સાપ મર્યાના કલાકો પછી પણ માણસને 'ડંખ' કેમ મારે, મરેલો નાગ જીવલેણ હોય ખરો?

સાપ, ડંખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૃત્યુના થોડા કલાકો પછી સાપે વ્યક્તિને ડંખ માર્યો હોય એવી કેટલીક ઘટનાઓ બની છે.
    • લેેખક, કે.શુભગુણમ
    • પદ, બીબીસી તમિલ

વર્ષ 2022 અને 2023માં ભારતના ઈશાનમાં આવેલા રાજ્ય આસામમાં ત્રણ વિચિત્ર ઘટનાઓ બની હતી. ત્રણેય કિસ્સાઓમાં, મૃત સાપે ઘણા કલાકો પછી માણસોને ડંખ માર્યો હતો.

આ ઘટનાઓમાં સામેલ સાપની પ્રજાતિઓમાં મોનોક્લેડ કોબ્રા અને બ્લૅક ક્રેટનો સમાવેશ થાય છે. આ બંને ભારતમાં જોવા મળતા સૌથી ખતરનાક સાપ છે.

આ બંને કિસ્સાઓ એ પ્રશ્ન ઊભો કરે છે કે શું મૃત સાપ ખરેખર વ્યક્તિને કરડી શકે છે અને શું તેનું ઝેર તેના મૃત્યુ પછી પણ કામ કરે છે?

આ વિષય પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેનાં પરિણામો દર્શાવે છે કે આ શક્ય છે.

સાપના મૃત્યુ પછી પણ, તેનું ઝેરી તંત્ર થોડા કલાકો સુધી સક્રિય રહી શકે છે અને આ જોખમ ઊભું કરી શકે છે. આ વિશે નિષ્ણાતો શું કહે છે તે વાંચો.

પહેલો કિસ્સો: કોબ્રાના કપાયેલા માથાએ ડંખ માર્યો

પહેલી ઘટના આસામના શિવસાગર જિલ્લાની છે. એક 45 વર્ષીય વ્યક્તિએ પોતાના ઘરમાં એક સાપને મરઘીઓ પર હુમલો કરતો જોયો. તેણે સાપનું માથું કાપી નાખ્યું.

આ પછી, જ્યારે તે માણસે સાપના વિકૃત શરીરનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સાપના માથાએ તેને અંગૂઠામાં ડંખ માર્યો.

આના કારણે તે વ્યક્તિનો અંગૂઠો કાળો થઈ ગયો. જેના કારણે તેના ખભા સુધી ભારે દુખાવો થયો.

તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને ઍન્ટી વેનમ (ઝેર વિરોધી દવા) આપવામાં આવી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા.

બીજો કિસ્સો: ટ્રૅક્ટર દ્વારા કચડાયેલા કોબ્રાએ ડંખ માર્યો

બીજી ઘટના પણ આસામના આ જ વિસ્તારમાં બની હતી, જેમાં એક ખેડૂતના ટ્રૅક્ટરના નીચે કોબ્રા સાપ કચડાઈ જતા મરી ગયો હતો.

થોડા કલાકો પછી, જ્યારે તે ખેડૂત ટ્રૅક્ટરમાંથી ઊતર્યા, ત્યારે કોબ્રાએ તેના પગ પર ડંખ માર્યો.

આ વ્યક્તિને ઊલટી થવા લાગી અને પગમાં સોજો આવ્યો. તેમની 25 દિવસ સુધી સારવાર ચાલી. તેમને ઍન્ટી વેનમ અને ઍન્ટીબૉડી દવાઓ આપવામાં આવી અને તેઓ આખરે સ્વસ્થ થઈ ગયા.

ત્રીજો કિસ્સો: ત્રણ કલાક પછી બ્લૅક ક્રેટે ડંખ માર્યો

ત્રીજી ઘટના આસામના કામરૂપ જિલ્લાની છે. અહીં એક દિવસ સાંજે લગભગ 6:30 વાગ્યે, કેટલાક લોકોએ એક બ્લૅક ક્રેટને મારીને ઘરની પાછળ ફેંકી દીધો.

ત્રણ કલાક પછી, સવારે લગભગ 9:30 વાગ્યે, એક વ્યક્તિ જિજ્ઞાસાથી મરેલા સાપને જોવા ગયો. તેણે અજાણતાં જ મરેલા સાપને પોતાના હાથમાં પકડી લીધો.

સાપે તેના જમણા હાથની નાની આંગળી પર ડંખ માર્યો. પરિવારે શરૂઆતમાં તેને અવગણ્યું કારણ કે ડંખવાળી જગ્યાએ કોઈ દુખાવો કે સોજો નહોતો. ઉપરાંત, તેમના મતે, સાપ મરી ગયો હતો.

પરંતુ રાત્રે 2 વાગ્યાની આસપાસ, વ્યક્તિના શરીરમાં ન્યુરોટોક્સિન (ચેતાઓને અસર કરતું ઝેર) ની અસર દેખાવા લાગી. તેને ગભરાટ થવા લાગ્યો અને શરીરમાં દુખાવો થવા લાગ્યો. શરીરના ભાગો પણ સુન્ન થવા લાગ્યા, ત્યારબાદ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

રિપોર્ટ મુજબ, તે માણસ બચી ગયો પરંતુ તેને સ્વસ્થ થવામાં છ દિવસ લાગ્યા.

મરેલો સાપ કેવી રીતે કરડી શકે?

સાપ, ભારત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Rishikesh Choudhary/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સાપ મર્યા બાદ કેમ ડંખ મારી શકે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ત્રણ ઘટનાઓ સામાન્ય રીતે આપણા માન્યમાં ન આવે પરંતુ નિષ્ણાતો પુષ્ટિ કરે છે કે આવી ઘટનાઓ હકીકતે બની શકે છે.

ત્રણેય ઘટનાઓ આસામમાં બની હતી. આ ઘટનાઓ પાછળનાં કારણોને સમજવા માટે સંશોધકોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો.

આ અભ્યાસ (કેસ રિપોર્ટ ઑફ ડેડ સ્નેક ઇમ્વેનોમિંગ ઍન્ડ ટ્રીટમેન્ટ-મૃત સાપ કરડયા બાદ ઝેરની અસર અને તેની સારવાર ) હવે ફ્રન્ટિયર્સ ઇન ટ્રૉપિકલ ડિસીઝમાં પ્રકાશિત થયો છે.

આ અહેવાલમાં, ચર્ચા કરવામાં આવી છે કે મૃત્યુ પછી અથવા માથું કાપી નાખ્યા પછી પણ સાપ કરડવાનો ભય કેમ રહે છે.

આ રિપોર્ટ મુજબ, કેટલાક સાપ કોઈને તેમના મૃત્યુના ત્રણ કલાક પછી પણ ડંખ મારી શકે છે. સાપના શરીરમાં હાજર ઝેર થોડા કલાકો સુધી ઝેર પ્રણાલીમાં સક્રિય રહે છે અને તે વ્યક્તિને અસર કરી શકે છે.

યુનિવર્સલ સ્નેકબાઈટ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન.એસ. મનોજ કહે છે કે, "ઝેરી દાંત ધરાવતી આગળની ફેણવાળી પ્રજાતિઓ, જેમ કે એલાપિડે, વાઇપેરિડે અને એટ્રેક્ટાસ્પિડિડેમાં જોખમ વધારે છે."

ફ્રન્ટિયર્સ ઇન ટ્રૉપિકલ ડિસીઝમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે, "સાપનું ઝેર માનવ લાળ જેવું જ છે. ઝેર છોડતી ગ્રંથિ સાપના ફેણ સાથે જોડાયેલી હોય છે, આ સિસ્ટમ સિરીંજની જેમ કામ કરે છે. જ્યારે સાપ વ્યક્તિને કરડે છે, ત્યારે ઝેર ગ્રંથિમાંથી બહાર આવે છે અને દાંત દ્વારા વ્યક્તિના શરીરમાં પહોંચે છે."

અભ્યાસમાં જણાવાયું છે કે, "આસામમાં એક કિસ્સામાં, સાપના કપાયેલા માથાને સ્પર્શ કરતી વખતે, વ્યક્તિએ ભૂલથી સાપની વિષ ગ્રંથિ દબાવી દીધી હશે અને અજાણતાં જ ઝેર નીકળી આવ્યું હશે."

ડૉકટર મનોજ, સાપ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડૉકટર મનોજ કહે છે કે સાપ ભલે મૃત હોય પરંતુ તેને સાવધાની વગર પકડવો ન જોઈએ

મનોજ ચેતવણી આપે છે કે મૃત સાપ સાથે આવી ઘટનાઓ બનવાનું જોખમ વધારે છે. તેઓ આ પાછળની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ પણ સમજાવે છે.

તે કહે છે, "જો કોઈ વ્યક્તિને સૂતી વખતે મચ્છર કરડે છે, તો તે અજાણતાં તેને દૂર કરી દે છે. તેને શરીરની આ હિલચાલની ખબર હોતી નથી. આ પ્રતિક્રિયા મગજમાંથી નહીં પણ કરોડરજ્જુમાંથી આવે છે."

મનુષ્યોમાં, શરીરનું ચેતાતંત્ર મગજથી શરૂ થાય છે અને કરોડરજ્જુ દ્વારા આખા શરીરમાં પહોંચે છે. આ સમગ્ર સિસ્ટમને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે કેન્દ્રીય ચેતાતંત્ર કહેવાય છે.

મનોજ સમજાવે છે, "એ જ રીતે, મૃત્યુ પછી સાપનું ચેતાતંત્ર સંપૂર્ણપણે બંધ થતું નથી. મૃત્યુ પછી પણ, તેમના આંતરિક ભાગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, મૃત્યુ પછી પણ કરોડરજ્જુમાંથી કરડવાનો રિફ્લેક્સ હોઈ શકે છે."

આ ઉપરાંત, અભ્યાસમાં સાપના ફૉલ્સ બાઇટ વિશે પણ વાત કરવામાં આવી છે. ક્યારેક ઝેરી સાપ તેમના દુશ્મનોને કરડે છે પરંતુ તેમના શરીરમાં ઝેર ઇન્જેક્ટ કરતા નથી. આવી ફૉલ્સ બાઇટથી સાપ તેના દુશ્મનોને ચેતવણી આપે છે.

મનોજ સમજાવે છે કે, "મગજ શરીરની કામગીરીને નિયંત્રિત કરે છે. સાપ કરડે ત્યારે ઝેર ગ્રંથિમાંથી નીકળતા ઝેરની પ્રક્રિયા અને માત્રાને નિયંત્રિત કરી શકે છે. દુશ્મનને જોઈને, તેઓ નક્કી કરી શકે છે કે વિષ ગ્રંથિમાંથી પૂરું ઝેર લેવું કે પછી ફૉલ્સ બાઇટ કરવી."

અભ્યાસ કહે છે કે ,"મૃત સાપના શરીરમાં આ નિયંત્રણ ખોવાઈ જાય છે. તેથી, શરીરમાં કોઈપણ હિલચાલને કારણે (મૃત્યુ પછી પણ), જો મૃત સાપના દાંત કોઈને ડંખે છે, તો ઝેર દાંત દ્વારા પ્રવેશી શકે છે. સાપ તેને નિયંત્રિત કરી શકતો નથી, આવી સ્થિતિમાં, વિષ ગ્રંથિમાં સંગ્રહિત તમામ ઝેર વ્યક્તિના શરીરમાં આવી જશે."

કયા સાપ મૃત્યુ પછી પણ કરડે છે?

અંધશ્રદ્ધા, સાપ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા લોકો અંધશ્રદ્ધાને કારણે મરેલા સાપને સ્પર્શ કરે છે

મનોજ કહે છે કે આ પ્રકારનું વર્તન રૅટલસ્નેક (વાઇપર સાપનો એક પ્રકાર) માં જોવા મળ્યું છે. આ સાપની એક પ્રજાતિ છે જે અમેરિકામાં સૌથી વધુ જોવા મળે છે. આ સાપ અત્યંત ઝેરી માનવામાં આવે છે.

કર્ણાટકના કલિંગા ફાઉન્ડેશનના સંશોધન નિર્દેશક ડૉ. એસ.આર. ગણેશે જણાવ્યું હતું કે, "ઑસ્ટ્રેલિયામાં ભૂરા સાપ અને ચીનમાં જોવા મળતા કોબ્રામાં આવી ઘટનાઓ નોંધાઈ છે."

