લૉરેન્સ બિશ્નોઈ જેવા હાઇપ્રોફાઇલ કેદીઓને સાબરમતી જેલમાં કેવી રીતે રાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images/ANI
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
લૉરેન્સ બિશ્નોઈ. હાલ ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ આ કેદીનું નામ માત્ર રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને હત્યાની ધમકી, બાબા સિદ્દીકીની હત્યા કેસમાં હાથ હોવાના આરોપથી માંડીને તાજેતરમાં કૅનેડામાં ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવામાં ભારતીય એજન્ટોની મદદ કરવાના આરોપોમાં લૉરેન્સ બિશ્નોઈ અને તેની ગૅંગનું નામ કેન્દ્રસ્થાને સાંભળવા મળી રહ્યું છે.
પાછલાં લગભગ દોઢ વર્ષથી લૉરેન્સ બિશ્નોઈ ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ નેટવર્ક ચલાવવાના આરોપમાં સાબરમતી જેલના હાઇ સિક્યૉરિટી સેલમાં બંધ છે.
હાલ જ્યારે લૉરેન્સના નામની ચર્ચા છે, ત્યારે ગુજરાતની સાબરમતી જેલના આ હાઇ સિક્યૉરિટી સેલની પણ ચર્ચા થવા લાગી છે.
બીબીસી ગુજરાતીએ હાઇ સિક્યૉરિટી સેલ શું હોય છે અને તેમાં કયા લોકોને કેદી તરીકે રાખવામાં આવે છે એ સવાલોનો જવાબ મેળવવા માટે સાબરમતી જેલમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા કેટલાક નિવૃત્ત વરિષ્ઠ અધિકારી સાથે વાત કરી હતી.
હાઇ સિક્યૉરિટી સેલમાં કોને રાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ, પ્રિઝન્સ તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત અધિકારી ટી. એસ. બિસ્ટ સાથે આ મુદ્દે વાત કરી હતી.
તેમણે સાબરમતી જેલમાં બનાવાયેલ હાઇ સિક્યૉરિટી સેલ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “સાબરમતી જેલમાં ખાસ હાઇ સિક્યૉરિટી સેલની રચના કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે કોર્ટના ઓર્ડર પ્રમાણે, ગુનાની ગંભીરતા આધારે અથવા તો જે-તે કેદીના વ્યવહારને આધારે કેદીને આ હાઇ સિક્યૉરિટી સેલમાં રાખવામાં આવે છે.”
લૉરેન્સ બિશ્નોઇ હાલમાં આવા જ એક હાઇ સિક્યૉરીટી સેલમાં કેદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિસ્ટ કહે છે કે સામાન્ય રીતે ડ્રગની હેરાફેરી, ગંભીર પ્રકારના ખૂનના આરોપીઓ, જેલથી ભાગવાનો પ્રયાસ કરી ચૂકેલા હોય તેવા કેદીઓ, બૉમ્બ બ્લાસ્ટના કેસના આરોપીઓ વગેરેને આ હાઇ સિક્યૉરિટી સેલમાં રાખવામાં આવે છે.
ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં લવાયેલા અતીક અહમદને પણ જ્યારે ગુજરાતની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને પણ આ જ સેલમાં રાખવામાં આવ્યા હતા.
બીબીસી ગુજરાતીએ આ મામલે ગુજરાતના હાલના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, જેલ, એ. જી. ચૌહાણ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ હાલમાં દિલ્હીમાં હોવાથી તેમણે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ ઉપરાંત ગુજરાતના હાલના એડિશનલ ડિરેક્ટર જરલ ઑફ પોલીસ, પ્રિઝન કે. એલ. એન. રાવ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
કેવો હોય છે હાઇ સિક્યૉરિટી સેલ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બિસ્ટ હાઇ સિક્યૉરિટી સેલ કેવો હોય છે એ અંગે માહિતી આપે છે.
તેઓ કહે છે કે, “આ સેલ બીજા સેલથી અલગ હોય છે, તેમાં ડબલ રિંગ સિક્યૉરિટી હોય છે. જેલના બીજા ભાગો કરતાં અહીં વધુ તાલીમબદ્ધ સ્ટાફ પહેરેદારી માટે હાજર હોય છે, ઉપરાંત આ હાઇ સિક્યૉરિટી સેલની આસપાસ વૉચ ટાવર બનાવાયાં છે.”
‘ગુજરાત જેલ મેન્યુલ’ પ્રમાણે આ પ્રકારના સેલની આસપાસ ‘નો-મેન્સ લૅન્ડ’નો વિસ્તાર હોય છે, જેમાં માત્ર નોકરી પર હાજર જેલ સ્ટાફ જ જઈ શકે છે.
