મૂળજી માધવાણી : ખાંડ વેચી યુગાન્ડાના ખજાના છલકાવી દેનાર ગુજરાતી વેપારી, જેના પરિવારને ઈદી અમીને હાંકી કાઢ્યો

મૂળજી માધવાણી , Mulji Madhwani , ખાંડ , રૂ , ગુજરાત , જામનગર , ઇદી અમીન , અર્થતંત્ર , ધંધો , બિઝનેસ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC

ઇમેજ કૅપ્શન, મૂળજી માધવાણી
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
રેડ લાઈન, બીબીસી ગુજરાતી

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાનાં પૂરક રહ્યાં છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.

ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયા, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

રેડ લાઈન, બીબીસી ગુજરાતી

આફ્રિકાની મધ્યમાં નાઇલ નદીની પાસે યુગાન્ડાના ઝીંઝામાં આવેલો કાકિરા વિસ્તાર જુઓ તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ચારેકોર શેરડીનો લીલોછમ પાક પથરાયેલો જોવા મળે. આસપાસ આવેલી નાની ટેકરીઓ અને પર્વતો જાણે આ પ્રદેશની શોભા વધારી રહ્યા હોય તેવું લાગે. આમ, તો વિષુવવૃત્તની નજીક આ વિસ્તાર આવેલો છે, પરંતુ ચાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી ન ઠંડું કે ન ગરમ, એવું હવામાન રહે. સતત માફક વરસાદને કારણે અહીંની જમીન અતિશય ઉપજાઉ.

એક સમયે કાકિરાસ્થિત 'માધવાણીનગર'માં લગભગ 23 હજાર એકર જમીનમાં વર્ષની 60 હજાર ટન ખાંડનું ઉત્પાદન થતું હતું. કુલ 12 હજાર લોકોને રોજગારી મળતી હતી. આ નગરમાં 100 માઇલની આંતરિક રેલવે સિસ્ટમ હતી.

આ જમીન અને તેના પર બનેલું સામ્રાજ્ય ગુજરાતના પોરબંદર-ભાણવડ નજીક આવેલા આશિયાપાટ ગામમાં જન્મેલા મૂળજી માધવાણીનું હતું.

1908માં ગુજરાતથી દરિયો ખેડીને ત્યાં સ્થાયી થયેલા મૂળજી માધવાણીએ ઊભા કરેલા આ સામ્રાજ્ય સાથે કંઈક એવું બન્યું કે તેમના પરિવારને કરોડોની ફૅક્ટરી, બંગલા, જમીનો છોડીને ત્યાંથી ભાગી જવું પડ્યું.

'રૉકફેલર્સ ઑફ યુગાન્ડા' તરીકે ઓળખાતા માધવાણી પરિવારે યુગાન્ડામાં કેવી રીતે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું? શા માટે તેમણે બધું છોડીને ત્યાંથી ભાગી જવું પડ્યું? જાણીએ માધવાણી ગ્રૂપના સ્થાપક મૂળજી માધવાણી અને તેમના પરિવારની રોચક કથા આ અહેવાલમાં...

માધવાણી પરિવાર આફ્રિકા કેવી રીતે પહોંચ્યો?

Map

મૂળજી માધવાણીના પુત્ર મનુભાઈ માધવાણીએ પ્રોફેસર જિલ્સ ફોડેન સાથે મળીને 'ટાઇડ ઑફ ફૉર્ચ્યુન' નામે તેમનું આત્મકથાનક લખ્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમાં તેઓ લખે છે, "માધવાણી પરિવાર પહેલેથી જ પૈસાદાર નહોતો. જ્યારે 19મી સદીના અંત ભાગમાં અમારા પરિવારના સભ્યો પહેલી વાર આફ્રિકા આવ્યા ત્યારે ખૂબ ગરીબ હતા. 1893માં યુગાન્ડા રેલવેના બાંધકામ વખતે જ્યારે હજારો ભારતીયો પૂર્વ આફ્રિકામાં આવ્યા તેના થોડા સમય પહેલાં જ મૂળજીભાઈના મોટા પિતરાઈ વિઠ્ઠલદાસ માધવાણી માત્ર 18 વર્ષની ઉંમરે વહાણમાં બેસીને ગુજરાતથી આફ્રિકા ગયા હતા."

"વિઠ્ઠલદાસને પહેલેથી જ ત્યાં મોટું સામ્રાજ્ય જમાવી ચૂકેલા અલીદિના વિસરામે પહેલી નોકરી આપી હતી. વિસરામથી જ પ્રેરાઈને તેમણે પોતાનો રૂ લોઢવાનો અને ખાંડ-ચાના પ્રોસેસિંગનો ધંધો શરૂ કર્યો."

યુગાન્ડાનું દૈનિક ન્યૂ વિઝન નોંધે છે તેમ, "1908માં 14 વર્ષની ઉંમરે મૂળજીભાઈ તેમના ભાઈ સાથે આ ધંધામાં જોડાય છે."

મૂળજીભાઈનો જન્મ 18મે, 1894ના રોજ આશિયાપાટમાં થયો હતો. બાળપણમાં જ તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. ભણવામાં અતિશય તેજસ્વી હતા અને અંગ્રેજી શીખવા તેમણે પોરબંદરના લોહાણા બોર્ડિંગ હાઉસમાં ઍડમિશન લીધું હતું.

ન્યૂ વિઝનમાં લખાયું છે એ અનુસાર, "મોટા ભાઈ સાથે ધંધામાં જોડાવાનું આમંત્રણ મળતાં તેઓ આગળનું ભણવાનું પડતું મૂકે છે. માત્ર ત્રણ વર્ષમાં જ તેમને કાલિરોમાં એક દુકાન ચલાવવાની જવાબદારી સોંપાય છે."

મનુભાઈ અને જિલ્સ ફોડેન લખે છે કે, "મૂળજીભાઈ વધુ એક દુકાન ઝીંઝામાં ખોલે છે. જ્યાં તેમની લગભગ રોજ સાંજે અલીદિના વિસરામ સાથે મુલાકાત થાય છે. એ સમયે અલીદિના વિસરામ પૂર્વ આફ્રિકામાં સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા હતા અને અલીદિના વિસરામનો મૂળજીભાઈના જીવન પર ઊંડો પ્રભાવ પડે છે."

"1916માં વિસરામના મૃત્યુ પછી તેઓ ઝીંઝામાં તેમની ઑફિસ પાછળ એક રસોડું ખોલે છે. જ્યાં સ્ટાફ સહિત દરેક મુલાકાતીઓના જમવાની વ્યવસ્થા શરૂ કરે છે. વિસરામની જ ફિલૉસૉફી આગળ જતાં મૂળજીભાઈના વેપારનું ધ્યેય બને છે – 'તમારી ખરી મૂડી એ તમારા લોકો છે, પૈસા નહીં."

1922માં તેમનાં લગ્ન મૉમ્બાસાના ગંગાબા ઉનડકટ સાથે થયાં અને બે સંતાનો થયાં. પરંતુ 1926માં ગંગાબા મૃત્યુ પામે છે. 1928માં તેઓ પાર્વતીબહેન કોટેચા સાથે બીજાં લગ્ન કરે છે.

યુગાન્ડામાં શેરડીનું વાવેતર, નવી સફરની શરૂઆત

મૂળજી માધવાણી , Mulji Madhwani , ખાંડ , રૂ , ગુજરાત , જામનગર , ઇદી અમીન , અર્થતંત્ર , ધંધો , બિઝનેસ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PENGUIN

મનુભાઈ અને જિલ્સ ફોડેન લખે છે કે, "યુગાન્ડામાં ભૂતકાળમાં ક્યારેય શેરડીનું વાવેતર થતું નહોતું. મૂળજીભાઈ ભારતથી તેનાં બીજ લાવ્યાં અને અખતરો કર્યો, જે સફળ રહ્યો. 1922 સુધીમાં તો તેમાંથી તેમણે ગોળ બનાવવાનું શરૂ કરી દીધું હતું."

"એ સમયમાં મોટા ભાગની કંપનીઓનું ધ્યાન રૂ ઉપર હતું, પરંતુ મૂળજીભાઈની નજર ખાંડ પર હતી."

આથી, તેમણે વિઠ્ઠલદાસ હરિદાસ કંપની વતી કાકિરામાં ખેડૂતો પાસેથી જમીનો ખરીદવાનું શરૂ કર્યું. પછી તેમણે આ જમીનો વેચી અને સરકાર પાસેથી અમુક જમીનો ખરીદી. 23 હજાર એકરની કુલ જમીનમાંથી લગભગ છથી સાત હજાર એકર જમીન તેમણે સીધી સરકાર પાસેથી ખરીદી હતી. 1930માં કાકિરામાં પહેલી વાર ખાંડ ઉત્પાદન શરૂ થયું."

મનુભાઈ લખે છે,"પિતાને મેં વહેલી સવારથી શરૂ કરીને રાત્રિના નવ સુધી શેરડીનાં ખેતરોમાં સતત કામ કરતા જોયા છે."

1932માં વિઠ્ઠલદાસ હરિદાસે મૂળજીભાઈને કંપનીમાં ભાગીદારી ઑફર કરી અને અમુક બીજા સાથીદારો સાથે કંપનીનું રિલૉન્ચિંગ થયું. મૂળજીભાઈ મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા.

1935માં 60 વર્ષના વિઠ્ઠલદાસ ભારત પરત ફરે છે. એ પછી મૂળજીભાઈ જ ધંધાના સર્વેસર્વા બની રહે છે.

મનુભાઈ લખે છે એ અનુસાર, "મૂળજીભાઈ સતત કાકિરા સુગર મિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જમાવવાનું કામ કરતા રહે છે અને દિવસની 2200થી 2500 ટન જેટલી શેરડીનો રસ કાઢી શકે તેવો પ્લાન્ટ નાખે છે. જે લગભગ એ સમયે વિશ્વનો મોટામાં મોટો પ્લાન્ટ હતો. અન્ય કંપનીઓથી આગળ રહેવા માટે તેઓ ઉચ્ચ ગુણવત્તા ટકાવી રાખતા હતા."

"ધંધામાં તકને તેઓ ઝડપવામાં જરાય ઊણા ઊતરતા ન હતા. તેમણે આગળ જઈને ઑઇલ મિલ પણ સ્થાપી હતી અને તમાકુને માગને જોતાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે સિગારેટ ઉત્પાદન પણ શરૂ કર્યું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં તો સમગ્ર ઇસ્ટ આફ્રિકામાં વિઠ્ઠલદાસ હરિદાસ ઍન્ડ કાં. ખૂબ જાણીતું નામ થઈ ગયું હતું."

પોતાની કંપની 'માધવાણી ગ્રૂપ'ની શરૂઆત

મૂળજી માધવાણી , Mulji Madhwani , ખાંડ , રૂ , ગુજરાત , પોરબંદર , ઇદી અમીન , અર્થતંત્ર , ધંધો , બિઝનેસ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Madhvani foundation

ઇમેજ કૅપ્શન, મૂળજીભાઈના પુત્ર મનુભાઈ માધવાણી

મનુભાઈ અને જિલ્સ ફોડેન લખે છે, "1947માં વિઠ્ઠલદાસ હરિદાસ (જેના 30 ટકા શૅર મૂળજીભાઈ પાસે હતા) કંપનીના માલિકો સ્વૈચ્છિકપણે કંપની બંધ કરવાનો નિર્ણય લે છે."

"પરંતુ મૂળજીભાઈએ જીવનનું સૌથી મોટું જોખમ ખેડવાનું નક્કી કર્યું અને આ સમગ્ર કંપનીને ખરીદવાનું નક્કી કર્યું. બાકીના 70 ટકા શૅર માટે 20 મિલિયન યુગાન્ડા શિલિંગ કિંમત નક્કી થઈ હતી. પરંતુ તેમની પાસે માત્ર સાત મિલિયન શિલિંગ જેટલું જ ભંડોળ હતું. કંપનીના માલિકોએ તેમને ઘણું ફંડ નૉન-પાર્ટિસિપેટિંગ રિડિમેબલ પ્રેફરન્સ શૅરમાં આપ્યું, જેને મૂળજીભાઈએ પાંચ વર્ષમાં ચૂકવવાનું હતું. આ સિવાય બૅન્કની લોન અને કાનજી નારણજી પાસેથી તેમણે પૈસા ઉધાર લીધા. કાનજી નારણજીએ કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ્સ વગર તેમને લાખો રૂપિયા આપી દીધા હતા."

"આ રીતે મૂળજીભાઈ પાસે સુગર ફૅક્ટરી, ઑઇલ મિલ, ગોળની મિલ, સાબુની ફૅક્ટરી, મીઠાઈ ફૅક્ટરી, ટિન ફૅક્ટરી, રૂનું કારખાનું અને મકાઈની મિલની માલિકી આવે છે. તેમની માલિકી હેઠળના કાકિરા કૉમ્પ્લેક્સમાં ત્યારે હૉસ્પિટલ, શાળા અને વેલફેર શૉપ સહિતની તમામ સુવિધાઓ હતી."

1950થી ધંધામાં મૂળજીભાઈ સાથે તેમના મોટા પુત્ર જયંતભાઈ અને નાના પુત્ર મનુભાઈ (પુસ્તકના લેખક) પણ જુનિયર પાર્ટનર્સ તરીકે જોડાય છે.

1953 સુધીમાં તમામ લોનની ચુકવણી થઈ જાય છે અને કાકિરા કૉમ્પ્લેક્સ વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ ખાંડના ઉત્પાદકો પૈકીનું એક બની જાય છે.

મનુભાઈ લખે છે, "મારા પિતા એક એવી વ્યક્તિ હતા જેમને કાર પ્રત્યે પ્રેમ હતો, પરંતુ તેઓ તેમના ડ્રાઇવરને વધુ પ્રેમ કરતા હતા. તેમના માટે કર્મચારીઓ પણ પરિવાર હતા. તેમનામાં સેવા, સમર્પણ અદ્ભુત રીતે વણાયેલાં હતાં. તેઓ કર્મચારીઓને કામ માટે જાહેરમાં બિરદાવતા નહોતા, પરંતુ તેમની કદર કંઈક અલગ રીતે જ કરતા હતા. જેમ કે, એક ઑસ્ટ્રેલિયન ઇજનેરના નામે તેમણે 'રૉસ ઍવન્યૂ' બનાવ્યું હતું. "

1956માં તેમણે નવું જોખમ ખેડ્યું અને દસ હજાર એકરમાં ઓવરહેડ સિંચાઈ પ્રણાલી વિકસાવી.

1954માં તેમનાં બીજાં પત્નીનું પણ અવસાન થયું અને સાતેય સંતાનોની જવાબદારી તેમના શિરે આવી.

માધવાણી ફાઉન્ડેશનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, "આગળ જતાં તેમણે ગુજરાત સહિત ભારતમાં તથા ઇસ્ટ આફ્રિકામાં પણ ધંધો ફેલાવ્યો હતો અને અલગ-અલગ વસ્તુઓનાં ઉત્પાદનકેન્દ્રો સ્થાપ્યાં હતાં, જે તેમની દૂરદૃષ્ટિનું પરિણામ હતાં અને પછીની પેઢીને ખૂબ કામ લાગવાનાં હતાં."

ફાઉન્ડેશન અનુસાર, "તેઓ યુગાન્ડા કૉટન ઍસોસિયેશનના પ્રમુખ રહ્યા હતા. એ સિવાય તેઓ યુગાન્ડા પ્લાન્ટર્સ ઍસોસિયેશન, યુગાન્ડા ચૅમ્બર ઑફ કૉમર્સ અને અન્ય જાહેર નિગમોની કમિટીના સભ્ય પણ હતા. 1939-40માં યુગાન્ડાની બ્રિટિશ સરકારે તેમને યુગાન્ડા ફાઇનાન્સ કમિટીના સભ્ય પણ બનાવ્યા હતા."

8 જુલાઈ, 1958ના રોજ મૂળજીભાઈનું હૃદયરોગના હુમલાથી નિધન થાય છે અને જાણે કે કંપની તથા પરિવાર માટે કપરા કાળનો સમયગાળો શરૂ થાય છે.

પુત્રોએ કંપનીને નવી ઊંચાઈ આપી પરંતુ...

મૂળજી માધવાણી , Mulji Madhwani , ખાંડ , રૂ , ગુજરાત , પોરબંદર , ઇદી અમીન , અર્થતંત્ર , ધંધો , બિઝનેસ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kakira Sugar

ઇમેજ કૅપ્શન, માધવાણીનગરની દાયકાઓ જૂની તસવીર

તેમના બે પુત્રો જયંતભાઈ અને મનુભાઈ ધંધાને આગળ ધપાવે છે અને વધુ ઊંચાઈએ લઈ જાય છે.

મનુભાઈ અને જિલ્સ ફોડેન લખે છે કે, "1970 સુધીમાં માધવાણી ગ્રૂપ એટલી ઊંચાઈએ પહોંચી ગયું હતું કે દર વર્ષે એક નવું ઉત્પાદન યુનિટ શરૂ થતું હતું."

9 ઑક્ટોબર, 1962ના રોજ યુગાન્ડાને સ્વતંત્રતા મળે છે અને 1963માં એ પ્રજાસત્તાક દેશ બને છે. પરંતુ આઝાદી પછી થોડાં વર્ષોમાં જ યુગાન્ડામાં અસ્થિરતાનો સમો શરૂ થઈ જાય છે અને સત્તાઓ પલટાવા લાગે છે.

વડા પ્રધાન ઑબોટે દરેક કંપનીઓના 60 ટકા રાષ્ટ્રીયકરણનો પ્રસ્તાવ લાવે છે અને માધવાણી સમૂહ માટે મુશ્કેલી વધતી જાય છે. કાકિરાનું રાષ્ટ્રીયકરણ થાય છે અને મૂળજીભાઈના પુત્ર જયંતભાઈને યુગાન્ડા ઍક્સપૉર્ટ-ઇમ્પૉર્ટ કૉર્પોરેશનના ચૅરમૅન પણ બનાવી દેવામાં આવે છે.

1969માં ઇદી અમીન યુગાન્ડાની સેનાના મેજર જનરલ હતા. જ્યારે ભારતીય સેનાના જૉઇન્ટ ચીફ યુગાન્ડાની મુલાકાતે આવ્યા ત્યારે ઇદી અમીન સાથે તેમણે કાકિરાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતનું વર્ણન કરતાં મનુભાઈ લખે છે કે, "જયંતભાઈના ઘરે જ્યારે ઇદી અમીનને ચા આપવામાં આવી ત્યારે તેણે જાતે જ પોતાની ચામાં પાંચ ચમચી ખાંડ નાખી દીધી હતી, જે હવે પછીના સંજોગોનો જાણે કે સંકેત હતો."

ફેબ્રુઆરી, 1971 સુધીમાં ઈદી અમીને યુગાન્ડામાં સંપૂર્ણ લશ્કરી શાસન સ્થાપી દીધું. શરૂઆતમાં તો ઈદી અમીને રાષ્ટ્રીયકરણને 60 ટકાથી ઘટાડીને 49 ટકા કર્યું અને વચન આપ્યું કે દેશની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય.

ઈદી અમીને ચામાં છ ચમચી ખાંડ નાખી અને દેશ છોડી દેવા કહ્યું

મૂળજી માધવાણી , Mulji Madhwani , ખાંડ , રૂ , ગુજરાત , પોરબંદર , ઇદી અમીન , અર્થતંત્ર , ધંધો , બિઝનેસ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kakira Sugar

ઇમેજ કૅપ્શન, કાકિરા કૉમ્પલેક્સની એક તસવીર

'યુગાન્ડા : અ નૅશન ઇન ટ્રાન્ઝિશન પોસ્ટ-કૉલોનિયલ ઍનાલિસિસ' નામના પુસ્તકમાં ગૉડફ્રૅ મ્વાકિકાગીલે લખે છે, "ઑબોટેના પદભ્રષ્ટ થવાની સાથે જ યુગાન્ડાએ પોતાના ઇતિહાસના સૌથી હિંસક કાળમાં પ્રવેશ કર્યો."

"એ અરાજકતાના દિવસો હતા. આઠ વર્ષ સુધી ટકેલું એ શાસન આતંકનું શાસન હતું અને એ બાદ યુગાન્ડા ક્યારેય પહેલાં જેવું ન થઈ શક્યું."

જુલાઈ, 1971માં જયંતભાઈનું અવસાન થાય છે અને સંપૂર્ણ જવાબદારી મનુભાઈના હાથમાં આવી જાય છે. આ સાથે જ જાણે કે માધવાણી સમૂહના સૌથી મોટા પડકારો શરૂ થાય છે.

મનુભાઈ લખે છે એ અનુસાર, "એક તરફ કંપનીની ભાગીદારી અંગે પારિવારિક વિખવાદો શરૂ થાય છે તો બીજી તરફ ઈદી અમીનનું લોહિયાળ તાનાશાહી શાસન યુગાન્ડામાં આતંક ફેલાવે છે."

મનુભાઈ લખે છે કે, "જુલાઈ, 1972 સુધીમાં પાંચ હજાર સૈનિકો અને દસ હજાર નાગરિકોની હત્યા કરવામાં આવે છે. ઈદી અમીનનું નિશાન હવે યુગાન્ડામાં વસતા એશિયનો બને છે."

ઈદી અમીને કહ્યું હતું કે, "હું બ્રિટનને પૂછીશ કે શું તે યુગાન્ડામાં રહેતા એવા એશિયનોની જવાબદારી લેશે કે જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? તેઓ યુગાન્ડાના અર્થતંત્ર પર કબજો જમાવીને બેઠા છે. મને રાત્રે સ્વપ્નમાં આવીને ભગવાને કહ્યું હતું યુગાન્ડામાં એશિયન્સનો મુદ્દો કાબૂ બહાર જઈ રહ્યો છે અને મારે કંઈક કરવું જોઈએ."

થોડા જ દિવસોમાં ઈદી અમીને રેડિયો થકી એક ભાષણ આપ્યું જેમાં સ્પષ્ટ કરી દેવાયું કે લગભગ 50 હજાર એશિયનો 90 દિવસમાં જ દેશ છોડીને ચાલ્યા જાય. ભારતે આ લોકોને રાખવાની ના પાડી દીધી અને કહ્યું કે આ બ્રિટનની જવાબદારી છે.

મૂળજી માધવાણી , Mulji Madhwani , ખાંડ , રૂ , ગુજરાત , પોરબંદર , ઇદી અમીન , અર્થતંત્ર , ધંધો , બિઝનેસ , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીને એશિયનોનો દેશનિકાલ કરી દીધો હતો, જેમાં માધવાણી પરિવાર પાસે યુગાન્ડાનું નાગરિકત્વ હોવા છતાં તેમને હાંકી કઢાયા હતા

પછી ઈદી અમીને જાહેરાત કરી કે જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ નથી અને યુગાન્ડાના નાગરિકો નથી તેવા ભારતીયો પણ દેશ છોડી દે. આગળ જતાં યુગાન્ડાની નાગરિકતા હોય તેવા ભારતીયોને પણ દેશ છોડી દેવાનો આદેશ આપ્યો. લગભગ 73 હજાર લોકોએ દેશ છોડવાનો હતો.

અચાનક માધવાણી સમૂહના સર્વેસર્વા ગણાતા મનુભાઈને પણ બોલાવવામાં આવ્યા અને તેમને મકિન્ડેની ખતરનાક મિલિટરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ જેલ માટે એવું મનાતું હતું કે ત્યાં જેને લઈ જવામાં આવે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

જોકે, ઈદી અમીને મનુભાઈને કોઈ નુકસાન ન પહોંચાડ્યું અને થોડા દિવસ પછી તેમને છોડી દીધા.

છોડતી વખતે ઈદી અમીને મનુભાઈને બોલાવ્યા. આ ઘટનાને યાદ કરતાં મનુભાઈ લખે છે કે, "મારી સામે જ ઈદી અમીને ચામાં છ ચમચી જેટલી માધવાણી ગ્રૂપ દ્વારા ઉત્પાદિત ખાંડ નાખી અને ચા પીધી. જે ફરી ઇશારો હતો કે આગળ હજુ ખરાબ સ્થિતિ થવાની છે. એ સ્પષ્ટ હતું કે અમારે દેશ છોડવો પડશે."

ઈદી અમીને મનુભાઈ માધવાણીનો ઉપયોગ ભારતીયો, એશિયનોને એ સંદેશ આપવા માટે કર્યો હતો કે, -જો આમને જેલમાં ધકેલી દેવામાં આવે, તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. - જેના કારણે હજારો લોકો પોતાનું સર્વસ્વ છોડીને ચાલ્યા ગયા. મનુભાઈએ પણ પરિવાર સાથે દેશ છોડી દીધો હતો.

મનુભાઈ લખે છે કે, "પછીનાં વર્ષોમાં પારિવારિક ખેંચતાણને કારણે કંપની પાંચ યુનિટમાં વહેંચાઈ જાય છે. 1985માં યુગાન્ડામાં રાજકીય પરિસ્થિતિ બદલાતાં હું અને નાનો ભાઈ મયૂર ફરીથી યુગાન્ડા ગયા અને અમે કાકિરા કૉમ્પ્લેક્સને ફરીથી બેઠું કરવાની શરૂઆત કરી. ઈદી અમીનના શાસનમાં અમારી ગેરહાજરીમાં કંપની પડી ભાંગી હતી. કાકિરાની બહારના ખેડૂતોને પણ શેરડી ઊગાડતા કર્યા અને હજારો ખેડૂતો પાસેથી અમે શેરડી ખરીદવાની ફરી શરૂઆત કરી. જે ગૅમચેન્જર સાબિત થયું."

ન્યૂ વિઝન દૈનિક અનુસાર, "યુગાન્ડાની સરકાર, વર્લ્ડ બૅન્કના સહકારથી બંને ભાઈઓ ફરીથી મિલને બેઠી કરે છે અને 2008-09માં ખાંડનું વાર્ષિક ઉત્પાદન 1.44 લાખ મેટ્રિક ટનને આંબી જાય છે. જે 1972 કરતાં લગભગ બમણું હતું."

હાલમાં પણ કાકિરા કૉમ્પ્લૅક્સમાં ખાંડનું ઉત્પાદન થાય છે. 2025માં જ માધવાણી સમૂહે ભારતમાં આવતા પાંચ વર્ષમાં દસ હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન