ઘરમાં જ મળ્યાં એક જ પરિવારના પાંચ લોકોનાં હાડપિંજર, શું છે મામલો?

હત્યા કર્ણાટક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી માટે

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક વિસ્તારમાં એક રિટાયર્ડ ઍક્ઝિક્યુટિવ એન્જિનિયરના ઘરમાં પાંચ હાડપિંજર મળી આવતા આસપાસ રહેતા લોકો આઘાત અને આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે અને અલગ-અલગ રહેતા આ પરિવાર બાબતે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.

પોલીસને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ ઘરમાં પરિવારના મોભી જગન્નાથ રેડ્ડી (85 વર્ષ), તેમની પત્ની પ્રેમા (80 વર્ષ), દીકરી ત્રિવેણી (62 વર્ષ) અને બે દીકરાઓ કૃષ્ણા (60 વર્ષ) અને નરેન્દ્ર (57 વર્ષ) રહેતા હતા.

આ પાંચેય લોકો પરિવારથી એટલા અલગ-અલગ રહેતા હતા કે 2019ના જૂન-જુલાઈ મહિનાથી જ મકાન બંધ હતું અને એટલે કોઈને શક પણ ન ગયો.

પરંતુ આ મામલા વિશે લોકોને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે લોકોએ બે દિવસ પહેલાં ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોયો. તેમાંથી કેટલાક લોકોએ તેના વિશે એક પત્રકારને જાણકારી આપી.

પત્રકારે આ વાતની સૂચના પોલીસને આપી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિવારના પાંચેય હાડપિંજરને જપ્ત કર્યાં.

પોલીસે શું કહ્યું?

ચિત્રદુર્ગના પોલીસ અધીક્ષક ધર્મેન્દ્ર કુમાર મીણાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, “જગન્નાથ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે પરિવાર કોઈ આશ્રમમાં જવાની યોજના બનાવી રહ્યો હતો.”

એટલા માટે જ્યારે લોકોએ ઘણા દિવસો સુધી ઘર બંધ જોયું તો વિચાર્યું કે કદાચ તેઓ આશ્રમ ચાલ્યા ગયા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વાતની પુષ્ટિ એ વકીલે પણ કરી છે જેની આ પરિવારે એક કેસના સંદર્ભમાં સલાહ લીધી હતી.

પરંતુ હજુ સુધી એ વાતનો ખ્યાલ આવ્યો નથી કે પરિવાર છેલ્લે ક્યારે દેખાયો હતો. રેડ્ડી પરિવાર મોટા ઘરમાં રહેતો હતો.

આ ઘરની આસપાસ તેમના પાડોશીઓ પણ ઓછા હતા કારણ કે આ નવો બનેલો વિસ્તાર હતો. છેલ્લાં બે વર્ષોમાં અહીં નવા મકાનો બન્યાં હતાં. તેમના ઘરથી સૌથી નજીકનું ઘર 100 ફૂટના અંતરે હતું.

તેના ઘરની બરાબર બીજી બાજુ એક ઘર હતું. પરંતુ આ પરિવારના લોકો પણ રેડ્ડી પરિવાર પ્રત્યે ઉદાસીન રહ્યા કારણ કે રેડ્ડી પરિવારના લોકો પોતે જ તેમનાથી અંતર રાખતા હતા.

જો કોઈ તેનો દરવાજો ખખડાવે તો પણ તેઓ બહાર આવતા ન હતા. તેઓ બારીમાંથી જ વાતો કરતા હતા.

કેટલાંક વર્ષોથી આ ઘરની આસપાસના લોકોએ વિસ્તારમાં દુર્ગંધ આવવાની ફરિયાદો કરી હતી, પરંતુ પોલીસે ખાસ ધ્યાન આપ્યું ન હતું.

પોલીસ પણ ઘર બંધ હોવાથી ઘણા સમય સુધી આવી ન હતી. તેનો બહારનો દરવાજો પણ બંધ હતો. લગભગ બે મહિના પહેલાં દરવાજો તૂટ્યો હતો અને બે દિવસ પહેલાં ઘરનો દરવાજો પણ તૂટેલો જણાતા લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી દસ્તાવેજો મળી આવ્યા હતા અને અનેક હૉસ્પિટલોના મેડિકલ રિપોર્ટ્સ મળ્યા હતા.

આ અહેવાલો બેંગલુરુ અને અન્ય હૉસ્પિટલોમાં સારવારના હતા. નિમ્હાંસ હૉસ્પિટલ તરફથી એક રિપોર્ટ પણ મળ્યો હતો, જેમાં જગન્નાથ રેડ્ડીના શરીરમાં લોહી ગંઠાઈ જવાની ફરિયાદનો ઉલ્લેખ હતો.

રેકૉર્ડ્સમાં એ પણ જાણવા મળ્યું હતું કે તેમની પુત્રી સ્પૉન્ડિલાઇટિસથી પીડિત હતાં, જ્યારે ક્રિષ્ના સ્થૂળતા અને હૃદયની બીમારીથી પીડિત હતા. સૌથી નાના નરેન્દ્રની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે કંઈ જ જાણવા મળ્યું નથી.

મીણાએ કહ્યું, "પોલીસ આ મેડિકલ રેકૉર્ડ્સ સરકારી ડૉક્ટર દ્વારા તપાસી રહી છે."

હત્યા કર્ણાટક પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે કન્નડમાં લખેલી એક નોંધ પણ મળી આવી હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે પરિવાર કોઈ આત્યંતિક પગલું ભરી શકે છે, જો કે તેમાં ન તો તારીખ હતી કે ન તો સહી.

પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે પરિવારના ક્યા સભ્યે આ લખ્યું છે તે જાણી શકાયું નથી. આ લખાણ પણ અધૂરું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવારના એક સભ્યએ પોલીસને કહ્યું કે રેડ્ડી પરિવારના સભ્યો તેમની બીમારીથી પરેશાન હોઈ શકે છે. આ ઉપરાંત તેઓ તેમની પુત્રીનાં લગ્ન ન થવાથી પણ ચિંતિત હતા.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હાલના પુરાવાઓ પરથી એવું લાગે છે કે આ ઘરમાં ઘણી વખત તોડફોડ કરવામાં આવી હશે.

જ્યારે પોલીસે અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને માતા અને પુત્રીનાં હાડપિંજર એક જ પલંગ પર પડેલાં જોવા મળ્યાં. પિતા અને પુત્રનાં હાડપિંજર એક જ રૂમના ફ્લોર પરથી મળી આવ્યાં હતાં. નાના પુત્રની લાશ અન્ય રૂમમાંથી મળી હતી.

તમામ હાડપિંજરને તપાસ માટે ફૉરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. મીણાએ કહ્યું, "આશા છે કે અમને બે અઠવાડિયામાં તપાસ રિપોર્ટ મળી જશે."