હાઇ સિક્યૉરિટી સેલ વિશે વધુ વાત કરતાં બિસ્ટ કહે છે કે, “આ સેલમાં રહેલા કેદીને કોર્ટની કોઈ પણ મુદ્દત માટે બહાર કાઢવામાં આવતા નથી. તેમને વીડિયો કૉન્ફરન્સ થકી જ કોર્ટમાં રજૂ કરાય છે. તેઓ જેલમાંથી નાસી છૂટી શકે તેવી તક આપતી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી.”
જોકે હાઇ સિક્યૉરિટી સેલમાં કેદ એવા બિશ્નોઈ કે તેના જેવા બીજા અમુક કેદીઓને કોઈનીય સાથે મુલાકાતનો લાભ નથી અપાતો. સામાન્ય રીતે જેલમાં કેદીઓને એક અઠવાડિયામાં બે દિવસ માટે મુલાકાતનો લાભ અપાય છે.
ગુજરાતના જેલખાતામાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત આઈપીએસ અધિકારી એચ. પી. સિંહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “જેલમાં લવાયેલા કેદીઓને વિવિધ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હાઇ સિક્યૉરિટી સેલમાં કાચા કામના કેદીઓ (જેમના પર કોર્ટમાં ખટલો ચાલી રહ્યો હોય), તેમજ પાકા કામના કેદીઓ (જેમને સજા થઈ ચૂકી છે) બંનેને રાખવામાં આવે છે. વિવિધ ગંભીર ગુનામાં પકડાયેલા કેદીઓને હાઇ સિક્યૉરિટી કેદી તરીકે વર્ગીકૃત કરીને તેમને ત્યાં મોકલી આપવામાં આવે છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મૉડલ જેલ મૅન્યુઅલ પ્રમાણે નક્સલવાદ, આતંકવાદ, જેવાં કૃત્યોના કેદીઓને હાઇ સિક્યૉરિટી કેદી તરીકે ગણવા અને દર બે અઠવાડીયે તેની સઘન તપાસ કરવી.
આ મૅન્યુઅલ પ્રમાણે કૅટેગરી-1 માં કાચા કામના કેદીઓ, આતંકવાદ તેમજ ચરમપંથી પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલા કેદીઓ, હિંસક કેદીઓ, અથવા તો પહેલાં જેલથી ભાગી ગયેલા હોય તેવા કેદીઓનો સમાવેશ થાય છે, જ્યારે કૅટેગરી-2 માં પણ કાચા કામના કેદીઓ, ખૂનના આરોપીઓ, પ્રૉફેશનલ કિલર વગેરેનો સમાવેશ થાય છે.
હાઇ સિક્યૉરિટી સેલ જાડી દિવાલોથી બનેલું હોવું જોઇએ, અને તેની ઊંચાઇ 20 ફૂટ જેટલી હોવી જોઇએ, જેની ચારે બાજુ વૉચ ટાવર્સ હોવા જરૂરી છે. આકાશ તરફથી ખુલા રહેતા દરેક વિસ્તાર પર લોખંડની ગ્રીલ હોવી જરૂરી છે. હાઇ સિક્યૉરિટી સેલનો રૂમ 10’ બાય 9’ ની હોવી જોઈએ, તેમાં ટૉઇલેટ તેમજ નાહવાની સગવડ અંદર જ હોવી જોઇએ અને તેમાં કોઇ બારી હોવી ન જોઈએ.
લૉરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં કેમ બંધ છે?
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે સપ્ટેમ્બર-2022માં મધદરિયેથી પાકિસ્તાની બોટમાંથી 40 કિલોગ્રામ હેરોઇન પકડી પાડ્યું હતું, ત્યારથી લૉરેન્સ બિશ્નોઈનું નામ ગુજરાતના મીડિયામાં અવારનવાર સાંભળવા મળતું હતું.
જ્યારે ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) આ ઑપરેશન પાર પાડી રહી હતી, ત્યારે તે પંજાબની કપૂરથલા જેલમાં બંધ હતો.
2023માં જ્યારે બિશ્નોઈની કસ્ટડી ગુજરાત પોલીસે મેળવી હતી, તે સમયે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા એટીએસના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુનીલ જોશીએ કહ્યું હતું કે:
"અમારી માહિતી પ્રમાણે તેણે આ ડ્રગના કન્સાઇન્મૅન્ટનું આયોજન જેલમાં બેસીને કર્યું હતું. ગુજરાતના દરિયામાંથી જે ડ્રગ પકડાયું હતું, તે તેના માણસો માટે આવ્યું હતું."
