16 વર્ષની ઉંમરે ગાયબ થયેલો છોકરો 40 વર્ષ ગુમ રહ્યો અને ઘરના બગીચામાંથી કંકાલ મળ્યું, કોણે હત્યા કરી હશે?

ઇમેજ સ્રોત, National Library/Magazine Esto
- લેેખક, સેસિલિયા બર્રિયા
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો
26 જુલાઈ, 1984ની બપોરે બે વાગ્યે તેણે ઘર છોડ્યું હતું. 16 વર્ષની ઉંમરના હાથમાં એક ફળ હતું અને ઘરેથી નીકળતી વખતે ડિએગો ફર્નાન્ડિઝે તેમનાં માતાને કહ્યું હતું કે એ મિત્રના ઘરે જઈ રહ્યો છે અને પછી શાળાએ જશે.
પરંતુ એ ક્યારેય પાછો ન ફર્યો.
લગભગ ચાર દાયકા પછી, ગત મે મહિનામાં બ્યુનોસ એરિસ પાસેના કૉગ્લન વિસ્તારમાં જ્યારે કેટલાક કામદારો એક ઘરમાં દીવાલ બાંધી રહ્યા હતા ત્યારે તેમને કેટલાંક દટાયેલાં હાડકાં મળી આવ્યાં હતાં. આ કામદારોએ પોલીસને વાત કરી.
આ મળી આવેલા અવશેષો સાથે તેમને એક કેશિયો કૅલ્ક્યુલેટર ઘડિયાળ, એક કી-ચેઇન, ટાઈ, કપડાંનું ટૅગ અને સિક્કો પણ મળી આવ્યો હતો. ડીએનએ ટેસ્ટથી પોલીસને ખ્યાલ આવ્યો કે આ એ જ તરૂણ છે જે 41 વર્ષ પહેલાં ગાયબ થઈ ગયો હતો.
આ મામલાને આર્જેન્ટિનામાં અતિશય મીડિયા કવરેજ મળ્યું હતું કારણ કે શરૂઆતમાં એવા સમાચારો વહેતા થયા હતા કે જે ઘરમાં આ હાડકાં અને અવશેષો મળ્યાં ત્યાં પ્રખ્યાત ગાયક ગુસ્તાવો સેરેટી થોડા સમય માટે રહેતા હતા. જોકે, પછી એ જાહેર કરવામાં આવ્યું હતું કે તેઓ એ ઘરમાં નહીં પરંતુ બાજુના ઘરમાં રહે છે.
જોકે, લાંબો સમય વીતી ગયો છે પરંતુ આર્જેન્ટિનાની ન્યાયિક વ્યવસ્થા ફરીથી હૉમિસાઇડ અંતર્ગત આ કેસની તપાસ કરશે અને શોધવાનો પ્રયત્ન કરશે કે કોણે આ તરુણને માર્યો હતો અને તેની પાછળ તેનો શું હેતુ હતો.
આ કેસ સાથે જોડાયેલા ફૉરેન્સિક ઍક્સપર્ટ્સને ઈજાનાં નિશાનો મળ્યાં છે અને એવી શક્યતા રહેલી છે કે એ કોઈ તીક્ષ્ણ વસ્તુનાં હોય.
મરિએલા ફુમેગલ્લી આર્જેન્ટિના ફૉરેન્સિક ઍન્થ્રોપોલૉજી ટીમના ડાયરેક્ટર છે. તેમણે આર્જેન્ટિનાના મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "શરીર પરના નિશાન દર્શાવે છે કે હત્યા ઘાતકી રીતે થઈ હોય તેવું બની શકે છે અને શરીરનાં અંગો કાપવામાં આવ્યાં હોય તેવું પણ બની શકે છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"છાતીમાં ભયંકર દુ:ખાવા સાથે મેં વર્ષો પસાર કર્યાં"

ઇમેજ સ્રોત, National Library/Magazine Esto
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડિએગોનાં માતાની ઉંમર હાલમાં 87 વર્ષની છે. તેમણે ઘરનો ફોન ક્યારેય બંધ રાખ્યો નથી કારણ કે તેમને આશા છે કે તેમનો દીકરો એક વખત જરૂર ફોન કરશે.
મૃતકના ભાઈ ઝેવિયર ફર્નાન્ડિઝે બીબીસી મુંડોને કહ્યું હતું કે, "હજુ સુધી હું બારીમાંથી બહાર જોયા કરું છું કારણ કે મને એવું લાગે છે કે એ પાછો આવી રહ્યો છે."
ઝેવિયર યાદ કરતા કહે છે કે ડિએગો સાથે શું થયું એ ખ્યાલ ન હોવાને કારણે તેમના પરિવારને કેવી રીતે કાયમ કલ્પના કરતાં રહીને જીવવું પડ્યું છે.
ડિએગો પ્રખ્યાત સૉકર ક્લબ ઍથ્લેટિકો ઍક્સ્કર્સનિસ્ટાસનો ખેલાડી હતો.
ઝેવિયર તૂટતાં અવાજે કહે છે કે, "હું છાતીમાં ભયંકર દુ:ખાવા સાથે મોટો થયો છું. આ અતિશય માનસિક દબાણ અને વિચારોને કારણે થતું હતું."
"ડિએગો મારો આદર્શ હતો. હું 10 વર્ષનો હતો અને અમે સૉકર રમતા હતા. એ મારા બેડરૂમ સુધી પેનલ્ટી ફટકારતો હતો."
છેલ્લા કેટલાક દિવસથી તેઓ મિશ્ર પ્રકારની ભાવનાઓનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે તેમણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમને ભરોસો જ થઈ રહ્યો નહોતો કે શું બની રહ્યું છે.
તેઓ કહે છે, "મને ગુસ્સો આવતો હતો, મારી જાતને હું લાચાર સમજતો હતો અને દુ:ખી પણ હતો. પરંતુ એ જ સમયે મને એ વાતની ખુશી હતી કે 41 વર્ષે મને મારા ભાઈનો પત્તો મળ્યો. તેના કારણે પરિવારને ઓછામાં ઓછું તેની સારી રીતે દફનવિધિ કરવાની તક તો મળશે."
"જ્યારે તેમણે મને તેનું શરીર આપ્યું ત્યારે હું તેને શાંતિથી વિદાય આપી શક્યો. ખરાબ વસ્તુએ છે કે એ મારા જીવનમાં નથી. મારા જીવનમાં જે સારું હતું એ બધું એ હતો."
પિતાએ શેરીએ શેરીએ ફરીને દીકરાને શોધવાની કોશિશ કરી

ઇમેજ સ્રોત, Courtesy of fernandez family
આર્જેન્ટિનાના મૅગેઝિન ઍસ્ટોએ આ કેસ અંગે 1986માં એક લેખ પ્રકાશિત કર્યો હતો. ત્યારે ડિએગો ગાયબ થયા તેને બે વર્ષ થયાં હતાં.
આ લેખમાં તેમના પિતા જુઆન બૅનિગ્નો ફર્નાન્ડિઝે એ તમામ વાતો લખી હતી જેનાથી તેમના પુત્રને શોધવામાં મદદ મળી શકે. તેમણે આ સંદર્ભના તમામ છાપાંઓના ક્લિપિંગ્સ પણ એક નોટબુકમાં રાખ્યા છે.
પછી તો તેમણે બીજાં ખોવાઈ ગયેલાં બાળકોની વિગતો પણ તારવવાનું શરૂ કરી દીધું હતું.
ઝેવિયર કહે છે, "જ્યારથી આ દુર્ઘટના બની ત્યારથી મારા પિતા આવી ઘટનાઓ સાથે જોડાયેલા તમામ સમાચારો ટીવી પર અને છાપામાં જોવાની કોશિશ કરતા હતા. જે બાળકો વિશેની માહિતી મળતી હતી તેમનાં માતાપિતાની મુલાકાતો લેવાનું પણ તેમણે નક્કી કર્યું હતું."
તેમના પિતા કારના સ્પેરપાર્ટ્સ વેચવાનો ધંધો કરતા હતા. જ્યારે પણ તેમને અંદરથી કોઈ સ્ફુરણા થઈ ત્યારે તેઓ સાઇકલ લઈને નીકળી પડતા અને ગલીઓમાં આંટા મારતા, જેથી તેમના પુત્રને શોધી શકાય.
ઝેવિયર જણાવે છે એ પ્રમાણે આવી રીતે જ તેમના પુત્રને શોધતી વખતે એક દિવસ તેમનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું.
કેસમાં અત્યાર સુધી શું થયું?

ઇમેજ સ્રોત, Courtesy of Fernandez Family
જ્યારથી ડિએગોના અવશેષો છે એવું પ્રસ્થાપિત થયું ત્યારથી ઇન્વેસ્ટિગેશનનું નેતૃત્વ કરી રહેલા માર્ટિન લોપેઝ પરેન્ડો લોકોનાં નિવેદનો લઈ રહ્યા છે જેનાથી આ કેસ વિશે મહત્ત્વની માહિતી મળે.
ડિએગોના કેટલાક ભૂતપૂર્વ સહાધ્યાયીઓએ પણ ફરિયાદી પક્ષના વકીલ સમક્ષ હાજર થઈને પોતાનાં નિવેદનો આપ્યાં છે.
આર્જેન્ટિનાના મીડિયા અનુસાર તેમણે ડિએગોના સહાધ્યાયી ક્રિસ્ટિયન ગ્રાફનું પણ નિવેદન લીધું છે જેઓ નૅશનલ સ્કૂલ ઑફ ટૅક્નિકલ ઍજ્યુકેશનમાં ડિએગો સાથે ભણતો હતો. જ્યાંથી અવશેષો મળી આવ્યા એ ઘરમાં તેઓ પણ રહેતા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, હાલમાં ગ્રાફનાં માતા એ ઘરમાં રહે છે.
શાળાએ તથા સૉકર ક્લબની ટીમે પણ આ મુદ્દે નિવેદન જાહેર કરીને સંવેદના વ્યક્ત કરી છે.
અનેક લોકો તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
ડિએગોના ભાઈ ઝેવિયર દરેક વખતે જ્યારે તેને યાદ કરે છે ત્યારે પોતાનાં આંસુઓને રોકે છે. તેઓ કહે છે, "દુ:ખનો માહોલ હોવા છતાં આટલાં વર્ષે ભાઈના મળેલા અવશેષોથી મારો પરિવાર જે દાયકાઓથી અનિશ્ચિતતામાં જીવી રહ્યો છે એ અનિશ્ચિતતાનું પ્રકરણ બંધ થશે. તેના કારણે અમને થોડી શાંતિ મળશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












