મહિલા ક્રિકેટ : 339નો ટાર્ગેટ છતાં ભારત સામે ઑસ્ટ્રેલિયાની હાર, એક છેડો સાચવી રાખનાર જેમિમાના મનમાં શું ચાલતું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા વર્લ્ડકપના બીજા સેમિફાઇનલ મુકાબલામાં ભારતે ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ફાઇનલમાં હવે ભારતની ટક્કર સાઉથ આફ્રિકા સાથે થશે.
ભારતની જીતનું શ્રેય જેમિમા રૉડ્રિગ્ઝના ફાળે જાય છે, જેઓ નોટઆઉટ 127 રનની ઇનિંગ રમ્યાં હતાં. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ લઈને ભારતને 339 રનનો લક્ષ્ય આપ્યો હતો જેને ભારતીય ટીમે 48.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે સિદ્ધ કર્યો હતો.
ભારતીય ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે પણ 89 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ 49.5 ઓવરમાં 338 બનાવ્યા હતા અને આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયા વતી ફીબી લિચફિલ્ડે 93 બૉલમાં 119 રન બનાવ્યા હતા.
લિચફિલ્ડની ઇનિંગમાં ત્રણ સિક્સર અને 17 ચોગ્ગા સામેલ હતા. ભારત તરફથી શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટો ઝડપી હતી.
બુધવારે પહેલી સેમિફાઇનલ રમાઈ હતી જેમાં ઇંગ્લૅન્ડને હરાવીને સાઉથ આફ્રિકાએ પહેલેથી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 2005 અને 2017ના વર્લ્ડકપમાં પણ તે ફાઇનલમાં પહોંચી હતી.
જોકે, બંને વખતે ફાઇનલમાં ભારત હારી ગયું હતું અને નિરાશા મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમનો દેખાવ શાનદાર રહ્યો છે. વર્લ્ડકપમાં સળંગ 15 મૅચમાં વિજય મેળવ્યા પછી ભારત સામે ઑસ્ટ્રેલિયાએ હાર સહન કરવી પડી છે.
અહીં એવાં કારણોની સમીક્ષા કરીએ જેના લીધે ભારત ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને મહત્ત્વની મૅચમાં હરાવી શક્યું.
'હું બાઇબલનું એક કથન યાદ કરતી હતી'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતને સેમિફાઇનલમાં સદી ફટકારી જીત અપાવનાર જેમિમા રૉડ્રિગ્ઝ મૅચ બાદ ભાવુક જોવા મળ્યાં હતાં. તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓને યાદ કરી, સૌનો આભાર માન્યો હતો.
પ્લેયર ઑફ ધ મૅચ બનનાર જેમિમા રૉડ્રિગ્ઝે કહ્યું કે "ગત વર્ષે હું વર્લ્ડકપમાંથી પડતી મુકાઈ હતી. હું આ પ્રવાસમાં લગભગ દરરોજ રડી છું. માનસિક રીતે હું ઠીક નહોતી અને અતિશય ચિંતિત હતી. માત્ર બાઇબલનું એક કથન હું યાદ કરતી હતી કે – 'મજબૂતીથી ટકેલા રહો, ભગવાન તમારા માટે લડશે."
તેમણે કહ્યું કે "હું ત્રીજા નંબરે બેટિંગ કરતી નથી. છેક આજે નાહતી હતી ત્યાં સુધી મને એમ હતું કે હું પાંચમા નંબરે બેટિંગ કરીશ. હું આના માટે ક્રેડિટ લેવા માગતી નથી. હું જાણું છું કે મેં કંઈ કર્યું નથી. દરેક પળે મારા સાથીઓએ મને જે મદદ કરી, પ્રેરણા આપી, તેની હું આભારી છું."
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે કહ્યું કે "જેમિમા એવી વ્યક્તિ છે જે હંમેશાં ટીમ માટે સારું કરવા માગે છે. હંમેશાં ખૂબ જ ગણતરીથી રમે છે અને જવાબદારી લે છે. અમે હંમેશાં તેની પર વિશ્વાસ રાખીએ છીએ. અમારા બંનેનો મેદાન પર સારો સમય રહ્યો હતો."
"બેટિંગ કરતી વખતે અમે એકબીજાને મદદ કરતાં હતાં. તેની સાથે બેટિંગ કરવાનો આનંદ માણ્યો. તે હંમેશાં મને કહેતી હતી કે આપણને પાંચ રન મળ્યા, સાત રન, બે બૉલ બાકી છે. તે બતાવે છે કે એ રમતમાં કેટલી સામેલ છે. તે જે રીતે વિચારી રહી હતી તે જોઈને મને આશ્ચર્ય થયું. તેણે જે રીતે પોતાની જાતને કાબૂમાં રાખી અને જે રીતે બેટિંગ કરી તેનાથી જીતની મોટી ક્રેડિટ તેને જાય છે."
જેમિમા રૉડ્રિગ્ઝની અફલાતૂન બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલમાં આમ તો બધા ખેલાડીઓએ શ્રેષ્ઠ યોગદાન આપ્યું, પરંતુ મૅચના સ્ટાર જેમિમા રૉડ્રિગ્ઝ હતાં તેમ કહી શકાય. ભારત 339 રનના લક્ષ્યનો પીછો કરતું હતું ત્યારે શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા બીજી જ ઓવરમાં 10 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયાં હતાં. ત્યાર પછી સ્મૃતિ મંધાના અને જેમિમાએ સાથે મળીને ઇનિંગને સ્થિરતા આપી. 10મી ઓવરમાં સ્મૃતિ પણ 24 રનના સ્કોર પર આઉટ થઈ ગયાં.
ત્યાર પછી જેમિમા અને હરમનપ્રીતકોરે મોરચો સંભાળ્યો. બંને ખેલાડીઓએ રનની ગતિ જાળવી રાખી. જેમિમાએ સૌથી પહેલાં 56 બૉલમાં પોતાની અર્ધ સદી પૂરી કરી.
મહત્ત્વની વાત એ હતી કે બીજા છેડે વિકેટો પડતી હતી ત્યારે પણ જેમિમાએ રન બનાવવાનું ચાલુ રાખ્યું. છેલ્લે તેઓ ખૂબ થાકેલાં હતાં અને વારંવાર નીચે બેસીને થોડો આરામ લેવાનો પ્રયાસ કરતાં હતાં.
જેમિમા અંત સુધી ટકી રહ્યાં અને ટીમને વિજય અપાવીને જ પેવેલિયનમાં પાછાં ફર્યાં. તેમણે 134 રનમાં નોટઆઉટ 127 રન બનાવ્યા. તેમાં 14 ચોગ્ગા પણ સામેલ હતા.
જેમિમા અને હરમનપ્રીતની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images
જેમિમા અને હરમનપ્રીતે ભારતને બહુ મહત્ત્વના સમયે સ્થિરતા આપી હતી. જેમિમાએ 56 બૉલમાં અડધી સદી પૂરી કરી, જ્યારે હરમનપ્રીતે 65 રનમાં અર્ધસદી બનાવી હતી. તેમની વચ્ચે ત્રીજી વિકેટ માટે કુલ 167 રનની ભાગીદારી થઈ જે એક રેકૉર્ડ છે.
ઑસ્ટ્રેલિયાએ જે તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો તેને આવી ભાગીદારી વગર પાર કરવાનું અશક્ય હતું.
જોકે, હરમનપ્રીત પોતાની સદી પૂરી કરી ન શક્યાં અને 89 રન બનાવીને પેવેલિયન પાછાં આવી ગયાં હતાં. તેમની ઇનિંગમાં 10 ચોગ્ગા અને બે સિક્સર સામેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images
બૉલ બગાડ્યા વિના રન બનાવ્યા
ભારતીય ટીમ સામે પહેલેથી 6.5 રન કરતાં વધુ રન રેટ ચેઝ કરવાનો ટાર્ગેટ હતો. શરૂઆતમાં બે વિકેટ પડી જવા છતાં ભારતીય બેટરોએ ધીમા પડ્યાં વગર સતત રન બનાવવાનું ચાલુ રાખ્યું.
એક તબક્કે દર ઓવરમાં 7.5 રનથી વધારે બનાવવાની જરૂર પડી, ત્યારે પણ થોડી થોડી વારે ચોગ્ગા ફટકારીને ટીમે સતત ટાર્ગેટનો પીછો કર્યો હતો.