પોલીસે પોતાની તપાસ દરમિયાન પોલીસે બિશ્નોઈ પાસેથી શું જાણવા માગે છે, તો તેમણે કહ્યું કે, "પ્રથમ તો તે જાણવું છે કે તેણે જેલમાં બેસીને આ કન્સાઇન્મૅન્ટ કેવી રીતે મંગાવ્યું."
નોંધનીય છે કે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાયા બાદ તેની જ્યુડિશિયલ કસ્ટડી સંદર્ભે તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે.
કચ્છમાં ડ્રગની હેરાફેરીના કેસમાં તેની ધરપકડ કરાયા બાદ તેને દિલ્હીથી ખાસ પોલીસ જાપ્તા હેઠળ કચ્છ, અને ત્યાર બાદ અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
કોણ છે લૉરેન્સ બિશ્નોઈ?

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ બાદ લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યું હતું.
જુલાઈ 2024માં વરિષ્ઠ પત્રકાર સંજીવ ચૌહાણે બીબીસી માટે લખેલા લેખમાં લખ્યું હતું કે મીડિયા અહેવાલો અનુસાર અહેવાલ પ્રમાણે, લૉરેન્સ બિશ્નોઈનો જન્મ 22 ફેબ્રુઆરી, પંજાબના ફિરોઝપુર જિલ્લાના ફજિલ્લકામાં થયો હતો. જોકે કેટલીક જગ્યાઓ પર તેની જન્મતારીખ 12 ફેબ્રુઆરી, 1993 છે. એટલે લૉરેન્સની ઉંમર લગભગ 31 વર્ષ છે.
બિશ્નોઈ પરિવારના પુત્ર લૉરેન્સનું અસલ નામ સતવિંદનસિંહ છે.
જોકે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો એટલે જન્મસમયે લૉરેન્સ દૂધ જેવો ઊજળો હતો, એટલે તેમનાં માતાએ જ તેમનું નામ 'લૉરેન્સ' રાખ્યું હતું, જે વધુ જાણીતું બન્યું.
તેના પિતા લવિંદરસિંહ હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ હતા, જ્યારે માતા ભણેલાં-ગણેલાં ગૃહિણી હતાં. લૉરેન્સના નાનપણમાં જ પિતાએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ગામડે પરત આવી ખેતીનો વારસાગત વ્યવસાય કરવા લાગ્યા હતા.
લૉરેન્સે પંજાબના અબોહરથી 12માનો અભ્યાસ પૂરો કર્યો અને આગળ ભણવા માટે 2010માં ચંડીગઢ જતો રહ્યો.
પંજાબ યુનિવર્સિટીથી તેણે એલએલબીનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશન ઑફ પંજાબ યુનિવર્સિટીનો નેતા રહી ચૂક્યો છે.
લૉરેન્સે ડીએવી કૉલેજમાં પ્રવેશ લીધો હતો અને વિદ્યાર્થી રાજનીતિમાં ઍન્ટ્રી લીધી હતી અને અહીં જ તેની મુલાકાત ગોલ્ડી બરાર સાથે થઈ. કહેવાય છે કે ગોલ્ડી બરાર વિદેશમાં બેસીને લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ માટે કામ કરે છે અને એક રીતે ગૅંગ સંભાળે છે.
લૉરેન્સનો સંબંધ બિશ્નોઈ સમુદાય સાથે છે જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગમાં વસે છે.
લૉરેન્સ બિશ્નોઈના વિદ્યાર્થી જીવનમાં તેમની સાથે અભ્યાસ કરી ચૂકેલા તેમના સાથીઓનું કહેવું છે કે તેને પંજાબી, બાગરી અને હરિયાણવી ભાષાઓ આવડે છે.
તેના વિદ્યાર્થી જીવનના અંતમાં જેના પર પ્રથમ કેસ મર્ડરના પ્રયાસમાં સામેલ હોવાનો દાખલ થયો હતો.
લૉરેન્સ બિશ્નોઈ સામે અત્યારે 22 કેસ ચાલુ છે અને તેમની સામે સાત મામલામાં તપાસ ચાલી રહી છે.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે તેની ગૅંગમાં 700 માણસો છે, જે અલગઅલગ રાજ્યોમાં ફેલાયેલા છે.
અગાઉ મીડિયા સાથે વાત કરતા લૉરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે બિશ્નોઈ સમાજ માટે કાળિયાર પૂજનીય છે અને સલમાન ખાન તેને મારી નાખવાના એક કેસમાં દોષિત ઠર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












