ભૂત કેમ દેખાય છે, એને જોનારાઓ શું કહે છે?

bhoot

ઇમેજ સ્રોત, BBC / TWENTY TWENTY / RORY JACKSON

    • લેેખક, સેમ્યુઅલ સ્પેન્સર
    • પદ, બીબીસી થ્રી
ગ્રે લાઇન

રાત્રે સંભળાતા અશરીરી અવાજો. ચિત્ર-વિચિત્ર દૃશ્યો. કરોડરજ્જૂમાં અનુભવાતું કંપન. ઘણા લોકોએ ડરામણી ચીજોનો અનુભવ કર્યો હશે, જે તેઓ શબ્દોમાં સમજાવી શકતા નથી.

દાખલા તરીકે, પેનીફોર્ડ ફાર્મ ખાતેના ફાર્મહાઉસના રહેવાસીઓ. બ્રિટનના નોર્થ વૅલ્સમાં ઘરના ભૂતપૂર્વ રહેવાસીઓએ દાવો કર્યો હતો કે 1990ના દાયકામાં તેઓ ત્યાં રહેતા હતા ત્યારે તેમાં ભૂતનો વાસ હતો. અખબારોને આપેલા સંખ્યાબંધ ઇન્ટરવ્યૂમાં તેમણે એવો દાવો પણ કર્યો હતો કે વેલ્સમાં તેમના ઘરની દિવાલો પર શબ્દો દેખાવા લાગ્યા હતા. એ ભાષા તેમના પરિવારમાંથી કોઈ બોલતું નહોતું. એ પછી ઘરમાં ચીજોની હેરફેર જાતે જ થવા લાગી હતી. ઘરના બગીચામાં દફનાવી દેવામાં આવેલી એક સગર્ભા યુવતીનું ભૂત ઘરમાં ફરતું હતું.

બીબીસી થ્રીનો એક કાર્યક્રમ પૅરાનૉર્મલઃ ધ ગર્લ, ધ ઘોસ્ટ ઍૅન્ડ ધ ગ્રેવસ્ટોન ભૂત સાથે સંકળાયેલી વાયકાઓ, વાતો અને માન્યતાઓની તપાસ હાથ ધરે છે. આ કાર્યક્રમમાં નોર્થ વૅલ્સના એ ફાર્મહાઉસની તપાસ કરી હતી અને ઘરના ભૂતપૂર્વ રહેવાસીઓ સાથે વાત કરી હતી. પેનીફોર્ડ વૅલ્સમાંના તે ફાર્મહાઉસને તાળું મારી દેવામાં આવ્યું હતું. બીબીસી થ્રી અને બીબીસી વૅલ્સના એક કાર્યક્રમમાં એ ફાર્મહાઉસમાંની સામગ્રી દર્શાવવામાં આવી હતી.

ઘરમાં શું થયું હતું તેનો તર્કસંગત ખુલાસો શોધવાનો પ્રયાસ બીબીસી રેડિયો વનનાં ડીજે સિયાન ઍલેરીએ કર્યો હતો. અલબત, ભૂત સંબંધી વૈજ્ઞાનિક ખુલાસો શોધવાના પ્રયાસ કરનારા અનેક લોકોની લાંબી લાઇનમાં સિયાન એલેરી નવોદિત હતાં.

બીબીસી થ્રીએ બે વિજ્ઞાનીઓ સાથે વાત કરી હતી. પોતે ભૂત જોયા હોવાનું લોકો જે કારણસર માનતા હતા, એ મનોવૈજ્ઞાનિક અને પર્યાવરણીય પરિબળોનો ખુલાસો એ વિજ્ઞાનીઓએ કર્યો હતો. વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં લોકો માનતા હતા કે એ પૅરાનૉર્મલ વાસ્તવિકતા છે.

ગ્રે લાઇન

મોંમાંથી ટપકતી લાળ સાથે ઘૂરકિયાં કરતી કાળી બિલાડી

ભૂત

ઇમેજ સ્રોત, BBC / TWENTY TWENTY / RORY JACKSON

ડૉ. ક્રિસ ફ્રૅન્ચ લંડનની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીમાં ઍનોમૅલિસ્ટિક સાઇકૉલૉજી રિસર્ચ યુનિટના વડા છે. આ યુનિટ પૅરાનૉર્મલ માન્યતાઓ અને અકથ્ય અનુભવો પાછળના મનોવિજ્ઞાન વિશે સંશોધનનું કામ કરે છે.

તેમના જણાવ્યા મુજબ, ભૂતપ્રેત જોવાની ઘણી વાર્તાઓ સ્લીપ પેરાલિસિસને આભારી હોય છે. લોકો આંખની ઝડપી મૂવમૅન્ટ (આરઈએમ) સાથે ઊંઘમાં સરકી પડે છે, ત્યારે તેમનું મગજ તેમના શરીરને હલનચલન કરતું અટકાવે છે. આ તબક્કામાં લાગે છે કે તેઓ જાગ્રત છે, પરંતુ હલનચલન કરી શકતા નથી.

