'વળગાડ દૂર કરનાર વ્યક્તિના મૃત્યુ પછી ગામમાં ભૂત ઘૂસી ગયાં', ડરેલા લોકોએ ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું?

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ચુધુમેટ્ટા ગામ
    • લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી માટે

"વળગાડ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને દૂર કરનારો માણસ તથા અન્ય એક વ્યકિત એ જ જગ્યાએ મૃત્યુ પામ્યો. ત્યારબાદ આ ગામના લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું અને તેઓ કહેવા લાગ્યા કે અમારા ગામમાં ભૂત-પ્રેત ઘૂસી ગયાં છે."

આંધ્ર પ્રદેશના અલ્લુરી સીથામારાજુ જિલ્લાની અરાડાકોટા પંચાયત હેઠળ આ ચુધુમેટ્ટા ગામ આવે છે. છેલ્લા દસ દિવસથી અહીંના લોકોમાં અતિશય ગભરાટ છે.

ત્યારબાદ બીબીસીની ટીમે ચુધુમેટ્ટા ગામની મુલાકાત લીધી હતી અને શોધવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ગામમાં ખરેખર શું થયું હતું.

બીબીસીની ટીમે જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે ગામમાં કેટલાક સ્વાસ્થ્ય અધિકારીઓની જ જોવા મળ્યા હતા. તેઓ ત્યાં મેડિકલ કૅમ્પ લગાવીને બેઠાં હતાં. બાકી બધું જ બંધ જોવા મળ્યું હતું. જેઓ ઘરમાં હતા એ લોકો બહાર આવવા માંગતા ન હતા.

કૉફી બૉર્ડના કર્મચારીઓએ પણ કહ્યું હતું કે આ વિસ્તારમાં કૉફી ઉગાડવા માટેનું કામ કરવા માટે પણ કોઈ લોકો આવતા નથી.

જોકે, ડિસ્ટ્રિક્ટ મેડિકલ અને હૅલ્થ ઑફિસર ડૉ. જમાલ બાશાએ કહ્યું હતું કે ગામના લોકોને એ વાતે જાગૃત કરવામાં આવી રહ્યા છે કે તેમણે ભૂતપ્રેત અને આત્માઓ જેવા અંધવિશ્વાસથી દૂર રહેવું જોઈએ.

આ મૃત્યુ અંગે સ્વાસ્થ્ય વિભાગના લોકો શું કહે છે? તેમનું મૃત્યુ કયા કારણથી થયું હતું? વળગાડ દૂર કરનારી વ્યક્તિ તથા અન્ય એક માણસના મોત વિશે ગામના લોકો શું બોલ્યા? બીબીસીએ આ અંગે તપાસ કરી હતી.

હકીકતમાં શું બન્યું હતું?

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અનાસમ્મા

19મી જૂનના રોજ ત્રણ મહિલાઓ ચુધુમેટ્ટા ગામની નજીક આવેલી ટેકરી પર બળતણ એકઠું કરવા માટે ગઈ હતી. તેમનામાંથી એક પાંગી અનાસમ્મા હતાં.

અનાસમ્માએ બીબીસીને કહ્યું કે, "અમે કૉફીની વાવણી કરવા માટે અને બળતણ એકઠું કરવા માટે આ ટેકરી પર ગયા હતા. ત્યારબાદ અમને એક મોટો અવાજ સંભળાયો અને મેં તે તરફ જોયું તો કોઈ મોટી આકૃતિ મને દેખાઈ હતી. મને એ ખબર નથી કે ત્યારપછી શું બન્યું."

રામુલમ્માએ કહ્યું, "અમને સ્મશાનમાં પણ અવાજ સંભળાયા હતા"

તેમનાં દીકરી રામુલમ્માએ બીબીસી સાથે વાત કરતાં એ જણાવ્યું હતું કે અનાસમ્મા ઘરે આવ્યાં ત્યારે શું થયું હતું એ અંગે વાત કરી હતી.

"જ્યારે મારાં માતા ઘરે આવ્યાં ત્યારે તેઓ બેભાન થઈ ગયાં હતાં. ત્યારબાદ તરત જ મારા કાકા તેમને વળગાડ દૂર કરનાર વ્યક્તિ પાસે લઈ ગયા હતા."

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રામુલમ્મા

"જ્યારે કાકા તેમનાં માતાને વળગાડ દૂર કરનાર વ્યક્તિ કિમુદુ સહદેવ પાસે લઈ ગયા ત્યારે તેઓ તરત જ પડી ગયાં અને બેભાન થઈ ગયા. તેમના કાકા અને કિમુદુ બંનેને સ્થળ પર જ ઊલટીઓ થઈ અને તેઓ મૃત્યુ પામ્યા."

રામુલમ્મા કહે છે, "બંનેનું મૃત્યુ કિમુદુના ઘરે થયું હોવાથી ગામના લોકો જ તેમને સ્મશાને લઈ ગયા હતા. કેટલાક લોકો સ્મશાને આવ્યા એ પણ કંઈક વિચિત્ર વર્તન કરી રહ્યા હતા. ભૂતપ્રેત અને આત્મા જાણે કે ગામમાં ઘૂસી ગઈ હોય."

અનાસમ્મા અને રામુલમ્મા બંને તેમના ઘરમાંથી બહાર આવતાં ન હતાં. તેમનું કહેવું હતું કે ‘દોષામ’ (શાંતિપ્રાર્થના) થશે એ પછી તેઓ ઘરની બહાર નીકળશે.

જોકે, રેશનલિસ્ટોનું કહેવું છે કે સરકારે અહીં અંધશ્રદ્ધા માટે સરકારે યોગ્ય જાગૃતિ માટેનાં પગલાં ભર્યાં નથી.

ગામમાં 50 ઘર વચ્ચે 3 વળગાડ દૂર કરનારા...

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વળગાડ દૂર કરના વ્યક્તિના ઘરની બહાર સીમેન્ટનો બ્લૉક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ જ્યારે 25મી જૂને આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે આ ઘટનાને એક અઠવાડિયું થઈ ચૂક્યું હતું. પરંતુ ત્યારબાદ એક અઠવાડિયું વીતી જવા છતાં પણ ગામમાં ભય ઓછો થઈ શક્યો નથી.

ગામમાં કોઈ ઘરની બહાર નીકળતું નથી.

બીબીસીએ ગામલોકો સાથે વાત કરવાના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ કોઈએ પ્રતિભાવ ન આપ્યો. ત્યારબાદ એક સ્થાનિક કિમુદુ કૃષ્ણરાવની મદદ લઈને અમે સ્થાનિકો સાથે વાત કરી હતી. તેઓ પણ વળગાડ દૂર કરનારી વ્યક્તિના ઘરે ગયા હતા.

ગામમાં 50 પરિવારો રહે છે. ઘણા એટલા સમૃદ્ધ છે કે તેમના ઘરની બહાર ગાડીઓ પાર્ક થયેલી છે. મોટા ભાગના લોકો ખેતી સાથે કૉફી પ્લાન્ટેશનનું કામ કરે છે.

ગામની આર્થિક સ્થિતિ સારી છે પરંતુ ગામલોકો સાથે થયેલી વાતચીત પરથી એ અંદાજ આવે છે કે તેમના માટે રીતરિવાજો અને માન્યતા ખૂબ અગત્યની છે.

ગામમાં લગભગ તમામ ઘરની આસપાસ સીમેન્ટના બ્લૉક્સ છે.

કૃષ્ણરાવે કહ્યું હતું કે વળગાડ દૂર કરનારા લોકો આત્મા, ભૂત-પ્રેતને કથિતપણે દૂર કરવા માટે પૂજાવિધિ કરે છે.

કૃષ્ણરાવના કહ્યા પ્રમાણે ગામમાં ત્રણેક 'વળગાડ દૂર કરનારા' લોકો છે અને તેમાંથી જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના બની ત્યારપછી બાકીના બે લોકોએ ગામ છોડી દીધું છે.

તેઓ કહે છે કે ગામમાં જે કોઈ લોકો બીમાર પડે છે એ પહેલાં આ 'વળગાડ દૂર કરનારા' લોકો પાસે ગયા હોય છે.

એક નિવૃત્ત શિક્ષક ગુદુરુ સીથામહાલક્ષ્મી બીબીસી સાથે વાત કરતાં કહે છે, "પ્રમાણમાં ઓછી થતી અપૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ, આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ અને પછાતપણું પણ આ બધી ઘટનાઓ માટે જવાબદાર છે."

સ્વાસ્થ્ય અધિકારીઓનું શું કહેવું છે?

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડૉ. જમાલ બાશા

આ ઘટના પછી અલ્લુરી ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઑફિસર ગામમાં પહોંચ્યા હતા. ગામમાં મેડિકલ કૅમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.

પોલીસ અને સ્વાસ્થ્ય અધિકારીઓએ "વળગાડ દૂર કરનારા" વ્યક્તિના ઘરની પણ મુલાકાત લીધી હતી.

એક મોટું ચાકૂ, કેટલીક છાલ અને રસાયણો મળી આવ્યાં હતાં. ડિસ્ટ્રિક્ટ મેડિકલ અને હૅલ્થ ઑફિસર ડૉ. જમાલ બાશાએ બીબીસીને કહ્યું હતું કે, "આ બધી વસ્તુઓને ફૉરેન્સિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવી છે."

જમાલ બાશાએ કહ્યું હતું કે, "જ્યારે આ લોકો મંત્રોચ્ચાર કરતાં હતાં ત્યારે તેઓ બીમાર વ્યક્તિ પર કૅમિકલ છાંટતાં હતાં. તેમને પ્રાથમિક તારણ મળ્યું છે કે મૃત્યુ પામેલી બંને વ્યક્તિઓ પર કૅમિકલ છાંટવાને કારણે ગૂંગળામણથી તેમનું મૃત્યુ થયું હતું."

ડૉ. બાશા કહે છે કે, "અમે મનોવૈજ્ઞાનિકોની મદદથી ગામમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ કર્યું હતું અને લોકોને સમજાવ્યા હતા કે તેઓ ભૂત-પ્રેતની વાતોમાં વિશ્વાસ ન કરે. બ્લડપ્રેશર, ડાયાબીટિસ, મેલેરિયા, વગેરે જરૂરી અન્ય ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા અને જરૂર પડ્યે લોકોને દવાઓ પણ આપવામાં આવી હતી. ગામમાં મોટાભાગના લોકોની તબિયત સારી છે. જોકે, ગામનાં લોકોમાં વ્યાપેલો ડર હજુ સુધી ગયો નથી. તેઓ કામ પર પણ જવા માંગતા નથી."

‘કૉફી પ્લાન્ટેશનના કામે પણ લોકો આવતા નથી’

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી

આખું ગામ કથિત ભૂતપ્રેતથી ડરી રહ્યું છે અને કોઈ બહાર નીકળવા માંગતું નથી. તેના કારણે સ્થાનિક કૉફી પ્લાન્ટેશનનું કામ પણ અટકી રહ્યું છે.

ચુધુમેટ્ટા અને તેની આસપાસના આઠ ગામમાં આવો ડર વ્યાપેલો છે. જ્યારે બીબીસીએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને કૉફી પ્લાન્ટેશનનું કામ કરવા જવામાં પણ ડર લાગે છે.

નજીકના ગામનાં એદુરુપુટ્ટુ, મંગાબંદા, સારેપલ્લી, પેડાપલ્લી અને મધ્યાવીધિના 100થી 150 લોકો કૉફી પ્લાન્ટેશન માટે દરરોજ જાય છે.

અંદાજે 88 હૅક્ટર જેટલું કૉફી પ્લાન્ટેશન આસપાસનાં આ ગામો દ્વારા કરવામાં આવે છે. કૉફી પ્લાન્ટેશનની સિઝનની હજુ શરૂઆત જ થઈ છે. જો કૉફી પ્લાન્ટેશન સમયસર કરવામાં આવે તો કૉફી ડિસેમ્બરમાં તો મળવાની શરૂ થઈ જાય છે. 27મી તારીખે અમે બાટીમાલદા ગામની મુલાકાત લીધી હતી જ્યાં કોઈપણ લોકો કામ કરવા માંગતા ન હતા.

પ્લાન્ટેશન કન્ડક્ટર તરીકે કામ કરતાં સુંદરકુમારનું કહેવું છે કે, "તેઓ હવે ‘દોષવિધિ’ કર્યા બાદ જ બહાર આવશે. આસપાસનાં ગામોમાં પણ અફવાઓને કારણે લોકો કૉફી પ્લાન્ટેશન કરવા માટે આવતાં નથી."

25મી તારીખ પછી થોડાઘણાં ખેડૂતોએ ખેતરે જવાનું શરૂ કર્યું. તેઓ પણ માત્ર દિવસે જ કામ કરી રહ્યા હતા. તેમનું પણ કહેવું છે કે તેઓ માત્ર પૂજા દ્વારા દોષનિવારણ થશે એ પછી જ ખેતરે જશે.

"અંધશ્રદ્ધા શહેરમાં ફેલાવવામાં આવી હતી"

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી

ઇન્ડિયા ઍથિસ્ટ સોસાયટીના વિશાખાપટ્ટનમ્ પ્રમુખ વાય. નુકારાજુએ બીબીસીને કહ્યું હતું કે, "અફવાઓને કારણે ચુધુમેટ્ટાની જેમ જ આદિવાસીઓ તેમના જીવ ગુમાવી રહ્યા છે."

તેમના કહ્યા પ્રમાણે માત્ર ગામડાંઓમાં જ નહીં પરંતુ નાનાં શહેરો અને શહેરોમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે.

નુકુરાજુ કહે છે, "એ ખરેખર ખતરનાક વાત છે કે આજે શિક્ષિત યુવાઓ પણ આ પ્રકારની અંધશ્રદ્ધાઓમાં માને છે. અમે અમારી ટીમો મોકલીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું. જો સરકારના અધિકારીઓ આ આદિવાસી વિસ્તારોની વારંવાર મુલાકાત લેશે તો અને જાગૃતિ ફેલાવશે તો જરૂર બદલાવ આવશે."

ગુદુરુ સીતામહાલક્ષ્મી કહે છે કે, "વડવાંઓની માન્યતાઓ જ્યારે ચોક્કસ સમજણ કે જ્ઞાન વગર જ્યારે નવી પેઢીમાં પ્રવેશે છે ત્યારે તે અંધશ્રદ્ધાનું કારણ બને છે. જો વ્યવસ્થિત રીતે જાગૃતિ ફેલાવવામાં આવે તો ભૂતપ્રેત અને આત્માઓની વાત તેમના દિમાગમાંથી કાઢી શકાય છે."

જ્યારે ફૉરેન્સિક રિપોર્ટ આવશે

અંધશ્રદ્ધા, આંધ્રપ્રદેશ, બીબીસી ગુજરાતી

ડૉ. શિવરામાક્રિષ્ના એ પડેરુ સરકારી હૉસ્પિટલમાં મનોચિકિત્સક છે. તેમણે ગામની પણ મુલાકાત લીધી હતી.

તેમણે બીબીસીને કહ્યું હતું કે ત્યાં હકીકતમાં શું બન્યું હતું એ હજુ સુધી નક્કી થઈ શક્યું નથી, પણ ગામના લોકો એવું માને છે કે આ ‘દૃષ્ટાત્મા’ને કારણે થયું છે.

તેઓ કહે છે, "આ મૃત્યુ પામેલા લોકોને પોસ્ટમૉર્ટમ વગર જ દફનાવી દેવામાં આવ્યા હતા. આથી એ ખબર પડી શકી નથી કે ત્યાં શું બન્યું હતું. આદિવાસી વિસ્તારોના ગામડાંઓમાં અમે અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ અને તેમને આ માન્યતાઓમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

ડૉ. જમાલ બાશાના કહ્યા અનુસાર, "વળગાડ દૂર કરનારી વ્યક્તિના ઘરમાંથી જે ચીજવસ્તુઓ મળી આવી હતી તેને ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવી છે. રિપોર્ટમાં સામે આવશે કે ક્યા પ્રકારના રસાયણો તેઓ વાપરતાં હતાં."

તેમનું કહેવું છે કે જ્યાં સુધી લોકોનાં મનમાંથી એ ડર દૂર ન થઈ જાય ત્યાં સુધી તેઓ મેડિકલ કૅમ્પ જેવી સુવિધાઓ ચાલુ રાખશે.