ગર્ભવતી માટે વધુ વજન ઊચકવું સુરક્ષિત છે કે નહીં, શું-શું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Sonika Yadav/Facebook
- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી સંવાદદાતા
"ભારતમાં ગર્ભાવસ્થાને બીમારી માનવામાં આવે છે, પરંતુ હું માન્યતાને તોડવા માગતી હતી."
આંધ્ર પ્રદેશમાં આયોજિત ઑલ ઇન્ડિયા પોલીસ વેઇટલિફ્ટિંગ ક્લસ્ટર 2025- '26નો વીડિયો વાઇરલ થયો છે. સાત મહિનાનાં ગર્ભવતી સોનિકા યાદવે 145 કિલોગ્રામ વજન ઊંચકીને 84 કિલોગ્રામની શ્રેણીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
જ્યારે વેઇટલિફ્ટિંગનો બારબૅલ જમીન ઉપર પડ્યો, ત્યારે સોનિકાના પતિ તેને ઉપાડવામાં મદદ કરવા માટે દોડતા આવે છે, ત્યારે ઘણા લોકોને માલૂમ પડ્યું કે સોનિકા ગર્ભવતી છે. સોનિકાનો વીડિયો વાઇરલ થયો, ત્યારે કેટલાક લોકોએ તેમની પ્રશંસા કરી. બીજી બાજુ, એવી પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ પોતાની ગર્ભાવસ્થાને જોખમમાં મૂકી રહ્યાં છે.
સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકોએ સોનિકાના આ નિર્ણય ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે 'રિસ્કી' તથા 'બેપરવાહી' ભર્યો નિર્ણય લીધો. તો કેટલાકે એટલે સુધી ક્હ્યું કે સોનિકા તેમના વણજન્મેલા બાળકને જોખમમાં મૂકી રહ્યાં છે.
સોનિકાનું કહેવું હતું કે તેમને ખબર છે કે તેઓ શું કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "હું બે-ત્રણ વર્ષથી પાવરલિફ્ટિંગ કરી રહી છું. આ સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં મેં મારા ડૉક્ટરની સલાહ લીધી હતી. કેટલાક લોકોએ એવી ટિપ્પણીઓ કરી કે હું મારા વણજન્મેલા બાળકને પ્રેમ નથી કરતી. પરંતુ હું મારા ગર્ભસ્થ બાળકને પણ એટલો જ પ્રેમ કરું છું, જેટલો મારા મોટા દીકરાને કરું છું."
સોનિકા વેઇટલિફ્ટિંગમાં કેવી રીતે આવ્યાં?

ઇમેજ સ્રોત, Sonika Yadav
સોનિકાએ વર્ષ 2022માં તેમની ફિટનેસની સફર શરૂ કરી હતી. આ અંગે તેઓ કહે છે, "ત્યારે હું ખૂબ જ ઓવરવેઇટ હતી, જેના કારણે મને લાઇફસ્ટાઇલ સંબંધિત અનેક બીમારીઓ થઈ હતી. જેને પહોંચી વળવા માટે મેં જિમ જવાનું શરૂ કર્યું."
જે કામ કસરત તરીકે શરૂ થયું હતું, તે ટૂંક સમયમાં શિસ્તબદ્ધ પ્રવૃત્તિ બની ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનિકા કહે છે, "મને મારા પતિએ સલાહ આપી કે જો હું વેઇટલિફ્ટિંગ કરી રહી છું, તો મારે કોઈ સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. જાન્યુઆરી-2023માં અમે નિર્ણય લીધો કે હું પાવરલિફ્ટિંગની સ્પર્ધાઓમાં ભાગ લઈશ."
ઑગસ્ટ-2023માં સોનિકાએ પહેલી વખત સ્ટેટ ડેડલિફ્ટ કૉમ્પિટિશનમાં (જેમાં જમીન ઉપરથી બારબૅલને ઉઠાવીને ઊભા રહેવાનું હોય છે) ભાગ લીધો અને ગોલ્ડ મેડલ મેળવ્યો.
સોનિકાએ પોલીસ વેઇટલિફ્ટિંગ ક્લસ્ટર 2025-'26ની તૈયારી શરૂ કરી, ત્યારે તેમને માલૂમ પડ્યું કે તેઓ ગર્ભવતી છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોનિકા યાદવ કહે છે, "ઘડીભર તો મને લાગ્યું કે કદાચ ગડબડ થઈ છે અને હવે મારી ગૅમ ખરાબ થઈ જશે."
જોકે, અટકવાને બદલે સોનિકાએ તબીબની સલાહ લીધી. સોનિકા યાદવ કહે છે, "મેં તેમને જણાવ્યું કે હું વેઇટલિફ્ટિંગ કરું છું અને ગત બે વર્ષથી રાષ્ટ્રીયસ્તરે રમું છું તથા હું આ વર્ષે પણ રમવા માગું છું. હું બ્રેક લેવા નથી માગતી."
સોનિકાના ડૉક્ટરે તેમને સંતુલિત જવાબ આપ્યો અને કહ્યું, "જો તમારું શરીર એમ કરવા દે, તો હું પણ મંજૂરી આપી દઈશ, પરંતુ તમારે તમારા શરીરની મર્યાદાને પાર નથી કરવાની."
આ સલાહને પગલે સોનિકાને માર્ગદર્શન મળ્યું અને તેમણે સાવચેતીપૂર્વક તાલીમ લીધી, પોતાનાં (ટ્રેનિંગ) સેશન્સ પર નજર રાખી તથા ડૉક્ટર સાથે સંપર્ક જાળવી રાખ્યો.
સોનિકા યાદવ કહે છે, "ગત બે વર્ષની મારી આ ટ્રેનિંગને કારણે કદાચ હું આમ કરી શકી. મેં ગર્ભાવસ્થા દરમિયાન વેઇટલિફ્ટિંગ ચાલુ નહોતું કર્યું. મારું શરીર ગત બે-ત્રણ વર્ષથી આ રમતને ખૂબ જ સારી રીતે હૅન્ડલ કરી રહ્યું હતું. હું જે કંઈ કરતી હતી, એ કરવાનું યથાવત્ રાખ્યું."
સોનિકાના પતિએ આ દરમિયાન તેમની કાળજી લીધી અને સાથ આપ્યો. સાથે જ તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરી. સોનિકા કહે છે, "તેઓ મારી સૌથી મોટી તાકત છે."
નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Sonika Yadav
નિષ્ણાતોનું કહેવું છે કે દરેક પ્રેગનન્સી અલગ અને આગવી હોય છે. એટલે દરેક ગર્ભવતીને આ બધું કરવાની સલાહ આપી ન શકાય.
સોનિકા યાદવે જે કંઈ કર્યું તે બધાં કરી ન શકે અને કરવું પણ ન જોઈએ. મુંબઈસ્થિત ક્લાઉડ નાઇન હૉસ્પિટલના વરિષ્ઠ સ્ત્રીરોગ વિશેષજ્ઞ નિખિલ દાતારનું કહેવું છે :
"કેટલાક કિસ્સામાં યોગ્ય તબીબી સલાહ લઈ તથા તાલીમ લઈને મહિલાઓ સલામત રીતે સ્ટ્રેન્થ ઍક્સરસાઇઝ ચાલુ રાખી શકે છે."
સાથે જ તેઓ ચેતવણી આપતા કહે છે કે સોનિકા યાદવનો કિસ્સો અનોખો છે. "તેઓ ઍથ્લીટ છે, જેમણે વર્ષો સુધી તાલીમ લીધી છે. મોટાભાગે ગર્ભવતીઓ માટે આટલો ભાર ઊંચકવો સલામત નથી હોતો."
એનો મતલબ એવો પણ નથી કે મહિલાઓએ હલનચલન અને હરફર બંધ કરી દેવા જોઈએ.
ગર્ભવતીએ કેવી ઍક્સરસાઇઝ કરવી જોઈએ?

ઇમેજ સ્રોત, NikhilDatar/Facebook
ડૉ. નિખિલ દાતાર કહે છે, "હળવી કસરત કરવી ન કેવળ સલામત છે, પરંતુ મદદરૂપ પણ હોય છે. ગર્ભાવસ્થા એટલે સંપૂર્ણપણે આરામ, એવું વિચારવાનું આપણે બંધ કરી દેવું જોઈએ."
તેઓ હળવી હરવું ફરવું, યોગ કે નિષ્ણાતોની દેખરેખ હેઠળ વર્કઆઉટ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપે છે.
આવી પ્રવૃત્તિઓને કારણે લોહીનું પરિભ્રમણ વધી શકે છે તથા વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળી શકે છે. સાથે જ બાળકને જન્મ આપવા માટે શરીરને તૈયાર કરવામાં પણ મદદ મળી શકે છે.
ડૉ. નિખિલ દાતાર વિખ્યાત પેશન્ટ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ છે. તેમણે અનેક અદાલતોમાં મહિલા આરોગ્ય સંબંધિત કેટલીક અરજીઓ દાખલ કરી છે.
ડૉ. નિખિલ દાતાર કહે છે, "માત્ર વજન ઉઠાવ્યું, એના કારણે જોખમ ઊભું ન થાય. તે મહિલાની ફિટનેસ લેવલ, તેના શરીરની પ્રતિક્રિયા તથા યોગ્ય તબીબી માર્ગદર્શનનો મુદ્દો છે. તેમાં તબીબો, ટ્રેનરો તથા ઍથ્લીટોએ સાથે મળીને કામ કરવાનું હોય છે."
ડૉ. નિખિલ દાતારે જે વાતો કહી છે, તે સ્પૉર્ટ્સ મેડિસિન સંબંધિત સંશોધનોમાં પણ સામે આવી છે. ગર્ભવસ્થા દરમિયાન મૉડરેટ ઍક્સરસાઇઝથી સહનશક્તિ વધે છે, હૃદય અને મનનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
જોકે, હાઇ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ તથા ભારે વજન ઊંચકવું માત્ર તબીબી દેખરેખમાં જ સુરક્ષિત રહે છે.
ગેટોરેડ સ્પૉર્ટ્સ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્લોબલ રિવ્યૂમાં જણાવવામાં આવ્યું છે, "સગર્ભા ઍથ્લીટ્સ હાઇ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ અંગે કેટલીક માર્ગદર્શિકામાં જણાવવામાં આવેલી કસરત કરતાં પણ વધુ સઘન તાલીમ લઈ શકે છે. પરંતુ આ કાર્યક્રમ સ્થિતિસ્થાપક હોવો જોઈએ તથા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ થવો જોઈએ."
ડૉ. નિખિલ દાતાર કહે છે કે કોઈપણ સગર્ભા મહિલાએ ગર્ભાવસ્થા દરમિયાન અચાનક જ ભારે વ્યાયામ શરૂ ન કરવો જોઈએ.
સોનિકા યાદવ પણ અન્ય મહિલાઓને તેમની દેખાદેખી ન કરવા માટે સલાહ આપે છે.
તેઓ કહે છે, "જેમણે અગાઉ ક્યારેય તાલીમ લીધી ન હોય, તેમણે મારી કહાણી જોઈને ગર્ભાવસ્થા દરમિયાન વજન ઉઠાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. મારા શરીરને વર્ષોથી તેની ટેવ પડી ગઈ છે અને આ બધું મેં ડૉક્ટરની સલાહ લઈને કર્યું છે."
જ્યારે કોઈ સોનિકા યાદવને આની સાથે જોડાયેલાં જોખમો વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ પોતાની વાતને દોહરાવતા કહે છે, "ગર્ભાવસ્થાને કારણે શરીરમાં અનેક પ્રકારના ફેરફાર આવે છે. તમારે સૌ પહેલાં તમારા શરીરની વાત સાંભળવી જોઈએ."
રમતમાં માતૃત્વની નવી પરિભાષા

ઇમેજ સ્રોત, Getty Images
સોનિકા યાદવ કહે છે, "પાવરલિફ્ટિંગને કારણે મારામાં વિશ્વાસ પેદા થયો છે કે હું માતા અને ઍથ્લીટ બંને બની શકું છું."
સોનિકા યાદવ કહે છે કે તેમને આના વિશેની પ્રેરણા વિદેશમાંથી મળી હતી.
"મેં અન્ય દેશોની મહિલાઓ વિશે વાંચ્યું, જેમણે ગર્ભાવસ્થા દરમિયાન પણ સલામત રીતે પોતાની રમત ચાલુ રાખી હતી. જો તેઓ મેડિકલ ગાઇડન્સ હેઠળ કરી શકે, તો અમે કેમ નહીં?"
સોનિકા યાદવ કહે છે, "મોટાભાગે ગર્ભાવસ્થાને મહિલાઓ માટે એક બીમારી માનવામાં આવે છે, પરંતુ હું આ ટૅબૂને (નિષિદ્ધ) તોડવા માંગતી હતી. એ જીવનનો એક પડાવ છે અને કોઈ બીમારી નથી."
સોનિકા યાદવ કહે છે કે તેમના માટે આ સ્પર્ધા મેડલ જીતવા વિશે ન હતી, પરંતુ માનસિકતા અંગે હતી. સોનિકા ઉમેરે છે, "હું નહોતી ઇચ્છતી કે ગર્ભાવસ્થાને કોઈપણ પ્રકારની રૂકાવટ તરીકે જોવામાં આવે."
વર્ષ 2014માં અમેરિકાનાં દોડવીર એલિસિયા મોંટાનોએ આઠ મહિનાની ગર્ભવસ્થામાં યુએસ આઉટડોર ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.
એક દાયકા બાદ ઇજિપ્તનાં તલવારબાજ નાડા હાફિઝ સાત મહિનાનાં ગર્ભવતી હતાં, ત્યારે તેમણે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો.
સોનિકા કહે છે કે આ મહિલાઓની કહાણી, તેમને યાદ અપાવતી કે શક્તિના અનેક સ્વરૂપ હોય છે. તેઓ કહે છે, "તેમણે મને પોતાના શરીર ઉપર વિશ્વાસ કરવા માટે પ્રેરિત કરી."
સોનિકા દિલ્હી પરત ફર્યાં બાદ હળવી ટ્રેનિંગ લઈ રહ્યાં છે, પરંતુ તેમનું ધ્યાન કેન્દ્રિત છે.
સોનિકા યાદવ કહે છે, "હું આજીવન ઍથ્લીટ બની રહેવા માગું છું. હું માત્ર મેડલ માટે જ નહીં, પરંતુ માતૃત્વ અને મહત્ત્વાકાંક્ષા સાથે હોય શકે છે, દેખાડવા માટે રમું છું."
એવામાં સમાજમાં જ્યાં ગર્ભાવસ્થાને મોટાભાગે થંભાવી દેતી સ્થિરતા તરીકે જોવામાં આવે છે, ત્યારે સોનિકા યાદવે ન કેવળ વજન ઉઠાવ્યું છે, પરંતુ તેમણે ચૂંટવાનો અધિકાર, શક્તિ તથા માતૃત્વ અંગે વાતચીતનો મુદ્દો ઉઠાવ્યા છે.
ધ્યાન આપશો : જો તમે ખાવાપીવામાં, સારવાર, દવા, કસરત કે અન્ય કોઈ ફેરફાર કરવા માગતા હો, તો તબીબો અને નિષ્ણાતોની સલાહ ચોક્કસથી લો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













