અમદાવાદ : રખડતાં કૂતરાંને ખવડાવવા પર હવે થશે દંડ, બીજા શું નિયમો ઘડાયા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જો તમે અમદાવાદમાં રખડતાં કૂતરાંને જાહેરમાં ખવડાવતા પકડાયા તો 50 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. રખડતાં કૂતરાં અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(એએમસી) દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ અંર્તગત એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ સિસ્ટમ) જાહેર કરવામાં આવી છે.

જાહેર કરાયેલી એસઓપી અનુસાર કૂતરાંને ખવડાવવા માટે સોસાયટીએ જ ફીડિંગ સ્પૉટ નક્કી કરવાના રહેશે.

બાળકોના રમવાની જગ્યા, લિફ્ટ કે અવરજવરની જગ્યા કે વૃદ્ધોની બેસવાની જગ્યાએથી ફીડિંગ સ્પૉટ દૂર બનાવવા પડશે.

જાહેરમાં કોઈ કૂતરાંને ખવડાવશે તો હેલ્થ બાયલૉઝ મુજબ ન્યૂસન્સ અને ગંદકી કરવા બદલ દંડ કરવામાં આવશે.

કૂતરાં કરડવાના કેસ વધારે આવતા હોય તેવા વિસ્તારને હૉટસ્પૉટ ગણી ત્યાં રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવશે.

11 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટેના બે જજની બૅન્ચે દિલ્હી સરકાર, દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનને આસપાસના વિસ્તારોમાં શેરીઓનાં કૂતરાંને શેલ્ટર હોમ્સમાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

22 ઑગસ્ટે ત્રણ જજની બૅન્ચે અગાઉના ચુકાદામાં ફેરફાર કર્યો હતો. ત્રણ જજની બૅન્ચે આદેશ આપ્યો હતો કે પકડવામાં આવેલાં કૂતરાંને તેના વિસ્તારમાં છોડી મૂકવામાં આવે. તેમજ હડકવા હોવાની શંકા હોય તેને છોડવામાં ન આવે.

કોર્ટે કહ્યું કે, "રખડતાં કૂતરાંની સમસ્યા માત્ર દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં છે."

એએમસીએ કેવા નિયમો જાહેર કર્યા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું છે કે કૂતરાંનાં રસીકરણ અને ખસીકરણને કરવા પર ભાર મૂકવામાં આવશે.

આક્રામક એવાં કૂતરાંને રાખવા માટે દરેક ઝોનમાં પૉન્ડ ઊભા કરવામાં આવશે, હાલ અમદાવાદમાં વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં પૉન્ડ બની રહ્યાં છે.

એએમસીનો ફીલ્ડ સ્ટાફ તેમજ સામાન્ય લોકો પણ તેમના વિસ્તારના કાન કપાયા વગરનાંં (ખસીકરણ કર્યા વગરનાં) કૂતરા જોવા મળે તો તે કૂતરાંનો ફોટો લોકેશન સાથે ગૂગલ ઇમેજ અપલોડ કરવાની રહેશે. જેથી તે વિસ્તારમાં જઈને ખસીકરણ કરી શકાય.

એએમસીની કમિટીએ પબ્લિક હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અને હૉસ્પિટલોમાં આવતા રેબીઝ વૅક્સિન અને કૂતરાં કરડવાના આંકડાઓનું પૃથક્કરણ કરી લોકોને વધારે કૂતરાં કરડતા હોય તેવા હૉટસ્પૉટનું વૉર્ડ વાઇઝ લિસ્ટ બનાવી મેનેજમેન્ટ કરવામાં આવશે.

કૂતરાં કરડે તો શું તકેદારી રાખવી એ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

દરેક વૉર્ડમાં કમ્પલેઇન રિડ્રેસલ સેલ કમિટી કમ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી બનાવવામાં આવશે.

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશિનરની વડપણ હેઠળ કમિટીની રચના કરવામાં આવશે.

કૂતરાં કરડવા કે ઍનિમલ લવર કે સોસાયટીના નાગરિકો વગેરે દ્વારા કરવામાં આવતી રજૂઆત કે ફરિયાદના નિવારણ માટે દરેક વૉર્ડમાં અઠવાડિયામાં એક દિવસ તેને સાંભળવાની રહેશે અને એબીસી રૂલ્સ 2023 મુજબ તેનો નિકાલ કરવાનો રહેશે.

કૂતરાંને ખવડાવવાના સ્પૉટ કોણ નક્કી કરશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કોર્ટે રખડતાં કૂતરાંને ખવડાવવા માટે ચોક્કસ જગ્યા રાખવાના નિર્દેશ આપ્યા છે.

કોર્ટે કહ્યું હતું કે, "કૂતરાંને જાહેર સ્થળે ખવડાવી નહીં શકાય."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેર કરેલી એસઓપીમાં રહેણાક સોસાયટીઓને ફીડિંગ સ્પૉટ નક્કી કરવાની જવાબદારી અપાશે.

આગામી અઠવાડિયાથી આ નિયમો લાગુ થશે.

કેટલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપૂત જણાવે છે કે, "દરેક સોસાયટીએ પોતાના ફીડિંગ સ્પૉટ નક્કી કરવાના રહેશે. સોસાયટીએ ધ્યાન રાખવાનું રહેશે કે સોસાયટીમાં લિફ્ટ, બાળકોના રમવાની જગ્યા કે વૃદ્ધોને અડચણરૂપ ન હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવશે."

"સોસાયટી સ્પૉટ નક્કી કરે કે નક્કી કરવા અંગે એએમસીમાં કોઈ ફરિયાદ આવશે તો અમારી ટીમ સ્થળ પર જઈને તેનો ઉકેલ લાવશે."

નરેશ રાજપૂત કહે છે કે, "પ્રાણીઓને જાહેરમાં ખવડાવીને ગંદકી ન્યુસન્સ કરવા બદલ હેલ્થ બાયલૉઝમાં 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા દંડની જોગાવાઈ છે. કોઈ રસ્તા પર જાહેરમાં કૂતરાંને ખવડાવતું હોવાનું અમારા ધ્યાને આવશે તો દંડ વસૂલવામાં આવશે."

અમદાવાદ, કૂતરાં, રખડતાં કૂતરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભાવિક શાહ કે જેઓ વકીલ છે અને પ્રાણીઓને લગતા મુદ્દાઓ મામલે કેસ લડે છે.

ભાવિક શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ઍનિમલ બર્થ કંટ્રોલ 2023 મુજબ રેઝિડેન્શિયલ સોસાયટીના સભ્યો તેમની સોસાયટીમાં ફીડિંગ સ્પૉટ નક્કી કરે અને તેનો અમલ કરાવે તે યોગ્ય રહેશે."

"સોસાયટી સિવાયના ફીડરને સોસાયટીમાં પ્રવેશ આપવો કે નહીં તે સોસાયટી નક્કી કરશે. ક્યારેક સુરક્ષાનાં કારણોસર પણ સોસાયટી બહારના લોકોને પ્રવેશ આપતા નથી. આ ઉપરાંત બહારના ફીડર આવીને કૂતરાંને ખવડાવે અને ગંદકી કરશે તો સફાઈના પણ પ્રશ્નો આવશે."

તેઓ કહે છે કે "કૂતરાંને હટાવવા એ વિકલ્પ નથી."

ભાવિક શાહ કહે છે કે, "સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જાહેરમાં ફીડિંગ કરી શકાશે અને જાહેરમાં ફીડિંગ સ્પૉટ પણ ઊભા કરી શકાશે નહીં જેથી કૉર્પોરેશન પણ અસમંજસમાં રહેશે."

અમદાવાદ કૅનાઇન ક્લબના સેક્રેટરી નિતિન ગિરિ ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "કૂતરાંને સોસાયટીમાં ખાવાનું, સુરક્ષા અને આરામ માટે તાપમાન હોય એટલે જ તે સોસાયટીમાં રહેતાં હોય છે. અત્યાર સુધી તે રહે જ છે તો તે અંગે એએમસી કે જજને કહેવાની શું જરૂર પડી?"

નિતિન ગિરિ ગોસ્વામી વધુમાં જણાવે છે કે, "બધાં જ કૂતરાં સોસાયટીમાં રહેતાં નથી જે કૂતરાં રસ્તા પર કે ગલ્લાની તે દુકાનની આસપાસ રહે છે. શું તે ખાવા માટે સોસાયટીમાં આવશે? જો તે કૂતરાં સોસાયટીમાં આવશે તો કૂતરાં વચ્ચે ટેરેટરીને લઈને ઝઘડા થશે? જે ફીડર વધારે કૂતરાંને ખવડાવે છે તે અન્ય સોસાયટીમાં જઈને ખવડાવી શકશે? તે અંગે પણ સવાલ છે."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કેટલીક બાબતોને લઈને હાલ સ્પષ્ટતા નથી.

આ અંગે નરેશ રાજપૂત જણાવે છે કે, "એએમસી કોઈ પણ જાહેર જગ્યા પર ફીડિંગ સ્પૉટ નહીં બનાવે. જે ફીડર છે તે તેમની સોસાયટીમાં ફીડ કરી શકે છે. તેમજ અન્ય સોસાયટીમાં જવું હોય તો તેમને સોસાયટીની પરવાનગી લેવાની રહેશે."

તેઓ વધુમાં જણાવે છે કે,"અમે એસઓપીનું પાલન શરૂ કરાવીશું ત્યારે જે પ્રશ્નો આવશે તેને અમે સૉલ્યુશન લાવીશું."

અમદાવાદમાં દર મહિને કેટલા લોકોને કૂતરાં કરડે છે?

અમદાવાદ, કૂતરાં, રખડતાં કૂતરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સીએનસીડી વિભાગે આપેલા આંકડા અનુસાર અમદાવાદમાં કૂતરાંની સંખ્યા 2.10 લાખ છે.

તેમજ અમદાવાદમાં દર મહિને લગભગ 5500 જેટલા લોકો રેબીઝ કંટ્રોલની રસી લે છે.

નરેશ રાજપૂત જણાવે છે કે, "અમદાવાદમાં દર મહિને 5500 લોકો રેબીઝની રસી લે છે. જો કે આસપાસનાં કેટલાંક ગામોના લોકો પણ અમદાવાદમાં રસી લેવા આવે છે."

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવ્યું કે હડકવા હોવાની શંકા હોય તેને છોડવામાં ન આવે.

સીએનસીડી વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "કૂતરાં પાછળ ભાગી રહ્યાં હોવાની કે કૂતરાં બચકા ભરતા હોવાની દરરોજ 25 જેટલી ફરિયાદ મળે છે. જો કે આ અંગે અમે સ્થળ પર જઈને તપાસ કરીએ છીએ કે કૂતરાં ખરેખર કરડે છે કે નહીં."

"આસપાસના લોકોને કૂતરાં કરડ્યાં હોય તેની રસી લીધી હોય તેવા ત્રણ લોકોના રસીકરણના કાર્ડ જોયા બાદ અમે જે કૂતરું કરડે છે તેની ઓળખ કરાવીએ છીએ. બાદમાં પૉન્ડમાં લઈ જઈએ અને ટ્રીટમેન્ટ કર્યા બાદ 20 થી 25 દિવસમાં છોડી દેતાં હતાં. હવે છોડવાના નથી તો અમે તે માટે પૉન્ડની વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ."

તેઓ જણાવે છે કે, "વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં સેન્ટર બની રહ્યાં છે.જેમાં વસ્ત્રાલનું સેન્ટર ડિસેમ્બર સુધી બની જશે. તે દરેક સેન્ટરમાં 200 કૂતરાં રાખી શકાશે. આવનાર સમયમાં પ્લૉટ નક્કી કરીને દરેક ઝોનમાં કૂતરાં રાખવા માટે એક સેન્ટર બનાવવામાં આવશે."

ગુજરાતમાં પણ કૂતરું કરડવાના કેસોમાં વર્ષ 2022થી સતત વધારો જોવો મળ્યો છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની એક રિલીઝ અનુસાર વર્ષ 2022માં રાજ્યમાં કૂતરું કરડવાના 1,69,363 કેસ થયા હતા. જે વર્ષ 2023માં વધીને 2,78,537 થયા હતા. વર્ષ 2024માં તો આ સંખ્યા વધીને 3,92,837 થઈ ગઈ હતી. આંકડા અનુસાર રાજ્યમાં વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં કૂતરું કરડવાના 53,942 કેસ નોંધાયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન