અમદાવાદમાં પાલતું કૂતરાંની ફરજિયાત નોંધણી કેમ શરૂ કરાઈ અને કેવી રીતે કરી શકાશે?

કૂતરું, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, શ્વાન, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં તમે ઘરે કૂતરું પાળેલું હશે તો તમારે એક જાન્યુઆરી 2025થી ફરજિયાત તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

જોકે, પાલતું કૂતરાના રજિસ્ટ્રેશન માટે તમારે કોઈ કચેરીના ધક્કા ખાવા નહીં ખાવા પડે અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની (એએમસી) વેબસાઇટ પરથી ઑનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશો.

રજિસ્ટ્રેશનમાં કૂતરું પાળનારનાં રહેઠાણ અને ઓળખના, તેમજ પાળેલા કૂતરાનાં રહેઠાણ અને ઓળખના પુરાવા આપવાના રહેશે.

કૂતરાના રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ડૉગ લવર પૉઝિટિવ ગણી રહ્યા છે. રેબીઝ ઍલિમિનેશન 2030 ઍક્શન પ્લાન (હડકવા નાબૂદી 2030 ઝુંબેશ) અંર્તગત આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કૂતરું પાળનાર લોકોએ 90 દિવસમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ પાળેલાં કૂતરાને આરએફઆઇડી (રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન) ટૅગ લગાવવામાં આવશે

જો ઘરમાં એક કરતાં વધારે પાલતું કૂતરા હોય, તો એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમાં કૂતરાની સંખ્યા તેમજ શ્વાનદીઠ રજિસ્ટ્રેશનની ફી, 200 રૂપિયા ભરવાની રહેશે.

પાલતું કૂતરાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેમ શરૂ કરાઈ?

કૂતરું, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, શ્વાન, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સેન્ટર ફૉર નૉન કમ્યુનિકેબલ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર નરેશ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું:

"ભારતે વર્ષ 2030 સુધીમાં રેબીઝ ઍલિમિનેશનનું લક્ષ્ય રાખ્યું છે. એએમસી દ્વારા રસ્તા પરનાં કૂતરાંનું તો રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. પરંતુ પાલતું કૂતરાના રસીકરણનો કોઈ ડેટા હોતો નથી."

"પાલતું કૂતરાંનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે તો અમારા વિભાગ પાસે એક ડેટા રહેશે કે શહેરમાં કેટલાં પાલતું કૂતરાં છે અને જેનું પાળનારાઓએ ફરજિયાતપણે રસીકરણ કરાવવાનું રહેશે."

"તેમજ દર વર્ષે વૅક્સિનેશનનું સર્ટિફિકેટ ઑનલાઇન અપલોડ કરવાનું રહેશે. અમારો અંદાજ છે કે અમદાવાદમાં લગભગ 55 હજાર પાલતું કૂતરાં હશે. અમદાવાદમાં રસ્તા પર ફરતાં બે લાખ કૂતરાં છે. જેમનાં રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યાં છે."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાલતું કૂતરાંનાં રજિસ્ટ્રેશન માટે અલગ-અલગ માધ્યમોથી લોકોને અપીલ કરી છે.

એએમસીએ આપેલી જાહેરાતમાં જણાવ્યું છે કે ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ ફિશરિઝ ઍનિમલ હસબન્ડરી ઍન્ડ ડેરિંઇંગની ગાઇડલાઇન ઍનિમલ બર્થ કંટ્રોલ ડોગ રૂલ્સ 2023 તથા નૅશનલ ઍક્શન પ્લાન ફૉર ડોગ મૅડિયેટેડ રેબીઝ ઍલિમિનેશન ફ્રૉમ ઇન્ડિયા 2030 અનુસાર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.

રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરી શકાશે?

કૂતરું, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, શ્વાન, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, NITINGIRI GOSWAMI

ઇમેજ કૅપ્શન, નિતીનગીરી ગોસ્વામી પેટ ડોગ લવર

આ પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

જો કોઈને રજિસ્ટ્રેશન અંગે સમસ્યા હોય કે કોઈ પ્રશ્નો હોય તો કૉર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઇલ નંબર 9227725713 તેમજ 9099152977 પર સંપર્ક કરી શકાશે.

જે ઘરમાં પાલતું કૂતરું હોય તે ઘરના કોઈ પણ સભ્ય રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.

રજિસ્ટ્રેશન માટે કયા પુરાવા જરૂરી રહેશે?

  • અરજદારનું આધારકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • અરજદારનું પ્રૉપર્ટી ટૅક્સ બિલ
  • અરજદારનું લાઇટબિલ
  • અરજદારનો ફોટોગ્રાફ
  • પાલતું કૂતરાનો ફોટોગ્રાફ
  • પાલતું કૂતરાને રાખવાની જગ્યાનો ફોટોગ્રાફ

નરેશ રાજપૂતે જણાવ્યું હતું, "કૂતરાને પાળનાર માલિક ભાડે રહેતા હશે તો તેઓ ભાડાકરારને રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકશે."

નરેશ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે પાળેલાં કૂતરાં મરી જશે અથવા તેમને ગલૂડિયાં આવશે, તો પણ તેમણે એએમસીને ઑનલાઇન જાણ કરવાની રહેશે.

તેઓ પાલતું કૂતરાનું રજિસ્ટ્રેશન ન કરાવનાર સામે કાર્યવાહી અંગેની વાત પણ કરે છે. તેઓ કહે છે કે, "અમે પાલતું કૂતરાનું રજિસ્ટ્રેશન ન કરાવનાર વ્યક્તિને નોટિસ કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરીશું."

આરએફઆઇડી ટૅગથી શું ફાયદો થશે ?

કૂતરું, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, શ્વાન, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, BBC/Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે "એક વાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ અમે પાલતું કૂતરાં માટે આરએફઆઇડી ચિપ્સ પણ લગાવવાના છીએ."

"જેને કારણે કૂતરું ખોવાઈ જાય તો તેને સરળતાથી શોધી શકાશે. તેમજ કેટલાક લોકો ક્યારેક કૂતરાંને તરછોડી દેતા હોય છે, તેવા કિસ્સામાં પણ ચિપ્સના ડેટાને આધારે તેના માલિક સુધી પહોંચી શકાશે."

ડોગ સ્પેશિયાલિસ્ટ પશુચિકિત્સક ડૉ. હીરેને જણાવ્યું હતું, "વિશ્વના કેટલાક દેશોએ રેબીઝ ફ્રી જાહેર થયેલા છે. આપણા દેશે પણ આ દિશામાં આગળ વધવા માટે રજિસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે."

"આરએફઆઇડી ટૅગ લગાવશે તો કૂતરાને ઓળખવામાં તો સરળતા રહેશે. પરંતુ કૂતરાંના માલિકને ઓળખવામાં પણ મદદરૂપ થશે. આ ઉપરાંત કેટલીક વાર કૂતરું ચોરાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે."

"પાલતું કૂતરાંના માલિકો અમારી હૉસ્પિટલની બહાર કૂતરું ગુમ થયાની જાહેરાત પણ કરતા હોય છે. ક્યારેક એવી ઘટના બને કે બે વ્યકિત એક કૂતરું પોતાનું હોવાનો દાવો કરે."

"તેવા સંજોગોમાં જો આરએફઆઇડી ટૅગ હશે, તો તરત જ માલિક ઓળખી શકાશે. આ ઉપરાંત પાલતું કૂતરાંનો હેલ્થ રેકૉર્ડ રહેશે."

ડૉ. હીરેને વધુમાં જણાવ્યું હતું, "કોવિડના સમયમાં ઘરે હતા એટલે કેટલાક લોકો કૂતરું લાવ્યા હતા, પરંતુ બાદમાં કોઈ ને કોઈ કારણસર કૂતરાને તરછોડી દીધાના બનાવ નોંધાયા છે."

"કોઈ પ્રાણીને ઘરે લાવવું એનો અર્થ એ થયો કે તમે તેની જવાબદારી સ્વીકારો છો, તો તેને તરછોડી શકાય નહીં. આરએફઆઇડી ટૅગથી આ પ્રકારના લોકોને પણ ઓળખી શકાશે."

કૂતરાપ્રેમીઓનું શું કહેવું છે?

 પેટ રૅસ્ક્યૂઅર વર્ષા મેનારિયા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન એએમસી, કૂતરાં શ્વાન રજિસ્ટ્રેશન, હડકવા નાબુદી, રેબિઝ એલિમિનેશન,

ઇમેજ સ્રોત, VARSHA MENARIA

ઇમેજ કૅપ્શન, પેટ રૅસ્ક્યૂઅર વર્ષા મેનારિયા

કેનલ ક્લબ ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલી અમદવાદ કેનાઇન ક્લબના સેક્રેટરી નીતિનગીરી ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું:

"પાલતું કૂતરાંના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને હું ખૂબ જ હકારાત્મક રીતે જોઉં છું. કેટલીક સોસાયટીમાં નિયમો બનાવે છે કે પાલતું કૂતરાંને રાખી શકશે નહીં, આ સિવાય અન્ય રીતે પણ પાલતું કૂતરાંના માલિકોને હેરાન કરાય છે ત્યારે રજિસ્ટ્રેશનને કારણે રાઇટફુલ ઑનરશિપ મળશે."

નીતિનગીરી ગોસ્વામી વધુમાં કહે છે કે " પહેલાં પાલતું કૂતરું લોકો શોખથી રાખતા હતા. હવે વિભક્ત કુટુંબોમાં પાલતું કૂતરું એ ફેમિલી મેમ્બર જેવું બની ગયું છે."

"પાલતું કૂતરાંની પણ જરૂરિયાત હોય છે. તેને બહાર ફરવા જવું હોય છે. પરંતુ સોસાયટી ગાર્ડન કે જાહેર ગાર્ડનમાં પાલતું કૂતરાંને લાવવા પર પ્રતિબંધ હોય છે."

"જો રજિસ્ટ્રેશન થશે તો જે તે વિસ્તારમાં પાલતું કૂતરાંની સંખ્યા જાણી શકાશે અને તેમના માટે ગાર્ડન જેવી સુવિધાની માગ કરી શકાશે."

ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદના પ્રહ્લાદનગર વિસ્તારમાં પાલતું કૂતરાં માટે ગાર્ડનની સુવિધા ઉપલબ્ધ છે.

ઍનિમલ ઍક્ટિવિસ્ટ, પેટ રૅસ્ક્યૂઅર વર્ષા મેનારિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. તેમજ કૂતરાંનું રજિસ્ટ્રેશન થયા આ પ્રક્રિયા માત્ર કાગળ પર જ ના રહેવી જોઈએ, પરંતુ તેનું યોગ્ય રીતે અમલીકરણ પણ થવું જોઈએ."

"જાહેર કરવામાં આવેલા ફાયદા મળવા જોઈએ. રજિસ્ટ્રેશન માટેની નોટિસ માત્ર ગુજરાતીમાં હતી. અમારા જેવા કેટલાક લોકોને ગુજરાતી નથી આવડતું, તો તેમની માટે અંગ્રેજી ભાષામાં પણ વ્યવસ્થા હોવી જોઈએ."

"કેટલાક કૂતરાપ્રેમીઓ ટેકનોસેવી, નથી તો તેમની માટે ઑફલાઇન વ્યવસ્થા હોવી જોઈએ."

નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, "કોઈ પણ અરજદારને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો અમે જાહેર કરેલ નંબર પર ફોન કરી શકે છે. અમારા સ્ટાફ દ્વારા તેમને જરૂર પડે ત્યાં ગાઇડ અને મદદ કરવામાં આવશે."

કૂતરાનું રસીકરણ કેમ જરૂરી છે?

કૂતરું, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, શ્વાન, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડોગ સ્પેશિયાલિસ્ટ પશુચિકિત્સક ડૉ. ચિરાગ જાવીઆએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "પાલતું કૂતરાંના રજિસ્ટ્રેશન અંગે કોઈએ ખચકાટ અનુભવવાની જરૂર નથી."

"એએમસીએ વર્ષ 2030 સુધીમાં ભારતમાંથી હડકવાની નાબૂદી માટે આ પ્રક્રિયા શરૂ કરી છે, જેથી કૂતરાંની રેબીઝની વૅક્સિન ફજિયાત કરવામાં આવશે, જે ખૂબ જ મહત્ત્વની છે."

"કૂતરાંને ઍન્ટિ રેબીઝ વૅક્સિન અપાવવામાં આવે, તે પાલતું કૂતરાં અને માલિક બંને માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ક્યારેક મસ્તી કરતા પાલતું કૂતરાંના નખ કે દાંત વાગી જાય તો રેબીઝ થવાની શક્યતા નહિવત્ થઈ જાય છે."

ડૉ. હીરેન જણાવે છે કે "પાલતું કૂતરાંની ફરજિયાત વૅક્સિનેશન એ ભારતને રેબીઝમુક્ત બનાવવા માટે ખૂબ જ મહત્ત્વનું પગલું છે. દરેક પાલતું કૂતરાંનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવું જોઈએ."

સોસાયટીમાં કૂતરાં પાળનાર અને અન્ય લોકોના કેટલાક ઝઘડા એએમસી સુધી પહોંચતા હતા. તે અંગે નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે "સોસાયટીમાં પાલતું કૂતરાં હોય ત્યારે અન્ય લોકો દ્વારા અમને અલગ-અલગ પ્રકારની અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે."

"જેમાં પાલતું કૂતરાં ભસવાથી ઊંઘમાં ખલેલ પહોંચાડવા સંબંધી તેમજ સોસાયટીમાં બાળકો રમવા જતાં ગભરાતાં હોવાની ફરિયાદો ઊઠે છે. આ સિવાય સોસાયટીમાં જાહેર સ્થળોએ પાલતું કૂતરાં મળ-મૂત્રત્યાગ કરતાં હોવાની પણ ફરિયાદો થાય છે."

આ પ્રક્રિયા સાથે જોડાયેલા હિતધારકોનું માનવું છે કે રજિસ્ટ્રેશન થવાથી આ પ્રકારની ફરિયાદો પર પણ અંકુશ આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.