ગુજરાતમાં ભૂવા, તાંત્રિકો સામે અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદાની જરૂર કેમ પડી રહી છે?

ઇમેજ સ્રોત, Empics
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
વડોદરા જિલ્લાના કપુરાઈમાં 4 ઑગસ્ટના દિવસે કૉલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની યુવતીનું મૃત્યુ થયું. બીમાર યુવતીને કોઈ કથિત તાંત્રિક દ્વારા સારવારના ભાગરૂપે પાઉડર આપવામાં આવ્યો હતો.
આ પાઉડર ખાધા બાદ યુવતીનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ઘટના હજી ચાર દિવસ પહેલાં જ સમાચારોમાં ચમકી હતી. જોકે ગુજરાતમાં આવી સંખ્યાબંધ ઘટના રાજ્યના વિવિધ જિલ્લામાં સતત બનતી રહે છે.
- જાન્યુઆરી 2017: બનાસકાંઠાનાં રામીબહેન નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમની જમીન પડાવી લેવા માટે તેમને 'ડાકણ' ગણાવીને તેમની સામે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
- જૂન 2019: થરાદ તાલુકાના એક ગામમાં 7 મહિનાની બાળકીને હૃદયની બીમારી હતી. બાળકીના પરિવારના લોકો બાળકને 'ભૂવા' પાસે લઈ ગયા હતા. ભૂવા દ્વારા ડામ આપવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો અને બાદમાં બાળકીનું મોત નીપજ્યું હતું.
- ઑક્ટોબર 2022: ગીર સોમનાથ જિલ્લાના ધાવા ગામમાં 14 વર્ષની દીકરીને 'અંધશ્રદ્ધા'ને કારણે તેમના પિતા, કાકા, દાદા અને ફોઈએ ખેતરમાં બાંધી રાખી હતી અને ટોર્ચર કરીને મારી નાખી હતી.
- એપ્રિલ 2023: રાજકોટ જિલ્લામાં એક દંપતીએ 'અંધશ્રદ્ધા અને કાળાજાદુ'ની વિધિ માટે પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરી જીવ ગુમાવ્યો હતો.
- ઑક્ટોબર 2020: બનાસકાંઠામાં કથિત મેલી વિદ્યાના નામે અમાસની રાતે 12 વર્ષની બાળકી પર બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં હતી.
- જૂન 2015: અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં પૌત્રની પ્રથમ પત્નીનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું અને બીજી પત્ની પણ બીમાર રહેતી હોવાને કારણે પોતાની દાદી 'ડાકણ' હોવાના વહેમમાં પૌત્ર અને તેની પત્નીએ દાદીની હત્યા કરી હતી.
- નવેમ્બર 2017: વીરમગામ ખાતે પેટ્રોલપંપ પર પૈસાની ચોરી થતાં 'સત્યનાં પારખાં' કરવાને બહાને કર્મચારીઓને ઉકળતા તેલમાં હાથ બોળાવવામાં આવ્યા હતા.
ઉપરોક્ત તમામ કિસ્સા રાજ્યમાં બની રહેલા અનેક કિસ્સાઓમાંથી તારવીને હાઈકોર્ટની પિટિશનમાં ટાંકવામાં આવ્યા છે.
દેશનાં ઘણાં રાજ્યોમાં અંધશ્રદ્ધા આધારિત ગતિવિધિને રોકવા અને લોકોને તેનો ભોગ બનતા અટકાવવા માટેના કાયદા અમલમાં મુકાયેલા છે.
જોકે, આવા કાયદાની માગણી સાથે હાઈકોર્ટમાં કેસ લડનારી સંસ્થાઓને કારણે ગુજરાત સરકારે આગામી વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધાને આધારે થતી ગતિવિધિઓ રોકવા માટેનો ખરડો લાવવાની બાંહેધરી હાઈકોર્ટમાં આપી છે.
ગુજરાતમાં ભૂતકાળમાં બનેલા કિસ્સા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓના કાયદેસરના કેસોની શું સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
વર્ષ 2022માં ગીરસોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધાવા ગામમાં અંધશ્રદ્ધાને કારણે પિતા અને કાકાએ નવરાત્રીના આઠમના દિવસે 14 વર્ષની ધૈર્યાનો કથિત બલિ ચડાવ્યો હતો અને ધૌર્યાનો શેરડીના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધૈર્યાના નાના વાલજીભાઈ ડોબરિયાએ તાલાળા પોલીસ સ્ટેશનમાં પોતાની દોહિત્રીની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધૈર્યાના પિતા ભાવેશ અકબરી, દિલીપ અકબરીની ધરપકડ કરી હતી.
ભાવેશની પૂછપરછ દરમિયાન ભાવેશના પિતા અને બહેનની પણ ભાગીદારી બહાર આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી.
આ અંગે વાલજીભાઈ ડોબરિયાએ બીબીસીને જણાવ્યું, “મારી દીકરીને એક જ દીકરી હતી. તેના ફોઈના ઘરે દીકરો આવે તે માટે તેનાં ફોઈ, કાકા, પિતા અને દાદાએ મળીને મારી દોહિત્રીની હત્યા કરી નાખી. હાલ તે ચારેય જેલમાં છે . કેસનું હીયરિંગ ચાલી રહ્યું છે. મારી દીકરી 22 મહિનાથી મારા ઘરે છે. તેની દીકરીના મોતની દુઃખમાંથી તે ઊભરી શકે તેમ નથી. અંધશ્રદ્ધા એ દૂષણ છે, જેને કાયદા દ્વારા જ નાથી શકાય છે.”
તેમણે ઉમેર્યું, “અંધશ્રદ્ધા પરિવારોને બરબાદ કરી નાખે છે. તાંત્રિકોની ચુંગાલમાં આવીને પરિવારો માત્ર દુખી જ નથી થતાં, પણ વિખેરાઈ જાય છે. સરકાર દ્વારા તાંત્રિકો વિરુદ્ધ કડકમાં કડક કાયદો લાવવો જોઈએ. તેમજ તેનું પાલન પણ કડક રીતે થવું જોઈએ.”
અન્ય કેસોમાં પોલીસ કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
18 ઑક્ટોબર 2023ના રોજ રાજકોટના ધ્રોળ વિસ્તારમાં નવરાત્રીના સમયમાં ભાઈ અને મોટી બહેન દ્વારા નાની બહેનનો કથિત બલિ ચડાવી દેવાયો હતો. આ અંગે ખેતરના માલિક દ્વારા ધ્રોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કેસની હાલની સ્થિતિ અંગે બીબીસી સાથે વાત કરતા ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ પનારાએ જણાવ્યું, “આ કેસમાં મોટી બહેન ધૂણતી હતી અને પોતાને 'માતાજી આવતા' હોવાની વાત કરતી હતી. મૃતકનાં ભાઈ, મોટી બહેન અને બે સંબંધીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં ચારેય આરોપી જામીન પર છે. કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવાઈ છે.”
ઉપરાંત 4 ઑગસ્ટ 2024ના દિવસે વડોદરાના કપુરાઈમાં તાંત્રિકે આપેલી કથિત દવાની ફાકી ખાવાથી મૃત્યુ પામેલી 19 વર્ષની યુવતીના કેસ વિશે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. જાદવ કહે છે, “આ યુવતી મધ્ય પ્રદેશની હતી અને વડોદરામાં કૉલેજનો અભ્યાસ કરતી હતી. યુવતીને કમળો થયો હતો. તેની દવા ચાલતી હતી. તે કોઈ જગ્યા પર કમળો મંતરાવા માટે ગઈ હતી. જ્યાં તેને પાઉડર મંતરીને આપવામાં આવ્યો હતો. આ પાઉડરને હાલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. એફએસએલના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
કાયદાથી આવી ઘટનાઓ કેટલી રોકી શકાશે?
સંસ્થા તરફથી હાઈકોર્ટમાં પિટિશન કરનારા વકીલ હર્ષ રાવલ કહે છે, “અંધશ્રદ્ધા નિર્મૂલન અંગેનો કાયદો અટકાયતી પગલાં લેવા માટે ખૂબ જ જરૂરી છે. અગાઉની ભારતીય દંડ સંહિતા અને હાલની ભારતીય ન્યાય સંહિતામાં આ અંગે કોઈ જોગવાઈ નથી. દા.ત., કોઈ બાળકને ડામ દેવાયા હોય તો ડામ અંગેની ફરિયાદ કરી શકાય. પરંતુ તે ઘટનાને પહેલાં રોકી શકાય નહીં.”
તેમણે વધુમાં જણાવ્યું, “અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બને તો કાયદા દ્વારા વિજિલન્સ ઑફિસરની નિમણૂક થઈ શકે, જે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. તેમજ ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળે તો લોકોને તેમનો ભોગ બનતાં અટકાવવા માટેનાં પગલાં લઈ શકશે.”
કાયદાની જરૂર કેમ પડી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
હર્ષ રાવલ ધાર્મિક ભાવનાઓ અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખાને સ્પષ્ટ કરે છે.
તેમણે કહ્યું, “આ કાયદો એ કોઈની ધાર્મિક લાગણી દુભાવવા અંગે નથી. જે લોકો મંદિર, મસ્જિદ, ચર્ચ કે અન્ય ઉપાસનાગૃહમાં જઈને પોતાની શ્રદ્ધા અનુસાર પ્રાર્થના કરે છે, તેનાથી કોઈને નુકસાન થતું નથી. પરંતુ આ કાયદો એ માનવીય ગૌરવને હાનિ પહોંચાડતી પ્રવૃત્તિઓ કરનાર માટે છે. જેમ કે, કોઈને ડામ આપવામાં આવે કે સાંકળથી બાંધી રાખવામાં આવે કે ઉકળતા તેલમાં હાથ નંખાવવામાં આવે એવું કોઈ ધર્મ કહેતો નથી.”