ભારતમાં જોવા મળતા રસેલ વાઇપર, સૉ સ્કેલ્ડ વાઇપર, બામ્બૂ પીટ વાઇપર, મલબાર પીટ વાઇપર, કોરલ સ્નેક અને બેન્ડેડ પીટ વાઇપર પ્રજાતિઓ છે જે મર્યા પછી ડંખી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે "કાંડા કંડાઈ અને નીરકોલી જેવા પાણીના સાપ પણ, જે સામાન્ય રીતે હાનિકારક લાગતા નથી, તે પણ આવું કરે છે."

ડૉક્ટર મનોજ કહે છે કે સાવધાની વિના સાપ પકડવો ખોટું છે. તેમનું કહેવું છે કે જો સાપ મરી ગયો હોય તો પણ તેને પકડવો જોઈએ નહીં.

તેઓ કહે છે, "ઘણા લોકો મૃત સાપને ઉપાડીને તેને સ્પર્શ કરવા માટે ઉત્સુક હોય છે. આ ખતરનાક છે. જેમ 'માનવના મૃત્યુ' માટે તબીબી વ્યાખ્યાઓ છે, તેમ સાપ અને અન્ય સરિસૃપ માટે આવી કોઈ વ્યાખ્યા નથી. આપણે ધારીએ છીએ કે જો કોઈ સાપને કચડી નાખવામાં આવે છે અથવા તેનું માથું કાપી નાખવામાં આવે છે અથવા જો તે લાંબા સમય સુધી ઍક્ટિવ નથી, તો તે મૃત છે."

તેઓ સમજાવે છે, "તમે સાપને જીવતો જુઓ કે મરેલો, સૌથી સારી વાત એ છે કે સંબંધિત અધિકારીઓને તેની જાણ કરો અને યોગ્ય પગલાં લો."

શું ધ્યાન રાખવું જોઈએ?

આ ઉપરાંત, તમિલનાડુના ઘણા ભાગોમાં, લોકોમાં આ અંધશ્રદ્ધા છે કે "મરેલા લીલા સાપનો નિકાલ કરી નાખવો જોઈએ."

નિષ્ણાતો કહે છે કે આમાં અંધશ્રદ્ધા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમિલનાડુના કેટલાક ભાગોમાં એવું માનવામાં આવે છે કે મૃત લીલા સાપને સ્પર્શ કરવાથી વ્યક્તિ વધુ સારી રસોઈયા બની શકે છે.

ડૉ. મનોજ આ વિશે ચેતવણી આપે છે, "ક્રેટ અને લીલા સાપ, તેમજ ઘણા ઝેરી અને બિન-ઝેરી સાપો પણ ગુસ્સે થાય ત્યારે ડંખવાની વૃત્તિ ધરાવે છે. મૃત્યુ પછી પણ તેમના ડંખવાનો ભય રહે છે. તેથી, અંધશ્રદ્ધાને કારણે આવા કોઈપણ કાર્ય કરવાનું ટાળવું જોઈએ."

બીજી તરફ, ડૉ. એસ.આર. ગણેશ કહે છે કે સાપના મૃત્યુ પછી તેનું ઝેર કેટલા સમય સુધી અસરકારક રહે છે અને તેનો ડંખ કેટલા સમય સુધી ખતરનાક બની શકે છે તે અંગે કોઈ વિગતવાર અભ્યાસ નથી.

ડૉ. મનોજ પણ તેમના નિવેદન સાથે સહમત થાય છે. તેઓ કહે છે, "ભારતમાં વન્યજીવન સંરક્ષણ કાયદા ખૂબ જ કડક છે, તેથી સાપને મારી નાખીને તેના પર આવો અભ્યાસ કરવો શક્ય નથી. તેથી જ આસામમાં બનેલી ઘટનાઓના આધારે આવા અભ્યાસ કરવામાં આવે છે."

આસામમાં બનેલી ઘટનાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સાપ કરડવા અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ વધારવાની જરૂર છે અને આ ઉપરાંત આ બાબતે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે.

જેઓ બેદરકારીથી અને કોઈ સુરક્ષા વિના સાપ પકડે છે એવા લોકોને પણ આ ઘટનાઓ પર કરવામાં આવેલા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન