જ્યારે વડોદરામાં દીકરાએ જ 'માતાને ડાકણ ગણાવી' હત્યા કરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સ્થિત જય અંબેનગરમાં મંગળવારે અંધવિશ્વાસુ પુત્ર દ્વારા માતાની હત્યા કરાયાનો મામલો સામે આવ્યો છે.
આ ગુનાના 28 વર્ષીય આરોપીએ પોતાનાં માતાનાં પેટ અને ગુપ્તાંગના ભાગે કાચના ટુકડા વડે ઘા કરી તેમનું કરુણ મૃત્યુ નીપજાવ્યું હતું.
વડોદરા પોલીસે આરોપી પુત્રની તેમનાં બહેનની ફરિયાદના આધારે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ અધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર આરોપીની પૂછપરછ પરથી જણાય છે કે તેઓ અંધવિશ્વાસુ હતા અને અંધવિશ્વાસના કારણે જ માતા ડાકણ હોવાનો વહેમ રાખીને હત્યા કરીને મૃતદેહને ઘરની પાછળની બાજુએ ખુલ્લી જગ્યામાં કચરા વડે બાળી નાખવાની કોશિશ કરી હતી.

'મૃતદેહની પાસે બેસીને મંત્રજાપ પણ કર્યો'

ઇમેજ સ્રોત, Getty Images
ગોત્રી પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. ચૌધરીએ આ ગુના અંગે વાત કરતાં જણાવ્યું કે “આરોપીનાં બહેને કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાનાં માતાની હત્યા અંગે પ્રથમ માહિતી આપતાં, પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું કે “આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેના શરીરમાં તેના મૃત પિતાનો આત્મા પ્રવેશ્યો હતો. તેનાં માતા ડાકણ હતાં. તેથી તેને મુક્તિ અપાવવા માટે તેણે તેમની હત્યા કરી નાખી હતી.”
“આરોપીએ માતાના મૃતદેહની પાસે બેસીને મંત્રજાપ પણ કર્યો હતો.”

શું કહે છે સંબંધી?
આ ઘટનાના ફરિયાદી અને આરોપીનાં બહેનના પતિને આરોપીના પાડોશીએ ફોન કરીને જાણ કરતાં તેમનાં બહેન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “જ્યારે મારા પતિને સવારે આઠ વાગ્યે ફોન આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તમારો ભાઈ લોહીલુહાણ હાલતમાં ફરી રહ્યો છે. તેથી ઘરે આવીને શું થયું છે, તેની તપાસ કરો.”
“ત્યાર બાદ હું જય અંબેનગર ખાતે મારા પિયર પહોંચી અને ત્યાં જઈને મારા ભાઈને મારાં માતા વિશે પૂછતાં તેણે તેમનું ખૂન કરી નાખ્યું હોવાનું જણાવ્યું. આ વાત સાંભળતાંની સાથે જ હું બહાર નીકળી ગઈ અને પોલીસને ફોન કરી સમગ્ર બાબત જણાવી દીધી.”
આરોપીની માનસિક હાલત કે અંધવિશ્વાસુ સ્વભાવ વિશે પૂછતાં તેઓ જણાવે છે કે “હું ઘણા સમયથી ત્યાં રહેતી નહોતી. તેથી મને મારા ભાઈના અંધવિશ્વાસુપણા અને માનસિક હાલત વિશે વધુ માહિતી નથી.”
આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. ચૌધરી જણાવે છે કે “આરોપીની માનસિક અવસ્થા એટલી બધી ખરાબ હોય તેવું લાગતું નથી. જોકે તેઓ અંધવિશ્વાસુ છે.”
ઘટનાની FIRમાં જણાવાયેલી વિગતો અનુસાર આરોપીએ તેમનાં માતાની હત્યા કર્યા બાદ મૃતદેહને ઘરની પાછળના ભાગે લઈ જઈ કચરામાં બાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મૃતદેહ બળી શક્યો નહોતો.

શું કહે છે મનોચિકિત્સક?

ઇમેજ સ્રોત, Getty Images
આ ગુનામાં આરોપીની માનસિક અવસ્થા વિશે ખ્યાલ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોકસીનો સંપર્ક સાધ્યો.
તેઓ આ કિસ્સામાં આરોપીની માનસિક અવસ્થા વિશે જણાવે છે કે “કોઈ વ્યક્તિનો આત્મા શરીરમાં પ્રવેશી જવાની વાત એ ચોક્કસપણે માનસિક બીમારીનું એક લક્ષણ છે. આ બનાવના આરોપી ચોક્કસપણ સ્કિઝોફ્રેનિયા સ્પેક્ટ્રમ ડિસૉર્ડરથી પીડાતા હોઈ શેક છે.”
“આ માનસિક અવસ્થામાં આપણને વ્યક્તિની અવસ્થા બદલાયેલી દેખાય છે. તેમના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. આ માનસિક બીમારીથી પીડાતી વ્યક્તિનું વર્તન બદલાયેલું લાગે છે.”
આ કિસ્સામાં પોલીસ અધિકારીઓને આરોપીની માનસિક અવસ્થા ખરાબ નથી એવું લાગી રહ્યું છે.
આ અંગે સ્પષ્ટતા કરતાં ડૉ. ચોકસી જણાવે છે કે “પોલીસને આરોપીની માનસિક સ્થિતિ યોગ્ય હોય તેવું લાગે, તેનું કારણ આરોપી સ્કિઝોફ્રેનિયાની સાથે ડિલ્યુશનલ ડિસૉર્ડરથી પીડાતો હોવાનું કારણ પણ હોઈ શકે."
"આ ડિસૉર્ડરમાં વ્યક્તિ કોઈ ખોટી માન્યતાને મનમાં ઠસાવી લે છે. આવી માન્યતાને કારણે દર્દી કોઈનું ખૂન સુદ્ધાં કરી શકે છે. ડિલ્યુશનલ ડિસૉર્ડરથી પીડાતી વ્યક્તિ દેખાવમાં સાવ સામાન્ય લાગતી હોય છે. આ કારણે પોલીસને આરોપીની માનસિક અવસ્થા બરાબર હોવાનું લાગી શકે છે.”
તેઓ કહે છે, “વ્યક્તિની સાથે ધીમે-ધીમે વાત કરતાં જાણી શકાય છે કે આ પ્રકારની માંદગીથી પીડાતી વ્યક્તિ જે માન્યતા ધરાવે છે તે તદ્દન અવાસ્તવિક છે. ખરેખર વ્યક્તિને પોતાની માન્યતા અવાસ્તવિક હોવાની ખબર હોતી નથી. તે પોતાની વાતને સાચી માને છે, આ એક પ્રકારનો સાયકોટિક ડિસૉર્ડર છે.”
વધુ વાત કરતાં તેઓ જણાવે છે કે, “આટલી હદ સુધીની અંધશ્રદ્ધા રાખવી એ પણ ડિલ્યુશનલ ડિસૉર્ડરનો જ એક ભાગ છે. તેથી આરોપીએ સજાપાત્ર ગુનો તો કર્યો જ છે અને તેને સજા તો થવી જ જોઈએ."
"જોકે સાથે તેની માનસિક પરિસ્થિતિની સારવાર પણ કરવી જોઈએ. જેથી તેને પોતાનાથી ખોટું થઈ ગયું છે તેનું ભાન થાય.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