હરમનપ્રીત આઉટ થયાં પછી દીપ્તિ શર્માએ ફટાફટ 24 રન બનાવ્યા હતા. તેઓ એક કમનસીબ નિર્ણયમાં રનઆઉટ થયા. ત્યાર બાદ ઋચા ઘોષે ઝડપથી 26 રન ફટકાર્યા જેમાં બે ગગનચુંબી સિક્સર સામેલ હતી. અમનજોતકોરે પણ છેલ્લે 15 રનનું યોગદાન આપ્યું હતું. બધા જ બેટરોએ ક્રીઝ પર આવતાની સાથે દડા બગાડ્યા વગર રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ કૅચ છોડ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમે ફિલ્ડિંગ કરતી વખતે ઢગલાબંધ કૅચ છોડ્યા હતા, જેના કારણે જેમિમા રૉડ્રિગ્ઝ સહિતનાં બેટરોને જીવતદાન મળ્યું હતું. જેમિમા 82 રન પર હતાં ત્યારે 33મી ઓવરમાં વિકેટકીપર એલિસા હીલીએ તેમનો સાવ સરળ કૅચ છોડ્યો હતો.
ભારતે તે વખતે જેમિમાની વિકેટ ગુમાવી હોત તો ભારે પડી જાત. ત્યાર પછી 44મી ઓવરમાં મેકગ્રાથે પણ જેમિમાનો કૅચ છોડ્યો, જ્યારે તેઓ 106 રનના સ્કોર પર હતાં. મૅચ પછી ટીવી ઇન્ટરવ્યૂમાં હીલીએ આ વાત સ્વીકારી હતી.
હોમગ્રાઉન્ડ પર અનુકૂળ સ્થિતિ
નવી મુંબઈના સીવાય પાટીલ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમ માટે અનુકૂળ સ્થિતિ હતી. હજારો પ્રેક્ષકો ભારતીય ટીમનો જુસ્સો વધારી રહ્યા હતા, જેની સામે ઑસ્ટ્રેલિયન ટીમના સમર્થકો ગણ્યાગાંઠ્યા જ હતા.
આ ઉપરાંત સાંજના સમયે મેદાનમાં ઘાસ પર ઝાકળ છવાયું હોવાથી દડો ભીનો થઈ જતો હતો અને બૉલરોએ દરેક વખતે દડાને સાફ કરવાની જરૂર પડતી હતી, જેથી કરીને બૉલની ગ્રીપ પકડી શકાય.
આ મેદાન પર અગાઉ જે મૅચો રમાઈ હતી તે બધી લો-સ્કોર રહી હતી, પરંતુ આ મૅચ અલગ હતી અને તેમાં ભારતીય સ્પિનર્સને મદદ મળી હતી.
ઑસ્ટ્રેલિયાની ઇનિંગમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
નવી મુંબઈના ડીવાય પાટીલ સ્પૉર્ટ્સ ઍકેડૅમી ખાતે રમાયેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઑસ્ટ્રેલિયાની શરૂઆત સારી ન રહી. છઠ્ઠી ઓવરમાં અલિસા હીલી પાંચ રનના સ્કોર પર બોલ્ડ થઈ ગયાં.
ત્યાર પછી લિચફિલ્ડ અને એલિસ પેરીએ મોરચો સંભાળ્યો. લિચફિલ્ડે 77 બૉલમાં સદી ફટકારી અને 119 રનના સ્કોર પર આઉટ થયાં.
લિચફિલ્ડ અને પેરી વચ્ચે બીજી વિકેટ માટે 155 રનની ભાગીદારી બની હતી. એલિસ પેરીએ 77 રન બનાવ્યા અને રાધા યાદવના હાથે ક્લિન બોલ્ડ થયાં.
ત્યાર બાદ 46 ઓવરમાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર 300ને વટાવી ગયો. એશ્લી ગાર્ડનરે 45 બૉલમાં 63 રન બનાવ્યા હતા. શ્રી ચરણી અને દીપ્તિ શર્માને બે-બે વિકેટ મળી. ક્રાંતિ ગૌડ, અમનજોતકોર અને રાધા યાદવને એક-એક વિકેટ મળી હતી. હવે બીજી નવેમ્બરે આ જ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મુકાબલો થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