‘અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સંસ્થા’ની બનાસકાંઠામાં કાર્યરત્ ‘અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’ દ્વારા આ અગાઉ કેટલાંય વર્ષોથી સરકારને લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આ અંગે સરકાર દ્વારા કોઈ કાયદો ન બનાવતા સંસ્થાએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે.
આ સમિતિના અગ્રણી સભ્ય પ્રો. અશ્વિન કારિયા પાલનપુર લૉ કૉલેજના સેવાનિવૃત્ત આચાર્ય છે.
પ્રો. કારિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “અમે છેલ્લાં 40 વર્ષથી લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે કામ કરીએ છીએ. હું પહેલાં ગોધરા લૉ કૉલેજમાં પ્રિન્સિપાલ હતો. ત્યારે હું આસપાસનાં ગામોમાં કોઈ કાર્યક્રમમાં જતો ત્યારે ગામડાંમાં ધર્મના નામે આર્થિક, જાતીય શોષણ, બાળકોનાં અપહરણ, મહિલાઓનું શોષણ તેમજ બાળકને દવાખાનાને બદલે ભૂવા પાસે લઈ જવાથી સારવારના અભાવે મૃત્યુ જેવા કિસ્સા મારા સામે આવવા લાગ્યા હતા. ત્યારબાદ મેં આ અંગે જાગૃતિ માટેના કાર્યક્રમો શરૂ કર્યા હતા.”
પ્રો. કારિયા એમ પણ માને છે કે ગામડાંમાં જોવા મળતી પ્રકારની અંધશ્રદ્ધા આધારિત ગતિવિધિઓ માત્ર ઓછું ભણેલા લોકો સુધી જ મર્યાદિત નથી. ભણેલાગણેલા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યુ, “અંધશ્રદ્ધા અને મેલી વિદ્યામાં માત્ર અભણ લોકો જ ફસાય છે તેનું માનવું ભૂલભરેલું છે. આ બદીમાં ભણેલાગણેલા લોકો પણ ફસાય છે. ઉચ્ચ હોદ્દા પરના અધિકારીઓ, ડૉક્ટરો કે વકીલો પણ કોઈને કોઈ સ્વામી કે ધર્મગુરુને ત્યાં જતા હોય છે. એ પણ અંધશ્રદ્ધા જ છે.”
તેમણે ઉમેર્યું, “અંધશ્રદ્ધાને કારણે લોકોનું આર્થિક, શારીરિક કે માનસિક શોષણ કરવામાં આવે છે. દરેક માણસને કોઈને કોઈ તકલીફ તો રહેતી જ હોય છે. આ તકલીફને દૂર કરવા માટે ક્યારેક તે અંધશ્રદ્ધામાં ફસાઈ જાય છે અને પછી તેમાંથી એ બહાર નીકળી શકતો નથી.”
આ સંસ્થાના અન્ય સભ્ય ગિરીશ સુંઢિયાએ બીબીસીને જણાવે છે, “રાજ્યમાં મેલી વિદ્યા, અંધશ્રદ્ધા, ભૂવા, પાખંડી, બાબાઓ દ્વારા વારંવાર લોકો સાથે છેતરપિંડી, હત્યા, છેડતી, બળાત્કાર, બલિ ચઢાવવો જેવી ઘટનાઓ બનતી રહે છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા કાયદાની તાતી જરૂર છે. અન્ય રાજ્યો દ્વારા આ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “બાળકોને બાળપણથી ક્યાંકને ક્યાંક અંધશ્રદ્ધા અંગે શિક્ષણ અપાય છે. જેથી અમે શાળાઓમાં જઈને બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા તેમજ તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટેના પ્રયત્નો કરીએ છીએ.”
સંસ્થાના સભ્યો દ્વારા લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા ભૂવાઓ દ્વારા કરવામાં આવતી કરામતો જેવી કે 'શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી', 'કંકુ પગલાં પાડવાં', 'જીભમાંથી ત્રિશૂળ કાઢવું', 'કોથળીમાંથી પૈસા કાઢવા' વગેરેનું જાહેર પ્રદર્શન કરીને શાળાઓ, કૉલેજોમાં બતાવવામાં આવે છે.