નેશનલ હેલ્થ સર્વિસની વેબસાઇટ પરની માહિતી અનુસાર, કોઈ તમારા રૂમમાં છે અને તે તમને નીચે ધકેલી રહ્યું છે, તેવી લાગણીનો સ્લીપ પેરાલિસિસના અન્ય સામાન્ય લક્ષણોમાં સમાવેશ થાય છે. આરઈએમ એ ઊંઘની એવી સ્થિતિ છે, જે મહદંશે સપના સાથે સંકળાયેલી છે. તેમાં આભાસ પણ થઈ શકે છે.

તેમણે કહ્યું હતું, “સ્લીપ પેરાલિસિસ ઊંઘની નૉર્મલ પદ્ધતિમાંની એક પ્રકારની ખામી છે. તે ભયાનક હોઈ શકે છે. મારા એક વિદ્યાર્થીએ મને જણાવ્યું હતું કે તે ઊંઘમાંથી અચાનક જાગી ગયો હતો અને તેના પલંગની નીચેથી એક કાળી બિલાડી તેની સામે ઘૂરકિયાં કરતી હતી. એ બિલાડીની ખોપરી ઊંધી હતી અને તેના મોંમાથી કાળી લાળ ટપકતી હતી.”

સ્લીપ પેરાલિસિસના કેસીસમાં આભાસના અનુભવનું પ્રમાણ નગણ્ય હોય છે, એમ જણાવતાં ક્રિસે કહ્યું હતું, “સ્લીપ પેરાલિસિસ એ પ્રમાણમાં સામાન્ય ઘટના હોવાથી, ભૂત જોયાનો દાવો કરતા લોકોના સંદર્ભમાં એ નગણ્ય પ્રમાણ પણ મહત્ત્વનું છે.”

ગ્રે લાઇન

‘ભૂતિયાં’ ઘરોમાં વધારે ફૂગ હોય છે

ભૂત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. શૅન રૉજર્સ ન્યૂ યોર્કની ક્લર્કસન યુનિવર્સિટીમાં સિવિલ અને ઍન્વાયર્નમૅન્ટલ એન્જિનિયરિંગના પ્રોફેસર છે. તેઓ ભૂતિયાં ઘરો અને ફૂગ (મોલ્ડ) વચ્ચેની કડીની તપાસ કરી રહ્યા છે.

ડૉ. શૅને નોંધ્યું છે કે ઘરના બેઝમૅન્ટમાં ફૂગના સંપર્કમાં આવ્યા પછી તેમનાં બાળકોનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. તેમણે ભૂતિયાં ઘરો વિશેની એક ટીવી શ્રેણી પણ જોઈ હતી અને એ પૈકીનાં ઘણાં ઘરમાં ફૂગના ચિહ્નો હતાં.

ફૂગના સંપર્કમાં આવ્યા પછી માણસોમાં જે લક્ષણો જોવા મળે છે એ પૈકીનાં ઘણાં લક્ષણો ભૂત જોયાના અહેવાલોમાં પણ દર્શાવવામાં આવ્યાં હતાં. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ, ભેજવાળી, ભીની ઇમારતોમાં જોવા મળતી ઍસ્પરગિલસ મોલ્ડ શ્વાસની તકલીફ અને આંખોની ચેતામાં બળતરાનું કારણ બની શકે છે. તેને લીધે લોકોની દૃષ્ટિમાં ઘેરા આકાર તરતા રહે છે. સ્ટેચીબોટ્રીસ અથવા બ્લૅક મોલ્ડનો ઉપયોગ ઉંદર પરના પરીક્ષણોમાં ભયની લાગણી પેદા કરવા માટે કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

ડૉ. શૅન અને તેમની ટીમે 27 સ્થળેથી ફૂગ (મોલ્ડ) વિશેનો સંપૂર્ણ ડેટા એકત્ર કર્યો હતો. એ 27 પૈકીના 13 સ્થળોને ભૂતિયાં માનવામાં આવતાં હતાં.

ટીમને મોલ્ડની હાજરી અને ભૂતિયાં સ્થળો વચ્ચે મજબૂત કડી મળી હતી. ડૉ. શૅને કહ્યું હતું, “અમે અમારા નમૂના પરથી ચોક્કસ કહી શકીએ કે ભૂતિયાં સ્થળોએ મોલ્ડનાં પ્રસારમાં આંકડાકીય રીતે નોંધપાત્ર તફાવત હોય છે.”

“એનો અર્થ એ નથી કે અમે ભૂતિયાં ન ગણાતાં હોય, પરંતુ મોલ્ડની હાજરી હોય એવાં સ્થળે ગયા નથી. મારા પોતાના ઘરનું બેઝમૅન્ટ સમસ્યારૂપ હતું, પરંતુ ભૂતિયાં અને બિન-ભૂતિયાં સ્થળો વચ્ચે ચોક્કસપણે એક મોટો તફાવત હતો.”

ગ્રે લાઇન

ઓરડામાં ભૂત છે એવું કોઈ કહેશે તો તમે તેની દરેક તિરાડને નિહાળશો

ભૂત

ઇમેજ સ્રોત, SHANE ROGERS

ડૉ. ક્રિસ ફ્રૅન્ચે બીબીસી રેડિયો ફોરના અનકેની કાર્યક્રમમાં નિષ્ણાત તરીકે હાજરી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, પોતે ભૂત જોયાનું માનતા લોકો માટે મુખ્યત્વે ત્રણ મનોવૈજ્ઞાનિક સ્પષ્ટતા છે. તેમાં પુરાણી માન્યતા (તમે પહેલાથી જ ભૂતમાં માનતા હો તો તમને વિચિત્ર અનુભવ પૅરાનૉર્મલ લાગે તેવી શક્યતા વધુ છે), સંદર્ભ અને આભાસનો સમાવેશ થાય છે.

ડૉ. ક્રિસે કહ્યું હતું, “લોકો ભૂત શબ્દ સાંભળે ત્યારે સાંકળો તોડીને દિવાલોમાંથી પસાર થતાં ભૂત તેમને દેખાય છે. લોકો આ પ્રકારનો અનુભવ જણાવતા હોય છે, પરંતુ એવું ભાગ્યે જ બનતું હોય છે. તે અસ્પષ્ટ સંવેદના હોવાની શક્યતા વધુ છે. ચક્કર આવે છે, શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે અને કરોડરજ્જૂમાં કંપન અનુભવાય છે.”

ડૉ. ક્રિસે ઉમેર્યું હતું, “આભાસ સામાન્ય રીતે સમજાતી સ્થિતિ કરતાં પણ વધુ સામાન્ય છે. લાંબા સમયથી ઊંઘથી વંચિત હોય, બહુ તણાવમાં હોય અથવા શરીરનું તાપમાન બહુ ઊંચું હોય તે વ્યક્તિને આભાસ થઈ શકે છે.”

સંદર્ભ પણ મહત્ત્વનો હોય છે, એમ જણાવતાં ડૉ. ક્રિસે કહ્યું હતું, “તમને કોઈ જૂની ઇમારત દેખાડવામાં આવે અને કહેવામાં આવે કે તે ભૂતિયા ઇમારત છે તો તમે એ ઇમારતમાંની દરેક નાનામાં નાની તિરાડને પણ ઝીણવટપૂર્વક નિહાળશો. તે ભૂતિયા ઇમારત છે એવું જણાવવામાં ન આવ્યું હોત તો તમે એવું ન કર્યું હોત.”

ગ્રે લાઇન

કૃત્રિમ ભૂતિયો ઓરડો

નકલી ભૂતિયા ઇમારત

ઇમેજ સ્રોત, SHANE ROGERS

ભૂત બાબતે અન્ય બે વૈજ્ઞાનિક સમજૂતિ અસ્તિત્વમાં છે. એ પૈકીની એક મુજબ, ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ક્ષેત્રો લોકોના મગજના સંકેતોમાં વિક્ષેપ સર્જે છે અને આભાસનું કારણ બને છે.

અન્ય લોકો માણસો માટે સાંભળવા મુશ્કેલ હોય તેવા અશરીરી અવાજોને જવાબદાર ઠેરવે છે. થિયરી એવી છે કે અમુક ફ્રીકવન્સી (લગભગ 19 હર્ટ્ઝ) માનવ આંખની કીકીને સહેજ વાઇબ્રેટ કરે છે. તેના કારણે દૃષ્ટિભ્રમ સર્જાય છે.

આ બે થિયરીની તપાસ કરવા માટે ડૉ. ક્રિસ અને તેમની ટીમે એક કૃત્રિમ ભૂતિયો ઓરડો બનાવ્યો હતો. એ પ્રયોગમાં સહભાગી થયેલા લોકોને ઇન્ફ્રાસાઉન્ડ અને ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ઍક્ટિવિટીનો અનુભવ કરાવ્યો હતો.

ડૉ. ક્રિસના કહેવા મુજબ, “પોતે રૂમમાં અસામાન્ય સંવેદના અનુભવી હોવાનું લોકોએ જણાવ્યું હતું, જ્યારે આઠ ટકા લોકોએ આતંકની લાગણી અનુભવ્યાનું પણ જણાવ્યું હતું. અમે પરિણામનું વિશ્લેષણ કર્યું ત્યારે સમસ્યા એ હતી કે ઇન્ફ્રાસાઉન્ડ અને ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ફિલ્ડ ચાલુ છે કે કેમ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો.”

તેમણે ઉમેર્યું હતું, “તમે તે ઓરડામાં જશો તો તમને વિચિત્ર અનુભવ થશે, એવું તમે લોકોને ટોળાને કહેશો તો જલદી પ્રભાવિત થઈ જતા લોકો એ વાત માની લેશે, પરંતુ હકીકતમાં તે તમારા સૂચનની શક્તિ હોય છે. બીજું કંઈ નહીં.”

રેડ લાઇન
રેડ લાઇન