અમદાવાદ : સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ઍલર્ટ અપાયું, 80થી વધુ સાપનું રેસ્ક્યૂ

સાબરમતી, રીવરફ્રન્ટ, સાપ, વરસાદ. ધરોઈ ડેમ, ગુજરાત, હવામાન, તાપમાન, ક્લાઇમેટ ચેન્જ, આબોહવા

ઇમેજ સ્રોત, Getty/ANI

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે. રિવરફ્રન્ટના વૉક વે સુધી પાણી આવી જતાં પાણીની સાથે સાપ પણ તણાઈ આવ્યા હતા.

સાપ રેસ્ક્યૂ કરનારા લોકોના દાવા પ્રમાણે છેલ્લા બે દિવસમાં સાબરમતી રિવરફ્રન્ટ નજીકના વિસ્તારમાંથી લગભગ 80થી વધુ સાપોને બચાવાયા હતા.

સાપ તણાઈ આવતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.

જોકે, વન વિભાગના સ્વયંસેવક તરીકે કામ કરતા સ્વયંસેવી લોકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમણે ઘણા સાપોને રેસ્ક્યૂ કરીને બચાવ્યા હતા.

ઉપરવાસમાં વરસાદને લીધે ધરોઈ ડૅમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતીના રિવરફ્રન્ટ પાસે પણ ભરપૂર પાણી જોવા મળ્યું હતું, જેને પગલે 24 ઑગસ્ટથી લોકોને ત્યાંના અવરજવર માટેના સ્થળ એટલે કે વૉક વે પર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરને પગલે ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને નદીની આસપાસના વિસ્તારો અને ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.

છેલ્લા બે દિવસમાં લગભગ 80થી વધુ સાપને બચાવાયા

સાબરમતી, રીવરફ્રન્ટ, સાપ, વરસાદ. ધરોઈ ડેમ, ગુજરાત, હવામાન, તાપમાન, ક્લાઇમેટ ચેન્જ, આબોહવા

ઇમેજ સ્રોત, SWABHIMAN GROUP NGO

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ પાસે સેંકડો સાપ તણાઈ આવ્યા હતા.

સાપોનું રેસ્ક્યૂ કરનારા સંકેત મિસ્ત્રી સહિતના લોકોએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે છેલ્લા બે દિવસમાં લગભગ 80થી વધુ સાપને બચાવ્યા છે.

સંકેત મિસ્ત્રી સાથે અનુજ સથવારા, જિમેશ ચુડાસમા વગેરે વનવિભાગ સાથે રહીને સાપને રેસ્ક્યૂ કરવાનું કામ કરે છે.

સંકેત મિસ્ત્રીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "અમે ગઈ કાલે વહેલી સવારથી સાપ બચાવની કામગીરીમાં લાગ્યા હતા અને રાત સુધી એ કામમાં જ જોડાયેલા રહ્યા હતા. આજ પણ સવારથી જ એ કામમાં જોડાઈ ગયા હતા. આ બે દિવસમાં અમારી ટુકડીએ 80થી વધુ સાપ બચાવ્યા છે. તેમજ બે કાચબા અને એક ઘોનો પણ બચાવ કર્યો હતો. જે સાપ બચાવાયા છે તેમાંના મોટા ભાગના પાણીના જ સાપ હતા. ચેકર્ડ કિલબેક (Checkered keelback) જેને પાણીનો સાપ કે જળસાપ કહેવાય છે તેની જ સંખ્યા વધારે હતી. એ જળસાપને દેશી ભાષામાં 'ડેડવા' કે 'ડેંડુ' પણ કહે છે. કોબ્રા સાપ પણ અમને જોવા મળ્યો હતો અને તેનો પણ બચાવ કર્યો હતો."

સાપ પાણીના પ્રવાહ સાથે તણાઈ આવ્યા હતા

સાબરમતી, રીવરફ્રન્ટ, સાપ, વરસાદ. ધરોઈ ડેમ, ગુજરાત, હવામાન, તાપમાન, ક્લાઇમેટ ચેન્જ, આબોહવા

ઇમેજ સ્રોત, SWABHIMAN GROUP NGO

સાપનું રેસ્ક્યૂ કરનારા અન્ય અનુજ સથવારાએ કહ્યું હતું કે, "રિવરફ્રન્ટનાં પગથિયાં તેમજ ઉપર જે બગીચો છે ત્યાંથી પણ અમે કેટલાક સાપને પકડીને બચાવ્યા હતા. કેટલી જગ્યાએ તે એવું જોવા મળ્યું હતું કે એક સાપ દેખાય તેની આસપાસના વિસ્તારોમાં બીજા બે-ત્રણ સાપ જોવા મળતા હતા."

તેમણે જણાવ્યું કે "અમે સાપને પકડીને તેમના અનુકૂળ સ્થળે પાણીમાં છુટ્ટા મૂકી દીધા હતા. જે નદીના પાણીમાં જ વહન કરતા હોવાથી તેમને જંગલમાં છોડવાનો કોઈ અર્થ નહોતો."

સંકેત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે "આ પ્રકારના સાપ જંગલમાં પણ રહેતા હોય છે અને આસપાસમાં પાણીનું તળાવ કે અન્ય કોઈ જળક્ષેત્ર હોય ત્યાં વસવાટ કરતા હોય છે. તે પાણીમાં માછલી કે દેડકાં ખાય છે. પછી જ્યારે પૂર કે અન્ય કોઈ કારણસર ત્યાં પાણી વધે ત્યારે એના પ્રવાહમાં વહીને તે આગળ વધતા હોય છે."

સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધારાયો

સાબરમતી, રીવરફ્રન્ટ, સાપ, વરસાદ. ધરોઈ ડેમ, ગુજરાત, હવામાન, તાપમાન, ક્લાઇમેટ ચેન્જ, આબોહવા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

25 ઑગસ્ટની સવારે સાત વાગ્યાથી ધરોઈ ડૅમમાંથી 64,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને પગલે રિવરફ્રન્ટ પર ચાલતાં વિવિધ કામો અંગે સંબંધિત વિભાગને પણ આગોતરી જાણ કરી દેવામાં આવી હતી. તેમજ લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એવું એક પ્રેસનોટ જાહેર કરીને સાબરમતી રિવરફ્રન્ટ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, સાબરમદી નદી પરના ધરોઈ ડૅમથી મળેલી સૂચના અનુસાર, 26 ઑગસ્ટ છ વાગ્યે ધરોઈ ડૅમનું સ્તર 188.18 મીટર છે. હાલમાં ધરોઈ ડૅમમાં પાણીનો જથ્થો 82.62 ટકા છે. હાલમાં ધરોઈ ડૅમમાંથી સાબરમતી નદીના હેઠવાસમાં 51,848 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે.

તો સાબરમતી નદી પર આવેલા સંત સરોવરની સૂચના પ્રમાણે, સંત સરોવર હેઠવાસમાં હાલના 96,234 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે, જેમાં વધારો કરવામાં આવશે.

ઉપરવાસમાં વરસાદને કારણે વધારે પાણી છોડવાની શક્યતાને પગલે અમદાવાદમાં વટવા, વેજલપુર જેવા વિસ્તારો તેમજ દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોને પણ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન