ચિકનના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કઈ રીતે 'કાકા-ભત્રીજાની હત્યાનું કારણ' બન્યો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજસ્થાનના અજમેરના રામગંજ વિસ્તારમાં મટન વેચનારા વેપારીઓના ગ્રૂપમાં ગત 14 જુલાઈએ રાત્રે એક વેપારીએ સસ્તા ચિકનના ભાવનો મૅસેજ વૉટ્સઍપ ગ્રૂપમાં ફરતો કર્યો.
સવાર પડતાં જ રામગંજના બીયાંવાર વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાસેની પાકીઝા મટન શૉપ પર કથિતપણે એક ટોળું આવ્યું અને ચાકુ લાકડીઓથી હુમલો કર્યો, એમાં કાકા-ભત્રીજાનું મોત થયું.
પોલીસે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ લોકોની પહેલાં ધરપકડ કરી અને બીજા ત્રણ લોકો રાજસ્થાનથી અમદાવાદ આવીને સંતાયા હતા, એમની પણ 27 ઑગસ્ટે ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આ ભાગતા ફરતા આરોપીઓને પકડવાનું ઑપરેશન પાર પાડ્યું છે.
આ ત્રણેય આરોપીઓ સગા ભાઈ છે, જેમની કસ્ટડી હવે રાજસ્થાન પોલીસને સોંપી દેવાઈ છે.
સમગ્ર વિવાદ શું હતો અને આખરે કઈ રીતે પોલીસ આ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં સફળ રહી એ અંગે જાણવા બીબીસી ગુજરાતીએ સંબંધિત પોલીસ અધિકારીઓ અને પક્ષકારો સાથે વાત કરી હતી.
'મટન અને ચિકનનો ભાવ' કેવી રીતે હત્યાનું કારણ બન્યો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
રામગંજ વિસ્તારમાં ઘણા સમયથી મટન અને ચિકનના ભાવ અંગે વેપારીઓમાં હરીફાઈ ચાલતી હતી.
આ વિસ્તારમાં મટન અને ચિકનનો ધંધો મુખ્યત્વે કુરેશી પરિવાર ચલાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અજમેરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ હિમાંશુ જાગડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "15 જુલાઈની આગલી રાત્રે મટનના વેપારીઓના વૉટ્સઍપ ગ્રૂપમાં પાકીઝા મટન શૉપના માલિક ઇમરાને બ્રોઇલર ચિકનના ભાવમાં પાંચ રૂપિયા ઓછા રાખ્યા હતા. જેના કારણે ઇમરાન અને સલમાન વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો."
તેઓ બનાવ અંગે વધુ જણાવતાં કહે છે કે, "બીજા દિવસે એટલે કે 15 જુલાઈએ સલમાન કુરેશી અને એના સાથીઓ પાકીઝા મટન શૉપ પર ગયા હતા ત્યાં ચાકુ અને લાકડીઓથી હુમલો કર્યો હતો. જેમાં સામા પક્ષના શાહનવાઝ અને ઇમ્તિયાઝનું મૃત્યુ થયું હતું."
પોલીસે આ સંદર્ભે સીસીટીવી ફૂટેજના આધારે 14 લોકો સામે ફરિયાદ નોંધી હતી. એ સમયે આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર માટે ગયેલા ત્રણ આરોપીની ત્યારે જ ધરપકડ કરાઈ હતી. જ્યારે બાકીના આરોપી નાસતા ફરતા હતા.
આ 'હત્યાકાંડ' બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો હતો.
આ દરમિયાન આ ગુનાના આરોપી અને ભાગેડુ ગુલામ કુરેશી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.
અજમેરનાં એસીપી વંદિતા રાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ત્યાર બાદ ગુલામ કુરેશી તારાગઢની પહાડીઓ પાસેથી ફૉર વ્હિલરથી કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ હત્યાના આરોપમાં અમે ઇસ્માઇલ કુરેશી અને શામીર પઠાણની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે."
રાજસ્થાનમાંથી ભાગીને આરોપી ગુજરાતમાં છુપાઈ ગયા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
એસપી હિમાંશુ જાગડ કહે છે કે પોલીસ તમામ આરોપીઓને સીસીટીવીને આધારે શોધી રહી હતી.
"જેમાંથી આ ઝઘડામાં ઘાયલ થયેલા અને હુમલો કરનાર જૂથના અહેસાન, યુનૂસ અને ઇમરાનની હૉસ્પિટલમાંથી ધરપકડ કરી હતી. બાકી ભાગેડુ હતા. બાકી રહેલી વ્યક્તિઓ પૈકી ડિટેન કરેલી એક વ્યક્તિની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સથી અમને ખબર પડી કે કેટલાક આરોપીઓ ગુજરાત નાસી ગયા છે. તો અમે ગુજરાત પોલીસની મદદ લીધી જેમણે અમદાવાદમાં છુપાયેલા ત્રણને પકડી પાડ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં હવે દસ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે અન્ય ત્રણ ભાગેડુ આરોપીને ટૂંક સમયમાં પકડી પાડીશું."
રાજસ્થાનના આ ચકચારી કેસમાં અમદાવાદથી જેમની ધરપકડ કરાઈ એ ત્રણેય આરોપી સગા ભાઈ છે.
ધરપકડ કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી પાસે રાજસ્થાન પોલીસ તરફથી ડેટા આવ્યો હતો. આરોપીઓ બીજા મોબાઇલ ફોન વડે રાજસ્થાનમાં કેટલાક લોકોના સંપર્કમાં હતા. અમે એ તમામ રાજસ્થાનના નંબરો પર ટેકનિકલ સર્વેલન્સ કર્યું, એમાંથી અજમેર સાથેના સંપર્કમાં રહેલા નંબર શોધ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી અમે આ ત્રણ સગા ભાઈઓને દબોચી લીધા હતા."
પોલીસ પ્રમાણે આ ત્રણેય લોકો એમના સંબંધીને ત્યાં છુપાયા હતા.
તેઓ કહે છે, "અમે અલગ-અલગ ફોન નંબર પરથી રાજસ્થાન કુરેશી સમાજના ફોન નંબર પર થતા ફોન અને અમદાવાદના જુહાપુરામાં અચાનક રાજસ્થાનના આ ગ્રૂપમાં નવા ઉમેરાયેલા અમદાવાદના નંબરોને ટ્રૅક કરી આરોપીઓ સુધી પહોંચી ગયા હતા. ત્રણ સગા ભાઈ સલમાન કુરેશી, અલ્લારખ્ખા કુરેશી અને ઓવેશ કુરેશીની ધરપકડ કરાઈ છે. એમને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા છે."
આ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ બાકી હોવાથી રામગંજના એસએચઓ ડૉ. રાવીશ સામરિયાએ વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, "આ એક પરિવારના પાંચ સભ્યો આરોપી છે એટલે વધુ વિગતો તપાસ બાદ જાહેર કરશે."
શું કહે છે બંને પક્ષના પરિવારજનો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આરોપીઓના પરિવારના તમામ લોકો હાલ ફરાર છે અને બીજા પોલીસની કસ્ટડીમાં છે.
જોકે બીબીસીએ કુરેશી પરિવારના નિકટના સંબંધી અને મૃતક ગુલામ કુરેશીનાં બહેન પરવીનનો સાથી પત્રકારની મદદથી સંપર્ક કર્યો હતો.
પરવીને બીબીસીને કહ્યું કે, "જે લોકો વચ્ચે ઝઘડો થયો એ તમામનો મટન-ચિકન જ ખાનદાની ધંધો છે. અમે પુરુષોની વાતમાં માથું નથી મારતાં, પણ 14 જુલાઈએ રાત્રે ચિકનના ઓછા ભાવ મૂકવા બદલ કુરેશી સમાજના વૉટ્સઍપ ગ્રૂપમાં ઝઘડા શરૂ થયા હતા. એ ઝઘડાએ અમારા પરિવારના મોભી ગુલામભાઈનો જીવ પણ લઈ લીધો. અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, અમારા પરિવારના લોકો નિર્દોષ છૂટીને આવશે, કારણ કે બંને જૂથોએ એકબીજા સાથે લડાઈ કરી હતી."
તો પાકીઝા મટન શૉપના માલિક ઇરફાન અબ્દુલ રહીમે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારો સંયુક્ત પરિવાર છે. અમે મટન શૉપના પાછળના ભાગમાં અને ઉપરના માળે રહીએ છીએ. એ દિવસે અચાનક અમારી દુકાન પર મટન અને ચિકનના ભાવ અંગે ઝઘડો કરવા આવેલા અલ્લાહરખ્ખા લિયાકત સહિત પાંચ ભાઈઓ ટોળું લઈને આવ્યા અને અમારા પર ચાકુ અને દંડાથી હુમલો કર્યો. જેમાં મારા ભાઈ ઇમ્તિયાઝ અને ભત્રીજા શાહનવાઝનું અવસાન થયું છે."
તેઓ કહે છે કે વાસ્તવમાં વૉટ્સઍપ ગ્રૂપમાં થયેલી બોલાચાલીનું સમાધાન કરવાનું હતું, પણ એ લોકોએ ઉશ્કેરાઈ હુમલો કર્યો. જેમાં 12 લોકોને ઈજા થઈ.
તેઓ કહે છે, "અમે બધા કુરેશી પરિવારના છીએ. અમે બ્રોઇલર ચિકનના ભાવમાં માત્ર પાંચ રૂપિયા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. અમે બંને પરિવાર ચિકન અને મટનનો ધંધો કરીએ છીએ. ક્યારેક બોલાચાલી થઈ હોય પણ પછી સમાજના આગેવાનો વચ્ચે પડે એટલે સમાધાન પણ થઈ જાય, પણ આવી ઘટના પહેલી વાર બની છે."
"અમારા આખાય પરિવારમાં માતમ છવાયેલો છે. આટલી નાની વાતમાં ખૂન કરનારને અલ્લાહ માફ નહીં કરે. અમે કોર્ટમાં પણ જીતીશું, કારણ કે અમારી પાસેના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો દેખાય છે એટલે અમને આશા છે કે અમને ન્યાય મળશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












