જેરામ શિવજી: આખા ઝાંઝીબારનો વેપાર જેના તાબે હતો, જેમના માટે સુલતાને 'ગૌહત્યા બંધ કરાવી' એ ગુજરાતી વેપારી

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાના પૂરક રહ્યા છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.
ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયાં, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

આ વાત 19મી સદીના મધ્યભાગની છે. પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં એક વેપારીનું એવું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચૂક્યું હતું કે તેમણે નક્કી કરેલા ભાવથી ઉપર-નીચે ત્યાં કોઈ વેપાર ન કરી શકે. કોઈ ઝાંઝીબારના સુલતાન પાસે ફરિયાદ કરવા જાય તો સુલતાનનું પણ ન ચાલે, અને અંતે એ વેપારી કહે એમ જ થાય. કોઈને અમેરિકા, યુરોપથી આવીને ઝાંઝીબારમાં વેપાર કરવો હોય તો પણ આ વેપારી કહે એટલો ટૅક્સ ચૂકવવો પડે, એ કહે એમ જ વેપાર કરવો પડે. કોઈ વિરોધ કરે અને ફરિયાદ લઈને સુલતાન પાસે જાય તો પણ સુલતાન આ વેપારીના પક્ષમાં જ રહે.
પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં જેમનો આવો પ્રભાવ દાયકાઓ સુધી રહ્યો એ વેપારી હતા કચ્છના મુંદ્રાના જેરામ શિવજી.
પૂર્વ આફ્રિકાના દેશોમાં એક સમયે સૌથી ટોચની વેપારી કંપનીઓમાં 'જેરામ શિવજી' નું નામ હતું. આ કંપની તેમના પિતા શિવજી ટોપણે સ્થાપી હતી જેઓ મસ્કતમાં વેપાર કરતા હતા અને ત્યાં તેમણે પોતાનું વેપાર સામ્રાજ્ય ઊભું કર્યું હતું.
ડૉ. છાયા ગોસ્વામીએ 'ગ્લૉબલાઇઝેશન બીફોર ઇટ્સ ટાઇમ' પુસ્તકમાં ઝાંઝીબારમાં વેપાર કરતા કચ્છી વેપારીઓ વિશે વિગતે વાત કરી છે.
તેઓ લખે છે, "1785માં ઓમાનના સુલતાને રાજધાનીને મસ્કતથી ઝાંઝીબાર ખસેડવાનો નિર્ણય કર્યો ત્યારે બે કચ્છી વેપારીઓ હરિદાસ ભીમાણી અને શિવજી ટોપણે તેમને પૂરતો સાથ-સહયોગ આપ્યો હતો."
'બિઝનેસ કલ્ચર ઑફ ગુજરાત' પુસ્તકમાં પ્રો. મકરંદ મહેતા તો લખે છે કે, "શિવજી ટોપણનો સુલતાન સૈયદ સઇદ પર નોંધપાત્ર પ્રભાવ હતો. ઓમાનના સુલતાનને જેરામના પિતા શિવજી ટોપણે જ મસ્કતથી ઝાંઝીબાર રાજધાની લઈ જવાની સલાહ આપી હતી. એ સમયના 'ભાટિયા દસ્તાવેજો'માં તેની નોંધ છે. રાજધાની બદલાયા પછી મોટા પ્રમાણમાં ભાટિયા વેપારીઓએ મસ્કતથી ઝાંઝીબાર સ્થળાંતર શરૂ કર્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ લખે છે, "આ પગલાંને કારણે શિવજી ટોપણને તેમનું વેપાર નેટવર્ક પશ્ચિમી ભારત, મસ્કત અને ઝાંઝીબારમાં વ્યાપકપણે ફેલાવવાની તક મળી.
ઝાંઝીબારમાં વેપારનો ફેલાવો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ટ્રાન્સરિજનલ ટ્રેડ ઍન્ડ ટ્રેડર્સ: સિચુએટિંગ ગુજરાત ઇન ધી ઇન્ડિયન ઑશન ફ્રોમ અર્લી ટાઇમ્સ ટુ 1900' પુસ્તકમાં એક સંશોધનપત્રમાં અબ્દુલ શેરિફ ઝાંઝીબારમાં સ્થાયી થયેલા ગુજરાતી વેપારીઓ વિશે માહિતી આપે છે.
તેઓ લખે છે કે, "19મી સદીની શરૂઆતમાં ગુજરાતના સુરત, ભાવનગર, કચ્છ અને સિંધના ઘણા વેપારીઓ ઝાંઝીબારમાં સ્થાયી થઈ ચૂક્યા હતા. વર્ષ 1819 સુધીમાં તેમની સંખ્યા 214 જેટલી હતી અને તેઓ ત્યારે જ ખૂબ ધનિક હતા તથા મોટાભાગના વેપાર પર તેમનો કબજો હતો. તેમાંના કેટલાક વેપારીઓ અતિશય પૈસાદાર અને ખૂબ સારી રીતે ત્યાં સ્થાપિત થઈ ચૂક્યા હતા જેમાં ભાટિયા વેપારી જેરામ શિવજી મુખ્ય હતા."
'ધી ઇન્ડિયન કમ્યૂનિટી ઇન ઝાંઝીબાર 1804-1856: અ હિસ્ટોરિકલ સ્ટડી' શીર્ષકથી જૉર્ડન જર્નલ ફૉર હિસ્ટ્રી ઍન્ડ આર્કિયૉલૉજીમાં એક સંશોધનપત્ર પ્રકાશિત થયું છે.
આ સંશોધનપત્રમાં અબ્દુલ્લાહ ઇબ્રાહિમ અલતુર્કી લખે છે, "19મી સદીની શરૂઆતમાં ભારતીયોએ સુલતાનના કબજા હેઠળ રહેલાં બંદરોને ભાડે લેવાનાં શરૂ કરી દીધાં હતાં. તેના બદલામાં તેઓ નિશ્ચિત રકમ રાજ્યના ખજાનામાં આપતા હતા. ભારતીયો આ બંદરો પર ચાલતા ઇમ્પૉર્ટ-ઍક્સ્પૉર્ટના ધંધામાંથી તગડો નફો મેળવતા હતા."
"1833માં શિવજી ટોપણે બંદર ભાડે લીધું એ પછીથી તેમના પુત્ર જેરામે ઝાંઝીબારમાં ઉત્તરથી દક્ષિણ સુધીનાં તમામ બંદરોના સંચાલન પર નિયંત્રણ મેળવી લીધું હતું અને આ નિયંત્રણ 40 વર્ષ સુધી ટકી રહ્યું હતું."
તેઓ લખે છે, "શિવજી ટોપણ પાસે ત્રણ મહત્ત્વની પોસ્ટ હતી: પ્રમુખ, કસ્ટમ્સ ડિરેક્ટોરેટ ઑન ધી આઇલૅન્ડ ઑફ ઝાંઝીબાર, ઑફિસર રિસ્પોન્સિબલ ફૉર ધી પૉર્ટ અને ગવર્નર ઑફ ધી સ્ટેટ બૅન્ક. શિવજીએ તેમની આ પોસ્ટનો ઉપયોગ કરીને સુલતાન, આરબ વેપારીઓ, અનેક ભારતીય અને યુરોપિયન ધંધાકીય પેઢીઓને લોન આપી હતી. સુલતાન અને તેમનો પરિવાર કોઈ બીજી વ્યક્તિ થકી લોન લે તેવી આ અજબ ઘટના હતી. શિવજી કસ્ટમ્સના પ્રમુખ તરીકે લામુ, મોમ્બાસા, મોગાદિશુ, કિસ્માયો અને દાર એસ-સલામ સુધી સક્રિય હતા."
વેપારમાં જેરામ શિવજીની ઍન્ટ્રી અને પ્રગતિ

ઇમેજ સ્રોત, Tulsidas Swahili/Dr. Chhaya Goswami
મસ્કત અને ઝાંઝીબારના કસ્ટમ્સની જવાબદારી- કૉન્ટ્રેક્ટ ભીમાણી અને શિવજી ટોપણને વારાફરતી મળતી રહેતી હતી. જ્યારે ઝાંઝીબારનો અનેક દેશો સાથે વેપાર વધી રહ્યો હતો એ ગાળામાં જ જેરામ શિવજીને પિતાએ જમાવેલ ધંધાની જવાબદારી મળી હતી. જેરામે 1835 પછી આ કસ્ટમ્સની જવાબદારી સંભાળી હતી. જેરામના જન્મનું વર્ષ 1792 હતું.
જોકે, ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં નોંધે છે એ પ્રમાણે, "જેરામ શિવજીને એ પહેલાં સખત ટ્રેઇનિંગમાંથી પસાર થવું પડ્યું હતું. તેમના પિતા તથા કાકા માધવજી ટોપણ નીચે તેમની ટ્રેઇનિંગ થઈ હતી. એક વર્ષની સતત સંતોષજનક કામગીરી પછી જ તેમને કંપનીની ઝાંઝીબાર શાખામાં કામ કરવા મળ્યું હતું."
તેઓ લખે છે, "જેરામની ઍન્ટ્રી પછી કંપની વધુ પ્રગતિ કરે છે. ઇ.સ. 1837 સુધીમાં તે મોમ્બાસા, મ્રિમા તથા 1840 સુધીમાં માફિયા (ટાપુ) અને લિંદીના કસ્ટમ્સ કૉન્ટ્રેક્ટ પણ મેળવી લે છે. જેરામ શિવજી સુલ્તાનના કસ્ટમ્સ વિભાગના મુખ્ય કર્તાહર્તા બની જાય છે અને તેમની કંપની ઝાંઝીબારના 1000 માઇલના કિનારાનું નિયંત્રણ કરી રહી હતી. ટાપુઓની સંપત્તિનું રક્ષણ કરવા તેમણે પોતાના 150 સશસ્ત્ર ગાર્ડ્ઝ પણ રાખ્યા હતા."
1850 સુધીમાં જેરામ શિવજીની કંપનીની ઝાંઝીબાર, મસ્કત, પર્શિયન અખાત, બૉમ્બે, મુન્દ્રા અને માંડવીમાં પણ શાખાઓ ફેલાઈ ચૂકી હતી.
સામાન્ય રીતે કસ્ટમ્સ કલેક્ટરની જવાબદારી સુલતાન તરફથી ટૅક્સ/ડ્યુટી એકત્રિત કરવાની જવાબદારી રહેતી. પરંતુ જેરામ શિવજીએ પોતાના પદનો ઉપયોગ કરીને પોતાના સ્વતંત્ર વેપારનો પણ ફેલાવો કર્યો.
અબ્દુલ્લાહ ઇબ્રાહિમ અલતુર્કી લખે છે, "કસ્ટમ વિભાગમાં ઉચ્ચ હોદ્દેદારો તરીકે કામ કરતાં ભારતીય વેપારીઓ સ્વતંત્ર રીતે ધંધો પણ કરતા હતા. જેરામ શિવજી ઝાંઝીબાર અને પૂર્વ આફ્રિકાના સાગરકિનારે ખૂબ વેપાર કર્યો અને તેમના કચ્છ અને બૉમ્બેમાં પણ વ્યાપારિક હિતો હતાં. કસ્ટમ ડાયરેક્ટર તરીકેના હોદ્દાનો તેમણે ફાયદો ઉઠાવવામાં ખચકાટ અનુભવ્યો નહોતો તથા સુલતાન સૈયદ સઇદ સાથેના સંબંધોનો તેમણે પોતાના પ્રોજેક્ટ્સ આગળ વધારવામાં ઉપયોગ કર્યો હતો."
"જેરામ શિવજીએ ઝાંઝીબારમાં સુલતાન કરતાં પણ વધુ આર્થિક નિયંત્રણ મેળવી લીધું હતું. સુલતાનને આ વાતનો અહેસાસ થયો હતો પરંતુ તેમણે તેમને રોકવાને બદલે કસ્ટમ ઍડમિનિસ્ટર બનાવી દીધા હતા. તેના કારણે તેમનો વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો હતો."
ઝાંઝીબારમાં એવું પ્રભુત્વ કે સુલતાનનું પણ ન ચાલે

ઇમેજ સ્રોત, Portfolio/Penguin
અબ્દુલ શેરિફ લખે છે, "ઝાંઝીબારમાં વર્ષ 1840માં બ્રિટિશ દૂતાવાસની સ્થાપના થઈ હતી. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ત્યાંના કસ્ટમ્સ વિભાગનું નિયંત્રણ જેરામ શિવજી પાસે પહેલેથી જ છે. પરંતુ ત્યારપછી બ્રિટિશર્સે ભારત ઉપરના તેમનાં નિયંત્રણોથી ધીમેધીમે ઝાંઝીબારમાં રહેતા ભારતીય સમુદાય પર પણ તેમનું નિયંત્રણ થોપવાની શરૂઆત કરી દીધી હતી."
ડૉ. છાયા ગોસ્વામી બ્રિટિશ કૉન્સ્યુલ કર્નલ રિગ્બીને ટાંકીને લખે છે, "19મી સદીના છઠ્ઠા દશકામાં એવી સ્થિતિ હતી કે બ્રિટિશર્સ, ફ્રૅન્ચ, જર્મન અને અમેરિકન્સ સહિતના વેપારીઓ કચ્છીઓ થકી જ કરારો કરતા હતા. આ કચ્છી વેપારીઓનું નેતૃત્વ સમૃદ્ધ ગણાતી જેરામ શિવજી અને થારિયા ટોપણની પેઢીઓ કરતી હતી."
એવા અનેક કિસ્સાઓ લખાયાં છે જેમાં જેરામ શિવજીનો દબદબો કેવો હતો એ પ્રતીત થાય છે.
વાત એમ હતી કે એ સમયે વૈશ્વિક વેપારમાં કચ્છીઓ મુખ્યત્વે ભારતીય ચલણ અને અમેરિકાનાં સોનાં થકી વેપાર કરતા હતા. બાકીના દેશોના ચલણ ઓછી લિક્વિડિટી અને માંગને કારણે તેમના અધિકૃત ભાવ કરતાં ઓછા ભાવે વેચાતા હતા.
એટલે બન્યું એવું કે ભારતીય વેપારીઓના પ્રભુત્વથી કંટાળી ગયેલા ફ્રેન્ચ રાજદૂત બ્રૉક્વટે સુલતાનને ફ્રાન્સના ચલણ 'ફ્રાન્ક' ને વેપાર માટે રેગ્યુલરાઇઝ કરવાની ભલામણ કરી. પરંતુ ત્યારે કસ્ટમ માસ્ટર તરીકે કામ કરતાં જેરામના ભાઈ ઇબજી શિવજીએ આ વાતની ના પાડી દીધી. ભારતીય વેપારીઓ મક્કમ હોવાને સુલતાનના પણ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા અને ફ્રેન્ચ રાજદૂત પણ નિસહાય બની ગયા. અંતે શિવજીનું ધાર્યું જ થયું.
મકરંદ મહેતા લખે છે, "આ પ્રભાવશાળી હોદ્દો અને સત્તા જેરામ શિવજીના પરિવારને મળી એ તેમણે લગભગ ચાર દાયકા સુધી જાળવી રાખી હતી."
બ્રિટિશ રાજદૂત ઍટકિન્સે એકવાર લખ્યું હતું કે, "કસ્ટમ માસ્ટર જેરામ શિવજી પાસેથી અમે માત્ર થોડા કલાકોની નોટિસથી જ પાંચ હજાર ડૉલર મેળવી શકતા હતા."
એમનું સામ્રાજ્ય કેવું મોટું હશે તેનો ખ્યાલ આ કિસ્સાથી આવે છે.
અમેરિકાના વેપારીઓને પણ જેરામ શિવજી થકી જ વેપાર કરવો પડતો

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં લખે છે, "1830ના દાયકામાં અનેક અમેરિકન કાર્ગો શિપ ઝાંઝીબારમાં આવતાં થયાં અને અમેરિકન દૂતાવાસ પણ સ્થપાયો."
"જેરામ શિવજીએ આ કાર્ગો શિપ પર લગાવેલા સરચાર્જને કારણે અમેરિકન રાજદૂત રિચાર્ડ પી. વૉટર્સ પણ ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. જોકે, સુલતાનને વાત કરવા છતાં પણ અંતે ત્યાં જેરામ શિવજીનું જ ધાર્યું થતું હતું."
"જેરામના આધિપત્યને કારણે અમેરિકન વેપારીઓને પોતાના નફામાંથી પણ રકમ જેરામ શિવજીને આપવી પડતી હતી. અંતે તેમના આધિપત્યને અવગણી નહીં શકાય એમ વિચારીને વર્ષ 1837ના અંતે વૉટર્સે જયરામ સાથે ભાગીદારી કરી."
"ભારત-અમેરિકાના વેપારની આ ભાગીદારીનો લાભ લઈને જેરામે પછી નક્કી કર્યું કે અમેરિકન વેપારને કચ્છ સુધી પહોંચાડવો. જોકે, આગળ જતાં બ્રિટિશ હિતોને નુકસાન થતું દેખાતાં બ્રિટિશ સરકારે કચ્છ સાથે સંધિ કરી હતી કે કચ્છમાં ફ્રેન્ચ અને અમેરિકન હિતોને પ્રોત્સાહન ન આપવામાં આવે."
બીજી તરફ જેરામ અને વૉટર્સની જુગલબંદીથી ઝાંઝીબારમાં અમેરિકન વેપાર ખૂબ પાંગર્યો.
ડૉ. ગોસ્વામી નોંધે છે એ પ્રમાણે, "સપ્ટેમ્બર, 1832થી લઈને મે, 1834 સુધીના ગાળામાં ઝાંઝીબારમાં આવતાં 41 વિદેશી શિપમાંથી 32 શિપ અમેરિકાનાં હતાં."
"જેરામ અને રિચાર્ડ વૉટર્સ આગળ જતાં મિત્રો બની જાય છે. બંને વચ્ચે લખાયેલા પત્રોમાં પણ તેની ઝલક જોવા મળે છે. એકવાર જેરામને મારવાનો કોઈએ પ્રયત્ન કર્યો હતો ત્યારે જેરામે ઇમર્જન્સીમાં વૉટર્સને જ બોલાવ્યા હતા. દોસ્તી ત્યાં સુધી આગળ વધી ગઈ હતી કે પોતાના વસિયતનામાં માટે પણ જેરામ વૉટર્સ અને હૅમર્ટનને નીમ્યા હતા."
ગુલામોના વેપારનું કાળું પ્રકરણ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. છાયા ગોસ્વામી તેમના સંશોધનપત્રમાં નોંધે છે એ પ્રમાણે, "1811માં ગુલામો અને હાથીદાંત એ ઝાંઝીબારમાં સૌથી નફાકારક ધંધાઓ હતા. દર વર્ષે 40થી 45 હજાર ગુલામોને ઝાંઝીબારમાં વેચવામાં આવતા હતા અને ત્યાંથી ઇજિપ્ત, અરેબિયા, પર્શિયા તેમની નિકાસ કરવામાં આવતી હતી."
તેઓ લખે છે, "ઝાંઝીબારના અંતરિયાળ વિસ્તારોમાં ગુલામોને લઈ જવા આરબ વેપારીઓનો કાફલાને પણ જેરામ શિવજી અને થારિયા ટોપણે તેમને આર્થિક ટેકો આપ્યો હતો."
મકરંદ મહેતા પણ લખે છે કે, "ભાટિયા વેપારીઓએ શિવજી પરિવારની આસપાસ જ પોતાનો કામધંધો ગૂંથ્યો, ફેલાવ્યો અને એક સમુદાય તરીકે તેઓ હાથીદાંત અને ગુલામોના વેપારમાં ખૂબ આગળ વધ્યા. ભાટિયા વેપારીઓએ ગુલામો, હાથીદાંત, કપડાં અને શસ્ત્રોનો વેપાર કરતા આરબ વેપારીઓના કાફલાને આર્થિક ટેકો પણ આપ્યો."
કચ્છનો સર્વાંગી ઇતિહાસ ભાગ-1 માં પણ જેરામ શિવજી અને તેમની પેઢી ગુલામોના વેપાર સાથે સંકળાયેલી હોવાનું લખાયું છે.
તેમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, "હિંદ સરકારે આફ્રિકામાં ચાલતા ગુલામોના વેપારને અટકાવવા સર બાર્ટલ ફીચરના વડપણ હેઠળ એક કમિશન નીમીને તેને આફ્રિકા મોકલ્યું હતું. આ ગુલામના વેપારમાં કચ્છ-મુંદ્રાની શેઠ જેરામ શિવજી અને ઇબજી શિવજીની પેઢીઓ સંકળાયેલી હતી."
"આથી, તેમના પર કચ્છના મહારાવશ્રીની લાગવગ ચલાવવા કચ્છના દીવાન કાઝી શાહબુદ્દીનને તે કમિશનના એક સભ્ય તરીકે આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. તેમના અસાધારણ પ્રયાસથી મહારાવશ્રીના નામે કચ્છી વેપારીઓમાં ગુલામોનો વેપાર બંધ કરાવવામાં પૂરતી સફળતા પણ મળી હતી."
સુલતાન સાથેના ગાઢ સંબંધો અને 'ગૌહત્યા પર પ્રતિબંધ'

ઇમેજ સ્રોત, Peabody Essex Museum, Salem/ The United States in World History
અનેક પુસ્તકો અને સંશોધનપત્રમાં ઉલ્લેખ છે કે શિવજી ટોપણ અને પુત્ર જેરામ શિવજી સુલતાનને પણ જરૂર પડ્યે નાણાં ધીરતા હતા.
અમુક વખતે દેવામાં રહેલા સુલતાનની નિર્ભરતા પણ જેરામ શિવજી પર વધતી જતી હતી.
ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "જેરામ શિવજીના સંબંધો સુલતાન સૈયદ સઇદ સાથે અતિશય ગાઢ બની ગયા હતા. જેરામની હત્યાનો પ્રયાસ થયો ત્યારે સુલતાન વારંવાર તેમના ઘરે મુલાકાત લેતા હતા."
તેઓ લખે છે, "સુલતાને જેરામ શિવજીના ઘરને ધ્યાનમાં રાખીને ઇદ-ઉલ-ફિત્રના તહેવાર દરમિયાન ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. પોતાના કસ્ટમ માસ્ટરની ધાર્મિક માન્યતા પ્રત્યે સન્માનની લાગણી દર્શાવવા તેમણે આ નિર્ણય લીધો હતો."
એક તરફ જેરામ શિવજી જેવા અનેક કચ્છી વેપારીઓ ગુલામો અને હાથીદાંતના વેપારમાં સંકળાયેલા હતા, તો બીજી તરફ તેઓ ધાર્મિક માન્યતાઓને કારણે અમુક વેપાર કરતા નહોતા એવું પણ જોવા મળ્યું છે. તેમનાં બેવડાં ધોરણો સ્પષ્ટ દેખાતાં હતાં.
ડૉ. ગોસ્વામી નોંધે છે કે, "ઝાંઝીબારમાં જેરામ શિવજીને મોટો ધંધાકીય કરાર કરવામાં આ નડ્યું હતું. મૅસર્સ ફ્રેઝર સાથેની ડીલ તેમણે એટલે પાછી ખેંચી લીધી હતી કારણ કે તેમાં બીફનો વેપાર પણ કૉન્ટ્રેક્ટનો ભાગ હતો. તેમણે અતિશય નફો કરાવતો કરાર છોડી દીધો હતો."
જયરામ શિવજી: કચ્છીઓના મિત્ર

ઇમેજ સ્રોત, AC Gomes/bhatiamahajan.com
'સેટલ્ડ સ્ટ્રેન્જર્સ: એશિયન બિઝનેસ ઍલીટ્સ ઇન ઇસ્ટ આફ્રિકા (1800-2000)' પુસ્તકમાં ગિજ્સબર્ટ ઑન્ક લખે છે કે, "જેરામ શિવજી ઝાંઝીબારથી ઍડન અને પશ્ચિમ ભારત સુધી દર બે-ત્રણ વર્ષે સફર ખેડતા રહેતા હતા. આ દરમિયાન તેઓ રસ ધરાવતા વેપારીઓ અને ધનિકો સાથે પૂર્વ આફ્રિકાની આર્થિક શક્તિ અને ધંધાની તક વિશે વાત કરતા રહેતા હતા. તેના કારણે અનેક પરિવારોએ પોતાનાં સંતાનોને ઝાંઝીબાર મોકલ્યાં હતાં. સેંકડોની સંખ્યામાં કસ્ટમ્સ વિભાગની મદદથી ભારતીય ભાટિયા વેપારીઓને ભરતી કરવામાં આવ્યા અને તેમને ધંધામાં ગોઠવવામાં આવ્યા."
ઑન્ક નોંધે છે એ પ્રમાણે, "પૂર્વ આફ્રિકામાં વેપાર માટે આવતા મોટાભાગના લોકો પાસે પૈસા જ નહોતા અથવા તો ખૂબ ઓછા પૈસા હતા. જોકે, તેમને તેમના સમુદાયોના નેટવર્ક તરફથી જરૂરી ફંડ મળી રહેતું હતું. પરિવારો, તેમનાં કનેક્શન અને જેરામ શિવજી સાથેનાં જોડાણ પરથી એ સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ એકબીજાને સહયોગ કરતા હતા અને ધ્યાન રાખતા હતા."
ભારતીય સમાજમાં 19મી સદીમાં પણ અનેક સમુદાયોમાં સ્ત્રીઓને વિદેશ લઈ જવા અંગે કડક પ્રતિબંધો હતા.
અબ્દુલ શેરીફ લખે છે કે, "એવું લાગે છે કે હિન્દુ મહિલાઓમાં વ્યાપ્ત દરિયો ઓળંગવા પર નિષેધ ઇ.સ.1879માં તૂટ્યો હતો. જેરામ શિવજીના ભાઈ ઇબજી શિવજીનાં પત્નીને ઝાંઝીબાર લાવવામાં આવ્યાં હતાં અને તેમનું અનેક લોકોએ ત્યાં એકઠાં થઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. આથી પછીના સમયમાં હિન્દુ વેપારીઓ ત્યાં વધુ સારી ઠરીઠામ થઈ શક્યા અને પોતાનો સંસાર આગળ વધારી શક્યા હતા."
શેરિફ તેમનાં પુસ્તકમાં જેરામ શિવજીની મોટી ગુજરાતી હવેલીનો પણ ઉલ્લેખ કરે છે, જે તેમના વર્ણન પરથી અતિશય ભવ્ય હોય તેવું પ્રતીત થાય છે.
ઝાંઝીબારથી ચાલી રહેલી જેરામની કંપનીની ખાતાવહી પણ ગુજરાતીમાં જ લખાતી હતી.
ઝાંઝીબાર અને કચ્છ વચ્ચે આવાગમન કરતાં કચ્છીઓ માટે જેરામે કમ્યૂનિટી કિચન પણ ખોલ્યું હતું, તેમના રહેવા-જમવાનો ખર્ચ પણ તેઓ આપતા હતા.
કચ્છના મુંદ્રામાં આવેલી પાંજરાપોળ માટે પણ જેરામે જ સૌથી પહેલું દાન કર્યું હતું. તેમના પરિવારજનો અનુસાર, જેરામે મુંદ્રામાં બે તળાવ પણ બંધાવ્યા હતા.
એવાં અનેક ઉદાહરણો જોવાં મળે છે કે જેરામ શિવજીની કંપનીમાં અનેક લોકોએ ઍપ્રેન્ટિસશિપ કરી હોય અને આગળ જતાં પોતાની કંપનીઓ ઊભી કરી હોય.
થારિયા ટોપણે જેરામ શિવજીની કંપનીમાં જ લઢા દામજીના મદદનીશ તરીકે નોકરી શરૂ કરી હતી અને આગળ જતાં એટલું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું કે જેરામ શિવજીની કંપનીને જ પડકાર આપ્યો.
થારિયા ટોપણે 1876માં સુલતાન પાસેથી કસ્ટમ્સ કૉન્ટ્રેક્ટ મેળવી લીધો હતો. 40 વર્ષ પછી પહેલી વાર આવું બન્યું હતું કે જેરામ શિવજીને આ કસ્ટમ્સ કૉન્ટ્રેક્ટ ન મળ્યો.
જેરામ શિવજીની નિવૃત્તિ અને પરિવાર
જેરામ શિવજીએ તો ઇ.સ.1853માં જ કચ્છમાં રહેવા અને તીર્થયાત્રાઓ માટે નિવૃત્તિ લઈ લીધી હતી અને પોતાનો કારોબાર કંપનીના લાંબા સમયથી કર્મચારી રહેલા લઢા દામજીને આપી દીધો હતો.
જેરામ શિવજીનું મૃત્યુ 25 ઑગસ્ટ, 1866ના રોજ થયું હતું.
અબ્દુલ્લાહ ઇબ્રાહિમ અલતુર્કી લખે છે, "એક સૂત્ર પ્રમાણે ભારતીય સમુદાયના મુખિયા જેરામ શિવજી મૃત્યુ વખતે 3 મિલિયન MTT(મારિયા થેરેસા થલેર્સ) મૂકીને ગયા હતા."
ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "જેરામના વસિયતનામા અનુસાર તેમની સંપત્તિને તેમના બે પુત્રો દામોદર જેરામ અને ખીમજી જેરામ વચ્ચે વહેંચવામાં આવી હતી."
"જોકે, બંને પુત્રો કંપનીને ચલાવવાની બાબતમાં નકામાં સાબિત થયા. ખીમજી જેરામે પારિવારિક સંપત્તિ ઊડાવી દીધી અને 39 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી."
"જેરામના ભાઈ ઇબજી શિવજીએ કંપનીને આગળ લઈ જવાનાં ખૂબ પ્રયત્નો કર્યાં પરંતુ બદલાતા સમય સાથે તેઓ કંપનીને ટકાવી શક્યા નહીં. ઇબજીના પુત્ર જીવણદાસે નાના પાયે ધંધો ચાલુ રાખ્યો, જીનિંગ ફૅક્ટરી ચલાવી."
ઝાંઝીબારમાં લાંબો સમય રહેવાને કારણે જેરામ શિવજીનો પરિવાર પણ સ્વાહિલી તરીકે ઓળખાવા લાગ્યો હતો. તેમણે 'સ્વાલી' અટક અપનાવી હતી અને તેમના હયાત વારસદારોની અટક પણ 'સ્વાલી' લખાય છે. મુન્દ્રામાં તેમના વારસદારો જ્યાં રહે છે એ શેરી પણ 'સ્વાલી શેરી' તરીકે ઓળખાય છે.
આજે જેરામ શિવજી અને ઇબજી શિવજીના વારસદારો મુંદ્રામાં અને મુંબઈમાં જીવન વ્યતીત કરે છે એવી માહિતી છે.
આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:
- કનકશી ખીમજી: એ ગુજરાતી વેપારી જેને 'દુનિયાના પ્રથમ હિન્દુ શેખ'ની ઉપાધિ મળી
- અલીભાઈ મુલ્લા જીવણજી : એ ગુજરાતી જે ધીકતો ધંધો મૂકી કેન્યામાં ભારતીયોના અધિકારો માટે લડ્યા, અંતે 'દેવાળિયા' થઈ ગયા
- મૂળજી માધવાણી : ખાંડ વેચી યુગાન્ડાના ખજાના છલકાવી દેનાર ગુજરાતી વેપારી, જેના પરિવારને ઈદી અમીને હાંકી કાઢ્યો
- રતનશી પુરુષોત્તમ : એ ગુજરાતી સોદાગર જે બંદૂકો વેચી 'મસ્કતના વેપારી બાદશાહ' બની ગયા
- સેવા હાજી પારૂ : એ ગુજરાતી જે માત્ર 46 વર્ષ જીવ્યા અને પૂર્વ આફ્રિકાના 'તાજ વિનાના રાજા' કહેવાયા
- નાનજી કાળીદાસ : સૌરાષ્ટ્ર પર જ્યારે આફત આવી અને આ ગુજરાતીએ મુખ્ય મંત્રીને લાખો રૂપિયા દાન આપી દીધા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












