતા. આત્મહત્યાના વિચારો ઓછા થયા હતા. "મેં જેલમાં મિત્રો બનાવ્યા હતા. તેમણે મને ઘણો સાથ આપ્યો હતો."

જીવનભર એક સ્થળાંતરિત કામદાર તરીકે કાર્યરત રહેલા અનોખીલાલના કહેવા મુજબ, ઈન્દોરની જેલમાં તેમણે સૌથી વધુ સમય વિતાવ્યો હતો. તેમણે ભણવાનું શરૂ કર્યું હતું અને જેલમાં રહીને દસમા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

અનોખીલાલ કહે છે, "જેલમાં હું વાંચતો, કસરત કરતો અને પ્રાર્થના પણ કરતો હતો. એ બધાને લીધે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં બહુ મદદ મળી."

મધ્ય પ્રદેશ, કાયદો, બળાત્કાર, હત્યા, ગુનો, મૃત્યુદંડ, અનોખીલાલ, યાતના, બીબીસી ગુજરાતી

જોકે, તેમનો આનંદ અલ્પજીવી સાબિત થયો હતો. ટ્રાયલ કોર્ટે નવો ચુકાદો આપવામાં ત્રણ વર્ષનો સમય લીધો હતો. તેમને ફરીથી મૃત્યુદંડ ફરમાવવામાં આવ્યો હતો.

એ તબક્કે પ્રોજેક્ટ 39-એ નામની મૃત્યુદંડની કેસોમાં નિષ્ણાત એક સંશોધન અને હિમાયત સંસ્થાએ અનોખીલાલનો કેસ હાથમાં લીધો હતો.

અનોખીલાલ કહે છે, "તેઓ મને જેલમાં મળવા આવેલા પ્રથમ લોકો હતા. ત્યાં સુધી કોઈ વકીલ પણ મને મળવા આવ્યો ન હતો."

તેમણે હાઈકોર્ટમાં ફરીથી અપીલ કરી હતી. તેમના વકીલોના જણાવ્યા મુજબ, ડીએનએ રિપોર્ટમાં ઘણી સમસ્યાઓ હતી. એ સમસ્યાઓની વાત આ કેસની દસ વર્ષની વિવિધ ટ્રાયલ્સમાં દર્શાવવામાં આવી ન હી.

જે નિષ્ણાતોએ આ રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમને તમામ અંતર્ગત દસ્તાવેજો સુપરત કરવા અને તેમને કોર્ટમાં પૂછપરછ માટે બોલાવવા માગણી કરી હતી. હાઈકોર્ટે તેને મંજૂરી આપી હતી અને કેસ ફરીથી એ જ કોર્ટમાં ગયો હતો, જ્યાં 2013માં તેની શરૂઆત થઈ હતી.

ડીએનએ રિપોર્ટની ઝીણવટભરી ચકાસણીની સાથે જ આ કેસમાં બધું બદલાઈ ગયું હતું.

સૌથી ચોંકાવનારી વાત એ હતી કે છોકરીના પ્રાઈવેટ પાર્ટની અંદરથી મળી આવેલું ડીએનએ અનોખીલાલનું નહીં, પરંતુ કોઈ અન્ય પુરુષનું હતું. અત્યાર સુધી અદાલતોએ એવું કહ્યું હતું કે તે ડીએનએ "પુરુષનું" છે અને અનોખીલાલ તરફ ઈશારો કરતા અન્ય પુરાવાઓ હતા. તેથી તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

કોર્ટ સમક્ષ કપડાં અને વાળમાંથી મળેલા ડીએનએ જેવા અન્ય પુરાવાઓ હતા. એ બાબતે કોર્ટે જણાવ્યું હતું કે તેના પર ભરોસો કરી શકાય તેમ નથી. તેની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને આવા પુરાવા "સરળતાથી ઊભા કરી શકાતા હોવાથી" પોલીસે સાબિત કરવું પડે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી નથી.

આમ કહીને, જે કોર્ટે અનોખીલાલને 2013માં દોષિત ઠેરવ્યા હતા એ જ કોર્ટે 11 વર્ષ પછી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

પીડિતની કથા

મધ્ય પ્રદેશ, કાયદો, બળાત્કાર, હત્યા, ગુનો, મૃત્યુદંડ, અનોખીલાલ, યાતના, બીબીસી ગુજરાતી

અનોખીલાલના કહેવા મુજબ, તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું શહેર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. "નવા રસ્તાઓ, નવી ઈમારતો બની ગઈ હતી."

કોર્ટથી સેંકડો કિલોમીટર દૂર બેઠેલા પીડિતાના પિતાનું કહેવું છે કે અનોખીલાલને છોડી મૂકવામાં આવ્યા છે એ તેઓ જાણતા નથી. તેમને કહ્યું હતું, "કોઈ અજાણી વ્યક્તિએ મને ફોન કરીને કહ્યું હતું કે અનોખીલાલને છોડી મૂકવામાં આવ્યો છે."

આ કેસ, પોલીસ અને દેશની ન્યાય પ્રણાલી વિશે ફરિયાદ કરતી વખતે તેમના અવાજમાં રોષ તેમજ પીડા છલકાય છે. આ કેસમાં તેઓ દેશની કાયદાકીય વ્યવસ્થા સામે હારી ગયા છે.

તેમણે કહ્યું હતું, "અમારા ગુસ્સાને શાંત કરવા માટે જ તેમણે તેને મૃત્યુદંડની સજા કરી હતી. બાદમાં એ બહાર આવ્યો છે. સમગ્ર વહીવટીતંત્ર બેજવાબદાર માણસોથી ભરેલું છે."

પોતાની પાસે ખાનગી વકીલની સેવા મેળવવાના સંસાધનો હોત તો પરિસ્થિતિ અલગ હોત, એવું તેમને લાગે છે. "મુખ્ય સમસ્યા એ છે કે હું ગરીબ છું."

તેમના કહેવા મુજબ, 11 વર્ષ પછી પણ એ ઘટના તેમને પરેશાન કરે છે. "દીકરી જીવતી હોત તો અત્યારે 21 વર્ષની હોત. એ મારી મોટી દીકરી હતી. મારા હૃદયનો ટુકડો હતી."

તેમણે કહ્યું હતું, "સમાચારોમાં બળાત્કારની ઘટનાઓ જોઉં છું ત્યારે ખૂબ જ પરેશાન થઈ જાઉં છું. મૂંઝારો અનુભવું છું. તેથી મેં હવે સમાચાર જોવાનું જ બંધ કરી દીધું છે.

ન્યાય મેળવવા માટેની કિંમત

વીડિયો કૅપ્શન, આ દલિત મહિલાઓએ કેવી રીતે ખેતી ખેડવાના હક્ક મેળવ્યાં અને હવે ઘંઊ ઉગાડે છે?

અનોખીલાલ પણ આખી સિસ્ટમ સામે સવાલ ઉઠાવે છે, જેણે તેમને 11 વર્ષ પહેલાં મૃત્યુદંડની સજા કરી હતી. તેઓ કહે છે, "તમારું જીવન સમાપ્ત થઈ જાય છે અને પછી તમને ન્યાય મળે છે."

તેઓ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, "મેં આત્મહત્યા કરી લીધી હોત તો શું થાત? દરેક વ્યક્તિએ એવું વિચાર્યું હોત કે મેં ગુનો કર્યો હતો અને તેથી આત્મહત્યા કરી હતી."

અનોખીલાલના કહેવા મુજબ, આ કેસથી તેમનું જીવન "બરબાદ થઈ ગયું છે. સમાજ તો હજુ પણ એવું જ માનશે કે હું ગુનેગાર છું."

કારાવાસમાં ગુમાવેલાં વર્ષો બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેઓ કહે છે, "મારા બાળપણના બધા મિત્રોએ જીવનમાં પ્રગતિ કરી છે. તેમણે કામ કર્યું છે, પૈસા બચાવ્યા છે. તેમના પોતાના પરિવારો છે. તેમનાં સંતાનો પણ મોટા થઈ ગયાં છે."

જોકે, અનોખીલાલ કહે છે કે તેમણે નવેસરથી શરૂઆત કરવી પડશે. "પાછલાં 11 વર્ષનું વળતર મને કોણ આપશે?"

આ કેસે માત્ર અનોખીલાલને જ નહીં, તેમના સમગ્ર પરિવારને ઘેરી લીધો હતો. પૈસાની સમસ્યા તો પહેલાંથી જ હતી. તે વિકટ બની હતી. મુલાકાત પણ મુશ્કેલ હતી. અનોખીલાલના ભાઈ તેજરામ કહે છે, "તેમને જેલમાં મળવા જતો ત્યારે ઘણીવાર રેલ્વે પ્લૅટફૉર્મ પર સૂતો હતો, કારણ કે મારી પાસે હોટેલમાં રહેવાના પૈસા ન હતા."

આ કેસ માટેના કાયદાકીય ખર્ચને પહોંચી વળવા તેમણે તેમના પરિવારની અડધોઅડધ જમીન વેંચી દેવી પડી હતી અને એ પૈસા પણ ટૂંક સમયમાં ખર્ચાઈ ગયા હતા. તેથી પરિવાર ફરી મુશ્કેલીમાં આવી ગયો હતો.

તેજરામ કહે છે, "મારા પિતા ચિતભ્રમિત થઈ ગયા હતા. પથારીવશ થઈ ગયા હતા અને દીકરાની સાથે જમીન પણ જવાથી રડતા રહેતા હતા. આ કેસને કારણે મારા પિતા મૃત્યુ પામ્યા હતા."

આ બધાને કારણે પરિવારે આશા ગૂમાવી દીધી હતી. અનોખીલાલના માતા રેમાબાઈ કહે છે, "થોડા સમય પછી મને લાગતું હતું કે મારા દીકરાને ફાંસી આપવામાં આવશે."

અનોખીલાલના ભાઈના કહેવા મુજબ, પૈસા ખતમ થઈ ગયા અને કોઈ આશા ન હતી ત્યારે તેમણે તેમના વકીલને કહ્યું હતું, "હવે હું તમને પૈસા ચૂકવી શકું તેમ નથી. આગળ શું થાય છે તે જોઈએ. ભગવાનની ઇચ્છા હશે તો તેઓ એક દિવસ જેલની બહાર આવશે."

અનોખીલાલના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પરિવારની મુશ્કેલીથી વાકેફ હતા અને તેમણે જેલમાં તેમની મુલાકાતે ન આવવા તેમને જણાવ્યું હતું, કારણ કે એ કારણે ખર્ચમાં વધારો થતો હતો.

નવેસરથી શરૂઆત

અનોખીલાલના કહેવા મુજબ, જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેઓ બહાર જવાનું અને લોકોને મળવાનું પણ ટાળે છે. "હવે મને રાતે બહાર જવાનું ગમતું નથી. મારો સાથી બધી ખરીદી કરીને વસ્તુઓ લાવી આપે છે."

અનોખીલાલ કામ પર જાય છે અને દોસ્ત સાથે ભાડે લીધેલી રૂમમાં પાછા ફરે છે.

પોતાના મિત્રો સાથેનો સંપર્ક અગાઉ જ ગુમાવી દીધો હોવાનું જણાવતાં અનોખીલાલ કહે છે, "હું બહાર આવ્યો પછી ભાગ્યે જ લોકોને મળ્યો છું. બહાર આવતાંની સાથે જ મારે પૈસા કમાવાનું શરૂ કરવું પડ્યું હતું."

અનોખીલાલ મધ્યપ્રદેશમાં છૂટક કામ કરે છે. પોતાનું આગામી લક્ષ્ય પરિવારનું દેવું ચૂકવવાનું, પરિવાર માટે પાકું ઘર બનાવવાનું અને પછી લગ્ન કરવાનું છે, એમ જણાવતાં અનોખીલાલ કહે છે, "મને સ્વતંત્ર હોવાનું મહત્ત્વ સમજાયું છે. સ્વતંત્રતા સુંદર છે."

મુદ્દાનો સવાલ

મધ્ય પ્રદેશ, કાયદો, બળાત્કાર, હત્યા, ગુનો, મૃત્યુદંડ, અનોખીલાલ, યાતના, બીબીસી ગુજરાતી

સવાલ એ છે કે ડીએનએ રિપોર્ટમાંની વિસંગતતાઓ પરત્વે 11 વર્ષ સુધી ધ્યાન કેમ દોરવામાં આવ્યું ન હતું?

પ્રોજેક્ટ 39-એનાં શ્રેયા રસ્તોગીએ કોર્ટમાં અનોખીલાલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના કહેવા મુજબ, તેઓ આ કેસ સાથે સંકળાયા ત્યાં સુધી ફૉરેન્સિક પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી ન હતી. ભારતમાં ફૉરેન્સિક સાયન્સ વિશેની સમજ ઘણી ઓછી છે.

શ્રેયાએ અમને એક પ્રાઇમર દેખાડ્યું હતું, જે તેમણે ડીએનએ પુરાવા અને પ્રતિપક્ષના વકીલોને સમજાવવા કોર્ટમાં રજૂ કરવાનું હતું. કોષ કોને કહેવાય, ડીએનએ શું છે વગેરેની સમજૂતી સાથેનું તે પ્રાઈમર હાઈસ્કૂલના વિજ્ઞાનના પ્રારંભિક પુસ્તક જેવું છે.11 વર્ષ પછી પણ આ કેસમાં ન્યાય કદાચ અસ્પષ્ટ છે. શ્રેયા રસ્તોગીના કહેવા મુજબ, ફરીથી પરીક્ષણ કરી શકાય એવી રીતે સેમ્પલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે અસંભવ છે.

શ્રેયા રસ્તોગી માને છે કે આ કેસમાં પોલીસ, ફૉરેન્સિક ટીમ અને કદાચ કોર્ટે પણ ભૂલ કરી હતી.

અનોખીલાલ મીડિયાને પણ દોષ આપે છે. આ કેસની તમામ વિગતના અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. રાજકારણીઓએ ન્યાયની માંગણી સાથે ગામની મુલાકાત લીધી હતી તેથી આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો.

અનોખીલાલ કહે છે, "મીડિયાએ મને શરૂઆતથી જ ગુનેગાર તરીકે દર્શાવ્યો હતો."

બીબીસીએ આ ઘટના સંબંધી સામગ્રી સ્થાનિક અખબારોના સંગ્રહમાં જોઈ હતી. એ પૈકીના એક રિપોર્ટમાં અનોખીલાલને પહેલાંથી જ બળાત્કારી ગણાવવામાં આવ્યા હતા. એક અન્ય રિપોર્ટમાં તેમની સામેના અગાઉના કેસીસનું વિગતવાર વર્ણન હતું.

શ્રેયા રસ્તોગીની સંસ્થાએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુદંડની સજા બહુધા અત્યંત ગરીબ અથવા સીમાંત પશ્ચાદભૂના લોકોને જ કરવામાં આવે છે.

મૃત્યુદંડની સજામાં ભૂલનું પ્રમાણ પણ ઘણું વધારે હતું. દેશની નીચલી અદાલતો દ્વારા લગભગ 1,500 કેસીસમાં કરવામાં આવેલા મૃત્યુદંડની સજા પૈકીના 30 ટકા લોકો નિર્દોષ છૂટ્યા હતા અને લગભગ 65 ટકાની સજામાં ઘટાડો થયો હતો.

જોકે, આ કેસમાં અનોખીલાલની અગ્નિપરીક્ષા હજુ પૂર્ણ થઈ નથી.

પોલીસે બીબીસીને જણાવ્યું છે કે અનોખીલાલને નિર્દોષ છૂટકારા સામે તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી છે, પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

એક વાત નક્કી છે કે બળાત્કાર અને હત્યા થઈ હતી, પણ આ ગુનો કોણે કર્યો હતો? બન્ને પક્ષે જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેના માટે કોણ જવાબદાર છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.