ડૉ. દાભોલકરની હત્યાનાં 11 વર્ષ બાદ ચુકાદો, બે લોકોને આજીવન કેદ, શું હતો સમગ્ર કેસ?

નરેન્દ્ર દાભોલકર

ઇમેજ સ્રોત, MANIS

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર દાભોલકર
    • લેેખક, ભાગ્યશ્રી રાઉત
    • પદ, બીબીસી મરાઠી માટે

ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાકેસમાં આરોપી સચિન અંદુરે અને શરદ કળસકરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે વીરેન્દ્ર તાવડે, વકીલ સંજીવ પુનાળેકર અને વિક્રમ ભાવેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અંદુરે અને કળસ્કરને આજીવન કેદ અને 5 લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.

ડૉ. નરેન્દ્ર દાભોલકર મહારાષ્ટ્રના પ્રમુખ સામાજિક કાર્યકર્તા અને અંધશ્રદ્ધા દૂર કરનારી સમિતિના સંસ્થાપક હતા.

આ પરિણામ પછી ડૉ. નરેન્દ્ર દાભોલકરના પુત્ર ડૉ. હમીદ દાભોલકરે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અસલી હત્યારાઓને સજા મળી ગઈ છે. જે બચી ગયા તેમની વિરુદ્ધ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડીશું.”

"આ ષડ્યંત્ર પાછળના જે મુખ્ય સૂત્રધાર છે, એની ધરપકડ કરવામાં આવી નથી. અમે આ કેસો સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશું."

ત્યારે, ડૉ. નરેન્દ્ર દાભોલકરનાં પુત્રી મુક્તા ડાભોલકરે કહ્યું, "કોર્ટે સાચા હત્યારાઓને સજા સંભળાવી એ સંતોષની વાત છે. જે ત્રણ લોકોને સજા કરવામાં આવી નથી તેમની સામે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું. 11 વર્ષ પછી અમને લાગે છે કે વિવેકના માર્ગે ન્યાય મળશે એવી લાગણી મને થઈ રહી છે."

"હજી સુધી એ નથી જાણી શકાયું કે જે લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે, તેમને કયા આધારે છોડવામાં આવ્યા છે. કેમકે ચુકાદાની નકલ હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. પરંતુ જે સંબંધી હતા, તેમને 8 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. તેમને તે સજા મળી ગઈ છે. પરંતુ અમે આ ચુકાદા સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જઈશું."

મુકતાએ આગળ કહ્યું, "અમારું કહેવું છે કે હજી સુધી આની પાછળના મુખ્ય સૂત્રધાર બાબતે જાણ નથી થઈ. સીબીઆઈએ કહ્યું છે કે આ એક વ્યાપક ષડ્યંત્રનો ભાગ છે. સીબીઆઈએ એ શોધવું પડશે કે તેઓ કોણ હતા?”

આરોપીઓના વકીલે શું કહ્યું?

આરોપીઓના વકીલ સાળસિંગિકરે જણાવ્યું, “શરદ કળસકર અને સચિન અંદુરેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. તેમને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે જો દંડના ભર્યો તો સજા વધારવામાં આવશે. વિક્રમ ભાવે, સંજીવ પુનાળેકર, ડૉ.વીરેન્દ્ર તાવડેને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.”

"આ મામલે મેં પૂણે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈની અલગ-અલગ થિયરી છે. ભલે આજે તેઓને સજા સાંભળવામાં આવી હોય, અમે તેનું સંમાન કરીયે છીએ. ચુકાદાની નકલ મળ્યા પછી, અમે તેનો અભ્યાસ કરીશું અને ચોક્કસપણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું."

છેલ્લાં 11 વર્ષમાં આ કેસની તપાસ કેવી રીતે થઈ?

મહારાષ્ટ્રના પૂણેમાં 11 વર્ષ પહેલાં બનેલી એ આઘાતજનક ઘટનાથી સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો. એ ઘટના 2013ની 20 ઑગસ્ટે બની હતી.

મહારાષ્ટ્રમાં રેશનલિસ્ટ ચળવળના અગ્રણી કાર્યકર અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક ડૉ. નરેન્દ્ર દાભોલકરની પૂણેના મહર્ષિ વિઠ્ઠલ રામજી શિંદે પૂલ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મોટરસાઇકલ પર સવાર લોકોએ અચાનક કર્યો ગોળીબાર

નરેન્દ્ર દાભોલકર

ઇમેજ સ્રોત, BBC/SHARAD BADHE

ડૉ. દાભોલકર 2013ની 20 ઑગસ્ટે રાબેતા મુજબ મોર્નિંગ વૉક પર ગયા હતા. તેઓ બાળ ગંધર્વ રંગ મંદિરની પાછળના ભાગમાં આવેલા પૂલ પર પહોંચ્યા ત્યારે મોટરસાઇકલ પર સવાર થઈને બે લોકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

આરોપીઓ દેખીતી રીતે નજીકમાં છૂપાયેલા હતા અને ડૉ. દાભોલકરને નિશાન બનાવવાની તકની રાહ જોતા હતા. ડૉ. દાભોલકર પર જીવલેણ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને બે હુમલાખોરો મોટરસાઇકલ પર નાસી છૂટ્યા હતા.

એ હુમલાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન થયું હતું. દાભોલકરના હત્યારાઓની ધરપકડની માગે જોર પકડ્યું હતું. સમગ્ર રાજ્યના સામાજિક કાર્યકરો “આમ્હી સારે દાભોલકર” (અમે બધા દાભોલકર) સૂત્ર હેઠળ, ઝડપી કાર્યવાહીની માંગ સાથે એકઠા થયા હતા. એ વખતે મહારાષ્ટ્રમાં શાસક કૉંગ્રેસ-એનસીપી સરકાર પર દબાણ વધ્યું હતું. કેસની તપાસ પૂણે પોલીસ કરતી હતી.

પૂણે પોલીસે પહેલી ધરપકડ કરી, પણ...

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દાભોલકર હત્યા કેસમાં પૂણે પોલીસે પહેલી ધરપકડ જાન્યુઆરી, 2014માં કરી હતી. બંદુકના કથિત વેપારી મનિશ નાગોરી અને તેના સહયોગી વિકાસ ખંડેલવાલને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે, તેનાથી વિવાદ સર્જાયો હતો. થાણે પોલીસે તેમને 2013ની 20 ઑગસ્ટે સાંજે ચાર વાગ્યે એટલે કે હત્યાના દિવસે ખંડણીના એક કેસમાં ઝડપ્યા હતા. દાભોલકરની હત્યાના થોડા કલાકોમાં જ આ ધરપકડ કરવામાં આવી હતી.

નાગોરી અને ખંડેલવાલને મહારાષ્ટ્ર એટીએસે ઑક્ટોબર, 2013માં તાબામાં લીધા હતા. એટીએસે 40 ગેરકાયદે શસ્ત્રો જપ્ત કર્યાનો દાવો કર્યો હતો. એટીએસે ભારપૂર્વક જણાવ્યું હતું કે એ પૈકીની એક ગનના માર્કિંગ્ઝ, દાભોલકરની હત્યાના સ્થળેથી મળી આવેલી કાર્ટ્રિજ સાથે મૅચ થતાં હતાં. પૂણે પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી હતી.

શરૂઆતમાં તેમની ધરપકડ પૂણે યુનિવર્સિટીના એક સુરક્ષા ગાર્ડની હત્યાના આરોપસર કરવામાં આવી હતી. એ પછી તેમના પર દાભોલકરની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં અસલી વળાંક 2014ની 21 જાન્યુઆરીએ આવ્યો હતો. એ સમયે બંને આરોપીઓએ એટીએસના વડા પર આરોપ લગાવ્યા હતા. આરોપીઓએ કોર્ટમાં દાવો કર્યો હતો કે એટીએસના વડા રાકેશ મારિયાએ દાભોલકરની હત્યાનો ગુનો કબૂલવા માટે તેમને રૂ. 25 લાખની ઑફર કરી હતી.

જોકે, એ પછીની સુનાવણીમાં બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે જાણીજોઈને તે આરોપ મૂક્યો હતો. પૂણે પોલીસે બંને સામે ચાર્જશીટ પણ દાખલ કરી ન હતી. બંને આરોપીઓને આ કેસ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું બહાર આવ્યું એ પછી અદાલતે બંને આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા.

પૂણે પોલીસ પાસેથી તપાસ સીબીઆઈ પાસે કેવી રીતે ગઈ?

સીબીઆઈની ટીમ આરોપી સચીન અંદુરેને ઘટના સ્થળ પર લઈ ગઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીબીઆઈની ટીમ આરોપી સચીન અંદુરેને ઘટના સ્થળ પર લઈ ગઈ હતી

પૂણે પોલીસની તપાસ આડે પાટે ચડી ગઈ હોવાનું જોતાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરવામાં આવી હતી. એ પછી બૉમ્બે હાઈકોર્ટે જૂન, 2014માં આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ સનાતન સંસ્થા સાથે સંકળાયેલા કાન, નાક અને ગળાના સર્જન ડૉ. વિરેન્દ્રસિંહ તાવડેની 2016ની 10 જૂને ધરપકડ કરી હતી.

અગાઉ આ જ તાવડેની મહારાષ્ટ્ર પોલીસે 2015માં પાનસરે હત્યા કેસમાં ધરપકડ કરી હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે દાભોલકર હત્યા કેસમાં એક સુત્રધાર તાવડે છે. તાવડે વિરુદ્ધ 2016ની 6, સપ્ટેમ્બરે હત્યાનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

એ ચાર્જશીટમાં સીબીઆઈએ દાવો કર્યો હતો કે સનાતન સંસ્થાના બે ફરાર સભ્યો સારંગ અકોલકર અને વિનય પવારે દાભોલકર પર ગોળીબાર કર્યો હતો.

કોલ્હાપુરના હિન્દુ કાર્યકર્તા અને ધાતુની વસ્તુઓના કારીગર સંજય સાડવિલકરની જુબાની અનુસાર તાવડેની ધરપકડ કરવામાં આવી હતી. તાવડે અને અકોલકર બંને 2013માં સાડવિલકરને મળ્યા હતા. તાવડે સાડવિલકરની મદદથી હથિયાર બનાવવા ઇચ્છતા હતા. એ માટે અકોલકર દેશી બનાવટની પિસ્તોલ અને રિવોલ્વર લાવ્યા હતા. તાવડેએ દાભોલકરની હત્યા કરવા અકોલકર અને પવાર બંનેને જણાવ્યું હોવાનો દાવો સીબીઆઈએ ચાર્જશીટમાં કર્યો હતો.

હત્યાના બે વર્ષ પછી પણ તપાસ ધીમી ગતિએ ચાલતી હતી. તેથી દાભોલકરના પરિવારે કોર્ટમાં ધા નાખી હતી.

હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ શરૂ થઈ

પૂણે પોલીસની તપાસની ટીકા થયા બાદ ડૉ. હામિદ દાભોલકર અને મુક્તા દાભોલકરે 2015ની મધ્યમાં બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસની માગણી તે અરજીમાં કરવામાં આવી હતી. આ કેસની તપાસ હાઈકોર્ટની દેખરેખ હેઠળ આઠ વર્ષ સુધી કરવામાં આવી હતી. હાઈકોર્ટે એપ્રિલ, 2023માં આ અરજીનો નિકાલ કર્યો હતો, કારણ કે સીબીઆઈએ પાંચેય આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

દરમિયાન, હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી હતી ત્યારે સીબીઆઈએ પાંચ વર્ષ પછી બે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારે સીબીઆઈની તપાસ પર જ સવાલ ઉઠ્યા હતા.

સીબીઆઈએ પહેલાં એમ જણાવ્યું હતું કે સારંગ અકોલકર અને વિનય પવારે જ દાભોલકરને ગોળી મારી હતી. સીબીઆઈએ ઑગસ્ટ, 2018માં શરદ કળસકર અને સચિન અંદુરેની ધરપકડ કરીને પણ દાવો કર્યો હતો કે આ બંનેએ દાભોળકર પર ગોળીબાર કર્યો હતો.

શરદ કળસકર અને સચિન અંદુરેનું પગેરું કેવી રીતે મળ્યું હતું?

કર્ણાટકમાં ગૌરી લંકેશની હત્યાના મામલામાં પરશુરામ વાઘમારેની ધરપકડ કરવામાં આવી હતી. વાઘમારે પાસેથી મળેલી માહિતીને આધારે મહારાષ્ટ્ર એટીએસે 2018માં વૈભવ રાઉતના મુંબઈ નજીકના નાલાસોપારાસ્થિત ઘર પર દરોડો પાડ્યો હતો અને વૈભવ રાઉત તથા શરદ કળસકરની શસ્ત્રો સાથે ધરપકડ કરી હતી.

તેમને પૂછપરછ કરતાં શરદ કળસકર દાભોલકરની હત્યા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે દાભોલકરની હત્યાની કબૂલાત કરી હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું.

તેણે આપેલી માહિતી અનુસાર, સચિન અંદુરેની ઔરંગાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. દાભોલકર હત્યા કેસમાં તે ત્રીજી ધરપકડ હતી. આરોપીની ધરપકડ પછી ત્રણ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવી જરૂરી હોય છે, પરંતુ સીબીઆઈએ એવું કહીને વધુ સમય માંગ્યો હતો કે આ પ્રકરણમાં અનેક પાસાઓની તપાસ થવી બાકી છે.

આખરે 2019ની 13 ફેબ્રુઆરીએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બન્નેએ જ દાભોલકર પર ગોળીબાર કર્યો હોવાનું સીબીઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું હતું.

પૂણે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સીબીઆઈએ દાવો કર્યો હતો કે ગૌરી લંકેશ હત્યાકાંડના મુખ્ય આરોપી અમોલ કાળેએ દાભોલકર પર ગોળીબાર કરવા માટે પિસ્તોલ અને મોટરસાઇકલ સચિન અંદુરેને ઉપલબ્ધ કરાવી હતી. આરોપીઓએ વાપરેલાં શસ્ત્રો ક્યાં ગયાં તેની તપાસ કરતાં સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી હતી અને બંદૂકની શોધ શરૂ કરી હતી.

સીબીઆઈએ 2019ની 26 મેના રોજ મુંબઈમાં સનાતન સંસ્થાના વકીલ સંજીવ પુનાળેકર અને તેમના સહયોગી વિક્રમ ભાવેની ધરપકડ કરી હતી. દાભોલકર હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ નષ્ટ કરવાની સલાહ પુનાળેકરે શરદ કળસકરને આપી હતી. એ મુજબ, કળસકરે ચારેય પિસ્તોલ થાણેની ખાડીમાં ફેંકી દીધી હતી, જ્યારે વિક્રમ ભાવેએ શૂટર્સ માટે પરિસરની રેકી કરી હોવાનો આરોપ સીબીઆઈએ મૂક્યો હતો.

સીબીઆઈની કસ્ટડીમાં પૂછપરછ બાદ સંજીવ પુનાળેકરને 2019ની પાંચમી જુલાઈએ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ થાણેની ખાડીમાં ફેંકી દેવામાં આવેલી પિસ્તોલ શોધવા વિદેશી એજન્સીઓની મદદ લીધી હતી. એ માટે લગભગ સાડા સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આખરે 2020ની પાંચમી માર્ચે સીબીઆઈએ તે પિસ્તોલ શોધી કાઢ્યાનો દાવો કર્યો હતો. એ જ પિસ્તોલનો ઉપયોગ દાભોલકરની હત્યામાં કરવામાં આવ્યો હતો કે કેમ તેની તપાસ માટે તેને બેલેસ્ટિક નિષ્ણાતો પાસે મોકલવામાં આવી હતી. તેનો અહેવાલ સીબીઆઈએ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કર્યો નથી.

હિંદુસ્તાન ટાઈમ્સ અખબારે જુલાઈ, 2021માં બેલેસ્ટિક નિષ્ણાતોનો હવાલો આપીને પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તે પિસ્તોલનો ઉપયોગ દાભોલકરની હત્યા માટે કરવામાં આવ્યો નહોતો.

આરોપીઓની ધરપકડ કરવામાં આવી, ચાર્જશીટ દાખલ કરવામાં આવી, શસ્ત્રોની શોધ કરવામાં આવી, પરંતુ આરોપીઓ સામેના આરોપોને અંતિમ રૂપ આપવામાં નવ વર્ષ થઈ ગયાં.

હત્યાનાં નવ વર્ષ બાદ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકરોએ થાણેમાં રેલ્વે સ્ટેશનની બહાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે ડૉ. નરેન્દ્ર દાભોલકરના હત્યારાઓની ધરપકડ કેમ કરવામાં આવતી નથી એવો સવાલ ઉઠાવીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકરોએ થાણેમાં રેલ્વે સ્ટેશનની બહાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે ડૉ. નરેન્દ્ર દાભોલકરના હત્યારાઓની ધરપકડ કેમ કરવામાં આવતી નથી એવો સવાલ ઉઠાવીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું (ફાઇલ ફોટો)

લગભગ નવ વર્ષ પછી 2021ની 15 ડિસેમ્બરે પૂણે સ્પેશિયલ કોર્ટે દાભોલકર હત્યાકાંડના પાંચેય આરોપીઓ સામે આરોપ નક્કી કરી નાખ્યા હતા. ડૉ. વિરેન્દ્રસિંહ તાવડે, સચિન અંદુરે, શરદ કળસકર અને વિક્રમ ભાવે પર યુએપીએ હેઠળ હત્યાનો, ગુનાહિત ષડ્યંત્ર રચવાનો તથા શસ્ત્ર અધિનિયમ સંબંધી ધારાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા, જ્યારે સંજીવ પુનાળેકર પર આઈપીસીની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા કે ખોટી માહિતી આપવી) મુજબ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં આ પાંચેય આરોપીઓએ કોર્ટમાં ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો હતો.

પાંચેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા પછી ખરા અર્થમાં ખટલો 2021માં શરૂ થયો હતો. તેમાં લગભગ 20 સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં.

અત્યાર સુધી કોની-કોની જુબાની નોંધવામાં આવી છે?

દાભોલકર હત્યાકાંડમાં સૌથી પહેલી જુબાની તેમના પાડોશી અવિનાશ ધવલભક્તની નોંધવામાં આવી હતી. ડૉ. દાભોલકરના સદાશીવ પેઠ વિસ્તારમાંના અમેય ઍપાર્ટમૅન્ટમાંથી પુસ્તકો, ડાયરી, કપડાં જેવી કેટલીક વસ્તુઓ પોલીસે પોતાના તાબામાં લીધી હતી. તેમાં ધવલભક્ત સાક્ષી બન્યા હતા. આરોપીઓના વકીલે પણ ધવલભક્તની ઉલટ તપાસ કરી હતી.

આ કેસમાં કેટલાક સાક્ષીઓની તપાસ બાદ ડૉ. હમીદ દાભોલકરને ફરી પૂછપરછ કરવામાં આવી હતી. ડૉ. દાભોલકરના પુત્ર ડૉ. હમીદની ઉલટતપાસ કરવામાં આવી હતી. આરોપીના વકીલ સાળશિંગીકરે. ડૉ. હમીદને તેમના પિતા ડૉ. દાભોલકરનાં કાર્ય, ધાર્મિક સંસ્થા, બોગસ ડૉક્ટર્સની ફરિયાદો વિશે તથા વારકરી સમુદાય અને ડૉ. દાભોલકર વચ્ચે કોઈ વિવાદ હતો કે કેમ એ સંબંધી સવાલો પૂછ્યા હતા.

ડૉ. હમીદે જણાવ્યું હતું કે તેઓ તેમના પિતાનાં કામકાજ વિશે ખાસ કશું જાણતા નથી. એ વખતે સાળશિંગીકરે હાઈકોર્ટમાં દાખલ કરેલી રીટ પિટીશન વાંચી સંભળાવી હતી. તેમની મંત્રતંત્ર વિરોધી અરજી સામે વારકરી સમુદાયનો વિરોધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડૉ. હમીદે જણાવ્યું હતું કે માત્ર કેટલાક વારકરીઓ જ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાના વિરોધી હતા, આખો સમાજ નહીં.

ડૉ. હમીદને પૂછવામાં આવ્યું હતું કે શ્યામ માનવ અને નરેન્દ્ર દાભોલકર એકમેકથી અલગ શા માટે થયા હતા? ડૉ. હમીદે તેના જવાબમાં કહ્યું હતું, “એ વખતે હું સાત-આઠ વર્ષનો હતો. તેથી મને કશું યાદ નથી, પરંતુ એ બન્નેની વચ્ચે કોઈ મતભેદ નહોતા. બન્નેનાં કામકાજમાં પણ કોઈ ફરક ન હતો, માત્ર કામ કરવાની રીત અલગ હતી.” આ સુનાવણીનો અહેવાલ હિંદુસ્તાન ટાઈમ્સે ત્યારે પ્રકાશિત કર્યો હતો.

સાક્ષીઓના નિવેદન નોંધવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સીબીઆઈએ મહત્ત્વના એક સાક્ષીને કોર્ટમાં રજૂ કર્યો હતો. એક સફાઈ કામદારે મહત્ત્વની જુબાની આપી હતી. 2022ની 19 માર્ચે દાભોલકર હત્યાકાંડની સુનાવણી દરમિયાન તેણે સચિન અંદૂરે અને શરદ કળસકર બંનેને ઓળખી કાઢ્યા હતા.

પૂણે મહાનગર પાલિકાના એ સફાઈ કામદારે જુબાનીમાં જણાવ્યું હતું કે અંદૂરે અને કળસકરે દાભોલકર પર ગોળીબાર કર્યો હતો તથા નાસી છૂટ્યા હતા. આરોપીના વકીલે તેની ઉલટતપાસ કરી હતી. સકાળ નામના દૈનિકે એ સમયે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ, તેમણે કોર્ટને કહ્યું હતું, “જેલમાં કરાયેલી ઓળખ પરેડમાં આરોપીઓની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ અંદુરે અને કળસકરના ફોટોગ્રાફ્સ દેખાડતા પહેલાં સીબીઆઈએ આ આરોપીઓની તસવીરો અખબારોમાં પ્રકાશિત સમાચારમાં જોઈ હતી.”

પૂણેના ડેક્કન પોલીસ સ્ટેશનના તત્કાલીન વરિષ્ઠ પોલીસ ઇન્સપેક્ટર એમ. એસ. જોશીએ અદાલતમાં એવી જુબાની આપી હતી કે તેમણે ઘટનાના મુખ્ય સાક્ષી વિનય કેળકરનું નિવેદન નોંધ્યું હતું. એ વખતે આરોપીના વકીલે ઉલટતપાસ કરી હતી. જે વ્યક્તિએ ફરિયાદ કરી હતી તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો કે નહીં, એવો સવાલ કરવામાં આવ્યો ત્યારે જોશી તેનો જવાબ નકારમાં આપ્યો હતો.

આ ખટલામાં સીબીઆઈના ભૂતપૂર્વ અધિકારીઓની જુબાની પણ નોંધવામાં આવી હતી. તેમણે દાભોલકરની હત્યા માટે વાપરવામાં આવેલાં શસ્ત્રો બાબતે મોટો ખુલાસો કર્યો હતો.

સીબીઆઈના અધિકારી એસ. આર. સિંહે શરૂઆતમાં દાભોલકરની હત્યાકાંડની તપાસ કરી હતી, પરંતુ ડિસેમ્બર, 2022માં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા. પછી સપ્ટેમ્બર, 2023માં તેમની જુબાની તપાસવામાં આવી હતી. તેમણે દાભોલકરની હત્યામાં વાપરવામાં આવેલાં હથિયારો બાબતે મોટો ખુલાસો કર્યો હતો.

એસ. આર. સિંહે કોર્ટમાં જણાવ્યું હતું કે “પત્રકાર ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યાના મુખ્ય આરોપી તથા સનાતન સંસ્થાના સભ્ય અમોલ કાળેએ દાભોલકરની હત્યા માટે વાપરવામાં આવેલાં શસ્ત્રો તથા મોટરસાઇકલ ઉપલબ્ધ કરાવ્યા હતા. નવેમ્બર, 2019માં ચાર્જશીટ દાખલ થયા પછી શસ્ત્ર શોધવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ અમને શસ્ત્રો મળ્યા નહોતા. અમારા પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હતા.” આ વિશેનો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પ્રકાશિત કર્યો હતો.

સચિન અંદુરે જે દુકાનમાં કામ કરતો હતો ત્યાંથી હાજરી રજિસ્ટર જપ્ત કરવામાં આવ્યું હતું. તેમાંથી જાણવા મળ્યું હતું કે અંદુરે દાભોલકરની હત્યાના એક દિવસ પહેલાં અને એક દિવસ પછી કામ પર ગેરહાજર હતો, એવું સિંહે અદાલતને જણાવ્યું હતું.

સીબીઆઈએ કેટલાક સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા પછી આરોપીઓના વકીલે પુરાવા તરીકે આરોપીની બહેનનને કોર્ટમાં રજૂ કરી હતી. એમની બહેનોએ અદાલતમાં શું જણાવ્યું હતું?

શરદ કળસકર અને સચિન અંદુરેની બહેનોની જુબાની જાન્યુઆરી, 2024માં નોંધવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 2013ની 20 ઑગસ્ટે અમારા ભાઈ રક્ષાબંધન માટે અમારી સાથે હતા. સીબીઆઈના વકીલ પ્રકાશ સૂર્યવંશીએ તેમની ઉલટતપાસ કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે તમારા ભાઈ તમારી સાથે હોવાની માહિતી તમે તપાસ એજન્સી કે બૉમ્બે હાઈકોર્ટને આપી હતી? બહેને નકારમાં જવાબ આપ્યો હતો. સીબીઆઈએ આક્ષેપ કર્યો હતો કે આ બન્ને તેમના ભાઈને બચાવવા માટે ખોટી જુબાની આપી રહી છે. જોકે, બન્ને બહેનોએ તેનો ઇનકાર કર્યો હતો. આ બાબતે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં અહેવાલ પ્રકાશિત થયો હતો.

તમામ સાક્ષીઓની જુબાની અને ઉલટતપાસ બાદ આ કેસ અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો.

કોર્ટમાં સીબીઆઈની છેલ્લી દલીલો

બોમ્બે હાઇ કોર્ટ
ઇમેજ કૅપ્શન, બૉમ્બે હાઈકોર્ટ

સીબીઆઈએ 2024ની 17 ફેબ્રુઆરીએ અદાલતમાં પોતાની દલીલો પૂર્ણ કરી હતી. ડૉ. હમીદ દાભોલકર, અનાંસીના કાર્યકર પ્રશાંત પોતદાર અને કોલ્હાપુરના વ્યવસાયી સંજય સાડવિલકરે આપેલી જુબાની મુજબ, હિંદુત્વવાદી સંગઠન અને આરોપી તાવડેના મનમાં દાભોલકર પ્રત્યે દ્વેષ તથા દુશ્મનીની લાગણી હતી એ સિદ્ધ થાય છે. આ બન્ને આરોપીઓની ઓળખ સાક્ષીઓએ કરી લીધી છે. સીબીઆઈએ એવી દલીલ પણ કરી હતી કે આરોપી અંદુરેએ કબૂલાત પણ કરી લીધી છે.

નરેન્દ્ર દાભોલકરના શરીર પર એક લાંબો વાળ હોવાનું બહાર આવ્યું હતું. તમામ સાક્ષીઓ એ વિશે કશું જાણતા નહોતા. પરંતુ ડૉ. તાવડેએ ઉલટતપાસ દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે તે વાળ નહીં, પરંતુ કાળો દોરો હતો. આવી દલીલ સીબીઆઈએ કોર્ટમાં કરી હતી.

એ ઉપરાંત આરોપીના વકીલે દલીલ કરી હતી કે દાભોલકરના મૃતદેહને ટૅમ્પોમાંથી પૂલ પર ફેંકવામાં આવ્યો હતો, પરંતુ હત્યા પૂર્વમાં થઈ હતી અને ટૅમ્પો પશ્ચિમ તરફ ગયો હતો. તેથી આરોપીનો દાવો ખોટો છે. આના પરથી સાબિત થાય છે કે આ આરોપીઓએ દાભોલકરની હત્યા કરી છે, એમ જણાવતાં સીબીઆઈએ માંગ કરી હતી કે સનાતન સંસ્થા સાથે જોડાયેલા આ આરોપીઓને મહત્તમ સજા કરવામાં આવે. આ વિશેના અહેવાલ સકાળ અખબાર અને અન્ય મીડિયામાં પ્રકાશિત થયા હતા.

દરમિયાન 2024ની 22 ફેબ્રુઆરીએ સીબીઆઈની અંતિમ દલીલ પૂર્ણ થયા બાદ દાભોલકર પરિવારના વકીલ ઍડ્વોકેટ ઓમકાર નેવગીએ વિશેષ અદાલતમાં લેખિત નિવેદન આપ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે દાભોલકર હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધના પુરાવા સાબિત થઈ ગયા છે. તેમને મહત્તમ સજા થવી જોઈએ. દાભોલકરની હત્યાનો હેતુ શું હતો તેની માહિતી મેળવવાની વાત પણ તેમાં કહેવામાં આવી છે.

સીબીઆઈની દલીલો પૂર્ણ થયા બાદ આરોપીઓના વકીલોએ પોતાની દલીલો રજૂ કરી હતી.

આરોપીઓના વકીલોની છેલ્લી દલીલો

નરેન્દ્ર દાભોલકરની હત્યાના આરોપી સચિન અંદુરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર દાભોલકરની હત્યાના આરોપી સચિન અંદુરે

આરોપીના વકીલ પ્રકાશ સાળશિંગીકરે અંતિમ દલીલોની શરૂઆત 2024ની બીજી માર્ચથી કરી હતી. તેમણે સીબીઆઈ દ્વારા યોગ્ય રીતે તપાસ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

બચાવ પક્ષના વકીલે અદાલતમાં કહ્યું હતું, “દાભોલકરના કોલ રેકર્ડ્સ તપાસવામાં આવ્યા નથી અને અન્ય શક્યતાઓને નજરઅંદાજ કરવામાં આવી છે. માત્ર સનાતન સંસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. સીબીઆઈએ દાભોલકરના કોલ રેકર્ડ્સ દબાવી દીધા છે અને છેલ્લો કોલ કોણે કર્યો હતો, તે હજુ સુધી બહાર આવવા દીધું નથી. દાભોલકરની ડાયરીમાંથી મળી આવેલા નાણાકીય વ્યવહારો પ્રત્યે પણ દુર્લક્ષ કરવામાં આવ્યું છે.” આ વિશેનો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પ્રકાશિત કર્યો હતો.

આરોપીના વકીલે 2024ની 14 માર્ચે છેલ્લી વખત દલીલો કરી હતી. એ વખતે બીજા આરોપી ઇચલકરંજીકરે સીબીઆઈની તપાસ પર આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા મુજબ, દાભોલકર પર હુમલાખોરોએ પાછળથી ગોળીબાર કર્યો હોય તો એક ગોળી કપાળમાંથી ઘૂસીને પાછળના ભાગે કેવી રીતે પહોંચી? આ બાબતે સીબીઆઈએ સ્પષ્ટતા કરી નથી.

આરોપીની ઓળખ પરેડ કરાવ્યા વિના સીબીઆઈએ માત્ર ફોટોગ્રાફ્સને આધારે સાક્ષીઓ પાસે તેમની ઓળખ કરાવી છે. સાક્ષીઓએ તેમને યોગ્ય રીતે ઓળખ્યા નથી. આ બધું સીબીઆઈએ ઘડી કાઢ્યું છે. એક કોરા કાગળ પર સચિન અંદુરેની સહી લઈને તેના પર બધું લખવામાં આવ્યું છે.

શરદ કળસકરની બાબતમાં પણ આવું જ થયું છે. બંનેનાં પંચનામાં એકસરખાં દેખાય છે. માત્ર નામ બદલ્યાં છે, એવી દલીલ આરોપીના વકીલ ઇચલકરંજીકરે કોર્ટમાં કરી હતી. આ વિશેનો અહેવાલ લોકમત અને અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો હતો.

કળસકરે હત્યા માટે વાપરેલી બંદૂક નષ્ટ કર્યાનો દાવો પણ સીબીઆઈએ કર્યો હતો. એ પછી એક વિદેશી સંસ્થાની મદદથી થાણેની ખાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આરોપીના વકીલની છેવટની દલીલ મુજબ, સીબીઆઈ તેમાં સફળ થઈ નથી.

દરમિયાન સીબીઆઈના વકીલ પ્રકાશ સૂર્યવંશીએ આ કેસનો ચુકાદો અદાલત દ્વારા અનામત રાખવા બાબતે કશું કહેવાનો ઇનકાર કર્યો છે. દાભોલકર હત્યાકાંડના ચુકાદાને આઠ જ દિવસ બાકી હોવાથી દાભોલકર પરિવારને વકીલ અભય નેવગીએ આ બાબતે કશું કહેવાની અસમર્થતા દર્શાવી હતી.

બીજી તરફ આરોપીઓના વકીલ સાળશિંગીકરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “શૂટર્સ વિશેની સીબીઆઈની થિયરી શરૂઆતથી જ બદલાતી રહી છે. એ ઉપરાંત સાક્ષીઓના જુબાનીમાં પણ વિસંગતિ છે. પેટ્રોલિંગ કરતી પોલીસે પણ ગોળીબારનો અવાજ સાંભળ્યો ન હતો. આ કેસમાં 20 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈએ મહત્ત્વના સાક્ષીને કોર્ટમાં હાજર કર્યા નથી. તેથી જે લોકો સામે કેસ ચાલી રહ્યો છે તેમને મુક્ત કરવા જોઈએ.”