15 વર્ષ સુધી સરકારને કાયદો બનાવવા પત્ર લખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
એવું નથી કે આ સંસ્થાએ સીધા હાઈકોર્ટમાં અરજી કરીને સરકાર પાસે કાયદાની માગણી કરી છે. આ માટે સંસ્થાના સભ્યો દ્વારા સરકારના વિવિધ વિભાગો સાથે લાંબા સમય સુધી ધીરજપૂર્વક હિમાયત કરવામાં આવી હતી.
પ્રો. કારિયા કહે છે, “ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે કાયદો બનાવવા માટે અમે વર્ષ 2009થી સરકારને રજૂઆત કરી રહ્યા છીએ. જ્યારે પણ રાજ્યમાં આ પ્રકારની ઘટના બને તો અમે સરકારને મોકલતા હતા. તેમજ મુખ્ય મંત્રી, કાયદામંત્રી, ગૃહમંત્રી વગેરેને પત્ર લખીને કાયદો બનાવવા માટેની માગ કરી છે.”
તેમણે ઉમેર્યું, “છેલ્લાં 15 વર્ષથી આ અંગે અલગ-અલગ જગ્યા પર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતાં અમે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી હતી.”
રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવવા અંગે આ સમિતિ સાથે આકેડીવાલા ઍજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સર્વોદય ફાઉન્ડેશન, બનાસ શ્રેયસ ફાઉન્ડેશન, વનિતા શિશુવિહાર, નવસર્જન પાલનપુર જેવી અન્ય સંસ્થાઓ પણ જોડાઈ છે.
હાઈકોર્ટમાં થયેલી પિટિશનમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
પિટિશનમાં અંધશ્રદ્ધા અને કથિત મેલી વિદ્યાના વહેમના કારણે હત્યા, છેતરપિંડી કે ડામ આપવામાં આવ્યા હોય કે પછી છેડતી કે બળાત્કાર કરવામાં આવ્યા હોય તેવા અલગ-અલગ કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેમજ આ ઘટનાઓ અંગેના ઉપર જણાવ્યા મુજબના અહેવાલોના ન્યૂઝપેપરનાં કટિંગ કે ફરિયાદની કૉપી પણ મૂકવામાં આવી છે.
પિટિશનમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના નામે તાંત્રિકો, ભૂવાઓ , પાંખડીઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અંધશ્રદ્ધાને કારણે હત્યા, બળાત્કાર, અપહરણ, બાળકોને ડામ આપવા જેવી ઘટનાઓ બને છે. જે ઘટનાઓ રોકવા માટે રાજ્યમાં કાયદાની જરૂર છે.
સંસ્થાએ આ પિટિશન મારફતે માગણી કરી છે કે ગુજરાતમાં સરકારે અંધશ્રદ્ધા રોકવા “પ્રિવેન્શન ઑફ બ્લૅકમૅજિક ઍન્ડ હ્યુમન સેક્રિફાઇસ ઍન્ડ અધર ડેવીલ ઍન્ડ ઇનહ્યુમન ઍન્ડ અઘોરી પ્રૅક્ટિસિસ” અંગેનો કાયદો બનાવવો જોઈએ.
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, GUJARATHIGHCOURT.NIC.IN
આ પિટિશનના જવાબરૂપે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એક ઍફિડેવિટ કરી છે.
સરકારના ગૃહવિભાગે રજૂ કરવામાં આવેલી ઍફિડેવિટમાં અનુસાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12 જુલાઈના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને તારીખ 23/07/2024ના રોજ બેઠક યોજવામાં આવી હતી.
એ બેઠકમાં અધિક મુખ્ય સચિવ (ગૃહ), અધિક પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા), અધિક મહાનિદેશક (ગુનાહિત તપાસ વિભાગ અને રેલવે) અને ગૃહ સચિવ દ્વારા આ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર, “ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં ગૉડમૅન, અઘોરી, ભૂવાઓ તરીકે કામ કરતાં કપટકારો દ્વારા ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃત્તિઓ જેમાં તાંત્રિકવિધિઓને કારણે સ્ત્રીઓ અને નાનાં બાળકોનો બલિ ચઢાવવામાં આવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવાં રાજ્યોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટેનો કાયદો છે. ગુજરાતમાં કાળાજાદુ અને અઘોરીપ્રથા જેવી અમાનવીય પ્રવૃત્તિઓને રોકવા માટે કોઈ કાયદો નથી. જેથી આગામી વિધાનસભા સત્રમાં કાળાજાદુ અને અઘોરીપ્રથા જેવી અમાનવીય પ્રવૃતિઓને કાબૂમાં લેવા માટેનો ખરડો લાવવામાં આવશે.”
પ્રો. અશ્વિન કારિયા કહે છે, “હાઈકોર્ટમાં સરકાર દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે કાયદો લાવવાની બાંહેધરી આપવામાં આવી છે. આ વાત જાણીને અમે ખૂબ જ ખુશ છીએ.”












